Market Summary 22/05/2023

એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે સપ્તાહની પોઝીટીવ શરૂઆત
નિફ્ટી ફરી 18300 પર બંધ રહેવામાં સફળ
ઈન્ડિયા વિક્સ 2.2 ટકા મજબૂતી સાથે 12.57ના સ્તરે
મેટલ, આઈટી સેક્ટર્સમાં ભારે લેવાલી
ફાર્મા, એનર્જી, ઓટોમાં મજબૂતી
બેંકિંગ, ફાઈ. સર્વિસિઝમાં નરમાઈ

એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારમાં સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 234 પોઈન્ટ્સ સુધારે 61,964 અને નિફ્ટી 111 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18,314ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે, મીડ-કેપ અને સ્મોલ-કેપમાં ખરીદીના અભાવે બ્રેડ્થ નેગેટિવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3788 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1847 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1770 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 135 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 56 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.2 ટકા મજબૂતી સાથે 12.57ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ સાધારણ નેગેટિવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જ્યારબાદ તે સહેજ વધુ નીચે જઈ તરત બાઉન્સ થયો હતો અને ઈન્ટ્રા-ડે 18335.25ની ટોચ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 11 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18325 પર બંધ રહ્યો હતો. આમ અગાઉ સત્રના સરખામણીમાં પ્રિમીયમમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં લોંગ લિક્વિડેશન થયું હોવું જોઈએ. આમ બેન્ચમાર્ક આગામી સત્રોમાં કોન્સોલિડેશનમાં જ જળવાયેલો રહી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 18330ની ઉપર બંધ આપશે તો 18500 સુધીનો સુધારો જોવા મળશે. જે પાર થતાં બજારમાં વધુ સુધારો સંભવ છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ 19 ટકા ઉછળ્યો હતો. જે તેનો છેલ્લાં ચાર મહિનાનો સૌથી શ્રેષ્ઠ દેખાવ હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, ડિવિઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, એચડીએફસી લાઈફ, જેએસડબલ્યુ સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ નેસ્લે, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, એક્સિસ બેંક, કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ, તાતા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, આઈટી સેક્ટર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. ફાર્મા, એનર્જી, ઓટોમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે બેંકિંગ, ફાઈ. સર્વિસિઝ નરમાઈ દર્શાવતા હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઉછળ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસનું યોગદાન મુખ્ય હતું. આ ઉપરાંત વેદાંત, જેએસડબલ્યુ સ્ટીલ, વેલસ્પન કોર્પ, એપીએલ એપોલો, નાલ્કો, જિંદાલ સ્ટીલમાં પણ મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળ્યો હતો. જેમાં એલટીઆઈમાઈન્ડટ્રી, એમ્ફેસિસ, પર્સિસ્ટન્ટ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એલએન્ડટી ટેક્નોલોજી, ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળતી હતી. નિફ્ટી રિઅલ્ટીમાં 0.71 ટકા સુધારો નોઁધાયો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ગોદરેજ કોર્પ, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ અને ઓબેરોય રિઅલ્ટીમાં ખરીદી જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો અદાણી એન્ટરપ્રાઈઝિસ 19 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, મૂથૂત ફાઈનાન્સ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ડિક્સોન ટેક્નોલોજી, અદાણી પોર્ટ્સ, ડિવિઝ લેબ્સ, અંબુજા સિમેન્ટ્સ, એસીસી, રામ્કો સિમેન્ટ્સ, ડો. લાલ પેથલેબ્સ, એપોલો હોસ્પિટલ અને સન ટીવી નેટવર્કનો સમાવેશ થાય છે. બીજી બાજુ સિમેન્સ, ગ્લેનમાર્ક, એમસીએક્સ ઈન્ડિયા, આઈઈએક્સ, પીવીઆર આઈનોક્સ, આલ્કેમ લેબ્સ, શ્રીરામ ફાઈનાન્સ, જેકે સિમેન્ટ અને ઈન્ડસ ટાવર્સમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કેટલાંક કાઉન્ટર્સમાં નારાયણ હ્દયાલય, સાયન્ટ ટેકનોલોજી, રામ્સો સિમેન્ટ્સ, સીજી પાવર, પુનાવાલા ફિનકોર્પ, ક્રેડિટએક્સેસ અને કાર્બોરેન્ડમનો સમાવેશ થાય છે. બીજી બાજુ ગ્લેન્ડ ફાર્મા, બાલાજી એમાઈન્સ, આદિત્ય બિરલા ફેશન, ઓરિએન્ટ ઈલેક્ટ્રીક અને ઈપ્કા લેબ્સે વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં.

RBIની સ્પષ્ટતાં પછી રૂ. 2000ની નોટ સામે ડોલર-ગોલ્ડના પ્રિમીયમમાં ઘટાડો
સોમવારે લાલ નોટ સામે ગોલ્ડનું પ્રિમીયમ શનિવારના રૂ. 7-8 હજાર સામે ઘટી રૂ. 1-1.5 હજાર રહ્યું
હવાલામાં ડોલરમાં સોમવારે ઉપરમાં રૂ. 98 સુધી કામકાજ થઈ રૂ. 92નો ભાવ જોવાયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 30 સપ્ટેમ્બર પછી રૂ. 2000ની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે તે પ્રકારની સ્પષ્ટતાં કરતાં રૂ. 2000ની નોટને લઈને ચિંતામાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ હવાલા માર્કેટમાં ડોલરના પ્રિમીયમમાં તથા ગોલ્ડના પ્રિમિયમમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે અમદાવાદ ખાતે લાલ નોટ તરીકે ઓળખાતી રૂ. 2000ની ચલણી નોટમાં ગોલ્ડની ખરીદી માટે રૂ. 1000-1500 સુધીનું પ્રિમીયમ જોવા મળતું હતું. જે શનિવારે જોવા મળતાં રૂ. 7-8 હજારના પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવતું હતું. શનિવારે સાંજે લાલ નોટ સામે સોનું રૂ. 68-70 હજારમાં ખરીદાયું હતું. જ્યારે સોમવારે તે રૂ. 64000માં પ્રાપ્ય હતું. જેની સામે રૂટિન ભાવ રૂ. 62500 આસપાસ જોવા મળતો હતો. બુલિયન વર્તુળોના મતે સોમવારે અનેક ગ્રાહકો રૂ. 2000ની નોટ લઈને આવતાં હતાં. જોકે, તેમને આરબીઆઈની સ્પષ્ટતાં અંગે સમજાવવામાં આવતાં તેઓ ગોલ્ડમાં કન્વર્ઝનને મોકૂફ રાખવાનું મન બનાવી પરત ફર્યાંનું પણ જોવા મળ્યું હતું.
જોકે, હવાલા માર્કેટમાં જેઓ રૂ. 2000ની નોટ સામે ડોલર ખરીદવા ગયા હતાં તેમણે સત્તાવાર ભાવથી ખૂબ ઊંચું પ્રિમીયમ ચૂકવવું પડ્યું હતું. સોમવારે હવાલામાં અન્ય ચલણી નોટ સામે રૂ. 88ના ડોલર સામે રૂ. 2000ની નોટમાં રૂ. 98 ચૂકવવાના થયાં હતાં. જોકે, પાછળથી તે ઘટી રૂ. 92ની સપાટીએ પરત ફર્યાં હતાં.

NCLATએ ગો ફર્સ્ટના નાદારીના આદેશને માન્ય રાખ્યો
જ્યારે લીઝર્સને એનસીએલટી જવા કરેલું સૂચન

નેશનલ કંપની લો એપેટેલ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ સોમવારે એક ચૂકાદામાં ઉડ્ડયન કંપની ગો ફર્સ્ટને રાહત આપતાં એરલાઇન્સની નાદારીની પ્રક્રિયા અંગેના એનસીએલટીના આદેશ માન્ય રાખ્યો હતો તથા એરક્રાફ્ટ્સ લીઝર્સને એનસીએલટીમાં ઉપર્યુક્ત અરજી કરવા કહ્યું હતું. ગો ફર્સ્ટે તેની દલીલોમાં કહ્યું હતું કે તેણે તેના રોલ ઉપર 7,000 કર્મચારીઓને સુરક્ષિત રાખવા તથા દેશનું એવિએશન સેક્ટર હેલ્ધી કોમ્પિટિશનનો લાભ લઇ શકે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે નાદારીની કાર્યવાહી શરૂ કરી છે. એરલાઇન્સે લીઝર્સના ખોટા ઇરાદા હોવાના દાવાને ફગાવી દીધા હતાં.
ઉલ્લેખનીય છે કે ગો ફર્સ્ટના એરક્રાફ્ટ લીઝર જેમકે એસએમબીસી એવિએશન કેપિટલ, એસએફવી એરક્રાફ્ટ હોલ્ડિંગ્સ અને જીવાય એવિએશન લીઝે રોકડની તંગીનો સામનો કરતી એરલાઇન્સની અરજીનો સ્વિકાર કરતાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ના આદેશને પડકાર્યો હતો. લીઝર્સે દલીલ કરી હતી કે ગોફર્સ્ટ એરક્રાફ્ટને પોતાની પાસે જાળવી રાખવા માટે નાદારીની પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યું છે, જે તેની માલીકી નથી. બિલિયોનર નસ્લી વાડિયા સ્થાપિત ગો ફર્સ્ટે 2, મેના રોજ નાદારી માટે અરજી કરી હતી, જેમાં તેના અડધા કાફલાના ગ્રાઉન્ડિંગ માટે યુએસ એન્જિન નિર્માતા પ્રેટ એન્ડ વ્હિટનીને જવાબદાર ઠેરવવામાં આવી હતી. અલ્ટ્રા-લો-કોસ્ટ એરલાઇનની લગભગ રૂ. 11,000 કરોડની જવાબદારીઓ છે. કંપની પ્રેટ એન્ડ વ્હીટની સામે યુએસ ખાતે કાનૂની જંગ લડી રહી છે.

અદાણી જૂથના શેર્સનો હિંડેનબર્ગ રિપોર્ટ પછીનો સોમવારે શ્રેષ્ઠ દેખાવ
અદાણી જૂથના માર્કેટ-કેપમાં એક સત્રમાં રૂ. 76 હજાર કરોડની વૃદ્ધિ નોંધાઈ
અદાણી એન્ટરપ્રાઈઝનો શેર ચાર મહિનામાં 19 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો

અદાણી જૂથના શેર્સમાં સોમવારે ભારે ખરીદી જોવા મળી હતી. જૂથની તમામ 10-લિસ્ટેડ કંપનીઓએ છેલ્લાં ચાર મહિનામાં શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હતો. જેની પાછળ જૂથના માર્કેટ-કેપમાં એક સત્રમાં રૂ. 76 હજાર કરોડથી વધુનો ઉમેરો થયો હતો. એટલેકે એક સત્રમાં તેમનું માર્કેટ-કેપ 9 અબજ ડોલરથી વધુ ઉછળ્યું હતું. 24 જાન્યુઆરીના રોજ યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી જૂથ તરફથી જોવા મળેલો આ સૌથી સારો દેખાવ હતો. અદાણી જૂથનું કુલ માર્કેટ-કેપ ગયા શુક્રવારે રૂ. 8.81 લાખ કરોડના બંધ ભાવેથી ઉછળી રૂ. 9.57 લાખ કરોડ પર પહોંચ્યું હતું.
ગૌતમ અદાણી સ્થાપિત જૂથની કંપનીઓના શેર્સમાં ખરીદીનું મુખ્ય કારણ ગયા સપ્તાહાંતે સુપ્રીમ કોર્ટે રચેલી એક્સપર્ટ પેનલે જૂથ શેર્સમાં મેનિપ્યૂલેશનના હિંડેનબર્ગના કહેવાતા આક્ષેપ સામે આપેલી ક્લિનચીટ હતું. એક્સપર્ટ પેનલે જણાવ્યું હતું કે જૂથ તરફથી ગેરરિતીઓની ક્યાંય કોઈ પુષ્ટિ થતી નથી. તેમજ રેગ્યુલેટરી નિયમોનો ભંગ થયો હોવાનું પણ જોવા મળતું નથી. જેની પાછળ સોમવારે અદાણી જૂથના તમામ શેર્સ ગેપ-અપ ઓપનીંગ દર્શાવતાં હતાં અને જોત-જોતામાં કેટલાંક શેર્સ 5 ટકાની અપર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 19 ટકા જેટલો ઉછળ્યો હતો. તથા અદાણી પોર્ટનો શેર ઈન્ટ્રા-ડે 8 ટકા જેટલો ઉછળ્યાં બાદ પાછળથી 6 ટકાથી વધુ સુધારે બંધ જોવા મળ્યો હતો. શુક્રવારે પણ અદાણી એન્ટરપ્રાઈઝિશનો શેર 3.5 ટકા મજબૂતી દર્શાવતો હતો. આમ બે ટ્રેડિંગ સત્રોમાં કંપનીના શેરમાં 22 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે બે સત્રોમાં જૂથનું માર્કેટ-કેપ 10 અબજ ડોલરથી વધુ ઉછળી ચૂક્યું છે. અદાણી પરિવારની સંપત્તિ વધી રૂ. 6.35 લાખ કરોડ પર જોવા મળી હતી.
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ એક્સપર્ટ પેનલના રિપોર્ટ પછી શોર્ટ સેલર્સ તરફથી ભારે કવરિંગ જોવા મળ્યું હતું અને અદાણી જૂથના શેર્સમાં ઝડપી લેવાલી જોવા મળી હતી. તમામ અદાણી કાઉન્ટર્સમાં વોલ્યુમ પણ ખૂબ ઊંચા જોવા મળ્યાં હતાં. આમ રોકાણકારોનો ઈન્ટરેસ્ટ પરત ફરી રહ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે એક્સપર્ટ પેનલની ક્લિનચીટ પછી જૂથ સામે વધુ તપાસની શક્યતાં ઘટી જાય છે. બીજી બાજુ તેને કારણે વિદેશી સંસ્થાકિય રોકાણકારોમાં જૂથની છાપમાં સુધારો સંભવ છે. જે વધુ ખરીદીનું કારણ બની શકે છે. અદાણી જૂથ છેલ્લાં મહિનાઓમાં તેની વિશ્વસનીયતા ફરી સ્થાપિત કરવા માટે વહેલાસર ડેટ પેમેન્ટ્સ જેવા ઉપાયો હાથ ધરી રહ્યું છે. જ્યારે તાજેતરમાં જૂથની બે કંપનીઓએ ક્વોલિફાઈડ ઈન્વેસ્ટર પ્લેસમેન્ટ્સ મારફતે રૂ. 21000 કરોડ ઊભા કરવાની યોજનાને પણ મંજૂરી આપી છે.
અદાણી જૂથ કંપનીઓનો સોમવારે દેખાવ

સ્ક્રિપ્સ બજારભાવ(રૂ.) માર્કેટ-કેપ(રૂ. કરોડમાં) વૃદ્ધિ(%)
અદાણી એન્ટરપ્રાઇઝ 2325.55 265113 18.84
અદાણી પાવર 248 95652 5.00
અદાણી પોર્ટ 729.65 157615 6.03
અદાણી ટોટલ 721.35 79335 5.00
અદાણી ટ્રાન્સમિશન 825.35 92067 5.00
અદાણી ગ્રીન 942.4 149279 5.00
ACC 1814.8 34080 4.93
અંબુજા સિમેન્ટ 423.6 84112 5.01
કુલ માર્કેટ-કેપ 957253

HDFC ક્રેડિલા માટે ક્રિસ કેપિટલ, BPEA ઈક્વિટી સહિતની કંપનીઓ રેસમાં
એચડીએફસીએ ડિએસપી મેરિલ લિંચ અને બોહોરા ફેમિલી પાસેથી 2009-2020માં હિસ્સા મારફતે એચડીએફસી ક્રેડિલા પર અંકુશ મેળવ્યો હતો

એચડીએફસી-એચડીએફસી બેંકના મર્જર આરબીઆઈની જરૂરિયાતના ભાગરૂપ એક મોટા કદના ડીલમાં એજ્યૂકેશન લોન પ્રોવાઈડર એચડીએફસી ક્રેડિલામાં બહુમતી હિસ્સાની ખરીદી માટે બીપીઈક્યૂ ઈક્વિટીના કોન્સોર્ટિયમ, ક્રિસ કેપિટલ અને ફારિંગ કેપિટલ અગ્રણી સ્પર્ધકો તરીકે ઊભર્યાં હોવાનું બહુવિધ વર્તુળો જણાવે છે.
એપ્રિલમાં એચડીએફસી બેંક સાથે મર્જર અગાઉ બેંકિંગ રેગ્યુલેટરે એચડીએફસીને તેની સબસિડિયરી એચડીએફસી ક્રેડિલામાં એક પણ નવા કસ્ટમર્સને સ્વીકાર્યા વિના તેના હિસ્સાને બે વર્ષોમાં 10 ટકાથી નીચો લઈ જવો માટે નિર્દેશ આપ્યો હતો. 2006માં સ્થાપિત એચડીએફસી કેડિલા એજ્યૂકેશન લોન સેગમેન્ટમાં ભારતની સૌપ્રથમ ડેડિકેટેડ કંપની છે. એક વર્તુળના જણાવ્યા મુજબ ટ્રાન્ઝેક્શન માટે કેટલાંક પીઈ તરફથી ખૂબ રસ જોવા મળ્યો છે. હાલમાં, બીપીઈએ ઈક્વિટી, ક્રિસ કેપિટલ અને ફારિંગ કેપિટલનું જોડાણ અન્યો ઉપર ચઢિયાતું જોવા મળી રહ્યું છે. તેઓ ભેગા મળી એચડીએફસી ક્રેડિલામાં સંયુક્તપણે 90 ટકાથી વધુ હિસ્સો મેળવવા ઈચ્છી રહ્યાં છે એમ એક વર્તુળનું કહેવું છે. જો ચર્ચા-વિચારણા સારી રીતે આગળ વધશે તો આગામી કેટલાંક સપ્તાહોમાં ડીલ સાઈન થવાની શક્યતાં છે. બે અન્ય વર્તુળો પણ આ ડેવલપમેન્ટને સમર્થન આપી રહ્યાં છે. બેરિંગ પીઈ એશિયા આઈટી સેગમેન્ટ પર ખૂબ જ નિર્ભરતા દર્શાવી રહ્યું છે અને તેથી તે અન્ય ક્ષેત્રોમાં પણ મોટી વૃદ્ધિ દર્શાવવા ઈચ્છી રહ્યું છે. જેમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ફાર્મા અને હેલ્થકેરનો સમાવેશ થાય છે. એક અન્ય વર્તુળના જણાવ્યા મુજબ એચડીએફસી ક્રેડિલા માટે એચડીએફસી રૂ. 10000 કરોડના વેલ્યૂએશનની અપેક્ષા રાખી રહી છે. જો આ સોદો સીલ થશે તો 2023માં ભારતીય કોર્પોરેટ જગતમાં તે સૌથી મોટા સોદાઓમાંનો એક બની રહેશે. અગાઉ મેની શરૂમાં અહેવાલોમાં જાણવા મળ્યું હતું કે એચડીએફસી ક્રેડિટા માટે એચડીએફસીએ ઈન્વેસ્ટમેન્ટ જેફરિઝને રોકી હતી. તાજેતરમાં એચડીએફસી સીઈઓ કેકી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે એચડીએફસી ક્રેડિલામાં હિસ્સાની ખરીદી માટે અનેક લોકો રસ દર્શાવી રહ્યાં છે. નવેમ્બર 2009માં એચડીએફસી ક્રેડિલા ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં એચડીએફસીએ 41 ટકા હિસ્સાની ખરીદી કરી હતી. જેણે તેને આ સેગમેન્ટમાં પ્રવેશ આપ્યો હતો.

TCSની આગેવાનીમાં કોન્સોર્ટિયમે BSNL પાસેથી રૂ. 15 હજાર કરોડનો ઓર્ડર મેળવ્યો
કંપની લાંબા સમયગાળાથી બીએસએનએલના 4G નેટવર્ક માટે ઓર્ડર મેળવવાના પ્રયાસમાં હતી
ઓર્ડરના ભાગરૂપે તાતા જૂથની તેજસ નેટવર્ક્સ રેડિયો એક્સેસ નેટવર્ક ઈક્વિપમેન્ટ પૂરાં પાડશે

તાતા કન્સલ્ટન્સી સર્વિસિસે પીએસયૂ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર બીએસએનએલ પાસેથી દેશભરમાં 4જી નેટવર્કની સ્થાપના માટે રૂ. 15000 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો હોવાનું આઈટી કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. કોન્સોર્ટિયમના ભાગરૂપે તાતા જૂથની પેટાકંપની તેજસ નેટવર્ક્સ રેડિયો એક્સેસ નેટવર્ક ઈક્વિપમેન્ટ(RAN)નો સપ્લાય અને સર્વિસ પૂરાં પાડશે. તેજસ નેટવર્ક્સ એ બીએસએનએલ માટે 4જી નેટવર્સ સ્થાપનાનું સફળ બીડ જીતનાર ટીસીએસની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમનો ભાગ છે. બીએસએનએલે ટીસીએસને એડવાન્સ પરચેઝ ઓર્ડર(APO) ઈસ્યુ કર્યો છે. તેણે આ પ્રોજેક્ટ માટે આઈટીઆઈને પણ એપીઓ ઈસ્યુ કર્યો છે. કોન્સોર્ટિયમના ભાગરૂપે તેજસ નેટવર્ક રેડિયો એક્સેસ નેટવર્ક્સ ઈક્વિપમેન્ટ પૂરાં પાડશે. RAN નેટવર્ક ઈક્વિપમેન્ટ કોમ્પોનેન્ટ્સના ડિસએગ્રીગેશન માટે સુવિધા પૂરી પાડે છે. તેને કારણે ટેલિકોમ્યુનિકેશન્સ કંપની હાર્ડવેર અને સોફ્ટવેરનું અલગ-અલગ વેન્ડર્સ પાસેથી આઉટસોર્સિંગ કરી શકે છે. ટીસીએસે આ ડીલ માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટીક્સ(સી-ડોટ) સાથે પણ ભાગીદારી કરી છે. બીએસએનએલ સી-ડોટ દ્વારા સ્વદેશીપણે વિકસાવવામાં આવેલા 4જી કોરનો ઉપયોગ કરશે. કોર એન્ડ-યૂઝર્સ માટે એક વિશ્વાસપાત્ર, સુરક્ષિત કનેક્ટિવીટી ધરાવતું નેટવર્ક ઊભું કરવા માટે ચાવીરૂપ છે. કોર ડોમેઈન મોબાઈલ નેટવર્સમાં વિવિધ આવશ્યક કામગીરીઓનું સંચાલન કરી શકે છે. જેમાં કનેક્ટિવિટી અને મોબાઈલ મેનેજમેન્ટ, ઓથેન્ટિકેશન અને ઓથોરાઈઝેશન, સબસ્ક્રાઈબર ડેટા અને પોલીસી મેનેજમેન્ટ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ગયા સપ્તાહે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું બતું કે દેશમાં 24,600 ગામોને ડિસેમ્બર 2023 સુધીમાં બીએસએનએલ 4જી સર્વિસિઝની સેવા પ્રાપ્ય બને તેવી અપેક્ષા છે. આ માટે ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં 2343 ટાવર્સની સ્થાપના કરવામાં આવી છે. આ ગામો આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસ ગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિસ્સા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આવેલાં છે.

મે મહિનાના પ્રથમ પખવાડિયામાં FPIની ખરીદી છ-મહિનાની ટોચે
વિદેશી રોકાણકારોએ ઓટોમોબાઈલ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર અને એફએમસીજીમાં ખરીદી દર્શાવી

વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI)એ નવા નાણાકિય વર્ષમાં પણ તેમની ખરીદી જાળવી રાખી છે. મે મહિનાના પ્રથમ પખવાડિયા સુધીમાં તેમણે કુલ રૂ. 24,939 કરોડની ખરીદી કરી છે. જે છેલ્લાં છ મહિનામાં સૌથી ઊંચી ખરીદી છે એમ એનએસડીએલનો ડેટા સૂચવે છે.
નવેમ્બર 2022થી અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી આ સૌથી મોટી ખરીદી છે. એફપીઆઈએ 15 મે સુધીના કુલ નવ સત્રોમાંથી દરેકમાં ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ માર્ચ અને એપ્રિલમાં દર્શાવેલી ખરીદી પાછળ અદાણી જૂથ કંપનીઓમાં યુએસ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યુજી પાર્ટનર્સની 1.87 અબજ ડોલરની ખરીદીનો હિસ્સો મુખ્ય હતો. જોકે, મે મહિનામાં વિદેશી સંસ્થાઓએ વિવિધ સેગમેન્ટમાં ખરીદી દર્શાવી હતી. આમ તેમના તરફથી વ્યાપક રુચિ જોવા મળી હતી. મેના પ્રથમ સપ્તાહમાં બેન્ચમાર્ક નિફ્ટી 1.85 ટકા ઉછળ્યો હતો. નિષ્ણાતોના મતે વિદેશી સંસ્થાઓ તરફથી ખરીદી માટેના મુખ્ય કારણોમાં ભારતીય મેક્રો ઈકોનોમિક સૂચકાંકોમાં જોવા મળી રહેલી સ્થિરતા મુખ્ય છે. જેમાં ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ કલેક્શન્સમાં મજબૂતી અને ઈન્ફ્લેશનમાં ઘટાડા જેવી બાબતોનો સમાવેશ થાય છે. નાણા વર્ષ 2022-23માં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ફાઈનાન્સિયલ સેક્ટરમાં કુલ રૂ. 29,993 કરોડના શેર્સનું વેચાણ કર્યું હતું. જ્યારે એફપીઆઈએ મે મહિનામાં તેમાં રૂ. 8382 કરોડનું રોકાણ કર્યું હતું. અગ્રણી બ્રોકરેજના રિપોર્ટ મુજબ માર્ચ ક્વાર્ટરમાં અર્નિંગ્સ મોમેન્ટમ મજબૂત જળવાયું છે. જેણે માર્કેટના સેન્ટિમેન્ટને સપોર્ટ પૂરો પાડ્યો છે. ઓટોમોબાઈલ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર અને એફએમસીજી સેગમેન્ટમાં પણ મે મહિનામાં ખરીદી જોવા મળી હતી. જ્યારે ઈન્ફર્મેશન ટેક્નોલોજી સેગમેન્ટમાં વેચાણ નોંધાયું હતું.

PSU બેંક્સનો નફો 2022-23માં રૂ. 1 લાખ કરોડ પાર કરી ગયો

ટોચની જાહેર સેક્ટરની બેંક્સે નાણા વર્ષ 2022-23માં નોંધપાત્ર દેખાવ દર્શાવ્યો હતો. માર્ચ 2023માં પૂરાં થતાં ક્વાર્ટરની સાથે સમગ્ર વર્ષ દરમિયાન 12 પીએસયૂ બેંક્સે રૂ. 1.05 લાખ કરોડનો કુલ પ્રોફિટ દર્શાવ્યો છે. જે 2021-22માં જોવા મળેલા રૂ. 66,539.98 કરોડના નફા સામે 57 ટકા વૃદ્ધિ સૂચવે છે. 2017-18ની વાત કરીએ તો આ બેંક્સે કુલ મળી રૂ. 85,390 કરોડની ખોટ નોંધાવી હતી. માર્ચ ક્વાર્ટરમાં મોટાભાગની પીએસયૂ બેંક્સે અપેક્ષા કરતાં સારો દેખાવ નોંધાવ્યો છે. જેમાં એસબીઆઈએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16695 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન તેણે રૂ. 50,232 કરોડનો નફો નોંધાવ્યો છે. આ જ રીતે પીએનબી, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા જેવી ટોચની બેંકોએ પણ નોંધપાત્ર પ્રોફિટ દર્શાવ્યાં છે. બેંક ઓફ બરોડાએ રૂ. 14100 કરોડનો વાર્ષિક નફો દર્શાવ્યો હતો. જ્યારે કેનેરા બેંકે રૂ. 10,604 કરોડનો નફો દર્શાવ્યો હતો.

તાતા જૂથની લિસ્ટેડ કંપનીઓની રેવન્યૂ રૂ. 10 લાખ કરોડને પાર કરી ગઈ
ટોચના કોંગ્લોમેરટ તાતા જૂથની લિસ્ટેડ કંપનીઓની રેવન્યૂ નાણા વર્ષ 2022-23માં રૂ. 10 લાખ કરોડને પાર કરી ગઈ છે. જૂથની હોલ્ડિંગ કંપની તાતા સન્સ જે 14-કંપનીઓમાં સીધો હિસ્સો ધરાવે છે. તેમણે ગયા નાણા વર્ષ દરમિયાન કુલ રૂ. 10.07 લાખ કરોડની આવક દર્શાવી હતી. જે 2021-22ના વર્ષમાં જોવા મળતાં રૂ. 8.73 લાખ કરોડની આવકની સરખામણીમાં 15.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. આ કંપનીઓનો કુલ નફો જોકે વાર્ષિક ધોરણે 10.6 ટકા ઘટાડે રૂ. 66,670 કરોડ પર જોવા મળ્યો હતો. 2021-22માં તે રૂ. 74,540 કરોડના વિક્રમી સ્તરે નોંધાયો હતો. તે વખતે વાર્ષિક સ્તરે તેમણે નફામાં 156 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જેમાં તાતા સ્ટીલનું મહત્વનું યોગદાન હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

કોચીન શીપયાર્ડઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 39.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 275 કરોડના નફાની સરખામણીમાં 85.7 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1212.5 કરોડની સરખામણીમાં 50.85 ટકા ગગડી રૂ. 600.1 કરોડ રહી હતી.
ક્રોમ્પ્ટનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 131.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 177 કરોડના નફાની સરખામણીમાં 25.7 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1548 કરોડની સરખામણીમાં 15.7 ટકા ગગડી રૂ. 1791 કરોડ રહી હતી.
ડેલ્હીવેરીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 158.6 કરોડની ખોટ નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 119.8 કરોડની ખોટની સરખામણીમાં 24 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2071.7 કરોડની સરખામણીમાં 10.2 ટકા ગગડી રૂ. 1859.6 કરોડ રહી હતી.
બંધન બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 808.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1902 કરોડના નફાની સરખામણીમાં 57.5 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2540.2 કરોડ સામે 2.7 ટકા ગગડી રૂ. 2471.8 કરોડ રહી હતી.
ટીસીઆઈઃ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 304 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 267 કરોડ સામે રૂ. 13.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 19 ટકા વધી રૂ. 3492 કરોડ પર રહી હતી. જ્યારે એબિટા ગયા વર્ષે રૂ. 422 કરોડ સામે રૂ. 468 કરોડ નોંધાયો હતો.
બાલાજી એમાઈન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 47.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 109 કરોડના નફાની સરખામણીમાં 56.4 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 780.4 કરોડની સરખામણીમાં 39.6 ટકા ગગડી રૂ. 471.4 કરોડ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage