Market Summary 21 Jan 2021

 

માર્કેટ સમરી

સેન્સેક્સ 50000 પર ટકવામાં નિષ્ફળ

બેન્ચમાર્ક સેન્સેક્સ 50184ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી તૂટ્યો હતો અને અગાઉના બંધની સરખામણીમાં 167 પોઈન્ટ્સના ઘટાડે 49624 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 14754ની સર્વોચ્ચ ટોચ દર્શાવીને 14600ના સ્તર નીચે 14590 પર બંધ આવ્યો હતો. ભારતીય બજારમાં ઊંચા સ્તરે ઓચિંતી વેચવાલી જોવા મળી હતી અને જાતેજાતમાં ભાવ ઘટ્યાં હતાં.

મીડ અને સ્મોલ-કેપમાં ભારે રકાસ

અંતિમ બે ટ્રેડિંગ સત્રો દરમિયાન નોંધપાત્ર સુધારા બાદ ગુરુવારે મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલીનો માહોલ બન્યો હતો. અલબત્ત, બપોર સુધી તેઓ મજબૂત જોવા મળ્યાં હતાં અને પાછળથી બેન્ચમાર્ક્સ સાથે તેમણે પણ સુધારો ગુમાવ્યો હતો. બીએસઈ ખાતે 1912 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે 1108 કાઉન્ટર્સ સુધરીને બંધ આવ્યાં હતાં. બીએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.88 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.68 ટકા તૂટ્યો હતો.

ટાયર શેર્સમાં બીજા દિવસે આક્રમક તેજી જોવા મળી

ટાયર શેર્સમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. બુધવારે 7 ટકાનો સુધારો દર્શાવ્યાં બાદ ગુરુવારે પણ ટાયર કંપનીઓએ 17 ટકા સુધીનો ઉછાળો નોંધાવ્યો હતો. જેમાં જેકે ટાયરનો શેર અગાઉના બંધ ભાવથી 17 ટકાના ઉછાળે રૂ. 125ની સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે સિઅટ લિ.નો શેર 11 ટકા ઉછળી રૂ. 1479ની ટોચ પર જોવા મળ્યો હતો. એપોલો ટાયરનો શેર 10 ટકાના ઉછાળે રૂ. 222ની ટોચ પર જ્યારે બાલક્રિષ્ણ ઈન્ડ.નો શેર 4 ટકા ઉછળી રૂ. 1768 પર જોવા મળ્યો હતો. બજારમાં વધ-ઘટ વચ્ચે પણ ટાયર કંપનીઓના શેર્સ મક્કમ ટકી રહ્યાં હતાં અને મજબૂત બંધ દર્શાવતાં હતા.

હોમ ફર્સ્ટ ફાઈનાન્સ બજારમાંથી રૂ. 1154કરોડ ઊભા કરશે

અફોર્ડેબલ હાઉસિંગ ફાઈનાન્સ કંપની હોમ ફર્સ્ટ ફાઈનાન્સ મૂડીબજારમાં રૂ. 1154 કરોડ ઉભા કરવા માટે આઈપીઓ સાથે પ્રવેશી છે. કંપનીનો આઈપીઓ 21 જાન્યુઆરીએ ખૂલ્યો હતો. પ્રથમ દિવસે બપોર સુધીમાં ક્વિબ કેટેગરીમાં તે એક ગણાથી વધુ ભરાઈ ચૂક્યો હતો. જ્યારે કુલ 0.8 ગણો ભરાયો હતો. કંપની રૂ. 517થી 518ના ભાવે શેર ઈસ્યુ કરી રહી છે. આઈપીઓ 25 જાન્યુઆરીએ બંધ થશે. જ્યારે તેનું 3 ફેબ્રુઆરીએ સંભવિત લિસ્ટીંગ રહેશે.

એઆઈએ એન્જિનીયરીંગનો શેર સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો

અમદાવાદ સ્થિત ઈન્ડસ્ટ્રીઅલ એન્જિનીયરીંગ ગુડ્ઝ બનાવતી કંપની એઆઈએ એન્જીનીયરીંગનો શેર ગુરુવારે રૂ. 2224ની તેની લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 2188ના બંધ ભાવ સામે લગભગ 2 ટકા સુધારો દર્શાવતો હતો. કંપની રૂ. 20000 કરોડના માર્કેટ-કેપને પર ટ્રેડ થતી હતી. માર્ચ મહિનામાં રૂ. 1111ના તળિયાથી તે 100 ટકાનું રિટર્ન દર્શાવી રહી છે.

ટાટા જૂથની કંપનીઓનું માર્કેટ-કેપ 10  મહિનામાં રૂ. 10 લાખ કરોડ વધ્યું

માર્ચ મહિનામાં જૂથની 28 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપ ગગડીને રૂ. 7.62 લાખ કરોડ પર જોવા મળ્યું હતું જે 127 ટકા વધી તાજેતરમાં રૂ. 17.70 લાખ કરોડની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યું

ટીસીએસ રૂ. 12.28 લાખ કરોડ સાથે સૌથી વધુ માર્કેટ-કેપ ધરાવતી જૂથ કંપની જયારે રૂ. 63 કરોડના માર્કેટ-કેપ સાથે ઓટોમોટીવ સ્ટેમ્પ સૌથી નાની જૂથ કંપની

ભારતીય શેરબજારમાં માર્કેટ-કેપની રીતે સૌથી મોટા ટાટા જૂથનું માર્કેટ-કેપ અંતિમ 10 મહિનામાં રૂ. 10.08 લાખ કરોડ જેટલું વધ્યું છે. 23 માર્ચ, 2020ના રોજ બજાર જ્યારે ચાર વર્ષના તળિયા પર પટકાયું હતું ત્યારે ટાટા જૂથનું માર્કેટ-કેપ માત્ર રૂ. 7.62 લાખ કરોડના સ્તર પર જોવા મળતું હતુ. જે તાજેતરમાં રૂ. 17.70 લાખ કરોડની ટોચ આસપાસ જોવા મળી રહ્યું છે. એટલેકે તેણે 127 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી છે. જૂથના માર્કેટ-કેપમાં આટલી તીવ્ર વૃદ્ધિ અગાઉ ક્યારેય નથી જોવાઈ. સમાનગાળામાં ભારતીય બજારનું માર્કેટ-કેપ 95 ટકા જેટલું વધ્યું છે અને રૂ. 197 લાખ કરોડને પાર કરી ચૂક્યું છે.

છેલ્લા એક મહિનામાં ટાટા જૂથની કેટલીક કંપનીઓએ તીવ્ર રિટર્ન દર્શાવ્યું છે અને તેને કારણે જૂથના માર્કેટ-કેપમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે અને તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને માર્કેટ-કેપમાં પરત રાખ્યું હતું. જૂથ કંપની ટાટા એલેક્સિનો શેર અંતિમ મહિનામાં 72 ટકા ઉછળ્યો હતો. ટાટા મોટર્સે 56 ટકા અને ટાટા સ્ટીલે 54 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે ટીસીએસે 16 ટકા અને ટાટા કન્ઝ્યૂમરે 15 ટકાનું રિટર્ન નોંધાવ્યું હતું. ટાટા એલેક્સિનો શેર રૂ. 500ના માર્ચ મહિનાના તળિયા પરથી તાજેતરમાં રૂ. 2800 પર જોવા મળ્યો હતો. જ્યારે ટાટા મોટર્સનો શેર રૂ. 63ના તેના માર્ચ મહિનાના તળિયાથી રૂ. 300ના સ્તરને સ્પર્શ્યો હતો. ટાટા સ્ટીલે પણ રૂ. 250ના તળિયાથી રૂ. 700 સુધીની સફર દર્શાવી હતી. આ ઉપરાંત ટાટા કોમ્યુનિકેશન, ટાટા કેમિકલ્સ, વોલ્ટાસ અને ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર્સે પણ 100થી લઈને 200 ટકા સુધીનું રિટર્ન દર્શાવ્યું હતું. ટીસીએસનો શેર રૂ. 1500ના માર્ચના બોટમથી રૂ. 3300ની સપાટી પાર કરી ગયો હતો.

સવાસોથી વધુ વર્ષ જૂના ટાટા જૂથની ખૂબી એ છે કે તે સર્વિસ ઈન્ડસ્ટ્રીથી લઈને મેન્યૂફેક્ચરિંગ અને એગ્રીકલ્ચર સહિતના વ્યવસાયોમાં સક્રિય છે. જોકે તેના માર્કેટ-કેપમાં 71 ટકા હિસ્સો ન્યૂ ઈકોનોમી એટલેકે સર્વિસ કંપનીઓમાંથી આવે છે. જેમાં ટીસીએસ રૂ. 12.28 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે ટોચ પર છે. તે સિવાય ટાટા કોમ્યુનિકેશન્સ અને ટાટા એલેક્સિ જેવી કંપનીઓ પણ સર્વિસ ક્ષેત્રમાંથી આવે છે અને વધુ રૂ. 48 હજાર કરોડ માર્કેટ-કેપનું યોગદાન કરે છે. ટીસીએસ બાદ બીજા ક્રમે જૂથ કંપની ટાઈટન આવે છે. જે રૂ. 1.34 લાખ કરોડનું માર્કેટ-કેપ ધરાવે છે. ટાટા મોટર્સમાં તીવ્ર ઉછાળા બાદ તે રૂ. 90 હજાર કરોડ સાથે ત્રીજા ક્રમે આવી ગયો છે. જ્યારે ટાટા સ્ટીલનો શેર રૂ. 77 હજાર કરોડ સાથે માર્કેટ-કેપમાં ચોથા ક્રમે આવે છે. આનાથી ઊલટું રૂ. 1000 કરોડથી નીચું માર્કેટ-કેપ ધરાવતી જૂથ કંપનીઓમાં ઓટોમોટીવ સ્ટેમ્પ(રૂ. 63 કરોડ), ટીઆરએફ(રૂ. 110 કરોડ), બનારસ હોટેલ્સ(રૂ. 163 કરોડ), ઓરિએન્ટલ હોટેલ્સ(રૂ.442 કરોડ), નેલ્કો(રૂ. 468 કરોડ)નો સમાવેશ થાય છે.

ટાટા જૂથની ટોચની 10 કંપનીઓ

કંપની માર્કેટ-કેપ(રૂ. લાખ કરોડમાં)

ટીસીએસ 12.28

ટાઈટન ઈન્ડ. 1.34

ટાટા મોટર્સ 0.90

ટાટા સ્ટીલ 0.77

ટાટા કન્ઝ્યૂમર 0.54

ટાટા કોમ્યુનિકેશન 0.32

વોલ્ટાસ 0.30

ટાટા પાવર 0.27

ટ્રેન્ટ 0.24

ટાટા એલેક્સિ 0.16

 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage