Market Summary 21 May 2021

માર્કેટ સમરી

બેકિંગના સપોર્ટથી બેન્ચમાર્ક નિફ્ટી પોણા ત્રણ મહિનાની ટોચે

અગ્રણી બેંકિંગ કંપનીઓના શેર્સમાં 5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો

અગાઉ નિફ્ટીએ 3 માર્ચે 15246ની સપાટી પર બંધ દર્શાવ્યું હતું જોકે ત્યારબાદ તે એપ્રિલની શરૂમાં 14150 સુધી ગગડ્યો હતો

16 ફેબ્રુઆરીએ સર્ચોચ્ચ સપાટી દર્શાવ્યાં બાદ નિફ્ટી ચાર મહિના કરતાં વધુ સમયથી કોન્સોલિડેશનમાં જોવા મળ્યો

બેંકિંગ કંપનીઓ શેર્સે સપોર્ટ કરતાં સપ્તાહના આખરી સત્ર દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટી પોણા ત્રણ મહિનાની ટોચ પર બંધ આપવામાં સફળ થયો હતો. નિફ્ટી 1.81 ટકા અથવા 269 પોઈન્ટ્સ ઉછળી 15175 પર બંધ રહ્યો હતો. અગાઉ નિફ્ટીએ 3 માર્ચે 15246નું શુક્રવારથી ઊંચા સ્તરે બંધ દર્શાવ્યું હતું. જોકે ત્યારબાદ ભારતીય બજાર કરેક્શનમાં જોવા મળ્યું હતું અને 12 એપ્રિલે બેન્ચમાર્ક 14150ની સપાટી પર ઉતરી ગયો હતો. જોકે છેલ્લા બે સપ્તાહમાં બજારમાં મજબૂતી પરત ફરી છે અને શુક્રવારે ભારતીય બજારમાં બ્રેકઆઉટ જોવા મળ્યું હતું.

વૈશ્વિક બજારો જ્યારે નરમાઈ દર્શાવી રહ્યાં છે ત્યારે સ્થાનિક બજારમાં મજબૂતી પાછળ બેંકિંગ સેક્ટર મહત્વનું પુરવાર થયું છે. શુક્રવારે પણ બેંક નિફ્ટીએ 3.82 ટકા સાથે તીવ્ર સુધારો દર્શાવ્યો હતો અને બજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. બેંક નિફ્ટી 1272 પોઈન્ટ્સ સુધરી 34607ની મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. અંતિમ એક સપ્તાહમાં તે 8 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો છે. એનાલિસ્ટ્સના મતે અત્યાર સુધી જાહેર થયેલાં માર્ચ ક્વાર્ટરના બેંકિંગ પરિણામો અપેક્ષાથી ખૂબ સારા રહ્યાં છે. શુક્રવારે પીએસયૂ ક્ષેત્રની બેંક તરફથી પરિણામો શરૂ થયાં હતાં. જેમાં એસબીઆઈએ નફામાં તીવ્ર વૃદ્ધિ દર્શાવી હતી. સારા પરિણામોએ ઈન્વેસ્ટર્સને બેંકિંગને લઈને ફરી રિસ્ક-ઓન મોડમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેથી જાન્યુઆરીથી એપ્રિલ સુધી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવનાર બેંકિંગમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી છે. શુક્રવારે તમામ ફ્રન્ટલાઈન બેંકિંગ શેર્સમાં ઊંચા વોલ્યુમ સાથે ખરીદી જોવા મળી હતી. જેમાં સૌથી મોટા પ્રાઈવેટસ બેંકર એચડીએફસી બેંકનો શેર 4.5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એસબીઆ(4.33 ટકા), ઈન્ડસઈન્ડ બેંક(4.15 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(3.8 ટકા), આઈડીએફસી ફર્સ્ટ(3.8 ટકા), એક્સિસ બેંક(3.6 ટકા) અને કોટક બેંક(3 ટકા)નો સમાવેશ થતો હતો. સ્મોલ પ્રાઈવેટ તથા પીએસયૂ બેંક્સના શેર્સમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં જેએન્ડકે બેંક 9 ટકા ઉછળી હતી. જ્યારે કેટીકે બેંક 5 ટકાનો સુધારો દર્શાવતી હતી.

માર્કેટ નિરીક્ષકોના મતે તાજેતરમાં રિટેલ ઈન્ફ્લેશન ડેટા પોઝીટીવ રહેતાં રેટમાં સ્થિરતા જળવાય રહેવાની શક્યતા છે. સાથે કોવિડને કારણે નિયંત્રણો દૂર થયા બાદ ક્રેડિટ ઓફટેકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે. ઉપરાંત ગયા વર્ષના નીચા બેઝને કારણે બેંકિંગ કંપનીઓ ઊંચી વૃદ્ધિ  દર્શાવવામાં સફળ રહેશે. જેની પાછળ હવેના જૂન ક્વાર્ટર પછીના ક્વાર્ટર્સમાં બેંકિંગ કંપનીઓના પરિણામો વધુ સારા જોવા મળશે. બીજી બાજુ પીએસયૂ બેંક્સ નીચા પ્રોવિઝન્સને કારણે સારા પરિણામો જાહેર કરશે. તેમજ સરકારની બેંકોના ખાનગીકરણની યોજનાને કારણે પણ રોકાણકારોનો તેમાં રસ જળવાયેલો રહેશે. જેથી બેંકિંગ ક્ષેત્ર બ્રોડ માર્કેટને સપોર્ટ કરવાનું જાળવી રાખશે.

શુક્રવારે બેંકિંગ કંપનીઓનો દેખાવ

કંપની          વૃદ્ધિ(ટકામાં)

એચડીએફસી બેંક       4.5

એસબીઆઈ             4.4

ઈન્ડસઈન્ડ બેંક         4.15

આઈસીઆઈસીઆઈ બેંક 3.9

આઈડીએફસી ફર્સ્ટ બેંક  3.8

એક્સિસ બેંક            3.6

કોટક બેંક               2.9

એયૂ સ્મોલ ફાઈ. બેંક 2.2

 

ટોરેન્ટ પાવરનો શેર 5 ટકા ઉછળી નવી ટોચ પર

અમદાવાદ મુખ્યાલય ધરાવતી ટોરેન્ટ પાવરનો શેર માર્ચ ક્વાર્ટરના ચઢિયાતા પરિણામો પાછળ શુક્રવારે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 430.80ના અગાઉના બંધ સામે 9 ટકા જેટલો ઉછળી એક તબક્કે રૂ. 465.40ની લાઈફ-હાઈ પર જોવા મળ્યો હતો. જોકે કામકાજના અંતે તે 4.6 ટકા સુધારા સાથે રૂ. 450.50ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીએ રૂ. 21 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. કંપનીનો શેર વાર્ષિક રૂ. 293ના સ્તરેથી 50 ટકા કરતાં વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે.

પિડિલાઈટ ઈન્ડે. રૂ. એક લાખ કરોડનું એમ-કેપ હાંસલ કર્યું

એફએમસીજી કંપની પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૂ. એક લાખ કરોડ માર્કેટ-કેપ ક્લબમાં પ્રવેશી છે. કંપનીનો શેર શુક્રવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જેની પાછળ કંપનીએ આ નવું સીમાચિહ્લન હાંસલ કર્યું હતું. પિડિલાઈટનો શેર અગાઉના રૂ. 1935.20ના બંધ સામે રૂ. 1992.10ની ટોચ પર ટ્રેડ થયો હતો અને કામકાજના અંતે 2.31 ટકાના સુધારા સાથે રૂ. 1980 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડની સપાટી પાર કરી ગયું હતું. કંપનીનો શેર રૂ. 1307ના વાર્ષિક તળિયાની સરખામણીમાં 65 ટકા જેટલું તગડું રિટર્ન દર્શાવી રહ્યો છે.

સતત બીજા દિવસે ગોલ્ડ-સિલ્વરમાં કોન્સોલિડેશન

કિંમતી ધાતુઓ થાક ખાઈ રહી છે. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોથી તેઓ સાધારણ ઘસારા સાથે ટ્રેડ થઈ રહી છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડને 1880-1900 ડોલરની રેંજમાં નડી રહેલા અવરોધ પાછળ પીળી ધાતુ સાંકડી રેંજમાં ટ્રેડ નોંધાવે છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે શુક્રવારે તે રૂ. 48400ની આસપાસ જોવા મળી રહી હતી. જે અગાઉના બંધની સરખામણીમાં રૂ. 100નો સાધારણ ઘટાડો દર્શાવતી હતી. વિશ્વ બજારમાં સોનુ 1880 ડોલર પર બંધ આપવામાં સફળ રહેશે તો તે 1900 ડોલરની સપાટી આસાનીથી પાર કરે તેવી શક્યતા છે. જે વખતે ભારતીય બજારમાં તે રૂ. 50 હજાર સુધીનો સુધારો દર્શાવી શકે છે. વૈશ્વિક બજારમાં ચાંદી 28 ડોલર પર ટકી નહિ શકતાં સ્થાનિક બજારમાં સુધારો અટકી પડ્યો છે. બીજી બાજુ રૂપિયો ડોલર સામે સતત સુધરતો જોવા મળ્યો છે અને તેને કારણે પણ આયાતી ધાતુઓના ભાવ પર અસર પડી છે. એમસીએક્સ ખાતે ચાંદીનો ભાવ રૂ. 423ના ઘટાડે રૂ. 71881 પર ટ્રેડ થતો હતો. આમ તે રૂ. 72 હજારની સપાટી નીચે જોવા મળતી હતી.

કોટનના ભાવ વધુ રૂ. 200 મજબૂતી સાથે રૂ. 47300

કોટનના ભાવમાં આવકોના અભાવ વચ્ચે મજબૂતી જોવા મળી રહી છે. વૈશ્વિક કોમોડિટીઝના ભાવમાં તેજી પણ તેને સપોર્ટ કરી રહી છે. જેને કારણે સ્થાનિક બજારમાં ગાંસડીના ભાવ શુક્રવારે વધુ રૂ. 200ની મજબૂતી સાથે રૂ. 47300ના ટોચના સ્તરે પહોંચ્યાં હતાં. સ્થાનિક બજારમાં કોટનની આવકો નહિવત છે. હાલમાં માત્ર સીસીઆઈ પાસેથી ખરીદી થઈ રહી છે. સાથે સ્ટોકિસ્ટસ અને જિનર્સ પાસે પડેલા માલ વેચાઈ રહ્યાં છે. કોવિડના બીજા રાઉન્ડમાં રાહત પાછળ વિવિધ સરકારોએ આપેલી છૂટછાટને કારણે સ્પીનીંગની કામગીરી ફરી ધમધમે તેવી શક્યતા છે. યાર્ન બજારમાં ભાવ મજબૂત હોવાના કારણે તેમની માગ સારી જળવાશે. જેની પાછળ કોટનના ભાવમાં નવી સિઝન સુધી મજબૂતી જળવાય શકે છે.

 

રૂપિયો વધુ 27 પૈસા સુધરી બે મહિનાની ટોચ પર

છેલ્લા એક મહિનામાં રૂપિયો શ્રેષ્ઠ એશિયન કરન્સી બની રહ્યો

યુએસ ડોલર સામે છેલ્લા એક મહિનામાં ભારતીય ચલણમે નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે. શુક્રવારે રૂપિયો વધુ 27 પૈસા સુધરી 72.84ની બે મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. પૂરા થયેલા સપ્તાહ દરમિયાન તેણે ગ્રીનબેક સામે 46 પૈસાનો સુધારો દર્શાવ્યો હતો અને સપ્તાહ દરમિયાન તથા છેલ્લા એક મહિનામાં તેણે એશિયન કરન્સિઝમાં શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો છે.

એ વાત ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ભારતીય અર્થતંત્રને સપોર્ટ કરવા માટે ક્વોન્ટિટિટિવ ઈઝીંગની વાત કર્યાં બાદ એપ્રિલ મહિનામાં રૂપિયામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે 75.55ના સ્તર સુધી ગગડ્યો હતો. જોકે માત્ર દોઢ મહિનામાં તે ત્યાંથી સુધરતો રહી અગાઉના સ્તર નજીક પરત ફરી રહેલો જોવા મળે છે. શુક્રવારે રૂપિયાએ દર્શાવેલું 72.84નું બંધ સ્તર એ 26 માર્ચ પછીનું તેનું સૌથી ઊંચું બંધ છે. અગાઉ તેણે માર્ચ મહિનાના મધ્યમાં 72.26ની છેલ્લા દોઢ વર્ષની ટોચ દર્શાવી હતી. સ્પોટ માર્કેટમાં ડોલરના મજબૂત ફ્લો પાછળ રૂપિયામાં સુધારો જોવા મળ્યો છે. માત્ર રૂપિયો જ નહિ તમામ ઈમર્જિંગ માર્કેટ્સ કરન્સિઝ ડોલર સામે મજબૂત જોવા મળી છે. કેમકે વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 90 ડોલર નીચે ઉતરી ગયો છે અને હાલમાં તે 4 મહિનાના તળિયા પર 89.77ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે ભારતીય ચલણે તમામ ઉભરતાં ચલણોમાં મજબૂત દેખાવ કર્યો છે. જેનું કારણ કોર્પોરેટ્સનું જંગી ડોલર બોરોઈંગ છે. વૈશ્વિક બજારમાંથી ભારતીય કોર્પોરેટ્સે મોટા પ્રમાણમાં એક્સટર્નલ બોરોઇંગ્સ કર્યું છે અને તેથી ફ્લો ઘણો છે. જેને કારણે રિઝર્વ બેંક પણ બજારમાંથી ડોલર ખરીદી રહી છે. બોન્ડ યિલ્ડ્સ સ્થિર હોવાના કારણે વિદેશી રોકાણકારો તરફથી ટ્રેઝરીમાં પણ રોકાણ આવી રહ્યું છે. જેને કારણે એફપીઆઈની વેચવાલીની કોઈ મોટી અસર પડી રહી નથી. એફપીઆઈ પણ એકાંતરે દિવસે ઈક્વિટીઝમાં ખરીદી દર્શાવી રહી છે. જેની પાછળ એક મહિનામાં ભારતીય રૂપિયો 1.71 ટકા જેટલો સુધરી ચૂક્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ડોલરને 72.76નો સપોર્ટ છે. જે તૂટશે તો 72.27નો મહત્વનો સપોર્ટ છે. જ્યારે તેને માટે 73.34નો અવરોધ છે.

એસબીઆઈનો માર્ચ ક્વાર્ટર નફો 81 ટકા ઉછળી રૂ. 6451 કરોડ રહ્યો

બેંકે પ્રતિ શેર રૂ. 4નું ડિવિડન્ડ જાહેર કર્યું

દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ(એસબીઆઈ)એ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 6451 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3581 કરોડની સરખામણીમાં 81 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકના નફામાં તીવ્ર વૃદ્ધિનું કારણ પ્રોવિઝન્સમાં મોટો ઘટાડો છે. સાથએ બેંકની ઈન્ટરેસ્ટ ઈન્કમમાં વૃદ્ધિ છે.

જાહેર ક્ષેત્રની બેંકે શુક્રવારે શેરબજાર કાર્યરત હતું ત્યારે તેના માર્ચ ક્વાર્ટર પરિણામ જાહેર કર્યાં હતાં. બેંકે માર્ચ ક્વાર્ટરમાં નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં 19 ટકા વૃદ્ધિ દર્શાવી હતી અને તે રૂ. 27067 કરોડ રહી હતી. જોકે એનાલિસ્ટ્સના રૂ. 28853 કરોડના અંદાજ સામે તે નોંધપાત્ર ઓછી રહી હતી પરંતુ ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં તે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવતી હતી બેંકની અન્ય આવક ગયા વર્ષની સરખામણીમાં 21.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 16225 કરોડ પર જોવા મળી હતી. ચોથા ક્વાર્ટર દરમિયાન બેંકની એસેટ ક્વોલિટીમાં સુધારો નોંધાયો હતો. તેની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ 4.98 ટકા રહી હતી. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 5.44 ટકા પર જોવા મળી હતી. બેંકના કુલ બેડ લોન પ્રોવિઝન્સમાં વાર્ષિક ધોરણે 17 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 9914 કરોડ પર જોવા મળ્યાં હતાં. જોકે એનાલિસ્ટ્સની અપેક્ષાથી તેમાં ઓછો ઘટાડો નોંધાયો હતો. બેંકે શેર દીઠ રૂ. 4નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. બેંકનો શેર શુક્રવારે કામકાજના અંતે 4.33 ટકા ઉછાળા સાથે રૂ. 401.20ના સ્તરે બંધ રહ્યો હતો. જેની પાછળ બેંક નિફ્ટીમાં પણ નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage