ફેડ બેઠક અગાઉ શેરબજારોમાં સાવચેત અન્ડરટોન
જોકે સાંકડી રેંજમાં ટ્રેડ વચ્ચે બીજા દિવસે પોઝીટીવ બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 14.80ની સપાટીએ
ફાર્મા, ઓટો, બેંકિંગ, એફએમસીજીમાં મજબૂતી
મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ
સિમેન્સ, કેપીઆઈટી ટેક નવી ટોચે
સોભા, નિપ્પોન, મોતીલાલ ઓસ્વાલ નવા તળિયે
બુધવારે રાતે યુએસ ફેડ તરફથી કેલેન્ડરની બીજી રેટ સમીક્ષા બેઠક અગાઉ ભારતીય બજારોમાં સાવચેતી જોવા મળી હતી. જોકે બજારે સાંકડી રેંજમાં અથડાયાં બાદ પોઝીટીવ ઝોનમાં બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 140 પોઈન્ટ્સ સુધરી 58064ની સપાટીએ જ્યારે નિફ્ટી 35 પોઈન્ટ્સ ઉછળી 17143ની સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં નોંધપાત્ર ખરીદી વચ્ચે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 34 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 16-કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ અન્ડરટોન પોઝીટીવ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે કુલ 3631 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2040 કાઉન્ટર્સ અગાઉના બંધ કરતાં સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 1453 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 162 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જ્યારે 73 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. 208 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 149 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 14.80ની સપાટીએ બંધ રહ્યો હતો.
બુધવારે બજારની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. કેમકે યુએસ ખાતે સોમવારે બજારો સુધારા સાથે બંધ રહ્યાં હતાં. તેમજ એશિયન બજારો પણ 1-2 ટકા સુધારો દર્શાવતાં હતાં. આ વચ્ચે બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17108ના બંધ સામે 17177ની સપાટી પર ખૂલી ઉપરમાં 17207ની ટોચ દર્શાવી નીચામાં 108ના સ્તરે ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 32 પોઈન્ટ્સના પ્રિમીયમે 17184ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં 61 પોઈન્ટ્સના પ્રિમીયમમાં 50 ટકા ઘટાડો સૂચવે છે. આનો અર્થ એવો થાય છે કે ટ્રેડર્સે તેમની લોંગ પોઝીશન છોડી છે. આમ બજારમાં આગામી સત્રોમાં ઝડપી બાઉન્સની શક્યતાં ઓછી છે. જોકે ટેકનીકલ એનાલિસ્ટ્સ માર્કેટમાં પોઝીટીવ મૂવમેન્ટ જળવાય રહે તેવું માને છે. તેમના મતે છેલ્લાં બે સત્રોમાં બજાર ટકવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે ઉપરની બાજુએ સુધારો જોવા મળે તેમ સૂચવે છે. જોકે નિફ્ટીને 17255નો મજબૂત અવરોધ છે. જે પાર ના થાય ત્યાં સુધી મોટા સુધારાની શક્યતાં નથી.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનાર મુખ્ય કાઉન્ટર્સમાં એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, તાતા કન્ઝ્યૂમર, એસબીઆઈ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, યૂપીએલ અને હિંદાલ્કો મુખ્ય હતાં. બીજી બાજુ, ઘટાડો દર્શાવવામાં બીપીસીએલ, એનટીપીસી, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, નેસ્લે, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બ્રિટાનિયાનો સમાવેશ થતો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, ઓટો, બેંકિંગ, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ અને રિઅલ્ટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં આલ્કેમ લેબ ત્રણ ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. જ્યારે ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, લ્યુપિન, બાયોકોન, ડો. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો પણ અડધો ટકો સુધારો સૂચવતો હતો. જેમાં અશોક લેલેન્ડ 2.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત તાતા મોટર્સ, એમઆરએફ, અમર રાજા બેટરીઝ, ભારત ફોર્જ, આઈશર મોટર્સમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી બેંક 0.25 બેસીસ પોઈન્ટ્સ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેમાં બંધન બેંક 4 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંકમાં પણ મજબૂતી જોવા મળતી હતી. આઈટી કાઉન્ટર્સમાં ટીસીએસ, કોફોર્જ, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બીજી બાજુ નિફ્ટી પીએસઈમાં નરમાઈ જોવા મળી હતી. જેમાં ઘટાડો દર્શાવવામાં સેઈલ, ભેલ, બીપીસીએલ, એનટીપીસી, કોલ ઈન્ડિયા, નાલ્કો, એચએએલ મુખ્ય હતાં. એનર્જી કાઉન્ટર્સમાં અદાણી ગ્રીન એનર્જી પાંચ ટકા સર્કિટમાં બંધ હતો. આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગેઈલ, એચપીસીએલ, આઈઓસી, ઓએનજીસી ગ્રીન બંધ દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો બંધન બેંક 4.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત વોડાફોન આઈડિયા, આલ્કેમ લેબ, એચડીએફસી લાઈફ, કેન ફિન હોમ્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, ડો. લાલ પેથલેબ્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ, એબીબી ઈન્ડિયા 3 ટકા ગગડ્યો હતો. ઉપરાંત, કમિન્સ ઈન્ડિયા, ઈન્ડિયામાર્ટ, નાલ્કો, ગોદરેજ પ્રોપર્ટી, ગુજરાત ગેસ, અદાણી પોર્ટ્સ અને શ્રીરામ ફાઈનાન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કેપીઆઈટી ટેક અને સિમેન્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે સોભા, થાયરોકેર, કેપલીન લેબ્સ, જીઆર ઈન્ફ્રા, નિપ્પોન, મોતીલાલ ઓસ્વાલમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું હતું.
અદાણી ગ્રૂપ ભારતમાં વધુ એરપોર્ટ્સ માટે બીડીંગ કરશે
ગૌતમ અદાણીનું કોન્ગ્લોમેરટ અદાણી જૂથ એરપોર્ટ્સ બિઝનેસનું વિસ્તરણ ચાલુ રાખશે એમ જૂથના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે. જૂથના ભાગરૂપ કંપની અદાણી એરપોર્ટ્સના સીઈઓ અરુણ બંસલે જણાવ્યું છે કે તેઓ આગામી વર્ષોમાં વધુ એરપોર્ટ્સ માટે બીડિંગ કરશે. સરકાર તરફથી એરપોર્ટના ખાનગીકરણના છેલ્લાં રાઉન્ડમાં અદાણી જૂથે ત્રણ એરપોર્ટ્સ મેળવ્યાં હતાં. જે સાથે તેઓ હાલમાં કુલ છ એરપોર્ટ્સનું સંચાલન કરી રહ્યાં છે. સરકાર આગામી કેટલાંક વર્ષોમાં લગભગ એક ડઝનથી વધુ એરપોર્ટ્સનું ખાનગીકરણ કરે તેવી અપેક્ષા છે. જેના બીડિંગમાં જૂથ ભાગ લેશે એમ બંસલે જણાવ્યું હતું.
ભારતમાં નવા બિલિયોનરમાં રેખા ઝૂનઝૂનવાલા સહિત 16નો સમાવેશ
વૈશ્વિક સ્તરે એમ3એમ હૂરુન ગ્લોબલ રિચ લિસ્ચમાં નવા 176 ચહેરાઓનો સમાવેશ
છેલ્લાં પાંચ વર્ષોમાં ભારતીય બિલિયોનર્સની વેલ્થમાં 360 અબજ ડોલરની વૃદ્ધિ
વૈશ્વિક સ્તરે બિલિયોનર્સની સંખ્યામાં આંઠ ટકાના ઘટાડા વચ્ચે ભારતમાં નવા 16 અબજોપતિઓનો ઉમેરો થયો છે અને ભારતે એમ3એ હૂરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં નવા બિલિયોનર્સનો ઉમેરો કરનાર દેશોમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ભારતમાં 2023માં હૂરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં પ્રવેશનારા 16 બિલિયોનર્સમાં રેખા ઝૂનઝૂનવાલા એન્ડ ફેમિલી ટોચના ક્રમે આવે છે. રેખા ઝૂનઝૂનવાલા તેના મૃતક પતિ રાકેશ ઝૂનઝૂનવાલાના સ્ટોક પોર્ટફોલિયોના વારસ છે. રાકેશ ઝૂનઝૂનવાલાને ભારતના વોરેન બૂફે તરીકે ઓળખવામાં આવતાં હતાં. વૈશ્વિક સ્તરે 2023 એમ3એમ હૂરૂન ગ્લોબલ રિચ લિસ્ટમાં કુલ 176 નવા ચહેરાઓનો ઉમેરો થયો છે. જેઓ 99 શહેરોમાંથી તથા 18 ઉદ્યોગોમાંથી આવે છે. ભારતીય બિલિયોનર્સે તેમની કુલ વેલ્થમાં છેલ્લાં પાંચ વર્ષોમાં 360 અબજ ડોલરની વૃદ્ધિ દર્શાવી છે. જે હોંગ કોગના જીડીપીના મૂલ્ય જેટલી છે એમ લિસ્ટમાં જણાવાયું છે. વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંખ્યા 2023માં ઘટીને 3112 પર જોવા મળે છે. જે ગયા કેલેન્ડર 2022માં 3384 પર હતી. ચાલુ વર્ષે જોવા મળતાં બિલિયોનર્સ કુલ 69 દેશોમાંથી આવે છે અને તેઓ મળીને 2356 કંપનીઓ ધરાવે છે. હુરૂન લિસ્ટ મુજબ નેટિવ બિલિયોનર્સની સંખ્યામાં પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળી છે. કેમકે ઈમિગ્રન્ટ બિલિયોનર્સની સંખ્યાનો હિસ્સો ઘટ્યો છે. 2018માં ઈમિગ્રન્ટ બિલિયોનર્સનું પ્રમાણ 23 ટકા પર જોવા મળતું હતું, જે 2023માં 14 ટકા પર જોવા મળે છે. આમ પાંચ વર્ષોમાં તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં નિવાસ ધરાવતાં બિલિયોનર્સની સંખ્યા છેલ્લાં વર્ષમાં 80 ટકા જેટલી વધી લગભગ બમણી થઈ છે. આ ટ્રેન્ડ સૂચવે છે કે છેલ્લાં 10 વર્ષોમાં મોટાભાગનું વેલ્થ ક્રિએશન સ્થાનિક ભારતીયો મારફતે જોવા મળ્યું છે.
ગૌતમ અદાણીએ દર સપ્તાહે રૂ. 3000 કરોડ ગુમાવ્યાં
એમ3એમ હૂરૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2023 રિપોર્ટ મુજબ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ હિંડેનબર્ગ રિપોર્ટની અસરે છેલ્લાં 12-મહિનામાં દૈનિ ધોરણે રૂ. 3000 કરોડ ગુમાવ્યાં હતાં. સાથે તેમણે ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ તરીકેનું સ્થાન પણ ગુમાવ્યું હતું. ગૌતમ અદાણીની વેલ્થમાં વાર્ષિક ધોરણે 53 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. હૂરૂનના મતે અદાણીએ પ્રતિ સપ્તાહ રૂ. 3000 કરોડ ગુમાવ્યાં હતાં. જાન્યુઆરીમાં શોર્ટસેલર હિંડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની વેલ્થમાં અધધધ ધોવાણ જોવા મળ્યું હતું અને ટોચના સ્તરેથી તેમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અદાણી જૂથનું માર્કેટ-કેપ 236 અબજ ડોલર પરથી ગગડી 100 અબજ ડોલરની નીચે ઉતરી ગયું હતું. જ્યારે કંપનીની લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં 70 ટકા જેટલું ધોવાણ નોંધાયું હતું.
એરપોર્ટ્સની આવક આગામી વર્ષે વધી 3.9 અબજ ડોલર થશે
2029-30 સુધીમાં ભારતમાં ડોમેસ્ટીક એરપોર્ટ પેસેન્જર્સની સંખ્યા 70 કરોડે પહોંચવાની આગાહી
ભારતીય એરપોર્ટ ઓપરેટર્સ નવા નાણા વર્ષ 2023-24માં 26 ટકા વૃદ્ધિ સાથે 3.9 અબજ ડોલરની આવ દર્શાવે તેવો અંદાજ છે એમ એવિએશન કન્સલ્ટન્સી કાપા ઈન્ડિયાએ જણાવ્યું છે. 2023-24માં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ સહિત કુલ એર પેસેન્જર ટ્રાફિ 39.5 કરોડ પર રહેવાની અપેક્ષા પણ તેણે વ્યક્ત કરી હતી. કુલ પેસેન્જર્સમાંથી ડોમેસ્ટીક પેસેન્જર્સની સંખ્યા ચાલુ નાણા વર્ષે 27.5 કરોડ પરથી વધી 32 કરોડ પર પહોંચશે. આ સમયગાળામાં ઈન્ટરનેશનલ એર પેસેન્જર્સની સંખ્યા પણ 5.8 કરોડ પરથી વધી 7.5 કરોડ પર પહોંચશે.
કાપા ઈન્ડિયાના જણાવ્યા મુજબ 2029-30 સુધીમાં ભારતમાં ડોમેસ્ટીક એરપોર્ટ પેસેન્જર્સની સંખ્યા વધી 70 કરોડ પર પહોંચવાની આગાહી છે. જ્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પેસેન્જરની સંખ્યા 16 કરોડો પહોંચવાની શક્યતાં છે. ભારતીય એરપોર્ટ્સની રેવન્યૂ નવા નાણા વર્ષ દરમિયાન 3.9 અબજ ડોલર પર પહોંચશે. જે આગામી 2022-23ની સરખામણીમાં 26 ટકા ઊંચી છે. આ શક્યતાં કાપા ઈન્ડિયા એવિએશન સમિટ ખાતે રજૂ કરવામાં આવી હતી.
રમેશ ચૌહાણે બિસલેરીનું સુકાન પુત્રી જયંતિને બદલે એંજલો જ્યોર્જને સોંપ્યું
પિતા-પુત્રી વચ્ચે મતભેદને કારણે છેલ્લી ઘડીએ ચૌહાણે નિર્ણય બદલ્યો
અગાઉ રૂ. 7000 કરોડની કંપનીને ખરીદવાની મંત્રણા તાતા જૂથે પડતી મૂકી હતી
દેશની સૌથી મોટી બોટલ વોટર કંપની બિસલેરી સતત ચર્ચામાં જોવા મળી રહી છે. ગયા સપ્તાહે તાતા જૂથે બિસલેરીની ખરીદી માટેની મંત્રણામાંથી દૂર થયાનું જાહેર કર્યા બાદ ફરી એકવાર કંપનીના નવા સુકાનીને લઈને તે ચર્ચામાં છે. સપ્તાહની શરૂમાં બિસલેરીનું સુકાન રમેશ ચૌહાણની દિકરી જયંતિ સંભાળશે તેવા અહેવાલો વહેતાં થયાં હતાં. જોકે હવે તેમાં એક નવું ટ્વિસ્ટ આવ્યું છે જે મુજબ ચૌહાણે તેમની દિકરી સાથે અણબનાવને કારણે બિસલેરીનું સુકાન એંજેલો જ્યોર્જને સોંપવાનો નિર્ણય લીધો છે. અગાઉ પણ જયંતિ બિસલેરીનો બિઝનેસ સંભાળવા તૈયાર નહોતી અને તેથી જ રમેશ ચૌહાણે કંપનીના વેચાણ માટેનો નિર્ણય લીધો હતો. જોકે તાતા જૂથ સાથે ડિલ શક્ય નહિ બનતાં તેમણે ફરીથી કંપનીના સુકાનને લઈ નિર્ણય લેવાનો થયો હતો. હાલમાં એંજલો જ્યોર્જ કંપનીની સીઈઓ છે. રમેશ ચૌહાણનો આ નિર્ણય કોઈ અગાઉથી વિચારેલો નથી અને તેઓએ તાત્કાલિક આ નિર્ણય લેવો પડ્યો હોવાનું વર્તુળો જણાવે છે.
વર્તુળોના મતે ચૌહાણ પરિવારમાં મતભેદોને જોતાં જ બિસલેરીના વેચાણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે માટે તેમણે તાતા જૂથ પર પસંદગી પણ ઉતારી હતી. તાતા જૂથે જોકે એકવાર કંપનીની ખરીદીનું મન બનાવીને પાછળથી ડિલને પડતું મૂક્યું હતું. જેને કારણે ચૌહાણે કંપનીનું નેતૃત્વ કોને સોંપવું તેને લઈને નિર્ણય લેવાનો હતો. પુત્રી જયંતિ સાથે મતભેદ તથા તેણી બિસલેરીની જવાબદારી સંભાળવના તૈયાર નહિ હોવાથી જ તેમણે આખરે જવાબદાર પ્રોફેશ્નલ સીઈઓ એંજેલો જ્યોર્જ પર પસંદગી ઉતારી હતી.
SVBના પતન પહેલાં ઈન્સાઈડર્સની લોનમાં ત્રણ ગણી વૃદ્ધિ
છેલ્લાં ત્રણ મહિનામાં ઓફિસર્સ, ડિરેક્ટર્સ, શેરહોલ્ડર્સ અને સંબંધીઓને લોન 21.9 કરોડ ડોલરે પહોંચી
યુએસ સ્થિત સિલિકોન વેલી બેંકે તેના પતન અગાઉ ઈન્સાઈડર્સ એટલેકે બેંક સાથે નજીકથી જોડાયેલા વર્તુળોને લોનમાં ત્રણ ગણી વૃદ્ધિ દર્શાવી હતી. બેંકની તપાસ કરી રહેલા રેગ્યુલેટર્સે આ વાત બહાર લાવ્યાં છે. સરકારી ડેટા મુજબ બેંકે 2022ના આખરી ત્રણ મહિનામાં ઈન્સાઈડર્સને ઝડપી લોન આપી હતી અને તેનું પ્રમાણ ત્રણ ગણુ વધી 21.9 કરોડ ડોલર પર જોવા મળ્યું હતું. ઈન્સાઈડર્સમાં બેંકના ઓફિસર્સ, ડિરેક્ટર્સ અને મુખ્ય શેરધારકો અને તેમના સંબંધિતોનો સમાવેશ થાય છે. છેલ્લાં બે વર્ષોમાં બેંક તરફથી ઈન્સાઈડર્સને ઈસ્યુ કરવામાં આવેલી તે વિક્રમી ડોલર રકમ હોવાનું પણ તેણે નોંધ્યું છે.
છેલ્લાં 15 વર્ષોમાં યુએસ ખાતે સૌથી મોટા બેંક પતનની તપાસમાં ફેડરલ રિઝર્વ અને કોંગ્રેસ સક્રિય છે. ચાલુ મહિને યુએસ ખાતે નાદાર બનેલી ત્રણ બેંકોમાં એસવીબીનો સમાવેશ થાય છે. ડિપોઝીટર્સ તરફથી એક દિવસમાં વિક્રમી 42 અબજ ડોલરનો ઉપાડ કરવાનો પ્રયાસ કરવામાં આવતાં બેંક નબળી પડી હતી. સરકારી અહેવાલમાં જોકે લોન મેળવનાર લોકોના નામ તેમજ લોન માટેનો હેતુ દર્શાવવામાં આવ્યો નથી. તેમજ ઈન્સાઈડ લોન્સમાં હજુ સુધી કોઈ ગેરરિતીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ બેંકના પ્રવક્તાના જણાવ્યા મુજબ જો તેને આ લોન્સ સાથે કોઈ સમસ્યા જણાશે તો તે પગલાં ભરશે. તેમજ અન્ય રેગ્યુલેટર્સને પણ નિયમોના ભંગ બદલ જાણ કરશે. બેંક માટે રિસીવર એવા ફેડરલ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના પ્રતિનિધિઓ તરફથી આ મુદ્દે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. 10-માર્ચે રેગ્યુલેટર્સે સિલિકોન વેલી બેંક પર અંકુશ મેળવ્યો તે અગાઉ તે ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ્સ માટે લેન્ડર તરીકેની પ્રતિષ્ઠા ધરાવતી હતી. સ્ટાર્ટ-અપ ફંડીંગમાં તે અગ્રણી હતી. જોકે, બેંકમાં અનેક સ્ટાર્ટ-અપ્સના નાણા સલવાઈ ગયા છે અને તેમને કર્મચારીઓને વેતન આપવા માટે પણ ફાંફા પડી રહ્યાં છે.
ગોલ્ડમાં 24 કલાકની ઊંચી વધ-ઘટ બાદ સ્થિરતા
ગોલ્ડના ભાવમાં સોમવાર સાંજથી લઈ મંગળવાર મોડી સાંજ સુધી મોટી વધ-ઘટ જોવા મળ્યાં બાદ બુધવારે ભાવ રેંજ બાઉન્ડ જોવા મળ્યાં હતાં. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો સવારે 1940 ડોલરની નીચે ઉતરી ગયા બાદ સુધરી 1949 ડોલરની ટોચ બનાવી આ લખાય છે ત્યારે 1946 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. સોમવારે સાંજે તેણે 2015 ડોલરની વાર્ષિક ટોચ નોંધાવી હતી. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડના ભાવ રૂ. 70ના સુધારે રૂ. 58649ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. સોમવારે તેણે રૂ. 60450ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. જ્યાંથી તે રૂ. 2000 જેટલાં ઘટ્યાં હતાં. એમસીએસ ચાંદીમાં રૂ. 310નો સુધારો જોવા મળતો હતો અને તે રૂ. 68650 પર ટ્રેડ થઈ રહી હતી.
ચાલુ નાણા વર્ષે ફાર્મા નિકાસમાં 3.1 ટકા વૃદ્ધિ
દેશમાંથી ચાલુ નાણા વર્ષ દરમિયાન ફાર્માસ્યુટિકલ નિકાસમાં 3.14 ટકા વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 સુધીના સમયગાળાની વાત કરીએ તો દેશમાંથી કુલ નિકાસ 22.9 અબજ ડોલર પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 22.20 અબજ ડોલર પર હતી. ફાર્માક્સિલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિપોર્ટ મુજબ નિકાસ અપેક્ષા મુજબ જોવા મળી રહી છે અને 2022-23માં તે 25 અબજ ડોલરના સીમાચિહ્નને પાર કરે તેવી શક્યતાં છે. 2021-22માં દેશમાં ફાર્મા નિકાસ 0.71 ટકા પર ફ્લેટ જોવા મળી હતી અને તે 24.62 અબજ ડોલર પર રહી હતી.
NRI ડિપોઝીટ ઈનફ્લોમાં બમણાથી વધુ વૃદ્ધિ
બિન-નિવાસી ભારતીયો તરફથી સ્થાનિક બેંક્સમાં ડિપોઝીટ્સનો ફ્લો છેલ્લાં વર્ષમાં બમણાથી વધુ વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધીના સમયગાળામાં દેશમાં 5.95 અબજ ડોલરનો એનઆરઆઈ ડિપોઝીટ ઈનફ્લો જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 2.7 અબજ ડોલર પર હતો. આરબીઆઈ ડેટા મુજબ ડિસેમ્બર 2022ની આખરમાં 134.48 અબજ ડોલર પર જોવા મળતી એનઆરઆઈ ડિપોઝીટ્સ જાન્યુઆરી આખરમાં 136.81 અબજ ડોલર પર નોંધાઈ હતી. માર્ચ 2022ની આખરમાં તે 139.02 અબજ ડોલર પર હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈડીએફસીઃ એનબીએફસીએ જણાવ્યું છે કે આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે મર્જરને 2022-23ની આખર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ મર્જર પછી આઈડીએફસી બેંકને રૂ. 4000 કરોડની મૂડી પ્રાપ્ય બનશે. જેમાંથી મોટો હિસ્સો આઈડીએફસીના એમએફ બિઝનેસના વેચાણમાંથી મળેલી રકમનો હશે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જીનીયરિંગ કંપનીની હાઈડ્રોકાર્બન પાંખે વિદેશમાંથી રૂ. 5000-7000 કરોડનો મહત્વનો ઓર્ડર મેળવ્યો છે. જેમાં એન્જીનીયરીંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઓફશોર સ્ટ્રક્ચર્સના ઈન્સ્ટોલેશનનો તથા હયાત સુવિધાના અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. એલએન્ડટી એનર્જી હાઈડ્રોકાર્બન ક્ષેત્રે ડિઝાઈન-ટુ-બિલ્ડ સોલ્યુશન્સ ઓફર કરે છે.
હિંદુસ્તાન ઝીંકઃ કંપની પ્રતિ શેર રૂ. 26 લેખે કુલ રૂ. 10,985.83 કરોડનું ચોથું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે. કંપનીના બોર્ડે 1300 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીમાં 65 ટકા હિસ્સો વેદાંતા જૂથ પાસે છે. જ્યારે 30 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર પાસે છે. ડિવિડન્ડ માટે 29 માર્ચને રેકર્ડ ડેટ નિર્ધારિત કરવામાં આવી છે.
એનટીપીસીઃ પીએસયૂ વીજ ઉત્પાદક કંપનીએ ભારતીય આર્મી સાથે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટની સ્થાપના માટે એગ્રીમેન્ટ પર સાઈન કરી છે. આ કરાર હેઠળ સંભવિત સાઈટ્સ પર સંયુક્તપણે પ્રોજેક્ટ બાંધકામ હાથ ધરવામાં આવશે.