Market Summary 21 July 2022

માર્કેટ સમરી

ECBની રેટ વૃદ્ધિ પાછળ ગોલ્ડ ગગડી રૂ. 50 હજારની નીચે ઉતરી ગયું
એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 49700ના ચાર મહિનાના તળિયે ટ્રેડ થયો
ઈસીબીએ દસકાથી વધુ સમય બાદ રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવી
વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1677 ડોલરની 10-મહિનાની નીચી સપાટીએ પહોંચ્યાં
સિલ્વર વધુ બે ટકા ગગડી રૂ. 54000ની સપાટીએ નજીક પહોંચી
ડોલર ઈન્ડેક્સમાં કરેક્શન છતાં ગોલ્ડમાં બાઉન્સનો અભાવ
ગોલ્ડના ભાવને સપોર્ટ સાંપડી રહ્યો નથી. યુરોપિયન કમિશન બેંકે ગુરુવારે બેઝ રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરતાં ગોલ્ડ, ક્રિપ્ટોકરન્સિઝ સહિતના એસેટ ક્લાસમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 50 હજારની નીચે રૂ. 49700ના સ્તરે ટ્રેડ થયો હતો. જે તેની ચાર મહિનાની નીચી સપાટી હતી. અગાઉ મે મહિનાની શરૂમાં તે રૂ. 50 હજાર નીચે જોવા મળ્યો હતો. જોકે ત્યાંથી ઝડપથી પરત ફર્યો હતો. વૈશ્વિક બજારમાં ગોલ્ડે 1700 ડોલરનું સ્તર તોડી ઓગસ્ટ 2021 પછીનું નવું તળિયું નોંધાવ્યું હતું.
ગોલ્ડના ભાવ સતત છઠ્ઠા સપ્તાહે નરમાઈ સૂચવી રહ્યાં છે. ભારતીય બજારમાં તેઓ ચાલુ કેલેન્ડરમાં મોટેભાગે રૂ. 50 હજાર ઉપર જ ટ્રેડ થયાં છે. રશિયા-યૂક્રેન યુધ્ધ બાદ એક તબક્કે તે રૂ. 55000ની સપાટી પાર કરી ગયા હતા. જ્યારબાદ વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવમાં તીવ્ર ઘટાડા બાદ પણ તેઓ રૂ. 50 હજારની સપાટી પર ટકી રહ્યાં હતાં. કેમકે ડોલર સામે રૂપિયામાં સતત ઘસારાએ તેમને સપોર્ટ કર્યો હતો. જોકે છેલ્લાં ત્રણેક સત્રોથી રૂપિયો કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યો છે અને તેથી ગોલ્ડને કરન્સી તરફથી કોઈ નવો સપોર્ટ સાંપડી રહ્યો નથી. જેને કારણે એમસીએક્સ ખાતે ઓગસ્ટ ગોલ્ડ વાયદો અગાઉના બંધની સરખામણીમાં રૂ. 500થી વધુ ઘટાડે રૂ. 49703ની સપાટી પર ટ્રેડ થયો હતો. એનાલિસ્ટ્સના મતે પીળી ધાતુને નજીકમાં રૂ. 49500નો સપોર્ટ છે. જેની નીચે રૂ. 47200નો સપોર્ટ રહેશે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1677 ડોલર પર ટ્રેડ થયું હતું. અગાઉ ઓગસ્ટ 2021માં તે આ સ્તરે જોવા મળ્યું હતું. કોમેક્સ ખાતે ગોલ્ડને નજીકમાં 1676 ડોલરનો સપોર્ટ છે. જે તૂટતાં તે 1620 ડોલર સુધી ગગડી શકે છે. ગોલ્ડ પાછળ સિલ્વરના ભાવ પણ સતત ગગડી રહ્યાં છે. એમસીએક્સ સિલ્વર વાયદો ગુરુવારે 2 ટકાથી વધુ ઘટાડા સાથે રૂ. 55 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો. નીચામાં તે રૂ. 54151ની સપાટી પર ટ્રેડ થયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 4 ટકા ગગડી 103 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો.માર્કેટમાં આગેકૂચ જારીઃ નિફ્ટીએ 16600નું સ્તર વટાવ્યું
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સ્થાનિક બજારમાં ચોથા દિવસે તેજી
પીએસઈ, આઈટી, મેટલ, બેંકિંગ સહિતના સેક્ટર્સમાં મજબૂતી
નિફ્ટી એફએમસીજીએ સર્વોચ્ચ સપાટી દર્શાવી
નાની પ્રાઈવેટ બેંક્સના શેર્સમાં ભારે લેવાલી
બ્રોડ માર્કેટમાં પણ તેજીનો ઉકળતો ચરૂ
સારા પરિણામો પાછળ તાતા કોમ્યુનિકેશન 10 ટકા ઉછળ્યો
યુએસ બેન્ચમાર્ક નાસ્ડેક 12 હજારનું સ્તર પાર કરે તેવી શક્યતા

ભારતીય બજારમાં સતત ચોથા દિવસે તેજીનો ક્રમ જળવાયો હતો. બેન્ચમાર્ક્સ તેમની બે મહિનાની નવી ટોચ પર ટ્રેડ થયાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 284 પોઈન્ટ્સના સુધારે 55682ની સપાટીએ જ્યારે એનએસઈ નિફ્ટી 84 પોઈન્ટ્સ મજબૂતી સાથે 16605ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં બ્રોડ બેઝ તેજી જોવા મળી હતી. નિફ્ટીના 50 મેમ્બર્સમાંથી 42 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર આઁઠ કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ચોથા દિવસે મજબૂત જળવાય હતી. જેની પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નોંધપાત્ર પોઝીટીવ જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સમાં કોઈ મોટી વધ-ઘટ નહોતી જોવા મળી અને તે સ્થિર બંધ દર્શાવતો હતો.
ગુરુવારે સ્થાનિક બજારે ફ્લેટ ઓપનીંગ સાથે શરૂઆત દર્શાવી હતી. અગાઉના 16521ના બંધ સામે નિફ્ટી 16524ના સ્તરે ખૂલી ધીમો સુધારો દર્શાવતો રહ્યો હતો. બપોર સુધીમાં તેણે એક ટોચ દર્શાવી હતી. જ્યાં એક નાનું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને માર્કેટ એક તબક્કે નેગેટિવ ઝોનમાં પ્રવેશ્યું હતું. જોકે તેજીવાળાઓએ વળતી મિનિટે બજાર પર અંકુશ પરત મેળવ્યો હતો અને કામકાજ બંધ થતાં સુધીમાં નિફ્ટીએ 16627ની બે મહિનાની ટોચ પર ટ્રેડ થયા બાદ 16600નું સ્તર જાળવી રાખ્યું હતું. નિફ્ટી ફયુચર્સ પણ કેશ સામે પ્રિમીયમ-ડિસ્કાઉન્ટ વચ્ચે આખરે 11 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 16616ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. માર્કેટને ફાર્મા સિવાય તમામ સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં પીએસઈ, આઈટી, મેટલ, બેંકિંગ અને એફએમસીજી મુખ્ય હતાં. નિફ્ટી પીએસઈ એકમાત્ર ઈન્ડેક્સ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ દર્શાવી રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન ભારત ઈલેક્ટ્રીકનું જોવા મળ્યું હતું. કંપનીનો શેર 5.4 ટકા સુધારા સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત ભેલ 5.3 ટકા, બીપીસીએલ 1.8 ટકા, ઓઈલ ઈન્ડિયા 1.7 ટકા અને ગેઈલ પણ 1.7 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. મેટલ શેર્સમાં મજબૂતી જળવાય હતી અને નિફ્ટી મેટલ 0.9 ટકા સુધારો સૂચવતો હતો. મેટલ કંપનીઓમાં હિંદાલ્કો 1.8 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતી હતી. હિંદુસ્તાન ઝીંક 1.5 ટકા, જિંદાલ સ્ટીલ 1.5 ટકા, સેઈલ 0.9 ટકા, ટાટા સ્ટીલ 0.7 ટકા અને વેદાંત 0.7 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજીએ ઈન્ટ્રા-ડે ધોરણે 42361ની સર્વોચ્ચ સપાટી બનાવી હતી. મહત્વના કન્ઝ્યૂમર શેર્સમાં યુનાઈટેડ સ્પિરિટ્સ 3.25 ટકા સુધારો સૂચવતો હતો. આ સિવાય ટાટા કન્ઝ્યૂમર 3 ટકા, મેરિકો 2.5 ટકા, ડાબર ઈન્ડિયા 2.5 ટકા, કોલગેટ 2 ટકા અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ 2 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી પણ 0.7 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં મીડ-કેપ્સ આઈટી જેવાકે કોફોર્જ, માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેકમાં 2 ટકાથી વધુ સુધારો જોવા મળતો હતો. જ્યારે લાર્જ-કેપ્સ આઈટી કાઉન્ટર્સ પણ નરમાઈ સાથે ઓપનીંગ બાદ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બેંકનિફ્ટી 0.6 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેમાં મહત્વનું યોગદાન બીજી હરોળના બેંક શેર્સનું હતું. ઈન્ડસઈન્ડ બેંક 8 ટકા ઉછાળા સાથે સતત ત્રીજા દિવસે પોઝીટીવ બંધ દર્શાવતો હતો. સારા પરિણામ પાછળ કંપનીના શેરમાં ભારે ખરીદી જોવા મળી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંક 2.5 ટકા, ફેડરલ બેંક 2 ટકા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 1.7 ટકા અને બેંક ઓફ બરોડા 1.7 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે કોટક મહિન્દ્રા બેંક 1.5 ટકા ઘટાડે બંધ જોવા મળ્યો હતો. એકમાત્ર ફાર્મા ઈન્ડેક્સ અડધા ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં ડો. રેડ્ડીઝ લેબો 2 ટકા, સિપ્લા 1.32 ટકા અને ઝાયડસ કેડિલા 1.2 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સમાં અનેક કાઉન્ટર્સ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. જેમાં તાતા કોમ્યુનિકેશન 10 ટકા ઉછળ્યો હતો.આ ઉપરાંત એબીબી ઈન્ડિયા 7 ટકા, મધરસન સુમી 6 ટકા, દિપક નાઈટ્રેટ 6 ટકા, કમિન્સ 5.33 ટકા અને આરતી ઈન્ડસ્ટ્રીઝ 5 ટકા સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ સીજી કન્ઝ્યૂમર 3.2 ટકા, ઓરેકલ ફીન 2 ટકા અને વોલ્ટાસ 2 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સારી ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3499 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2001 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1337 નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. 101 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 28 કાઉન્ટર્સે તળિયું નોંધાવ્યું હતું. 14 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 2 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં જોવા મળ્યાં હતાં.

રૂપિયો ત્રીજા દિવસે 80ની નીચે જઈ પરત ફર્યો
ડોલર સામે ભારતીય રૂપિયો ત્રીજા સત્રમાં 80ની સપાટી નીચે જઈ પાછો ફર્યો હતો. જે 80ના સ્તરે મજબૂત સપોર્ટ સૂચવે છે. ગુરુવારે રૂપિયો 80.01ની સપાટીએ ખૂલી ઉપરમાં 80.0625ની અગાઉની બોટમ પર ટ્રેડ થઈ સુધરી 79.9175 પર ટ્રેડ થયો હતો. જ્યારે કામકાજની આખરમાં અગાઉના 79.99ના બંધ સામે 4 પૈસા સુધરી 79.9525 પર બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે ભારતીય ચલણ આગામી સત્રોમાં સુધારાતરફી જોવા મળી શકે છે.


NCLTએ ફ્યુચર રિટેલ સામેની ઈન્સોલ્વન્સી અરજીને દાખલ કરી
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ ફ્યુચર રિટેલ સામે કામગીરી શરૂ કરવા માટે બેંક ઓફ ઈન્ડિયા તરફથી ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ટ્રપ્સીકોડ(આઈબીસી)ની સેક્શન 7 હેઠળ કરવામાં આવેલી અરજીને દાખલ કરી છે. એનસીએલટીએ આ બાબતે ઈન્ટરીમ રેઝોલ્યુશન પ્રોફેશ્નલ(આઈઆરપી)ની નિમણૂંક પણ કરી છે. તેણે ઈ-કોમર્સ કંપની એમેઝોનની ઈન્ટરવેન્શન એપ્લિકએશનને પણ ફગાવી દીધી હતી. એમેઝોનની અરજી રિલાયન્સ રિટેલ સાથે ફ્યુચરના સોદાનો વિરોધ કરતી હતી. બે ન્યાયાધીશોની બનેલી બેંચે આદેશમાં જણાવ્યું હતું કે ડેટની હોવું અને નાદાર થવાની ઘટનાને જોતાં વિજય કુમાર ઐયરની આઈઆરપી તરીકે નિમણૂંક કરવામાં આવે છે. એમેઝોનની અરજી ફગાવતાં તેમણે જણાવ્યું હતું કે અરજદાર તો કોર્પોરેટ ડેટની બાબતમાં સ્ટેકહોલ્ડર પણ નથી.

ટોરેન્ટ ફાર્મા ડાયગ્નોસ્ટીક્સ ક્ષેત્રે પ્રવેશ કરશે
દેશમાં ટોચની ફાર્માસ્યુટીકલ કંપની ટોરેન્ટ ફાર્મા ટૂંક સમયમાં ડાયગ્નોસ્ટીક્સ ક્ષેત્રે પ્રવેશ કરશે. વર્તુળોના જણાવ્યા પ્રમાણે કંપની આગામી બે-ત્રણ મહિનામાં આ અંગે જાહેરાત કરે તેવી શક્યતાં છે. કંપની તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે વર્તુળો જણાવે છે કે કંપનીએ ડાયગ્નોસ્ટીક્સ ક્ષેત્રે પ્રવેશવા માટે આખરી નિર્ણય લઈ લીધો છે અને તેણે આ માટે કર્મચારીઓની નિમણૂંક પણ શરૂ કરી દીધી છે. માટે ફેબ્રુઆરીમાં જ ટોરેન્ટ ડાયગ્નોસ્ટીક્સ પ્રાઈવેટ લિ. નામે કંપનીની રચના કરી હતી. ટોરેન્ટ ફાર્માના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટ તેના એક ડિરેક્ટર પણ છે. કંપની હાલમાં એક રેફરન્સ લેબોરેટરી સ્થાપી રહી છે. ઔપચારિક લોંચિંગ અગાઉ હજુ કેટલાંક મહિનાનો સમય લાગી શકે છે એમ વર્તુળો જણાવે છે. અન્ય ટોચની ફાર્મા કંપની લ્યુપિને પણ ગયા વર્ષે ડાયગ્નોસ્ટીક્સ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.સરકારની ટૂંકાગાળા માટેની ફોરેન ટ્રેડ પોલિસી માટે વિચારણા
આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી બદલાઈ રહેલી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવાનો હેતુ

સરકાર આંતરરાષ્ટ્રીય ટ્રેડ ક્ષેત્રે ઝડપથી બદલાઈ રહેલી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવા માટે બેથી ત્રણ વર્ષને ધ્યાનમાં રાખી ટૂંકાગાળા માટેની નવી ફોરેન ટ્રેડ પોલિસી(એફટીપી) તૈયાર કરે તેવી શક્યતાં છે. ખાસ કરીને છેલ્લાં બે વર્ષોથી કોવિડ તથા તાજેતરમાં રશિયા-યૂક્રેન યુધ્ધ બાદ બદલાયેલી સ્થિતિ સાથે કામ પાર પાડવા આમ વિચારણા ચાલી રહી છે.
એફટીપીએ દેશમાંથી ગુડ્ઝ અને સર્વિસિસની નિકાસને વેગ મળે તે માટે તૈયાર કરવામાં આવેલી એક વિસ્તૃત માર્ગદર્શિકા અને વ્યૂહ હોય છે. જે સામાન્યરીતે પાંચ વર્ષ માટેનો સમયગાળો ધરાવતી હોય છે. વર્તમાન ટ્રેડ પોલિસી 1 એપ્રિલ 2015ના રોજ અસ્તિત્વમાં આવી હતી અને પાંચ વર્ષ માટે માન્ય હતી. જેને પાછળથી બે વાર એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એક સિનિયર સરકારી અધિકારી જણાવે છે કે સરકાર બેથી ત્રણ વર્ષ માટેની ફોરેન ટ્રેડ પોલિસી રજૂ કરી શકે છે. જેને સપ્ટેમ્બર અગાઉ રજૂ કરવાનો હેતુ છે. અગાઉ અમે એફટીપી હેઠળ નાણાકિય રાહતો આપી હતી. જોકે હવે તેની જરૂરિયાત રહેતી નથી. સરકારે નિકાસને વેગ મળે તે માટે આરઓએસસીટીઆઈ(રિબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સિસ એન્ડ લેવિસ) અને આરઓડીટીઈપી(રેમિશન્સ ઓફ ડ્યૂટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્સ્પોર્ટેડ પ્રોડક્ટ્સ) જેવી સ્કિમ્સ જાહેર કર્યાં છે. સમયાંતરે એફટીપીની સમીક્ષા જરૂરી છે અને ટૂંકા સમયગાળાની પોલિસી સહાયરૂપ બનશે એમ અધિકારી ઉમેરે છે. ઉપરાંત પાંચ વર્ષ માટેની એફટીપી મૂળે પંચવર્ષીય યોજના સાથે મેળ ખાતી હતી. જોકે હવે પંચવર્ષીય યોજના જ અસ્તિત્વમાં નથી અને તેથી પાંચ વર્ષ માટેની એફટીપીનો અર્થ નથી. ઉદ્યોગ પ્રતિનિધિ જણાવે છે કે સામાન્ય ચૂંટણીઓને બે વર્ષની જ વાર છે ત્યારે ટૂંકાગાળા માટેની એફટીપીની વિચારણા યોગ્ય દિશાનું પગલું જણાય છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

ઈન્ડસઈન્ડ બેંકઃ મધ્યમ કદની પ્રાઈવેટ બેંકે જૂન મહિનામાં રૂ. 1603 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 1415 કરોડના અંદાજની સરખામણીમાં થોડો નીચો રહ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3563 કરોડ પરથી વધી ચાલુ વર્ષે રૂ. 4125 કરોડ પર રહી હતી.
તાતા કોમ્યુનિકેશન્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 4310 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4263 કરોડ પર જોવા મળતી હતી. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં દર્શાવેલા રૂ. 368.67 કરોડના પ્રોફિટ સામે ચાલુ વર્ષે 48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 545 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો.
એયૂ એસએફબીઃ સ્મોલ ફાઈનાન્સ બેંકે જૂન મહિનામાં રૂ. 267.8 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 296 કરોડના અંદાજની સરખામણીમાં થોડો નીચો રહ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 724 કરોડ પરથી વધી ચાલુ વર્ષે રૂ. 976 કરોડ પર રહી હતી.
સાસ્કેનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 101.3 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 109.8 કરોડની સરખામણીમાં 7.7 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 33.99 કરોડના નેટ પ્રોફિટ સામે ચાલુ વર્ષે 55.19 ટકા ઘટાડા સાથે રૂ. 15.23 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો.
સોમ ડિસ્ટીલરીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 437 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 98 કરોડની સરખામણીમાં 346 ટકાનો ઉછાળો સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.6 કરોડની ખોટ સામે ચાલુ વર્ષે રૂ. 25 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.
ગ્લેન્ડ ફાર્માઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 229.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે અપેક્ષા કરતાં નીચો જોવા મળ્યો છે. જ્યારે કંપનીની આવક રૂ. 857 કરોડ પર જોવા મળી હતી. જે પણ રૂ. 1094 કરોડની અપેક્ષા સામે નીચી રહી હતી.
ઓએફએસએસઃ સોફ્ટવેર પ્રોડક્ટ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 492 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 482 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1277 કરોડની સરખામણીમાં 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1402 કરોડ પર રહી હતી.
સોનાટા સોફ્ટવેરઃ આઈટી કંપનીનું બોર્ડ 25 જુલાઈએ બોનસ શેર્સ ઈસ્યુ કરવાના પ્રસ્તાવ અંગે વિચારણા માટે મળશે.
સાગર સિમેન્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 13.10 કરોડની ખોટ નોંધાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 48.58 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો. કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ રૂ. 557.7 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 392.6 કરોડ સામે 42.1 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી.
સિએટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 2828.3 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1906.3 કરોડની સરખામણીમાં 48 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23.98 કરોડના નેટ પ્રોફિટ સામે ચાલુ વર્ષે 61.43 ટકા ઘટાડા સાથે રૂ. 9.25 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage