માર્કેટ સમરી
કોવિડ વાઈરસના નવા વેરિઅન્ટ પાછળ નિફ્ટી પટકાયો
યુકે ખાતે કોવિડ વાઈરસનો ઝડપી સંક્રમણ ફેલાવતો નવો જ પ્રકાર શોધાયો હોવાથી ઈંગ્લેન્ડમાં લોકડાઉન પાછળ યુરોપ બજારોમાં નરમાઈ પાછળ ભારતીય બજાર પણ ઊંધે માથે પટકાયું હતું. નિફ્ટી દિવસની 13778 ટોચથી 13131 પર પટકાયો હતો અને આખરે 13328 પર 3.14 ટકા ઘટાડે બંધ આવ્યો હતો. સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટ્સ ગગડી બંધ રહ્યો હતો.
બેંક નિફ્ટી 4 ટકા તૂટ્યો
બેંકિંગે ઘટાડાની આગેવાની લીધી હતી. બેંક નિફ્ટી 29200ના તેના 34-ડીએમએના સ્તરને સ્પર્શી સહેજ ઉપર બંધ રહ્યો હતો. તેના માટે આ સ્તર મહત્વનો નજીકનો સપોર્ટ છે. જે તૂટતાં વધુ ઘટાડો સંભવ છે.
સાત મહિના બાદ બેન્ચમાર્ક્સમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો
અગાઉ 18 મેના રોજ સેન્સેક્સ 1071 પોઈન્ટ્સ સાથે 3.4 ટકા તૂટ્યો હતો જ્યારે 4 મેના રોજ 2000 પોઈન્ટ્સ તૂટ્યો હતો
સોમવારના ઘટાડા બાદ નિફ્ટી અને બેંક નિફ્ટી તેમના મહત્વના સપોર્ટ નજીક બંધ રહ્યાં છે, જે તૂટતાં ટ્રેન્ડ બદલાય શકે છે
ભારતીય શેરબજારે સોમવારે સાત મહિના બાદ સૌથી તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી, બંને સોમવારે 3 ટકાથી વધુ ઘટીને બંધ આવ્યાં હતાં. અગાઉ 18 મેના રોજ સેન્સેક્સમાં 3.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે વખતે તે 1071 પોઈન્ટ્સ ઘટ્યો હતો. જ્યારે અંતિમ આંકડાની રીતે જોઈએ તો 4 મેના રોજ સેન્સેક્સ 2000 પોઈન્ટસથી વધુ ઘટ્યો હતો. જોકે તે વખતે તેનો એકદિવસીય ઘટાડો 5.9 ટકા જેટલો હતો.
સોમવારના ઘટાડાને એનાલિસ્ટ્સ એક કરેક્શન તરીકે જોઈ રહ્યાં છે. તેઓ જણાવે છે કે માર્કેટ ઓવરબોટ ઝોનમા હતું અને તેથી કરેક્શન અનિવાર્ય હતું. જોકે માર્કેટમાં એક દિવસમાં આટલા તીવ્ર કરેક્શનની અપેક્ષા નહોતી. માર્કેટ જે રીતે તબક્કાવાર વધ્યું હતું તે રીતે ધીમે-ધીમે ઘટે તો ટ્રેડર્સને એક્ઝિટ ઉપરાંત પેનિકની સ્થિતિ પણ ના સર્જાય. તેઓ ઉમેરે છે કે વિતેલા સપ્તાહે ડોલર ઈન્ડેક્સના જોવા મળેલું પોઝીટીવ ડાયવર્જન્સ પણ નવા સપ્તાહે એક કરેક્શનની શક્યતાનો સંકેત આપી રહ્યો હતો. ગુરુવારે 90ની સપાટી નીચે અઢી વર્ષના તળિયા પર ઉતરી ગયેલા ડોલર ઈન્ડેક્સમાં લાંબા સમયથી નરમાઈને કારણે અન્ય એસેટ ક્લાસિસ જેવાકે ઈક્વિટીઝ અને ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી જોવા મળી હતી. જોકે સોમવારે ડોલર ઈન્ડેક્સમાં ઘણા સમયબાદ બાઉન્સ જોવા મળ્યું હતું. જ્યારે અન્ય એસેટ ક્લાસિસમાં નરમાઈ જોવા મળી હતી. જોકે સોમવારે બજારમાં પેનિક નહોતું જોવાયું. ટ્રેડર્સે લેણ ફૂંકવા માટે ધસારો નહોતો કર્યો. માર્કેટ આગામી એકાદ-બે ટ્રેડિંગ સત્રો દરમિયાન કેવો દેખાવ દર્શાવે છે તે મહત્વનું બની રહેશે.
નિફ્ટી મીડ-કેપ 4.81 ટકા અને સ્મોલ-કેપ 5.03 ટકા તૂટ્યો
મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. છેલ્લા ત્રણ મહિનાથી અસાધારણ તેજી દર્શાવનાર મીડ અને સ્મોલ-કેપ્સમાં લાંબા સમયબાદ ખરીદારો દૂર હતાં. જોકે સતત સુધારા બાદ એક કરેક્શનની જરૂરિયાત હતી અને તેથી ક્યાંય કોઈ પેનિક નહોતું.
બજારમાં અંતિમ ચાર મહિનાની સૌથી ખરાબ માર્કેટબ્રેડ્થ જોવા મળી
સોમવારે બેન્ચમાર્ક્સમાં 3 ટકાથી વધુના ઘટાડા વચ્ચે માર્કેટ બ્રેડ્થ ચાર મહિનાની સૌથી ખરાબ જોવા મળી હતી. માર્કેટ ખૂલ્યું ત્યારે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. જોકે ધીમે-ધીમે તે ઘસાતી રહી હતી અને એક તબક્કે ચારથી વધુ શેર્સમાં ઘટાડા સામે એક શેર્સમાં સુધારો જોવા મળતો હતો. બીએસઈ ખાતે 3188 ટ્રેડડ કાઉન્ટર્સમાં 2437 કાઉન્ટર્સ તેમના અગાઉના ભાવથી ઘટીને બંધ દર્શાવતાં હતાં. જ્યારે 577 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. જોકે પોઝીટીવ ટ્રેડ દર્શાવનારા કાઉન્ટર્સમાં 223 શેર્સે તેમની 52-સપ્તાહની ટોચ નોંધાવી હતી. જ્યારે 258 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં.
સેન્સેક્સના તમામ શેર્સમાં નરમાઈ જોવા મળી
સોમવારે બજાર નરમ ઓપનીંગ દર્શાવી સાધારણ પોઝીટીવ થયા બાદ તરત રેડ ઝોનમાં પ્રવેશ્યું હતું. જોકે બપોર સુધી આઈટી કાઉન્ટર્સ જેવાકે ઈન્ફોસિસ તથા નેસ્લે જેવા એફએમસીજી કાઉન્ટર્સમાં એક ટકા સુધીનો સુધારો જોવા મળતો હતો. જોકે માર્કેટમાં તીવ્ર વેચવાલી પાછળ તમામ ઈન્ફોસિસ જેવા કાઉન્ટરે સુધારો ગુમાવ્યો હતો અને એક ટકા નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. સેન્સેક્સ કાઉન્ટર્સમાં ઓએનજીસી 9 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક 8 ટકા સાથે બીજા ક્રમે ઘટાડો દર્શાવતી હતી. 5 ટકાથી વધુ ઘટાડો દર્શાવતાં સેન્સેક્સ કાઉન્ટર્સમાં એમએન્ડએમ, એસબીઆઈ અને એનટીપીસીનો સમાવેશ થતો હતો.
વૈશ્વિક ક્રૂડમાં 5 ટકાથી વધુનો ઘટાડો
ઈંગ્લેન્ડ ખાતે અલગ પ્રકારના કોવિડના અહેવાલો પાછળ વૈશ્વિક ક્રૂડમાં વેચવાલી જોવા મળી હતી અને તે 5 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતું હતું. એશિયા માટે બેન્ચમાર્ક તરીકે ઉપયોગમાં લેવામાં આવતું બ્રેન્ટ ક્રૂડ 5.4 ટકા અથવા 2.83 ડોલરના ઘટાડે 49.40 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થતું હતું. જ્યારે યુએસ ખાતે ડબલ્યુટીઆઈ લાઈટ સ્વીટ ક્રૂડ 5.7 ટકા ઘટી 46.44 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. બ્રેન્ટ ક્રૂડ 14 ડોલરના માર્ચ મહિનાના તળિયેથી સુધરીને 51 ડોલર પર ટ્રેડ થયું હતું.