Market Summary 21 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


ફેડ મિટિંગ પહેલાં શેરબજારોમાં સાવચેતીનો માહોલ
એશિયન બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો નોઁધાયો
નિફ્ટી 17800 જાળવવામાં નિષ્ફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળી 19.32ના સ્તરે
એફએમસીજી સિવાય સાર્વત્રિક વેચવાલીનું માહોલ
મેટલ, ફાર્મા, રિઅલ્ટી, બેંકિંગમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં વેચવાલીનું દબાણ
અદાણી કાઉન્ટર્સમાં નોંધપાત્ર ઘટાડો
સિમેન્ટ કાઉન્ટર્સ ટોચ પરથી ગગડ્યાં


બુધવારે રાતે યુએસ ફેડ રિઝર્વ તેની મોનેટરી સમીક્ષામાં રેટ વૃદ્ધિ જાહેર કરે તે અગાઉ શેરબજારોમાં સાવચેતી પ્રવર્તી રહી હતી. ભારત સહિત એશિયન બજારોમાં નરમાઈ જોવા મળી હતી. યુએસ ખાતે ડાઉ ફ્યુચર્સ 100 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવી રહ્યો હતો. ભારતીય બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 263 પોઈન્ટ્સ ઘટાડે 19457ની સપાટીએ જ્યારે નિફ્ટી 98 પોઈન્ટ્સ ગગડી 17718 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં વેચવાલીના દબાણ પાછળ માર્કેટ બ્રેડ્થ નરમ જળવાઈ હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 37 નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 13 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જળવાઈ હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.77 ટકા ઉછળી 19.32ની સપાટીએ બંધ રહ્યો હતો.
યુએસ ફેડ બુધવારે ભારતીય સમય પ્રમાણે રાતે 11.30 વાગ્યે તેની રેટ વૃદ્ધિ જાહેર કરશે. જ્યારે 12 વાગે ચેરમેન જેરોમ પોવેલ તેમની કોમેન્ટરી રજૂ કરશે. જેમાં તેમનો ટોન કેવો છે તે બજાર માટે મહત્વનું બની રહેશે. રેટ વૃદ્ધિની વાત છે તો મોટાભાગનો વર્ગ 75 બેસીસ પોઈન્ટ્સની જ શક્યતાં જોઈ રહ્યો છે. જ્યારે એક નાનો વર્ગ 100 બેસીસ પોઈન્ટ્સની અપેક્ષા રાખી રહ્યો છે. યુએસ સ્થિત ભિન્ન રાજ્યોના ફેડ ચેરમેને ઓગસ્ટ સીપીઆઈ અપેક્ષાથી ઊંચો આવ્યો બાદ ફેડ તરફથી તત્કાળ વૃદ્ધિ દરમાં ઊંચી વૃદ્ધિ થવી જોઈએ તે પ્રકારની નિવેદનબાજી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને 100 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિની એક નાની શક્યતાં ઊભી થઈ છે. જો આમ નહિ થાય તો માર્કેટ્સને મોટી રાહત મળશે અને તેઓ પ્રતિભાવમાં સુધારા સાથે ટ્રેડ દર્શાવી શકે છે. ભારતીય બજારની વાત છે તો બેન્ચમાર્ક નિફ્ટી 17800ની સપાટી જાળવવામાં નિષ્ફળ ગઈ હતી. આમ તે રેંજ બાઉન્ડ ટ્રેડમાં રહેવાની શક્યતાં વધુ છે. જેમાં 17300નો મહત્વનો સપોર્ટ છે. જ્યારે 17800નો અવરોધ છે. વૈશ્વિક હરિફોની સરખામણીમાં ભારતીય બજારના વેલ્યૂએશન્સ ઊંચા છે. જોકે વર્તમાન સપાટીએ પણ તેનો રિસ્ક-રિવોર્ડ સારો જણાય છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ ઓક્ટોબર સિઝનના પરિણામોને લઈને નિરાશાવાદી છે અને તે અગાઉ બજાર કેટલોક ઘટાડો દર્શાવે તેમ માની રહ્યાં છે.
બુધવારે માર્કેટને એકમાત્ર એફએમસીજી સેગમેન્ટ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.18 ટકા સુધારા સાથે તેની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન બ્રિટાનિયા તરફથી જોવા મળ્યું હતું. કાઉન્ટર 3.15 ટકા મજબૂતી સાથે મહિનાની ટોચ પર બંધ જોવા મળ્યું હતું. હિંદુસ્તાન યુનિલીવરનો શેર પણ 1.55 ટકા ઉછળી મહત્વના બ્રેકઆઉટ સાથે બંધ રહ્યો હતો. અન્ય કાઉન્ટર્સમાં મેરિકો, આઈટીસી, ડાબર ઈન્ડિયા, કોલગેટ, ગોદરેજ કન્ઝ્યૂમર, યુનાઈટેડ સ્પિરિટ્સ પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આઈટીએ રૂ. 345ની પાંચ વર્ષની ટોચ દર્શાવી હતી. શેર તેની લાઈફ-હાઈ નજીક પહોંચી ચૂક્યો છે. મંગળવારે બજારને સપોર્ટ આપનાર ફાર્મા કાઉન્ટર્સ બુધવારે ટેકો આપવામાં નિષ્ફળ ગયા હતા. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.4 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં બાયોકોન 3 ટકાથી વધુ ઘટાડે બંધ રહ્યો હતો. આ ઉપરાંત આલ્કેમ લેબ, સિપ્લા, ડિવિઝ લેબ, ઓરોબિંદા ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન, ઝાયડસ, ટોરેન્ટ ફાર્મા અને સન ફાર્મા પણ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ 5 ટકાથી વધુ તૂટ્યો હતો. જ્યારે હિંદાલ્કો 2.4 ટકા, જિંદાલ સ્ટીલ 1.5 ટકા, ટાટા સ્ટીલ 1.3 ટકા, સેઈલ 0.8 ટકા, વેદાંત 0.8 ટકા અન મોઈલ 0.7 ટકા ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી એનર્જી 1.5 ટકા સાથે ઘટવામાં બીજા ક્રમે હતો. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 2.5 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે ગેઈલ, એનટીપીસી, ઓએનજીસી, ટાટા પાવર, અદાણી ગ્રીન એનર્જી, આઈઓસીમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ પણ આમાંના કેટલાંક કાઉન્ટર્સ પાછળ જ 1.3 ટકા જેટલો ગગડ્યો હતો. નિફ્ટી ઓટો અને નિફ્ટી આઈટી પણ અડધા ટકા આસપાસ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. આઈટી સેગમેન્ટમાં એચસીએલ ટેક 1.5 ટકા ગગડ્યો હતો. ઉપરાંત ટીસીએસ, વિપ્રો અને ઈન્ફોસિસ પણ એક ટકા આસપાસ નરમાઈ સૂચવતાં હતાં. જ્યારે એલએન્ડટી ટેક્નોલોજી, માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંકિંગ સેક્ટરમાં ઊંચા મથાળે સુસ્તી જોવા મળી હતી. જેમાં પીએસયૂ બેંક્સમાં નોંધપાત્ર દબાણ જોવા મળી રહ્યું હતું. નિફ્ટી બેંક 0.64 ટકા ગગડ્યો હતો. જ્યારે પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.71 ટકા જેટલો નેગેટિવ બંધ દર્શાવતો હતો. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનિયન બેંક, આઈઓબી, જેકે બેંક, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા અને એસબીઆઈ ઘટવામાં મુખ્ય હતાં. નિફ્ટી રિઅલ્ટીમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 5 ટકાથી વધુ ગગડ્યો હતો. જ્યારે ડીએલએફ, ઓબેરોટ રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફીયર પણ 3 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ક્યુમિન્સ ઈન્ડિયા, ડો. લાલ પેથલેબ્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, હનીવેલ ઓટોમેશન અને ગ્રેન્યૂલ્સ ઈન્ડિયામાં 2 ટકા આસપાસનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે એસીસી, અંબુજા સિમેન્ટ્સ, શ્રી સિમેન્ટ્સ, જેકે સિમેન્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, રામ્કો સિમેન્ટ્સમાં 7 ટકા સુધીનો તીવ્ર ઘટાડો નોઁધાયો હતો. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ નેગેટિવ હતી. બીએસઈ ખાતે કુલ 3587 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2225 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1241 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 165 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 28 શેરે 52 સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.


રૂપિયો ગગડ્યો, ડોલર ઈન્ડેક્સે 22-વર્ષની નવી ટોચે
યુએસ ફેડ મિટિંગ અગાઉ રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. ભારતીય રૂપિયો 26 પૈસા ગગડી 80ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેનું ડોલર સામે સૌથી નીચું બંધ છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સે 22-વર્ષોની વધુ એક ટોચ બનાવી હતી. અગાઉ 109.94ની સપાટી પર બંધ રહેલો ડોલર ઈન્ડેક્સ અડધા ટકાથી વધુ ઉછળી 110.0620ના સ્તરે ટ્રેડ થયો હતો. તેણે એક સપ્તાહ અગાઉ દર્શાવેલી ટોચને પાર કરી હતી. ફેડ તરફથી 100 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિની શક્યતા પાછળ ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે. જેની પાછળ યુએસ બેન્ચમાર્ક યિલ્ડ્સ પણ ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. બીજી બાજુ કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ પણ 11 ડોલર મજબૂતી સાથે 1781 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો પણ 2 ટકા આસપાસ સુધારો સૂચવી રહ્યો હતો.

એપલ 2025 સુધીમાં ચોથા ભાગનું આઈફોન ઉત્પાદન ભારતમાં ખસેડી શકે
ટોચના ઈન્વેસ્ટમેન્ટ બેંકર જેપીમોર્ગનના એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ આઈફોન ઉત્પાદક એપલ 2025 સુધીમાં તેનું ચોથા ભાગનું ઉત્પાદન ભારતમાં ખસેડી શકે છે. વધી રહેલા જીઓપોલિટીકલ તણાવો અને સખત કોવિડ-19 લોકડાઉન્સને કારણે ટેક જાયન્ટ ચીનથી દૂર થવાની શક્યતાં છે. બ્રોકરેજની અપેક્ષા મુજબ 2022ની આખર સુધીમાં તે આઈફોન 14નું 5 ટકા ઉત્પાદન ભારતમાં ખસેડશે. જ્યારે 2025 સુધીમાં એપલની તમામ પ્રોડક્ટ્સનું 25 ટકા ઉત્પાદન ભારતમાં થતું હશે. જેમાં મેક, આઈપેડ, એપલ વોચ અને એરપોડ્સનો સમાવેશ થાય છે.રિટેલ ક્રેડિટમાં 13.6 ટકાનો ઊંચો વૃદ્ધિ દર જોવા મળ્યો
કમર્સિયલ લોન ગ્રોથમાં 8.6 ટકા જ્યારે માઈક્રોફાઈનાન્સમાં 10 ટકાના દરે વૃદ્ધિ
લેન્ડિંગ માર્કેટમાં રિટેલ ક્રેડિટનો હિસ્સો 48.9 ટકા સાથે રૂ. 85.2 લાખ કરોડે પહોંચ્યો
કમર્સિયલ લોન માર્કેટનું કદ રૂ. 86.3 લાખ કરોડ પર જોવા મળ્યું

ભારતમાં રિટેલ લેન્ડિંગ ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. તેમજ આર્થિક વિસ્તરણમાં તે નોંધપાત્ર યોગદાન પૂરું પાડી રહી છે. નાણા વર્ષ 2021-22ની વાત કરીએ તો હાઉસિંગ અને વેહીકલ લોન્સની ઊંચી માગ પાછળ રિટેલ લોન્સમાં 13.6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે દેશમાં કુલ આઉટસ્ટેન્ડિંગ લોનના 49 ટકાના સ્તરે જોવા મળી હતી.
માર્ચ 2022માં પૂરા થતાં નાણા વર્ષ દરમિયાન દેશમાં કુલ લેન્ડિંગ માર્કેટ રૂ. 174 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જેમાં રિટેલ લોન્સનો હિસ્સો 48.9 ટકા જેટલો હતો. એટલેકે તે રૂ. 85.2 લાખ કરોડનું કદ ધરાવતી હતી. વાર્ષિક ધોરણે રિટેલ લોન્સ 13.6 ટકાના દરે વધવા પામી હતી. જેમાં હાઉસિંગ અને ઓટો લોનનો નોંધપાત્ર હિસ્સો હતો. લેન્ડિંગ માર્કેટના મહત્વના હિસ્સા એવા કમર્સિયલ લોન્સમાં સમાનગાળામાં 8.6 ટકાના દરે વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 86.3 લાખ કરોડ પર પહોંચી હતી. જ્યારે માઈક્રોફાઈનાન્સમાં 10 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 2.9 લાખ કરોડ પર રહ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવતા માઈક્રોફાઈનાન્સનો ગ્રોથ રિટેલ સેગમેન્ટ કરતાં પણ નીચો જોવા મળ્યો હતો.
જો તમામ સેક્ટરમાં સરેરાશ લોન ગ્રોથ જોઈએ તો 2021-22માં તે 11 ટકા પર રહ્યો હતો. જેમાં રિટેલ, માઈક્રો ફાઈનાન્સ અને કમર્સિયલ લોનનો સમાવેશ થાય છે. આ અભ્યાસમાં બેંક્સ અને નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોવિડના બીજા વેવ વચ્ચે પણ દેશમાં ઊંચો ક્રેડિટ ગ્રોથ જળવાયો હતો. જે દેશમાં આર્થિક ક્ષેત્રે મજબૂત રિકવરી સૂચવે છે. એક્સપર્ટ તેને ખૂબ જ પ્રોત્સાહક બાબત ગણાવી રહ્યાં છે. તેમના મતે રિટેલ તરફથી ઊંચી ક્રેડિટ લેવાની ઘટના તેમની આવક બાબતે તેમનો આત્મવિશ્વાસ પણ દર્શાવે છે. કોવિડના સમયમાં તેમની લોનપાત્રતા મજબૂત જળવાય રહી હતી તે પણ એક મહત્વની બાબત છે. રિટેલ સેગમેન્ટમાં મોટો હિસ્સો હોમ લોનનો જોવા મળે છે. કુલ રિટેલ લોનમાં હોમ લોન સેગમેન્ટ રૂ. 25.5 લાખ કરોડ સાથે 30 ટકાનો સૌથી ઊંચો હિસ્સો ધરાવે છે. જ્યારબાદના ક્રમે ક્રેડિટ કાર્ડ્સ આવે છે. તેઓ 17.2 ટકા રિટેલ લોન હિસ્સો ધરાવે છે. પર્સનલ લોન સેગમેન્ટ 14.1 ટકા સાથે ત્રીજા ક્રમે જોવા મળે છે. જ્યારે ગોલ્ડ લોન્સ 11 ટકા સાથે ચોથા ક્રમે આવે છે.
પબ્લિક સેક્ટર બેંક્સ હોમ લોન સેગમેન્ટમાં 41 ટકા જ્યારે પર્સનલ લોન સેગમેન્ટમાં 42.3 ટકા સાથે મોટો હિસ્સો ધરાવે છે. જ્યારે પ્રાઈવેટ સેક્ટર બેંક હોમ લોન સેગમેન્ટનો 19.6 ટકા અને ઓટો લોન સેગમેન્ટનો 37 ટકા હિસ્સો ધરાવે છે. હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ 35.8 ટકા હિસ્સા સાથે હોમ લોન સેગમેન્ટમાં પીએસયૂ બેંક્સ બાદ બીજા ક્રમે આવે છે. છેલ્લાં વર્ષોમાં એનબીએફસીએ પ્રાઈવેટ બેંકિંગ પાસેથી હોમ લોન સેગમેન્ટમાં નોંધપાત્ર હિસ્સો પડાવ્યો છે.સેકન્ડરી માર્કેટ માટે ASBA અંગે વિચારણા ચાલુઃ સેબી ચેરમેન
અલ્ગો ટ્રેડિંગ એ કોઈ બ્લેક બોક્સ નથી, તેણે ખોટા દાવાથી દૂર રહેવું જોઈએ

માર્કેટ રેગ્યુલેટર સેબી ચેરમેન માધવી પૂરી બૂચે જણાવ્યું છે કે સેકન્ડરી માર્કેટ માટે પણ ASBA(એસ્બા) જેવા માળખા માટેની વિચારણા ચાલી રહી છે. હાલમાં પ્રાઈમરી માર્કેટમાં એસ્બાનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં એપ્લિકેશનને સંબંધિત ગ્રાહકના બેંક એકાઉન્ટમાં પડેલી રકમનો સપોર્ટ હોય છે. જો અરજદારને શેર્સ એલોટ થાય છે તો તેના બેંક એકાઉન્ટમાંથી આપમેળે નાણા કપાઈ જાય છે. આ પ્રક્રિયા ઈન્વેસ્ટર્સને જે બેંકમાં તેઓ એકાઉન્ટ ધરાવતાં હોય ત્યાં સેલ્ફ-સર્ટિફીડ સિન્ડિકેટ બેંક્સ(એસસીએસબી) મારફતે અરજી માટે બહુવિધ વિકલ્પો પૂરા પાડે છે.
સેકન્ડરી માર્કેટમાં પણ એસ્બા લાગુ કરવાથી ત્યાં રહેલી સ્ટ્રક્ચરલ નબળાઈઓ દૂર થશે એમ મુંબઈ ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં બોલતાં માધવી બૂચે જણાવ્યું હતું. સેબી અલ્ગો ટ્રેડિંગની વિરુધ્ધમાં નથી, પરંતુ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે કેટલાંક સિધ્ધાંતોનું પાલન થવું જરૂરી છે. જો અલ્ગોસ એવો દાવો કરતાં હોય કે તેઓ 350 ટકા રિટર્ન ડિલીવર કરી શકે છે તો તેમણે એક વ્યક્તિગત ગોઠવણમાં તેને સક્રિય કરવી જોઈએ જેથી સેબી તેને માન્યતા આપી શકે. તે કોઈ બ્લેક બોક્સ સમાન ના હોવું જોઈએ, કે જેને સૂર્યપ્રકાશથી દૂર રાખવા ખોલી શકાય નહિ એમ બૂચે ઉમેર્યું હતું. રેગ્યુલેશન ક્ષેત્રે રહેલા ગેપને પૂરવા માટે સેબી કેવી રીતે કામ કરી રહી છે તે અંગે બૂચે કેટલાંક સિધ્ધાંતો વહેંચ્યાં હતાં જે ફિનટેક કંપનીઓને રેગ્યુલેટરી મંજૂરી મેળવવામાં કામે લાગી શકે. બૂચે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફાઈનાન્સિયલ ટેક્નોલોજી કંપનીઓએ ગૂમનામીમાં કામ કરવું જોઈએ નહિ. તેમજ રોકાણકારો અને ગ્રાહકો માટે અવરોધો ઊભા કરવા જોઈએ નહિ.

કોર્પોરેટ હેડલાઈન્સ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાઃ બેંક રેગ્યુલેટર આરબીઆઈએ પીએસયૂ બેંકને પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન ફ્રેમવર્કમાંથી બહાર કરી છે. બેંકના વિવિધ માપદંડામાં સુધારાને પગલે આમ કરવામાં આવ્યું છે. ત્રણ પીએસયૂ બેંક્સમાંથી આઈઓબી અને યૂકો બેંકને સપ્ટેમ્બર 2021માં જ પીસીએએફમાંથી બહાર કરવામાં આવી હતી.
એમએન્ડએમઃ યુટિલિટી અને ટ્રેકટર ઉત્પાદક કંપની સ્વરાજ એન્જિન્સમાં વધુ 17.41 ટકા હિસ્સો ખરીદ્યાં બાદ કંપનીમાં 52.13 ટકા હિસ્સો ધરાવતી હશે. હાલમાં તે 34.72 ટકા ઈક્વિટી ધરાવે છે. મહિન્દ્રાએ કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ પાસેથી રૂ. 296 કરોડમાં આ હિસ્સો ખરીદવાનો સોદો કર્યો છે.
રિલાયન્સ કેપિટલઃ રિલાયન્સ કેપિટલના લેન્ડર્સે આરકેપના બીડર્સને વધુ એક મહિના માટેનું એક્સટેન્શન આપ્યું છે. હવેથી આરકેપના બીડર્સે 30 ઓક્ટોબર સુધીમાં ફાઈનલ બીડીંગ કરવાનું રહેશે. બીડર્સમાંના એક પિરામલ ગ્રૂપે 12 સપ્તાહ માટે એક્સટેન્શનની માગણી કરી હતી.
એસ્સારઃ એસ્સાર જૂથ સાઉદી અરેબિયા ખઆતે ઈન્ટિગ્રેટેડ ફ્લેટની સ્થાપના માટે 4 અબજ ડોલરનું રોકાણ કરશે. પ્લાન્ટ ચાલુ વર્ષની આખરમાં બનવાની શરૂઆત થશે અને 2025ની આખર સુધીમાં કાર્યાન્વિત થશે એમ કંપનીના વર્તુળોએ જણાવ્યું હતું.
ઈપીએફઓઃ એમ્પ્લોઈ પ્રોવડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન સતત ચોથા મહિને દસ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ નોંધાવ્યાં છે. જુલાઈમાં જોકે નવા ઈપીએફ સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં 4.5 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે 10.58 લાખ પર રહ્યાં હતાં. જેમાં 2.91 લાખ મહિના સબસ્ક્રાઈબર્સ હતાં.
ભારત ફોર્જઃ ઓટો કંપનીએ સ્ટેપ-ડાઉન યુનિટ સાગર-માનસમાંના 49 ટકા ઈક્વિટી હિસ્સો દાસ્તાન ટ્રાન્સનેશનલને ટ્રાન્સફર કર્યો છે.
યસ બેંકઃ બેંક રેગ્યુલેટર આરબીઆઈએ આર ગાંધીની પ્રાઈવેટ બેંકના નોન-એક્ઝીક્યૂટિવ(પાર્ટ-ટાઈમ) ચેરમેન તરીકે ત્રણ વર્ષ માટે નિમણૂંકને મંજૂરી આપી છે.
ટીએમબીઃ તાજેતરમાં જ શેરબજાર પર લિસ્ટ થયેલી તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકના પાર્ટ-ટાઈમ નોન-એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર તરીકે બી વિજયદૂરાઈની નિમણૂંક કરવાના પ્રસ્તાવને આરબીઆઈએ ફગાવ્યો છે.
એનડીટીવીઃ ન્યૂ દિલ્હી ટેલિવિઝનના પ્રમોટર્સ સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યૂનલ(સેટ) તરફથી ફટકારવામાં આવેલા રૂ. 5 કરોડની પેનલ્ટીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. સેટે એનડીટીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપની સાથે કરેલા લોન એગ્રીમેન્ટને ડિસ્ક્લોઝ નહિ કરવા બદલ આ દંડ ફટકાર્યો છે.
વિપ્રોઃ આઈટી સર્વિસ કંપની અને ફિનાસ્ટ્રાએ ભારતમાં કોર્પોરેટ બેંક્સને ડિજિટલ સોલ્યુશન્સ ઓફર કરવા માટે ભાગીદારી કરી છે.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ કંપનીએ ટેલિનોર નોર્વે સાથે ડિજીટલ, એનાલિટીક્સ માટે જોડાણ હાથ ધર્યું છે.
એબીએફએલઃ આદિત્ય બિરલા ફેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 288.75 પ્રતિ શેરના ભાવે 1.02 કરોડ શેર્સની ફાળવણીને મંજૂરી આપી છે.
પ્રિમીયર એક્સપ્લોઝીવ્સઃ કંપનીએ ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ તરફથી વોરહેડ્સ મેન્યૂફેક્ચરિંગ માટે ઓર્ડર મેળવ્યો છે.
ત્રિવેણી ટર્બાઈનઃ ત્રિવેણી એન્જિનીયરીંગ તેની પાસે રહેલા ત્રિવેણી ટર્બાઈનના 11.85 ટકા હિસ્સાનું બ્લોક ડિલ મારફતે વેચાણ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage