બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં મજબૂતી સાથે સપ્તાહ સમાપ્તઃ નિફ્ટી 22K જાળવી રાખવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.32 ટકા ગગડી 12.22ના સ્તરે બંધ
ચીન, હોંગ કોંગના બજારોમાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ મજબૂત
ઓટો, ફાર્મા, રિઅલ્ટી, એફએમસીજી, પીએસયૂ બેંકિંગમાં લેવાલી
નિફ્ટી આઈટી 2 ટકાથી વધુ ગગડ્યો
ઈન્ડસ ટાવર્સ, સોલાર ઈન્ડ., મારુતિ સુઝુકી, ટોરેન્ટ પાવર નવી ટોચે
હિંદુસ્તાન યુનિલીવર નવા તળિયે
યુએસ ફેડ તરફથી ચાલુ કેલેન્ડરમાં ત્રણ રાઉન્ડમાં રેટ કટ મારફતે કુલ 75 બેસીસના ઘટાડાની અસર શેરબજારમાં બીજા સત્રમાં જોવા મળી હતી. એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજારે પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 191 પોઈન્ટ્સ મજબૂતી સાથે 72832ની સપાટીએ જ્યારે નિફ્ટી 85 પોઈન્ટ્સ સુધારે 22097 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3906 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2430 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1375 કાઉન્ટર્સ નેગેટિવ જળવાયાં હતાં. 110 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 50 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.3 ટકા ઘટાડે 12.22ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, ત્યારપછી માર્કેટમાં સતત સુધારો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 21993ના ઈન્ટ્રા-ડે લો પરથી 22181ના ઈન્ટ્રા-ડે હાઈ પર ટ્રેડ થયાં પછી 22 હજારની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 58 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22155ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 117 પોઈન્ટ્સના પ્રિમીયમમાં 59 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન હળવી થવાના સંકેત છે. જેનું એક કારણ આગામી નાનુ સપ્તાહ હોઈ શકે છે. સોમવારે ધૂળેટી હોવાથી શેરબજાર બંધ છે. આગામી સપ્તાહ માર્ચ સિરિઝ એક્સપાયરી સપ્તાહ છે. આમ, માર્કેટમાં ઊંચી વધ-ઘટ સંભવ છે. ટ્રેડર્સ 21800ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, યૂપીએલ, એપોલો હોસ્પિટલ, સન ફાર્મા, સિપ્લા, એસબીઆઈ લાઈફ, બજાજ ઓટો, ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેંક, આઈટીસી, આઈશર મોટર્સ, તાતા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, હિંદાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ભારતી એરટેલ, ડો. રેડ્ડીઝ લેબ્સનો સમાવેશ થતો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર 13 કાઉન્ટર્સ જ નેગેટીવ બંધ સૂચવતાં હતાં. જેમાં એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, તાતા કન્ઝ્યૂમર, ડિવિઝ લેબ્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, એચડીએફસી બેંકનો સમાવેશ થતો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, ફાર્મા, રિઅલ્ટી, એફએમસીજી, પીએસયૂ બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી આઈટી 2 ટકાથી વધુ ગગડ્યો હતો. નિફ્ટી ઓટો 1.7 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, ભારત ફોર્જ, બજાજ ઓટો, આઈશર મોટર્સ, તાતા મોટર્સ, મધરસન, બોશમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.25 ટકા પોઝીટીવ બંધ દર્શાવતો હતો જેના ઘટકોમાં સન ફાર્મા, સિપ્લા, બાયોકોન, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.9 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં યુનાઈટેડ સ્પિરિટ્સ, આઈટીસી, બ્રિટાનિયા, પીએન્ડજી, કોલગેટ, નેસ્લે, એચયૂએલ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 1.76 ટકા મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં સોભા, હેમિસ્ફીઅર, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સનટેક રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ગોજરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્ઝ સેગમેન્ટની વાત કરીએ તો ઈન્ડસ ટાવર્સ 8 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, વોડાફોન આઈડિયા, હીરો મોટોકોર્પ, લૌરસ લેબ્સ, મારુતિ સુઝુકી, યૂપીએલ, એપોલો હોસ્પિટલ, સન ફાર્મા, એચડીએફસી એએમસી, ડો. લાલ પેથલેબ, ભારત ફોર્જમાં ખરીદી નીકળી હતી. બીજી બાજુ, કોલ ઈન્ડિયા, ગુજરાત ગેસ, આરબીએલ બેંક, કોરોમંડલ ઈન્ટરનેશનલ, બલરામપુર ચીની, આઈઈએક્સ, એનટીપીસી, જેકે સિમેન્ટ, ઈન્ટરગ્લોબ, અશોક લેલેન્ડ, આલ્કેમ લેબ, સીજી કન્ઝ્યૂમરમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ઈન્ડસ ટાવર્સ, સોલાર ઈન્ડ., મારુતિ સુઝુકી, ટોરેન્ટ પાવરનો સમાવેશ થતો હતો. જ્યારે હિંદુસ્તાન યુનિલીવર નવા તળિયે ટ્રેડ થયો હતો.
એક્સેન્ચરે ગાઈડન્સમાં ઘટાડાની અસર ભારતીય IT કંપનીઓ પર પડી શકેઃ એનાલિસ્ટ્સ
વૈશ્વિક આઈટી કંપની એક્સેન્ચરે તેના ફૂલ-યર રેવન્યૂ ગ્રોથ ગાઈડન્સમાં ઘટાડો કર્યો છે. તેણે અગાઉના 2-5 ટકા વૃદ્ધિના ગાઈડન્સને ઘટાડી 1-3 ટકા કર્યું છે. જે ભારતીય ઈન્ફર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે એમ એનાલિસ્ટ્સનું કહેવું છે. એનાલિસ્ટ્સ અને ઉદ્યોગ ખેલાડીઓનું માનવું હતું કે નાણાકિય વર્ષ 2024-25માં આઈટી ઉદ્યોગ વિસ્તરણ દર્શાવશે. જોકે, કંપનીઓ ખર્ચ કરવાનું ટાળી રહી છે. આ જ બાબત એક્સેન્ચરના રેવન્યૂ ગ્રોથ ગાઈડન્સમાં ઘટાડામાંથી આવે છે. કંપનીએ મેનેજ્ડ સર્વિસિઝમાં સોફ્ટ ગ્રોથનો ટાર્ગેટ આપ્યો છે. ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ છ મહિનામાં એક્સેન્ચરે 23 કંપનીઓની ખરીદી કરી છે. તેણે 2.9 અબજ ડોલરમાં આ ખરીદી કરી છે.
રેટિંગ એજન્સી ઈકરાના એક રિપોર્ટ મુજબ ભારતીય આઈટી ઉદ્યોગ 2024-25માં 3-5 ટકાની રેંજમાં વૃદ્ધિ દર્શાવશે. એજન્સીએ 2023-24 માટે લગભગ સમાન વૃદ્ધિ દરની આગાહી કરી હતી. એક્સેન્ચરના ત્રીજા ક્વાર્ટરના પરિણામ દર્શાવે છે કે જનરેટીવએઆઈ ડિલ્સ મળ્યાં છે પરંતુ તે અન્યોના ખર્ચે મળ્યાં છે. કંપનીએ જેનએઆઈના 60 કરોડ ડોલરથી વધુના ડીવ્સ બુક કર્યાં છે. જે સાથે નાણાકિય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 1.1 અબજ ડોલરના કુલ ડિલ્સ મેળવ્યાં છે.
કંપનીએ ત્રીજા ક્વાર્ટરની આવકમાં 6 ટકા ઘટાડો દર્શાવ્યો હતો. બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને ઈન્શ્યોરન્સ(બીએફએસઆઈ)માં બે ક્વાર્ટરથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈટી પ્લેયર્સ માટે બીએફએસઆઈ સૌથી મોટું વર્ટિકલ છે.
મીડ-કેપ ઈન્ડેક્સમાં વધુ 10 ટકા, નિફ્ટી-50માં 5 ટકા ઘટાડાની શક્યતાઃ CLSA
ભારતીય ઈક્વિટી માર્કેટમાં નજીકના સમયગાળામાં વોલેટિલિટીની ધારણા
ભારતીય શેરબજાર માટે છેલ્લો એક મહિનો ઊંચી વધ-ઘટનો જોવા મળ્યો છે. નિફ્ટી અને સેન્સેક્સે રેંજમાં ટ્રેડિંગ દર્શાવ્યું છે, જ્યારે મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો છે. જે આગામી સમયગાળામાં પણ જળવાય રહેવાની શક્યતાં સીએલએસએના એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે. તેમના મતે સેબી તરફથી સ્મોલ અને મીડ-કેપ સ્પેસને લઈ ચિંતાને જોતાં રોકાણકારોમાં સાવચેતી જોવા મળશે. તાજેતરના ટ્રેન્ડને જોતાં સીએલએસના ટેકનિકલ એનાલિસ્ટ લૌરેન્સ બાલાન્કોએ નજીકના સમયગાળામાં ઊંચી વોલેટિલિટીની શક્યતાં દર્શાવી છે.
બાલાન્કોના મતે નિફ્ટીમાં વધુ 5 ટકા ઘટાડો સંભવ છે. બેન્ચમાર્ક 21200-21300ના લેવલ્સ સુધી ઘટાડો દર્શાવી શકે છે. જ્યારપછી તે 23000ના લેવલ તરફ બાઉન્સ થઈ શકે છે. જોકે, મીડ-કેપ્સને લઈ તેઓ વધુ ઘટાડાની શક્યતાં ધરાવે છે. તેમના મતે મીડ-કેપ ઈન્ડેક્સમાં 10 ટકા ઘટાડો સંભવ છે. ઊંચી વોલેટિલિટીની સંભાવનાને જોતાં રોકાણકારોને તેઓ લાર્જ-કેપ્સમાં જ એક્સપોઝર જાળવવા જણાવે છે. તેમના મતે વર્તમાન સ્થિતિમાં હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મજબૂત જળવાયો છે. શેરમાં રૂ. 2700 તરફનો ઘટાડો એક્સપોઝર વધારવા માટેની તક હશે. તેઓ કાઉન્ટરમાં રૂ. 3400નો ટાર્ગેટ જોઈ રહ્યાં છે.
AI માટે ભારત હવેનું બીજું મોટું પ્લેગ્રાઉન્ડઃ સેમસંગ CEO
હાનના મતે ભારત વૈશ્વિક સ્તરે સૌથી ઝડપે ઊભરી રહેલું મોટું બજાર
સાઉથ કોરિયન જાયન્ટ સેમસંગના વાઈસ ચેરમેન અને સીઈઓ જોંગ-હી હાને ભારતને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ માટે ઊભરી રહેલું હવેનું બીજું મોટું પ્લેગ્રાઉન્ડ ગણાવ્યું છે. તેઓ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે ડિવાઈસ એક્સપિરિયન્સ ડિવિઝનના હેડ પણ છે. હાને જણાવ્યા મુજબ ભારત વૈશ્વિક સ્તરે સૌથી મોટા અને સૌથી ઝડપે વિકસી રહેલું માર્કેટ છે. જે સેમસંગ માટે મોટી તકો ઓફર કરી રહ્યું છે. હાનના મતે ભારત પાસે ટેક-સાવી યુવાન ગ્રાહકોની મોટી વસ્તી છે જે અમને ઈનોવેશન માટે પ્રેરણા પૂરી પાડી રહી છે. અહીં, અમારા આરએન્ડડી સેન્ટર્સ ખાતે હજારો યુવાન, સાહસિકો કામ કરી રહ્યાં છે. જેઓ કટીંગ એજ ટેક્નોલોજિસ લાવી રહ્યાં છે અને વિશ્વને ઓફર કરી રહ્યાં છે. અમે તેમના માટે ગર્વિત છીએ એમ હાને ઉમેર્યું હતું. તેના જણાવ્યા મુજબ સેમસંગ ભારતના ટેક-સાવી ગ્રાહકો માટે એઆઈ અને હાયપર-કનેક્ટિવિટી આણવા પર ધ્યાન આપશે. તેઓ મુંબઈ સ્થિત જીઓ વર્લ્ડ પ્લાઝા ખાતે સેમસંગ બીકેસીની મુલાકાતે આવ્યાં હતાં.
Market Summary 22/03/2024
March 22, 2024