બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં મંદીવાળાઓની પકડ વચ્ચે સપ્તાહની સમાપ્તિ
નિફ્ટી 19700ની નીચે ઉતરી ગયો
સેન્સેક્સ 66 હજારનું લેવલ જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ગગડી 10.66ના સ્તરે
પીએસયૂ બેંક્સ, ઓટોમાં મજબૂતી
ફાર્મા, મેટલ, એનર્જીમાં નરમાઈ
હૂડકો, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક નવી સપાટીએ
વેદાંત, ગુજરાત ગેસમાં નવું તળિયું
ભારત સરકારના બોન્ડ્સને જેપીમોર્ગન સૂચકાંકમાં સમાવેશના પોઝીટીવ અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારમાં નરમાઈ જોવા મળી હતી. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ શેરબજારમાં મોટાભાગના સપ્તાહ દરમિયાન ઘટાડો નોંધાયો હતો અને બજાર તેજી બાજુ પરત ફરી શક્યું નહોતું. શુક્રવારે સેન્સેક્સ 221 પોઈન્ટ્સની નરમાઈ સાથે 66009ની સપાટીએ જ્યારે નિફ્ટી 68 પોઈન્ટ્સ ગગડી 19674.25ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3781 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1857 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1777 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 157 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 7 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડેક્સ 1.5 ટકા ગગડી 10.66ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19742ના બંધ સામે 19745ની સપાટીએ ખૂલી ઉપરમાં 19779ની સપાટીએ ટ્રેડ થયાં પછી 19700ની નીચે ઉતરી ગયો હતો અને 19700ની નીચે જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 31 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19705ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 27 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં સાધારણ વૃદ્ધિ સૂચવે છે. જોકે, માર્કેટમાં કોઈ ખાસ લોંગ પોઝીશન ઊભી થયાના સંકેત નથી. ઉપરાંત આગામી સપ્તાહ એક્સપાયરીનું સપ્તાહ હોવાના કારણે પણ માર્કેટમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી શકે છે. બેન્ચમાર્કે 19700નો મહત્વનો સપોર્ટ ગુમાવતાં બજારમાં વધુ ઘટાડાની શક્યતાં નકારી શકાતી નથી. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનાર ઘટકોમાં ઈન્ડસઈન્ડ બેંક, મારુતિ સુઝુકી, એસબીઆઈ, એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી લાઈફ, તાતા કન્ઝ્યૂમર્સ, હીરો મોટોકોર્પ, લાર્સનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ડો. રેડ્ડીઝ લેબ્સ, વિપ્રો, સિપ્લા, બજાજ ઓટો, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પોરેશન, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, ડિવિઝ લેબ્સ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસયૂ બેંક્સ, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ફાર્મા, મેટલ, એનર્જીમાં નરમાઈ જણાતી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.5 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં સેન્ટ્રલ બેંક 8 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત યુનિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, યૂકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પીએનબી, આઈઓબી, બેંક ઓફ ઈન્ડિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓઠો 0.21 ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં મારુતિ સુઝુકી 2.44 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. ઉપરાંત એમએન્ડએમ, હીરો મોટોકોર્પ અને બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. મેટલ ઈન્ડેક્સ 0.66 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ફાર્મા 1.55 ટકા સાથે સૌથી વધુ નરમાઈ દર્શાવતો હતો. તેના ઘટકોમાં ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન, સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, ડિવિઝ લેબ્સ અને બાયોકોનમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો બર્ગર પેઈન્ટ્સ 7 ટકા ઉછળી સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત કેનેરા બેંક, આરઈસી, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, વોડાફોન આઈડિયા, બેંક ઓફ બરોડા, પાવર ફાઈનાન્સ, પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક, આરબીએલ બેંક, ઈન્ડસ ટાવર્સ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, આઈસીઆઈઆઈ પ્રૂડેન્શિયલમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ઝાયડસ લાઈફ, ઈન્ફો એજ, ગ્લેનમાર્ક, આલ્કેમ લેબ, એસ્ટ્રાલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, દિપક નાઈટ્રેટ અને એસઆરએફમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં હૂડકો, બર્ગર પેઈન્ટ્સ, ટાટા ઈન્વે. કોર્પ, ગુજ અંબુજા એક્સપોર્ટ્સ, યુનિયન બેંક, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, પીએન્ડજી, ટેક મહિન્દ્રા, સુંદરન ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ વેદાંત, ગુજરાત ગેસમાં નવું તળિયું નોંધાવ્યું હતું.
નિરમા ગ્લેનમાર્ક લાઈફનો 75 ટકા હિસ્સો રૂ. 5652 કરોડમાં ખરીદશે
ગ્લેનમાર્ક ફાર્મા નિરમાને પ્રતિ શેર રૂ. 615ના ભાવે હિસ્સાનું વેચાણ કરશે
ડિસઈન્વેસ્ટમેન્ટ પછી ગ્લેનમાર્ક ફાર્મા પાસે ગ્લેનમાર્ક લાઈફનો 7.84 ટકા હિસ્સો રહેશે
નિરમાએ પ્રમોટર્સ પાસેથી હિસ્સો ખરીદ્યાં પછી ઓપન ઓફર કરવાની રહેશે
ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે ગુરુવારે જણાવ્યું હતું કે તે ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિઝના 75 ટકા હિસ્સાનું વેચાણ નિરમા લિ.ને રૂ. 5652 કરોડમાં કરશે. કંપની રૂ. 615 પ્રતિ શેરના ભાવે આ વેચાણ કરશે. આ અહેવાલ પાછળ ગ્લેનમાર્ક ફાર્માનો શેર શુક્રવારે 7 ટકા જેટલો નીચે ખૂલ્યાં પછી 3 ટકા ઘટાડે રૂ. 802.80ની સપાટીએ બંધ રહ્યો હતો.
નિરમાને હિસ્સો વેચ્યાં પછી ગ્લેનમાર્ક લાઈફમાં ગ્લેનમાર્ક ફાર્મા પાસે 7.84 ટકા હિસ્સો રહેશે. આ ટ્રાન્ઝેક્શન જોકે જરૂરી રેગ્યુલેટરી મંજૂરીઓ ઉપરાંત શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. એકવાર ટ્રાન્ઝેક્શન થયાં પછી નિરમા ગ્લેનમાર્ક લાઈફના શેરધારકો માટે ફરજિયાત ઓપન ઓફર કરવાની રહેશે. ગ્લેનમાર્ક ફાર્મા અને જીએલએસ માટે એક્સક્લૂઝીવ ફાઈનાન્સિયલ એડવાઈઝર તરીકે કોટક ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ સેવા આપી રહી છે. જ્યારે એસએન્ડઆર એસોસિએટ્સ ગ્લેનમાર્ક ફાર્માના લીગલ એડવાઈઝર તરીકેની કામગીરી જોઈ રહી છે. ગ્લેનમાર્ક લાઈફસાઈન્સિઝે 2021માં શેરબજાર પર લિસ્ટીંગ કરાવ્યું હતું. કંપની એપીઆઈના ઉત્પાદનમાં સક્રિય છે. કંપનીના ગ્રાહકોમાં ઓરોબિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ જેવા ટોચના નામોના સમાવેશ થાય છે. ઉપરાંત, તે નિકાસ પણ કરે છે. તે જાપાન, લેટીન અમેરિકા અને મિડલ ઈસ્ટમાં નિકાસ કરે છે. ગ્લેનમાર્ક ફાર્મા કેશ જનરેટ કરવા માટે નોન-કોર એસેટ્સનું વેચાણ કરી રહી છે. આ ડીલ પછી કંપની નેટ કેશ પોઝીટીવ બનશે. ચાલુ વર્ષે ગ્લેનમાર્ક ફાર્માનો શેર 95 ટકા જેટલો ઉછળ્યો હતો. તેણે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સની સરખામણીમાં નોંધપાત્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સે 21.5 ટકાનું રિટર્ન નોંધાવ્યું હતું. જ્યારે જીએલએસે 2023માં 49 ટકાનું રિટર્ન આપ્યું હતું.
અંબુજા સિમેન્ટ્સે એરક્રાફ્ટ, સિમેન્ટ બિઝનેસના વેગ માટે ત્રણ પેટાકંપનીઓ રચી
અદાણી જૂથ કંપની અંબુજા સિમેન્ટ્સે સ્ટોક એક્સચેન્જિસને એક ફાઈલીંગમાં જણાવ્યું છે કે તેણે ત્રણ સંપૂર્ણ માલિકીની સબસિડિયરીઝ ખરીદી છે. જેના નામ લોટીસ આઈએફએસસી પ્રાઈવેટ લિમિટેડ, અંબુજા કોન્ક્રિટ નોર્થ પ્રાઈવેટ લિમિટેડ અને અંબુજા કોન્ક્રિટ વેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ રાખવામાં આવ્યાં છે. આ કંપનીઓ એરક્રાફ્ટ અને સિમેન્ટ સેક્ટર્સમાં બિઝનેસ શરૂ કરશે.
અંબુજા સિમેન્ટ્સે જણાવ્યું હતું કે તેણે લોટિસ આઈએફએસસી પ્રાઈવેટ લિમિટેડ નામની સંપૂર્ણ માલિકીની કંપનીની સ્થાપના વિમાનની માલિકી અને લિઝીંગ માટે કરી છે. આમ તે એરક્રાફ્ટ લિઝર્સ તરીકેની કામગીરી કરશે. કંપનીએ અંબુજા કોન્ક્રિટ નોર્થ પ્રાઈવેટ લિમિટેડ અને અંબુજા કોન્ક્રિટ વેસ્ટ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કંપનીની સિમેન્ટ સેક્ટરમાં હાજરી વધારવા માટે કરી છે. આ કંપનીઓ સિમેન્ટ, આરએમએક્સ અને સંબંધિત પ્રોડક્ટ્સ અને બાય-પ્રોડક્ટ્સ સેક્ટરમાં બિઝનેસ હાથ ધરશે. આ ત્રણેય નવરચિત કંપનીઓએ હજુ તેમની કામગીરી શરૂ કરવાની બાકી છે. એક્સચેન્જને ફાઈલીંગ મુજબ લોટીસ આઈએફએસસી રૂ. 1.7 કરોડનું પેઈડ-અપ કેપિટલ ધરાવે છે. કંપની રૂ. 10ના મૂલ્યના 17 લાખ શેર્સ ધરાવે છે. જ્યારે અંબુજા કોન્ક્રિટ નોર્થ કેપિટલ અને અંબુજા કોન્ક્રિટ વેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ, બંનેનું પેઈડ-અપ કેપિટલ રૂ. 1-1 લાખનું થવા જાય છે. તે બંને કંપનીઓ રૂ. 10ની વેલ્યૂના 10000 ઈક્વિટી શેર્સ ધરાવે છે. લોટિસ આઈએફએસસી પ્રાઈવેટ લિમિટેડ અને અંબુજા કોન્ક્રિટ નોર્થ પ્રાઈવેટ લિમિટેડની રચના ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. તેમની નોંધણી 14 સપ્ટેમ્બર 2023ના રોજ થઈ હતી. જ્યારે અંબુજા કોન્ક્રિટ વેસ્ટ પ્રાઈવેટ લિ. પણ ગિફ્ટ સિટી ખાતે રચવામાં આવી છે. જેની નોંધણી 18 સપ્ટેમ્બરે કરાઈ હતી.
સેમસંગને પાછળ રાખી એપલ દેશમાંથી સૌથી મોટી સ્માર્ટફોન નિકાસકાર બની
કંપનીએ જૂન ક્વાર્ટરમાં દેશમાંથી કુલ નિકાસનું 49 ટકા વોલ્યુમ નોંધાવ્યું
અગાઉ એપલે પ્રિમીયમ વેલ્યૂને કારણે દેશમાંથી સૌથી મોટા નિકાસકારનો ટેગ મેળવ્યો
ભારતમાંથી સૌથી મોટા સ્માર્ટફોન નિકાસકાર તરીકે એપલે સેમસંગને પાછળ રાખી દીધી છે. એક મિડિયા અહેવાલ મુજબ જૂન ક્વાર્ટરમાં ભારતમાંથી કુલ 1.2 કરોડ સ્માર્ટફોન નિકાસમાં 49 ટકા હિસ્સો એપલનો હતો. જ્યારે સેમસંગનો હિસ્સો 45 ટકા જેટલો જોવા મળતો હતો. નોંધવું રહ્યું કે કુપર્ટીનો-બેઝ્ડ કંપની ગયા વર્ષે એપ્રિલ અને જૂન વચ્ચે ભારતીય સ્માર્ટફોન નિકાસમાં માત્ર 9 ટકા હિસ્સો ધરાવતી હતી. હવે, વોલ્યૂમ સંદર્ભમાં તે દેશમાંથી નિકાસનો અડધો અડધ હિસ્સો ધરાવે છે. એપલ તેના પ્રિમીયમ અને સુપર પ્રિમિયમ સેગમેન્ટને કારણે મૂલ્યના સંદર્ભમાં સૌથી મોટા નિકાસકારનો ટેગ અગાઉથી જ મેળવી ચૂકી છે.
એપલ ત્રણ કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર્સ હેઠળ ભારતમાં આઈફોન્સનું ઉત્પાદન ધરાવે છે. તેના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર્સમાં ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોનનો સમાવેશ થાય છે. તેણે ભારતમાં વધતાં બજાર હિસ્સા તેમજ નિકાસને જોતાં આઈફોન 14 અને તેની નીચેના મોડેલ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ફોક્સકોને તેના ચેન્નાઈ પ્લાન્ટ ખાતે નવા લોંચ થયેલાં આઈફોન 15નું ઉત્પાદન પણ શરૂ કર્યું છે. આ ઈન્ડિયા-મેડ યુનિટ્સનું વેચાણ શુક્રવારથી શરૂ થયું હતું. રિપોર્ટ મુજબ આ જ પ્લાન્ટમાં કંપની આઈફોન 15 પ્લસ મોડેલ્સનું ઉત્પાદન પણ શરૂ કરશે. વધુમાં આ ત્રણેય મેન્યૂફેક્ચરર્સ કેન્દ્ર સરકારે લોંચ કરેલી પ્રોડક્શન-લિંક્ડ- ઈન્સેન્ટીવ(પીએલઆઈ) સ્કિમનો ભાગ છે.
દેશ ખાતેથી સેમસંગની નિકાસ ઘટવાનું કારણ કંપનીના વિયેટનામ પર ફોકસને ગણાવવામાં આવી રહ્યું છે. કંપનીની સૌથી મોટી સ્માર્ટફોન ફેક્ટરી ઉત્તર વિયેટનામમાં આવેલી છે. ગયા વર્ષે એપ્રિલ-જૂનના સમયગાળામાં 84 ટકા સામે ચાલુ વર્ષે સમાનગાળામાં સેમસંગની નિકાસ ઘટી 45 ટકા પર રહી હતી. બીજી બાજુ એપલનું ફોકસ ચીનમાંથી તેના ઉત્પાદનને ડાયવર્સિફાઈ કરવાનું છે. તે ભારતમાં ટૂંકમાં આઈપોડ્સનું ઉત્પાદન શરૂ કરી શકે છે.
સંદેશ-એક્સપ્લેનર
જેપી મોર્ગનના બોન્ડ ઈન્ડેક્સમાં ભારતનો સમાવેશથી શૂં ફાયદો ?
ભારત સરકારે 2013માં વૈશ્વિક સૂચકાંકોમાં સ્થાનિક સરકારી ડેટ સિક્યૂરિટીઝના સમાવેશ માટે મંત્રણા શરૂ કરી હતી. જોકે, સ્થાનિક ડેટ બજારમાં વિદેશી રોકાણ પર સરકારી નિયંત્રણોને કારણે આમ થઈ શક્યું નહોતું
આરબીઆઈએ એપ્રિલ 2020માં વિદેશી ઈન્વેસ્ટમેન્ટ નિયંત્રણોમાંથી બાકાત હોય તેવી કેટલીક સિક્યૂરિટીઝ રજૂ કરી હતી
ઈન્ડેક્સમાં ભારતીય સિક્યૂરિટીઝનો સમાવેશ 10-મહિનાઓમાં 24 અબજ ડોલરના ઈનફ્લોનું કારણ બની શકે
એક અંદાજ મુજબ બેન્ચમાર્ક બોન્ડ યિલ્ડ આગામી કેટલાંક મહિનાઓમાં 10-15 બેસીસ પોઈન્ટ્સ ઘટી 7 ટકા પર જોવાશે
જેપીમોર્ગન જૂન 2024થી ભારત સરકારના બોન્ડ્સને તેના ગવર્મેન્ટ બોન્ડ ઈન્ડેક્સ-ઈમર્જિંગ માર્કેટ્સ(GBI-EM)માં સમાવશે એમ વોલ સ્ટ્રીટ બેંકે શુક્રવારે જણાવ્યું હતું. દેશ માટે આ પ્રકારની પ્રથમ ઘટના સ્થાનિક ચલણમાં ખરીદ-વેચ થઈ શકતાં સરકારી ડેટમાં અબજો ડોલરનું રોકાણ લાવી શકે છે. જે રૂપિયાને પણ કેટલોક સપોર્ટ પૂરો પાડી શકે છે. જોકે, આ ઘટનાની ઈક્વિટી માર્કેટ્સ પર કોઈ સીધી અસર નહોતી જોવા મળી. આ ઘટનાને લઈને કેટલીક મહત્વની બાબતો અહીં રજૂ કરી છે.
જેપીમોર્ગન ઈન્ડેક્સમાં ભારતીય બોન્ડ્સને શા માટે સમાવ્યાં?
ભારત સરકારે તેની જામીનગીરીઓને વૈશ્વિક ડેટ સૂચકાંકોમાં સમાવવા માટે 2013માં ચર્ચા-વિચારણા શરૂ કરી હતી. જોકે, સ્થાનિક ડેટ માર્કેટમાં વિદેશી રોકાણ પર નિયંત્રણને કારણે આમ થવામાં લાંબો વિલંબ થયો હતો. એપ્રિલ 2020માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી ઈન્વેસ્ટમેન્ટ નિયંત્રણોમાંથી બાકાત હોય તેવી કેટલીક સિક્યૂરિટીઝ રજૂ કરી હતી. તેણે ‘ફૂલ્લી એક્સેસિબલ રૂટ’ હેઠળ આ સિક્યૂરિટીઝ લોંચ કરી હતી. જેને વૈશ્વિક સૂચકાંકોમાં સમાવેશ માટે યોગ્યતા પૂરી પાડતી હતી. હાલમાં 23 જેટલા ભારત સરકારના બોન્ડ્સ જેપીમોર્ગન ઈન્ડેક્સમાં સમાવેશ માટે યોગ્યતા ધરાવે છે. જેની સંયુક્ત નોશનલ વેલ્યૂ 330 અબજ ડોલર જેટલી થાય છે. બેન્ચમાર્કના 73 ટકા જેટલા રોકાણકારોએ ભારતીય સિક્યૂરિટીઝના સમાવેશની તરફેણમાં મત રજૂ કર્યો હતો.
ડેટ સિક્યૂરિટીઝમાં ઈનફ્લો કેટલો મોટો હશે?
જેપીમોર્ગનના જણાવ્યા મુજબ સમયાંતરે ભારતીય બોન્ડ્સ તેના ઈન્ડેક્સમાં 10 ટકાનું વેઈટ ધરાવતાં હશે. જ્યારપછી આગામી જૂન મહિનાથી તેના વેઈટમાં એક ટકા ઉમેરો જોવાશે. ઈન્ડેક્સમાં ભારતીય સિક્યૂરિટીઝનો સમાવેશ આ 10-મહિનાઓમાં 24 અબજ ડોલરના ઈનફ્લોનું કારણ બની શકે છે એમ એનાલિસ્ટનો અંદાજ કહે છે. આઉટસ્ટેન્ડિંગ બોન્ડ્સાં વિદેશી હોલ્ડીંગ એપ્રિલ-મે 2025 સુધીમાં વધી 3.4 કા પર પહોંચી શકે છે. જે હાલમાં 1.7 ટકા જેટલું છે એમ અંદાજ જણાવે છે.
બોન્ડ યિલ્ડ્સ અને બોરોઈંગ કોસ્ટ પર શું અસર પડશે?
આગામી માર્ચમાં પૂરા થનારા નાણાકિય વર્ષ દરમિયાન ભારતની નાણાકિય ખાધ જીડીપીના 5.9 ટકાના ઊંચા ટાર્ગેટ પર જોવા મળશે. જેને કારણે સરકારે બજારમાંથી રૂ. 15 લાખ કરોડનું બોરોઈંગ મેળવવું પડશે. અત્યાર સુધીમાં સ્થાનિક બેંક્સ, વીમા કંપનીઓ અને મ્યુચ્યુલ ફંડ્સ સરકારી ડેટના સૌથી મોટા ખરીદાર જોવા મળતાં હતાં. ફંડનો અધિક સ્રોત બોન્ડ્સ યિલ્ડ્સ અને સરકારની બોરોઈંગ કોસ્ટ્સમાં સહાયરૂપ બની રહેશે. ટ્રેડર્સના અંદાજ મુજબ બેન્ચમાર્ક બોન્ડ યિલ્ડ આગામી કેટલાંક મહિનાઓ દરમિયાન 10-15 બેસીસ પોઈન્ટ્સ ઘટી 7 ટકા પર જોવા મળશે. કોર્પોરેટ બોરોઅર્સને પણ આના કારણે લાભ થશે. કેમકે તેમની બોરોઈંગ કોસ્ટ માટેનો બેન્ચમાર્ક સરકારી બોન્ડ્સ હોય છે. જોકે, વિદેશી પ્રવાહમાં વૃદ્ધિને કારણે બોન્ડ અને કરન્સી માર્કેટ્સમાં વોલેટિલિટી વધશે. જે સરકાર અને મધ્યસ્થ બેંક પર સતત દરમિયાનગીરીનું દબાણ ઊભું કરી શકેછે.
રૂપિયા પર આની શું અસર જોવા મળશે?
આગામી નાણા વર્ષથી ઊંચા ડેટ ઈનફ્લોને કારણે ભારતને તેની ચાલુ ખાતાની ખાધને ફાઈનાન્સ કરવામાં સરળતા પ્રાપ્ય બનશે. જેને કારણે રૂપિયા પર દબાણ ઘટશે. ઈન્ડેક્સમાં સમાવેશને કારણે જોવા મળનારો ઈનફ્લો 24 અબજ ડોલર આસપાસ રહેવાની શક્યતાં છે. જે ભારતની 81 અબજ ડોલરની ચાલુ ખાતાની ખાધનો આંશિક હિસ્સો ભરપાઈ કરશે એમ આઈડીએફસી ફર્સ્ટ બેંકનું કહેવું છે.
લક્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આઈટી રેઈડ્સ પાછળ તૂટ્યો
કંપની સામે રૂ. 200 કરોડની કરચોરીના આક્ષેપ પાછળ શેર 3 ટકાથી વધુ ગગડ્યો
લક્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર શુક્રવારે 3 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. કોલકોત્તામાં કંપનીના મુખ્યાલય પર આવકવેરા વિભાગના દરોડા પડવાથી શેરમાં વેચવાલી જોવા મળી હતી. વર્તુળોના જણાવ્યા મુજબ આઈટી વિભાગે કંપની સામે રૂ. 200 કરોડની કર ચોરીનો આક્ષેપ લગાવ્યો છે. સરકારી વિભાગે લક્સ ઈન્ડસ્ટ્રીઝની એકથી વધુ કચેરીઓ ખાતે દરોડા પાડ્યાં હતાં. સાથે ઉચ્ચ અધિકારીઓના રહેઠાણો પર પણ દરોડા પાડવામાં આવ્યાં હતાં.
દરોડાનો હેતુ કંપનીની નાણાકિય બાબતોમાં જોવા મળી રહેલી ગેરરિતીઓને શોધવાનો હતો. લક્સ ઈન્ડસ્ટ્રીઝે પણ આઈટી દરોડાને સમર્થન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે તે આઈટી વિભાગને સંપૂર્ણ સપોર્ટ પૂરો પાડી રહી છે. શુક્રવારે લક્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 3.22 ટકા ગગડી રૂ. 1471.25ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 4424.30 કરોડ જોવા મળતું હતું. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 57 ટકા ગગડી રૂ. 44 કરોડ રહ્યો હતો. જ્યારે સમાનગાળામાં આવક 23 ટકા વધી રૂ. 715 કરોડ નોંધાઈ હતી.
શેરબજારમાં નરમાઈ વચ્ચે ડોલર સામે રૂપિયો 19 પૈસા સુધર્યો
યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં શુક્રવારે મજબૂતી જોવા મળી હતી. સપ્તાહના આખરી સત્રમાં ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ડોલર સામે 14 પેસા સુધારે 82.94ની સપાટીએ બંધ રહ્યો હતો. જેની પાછળ જેપીમોર્ગન બોન્ડ ઈન્ડેક્સમાં ભારતનો સમાવેશ કારણભૂત હતો. લાંબા સમયથી ભારત સરકારના બોન્ડ્સનો વૈશ્વિક સૂચકાંકમાં સમાવેશ થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યાં હતાં. ફોરેક્સ ટ્રેડર્સના મતે આ ઘટનાની ભારતીય ડેટ માર્કેટ પર દૂરોગામી અસર જોવા મળશે. ભારતમાં નોંધપાત્ર પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ આકર્ષાશે. રૂપિયો શુક્રવારે 82.75ની સપાટીએ મજબૂત ખૂલ્યો હતો. જોકે, ત્યાંથી ઘટીને 82.94ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે તે 83.13ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
ગ્રીન રેગ્યુલેશન્સને કારણે યુરોપ ખાતે ભારતની 43 ટકા નિકાસને અસર પડશે
અસર પામનારી કેટેગરીઝમાં ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ, ચોક્કસ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે
ઈયુ તરફથી પ્રસ્તાવિત કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનીઝમ(CBAM) અને અન્ય ગ્રીન ઉપાયોને કારણે યુરોપિયન યુનિયન ખાતે ભારતમાંથી થતી 37 અબજ ડોલરની નિકાસ પર અસર થવાની શક્યતાં દિલ્હી સ્થિત થીંક ટેંક જોઈ રહી છે. જો આ રકમને ટકાવારીમાં જોઈએ તો ઈયુ ખાતે દેશની 43 ટકા જેટલી નિકાસ અસરગ્રસ્ત થઈ શકે છે. યુએસ પછી ઈયુ ભારતનું બીજું સૌથી મોટું નિકાસ બજાર છે.
સેન્ટર ફોર એનર્જી, એન્વાર્યમેન્ટ એન્ડ વોટરના રિપોર્ટ મુજબ નવા ઈયુ રેગ્યુલેશન્સને કારણે ભારતમાંથી ઈયૂ કેટલીક કેટેગરીની નિકાસ પર જોખમ જોવા મળી રહ્યું છે. આવી કેટેગરીઝમાં કેટેગરીઝમાં ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ, ચોક્કસ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. જે 2022માં ઈયુ ખાતે ભારતની નિકાસના 32 ટકા જેટલો હિસ્સો ધરાવતો હતો. જો CBAM સેક્ટર્સને યાદીમાં ઉમેરવામાં આવશે તો ઈયૂ ખાતે 37 અબજ ડોલરની નિકાસ પર જોખમ રહેલું છે. જે 2022માં યુરોપિયન યુનિયન ખાતેનીકુલ નિકાસનો 43 ટકા જેટલો હિસ્સો સૂચવે છે એમ પ્રેરણા પ્રભાકર અને હેમંત માલ્યાએ લખેલા અહેવાલનું કહેવું છે. રિપોર્ટ નોંધે છે કે પાછળથી વિકસિત દેશોએ સસ્ટેનેબિલિટી, એન્વાર્ટમેન્ટ અને ક્લાયમેન્ટ ચેન્જના મુદ્દાને લઈને સંખ્યાબંધ નોન-ટેરિફ ઉપાયો અમલી બનાવ્યાં છે. આવા મુદ્દાઓમાં એનર્જી એફિશ્યન્સી, કાર્બન ફૂટપ્રિન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ અને સસ્ટેનબલ ફોરેસ્ટ્રી જેવી બાબતોનો સમાવેશ થાય છે. ભારતે આ પડકારોનો સામનો કરવા માટે નોંધપાત્ર ઉપાયો હાથ ધર્યાં છે તેમ છતાં તેણે આ નિયમો સામે કામ પાર પાડવા માટે માળખાકિય અભિગમ તૈયાર કરવાની જરૂર છે. જેથી કરીને તેની નિકાસ પર પ્રતિકૂળ અસર જોવા મળે નહિ એમ રિપોર્ટ સૂચવે છે. ભારતે નોન-ટ્રેડ ટેરિફ પગલાંઓને લઈ ચોક્કસ ચિંતા રજૂ કરવા માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની રૂપરેખાઓનો પણ ઝડપથી ઉપયોગ કરવાની જરૂર છે. તાજેતરના સમયમાં ડબલ્યુટીઓમાં ભારતની ભાગીદારી વધી છે તેમ છતાં ડબલ્યુટીઓ મિકેનીઝમનો ઉપયોગ કરી સ્ટ્રેટેજિસ ઘડવાની જરૂર હોવા પર રિપોર્ટે ભાર મૂક્યો છે.
કેન્દ્ર સરકારે 13 ઈ-ઓક્શન્સમાં 18.09 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું
સરકારનો ઓએમએસએસ હેઠળ 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ઘઉંનું વેચાણનો ટાર્ગેટ
દેશમાં મુખ્ય ખાદ્યાન્ન ઘઉંના ભાવને નીચા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ(ઓએમએસએસ) હેઠળ અત્યાર સુધીમાં 13 ઈ-ઓક્શન્સ હેઠળ 18.09 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે. સરકારે 9 ઓગસ્ટે જણાવ્યું હતું કે તે ઓએમએસએસ હેઠળ વધુ 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખાનું બલ્ક યુઝર્સને વેચાણ કરશે.
સરકાર તરફથી રૂ. 2125 પ્રતિ ક્વિન્ટલના રિઝર્વ ભાવે ઘઉંનું વેચાણ કરવામાં આવ્યું હતું. જે વર્તમાન લઘુત્તમ સપોર્ટ ભાવની સમાન છે. ફૂડ મંત્રાલયના જણાવ્યા મુજબ ઓએમએસએસ પોલીસીના સફળ અમલીકરણે ઘઉં તથા ઘઉંના લોટના ભાવને નિયંત્રણમાં જળવાય રહેવાની ખાતરી પૂરી પાડી છે. સરકાર પાસે ઓએમએસએસ પોલિસીને જાળવી રાખવા માટે કેન્દ્રિય પૂલમાં પૂરતો જથ્થો પ્રાપ્ય છે. 21 સપ્ટેમ્બર સુધી કુલ 13 ઈ-ઓક્શન્સ હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં કુલ 18.09 લાખ ટન જથ્થાનું વેચાણ થયું છે. દરેક સાપ્તાહિત ઓક્શનમાં 2 લાખ ટન ઘઉં ઓફર કરવામાં આવ્યાં હતાં. દેશમાં 450થી વધુ ડેપો ખાતેથી ઘઉં સપ્લાય કરાયાં હતાં. ઈ-ઓક્શનમાં વેઈટેડ એવરેજ સેલીંગ પ્રાઈસ રૂ. 2254.71 પ્રતિ ટન જોવા મળી હતી. જે 20 સપ્ટેમ્બરના રોજ ઘટી રૂ. 2163.47 પર જોવા મળી હતી. વેઈટેડ એવરેજ સેલીંગ પ્રાઈસમાં ઘટાડાનો ટ્રેન્ડ સૂચવે છે કે ઓપન માર્કેટમાં ઘઉંના ભાવ કુલ ડાઉન થયાં છે એમ નિવેદનમાં જણાવાયું હતું. દરેક ઈ-ઓક્શનમાં ફર કરવામાં આવેલા જથ્થાના 90 ટકાથી વધુ ક્વોન્ટિટીનું વેચાણ નહોતું થયું. જે દર્શાવે છે કે પૂરતો જથ્થો પ્રાપ્ય બનાવવામાં આવ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ ટોચની ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કેનેડા સ્થિત સહયોગી કંપની રેસ્સન એરોસ્પેસ કોર્પોરેશને તેની કામગીરી બંધ કરી છે. મહિન્દ્રા આ કંપનીમાં 11.18 ટકા હિસ્સો ધરાવતી હતી. કંપનીએ સ્વૈચ્છિકપણે કામગીરી બંધ કરવાની નોટિસ પાઠવી હતી. કંપનીએ કોર્પોરેશન્સ કેનેડા તરફી 20 સપ્ટેમ્બરે ડિઝોલ્યુશન સર્ટિફિકેટ મેળવ્યું હતું. જ્યારપછી કામગીરી બંધ કરી હતી.
સ્પાઈસજેટઃ સુપ્રીમ કોર્ટે એરલાઈન કંપનીને ક્રેડિટ સ્વિસને છ મહિનામાં હપ્તામાં નાણા ચૂકવવાની છૂટ આપી છે. કંપની અગાઉ હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જતાં તેના પર 30 લાખ ડોલરનું એરિયર્સ ચડી ચૂક્યું છે. જેને છ મહિનામાં ચૂકવી દીધાં પછી સ્પાઈસજેટના અજય સંઘિ ક્રેડિટ સ્વિસને નિયમિત 5 લાખ ડોલરનો હપ્તો ચૂકવવાનો રહેશે.
એચસીએલ ટેક્નોલોજીઃ આઈટી સર્વિસિઝ કંપનીએ ઓસ્ટ્રેલિયા સ્થિત ANZ બેંક પાસેથી ઓર્ડર મેળવ્યો છે. બેંકે 33 દેશોમાં ડિજિટલ વર્કપ્લેસની શરૂઆત માટે એચસીએલ ટેક્નોલોજીને સાથે લીધી છે. ઉપરાંત ટેક્નોલોજી કંપની બેંકને તેના તમામ ગ્રાહકો માટે એક્સપિરિયન્સ મેનેજમેન્ટ સર્વિસિઝ પણ પૂરી પાડશે. જેમાં લેપટોપ્સ, મોબાઈલ ફોન્સ જેવા ડિવાઈસિઝનો સમાવેશ થતો હશે.
સનટેક રિઅલ્ટીઃ રિઅલ્ટી કંપનીએ વર્લ્ડ બેંકની સભ્ય આઈએફસી સાથે સંયુક્ત પ્લેટફોર્મ મારફતે અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણની જાહેરાત કરી છે. બંને કંપનીઓ ભેગા મળી રૂ. 750 કરોડનું રોકાણ કરશે. તેઓ મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાં 4-6 અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ ડેવલપ કરશે. જે 12 હજાર યુનિટ્સ ધરાવતાં હશે.
એપોલો ટાયર્સઃ કંપનીએ તેની લીમડા સ્થિત ફેકટરી ખાતે ઉત્પાદનને અટકાવ્યું હોવાનું જણાવ્યું છે. કંપની શોપ ફ્લોર કર્મચારીઓએ લોંગ-ટર્મ સેટલમેન્ટ એગ્રીમેન્ટના રિન્યૂઅલને લઈને ચિંતા વ્યક્ત કર્યાં પછી ઊભા થયેલાં અવરોધો વચ્ચે કંપનીએ કામગીરીને કામચલાઉ ધોરણે બંધ કરવી પડી હતી. જેની પાછળ કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસિઝ કંપનીની પ્રોડક્ટ ફિનેકલની નાઈજિરિયાની ગેરંટી ટ્રસ્ટ બેંકે પસંદગી કરી છે. બેંકે જણાવ્યું હતું કે તેણે મલ્ટી-કન્ટ્રી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ માટે ફિનેકલ ડિજિટલ બેંકિંગ સ્યુટને પસંદ કર્યો છે. કંપની રિટેલ તેમજ કોર્પોરેટ બેંકિંગ માટે ફિનેકલ સોલ્યુશન્સનો ઉપયોગ કરશે. તે નાઈજિરિયા ઉપરાંત આફ્રિકા અને યુરોપના 10 દેશોમાં બેંકની કામગીરીમાં ઉપયોગમાં લેવાશે.
આઈઆરબી ઈન્ફ્રાઃ બિલ્ડ એન્ડ ઓપરેટ બેસીસ પર કામ કરતી કંપનીએ એસપીવી સામખિયાણી ટોલવે માટે રૂ. 2090 કરોડના બીઓટી હાઈવે પ્રોજેક્ટ માટે ફાઈનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે.