Market Summary 21 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

ઈન્ટ્રા-ડે બાઉન્સ છતાં બજાર પોઝીટવ બંધ આપવામાં નિષ્ફળ

નિફ્ટીએ 17100નો સપોર્ટ જાળવતાં રાહત

વોલેટિલિટી ઈન્ડેક્સ 3.3 ટકા ઉછળી 22.9ની સપાટીએ

બેંકિંગ સેક્ટરે દર્શાવેલું આઉટપર્ફોર્મન્સ

બ્રોડ માર્કેટમાં ચાર શેર્સમાં નરમાઈ વચ્ચે એકમાં સુધારો

એશિયા, યુરોપમાં પણ સુસ્તીનો માહોલ

કોવિડના શેર્સ ઘટતાં હોટેલ શેર્સમાં લેવાલી

 

શેરબજારમાં સપ્તાહની શરૂઆત નેગેટિવ જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ સતત ચોથા સત્રમાં ઘટાડા સાથે બંધ આવ્યાં હતાં. ગેપ-ડાઉન ઓપનીંગ બાદ બજારમાં નોંધપાત્ર બાઉન્સ જોવા મળ્યો હતો અને બેન્ચમાર્ક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતાં. જોકે કામકાજ બંધ થતાં અગાઉ તેજીવાળાઓએ ઢીલું મૂકતાં બેન્ચમાર્ક્સ ફરી નેગેટિવ ઝોનમાં સરી પડ્યા હતાં. બીએસઈ સેન્સેક્સ 149 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 57683.50ના સ્તરે જ્યારે નિફ્ટી 70 પોઈન્ટ્સ ગગડી 17207 પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.29 ટકા ઉછળી 22.90ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટકોમાંથી 39 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. માત્ર 11 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જોકે નિફ્ટી બંધ ધોરણે 17100નો સપોર્ટ જાળવી રાખતાં તેજીવાળાઓને રાહત સાંપડી હતી.

વૈશ્વિક સ્તરે યુક્રેન મુદ્દો હજુ પણ બજારો પર હાવી જોવા મળી રહ્યો છે. રશિયા તથા યુએસના પ્રમુખો વચ્ચે મંત્રણા યોજાશે તેવા અહેવાલો પાછળ બજારોમાં પેનિકની સ્થિતિ નહોતી. જોકે માર્કેટમાં સાર્વત્રિક સુસ્તી પ્રવર્તી રહી છે. મોટા રોકાણકારો હાલમાં નવી ખરીદીના મૂડમાં જોવા મળી રહ્યાં નથી. લાર્જ-કેપ્સને બાદ કરીએ તો બ્રોડ માર્કેટ્સમાં તો ભારે વેચવાલી જોવા મળી રહી છે. જે સૂચવે છે કે માર્કેટમાં કોન્ફિડન્સ લેવલ ખૂબ નીચા સ્તર પર પહોંચ્યું છે. મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો તેમના છ મહિનાના તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં છે તેમ છતાં રોકાણકારોને બોટમ ફિશીંગની કોઈ ઉતાવળ નથી. ઘણા કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચથી 30-40 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યાં છે તેમ છતાં ફંડ્સ કે એચએનઆઈ આગળ આવીને ખરીદી રહ્યાં નથી. જેનો એક અર્થ એવો થાય છે કે આગામી કેટલાંક સપ્તાહો સુધી બીજી અને ત્રીજા હરોળના કાઉન્ટર્સમાં ઘસારો આગળ વધી શકે છે. માર્કેટ નિરીક્ષકો પણ ટ્રેડર્સને હાલમાં આવા કાઉન્ટર્સથી દૂર રહેવા અને હાથ પર કેશ પકડીને બેસી રહેવા માટે જણાવે છે.

સોમવારે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ ખૂબ પ્રતિકૂળ જોવા મળી હતી. કુલ 3618 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 675 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2817 કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. આમ ચાર કાઉન્ટર્સમાં ઘટાડા સામે એકમાં સુધારો નોંધાયો હતો. અપર સર્કિટ દર્શાવનારા કાઉન્ટર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. 96 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં જ્યારે માત્ર 33 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જે છેલ્લાં પોણા બે વર્ષનો સૌથી ખરાબ રેશિયો હતો. ત્રણ શેર્સમાં લોઅર સર્કિટ સામે એક શેરમાં જ અપર સર્કિટ જોવા મળી હતી. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.73 ટકા ગગડી 10048.70ના સ્તરે બંધ રહ્યો હતો. તે 12047ની સર્વોચ્ચ સપાટીએથી 20 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. મીડ-કેપ ઈન્ડેક્સ પણ 1.24 ટકા ગગજ્યો હતો અને 33245.50ની સર્વોચ્ચ બંધ સપાટી સામે 28575.75ના સ્તરે બંધ રહ્યો હતો.

સેક્ટરલ સૂચકાંકોમાં એકમાત્ર બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. બેંક નિફ્ટી 0.23 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકનું જોવા મળતું હતું. મેટલ, ફાર્મા, રિઅલ્ટી, પીએસઈ, એનર્જી સહિતના સેક્ટરલ સૂચકાંકો એક ટકાથી બે ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં વોડાફોન, કોફોર્જ, ફેડરલ બેંક, વિપ્રો, એમ્ફેસિસ અને ઈન્ફોસિસ સુધારો સૂચવતાં હતાં. જ્યારે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ભેલ, હિંદ કોપર, ડીએલએફ અને એબી કેપિટલ તથા કોલ ઈન્ડિયામાં 10 ટકાથી લઈ 4 ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળતો હતો. દેશમાં કોવિડ કેસિસની સંખ્યા 2022ના તળિયા પર જોવા મળતાં હોટેલ શેર્સમાં 20 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

 

 

નિફ્ટી કંપનીઓના નફામાં 30 ટકા વૃદ્ધિ જોવા મળી

મેટલ્સ અને પીએસયૂ બેંક્સે સૌથી ઊંચો અર્નિંગ્સ ગ્રોથ દર્શાવ્યો

 

ભારતીય કોર્પોરેટ કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં મોટેભાગે અપેક્ષા મુજબ દેખાવ દર્શાવ્યો છે. નિફ્ટીમાં સમાવિષ્ટ કંપનીઓ ઊંચા ખર્ચ દબાણ વચ્ચે સારો દેખાવ જાળવી શકી છે. બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સ સિવાયની નિફ્ટી કંપનીઓએ વાર્ષિક ધોરણે ત્રીજા ક્વાર્ટરમાં 30 ટકા પ્રોફિટ વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે તેમના કુલ વેચાણમાં 29 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.

કંપનીઓએ રજૂ કરેલા પરિણામોનો અભ્યાસ સૂચવે છે કે ફાર્માસ્યુટીકલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ, ઓટોમોબાઈલ્સ, કેપિટલ ગુડ્ઝ અને પાવર ક્ષેત્રોની 20 કંપનીઓએ તેમના નફામાં 10 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવી હતી. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝનો નફો 25 ગણો ઉછળી રૂ. 709.30 કરોડ પર જોવા મળ્યો હતો. ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલે તેમના નફામાં અનુક્રમે 334 ટકા, 182 ટકા અને 158 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે હિંદાલ્કો, ડિવિઝ લેબોરેટરીઝ, ટાઈટન કંપની, બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ એનટીપીસી, એચયૂએલ, યૂપીએલ, આઈટીસી, ટીસીએસ, ઈન્ફોસિસ અને સન ફાર્માએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 10 ટકાથી લઈ 96 ટકા સુધીનો પ્રોફિટ ગ્રોથ દર્શાવ્યો હતો. વૈશ્વિક ફાઈનાન્સિયલ સર્વિવિસ કંપની મોર્ગન સ્ટેનલીના જણાવ્યા મુજબ 10 સેક્ટરમાંથી નવ સેક્ટર્સે પોઝીટીવ અર્નિંગ્સ ગ્રોથ નોંધાવ્યો હતો. અર્નિંગ્સ ગ્રોથ બાબતે મેટલ્સ અને પીએસયૂ બેંક્સ ટોચ પર જોવા મળ્યાં હતાં. જ્યારે કન્ઝ્યૂમર ડિસ્ક્રિશ્નરીનો દેખાવ ઊણો રહ્યો હતો.

 

 

ઈન્ડેક્સ ફંડ્સમાં વિક્રમી ઈનફ્લો નોંધાયો

જાન્યુઆરીમાં ઈન્ડેક્સ ફંડ્સમાં રૂ. 4914 કરોડનો સૌથી ઊંચો ફ્લો જોવા મળ્યો

 

ઈન્ડેક્સ ફંડ્સ રહી રહીને હવે રોકાણકારોના રડાર પર જોવા મળી રહ્યાં છે. દેશમાં મ્યુચ્યુલ ફંડ્સની સંસ્થા એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ(એમ્ફી) દ્વારા પ્રાપ્ય આંકડા દર્શાવે છે કે જાન્યુઆરીમાં રૂ. 4919 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જે એમ્ફીએ માસિક ધોરણે ફ્લો સંબંધી ડેટા આપવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીનો સૌથી ઊંચો ફ્લો છે.

છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ઈન્ડેક્સ ફંડ્સમાં જોવા મળી રહેલો ઈનફ્લો એક્ટિવ અને પેસિવ ઈક્વિટી ફંડ્સમાં ટોચના સ્થાને જોવા મળે છે. જાન્યુઆરી 2022માં જોવા મળેલો મોટાભાગનો ઈન્ડેક્સ ફ્લો ન્યૂ ફંડ ઓફર્સ(એનએફઓ) દ્વારા ચલિત હતો. કુલ ફંડ્સનો 50 ટકા હિસ્સો લગભગ એનએફઓમાં ગયો હતો. જાન્યુઆરી 2022માં એક્સિસ નિફ્ટી50 ઈન્ડેક્સ ફંડ, નવી નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ફંડ અને યુટીઆઈ સેન્સેક્સ ઈન્ડેક્સના નવા ફંડ્સ બજારમાં પ્રવેશ્યાં હતાં. છેલ્લાં પાંચ મહિના દરમિયાન ઈન્ડેક્સ ફંડ્સમાં ફ્લો સતત વધી રહ્યો છે. જો છ મહિનાની વાત કરીએ તો માસિક ધોરણે સરેરાશ રૂ. 3582 કરોડનો ઈન્ડેક્સ ફંડ ફ્લો જોવા મળ્યો છે. જે અગાઉના એક વર્ષ માટે સરેરાશ રૂ. 721 કરોડ પર જ હતો. જાન્યુઆરી 2022માં ઈન્ડેક્સ ફંડ્સનું કુલ એયૂએમ વાર્ષિક ધોરણે 225 ટકા વધી રૂ. 49905 કરોડ પર પહોંચ્યું હતું. જ્યારે કુલ ઈક્વિટી ફંડ એયૂએમ 50 ટકા વધી રૂ. 13.37 લાખ કરોડ પર પહોંચ્યું હતું.

ઈન્ડેક્સ ફંડ્સ સાથે તીવ્ર હરિફાઈ કરતાં લાર્જ-કેપ ફંડ્સના એયૂએમમાં છેલ્લાં એક વર્ષમાં 34 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. રોકાણકારોમાં ઈન્ડેક્સ ફંડ્સ લોકપ્રિય બની રહ્યાં હોવાનો એક ખ્યાલ ઈન્ડેક્સ ફંડ્સ સંબંધી વધી રહેલા ફોલિયોસ પણ છે. જાન્યુઆરીમાં ઈન્ડેક્સ ફંડ ફોલિયોનો હિસ્સો 18 ટકા વધ્યો હતો. જે એક વર્ષ અગાઉ 8 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જાન્યુઆરી 2022માં ઈન્ડેક્સ ફંડ્સ ફોલિયોસની સંખ્યા વધી 22.16 લાખ પર પહોંચી હતી. ટોચના પાંચ ઈન્ડેક્સ ફંડ્સે એયૂએમની રીતે છેલ્લાં એક વર્ષમાં 14.55 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે.

 

લિસ્ટેડ દિગ્ગજોની સરખામણીમાં LICની નફાકારક્તા ખૂબ નીચી

એલઆઈસી લિસ્ટીંગ બાદ સૌથી મોટી આવક અને એસેટ ધરાવતી હશે પરંતુ નફાની બાબતમાં 34મા ક્રમે હશે

નેટવર્થની બાબતમાં તો તે લિસ્ટેડ કંપનીઓમાં છેક 160મા ક્રમે જોવા મળશે

2020-21માં એલઆઈસીનો રૂ. 4579 કરોડનો નફો રિલાયન્સ ઈન્ડ.ના નફા સામે માત્ર 8 ટકા થતો હતો

 

શેરબજારમાં લિસ્ટીંગ બાદ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી) રેવન્યૂ અને એસેટ્સની રીતે સૌથી મોટી કંપની બનશે. જોકે તેના નફા અને નેટ વર્થની વાત કરીએ તો તે એક મીડ-સાઈઝ કંપની બની રહેશે.

દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપનીએ નાણા વર્ષ 2020-21માં રૂ. 7.04 લાખ કરોડની આવક દર્શાવી હતી. જે અત્યાર સુધી લિસ્ટેડ કંપનીઓમાં ટોચની એવી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રૂ. 5.05 લાખ કરોડની સરખામણીમાં 40 ટકા વધુ હતી. જો એસેટ્સની સરખામણી કરીએ તો એલઆઈસીની એસેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સરખામણીમાં ત્રણ ગણી બેસે છે. એલઆઈસીની કુલ એસેટ રૂ. 37.46 લાખ કરોડ જેટલી છે. જોકે એલઆઈસીની સૌથી મોટી નબળાઈ તેની નફાકારક્તા છે. કંપનીએ 2020-21માં રૂ. 4579 કરોડનો નેટ પ્રોફિટ કરાવ્યો હતો. જેને આધારે તે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં 34મી કંપની બની રહેશે. તેની આગળ બજાજ ઓટોનો ક્રમ હશે જ્યારે તેની પાછળ બજાજ ફિનસર્વનો ક્રમ રહેશે.

જો એલઆઈસીની નફાકારક્તાની સરખામણી કરીએ તો 2020-21માં એલઆઈસીનો ચોખ્ખો નફો આરએલએલના રૂ. 53729 કરોડના માત્ર 8.5 ટકા થવા જતો હતો. જ્યારે દેશમાં બીજા ક્રમનું માર્કેટ-કેપ ધરાવતી ટાટા કન્સલ્ટન્સીના રૂ. 32340 કરોડના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટની સરખામણીમાં એલઆઈસીનો પ્રોફિટ 14.1 ટકા જેટલો થતો હતો. કોઈપણ કંપનીનું મૂલ્યાંકન નક્કી કરવામાં મહત્વના માપદંડ સમાન નેટવર્થની વાત કરીએ તો એલઆઈસીના કિસ્સામાં તો તે નફા કરતાં પણ નાની છે. 2020-21ની આખરમાં એલઆઈસીની નેટવર્થ રૂ. 6983.2 કરોડ રહી હતી. જે લિસ્ટેડ કંપનીઓની યાદીમાં 160મા ક્રમે આવે છે. જે જેએમ ફાઈનાન્સિયલ કરતાં સહેજ નીચે અને સ્ટીલ પાઈપ ઉત્પાદન જીંદાલ સો કરતાં સહેજ ઉપર જોવા મળે છે. એલઆઈસીની નેટવર્થ તેના પ્રાઈવેટ સેક્ટરના હરિફો એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સની સરખામમીમાં પણ નીચી છે. સપ્ટેમ્બર 2021ની આખરમાં એલઆઈસીની નેટ વર્થ રૂ. 8854 કરોડ પર હતી. જ્યારે એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સની નેટ વર્થ રૂ. 8886 કરોડ જ્યારે એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સની નેટવર્થ રૂ. 10907 કરોડ પર હતી.

કેટલાંક મહત્વના ફાઈનાન્સિયલ રેશિયોની વાત કરીએ તો પણ એલઆઈસીનો દેખાવ હરિફોની સરખામણીમાં ઘણો ઊણો જોવા મળે છે. જેમકે 2020-21માં એલઆઈસીનો રિટર્ન ઓન એસેટ્સ રેશિયો માત્ર 0.12 ટકા પર હતો. જે એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સના છઠ્ઠા ભાગનો હતો. એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સ રૂ. 1.25 લાખ કરોડ સાથે સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવે છે. એનાલિસ્ટ્સના મતે ખાનગી હરિફોની સરખામણીમાં એલઆઈસીની નબળી નફાકારક્તાનું મુખ્ય કારણ તેની ભિન્ન ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ છે. એલઆઈસીની ઈન્શ્યોરન્સ પોલિસીસનો મોટો હિસ્સો પાર્ટિસિપેટિવ પોલિસીસનો છે. જેમકે એન્ડોવમેન્ટ, હોલ-લાઈફ અથવા મની બેક પ્લાન્સ વગેરે. આવી પોલિસીમાં તે મોટાભાગની સરપ્લસ પોલિસિધારકોને વહેંચે છે. જે શેરધારકો માટે નફાની ખૂબ ઓછી જગા છોડે છે.

 

અગ્રણી જીવન વીમા કંપનીઓની સરખામણી(નાણા વર્ષ 2020-21)

કંપની આવક પ્રોફિટ રિટર્ન ઓન એસેટ(ટકામાં) પ્રોફિટ માર્જિન(ટકામાં)

 

LIC 7,03,709 4579 0.12 0.65

મેક્સ ફાઈ. 31,288 425 0.43 1.36

HDFC લાઈફ. 71,973 1361 0.76 1.89

ICICI પ્રૂડે. 84,851 956 0.45 1.13

SBI લાઈફ. 82,780 1456 0.64 1.76

(આવક/નફો રૂ. કરોડમાં)

 

હિંદુજા ગ્લોબલે રૂ. 2100 કરોડનો કોન્ટ્રેક્ટ મેળવ્યો

હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સે જણાવ્યું છે કે યૂકે હેલ્થ સિક્યૂરિટી એજન્સી(યૂકેએચએસએ)એ યૂકેના નાગરિકોને ક્રિટિકલ કસ્ટમર સપોર્ટ પૂરો પાડવા માટે તેની સબસિડિયરી એચજીએસ યૂકે લિમિટેડને પસંદ કરી છે. આ કોન્ટ્રેક્ટ બે વર્ષ માટેનો રહેશે તથા તેને આગળ લંબાવવાનો વિકલ્પ પણ રહેશે. આ કોન્ટ્રેક્ટ 2.22 કરોડ પાઉન્ડ અથવા રૂ. 2100 કરોડનો રહેશે. જે સમગ્ર યૂકેમાં 2000 લોકોને વર્ક ફ્રોમ હોમ હેઠળ રોજગાર પૂરો પાડશે. યૂજીએસ યૂકેના માર્કેટમાં 10 વર્ષોથી સક્રિય છે. ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં કંપનીએ 100 ટકાથી વધુ વૃદ્ધિ સાથે 8.7 કરોડ પાઉન્ડની આવક દર્શાવી છે.

જીઓ IAX માલદિવને ભારત અને સિંગાપુર સાથે જોડશે

ટોચની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ નેક્સ્ટ જનરેશન મલ્ટી-ટેરાબાઇટ ક્ષમતાની ઇન્ડિયા-એશિયા-એક્સપ્રેસ (IAX) કેબલ સિસ્ટમ દરિયાના પેટાળમાં વિકસાવશે. ઉચ્ચ ક્ષમતા અને હાઇ-સ્પીડ IAX સિસ્ટમ હુલહુમાલેને ભારત અને સિંગાપોરમાં વિશ્વના મુખ્ય ઇન્ટરનેટ હબ સાથે સીધું જ જોડશે. IAX સિસ્ટમ પશ્ચિમમાં મુંબઈથી શરૂ થાય છે અને ભારત, મલેશિયા અને થાઈલેન્ડમાં વધારાની લેન્ડિંગ્સ સહિતની શાખાઓ સાથે સીધી સિંગાપોર સાથે જોડાય છે. ઈન્ડિયા-યુરોપ-એક્સપ્રેસ (IEX) સિસ્ટમ મુંબઈને મિલાન સાથે જોડે છે.

 

ફેડબેંક ફાઇ. સર્વિસીસ તથા આર્કિયન કેમિકલે ડીઆરએચપી ફાઈલ કર્યાં

જાણીતી પ્રાઈવેટ ફેડરલ બેંકની પેટા કંપની અને ગોલ્ડ લોન એનબીએફસી ફેડબેંક ફાઈનાન્સિયલ સર્વિસિસે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની અંદાજે રૂ. 2 હજાર એકત્ર કરવા માટે બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે. આમાં રૂ. 900 કરોડનો ફ્રેશ ઈસ્યુ હશે. સ્પેશ્યાલિટી કેમિકલ કંપની આર્કીયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝે પણ રૂ. 2200 કરોડ એકત્ર કરવા માટે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. જેમાં રૂ. 1000 કરોડના ફ્રેશ ઈસ્યૂનો સમાવેશ થાય છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage