સતત પાંચમા સત્રમાં પોઝીટીવ બંધ સાથે સંવત 2079ની સમાપ્તિ
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈની સતત અવગણના
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.3 ટકા સુધરી 17.28ની સપાટીએ
બેંકિંગ તરફથી બજારને મુખ્ય સપોર્ટ 
મેટલ, એનર્જી, ફાર્મા, ઓટો, એફએમસીજીમાં વેચવાલી 
એક્સિસ બેંક સારા પરિણામો પાછળ 9 ટકા ઉછળ્યો 
પીએસયૂ બેંક્સમાં લેવાલી જળવાઈ
ડેલ્હીવેરીમાં 18 ટકાનો કડાકો
પીબી ઈન્ફોટેક, નાયકા, મોતીલાલ ઓસ્વાલ નવા તળિયે
શુક્રવારે સતત પાંચમા સત્રમાં પોઝીટીવ બંધ આપવા સાથે શેરબજારે સંવત 2079ને પોઝીટીવ ટોન સાથે વિદાય આપી હતી. મોટાભાગના વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજાર ગ્રીન ઝોનમાં જળવાયું હતું અને પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 104 પોઈન્ટ્સ ઉછળી 59307ની સપાટીએ જ્યારે નિફ્ટી 12 પોઈન્ટ્સ સુધારે 17576ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં સુસ્ત માહોલ વચ્ચે નિફ્ટી કાઉન્ટર્સમાં માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 31 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 19 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ શરૂઆતમાં 2 ટકાથી વધુ ગગડ્યાં બાદ 0.27 ટકા સુધારા સાથે 17.28 ટકાના સ્તરે બંધ રહ્યો હતો. 
ભારતીય બજારે સમગ્ર સપ્તાહ દરમિયાન હરિફ બજારોને સતત અવગણ્યા હતાં. ગુરુવારે યુએસ ખાતે શેરબજારો તેમની ટોચ પરથી ઊંધા માથે પટકાયાં હતાં અને નેગેટિવ બંધ રહ્યાં હતાં. જેની પાછળ એશિયન બજારો પણ નરમ જળવાયા હતાં. જોકે ભારતીય બજારે કામકાજની શરૂઆત મજબૂતી સાથે દર્શાવી હતી અને બપોરે કેટલીક ક્ષણો માટે નેગેટિવ બન્યાં બાદ ફરી સુધારાતરફી ચાલ જાળવી રાખી હતી. નિફ્ટી અગાઉના 17564ના બંધ સામે 17623ની સપાટી પર પોઝીટીવ ઓપનીંગ બાદ ઉપરમાં 17670ની ટોચ પર ટ્રેડ થયો હતો. નીચામાં તે 17523 પર ગગડી ફરી ગ્રીન ઝોનમાં પરત ફરી બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ માત્ર 1 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટ સાથે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં ટ્રેડર્સનો આત્મવિશ્વાસ પરત ફરી રહ્યો છે. જેને કારણે નવી લોંગ પોઝીશન ઉમેરાવાથી ફ્યુચર્સમાં ડિસ્કાઉન્ટ લગભગ દૂર થયું છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 17600ની સપાટી પર બંધ આપવામાં બીજીવાર નિષ્ફળ જોવા મળ્યો છે અને તેથી વર્તમાન સ્તરે તેને અવરોધ નડી રહ્યો છે. સોમવારે શુકન મૂહૂર્તમાં પોઝીટીવ સેન્ટીમેન્ટ જળવાય તો આ સ્તર પાર થઈ શકે છે. જ્યારબાદ તેનો ટાર્ગેટ 17700નો રહેશે. વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટ હજુ પણ ખરડાયેલું છે. યુક્રેન-રશિયા વચ્ચે જોવા વણસી રહેલી યુધ્ધની સ્થિતિને કારણે રોકાણકારો ચિંતિત છે. જે માર્કેટ્સમાં સુધારો અટકાવી રહ્યો છે. 
શુક્રવારે ભારતીય બજારને એકમાત્ર સપોર્ટ બેંકિંગ તરફથી સાંપડ્યો હતો. બેંકનિફ્ટી 1.71 ટકા ઉછળી 40784ની સપાટી પર બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન એક્સિસ બેંક તરફથી જોવા મળ્યું હતું. બેંક શેર 9 ટકા ઉછળી રૂ. 900ની સપાટી પાર કરી ગયો હતો. તેણે સર્વોચ્ચ સપાટી બનાવી હતી. અન્ય બેંકિંગ કાઉન્ટર્સમાં કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, એસબીઆઈ, આઈડીએફસી ફર્સ્ટ બેંક પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. માત્ર એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને ઈન્ડસઈન્ડ બેંક સતત બીજા દિવસે નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. પીએસયૂ બેંક્સમાં એક દિવસના વિરામ બાદ ફરીથી લેવાલી નીકળી હતી. જેમાં બીજી અને ત્રીજી હરોળના બેંક શેર્સમાં નોઁધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેમાં જેકે બેંક 7 ટકા ઉછળ્યો હતો. યુનિયન બેંક 4 ટકા, કેનેરા બેંક 4 ટકા, પંજાબ એન્ડ સિંધ બેંક 3 ટકા, ઈન્ડિયન બેંક 2 ટકા અને યુકો બેંક પણ 2 ટકા સુધારો દર્શાવતાં હતાં. જોકે મેટલ, ફાર્મા, ઓટો અને એફએમસીજી સેક્ટર નેગેટિવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ એક ટકા તૂટી બંધ રહ્યો હતો. જેમાં તૂટવામાં સેઈલ મુખ્ય હતો. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝિસ, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંત, કોલ ઈન્ડિયા, મોઈલમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકા તૂટ્યો હતો. જેમાં ડિવિઝ લેબ્સ 2.2 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ટોરેન્ટ ફાર્મા, ઝાયડસ લાઈફ, બાયોકોન, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા નરમાઈ સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી 0.34 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં એમ્ફેસિસ 5 ટકા, ટીસીએસ 1 ટકા, માઈન્ડટ્રી એક ટકા, એલએન્ડટી ટેક્નોલોજી એક ટકા, ટેક મહિન્દ્રા નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, એલએન્ડટી ઈન્ફોટેક પોઝીટીવ બંધ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેકસ 0.3 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 3 ટકા તૂટ્યો હતો. જ્યારે બોશ 1.4 ટકા, ભારત ફોર્જ 1.4 ટકા, અશોક લેલેન્ડ 1.3 ટકા, બજાજ ઓટો એક ટકા અને આઈશર મોટર પણ 0.6 ટકા ઘટાડો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં અનેક કાઉન્ટર્સમાં નોંધપાત્ર લેવાલી જોવા મળી હતી. જેમાં ગુજરાત ગેસ, આરબીએલ બેંક, એમઆરએફ, મેટ્રોપોલીસ, ડો. લાલ પેથલેબ્સ, કોટક મહિન્દ્રા, અબોટ ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, પોલીકેબ, વોડાફોન આઈડિયા, એચડીએફસી એએમસીનો સમાવેશ થાય છે. બીજી બાજુ લૌરસ લેબ્સ 8 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત બર્ગર પેઈન્ટ્સ, એમ્ફેસિસ, આઈઈએક્સ, શ્રી સિમેન્ટ્સ, ભારત ઈલેક્ટ્રીક, ઈન્ફો એજ, હેવેલ્સ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, વ્હર્લપુલ, એબીબી ઈન્ડિયા, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, હનીવેલ ઓટોમેશનમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક ટોચ અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવવામાં એક્સિસ બેંક ટોચ પર હતી. આ ઉપરાંત ત્રિવેણી ટર્બાઈન, કલ્પતરુ પાવર, ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, ગોડફ્રે ફિલિપ, આઈડીએફસી, શોપર્સ સ્ટોપ, નેસ્લે, આઈડીએફસી ફર્સ્ટ બેંકે પણ વાર્ષિક ટોચ દર્શાવી હતી. બીજી બાજુ ન્યૂ જેન ટેક કંપનીઓમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને તેઓ વાર્ષિક અથવા ઓલ-ટાઈમ લો પર પહોંચ્યાં હતાં. જેમાં ડેલ્હિવેરી 18 ટકા ગગડ્યો હતો. પીબી ઈન્ફોટેક 5 ટકા ગગડ્યો હતો. આઈએક્સ 4.4 ટકા ગગડી નવા તળિયે બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત નાયકા, સનટેક રિઅલ્ટી, મધરસન, એલઆઈસી ઈન્ડિયા, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, મોતીલાલ ઓસ્વાલ, ટીમલીઝ સર્વિસનો સમાવેશ થતો હતો. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3558 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1357 જ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 2061 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 116 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 58 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 140 કાઉન્ટર્સ તેમના અગાઉના સ્તરે ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. 
રિલાયન્સ જીઓનો નફો 28 ટકા ઉછળી રૂ. 4518 કરોડ રહ્યો 
કંપનીની આવક 20.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 22521 કરોડ પર પહોંચી
રિલાયન્સ જૂથની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જીઓ ઈન્ફોકોમે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 4518 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3528 કરોડના નફાની સરખામણીમાં 28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક બીજા ક્વાર્ટર દરમિયાન 20.2 ટકા વધી રૂ. 22,521 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 18,735 કરોડ પર જોવા મળતી હતી. 
કંપની દેશભરમાં 5જી ટેલિકોમ સેવા શરૂ કરવા માટે વિશાળ નેટવર્કની સ્થાપના કરી રહી છે ત્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો અપેક્ષાથી મજબૂત જોવા મળ્યાં છે. કંપનીએ ચાલુ મહિનાની શરૂઆતમાં દિલ્હી, મુંબઈ, કોલકોતા અને વારાણસી ખાતે 5જી સર્વિસિસ માટે બિટા ટ્રાયલ શરૂ કર્યાંની જાહેરાત કરી હતી. વિશ્વમાં ચીન પછીના બીજા સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટમાં કંપની નેક્સ્ટ-જનરેશન ટેક્નોલોજી ઓફર કરવા જઈ રહી છે. જે દેશમાં ટર્બોચાર્જ્ડ સ્પીડ અને લેગ-ફ્રી કનેક્ટિવિટી સાથે ન્યૂ-એજ એપ્લિકેશન્સ ઓફર કરશે. 
 દિવાળીથી દિવાળી માર્કેટમાં 129 ટકા સુધીનું સંગીન વળતર જોવા મળ્યું
બેન્ચમાર્ક્સ પોઝીટીવ રિટર્ન ના દર્શાવી શક્યાં પરંતુ વ્યક્તિગત કાઉન્ટર્સે સુધારો જાળવી રાખ્યો 
લાર્જ-કેપ્સમાં ITCએ 59 ટકા રિટર્ન સાથે બાજી મારી, મીડ-કેપ્સમાં અદાણી ટોટલ ગેસનું 129 ટકા રિટર્ન જ્યારે સ્મોલ-કેપ્સમાં બીડીએલનું 127 ટકા રિટર્ન 
નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર 22 જ પોઝીટીવ રિટર્ન દર્શાવી શક્યાં 
શુક્રવારે શેરબજારમાં સંવત 2079નો આખરી ટ્રેડિંગ દિવસ હતો. જે દરમિયાન માર્કેટે પોઝીટીવ નોંધ સાથે બંધ દર્શાવ્યું હતું. જોકે સમગ્ર સંવત દરમિયાન બજારમાં બે બાજુની ઊંચી વધ-ઘટ જોવા મળી હતી અને માર્કેટ એક દિશામાં ગતિ જાળવી શક્યું નહોતું. જે દરમિયાન કેટલાંક કાઉન્ટર્સે બ્રોડ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને તગડું રિટર્ન નોંધાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ સૂચકાંકમાં સમાવિષ્ટ અદાણી ટોટલ ગેસનો શેર 129 ટકા સાથે વળતર દર્શાવવામાં ટોચ પર રહ્યો હતો. 
માર્કેટના ત્રણ સેગમેન્ટ-લાર્જ-કેપ્સ, મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ-મુજબ રિટર્ન્સ પર નજર નાખીએ તો લાર્જ-કેપ્સમાં નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર 21 જ પોઝીટીવ રિટર્ન દર્શાવી શક્યાં હતાં. જ્યારે 29 કાઉન્ટર્સ વાર્ષિક ધોરણે ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. એફએમસીજી, પીએસયૂ અને ઓટો કાઉન્ટર્સે આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. જ્યારે આઈટી કાઉન્ટર્સ અન્ડરપર્ફોર્મર બની રહ્યાં હતાં. નિફ્ટી સ્ટોક્સમાં આઈટીસીએ મૂહૂર્ત ટ્રેડિંગથી શુક્રવારે બંધ સુધીમાં 59 ટકાનું તગડું રિટર્ન આપ્યું હતું. શેરે તેની પાંચ વર્ષ અગાઉની ટોચને ફરી પ્રાપ્ત કરી હતી. આ સિવાય ઊંચું રિટર્ન આપવામાં કોલ ઈન્ડિયા અને એમએન્ડએમ જોવા મળ્યાં હતાં. કોલ ઈન્ડિયાએ 57 ટકા રિટર્ન સાથે તેના પીએસયૂ હરિફોને પણ પાછળ રાખી દીધાં હતાં. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 46 ટકા રિટર્ન સાથે ઓટો સેક્ટરમાં શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હતો. અન્ય એક પીએસયૂ કાઉન્ટર એનટીપીસીએ પણ 27 ટકા સાથે નોંધપાત્ર કામગીરી કરી હતી. જ્યારે 26 ટકા રિટર્ન સાથે સન ફાર્મા રિટર્ન આપવામાં પાંચમા ક્રમે જોવા મળતો હતો. આ સિવાય સિપ્લા(26 ટકા), એક્સિસ બેંક(20 ટકા), પાવર ગ્રીડ કોર્પોરેશન(20 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(17 ટકા) સાથે આઉટપર્ફોર્મર્સ બની રહ્યાં હતાં. મારુતી, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ અને હિંદુસ્તાન યુનિલિવરે પણ 10 ટકાથી વધુ રિટર્ન નોઁધાવ્યું હતું. બીજી બાજુ વિપ્રો 41 ટકા ઘટાડા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. જે ઉપરાંત ડિવિઝ લેબ્સ, ટેક મહિન્દ્રા અને શ્રીસિમેન્ટનો ક્રમ આવતો હતો. આ તમામ કાઉન્ટર્સ 30 ટકાથી વધુનું નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં હતાં. એચડીએફસી લાઈફ, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટર્સે પણ નિફ્ટી ઘટકોમાં નેગેટિવ દેખાવ દર્શાવ્યો હતો. 
મીડ-કેપ્સમાં પણ મિશ્ર દેખાવ
લાર્જ-કેપ્સની માફક જ મીડ-કેપ સેગમેન્ટે મિશ્ર દેખાવ દર્શાવ્યો હતો. નિફ્ટી મીડ-કેપ્સ 100 ઈન્ડેક્સના 100માંથી 65 ઘટકો નેગેટિવ રિટર્ન સૂચવી રહ્યાં હતાં. જ્યારે 35 કાઉન્ટર્સ જ પોઝીટીવ જોવા મળતાં હતાં. જેમાં 129 ટકા રિટર્ન સાથે અદાણી ટોટલ ગેસ ટોચ પર હતો. કંપનીનો શેર ગયા મૂહૂર્ત ટ્રેડિંગના રૂ. 1434ના સ્તરેથી ઉછળી શુક્રવારે રૂ. 3279 પર બંધ રહ્યો હતો. સેગમેન્ટના અન્ય આઉટપર્ફોર્મર્સમાં હિંદુસ્તાન એરોનોટીક્સ(81 ટકા), ટીવીએસ મોટર(62 ટકા), વીબીએલ(62 ટકા), બીઈએલ(57 ટકા) અને એબીબી(44 ટકા)નો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ પોલીસીબઝાર(67 ટકા), ગોદરેજ પ્રોપર્ટીઝ(51 ટકા), મેટ્રોપોલીસ(47 ટકા) અને મણ્ણાપુરમ(-47 ટકા) સાથે નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં હતાં. આઈટી કંપની એમ્ફેસિસનો શેર પણ 37 ટકા નેગેટિવ રિટર્ન સૂચવી રહ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયામાર્ટે પણ 30 ટકાથી વધુનો ઘટાડો નોંધાવ્યો હતો. 
સ્મોલ-કેપ્સનું અન્ડરપર્ફોર્મન્સ
લાર્જ-કેપ અને મીડ-કેપની સરખામણીમાં સ્મોલ-કેપે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. નિફ્ટી સ્મોલ-કેપ 100 ઈન્ડેક્સના 100 ઘટકોમાંથી 71 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 29 પોઝીટીવ રિટર્ન સાથે બંધ જોવા મળ્યાં હતાં. સૌથી શ્રેષ્ઠ રિટર્ન પીએસયૂ સાહસ બીડીએલે આપ્યું હતું. કંપનીનો શેર રૂ. 420.92ની સપાટીએથી સુધરી રૂ. 955ની સપાટી પર 127 ટકા સુધારે બંધ રહ્યો હતો. આ ઉપરાંત કેપીઆઈટી ટેક, ફાઈન ઓર્ગેનિક્સ, પૂનાવાલા, જીએનએફસી, કેઈઆઈએ મજબૂત સુધારો દર્શાવ્યો હતો. તો બીજી બાજુ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 43 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત હેગ(45 ટકા), વેલસ્પન ઈન્ડ(46 ટકા), એફએસએલ(47 ટકા), એફએસએલ(47 ટકા), ઝેનસાર ટેક(51 ટકા) અને લક્સ ઈન્ડ(51 ટકા) ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. 
દિવાળીથી દિવાળી લાર્જ-કેપ્સનો દેખાવ 
સ્ક્રિપ્સ	4 નવે. 2021નો બંધ ભાવ(રૂ.)	શુક્રવારનો બંધ ભાવ(રૂ.)		વૃદ્ધિ(ટકામાં)
ITC		216				345				59
કોલ ઈન્ડિયા	152				238				57
એમએન્ડએમ	864				1259				46
આઈશર મોટર	2662				3642				37
NTPC		130				165				27
સન ફાર્મા	776				979				26
સિપ્લા		906				1140				26
એક્સિસ બેંક	751				904				20
પાવરગ્રીડ	182				217				19
ICICI બેંક	777				910				17
ભારતી એરટેલ	701				796				13
મારુતી		7693				8705				13
અદાણી પોર્ટ્સ	709				801				13
હિંદુસ્તાન યુનિ.	2401				2646				10
દિવાળીથી દિવાળી મીડ-કેપ્સનો દેખાવ 
સ્ક્રિપ્સ	4 નવે. 2021નો બંધ ભાવ(રૂ.)	શુક્રવારનો બંધ ભાવ(રૂ.)		વૃદ્ધિ(ટકામાં)
ATGL		1434					3279			129	
HAL		1327					2401			81	
TVS મોટર		705					1143			62	
VBL		624					1010			62	
BEL		66					104			57	
ઈન્ડિયન હોટેલ	203					314			54	
ABB		2102					3031			44	
કમિન્સ ઈન્ડિયા	874					1210			38	
પેજ ઈન્ડ.		38475					52936			38	
ઈન્ડિયન બેંક	166					227			37	
ફેડરલ બેંક		99					133			34	
એસ્કોર્ટ્સ		1520					1992			31	
ટ્રેન્ટ		1094					1431			31	
દિવાળીથી દિવાળી સ્મોલ-કેપ્સનો દેખાવ 
સ્ક્રિપ્સ	4 નવે. 2021નો બંધ ભાવ(રૂ.)	શુક્રવારનો બંધ ભાવ(રૂ.)		વૃદ્ધિ(ટકામાં)
BDL			420.92			955.00				126.88
KPIT ટેક			347.95			711.00				104.34
ફાઈન ઓર્ગેનિક્સ	3431.02		6709.00			95.54
પૂનાવાલા			178.72			316.00				76.81
GNFC			447.05			727.05				62.63
KEI			962.49			1535.00			59.48
સુઝલોન			6.05			8.70				43.80
એજિસ કેમ			209.17			293.80				40.46
IDFC			55.74			78.15				40.20
એંજલ વન			1218.29		1615.00			32.56
EID પેરી			475.36			628.00				32.11
દેવયાની			146.50			191.35				30.61
અદાણી જૂથની ડેટ, ગ્રીન-બોન્ડ્સ મારફતે 10 અબજ ડોલર ઊભા કરવા વિચારણા
કંપની ઊંચું ખર્ચ ધરાવતાં બોરોઈંગ્સના રિફાઈનાન્સ માટે તથા પાઈપલાઈનમાં રહેલા પ્રોજેક્ટના ફાઈનાન્સ માટે સસ્તું ડેટ ઊભું કરશે
અદાણી જૂથ આગામી વર્ષે ઓછામાં ઓછું 10 અબજ ડોલરનું નવુ ડેટ ઊભું કરવા માટે વિચારી રહ્યું છે. કંપની તેના ઊંચું ખર્ચ ધરાવતાં જૂના બોરોઈંગ્સને રિફાઈનાન્સ કરવા તથા પાઈપલાઈનમાં રહેલા પ્રોજેક્ટના ફાઈનાન્સ માટે સસ્તું ડેટ ઊભું કરવા વિચારણા ચલાવી રહી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. 
જૂથ ફોરેન કરન્સી ડેટ અને ગ્રીન બોન્ડ્સ સહિત બહુવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરી તેના વર્તમાન ઊંચું-ઈન્ટરેસ્ટ ધરાવતાં ડેટને નીચા-ખર્ચના બોરોઈંગ સાથે સ્વેપ કરવા માટે 6 અબજ ડોલર સુધીની રકમ ઊભી કરશે. જ્યારે બાકીની રકમ પ્રોજેક્ટ ફાઈનાન્સિંગમાં ખર્ચશે એમ નામ નહિ આપવાની શરતે એક વર્તુળ જણાવે છે. આ માટે આગામી ડિસેમ્બર ક્વાર્ટરથી પ્રયાસો શરૂ કરવામાં આવી શકે છે એમ પણ તેઓ ઉમેરે છે. આમ કરવાનો મુખ્ય હેતુ પોર્ટ્સ-ટુ-પાવર જૂથના રિપેમેન્ટ્સના કુલ બર્ડનને ઓછું કરવાનો છે. તાજેતરમાં જૂથના ડેટને લઈને માધ્યમોમાં ચર્ચા બાદ આ વિચારણા ચાવી રહી છે. 
વિશ્વભરમાં વ્યાજ દરો વધી રહ્યાં હોવા છતાં કોન્ગ્લોમેરટને હવે તેમના મોટા એસેટ બેઝને જોતાં નીચા ખર્ચે લોન્સ મળશે તેવો વિશ્વાસ છે. જોકે આ ફંડ ઊભું કરવાના પ્રયાયોના સમયગાળામાં વૈશ્વિક પરિસ્થિતિને આધારે ફેરફાર જોવા મળી શકે છે એમ તેઓનું કહેવું છે. ડેટ મારફતે નાણા ઊભા કરવાની યોજના એ જૂથની સ્ટ્રેટેજિક ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ્સ માટેની શક્યતા ચકાસવાના પ્રયાસોથી તદ્દન અલગ યોજના છે એમ વર્તુળ ઉમેરે છે. અગાઉ એક સ્થાનિક અહેવાલ મુજબ અદાણી અને તેમનો પરિવાર ક્લિન એનર્જી અને પોર્ટ્સ ક્ષેત્રે વિસ્તરણ માટે સિંગાપુરની જીઆઈસી અને તેમાસેક હોલ્ડિંગ્સ સહિતના રોકાણકારો સાથે ઓછામાં ઓછા 10 અબજ ડોલર ઊભા કરવા માટે વિચારણા ચલાવી રહ્યો હતો. 
IDBIનું વેલ્યૂએશન 7.7 અબજ ડોલર જાળવવા સરકારના પ્રયાસો
છેલ્લાં ઘણા દાયકાઓમાં જાહેર ક્ષેત્રના લેન્ડરમાં હિસ્સા વેચાણની પ્રથમ ઘટનામાં ભારત સરકાર પીએસયૂ બેંક આઈડીબીઆઈ માટે રૂ. 64000 કરોડ(7.7 અબજ ડોલર)ના વેલ્યૂએશન માટે ભાર આપી રહી હોવાનું વર્તુળો જણાવે છે. 
સરકારે ચાલુ મહિનાની શરૂઆતમાં મુંબઈ મુખ્યાલય ધરાવતી બેંકમાં 60.72 ટકા હિસ્સા વેચાણ માટે બીડ્સ આમંત્ર્યા હતાં. સરકાર તરફથી રાખવામાં આવી રહેલા વેલ્યૂએશનના ટાર્ગેટનો અર્થ એવો થાય છે કે સરકાર વર્તમાન બજારભાવથી લગભગ 33 ટકા પ્રિમીયમનો આગ્રહ રાખી રહી છે. ગુરુવારે બંધ ભાવે આઈડીબીઆઈની માર્કેટ-વેલ્યૂ 5.8 અબજ ડોલર થતી હતી. શુક્રવારે આઈડીબીઆઈનો શેર લગભગ 3 ટકા જેટલો સુધર્યો હતો. આઈડીબીઆઈ બેંકની નફાકારક્તામાં જોવા મળી રહેલો સુધારો સરકારના વેલ્યૂએશન ટાર્ગેટને સપોર્ટ કરી શકે છે એમ જાણકાર વર્તુળનું કહેવું છે. બેંકનો હિસ્સો ખરીદવામાં સ્થાનિક અને વિદેશી બેંકિંગ કંપનીઓથી લઈ નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓએ તેમજ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સે શરૂઆતી રસ દર્શાવ્યો હોવાનું પણ વર્તુળ જણાવે છે. એકવાર પ્રોસેસ આગળ વધશે એટલે નવેમ્બર બાદ બીડર્સને રેગ્યુલેટરી એપ્રૂવલ્સ તથા સિક્યૂરિટી ક્લિઅરન્સ મળી શકે છે. બહુમતી હિસ્સાનું વેચાણ આગામી નાણાકિય વર્ષમાં પૂર્ણ થઈ શકે છે એમ પણ તેઓ ઉમેરે છે. કેન્દ્ર સરકાર અને લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા મળીને આઈડીબીઆઈ બેંકમાં 95 ટકા હિસ્સો ધરાવે છે. આઈડીબીઆઈનું ડિસઈન્વેસ્ટમેન્ટ સરકાર માટે વર્તમાન સ્થિતિમાં ખૂબ મહત્વનું છે. કેમકે સરકાર તેની નાણાકિય ખાધને અંકુશમાં રાખવા મોટા સરકારી બિઝનેસિસના હિસ્સા વેચાણ પર મદાર રાખીને બેઠી છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર માત્ર એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરી શકે છે. જ્યારે એલઆઈસીમાં તે ચાલુ વર્ષની શરૂમાં કેટલોક હિસ્સો વેચવામાં સફળ રહી હતી. બીપીસીએલનું ડિસઈન્વેસ્ટમેન્ટ ખોરંભે પડ્યું છે. સરકાર કોન્કોરનું પ્રાઈવેટાઈઝેશન કરવા પણ માગે છે. 
કંપનીઓ બોન્ડ સેલ્સ મારફતે આગામી પાંચ મહિનામાં બમણુ ફંડ એકત્ર કરવા તૈયાર
સિસ્ટમમાં લિક્વિડીટી સખત બનવાથી પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે મોટી રકમ ઊભી કરવામાં અચડણ
ભારતીય કોર્પોરેટ્સ ચાલુ નાણાકિય વર્ષના બીજા અર્ધવાર્ષિકગાળામાં પબ્લિક બોન્ડના વેચાણ મારફતે પ્રથમ છ મહિનાની સરખામણીમાં બમણુ ફંડ ઊભું કરે તેવી શક્યતાં છે. સિસ્ટમમાં લિક્વિડીટીની સ્થિતિ તંગ હોવાથી તથા ફિક્સ્ડ ડિપોઝીટ રેટ્સ નીચા હોવાના કારણે બોન્ડ્સ જેવા ઈસ્ટ્રુમેન્ટ્સ આકર્ષક બન્યાં હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. 
અગ્રણી એનબીએફસીના ઈન્વેસ્ટમેન્ટ હેડના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં કોર્પોરેટ્સ પબ્લિક ઈસ્યુ રૂટનો ઉપયોગ કરવા માટે તૈયાર બેઠાં છે. તેઓ આગામી ચારથી પાંચ મહિનામાં લગભગ રૂ. 6000 કરોડ(72.45 કરોડ ડોલર)ની રકમ ઊભી કરે તેવી શક્યતાં છે. ભારતીય કંપનીઓએ એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં રૂ. 3300 કરોડની રકમ ઊભી કરી છે. જે ઓક્ટોબરથી માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન બમણી જોવા મળે તેવી અપેક્ષા મર્ચન્ટ બેન્કર્સ રાખી રહ્યાં છે. જે મળીને ચાલુ નાણા વર્ષ દરમિયાન કુલ રૂ. 10000 કરોડના બોન્ડ્સ ઈસ્યુ થવાની શક્યતાં છે. સિસ્ટમમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી નાણા પ્રવાહિતાની સ્થિતિ સખત બની છે અને તેથી પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે કંપનીઓ મોટી રકમ ઊભી કરવા માટે સક્ષમ નથી. જોકે પબ્લિક ઈસ્યુ રૂટ મારફતે તેઓ સરળતાથી ફંડ મેળવી રહી છે એમ તેઓ ઉમેરે છે. અદાણી એન્ટરપ્રાઈઝિસ તેની સૌપ્રથમ પબ્લિક બોન્ડ ઓફરિંગ કરવા તૈયાર છે. તે રૂ. 1000 કરોડ ઊભા કરવાનો ઈરાદો ધરાવે છે. આ સિવાય નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ જેમકે એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ પણ આગામી બે મહિનામાં બોન્ડ ઈસ્યુ મારફતે બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે. તાજેતરમાં જ નેશનલ હાઈવેઝ ઈન્ફ્રા ટ્સ્ટ(NHIT)ના ઈસ્યુને મળેલી સફળતાએ પણ રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી માગ સારી રહેવાની અપેક્ષા ઊભી કરી છે. એનએચઆઈટીએ લાંબી મુદત નહિ હોવા સાથે જટીલ સ્ટ્રક્ટરમાં પણ રૂ. 1500 કરોડની તેની અપેક્ષા સામે રૂ. 4900 કરોડ ઊભા કર્યાં હતાં. નાની લોટ સાઈઝ પણ આ ઈન્સ્ટ્રુમેન્ટ્સને વધુ આકર્ષક બનાવે છે એમ વર્તુળો જણાવે છે. વધુમાં ફિક્સ્ડ ડિપોઝીટના રેટ્સમાં બોન્ડ યિલ્ડ્સ જેટલી તીવ્ર વૃદ્ધિ નહિ થઈ હોવાના કારણે પણ રિટેલ ઈન્વેસ્ટર્સને બોન્ડ્સ વધુ અપીલ કરી રહ્યાં છે. સેન્ટ્રલ બેંકર તરફથી રેપો રેટમાં 190 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ છતાં બેંકિંગ કંપનીઓએ ફિક્સ્ડ ડિપોઝીટ રેટ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ નથી દર્શાવી. આમ આ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ રિટેલ ઈન્વેસ્ટર્સ માટે આકર્ષક બની શકે છે. 
કોર્પોરેટ હેડલાઈન્સ 
તાતા કન્ઝ્યૂમરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 355 કરોડનો નફો દર્શાવ્યો છે. જે માર્કેટની રૂ. 256 કરોડની અપેક્ષા કરતાં નીચો રહ્યો હતો. કંપનીનો એબિટા રૂ. 427 કરોડ સામે રૂ. 434 કરોડ પર જોવા મળ્યો હતો. 
બજાજ ફાઈનાન્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2781 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1481 કરોડ સામે 88 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 31 ટકા ઉછળી રૂ. 7001 કરોડ પર રહ્યાં હતાં. 
લક્ષ્મી મશીન્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 128.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 45.3 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 803.1 કરોડ સામે 51 ટકા ઉછળી રૂ. 1212 કરોડ પર રહી હતી. 
નેલ્કોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3.4 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 61.2 કરોડ સામે 23.2 ટકા ઉછળી રૂ. 75.4 કરોડ પર રહી હતી 
એલએન્ડટી ફાઈઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 406 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક 81 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું રિટેલ પોર્ટફોલિયો મિક્સ 58 ટકા પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે 47 ટકા પર હતું. વાર્ષિક ધોરણે રિટેલ બુકમાં 27 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. 
યૂટીઆઈ એએમસીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 200 કરોડનો ચોખ્ખો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 199 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ 15 ટકા વધી રૂ. 436 કરોડ પર રહી હતી. 
ઝેનસાર ટેકઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 56.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 75.1 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 1203.4 કરોડ સામે 2.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1235 કરોડ પર રહી હતી.
જીઆઈપીસીએલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 26.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 53.4 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 322.1 કરોડ સામે 22 ટકા ગગડી રૂ. 252.3 કરોડ પર રહી હતી
આઈઈએક્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 71.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 77.7 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 110.4 કરોડ સામે 14 ટકા ઘટી સાથે રૂ. 95.2 કરોડ પર રહી હતી
કરુર વૈશ્ય બેંકઃ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 572 કરોડનો ઓપરેટિંગ નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 375 કરોડ પર હતો. કંપનીના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.74 ટકા પરથી વધી 4.07 ટકા પર રહ્યાં હતાં. કંપનીનો કુલ બિઝનેસ 14 ટકા વૃદ્ધિ સાથે રૂ 1.35 લાખ કરોડ પર રહ્યો હતો. જ્યારે નેટ પ્રોફિટ 52 ટકા ઉછળી રૂ. 250 કરોડ પર જોવા મળ્યો હતો. 
નઝારા ટેકઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 10.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10.4 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 130 કરોડ સામે લગભગ બમણી થઈ રૂ. 264 કરોડ પર રહી હતી.
ધામપુરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 25 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 400 કરોડ સામે 35 ટકા ઉછળી રૂ. 541.2 કરોડ પર રહી હતી.
Market Summary 21 October 2022
October 21, 2022
    
