Market Summary 21 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શોર્ટકવરિંગ પાછળ માર્કેટમાં બાઉન્સ
ભારતીય બજારમાં મંગળવારે તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું. શરુઆતી તબક્કામાં બે બાજુની વધ-ઘટ વચ્ચે ટ્રેડ દર્શાવતાં રહેલા બજારે બપોર બાદ શોર્ટ કવરિંગ પાછળ તીવ્ર સુધારો દર્શાવ્યો હતો. નિફ્ટી 17326ના દિવસના તળિયેથી સુધરતો રહી 17578ની ટોચ દર્શાવી 17562 પર બંધ રહ્યો હતો. આમ તેણે ત્રીજી વાર 17500 પર બંધ દર્શાવ્યું હતું. માર્કેટને મેટલ ક્ષેત્ર તરફથી સૌથી સારો સપોર્ટ સાંપડ્યો હતો. મેટલ શેર્સમાં પણ બાઉન્સ જોવા મળ્યો હતો. જ્યારે જાહેર સાહસો, ફાઈનાન્સિયલ સર્વિસિસ જેવા ક્ષેત્રોએ પણ સપોર્ટ પૂરો પાડ્યો હતો. શરૂઆતમાં નોંધપાત્ર નરમાઈ દર્શાવનાર બેંક નિફ્ટી પાછળથી પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યો હતો.
મેટલ શેર્સમાં જોવા મળેલું તીવ્ર બાઉન્સ
છેલ્લાં બે ટ્રેડિંગ સત્રો દરમિયાન તીવ્ર ઘટાડો દર્શાવી રહેલાં મેટલ શેર્સમાં મંગળવારે તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ દિવસના તળિયેથી 3.5 ટકા જ્યારે સોમવારના બંધથી 2.55 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. ઊંચું બાઉન્સ દર્શાવનાર શેર્સમાં જેએસડબલ્યુ સ્ટીલ 6 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. અન્ય કાઉન્ટર્સમાં સેઈલ(5.1 ટકા), નાલ્કો(3.32 ટકા), ટાટા સ્ટીલ(3.12 ટકા), જિંદાલ સ્ટીલ(2.99 ટકા), વેલસ્પન કોર્પ(2.7 ટકા) અને વેદાંત(2.22 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
લિસ્ટીંગના મહિનામાં મેઘમણી ફાઈનકેમે 75 ટકા રિટર્ન આપ્યું
અમદાવાદ સ્થિત મેઘમણી ફાઈનકેમના શેરે પેરન્ટ કંપનીમાંથી ડિમર્જર બાદ બજારમાં લિસ્ટીંગના પ્રથમ મહિને 75 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. 18 ઓગસ્ટે રૂ. 406.45ના સ્તરે લિસ્ટ થયેલો શેર 21 સપ્ટેમ્બરે રૂ. 711.85ના સ્તરે બંધ રહ્યો હતો. જે લિસ્ટીંગ ભાવથી 75.14 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2957 કરોડ પર જોવા મળ્યું હતું. મેઘમણિ ઓર્ગેનિક્સના રૂ. 2939 કરોડના માર્કેટ-કેપને જોતાં ફાઈનકેમે પેરન્ટ કંપનીને પણ પાછળ રાખી દીધી છે.
એર ઈન્ડિયા માટે ટાટા જૂથના બીડને SBI સપોર્ટ કરશે
સરકારી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાના પ્રાઈવેટાઈઝેશનના ભાગરૂપે તેની ખરીદી માટે ટાટા જૂથના બીડીંગને દેશની અગ્રણી બેંક એસબીઆઈ સપોર્ટ કરશે એમ જાણવા મળે છે. બેંક એર ઈન્ડિયાની ખરીદી માટે ટાટા સન્સના ડિબેન્ચર્સ ખરીદશે અથવા તો ટાટા સન્સ દ્વારા બનાવવામાં આવનાર સ્પેશ્યલ પરપઝ વેહીકલ(એસપીવી)ને ફંડ પૂરું પાડશે. બેંકર્સ જણાવે છે કે ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટ્રિપલ એ રેટિંગ ધરાવે છે. જે ઊંચી સેફ્ટી પૂરી પાડે છે. સાથે જૂથ હાલમાં તેનો એરલાઈન બિઝનેસ ચલાવી રહ્યું છે. તેથી તે એર ઈન્ડિયાની ખરીદી માટે બિલકુલ બંધ બેસે છે. આ ખરીદી બાદ જૂથ માટે બીજી ઘણી બિઝનેસ તકો પણ ખૂલી જશે.
પારસ ડિફેન્સ IPO પ્રથમ દિવસે 15 ગણો છલકાયો

પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજિસનો આઈપીઓ પ્રથમ દિવસે 15 ગણો છલકાય ગયો હતો. રૂ. 171 કરોડ ઊભા કરવા બજારમાં પ્રવેશેલી કંપનીમાં રિટેલ હિસ્સો 29 ગણો ભરાયો હતો. જ્યારે નોન-ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર હિસ્સો 3 ગણો ભરાય ગયો હતો. ક્વિબ હિસ્સો 0.01 ગણો ભરાયો હતો. કંપનીનો આઈપીઓ 23 સપ્ટેમ્બરે બંધ થશે. કંપની રૂ. 165-170ની રેંજમાં શેર ઓફર કરી રહી છે. મંગળવારે ગ્રે-માર્કેટમાં કંપનીનો શેર 200-220ના પ્રિમીયમે ટ્રેડ થઈ રહ્યો હતો.

SP ગ્રૂપ ટાટા સન્સનો હિસ્સો ગિરવે મૂકી રૂ. 8000 કરોડ ઊભા કરશે
જૂથ સિંગાપુરની ફેરેલોન કેપિટલ સાથે ટૂંકમાં ડિલ ક્લોજ કરે તેવી શક્યતાં
ઊંચું ઋણ ધરાવતું શાપોરજી પાલોનજી ગ્રૂપ ટાટા સન્સમાંનો તેનો કેટલોક હિસ્સો સિંગાપુરની ફેરેલોન કેપિટલ પાસે પ્લેજ મૂકીને રૂ. 8000 કરોડ ઊભા કરવા માટે જઈ રહ્યું છે. વર્તુળોના જણાવ્યા મુજબ આગામી કેટલાક સપ્તાહોમાં આ ડીલ ક્લોઝ થવાની શક્યતા છે. એસપી જૂથ ટાટા સન્સમાં 18.37 ટકા હિસ્સો ધરાવે છે.
ગયા વર્ષે ટાટા સન્સના ચેરમેન તરીકે સાયરસ મિસ્ત્રીને દૂર કર્યાં બાદ ટાટા જૂથ સાથે સંબંધો વણસતાં શાપોરજૂ પાલોનજી જૂથે ટાટા જૂથની હોલ્ડિંગ કંપનીમાંથી બહાર આવવાનો તેનો ઈરાદો જાહેર કર્યો હતો. જોકે બંને વચ્ચે આ હિસ્સાના વેલ્યૂએશન્સને લઈને અસહમતિને કારણે આમ થઈ શક્યું નહોતું. એસપી જૂથે ટાટા સન્સમાંના તેના હિસ્સા માટે રૂ. 1.78 લાખ કરોડના વેલ્યૂએશનનો દાવો કર્યો હતો. જેની સાથે ટાટા સહમત થયા નહોતાં. હાલમાં એસપી જૂથ જબરદસ્ત નાણાકિય તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. જૂથ તેના લેન્ડર્સ સાથે ડેટ રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે છેલ્લાં કેટલાંક સમયથી તેની નોન-કોર એસેટ્સને વેચવાના પ્રયાસોમાં સક્રિય બન્યું છે. જેના પરિણામરૂપે ગયા સપ્તાહાંતે તે રૂ. 4400 કરોડમાં યુરેકા ફોર્બ્સને વેચવામાં સફળ રહ્યું હતું. આ ઉપરાંત સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર અને એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વેચાણની યાદીમાં સમાવિષ્ટ છે. જ્યાં સુધી કંપનીઓના વેચાણ સંભવ ના બને ત્યાં સુધી ટકી રહેવા માટે એસપી ગ્રૂપ માટે મૂડીની તાતી જરૂરિયાત છે. આ સ્થિતિમાં ફેરેલોન સાથેનું ડીલ તેમના માટે મોટી સહાયરૂપ બની શકે છે. જો ટાટા સન્સના શેર્સ પ્લેજ કરવાના એસપી જૂથના પ્રયાસોનો ટાટા વિરોધ કરશે તો આ ડીલ પણ કાનૂની અવરોધોનો સામનો કરી શકે છે.
ગયા વર્ષે એસપી જૂથે તેની પાસેના ટાટા જૂથના શેર્સ પર નાણા મેળવવા માટેના પ્રયાસો કર્યાં હતાં. જેમાં તેણે કેનેડિયન એસેટ મેનેજર બ્રૂકફિલ્ડ પાસેથી રૂ. 3750 કરોડ ઊભા કરવા માટે એગ્રીમેન્ટ્સ સાઈન કર્યાં હતાં. જેની સામે ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં જઈ સ્ટેની માગ કરી હતી. જેમાં માર્ચ 2021માં આવેલા આખરી ચૂકાદામાં સુપ્રીમે એસપી જૂથ દ્વારા શેર પ્લેજ પર કોઈ પ્રતિબંધ શક્ય નહિ હોવાનું જણાવ્યું હતું. કાનૂની નિષ્ણાતો માને છે કે એસપી જૂથ પાસે પડેલા ટાટા સન્સના શેર્સના પ્લેજ કે વેચાણ પર કોર્ટે કોઈ પ્રતિબંધ નથી મૂક્યો અને તેથી તેઓ ડિલમાં આગળ વધી શકે છે.

છ મહિનાથી ઓછા સમયમાં રૂ. 11 હજાર કરોડનું STT કલેક્શન
નાણાપ્રધાને 2021-22ના સમગ્ર વર્ષ માટે મૂકેલાં રૂ. 12500 કરોડના અંદાજમાંથી 85 ટકા ટાર્ગેટ હાંસલ
જો બજારમાં મજબૂતી જળવાયેલી રહી તો વર્ષાંતે એસટીટીની રકમ રૂ. 21-22 હજાર કરોડ રહેવાનો મત
ચાલુ નાણાકિય વર્ષના છ મહિના પૂરા થવાને હજુ કેટલાંક દિવસો બાકી છે ત્યારે સિક્યૂરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ(એસટીટી)ની રકમ રૂ. 11000 કરોડથી સહેજ છેટે જોવા મળે રહી છે. જે 2021-22 માટેના બજેટમાં નાણાપ્રધાને નક્કી કરેલાં રૂ. 12500 કરોડના એસટીટીના ટાર્ગેટથી લગભગ 15 ટકા નીચે જોવા મળે છે. 1 એપ્રિલથી 18 સપ્ટેમ્બર સુધીમાં સરકારે એસટીટી પેટે રૂ. 10967.4 કરોડની રકમ મેળવી છે. આમ સરકારી ટાર્ગેટ કરતાં પણ એસટીટીની આવક ખૂબ ઊંચી જોવા મળશે તે નિશ્ચિત છે. ગયા નાણા વર્ષ દરમિયાન એસટીટી હેઠળ રૂ. 16926.9 કરોડની આવક સરકારે મેળવી હતી. એસટીટી રેટ્સ 0.001 ટકાથી 0.2 ટકાની રેંજમાં લાગુ પડે છે.
છેલ્લાં ચાર વર્ષોથી સરકારની એસટીટીની આવકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે. ખાસ કરીને છેલ્લાં બે વર્ષો દરમિયાન તેમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. જેનું મુખ્ય કારણ સ્ટોક માર્કેટમાં તેજી પાછળ બજારમાં મોટા પ્રમાણમાં નવા રિટેલ ટ્રેડર્સનો પ્રવેશ છે. એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2021 સુધીમાં દેશના શેરબજારોમાં 2 કરોડથી વધુ નવા ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયાં છે. જે સૂચવે છે કે માર્કેટમાં રિટેલ ટ્રેડર્સની એક્ટિવિટી ઐતિહાસિક સ્તરે જોવા મળી રહી છે. સ્થાનિક શેરબજારનો વોલ્યુમ પણ તેમની ટોચ પર જોવા મળી રહ્યાં છે. ગયા સપ્તાહે ગુરુવારે એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ વોલ્યુમ રૂ. 125 લાખ કરોડની તેની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યું હતું. કેશ માર્કેટ ટર્નઓવર પણ તાજેતરમાં રૂ. એક લાખ કરોડથી વધુ જોવા મળી રહ્યાં છે. જેને કારણે એસટીટીની ઊંચી આવક સ્વાભાવિક છે.
સરકારી વર્તુળોના મતે રૂ. 12500ના વાર્ષિક ટાર્ગેટ સામે સપ્ટેમ્બર પૂરો થતાં પહેલાં જ 85 ટકા જેટલી રકમ મળી જતાં એમ જણાય છે કે વર્ષ પૂરું થતાં સુધીમાં રૂ. 21000-22000 કરોડની એસટીટી આવક સહેજે થઈ જશે. જોકે આ માટે વર્ષના પ્રથમ છ મહિનામાં બજારમાં જોવા મળેલી તેજી બાકીના સમયગાળામાં પણ જળવાય તે જરૂરી છે એમ તેઓ ઉમેરે છે. ચાલુ નાણા વર્ષમાં બેન્ચમાર્ક નિફ્ટીમાં 14 ટકા જેટલો સુધારો જોવા મળ્યો છે. જ્યારે 1 જાન્યુઆરી 2021થી તે 22 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. સેકન્ડરી માર્કેટ ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં ઊંચી ગતિવિધિને કારણે પણ એસટીટી કલેક્શનમાં લાભ મળ્યો છે. ચાલુ વર્ષે 35થી વધુ આઈપીઓમાં રૂ. 80 હજાર કરોડથી વધુ રકમ ઊભી કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં પણ ઘણી કંપનીઓ આઈપીઓ સાથે પ્રવેશવા આતુર છે. જેમાં એલઆઈસીના મેગા આઈપીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેટીએમ જેવા મોટા આઈપીઓ પણ બજારમાં પ્રવેશવાના છે.
જો છેલ્લાં ત્રણ નાણાકિય વર્ષો દરમિયાન એસટીટીના કલેક્શન પર નજર નાખીએ તો જણાય છે કે વર્ષ 2018-19 અને 2019-20 જેટલું એસટીટી કલેક્શન તો ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં થઈ ચૂક્યું છે. 2018-19માં સરકારી તિજોરીમાં એસટીટી પેટે રૂ. 11527.5 કરોડ જમા થયા હતા. ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં લગભગ આ આંકડો હાંસલ થઈ ચૂક્યો છે એમ કહેવાય. 2019-20માં તથા 2020-21માં એસટીટીની આવક અનુક્રમે રૂ. 12374.2 કરોડ અને રૂ. 16926.9 કરોડ જોવા મળી હતી.

છેલ્લાં ચાર વર્ષોમાં STT કલેક્શન
નાણા વર્ષ એસટીટીની રકમ(રૂ. કરોડમાં)
2018-19 11527.5
2019-20 12374.2
2020-21 16926.0
2021-22* 10967.4
(* 18 સપ્ટેમ્બર 2021 સુધી)

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage