માર્કેટ સમરી
શોર્ટ કવરિંગ પાછળ માર્કેટમાં પ્રત્યાઘાતી સુધારો નોંધાયો
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે હાઈ પરથી અડધો સુધારો ગુમાવી 497 પોઈન્ટ્સ વધી બંધ આવ્યો
બ્રોડ માર્કેટમાં લેવાલી પાછળ બીએસઈ ખાતે 3431 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2239 પોઝીટીવ બંધ રહ્યાં
મેટલ, આઈટી અને એનર્જી ક્ષેત્રે જોવા મળેલી ખરીદી
નિફ્ટી કાઉન્ટર્સમાં એચસીએલ ટેક, વિપ્રો, યૂપીએલ અને અદાણી પોર્ટ્સ સુધરવામાં ટોચ પર
સતત બે સત્રોમાં તીવ્ર વેચવાલી બાદ મંગળવારે સ્થાનિક શેરબજારને રાહત સાંપડી હતી. વૈશ્વિક બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ પાછળ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં બાદ વધુ સુધારો નોંધાવી બજારો સમગ્ર દિવસ દરમિયાન વધ-ઘટ વચ્ચે ગ્રીન ઝોનમાં જ બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 497 પોઈન્ટ્સ સુધારા સાથે 56319ની સપાટીએ જ્યારે નિફ્ટી 157 પોઈન્ટ્સના સુધારે 16771 પર બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7.6 ટકા ઘટાડા સાથે 17.53ના સ્તરે જોવા મળ્યો હતો. માર્કેટમાં શોર્ટ કવરિંગ પાછળ નિફ્ટીના 50માંથી માત્ર 11 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 39 કાઉન્ટર્સ ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં.
ગયા સપ્તાહે અવિરત નરમાઈ બાદ સોમવારે પણ માર્કેટે તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો અને તેથી એનાલિસ્ટ્સ નજીકમાં એક બાઉન્સની અપેક્ષા રાખી રહ્યાં હતાં. યુએસ ખાતે શેરબજારો સોમવારે તેમના તળિયેથી થોડી રિકવરી સાથે બંધ જોવા મળ્યાં હતાં. જેની પાછળ તમામ એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવતાં હતાં. જેણે ભારતીય બજારને ગેપ-ડાઉન ઓપનીંગ માટે સહાયતા કરી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 16614.20ના બંધ સામે 16773.15ની સપાટી પર ખૂલી ઝડપથી સુધરી 16936.40ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે બપોર બાદ એક સમયે તેણે તમામ સુધારો ગુમાવ્યો હતો અને ફ્લેટ દર્શાવ્યું હતું. બજાર બંધ થાય તે પહેલાં ફરી લેવાલી નીકળી હતી અને બેન્ચમાર્ક્સ લગભગ એક ટકાનો પોઝીટીવ સુધારો દર્શાવી શક્યાં હતાં. વૈશ્વિક સ્તરે ડાઉ ફ્યુચર્સમાં 300 પોઈન્ટ્સથી વધુનો સુધારો જોવા મળતો હતો અને તેથી બજારો સુધારો જાળવી શક્યાં હતાં. એનાલિસ્ટના મતે નિફ્ટી માટે 16400નું સ્તર નજીકનો સપોર્ટ બન્યો છે. જે અકબંધ રહેશે ત્યાં સુધી બજારમાં વધુ ઘટાડાની શક્યતાં નથી. જ્યારે ઉપરમાં 16800નું સ્તર પાર કરવું થોડું કઠિન બની રહેશે. જ્યાં સુધી નિફ્ટી આ સ્તર નહિ કૂદાવે ત્યાં સુધી તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. જે દરમિયાન મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં રોકાણકારોનો રસ વધી શકે છે.
મંગળવારે બજારને મેટલ્સ અને આઈટી તરફથી મુખ્ય સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.94 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જેમાં એલ્યુમિનિયમ કાઉન્ટર્સ સુધરવામાં ટોપ પર હતાં. નાલ્કો 6 ટકા, મોઈલ 5 ટકા અને વેદાંત 4 ટકા આસપાસનો સુધારો દર્શાવતાં હતાં. સ્ટીલ શેર્સમાં પણ બાઈંગ જોવા મળ્યું હતું. લાર્જ-કેપ્સમાં આઈટી શેર્સમાં મુખ્ય ખરીદી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.98 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. કોફોર્જ, એચસીએલ ટેક, વિપ્રો, એલએન્ડટી ઈન્ફોટેક, માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઓએફએસએસ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં.
માર્કેટમાં બ્રોડ બેઝ ખરીદી પાછળ માર્કેટ બ્રેડ્ઝ ઘણી પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3431 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2239 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 1095 કાઉન્ટર્સ નેગેટિવ રહ્યાં હતાં. 97 કાઉન્ટર્સે ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. 377 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 243 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. 199 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ જ્યારે 34 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું.
મેપમાઈઈન્ડિયાનું 53 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટીંગ
ચાલુ કેલેન્ડરના આખરી લિસ્ટીંગ્સમાંના એક એવા સીઈ ઈન્ફો સિસ્ટમ્સ(મેપમાઈઈન્ડિયા)નું મંગળવારે 53 ટકા પ્રિમીયમે લિસ્ટીંગ થયું હતું. કંપનીનો શેર રૂ. 1033ના ઓફરભાવ સામે બીએસી ખાતે રૂ. 1581ની સપાટીએ ખૂલી રૂ. 1586.85ની ટોચ દર્શાવી નીચે રૂ. 1282.20ના તળિયે ટ્રેડ થયો હતો. કામકાજના અંતે તે ઓફરભાવથી 35 ટકા પ્રિમીયમે રૂ. 1394.55 પર બંધ રહ્યો હતો. કંપનીનો આઈપીઓ 155 ગણો છલકાયો હતો. ગ્રે-માર્કેટ પ્રિમીયમ મુજબ તો રિટેલને લઘુત્તમ અરજી પર રૂ. 11 હજાર મળવાની ગણતરી હતી. જોકે સેકન્ડરી માર્કેટમાં સેન્ટિમેન્ટ ખરડાતાં રૂ. 7500નો લિસ્ટીંગ લાભ જ મળ્યો હતો.
ક્રૂડ-ચાંદીમાં ખરીદી પાછળ બાઉન્સ જોવાયું
સોમવારે ઝડપી ઘટાડો દર્શાવનાર ક્રૂડ અને સિલ્વરમાં મંગળવારે બાઉન્સ જોવા મળ્યું હતું. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો લગભગ 2 ટકા સુધારા સાથે 72.70 ડોલર પ્રતિ બેરલની સપાટી પર ટ્રેડ થયું હતું. જેની પાછળ એમસીએક્સ ખાતે જાન્યુઆરી ક્રૂડ વાયદો 2.7 ટકા સુધારા સાથે રૂ. 5287ના સ્તરે ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સમાં મજબૂતી પાછળ સોનુ નરમ હોવા છતાં ચાંદી સુધારો દર્શાવતી હતી. એમસીએક્સ માર્ચ સિલ્વર વાયદો રૂ. 789 અથવા 1.3 ટકા સુધારા સાથે રૂ. 62206ના સ્તર પર ટ્રેડ થતો હતો. એનાલિસ્ટ્સના મતે ચાંદીમાં રૂ. 63500નો સ્તર અવરોધ તરીકે કામ કરી રહ્યો છે. જે પાર થતાં ચાંદી ઝડપી સુધારો દર્શાવી શકે છે.
સીએમએસ ઇન્ફોએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 330 કરોડ મેળવ્યાં
કેશ મેનેજમેન્ટ કંપની સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સે તેના આઈપીઓ અગાઉ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 330 કરોડનું ઊભા કર્યાં છે. કંપનીએ શેરદીઠ રૂ. 216ની કિંમતે 12 એન્કર ઇન્વેસ્ટર્સને 1.53 કરોડ ઇક્વિટી શેર્સની ફાળવણી દ્વારા રૂ. 330 કરોડ મેળવ્યાં છે. એન્કર ઇન્વેસ્ટર્સમાં ગોલ્ડમેન સેક્સ, નોમુરા, એસબીઆઇ લાઇફ ઇન્સ્યો., આઇસીઆઇસીઆઇ પ્રુડે. એમએફ, આદિત્ય બિરલા સનલાઇફ એમએફ વગેરે સામેલ છે. કંપનીનો આઈપીઓ 21થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે અને પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ રૂ. 205-216 નક્કી કરવામાં આવ્યો છે.
વૈશ્વિક ફંડ્સની ભારતમાં વેચવાલીએ રૂપિયો નબળી એશિયન કરન્સી બન્યો
ચાર અબજ ડોલરના આઉટફ્લો પાછળ છેલ્લાં એક ક્વાર્ટરમાં ડોલર સામે રૂપિયો 2.2 ટકા ઘસાયો
ભારતીય ચલણ કેલેન્ડર 2021માં દેખાવની રીતે એશિયન ચલણોમાં ખરાબ દેખાવ દર્શાવનાર કરન્સિઝમાંનું એક બની રહેશે. દેશમાંથી વૈશ્વિક ફંડ્સની સતત વેચવાલીને કારણે ચલણમાં નરમાઈ જોવા મળી રહી છે. છેલ્લાં એક ક્વાર્ટરની વાત કરીએ તો વિદેશી રોકાણકારોએ 4 અબજ ડોલરનો આઉટફ્લો દર્શાવ્યો છે. જેને કારણે ડોલર સામે રૂપિયો 2.2 ટકા ગગડ્યો છે. જોકે ભારત ઉપરાંત અન્ય એશિયન ચલણો જેવાકે કોરિયન વોન વગેરેમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ ગોલ્ડમેન સાચ ગ્રૂપ ઈન્ક અને નોમુરા હોલ્ડિંગ્સ ઈન્કે તેમના ભારતીય ઈક્વિટીઝ માટેના તેમના આઉટલૂકમાં ઘટાડો કર્યો હતો. ઓમિક્રોનને કારણે વૈશ્વિક શેરબજારોમાં જ્યારે ઘટાડો જોવામ ળી રહ્યો છે ત્યારે તેમણે ભારતીય બજારના ઊંચા વેલ્યુએશન્સને કારણભૂત ગણાવ્યાં હતાં. ઉપરાંત વિક્રમી વેપારી ખાધ અને યુએસ ફેડરલ રિઝર્વ પાછળ આરબીઆઈના પોલિસી ડાયવર્જન્સ જેવા કારણો તેમણે આપ્યાં હતાં. અગ્રણી બ્રોકરેજ હાઉસના ગ્લોબલ માર્કેટ્સ હેડના મતે મોનેટરી પોલિસી ડાયવર્જન્સ અને કરન્ટ એકાઉન્ટના વધતાં ગાળા પાછળ નજીકના સમયગાળામાં રૂપિયો ઘસાઈ રહ્યો છે. રૂપિયામાં ઘટાડો એ આરબીઆઈ માટે બેધારી તલવાર જેવું છે. એકબાજુ નબળા ચલણને કારણે નિકાસને સપોર્ટ મળી રહેશે. જ્યારે બીજી બાજુ ક્રૂડની આયાત મોંઘી બનતાં ઈન્ફ્લેશનને વેગ મળી શકે છે. સેન્ટ્રલ બેંક માટે ઈન્ટરેસ્ટ રેટ્સને લાંબા સમય સુધી ઐતિહાસિક નીચા સ્તરે જાળવી રાખવું અઘરું બની રહેશે. એક કરન્સી એનાલિસ્ટના જણાવ્યા મુજબ રૂપિયો આગામી માર્ચ મહિનાના મધ્ય સુધીમાં 78 ડોલરની સપાટી દર્શાવે તેવી અપેક્ષા છે. અગાઉ રૂપિયાએ એપ્રિલ 2020માં 76.9088નું ઐતિહાસિક નીચી સપાટી દર્શાવી હતી. બ્લૂમબર્ગે ટ્રેડર્સ અને એનાલિસ્ટ્સના એક હાથ ધરેલા સર્વે મુજબ રૂપિયો 76.50ની આસપાસ જળવાશે. ચાલુ વર્ષે તે સતત ચોથા વર્ષે ઘટાડા સાથે બંધ રહેશે. વિદેશી સંસ્થાઓના વેચાણ પાછળ ભારતીય બેન્ચમાર્ક સેન્સેક્સ તેની સર્વોચ્ચ સપાટી પરથી 10 ટકા કરતાં વધુ ઘટાડો સૂચવી રહ્યો છે. એમએસસીઆઈના ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સના 12ના એક વર્ષ માટેના ફોરવર્ડ પીઈ સામે સેન્સેક્સ 21ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે જોતાં ભારતીય બજારમાં વધુ ઘટાડો જોવા મળે તેવી શક્યતાં પણ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે. દેશની વેપાર ખાધમાં સતત વૃદ્ધિને કારણે રૂપિયાને લઈને બેરિશ કોલ્સમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. નવેમ્બરમાં દેશમાં વેપારી ખાધ 23 અબજ ડોલરની વિક્રમી સપાટી પર રહી હતી.
દેશમાં 2021માં 60 અબજ ડોલર સાથે ઊંચા M&A સોદા જોવા મળ્યાં
2021માં 90 ટકા સોદામાં ખરીદાર ફર્સ્ટ બાયર હતો
દેશમાં કેલેન્ડર 2021માં મર્જર એન્ડ એક્વિઝિશન્સ લગભગ તેની વિક્રમી ટોચ નજીક જોવા મળ્યું હતું. બેઈન એન્ડ કંપનીના તાજેતરના રિપોર્ટ મુજબ પૂરા થવા જઈ રહેલા વર્ષ દરમિયાન 60 અબજ ડોલરના મૂલ્યના એમએન્ડએ ડીલ થયાં હતાં. જેનું મુખ્ય કારણ બિઝનેસમેન દ્વારા તેમના બિઝનેસિસને ટ્રાન્સફોર્મ કરવાની ઈચ્છાશક્તિ હતી. આ વખતે પહેલીવાર એવું જોવા મળ્યું હતું કે બાયર્સની આતુરતાને કારણે ઊંચા વોલ્યુમ્સ જોવા મળ્યાં હતાં.
કન્સલ્ટન્સી કંપનીએ ઈન્ડિયા એમએન્ડએઃ એક્વારિંગ ટુ ટ્રાન્સફોર્મ નામે રજૂ કરેલા રિપોર્માં જણાવ્યા મુજબ 2020 અને 2021માં ક્લોઝ થયેલા ડિલ્સમાં 80 ટકા ખરીદાર ફર્સ્ટ ટાઈમ બાયર હતો. જે અગાઉ 2017 અને 2019 વચ્ચેના 70 ટકાથી નીચેના સ્તરેથી નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. મોટાભાગના ડિલ્સ બ્રોડ બેઝ પ્રકારના હતા. જેમાં 50 કરોડ ડોલરથી એક અબજ ડોલર સુધીના મૂલ્યની રેંજ ધરાવતાં નોંધપાત્ર મીડ-સાઈઝ ડીલ્સ જોવા મળ્યાં હતાં. જે 2017થી 2019 દરમિયાન જોવા મળેલાં 5 અબજ ડોલરના કદના મોટા ડિલથી અલગ હતાં. બેઈન એન્ડ કંપનીના મતે 2022માં સાત મોટા એમએન્ડએ થીમ્સ જળવાશે. જેમાં ભારત રિન્યૂએબલ ઈન્વેસ્ટમેન્ટ માટે એક હોટ સ્પોટ તરીકે ઊભરતું જોવા મળશે.
કંપનીએ નોંધ્યા મુજબ 2021માં એમએન્ડએ સેગમેન્ટમાં અસાધારણ ડીલ્સ પાછળનું મુખ્ય કારણ વૃદ્ધિ માટેનું દબાણ અને ડિસ્રપ્શન માટે મળતી વધુ તકોને ઝડપવાની જરૂરિયાત હતું. શેરધારકોમાં તેમની કંપની આગામી ત્રણ વર્ષોમાં ઓછામાં ઓછું ત્રીજા ભાગની અર્નિંગ્સ વૃદ્ધિ દર્શાવે તેવી અપેક્ષાએ કંપનીઓ હિંમત દર્શાવી રહી છે અને ટ્રાન્સફોર્મેશ્નલ ડીલ્સ શોધી રહી છે. જેનો હેતુ માત્ર મોટું કદ મેળવવાનો જ નથી પરંતુ કંપનીના મુખ્ય બિઝનેસ સિવાય પણ ગ્રોથ માટેના નવા એન્જિન્સ અને નવી ક્ષમતાઓ વિકસાવવાનો છે. રિપોર્ટ નોંધે છે કે આજના સીઈઓ ગ્રોથ અને ડિસ્રપ્શનનું બેવડુ દબાણ અનુભવી રહ્યાં છે. અસાધારણ ડિસ્રપ્શન વચ્ચે કંપનીઓ ઊંચા ગ્રોથની અપેક્ષા રાખી રહી છે. ભારતના 69 યુનિકોર્ન્સમાંથી 46ની સ્થાપના 2020 અને 2021માં થઈ હતી. આ સ્ટાર્ટ-અપ્સ તમામ ક્ષેત્રોમાં ડિસ્રપ્શન ઊભું કરી રહ્યાં છે.
Market Summary 21 Dec 2021
December 21, 2021