Market Summary 21 April 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

તેજીવાળાઓ મક્કમ રહેતાં બેન્ચમાર્ક્સમાં દોઢ ટકા ઉછાળો
નિફ્ટીએ 17300ની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 17.85ના સ્તરે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સર્વોચ્ચ સપાટી બનાવી
ઓટો, ફાર્મા, એનર્જી સેક્ટર્સમાં બીજા દિવસે લેવાલી
ચીનનું બજાર 2 ટકા પટકાયું
ભારતીય બજારમાં તેજીવાળાઓના પુનઃપ્રવેશ પાછળ બીજા દિવસે મજબૂતી જળવાય રહી હતી. જેની પાછળ બેન્ચમાર્ક્સમાં દોઢ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 874 પોઈન્ટ્સ ઉછળી 57912ના સ્તરે જ્યારે નિફ્ટી 256 પોઈન્ટ્સ ઉછળી 17393ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ગગડી 17.85ના સ્તરે જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 43 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 7 જ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ લેવાલી પરત ફરી હતી અને બીએસઈ ખાતે બે શેરમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
માર્કેટને સપોર્ટ આપવામાં હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ભૂમિકા મહત્વની બની રહી હતી. કંપનીનો શેર 2 ટકાથી વધુ સુધરી તેની સર્વોચ્ચ સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. ત્રણ દિવસોમાં તે 10 ટકા જેટલો સુધરી ચૂક્યો છે. રિલાયન્સ ઉપરાંત કોલ ઈન્ડિયા, મારુતિ, એચડીએફસી સહિતના લાર્જ-કેપ્સમાં પણ સુધારો જળવાયો હત. કોટક બેંક, ટીસીએસ અને બજાજ ફિનસર્વ પણ 2 ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. સાથે એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા અને અદાણી પોર્ટ્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જ્યારે સિપ્લા, ટાટા સ્ટીલ, હિંદાલ્કો, ઓએનજીસી જેવા કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. ભારતી એરટેલ અને બજાજ ઓટો પણ નરમ બંધ જોવા મળ્યાં હતાં. ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એલએન્ડટી ફાઈનાન્સ 9.27 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. જ્યારે જ્યુબિલિઅન્ટ ફૂડ 7.8 ટકા, બાયોકોન 6 ટકા, ચંબલ ફર્ટિલાઈઝર 5.5 ટકા, મણ્ણાપુરમ ફાઈ. 5.2 ટકા અને એપોલ ટાયર્સ 5 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ જીંદાલ સ્ટીલ 3 ટકા, ટાટા કોમ 2.3 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 2 ટકા અને પીવીઆર સિનેમા 1.75 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
બ્રોડ માર્કેટમાં ભારે લેવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3521 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2276 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1145 ઘટાડા દર્શાવતાં હતાં. 167 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 17 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.07 ટકા સુધારા સાથે જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.55 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. લગભગ મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો પણ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જેમાં નિફ્ટી ઓટો 2.23 ટકા, નિફ્ટી આઈટી 1.36 ટકા, નિફ્ટી ફાર્મા 1.2 ટકા, નિફ્ટી એનર્જી 1.2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બેંક નિફ્ટી પણ 1.4 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં ચીન અને હોંગ કોંગ સિવાય સાર્વત્રિક સુધારો જોવા મળતો હતો. ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 2.26 ટકા ગગડી 3079.81ના વાર્ષિક તળિયા પર બંધ રહ્યો હતો. જ્યારે હેંગ સેંગ 1.25 ટકા ઘટાડો દર્શાવતો હતો. જાપાનનું બજાર 1.23 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યું હતું. જ્યારે યુરોપના બજારો 2 ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. બુધવારે રાતે નાસ્ડેક 1.22 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

RILનું માર્કેટ-કેપ રૂ. 19 લાખ કરોડની નજીક પહોંચ્યું
મુકેશ અંબાણીની વેલ્થ 50 ટકાથી વધુ હિસ્સા લેખે રૂ. 9.5 લાખ કરોડ નજીક
બીજા ક્રમે TCSના રૂ. 13.28 લાખ કરોડ એમ-કેપથી રૂ. 5.54 લાખ કરોડ ઊંચું માર્કેટ-કેપ
દેશના શેરબજાર પર સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ-કેપ ગુરુવારે નવી ઊંચાઈ પર પહોંચ્યું હતું. બીએસઈ ખાતે ગુરુવારના બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 18.82 લાખ કરોડ પર હતું. જે રૂ. 19 લાખ કરોડથી માત્ર રૂ. 18 હજાર કરોડ છેટે જોવા મળતું હતું. કંપનીનો શેર 2.35 ટકા ઉછળી રૂ. 2782.15ની ટોચ પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 2788.80ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
ગુરુવારના માર્કેટ-કેપ બાદ દેશમાં બીજા ક્રમનું માર્કેટ-કેપ ધરાવતી ટાટા જૂથની ટીસીએસની સરખામણીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 5.54 લાખ કરોડનું ઊંચું માર્કેટ-કેપ દર્શાવતી હતી. ટીસીએસનું માર્કેટ-કેપ રૂ. 13.28 લાખ કરોડ પર જોવા મળતું હતું. છેલ્લાં ત્રણ દિવસોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 10 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. જેની પાછળ કંપનીનો શેર અગાઉ ઓક્ટોબર 2021માં દર્શાવેલી રૂ. 2750ની સર્વોચ્ચ ટોચને પાર કરી નવા ઝોનમાં પ્રવેશ્યો છે. કંપનીના શેરમાં તાજેતરના બ્રેકઆઉટ બાદ એનાલિસ્ટ્સ હવે રિલાયન્સમાં રૂ. 3000ના સ્તરની શક્યતાં દર્શાવી રહ્યાં છે. જે આમ થશે તો તે રૂ. 20 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવનાર પ્રથમ કંપની બનશે. તાજેતરમાં ક્રૂડના ભાવમાં મજબૂતીને કારણે ઓઈલ કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે. કંપની રિફાઈનીંગ ક્ષેત્રે સૌથી મોટી કંપની છે. સાથે તે ઓઈલ અને ગેસ એક્સપ્લોરેશન, રિટેલ, ડિજિટલ સર્વિસિઝ અને મિડિયા ક્ષેત્રે પણ સક્રિય છે. એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન કંપનીના બિઝનેસમાં ઓટુસી અને ઓઈલ એન્ડ ગેસે એબિટામાં 50 ટકા હિસ્સાનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિટેલ, ડિજિટલ અને અન્ય બિઝનેસિસે અનુક્રમે 10 ટકા, 34 ટકા અને 6 ટકાનું યોગદાન દર્શાવ્યું હતું. મોર્ગન સ્ટેનલીએ એનર્જી ક્ષેત્રે જોવા મળી રહેલી તેજી બાદ કંપનીના શેર માટે રૂ. 3253નો પ્રાઈસ ટાર્ગેટ બાંધ્યો છે. કંપનીમાં 50 ટકાથી વધુ ઈક્વિટી હિસ્સો ધરાવતાં પ્રમોટર મુકેશ અંબાણીની વેલ્થ પણ રૂ. 9.5 લાખ કરોડને પાર કરી ગઈ છે.

એલઆઇસી IPO માટે સરકાર નવા નિયમોમાંથી રાહત ઇચ્છે તેવી શક્યતા
સેબી અને આરબીઆઈને એન્કર ઈન્વેસ્ટર્સ માટે લોક-ઈન તથા આઈપીઓ ફાઈનાન્સિંગ પર રૂ. 1 કરોડની મર્યાદા હળવી કરવા જણાવશે
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)ના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે એન્કર ઇન્વેસ્ટર્સના લોક-ઇન-પિરિયડ તથા હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યૂઅલ (એચએનઆઇ) ફંડિંગ ઉપર મર્યાદા સંબંધિત તાજેતરમાં રજૂ કરાયેલા અને હજી સુધી પારખવામાં ન આવેલા નિયમો લાગુ પડવા બાબતે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) પાસેથી ખાસ છૂટછાટ માગે તેવી શક્યતા છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ 1 એપ્રિલ, 2022થી એન્કર ઇન્વેસ્ટર્સ કેટેગરી હેઠળ અરજી કરનાર 50 ટકા માટે લોક-ઇન-પિરિયડના દિવસો 30 દિવસથી વધારીને 90 દિવસ કર્યાં છે. આ દરમિયાન આરબીઆઇએ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ (એનબીએફસી) દ્વારા આઇપીઓ ફંડિંગ માટે મહત્તમ રૂ. 1 કરોડની મર્યાદા નિર્ધારિત કરી છે. આ નવા નિયમોની પરખ માટે એલઆઇસીનો આઇપીઓ સંભવતઃ પ્રથમ સૌથી મોટું શેર વેચાણ હોઇ શકે છે.
જોકે, સરકાર સેબી અને આરબીઆઇને નવી એન્કર લોક-ઇન જરૂરિયાતોને હળવા કરવા માટે સૂચન કરે તેવી અપેક્ષા છે. વધુમાં આઇપીઓ ફંડિંગ ઉપર રૂ. 1 કરોડની મર્યાદાને પણ હળવી કરવામાં આવે તો તેનાથી લાભ થઇ શકે છે. આઇપીઓ ખૂબજ વોલેટાઇલ માર્કેટમાં આવી રહ્યો છે ત્યારે એલઆઇસી જેવાં મોટા આઇપીઓ માટે આ નવા નિયમો લાગુ ન કરવામાં આવે તેવી માગ છે. આ માટે સરકાર ઔપચારિક રજૂઆત કરશે તેવી સંભાવનાઓ છે.
IPO માટેના નવા નિયમો
• અગાઉ 50 ટકા એન્કર ઈન્વેસ્ટર્સ માટે 30 દિવસોના બદલે હવેથી 90 દિવસનો લોક-ઈન પિરિયડ
• એનબીએફસી દ્વારા આઈપીઓ ફાઈનાન્સિંગ સામે અગાઉ કોઈપણ મર્યાદા નહિ હોવા સાથે હવે રૂ. 1 કરોડની મર્યાદા
• એચએનઆઈ કેટેગરીમાં ત્રીજો હિસ્સો રૂ. 2 લાખથી રૂ. 10 લાક માટે રિઝર્વ
• પ્રાઈસ બેન્ડના અપર તથા લોઅર એન્ડ વચ્ચે લઘુત્તમ મર્યાદા

સરકાર BPCLના ખાનગીકરણ અંગે શરતોમાં બદલાવ કરશે
કેન્દ્ર સરકાર ઓઈલ માર્કેટિંગ કંપની બીપીસીએલના ખાનગીકરણ અંગે વેચાણની શરતો સહિત નવેસરથી વિચારણા કરે તેવી શક્યતાં અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ બીપીસીએલ અંગે અમારી ફરી ડ્રોઈંગ બોર્ડ પર જવું પડશે. કોન્સોર્ટિયમ ફોર્મેશન, જીઓપોલિટિકલ સ્થિતિ અને એનર્જી ટ્રાન્ઝીશનના મુદ્દાઓ સંદર્ભમાં કેટલાંક સવાલો ઊભા થયાં છે. સરકાર બીપીસીએલમાં તેનો સમગ્ર 52.98 ટકા હિસ્સો વેચાણ માટે તૈયાર થઈ હતી. જે માટે તેણે ત્રણ પાર્ટીઓ તરફથી એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ મંગાવ્યાં હતાં. જેમાં બિલિયોનર અનિલ અગ્રવાલના વેદાંતા જૂથનો સમાવેશ પણ થાય છે. જોકે સરકારે ફાઈનાન્સિયલ બીડ્સ હજુ મંગાવવાના બાકી હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ ગ્રીન અને રિન્યૂએબલ ફ્યુઅલ તરફ ટ્રાન્ઝીશનને જોતાં વર્તમાન નિયમોમાં ખાનગીકરણ કઠિન બન્યું છે.
NCDEXએ દૈનિક રૂ. 1858 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું
દેશમાં એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એનસીડેક્સે નાણાકિય વર્ષ 2021-22માં દૈનિક ધોરણે સરેરાશ રૂ. 1858 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. જે વાર્ષિક 47 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કોમેક્સે છેલ્લાં ત્રણ નાણા વર્ષોમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવી હતી. 2020-21 દરમિયાન એક્સચેન્જે દૈનિક સરેરાશ રૂ. 1261 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. ગયા વર્ષ દરમિયાન સોયા કોમ્પલેક્સ, સરસવ અને ચણા સહિતની કોમોડિટીઝમાં ફ્યુચર્સ ટ્રેડિંગ પર પ્રતિબંધ છતાં કામકાજ વધ્યું હતું. એક્સચેન્જે દેશમાં કુલ કૃષિ વાયદા વેપારમાં 80 ટકા હિસ્સો દર્શાવ્યો હતો. 2021-22માં માસિક ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 3554 કરોડ પર જોવા મળ્યું હતું. જે વાર્ષિક ધોરણે 32 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
નાણા વર્ષ 2021-22માં 13.5 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી ક્ષમતાનો ઉમેરો
ગયા નાણાકિય વર્ષ 2021-22માં દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષમતામાં 13.5 ગીગાવોટ ક્ષમતાનો ઉમેરો થયો હતો. જે 2020-21માં થયેલી ક્ષમતા વૃદ્ધિની સરખામણીમાં 128 ટકા જેટલી વધુ હતી. વિવિધ સેગમેન્ટવાર જોઈએ તો સોલાર ક્ષમતામાં 10.21 ગીગાવોટ ક્ષમતા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે વિન્ડ પાવરમાં 1.11 ગીગાવોટ અને રુફટોપ સોલાર ક્ષમતામાં 2.22 ગીગાવોટ ક્ષમતાની વૃદ્ધિ નોંધાઈ હતી. 12 મહિનામાં રાજસ્થાનમાં 5806 મેગાવોટ જ્યારે ગુજરાતમાં 2469 મેગાવોટ સાથે સૌથી ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ
નેસ્લે ઈન્ડિયાઃ એફએમસીજી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 595 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ત્રિમાસિક ધોરણે 1.25 ટકા ઘટાડો દર્શાવતો હતો. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 602.25 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીનું વેચાણ વાર્ષિક ધોરણે 9.74 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3950.90 કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીના ખર્ચમાં રૂ. 12.98 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે તેનું સ્થાનિક વેચાણ 10.23 ટકા વધ્યું હતું.
ઓઈલ ઈન્ડિયાઃ પીએસયૂ ઓઈલ એક્સપ્લોરેશન કંપનીએ આસામના જોરહાટ ખાતે સંપૂર્ણપણે ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટને કાર્યરત કર્યો છે.
ડો. રેડ્ડીઝ લેબોઃ અગ્રણી ફાર્માસ્યુટીકલ કંપનીએ યુએસ ખાતે નોક્સાફિલ ટેબલેટ્સનું જેનેરિક વર્ઝન લોંચ કર્યું છે.
આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 340 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 3.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપની રૂ. 357 કરોડના અંદાજને ચૂકી હતી. કંપનીની આવક વાર્ષિક 21 ટકા વધી રૂ. 892 કરોડ પર રહી હતી.
ટાટા એલેક્સિઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 160 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 39 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 32 ટકા ઉછળી રૂ. 682 કરોડ પર જોવા મળી હતી.
ઈન્ફોસિસઃ ટોચની આઈટી કંપનીએ ડિજિટલ એક્સપિરિયન્સ અને માર્કેટિંગ એજન્સી ઓડિટીની ખરીદીની કાર્યવાહી પૂર્ણ કરી છે.
ઉડ્ડયન કંપનીઓઃ ડીજીસીએના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિકમાં વાર્ષિક ધોરણે 36.7 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને પેસેન્જર્સની સંખ્યા 1.07 કરોડ પર જોવા મળી હતી.
યુનાઈટેડ બ્રૂઅરિઝઃ કંપનીએ તેની આઈકોનિક બ્રાન્ડ કિંગફિશર માટે રશ્મિકા મંદાના અને વરૂણ ધવનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. બ્રાન્ડનું નવું ‘સ્પ્રેડ ધ ચિયર્સ’ કેમ્પેઇન કિંગફિશરના આ વર્ષની ‘યર ઓફ ધ ચિયર્સ’ તરીકે ઉજવણીને માર્ક કરે છે.
અતુલ ઓટોઃ કંપનીએ બેટરી સ્વેપિંગ સોલ્યુશન સાથેના ઈલેક્ટ્રિક વ્હીકલ્સ માટે વાલેઓ અને હોન્ડા પાવર પેક એનર્જી ઈન્ડિયા સાથે જોડાણ કર્યું છે. અતુલ ગ્રીનટેક પ્રાઈવેટ લિમિટેડ લાસ્ટ માઇલ ઇલેક્ટ્રિક મોબીલિટી માટે ઈનોવેટિવ સોલ્યુશન્સ ડિઝાઈન અને ડેવલપ કરી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage