Market Summary 21 June 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી



વૈશ્વિક સેન્ટીમેન્ટ પાછળ બીજા દિવસે સુધારો જળવાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 21.14ના સ્તરે
આઈટી, મેટલ, પીએસયૂ બેંક્સ, ફાર્મા, રિઅલ્ટીમાં ભારે શોર્ટ કવરિંગ
નિફ્ટીના 50માંથી માત્ર એક શેરમાં જ ઘટાડો જોવાયો
બ્રોડ માર્કેટમાં પણ જોવા મળેલી નોંધપાત્ર ખરીદી
અદાણી જૂથ શેર્સમાં ઉછાળો
વૈશ્વિક બજારોમાં ચીન સિવાય તમામ પોઝીટીવ
તાઈવાન, જાપાન અને હોંગ કોંગ બજારોમાં 2 ટકાનો સુધારો
વૈશ્વિક શેરબજારોમાં સેન્ટિમેન્ટ પોઝીટીવ જળવાય રહેલાં સતત બીજા દિવસે સ્થાનિક બજારમાં સુધારો જોવા મળ્યો હતો. મંગળવારે ભારતીય બજારે લગભગ બે ટકા નજીકની વૃદ્ધિ નોંધાવી હતી. જેમાં બીએસઈ સેન્સેક્સ 934 પોઈન્ટ્સ ઉછળી 52352ની સપાટીએ જ્યારે નિફ્ટી 289 પોઈન્ટ્સ ઉછળી 15639ની સપાટી પર બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી માત્ર એપોલો હોસ્પિટલમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. જ્યારે અન્ય 49 કાઉન્ટર્સ 6 ટકા સુધીની મજબૂતી દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ગગડી 21.14ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી હતી અને બીએસઈ ખાતે લગભગ ત્રણ શેર્સમાં સુધારા સામે એક શેરમાં નરમાઈ જોવા મળી રહી હતી.
મંગળવારનો દિવસ સંપૂર્ણપણે તેજીવાળાઓનો બની રહ્યો હતો. વૈશ્વિક બજારો પાછળ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ બેન્ચમાર્ક્સ સતત સુધારાતરફી જળવાયાં હતાં અને લાંબા સમયબાદ 1.9 ટકાના એક દિવસીય સુધારા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી 15700ની સપાટી પરથી પરત ફર્યો હતો. તેને 15700-16000ની રેંજમાં અવરોધ છે. જે રેંજ પાર થશે તો વધુ સુધારાની સંભાવના છે. ભારતીય બજારને તમામ સેક્ટર્સ તરફથી નાનો-મોટો સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં આઈટી, મેટલ, પીએસયૂ બેંક્સ, ઓટો અને ફાર્મા મુખ્ય હતાં. નિફ્ટી મેટલ 4 ટકા જેટલો ઉછળ્યો હતો. જેમાં રત્નમણિ મેટલ 12 ટકા, સેઈલ 6 ટકા, હિંદાલ્કો 5.5 ટકા, વેલસ્પન કોર્પ 5.22 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 4.7 ટકા, કોલ ઈન્ડિયા 4.5 ટકા અને જિંદાલ સ્ટીલ 4.34 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3.13 ટકા જેટલો ઉછળ્યો હતો. જેમાં મીડ-કેપ કાઉન્ટર્સ મુખ્ય હતાં. જેમકે કોફોર્જ 6.7 ટકા, એમ્ફેસિસ 5 ટકા, માઈન્ડટ્રી 5 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 4 ટકા, એલએન્ડી ટેક્નોલોજી 4 ટકા અને ટીસીએસ 3 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટી ઓટો 2 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં અમરરાજા બેટરીઝ 4.3 ટકા, ટાટા મોટર્સ 4 ટકા, ભારત ફોર્જ 4 ટકા અને એક્સાઈડ ઈન્ડ 3.45 ટકા સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ નોંધપાત્ર સમય બાદ 4 ટકા જેટલો ઉછળ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડા 5.4 ટકા, પીએનબી 4.6 ટકા, કેનેરા બેંક 4.5 ટકા, એસબીઆઈ 3.7 ટકા અને ઈન્ડિયન બેંક 3.6 ટકાનો સમાવેશ થાય છે. ફાર્મા ઈન્ડેક્સ 2.1 ટકા સુધર્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા 5 ટકા સાથે સૌથી મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત લ્યુપિન 3.8 ટકા, ઝાયડસ કેડિલા 3.5 ટકા, બાયોકોન 2.8 ટકા, ડો. રેડ્ડીઝ લેબ 2.9 ટકા અને ટોરેન્ટ ફાર્મા 2 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં.
નિફ્ટી કાઉન્ટર્સની વાત કરીએ તો ટાઈટન કંપની 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જ્યારે હિંદાલ્કો 5.5 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 4.7 ટકા, અદાણી પોર્ટ્સ 4 ટકા, ટાટા મોટર્સ 3.9 ટકા અને એસબીઆઈ 3.7 ટકા અને ઓએનજીસી 3.5 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર એપોલો હોસ્પિટલ 0.09 ટકાના સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ઈન્ડિયામાર્ટ 10 ટકા ઉછળ્યો હતો. જ્યારે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 9 ટકા, જીએનએફસી 8 ટકા, આરબીએલ બેંક 8 ટકા, હિંદ કોપર 8 ટકા, એસબીઆઈ કાર્ડ 7 ટકા, એમસીએક્સ ઈન્ડિયા 6.5 ટકા, ભેલ 6.3 ટકા, વોડાફોન આઈડિયા 6.3 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે પેજ ઈન્ડસ્ટ્રીઝ, આલ્કેમ લેબ, સીજી કન્ઝ્યૂમર, ઈન્ડસ ટાવર્સ, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને પિડિલાઈડ ઈન્ડ. નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં નોંધપાત્ર સમયગાળા બાદ ખરીદી નીકળી હતી. જેને કારણે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3462 ટ્રેડેડ કાઉન્ટર્સ 2477 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 853 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. બીજી બાજુ 43 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે તેજીના દિવસે પણ 171 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. આમ મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી પણ જળવાય હતી. માર્કેટ એનાલિસ્ટ્સના મતે મંગળવારના ઝડપી સુધારા બાદ આગામી સત્રોમાં બજાર કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. જે દરમિયાન સ્ટોક સ્પેસિફિક સુધારો જળવાશે. જ્યારે આઈટીમાં શોર્ટ કવરિંગ આગળ વધવાની શક્યતાં તેઓ વ્યક્ત કરી રહ્યાં છે.

ચાલુ નાણા વર્ષમાં સ્ટીલ નિકાસમાં 40 ટકા ઘટાડાની શક્યતાં
દેશમાંથી સ્ટીલ નિકાસમાં 40 ટકા ઘટીને 1.2 કરોડ ટન પર જોવા મળે તેવી શક્યતાં વ્યક્ત કરવામાં આવે છે. રેટિંગ એજન્સી ક્રિસિલના એક અહેવાલ મુજબ સરકારે ગયા મહિને લીઘેલાં નિકાસ ડ્યુટી સંબંધી પગલાને કારણે સ્ટીલની નિકાસ ઘટાડો દર્શાવશે. તેણે નોંધ્યું છે કે 15 ટકા નિકાસ ડ્યુટીને કારણે સ્ટીલ નિકાસ 35-40 ટકા જેટલી ઘટી 1-1.2 કરોડ ટન પર જોવા મળશે. સરકારે ગયા મહિને કેટલીક મહત્વની ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પર નિકાસ ડ્યુટી લાગુ પાડી હતી. એજન્સીના જણાવ્યા મુજબ સ્ટીલ ઉપરાંત આયર્ન ઓર અને પેલેટ્સની નિકાસમાં પણ ચાલુ વર્ષે ઘટાડો જોવા મળશે. ગયા નાણા વર્ષ 2021-22માં સ્ટીલ નિકાસ વિક્રમી 1.83 કરોડ ટન પર જોવા મળી હતી. જોકે રશિયા-યૂક્રેન વચ્ચે તંગદિલી અને યુરોપિયન યુનિયન તરફથી ભારતીય ક્વોટામાં વૃદ્ધિને કારણે સ્ટીલ નિકાસમાં મોમેન્ટમ જળવાયેલું રહેશે એમ રિપોર્ટમાં જણાવાયું છે.
LIC હાઉસિંગ ફાઈનાન્સે લેન્ડિંગ રેટમાં 60 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી
આરબીઆઈ દ્વારા એક ટૂંકાગાળામાં બે વાર રેટ વૃદ્ધિ પાછળ એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સે તેના લેન્ડિંગ રેટમાં 60 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોઁધાવી છે. કંપનીની હોમ લોન્સનું પ્રાઈસિંગ બેન્ચમાર્ક રેટ સાથે જોડાયેલું છે. નવા ઈન્ટરેસ્ટ રેટ્સ મુજબ 700થી વધુનો ક્રેડિટ સ્કોર ધરાવનારા બોરોઅર્સ માટે હોમ લોન્સની શરૂઆત 7.50 ટકાથી થશે. નવા રેટ્સ 20 જૂનથી અમલમાં આવશે એમ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ જણાવ્યું હતું. દેશમાં સૌથી મોટી મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસીએ 10 જૂનથી અમલમાં આવે તે રીતે લેન્ડિંગ રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કર્યાં બાદ અન્ય હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પણ તેને અનુસરી રહી છે. એચડીએફસીના હોમ લોન રેટ્સ 7.55 ટકાથી શરૂ થાય છે.
બજારમાં નરમાઈ પાછળ 75 ટકા ઈક્વિટી ફંડ્સનું નેગેટિવ રિટર્ન
ચાલુ કેલેન્ડરમાં 75 ટકા ઈક્વિટી ફંડ્સે નેગેટિવ રિટર્ન આપ્યું છે. કુલ 513 ઈક્વિટી સ્કીમ્સમાંથી 372 તરફથી છેલ્લાં એક વર્ષમાં નેગેટિવ રિટર્ન્સ જોવા મળી રહ્યાં છે એમ એક રિસર્ચ સ્ટડી જણાવે છે. આમાંથી 14 સ્કિમ્સ એવી છે જે 20 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહી છે. જેમાંની મોટાભાગની સ્કિમ્સ ઈન્ટરનેશનલ કેટેગરી ફંડ્સમાં સમાવિષ્ટ છે. ઈન્ટરનેશનલ ફંડ્સ ઉપરાંત સ્મોલ-કેપ ફંડ્સ, ઈએલએસએસ અને ફાર્માસ્યુટીકલ ફંડ્સ પણ નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. ઈન્ટરનેશનલ ફંડ્સ છેલ્લાં એક વર્ષમાં સરેરાશ 17 ટકા નેગેટિવ રિટર્ન સૂચવે છે. જ્યારે ફાર્મા અને બેંકિંગ ફંડ્સ અનુક્રમે 13 ટકા અને 6.78 ટકા ફંડ્સ દર્શાવી રહ્યાં છે.

NSE કો-લોકેશન સ્કેમમાં OPG સિક્યૂરિટીઝના હવાલા સોદાઓ મળ્યાં
આઈટી વિભાગે જણાવ્યા મુજબ બ્રોકરેજે એનએસઈ, બીએસઈ અને એમસીએક્સ સાથે ગેરકાયદે લીંકેજિસ સાથે ક્રોસ-કન્ટ્રી ટ્રેડિંગ રીંગ ચલાવી
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દેશમાં સૌથી મોટો ટ્રેડિંગ પ્લેટફોર્મ એનએસઈ ખાતે કો-લોકેશન સ્કેમના ભાગરૂપે દિલ્હી સ્થિત બ્રોકર ઓપીજી સિક્યૂરિટીઝ તરફથી મોટી સંખ્યામાં અનડિસ્ક્લોઝ્ડ ફોરેન ટ્રાન્ઝેક્શન્સ અને હવાલા ડીલ્સ શોધી કાઢ્યાં છે. આઈટી વિભાગના જણાવ્યા મુજબ બ્રોકરેજ હાઉસે ક્રોસ-કન્ટ્રી ટ્રેડિંગમાં કરોડોની પ્રોપર્ટી ખરીદીમાં કેશ પેમેન્ટ્સ પણ કર્યાં હતાં અને એનએસઈ, બીએસઈ અને એમસીએક્સ સાથે ગેરકાયદે લીંકેજિસ સાથે ક્રોસ-કન્ટ્રી સર્વર્સની રિંગ ચલાવીહતી.
આઈટી વિભાગને ઓપીજી સિક્યૂરિટીઝની ઓફિસિસ તથા પ્રમોટર્સ અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓની તપાસ દરમિયાન આ તમામ ગેરરિતીઓની ભાળ મળી હતી. આઈટી તપાસમાં માલૂમ પડ્યું હતુંકે ઓપીજી સિક્યૂરિટીઝના પ્રમોટર સંજય ગુપ્તા યૂએઈ ખાતે હવેલી નામે ક્લબ અને રેસ્ટોરન્ટ ચલાવતા હતા. તેમજ ઘાના અને દુબઈ વચ્ચે ફિઝિકલ ગોલ્ડ ટ્રેડિંગમાં પણ સક્રિય હતા. જ્યારે તેમણે દિલ્હી ખાતે પ્રિત વિહારમાં રૂ. 25 કરોડની પ્રોપર્ટી ખરીદી હતી. જે માટે ચેકથી માત્ર રૂ. 8 કરોડની જ ચૂકવણી કરી હતી. આઈટી વિભાગે એનએસઈ કો-લોકેશન કેસના ભાગરૂપે ઓપીજી ખાતે તપાસ આદરી હતી. તેમજ તેણે તપાસ અહેવારોને સીબીઆઈ તથા આરબીઆઈને સુપ્રત કર્યાં હતાં. છૂપાં ફોરેન ટ્રાન્ઝેક્શન્સમાં ગુપ્તાએ રિચર બિઝનેસ સર્વિસિસ નામે ચલાવેલા ઈન્ટરનેશનલ આર્બિટ્રેડ અને ટ્રેડિંગ બિઝનેસનો પર્દાફાશ થયો હતો આ અંગેનો એમઓયુ તપાસમાં મળી આવ્યો હતો. ઓપીજીએ રિચર મારફતે સોદાઓ હાથ ધર્યાં હતાં. જ્યારે હવાલા સોદાઓ મારફતે દુબઈ ખાતે ફંડ મોકલ્યું હતું એમ આઈટી વિભાગે નોંધ્યું છે. ઓપીજી અને રિચર વિદેશી બ્રોકર્સ સાથે સંખ્યાબંધ અનડિસ્ક્લોઝ્ડ ઈન્ટરનેશનલ ટ્રેડિંગ એકાઉન્ટ્સ ધરાવતાં હતાં. આ ઉપરાંત આઈટી વિભાગે ઓપીજી અને ગુપ્તા સાથે જોડાયેલી ઘણી અનડિસ્ક્લોઝ્ડ કંપનીઓ શોધી કાઢી હતી. જેમાં બ્લ્યૂ આઈડિયાઝ એફઝેડઈ, ફ્યુચર્સ ઈન્ટરનેશનલ એફઝેડઈ, એઆર ફોર્ચ્યુન, એવર એક્સપ્રેસ શીપીંગ, એક્સેલટ્રેડ કોર્પોરેશન, યુએસ એન્ દુબઈ(જે કંપનીનો સેબીના કો-લોકેશન રિપોર્ટમાં ઉલ્લેખ છે) અને સિટીબુલ્સ ડીએમસીસીનો સમાવેશ થાય છે. આઈટી વિભાગે વિદએશી સત્તાવાળાઓ પાસેથી વધુ માહિતી માટે સીબીડીટી મારફતે વિનંતી પણ કરી છે. જેમાં હોંગ કોંગ સ્થિત કંપનીઓ માટે મલ્ટી લીગલ આસિસ્ટન્સ ચેનલ મારફતે બેંક એકાઉન્ટ્સની વિગતો માગવામાં આવી છે.

ખરિફ વાવણીમાં આવેલો વેગઃ રાજ્યમાં 10.24 લાખ હેકટરમાં વાવેતર સંપન્ન
ગઈ સિઝનમાં સમાનગાળાની સરખામણીમાં વાવેતર વિસ્તાર 3.35 લાખ હેકટર વધુ
ગયા એક સપ્તાહમાં ખરિફ વાવેતરમાં 7.75 લાખ હેકટરની તીવ્ર વૃદ્ધિ
કોટનમાં વાવેતર 5.89 લાખ હેકટર સાથે 23 ટકા વિસ્તારમાં પૂર્ણ થયું
મગફળીમાં વાવેતર 3.66 લાખ હેકટર સાથે 22 ટકા વિસ્તારમાં નોંધાયું
ખેડૂતોમાં કઠોળ અને ધાન્ય પાકો તરફથી રોકડિયા પાકો તરફના ઝૂકાવના શરૂઆતી સંકેત
નવી ખરિફ વાવેતર સિઝનના શરૂઆતી ત્રણ સપ્તાહમાં ગુજરાતમાં 12 ટકા વિસ્તારમાં ચોમાસુ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. છેલ્લાં એક સપ્તાહમાં વાવેતરમાં 7.71 લાખ હેકટર વિસ્તારની વૃદ્ધિ સાથે 20 જૂન સુધીમાં રાજ્યમાં 10.24 લાખ હેકટર વિસ્તારમાં ખરિફ વાવણી જોવા મળી હતી. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 6.89 લાખ હેકટરની સરખામણીમાં 3.35 લાખ હેકટરની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોના 85.55 લાખ હેકટરમાં સરેરાશ ખરિફ વાવેતર જોવા મળ્યું હતું.
ખરિફ વાવેતરના શરૂઆતી સંકેતો પરથી જોવા મળે છે કે રાજ્યના ખેડૂતોમાં કપાસ અને મગફળી તરફનો ઝૂકાવ છે. તેઓ કઠોળ તથા ધાન્ય પાકોને ત્યજીને બે મહત્વના રોકડિયા પાકો તરફ વળ્યાં છે. જેને કારણે શરૂઆતી 20 દિવસોના વાવેતરમાં કપાસ અને મગફળીનું નોંધપાત્ર વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં કપાસનું વાવેતર 5.89 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 3.52 લાખ હેકટર પર જોવા મળતું હતું. આમ તે 2.37 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. ગયા એક સપ્તાહમાં કપાસના વાવેતરમાં 4.56 લાખ હેકટરનો તીવ્ર ઉમેરો જોવા મળ્યો હતો. જેને કારણે 13 જૂન સુધીમાં 1.33 લાખ હેકટરમાં વાવેતર ધરાવતો કપાસ 20 જૂન સુધીમાં 5.89 લાખ હેકટર વિસ્તારમાં જોવા મળતો હતો. જે રાજ્યમાં પાકના ત્રણ વર્ષ માટેના સરેરાશ 25.53 લાખ હેકટર સરેરાશ વિસ્તારના 23 ટકા જેટલો થાય છે. કપાસ બાદ બીજા ક્રમે આવતાં મગફળીનું વાવેતર પણ 22 ટકા વિસ્તારમાં થઈ ચૂક્યું છે. ગયા વર્ષે અત્યાર સુધીમાં 2.6 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં મગફળીનું વાવેતર 3.66 લાખ હેકટર વિસ્તારમાં જોવા મળે છે. ગયા સપ્તાહમાં મગફળીના વાવેતર વિસ્તારમાં 1.66 લાખ હેકટરનો ઉમેરો જોવા મળ્યો હતો અને તે 13 જૂન સુધીમાં 1.04 લાખ હેકટર પરથી 3.66 લાખ હેકટર પર પહોંચ્યો હતો. જોકે બીજી બાજુ કઠોળ પાકોનું વાવેતર સરેરાશ વિસ્તારના માત્ર 0.7 ટકા વિસ્તારમાં જ જોવા મળી રહ્યું છે. જ્યારે ધાન્ય પાકોનું વાવેતર તો માત્ર 0.24 ટકા વિસ્તારમાં નોંધાયું છે. જો અંતિમ આઁકડાની રીતે જોઈએ તો ધાન્ય પાકોનું વાવેતર 3200 હેકટરમાં થયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 11 હજાર હેકટર પર જોવા મળતું હતું. આમ અનાજ પાકોની વાવણીમાં 70 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ કઠોળનું વાવેતર ગઈ સિઝનના 4558 હેકટરની સામે ઘટીને 2968 હેકટર પર જોવા મળે છે. જે બાબત સ્પષ્ટ સૂચવે છે કે ખેડૂતોએ વૈશ્વિક બજારો સાથે જોડાયેલા કપાસ અને તેલિબિયાં જેવા કેશ ક્રોપ પર પસંદગી ઉતારી છે. હાલમાં કોટનના ભાવ ખાંડીએ રૂ. એક લાખ આસપાસ જોવા મળી રહ્યાં છે. જે તેના ઐતિહાસિક ભાવ છે. જ્યારે વિવિધ તેલિબિયાંના ભાવ પણ નોંધપાત્ર મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેને કારણે રાજ્યમાં સોયાબિનનું વાવેતર પણ ગઈ સિઝનમાં 4191 હેકટરની સરખામણીમાં ચાલુ સિઝનમાં 9130 હેકટરમાં થઈ ચૂક્યું છે. જેનો અર્થ એવો થાય છે કે ખેડૂતો તેલિબિયાં અને કપાસ જેવા બે મુખ્ય પાકો પર ઓળઘોળ છે અને તેને કારણે સ્ટેપલ પાકોના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડાની શક્યતાં જોવા મળી શકે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ
એક્સિસ બેંકઃ દેશમાં ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંકના બોર્ડે સોફ્ટબેંક ઈન્ડિયાના કન્ટ્ર હેડ મનોજ કોહલીની બેંક બોર્ડ પર ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે ચાર વર્ષ માટે નિમણૂંક કરી છે.
એપોલો ટાયર્સઃ ટોચની ટાયર કંપનીએ નાણા વર્ષ 2025-26માં 5 અબજ ડોલરની આવક માટેનો ટાર્ગેટ બાંધ્યો છે. નાણાકિય વર્ષ 2021-22માં કંપનીની આવક 2.8 અબજ ડોલર પર હતી.
ડેલ્ટા કોર્પોરેશનઃ કેસિનો કંપનીમાં રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાએ રૂ. 167.17 પ્રતિ શેરના ભાવે 57.50 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
આઈબી રિઅલ્ટીઃ જાણીતા રોકાણકારા રાકેશ ઝૂનઝૂનવાલાએ રિઅલ્ટી કંપનીમાં રૂ. 63.51 પ્રતિ શએરના ભાવે 29.75 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
આલ્કેમ લેબોઃ દેશમાં ટોચની 10 ફાર્મા કંપનીમાંની એક આલ્કેમ લેબોરેટરીના યૂએસએ ખાતે સેન્ટ લૂઈસ સ્થિત તેની મેન્યૂફેક્ચરિંગ સુવિધા માટે 3 ઓબ્ઝર્વેશન્સ સામે ફોર્મ 483 મેળવ્યું છે. જેની પાછળ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
રિલાયન્સઃ સેબીએ રિલાયન્સ અને બે કોમ્પ્લાયન્સ અધિકારીઓ પર રૂ. 30 લાખની પેનલ્ટી લાગુ પાડી છે. માર્કેટ રેગ્યુલેટરે કંપની દ્વારા તેની પેટાકંપનીમાં હિસ્સા વેચાણને લઈને તરત ડિસ્ક્લોઝર નહિ કરવાને કારણે આ પેનલ્ટી લાગુ પાડી છે.
વોડાફોન આઈડિયાઃ દેશમાં ત્રીજા ક્રમના ટેલિકોમ ઓપરેટરે પ્રેફરન્શિયલ બેસીસ પર ઈક્વિટી શેર્સ અથવા વોરંટ્સ ઈસ્યુ કરી રૂ. 500 કરોડનું ફંડ ઊભું કરવા માટેનો પ્રસ્તાવ કર્યો છે.
ગાર્મેન્ટ એક્સપોર્ટર્સઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરવામાં આવેલી ટેક્સ રિબેટ અંગેની નવી શરતોને કારણે ગાર્મેન્ટ નિકાસકારોને રૂ. 1200 કરોડના સંભવિત નુકસાનની શક્યતાં જોવા મળી રહી છે.
વી-માર્ટઃ યૂપી અને બિહાર ખાતે જોવા મળેલી તંગદિલીને કારણે નાણા વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની ટોપલાઈન પર પ્રતિકૂળ અસરની સંભાવના છે. આ બંને રાજ્યો વી-માર્ટના વેચાણમાં 65-70 ટકા હિસ્સો ધરાવે છે.
મેક્સ વેન્ચર્સઃ કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી મેક્સ એસ્ટેટ્સ લિમિટેડે એકોર્ડ હોટેલ્સમાં 100 ટકા ઈક્વિટીની ખરીદીનું કામ પૂર્ણ કર્યું છે.
બીઈએમએલઃ કેન્દ્રિય કોર્પોરેટ બાબતોના વિભાગે સૈધ્ધાંતિકરીતે કંપનીની કોર અને નોન-કોર એસેટ્સના ડિમર્જર માટે મંજૂરી આપી દીધી છે.
એન્જિનીયર્સ ઈન્ડિયાઃ કંપનીએ ત્રણ અલગ-અલગ ક્ષેત્રો કેમિકલ્સ, સનરાઈસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી ત્રણ ભિન્ન પોજેક્ટ્સ મેળવ્યાં છે.
કેઈસી ઈન્ટરનેશનલઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ તેના વિવિધ બિઝનેસિસમાં 14 કરોડ ડોલરના મૂલ્યના નવા ઓર્ડર્સ મેળવ્યાં છે.
ટેક મહિન્દ્રાઃ આઈટી કંપનીએ કોમ્યુનિસિસ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપની જાહેરાત કરી છે.
ફાઈનોટેક્સ કેમિકલઃ કંપની 24 જૂને ઈક્વિટી શેર્સ ઈસ્યુ મારફતે ફંડ્સ ઊભું કરવા માટેની વિચારણા કરશે.
અપાર ઈન્ડસ્ટ્રીઝઃ એમએસસીઆઈ એશિયા એપેક્સ એથિકલ ફંડે રૂ. 997 પ્રતિ શેરના ભાવે અપાર ઈન્ડસ્ટ્રીઝના 2.1 લાખ શેર્સની ખરીદી કરી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage