Market Summary 22/11/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બોન્ડ યિલ્ડ્સમાં નરમાઈ વચ્ચે શેરબજારમાં સુધારો જળવાયો
સેન્સેક્સે 66 હજારનું સ્તર ફરી હાંસલ કર્યું
નિફ્ટી 19800ની સપાટી પાર કરવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 11.86ના સ્તરે
ઓટો, ફાર્મા, એનર્જી, પીએસઈમાં મજબૂતી
નિફ્ટી ફાર્માએ 16 હજારની સપાટી કૂદાવી
બેંકિંગ, રિઅલ્ટી, મેટલમાં નરમાઈ
સીજી પાવર, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, વર્ધમાન ટેક્સ. નવી ટોચે

યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં બીજા સત્રમાં સુધારો જળવાયો હતો. બેન્ચમાર્ક્સ સાંકડી રેંજમાં અથડાયાં પછી સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 92 પોઈન્ટ્સ મજબૂતી સાથે 66 હજારની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 19800ના લેવલને કૂદાવી ગયો હતો. જોકે, બ્રોડ માર્કેટમાં ખાસ લેવાલીના અભાવે બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3830 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2067 નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે 1622 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 304 કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 32 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 9 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3 ટકા ગગડી 11.86ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટીએ ફ્લેટ ઓપનીંગ દર્શાવ્યું હતું. ઈન્ડેક્સ અગાઉના સત્રના 19783ના બંધ ભાવ સામે 19784 પર ખૂલી ઉપરમાં 19826ની ટોચ દર્શાવી 19704 સુધી પટકાયો હતો. જ્યાંથી તે પરત ફરી 19800 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 75 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19887ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 56 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 19 પોઈન્ટ્સ વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયો હોય તેમ જણાય છે. નિફ્ટી માટે હવે 19900નું લેવલ એક નાનો અવરોધ છે. જે પાર થશે તો ફરી 20 હજારની સપાટી જોવા મળે તેવી શક્યતાં છે. જોકે, માર્કેટ તેના ઓક્ટોબરના 18800ના તળિયેથી એક હજાર પોઈન્ટ્સ જેટલું સુધરી ચૂક્યું છે અને તેથી ટ્રેડર્સે નવી ખરીદીના બદલે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. ઘટાડે ફરી ખરીદીની તક મળી શકે છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બીપીસીએલ, સિપ્લા, એનટીપીસી, ઈન્ફોસિસ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, હિંદાલ્કો, કોટક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એમએન્ડએમ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, ફાર્મા, એનર્જી, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.66 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, ભારત ફોર્જ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, બજાજા ઓટો, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર, બોશમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા પણ 0.6 ટકા વૃદ્ધિ સાથે પ્રથમવાર 16 હજારની સપાટી કૂદાવી ગયો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, બાયોકોન, આલ્કેમ લેબ્સ, ઝાયડસ લાઈફ અને ડો. રેડ્ડીઝ લેબ્સ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી પણ અડધા ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં બીપીસીએસ, એનટીપીસી, પાવર ગ્રીડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી પીએસઈ પણ તેની ટોચ નજીક બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બીપીસીએલ, એનટીપીસી, પાવર ગ્રીડ, ભેલ, એનએમડીસી, આઈઓસી અને એચપીસીએલનો સમાવેશ થતો હતો. નિફ્ટી એફએમસીજી પણ 0.4 ટકા સુધર્યો હતો. જેના ઘટકોમાં મેરિકો, યુનાઈટેડ બ્રૂઅરિઝ, ગોદરેજ કન્ઝ્યૂમર, આઈટીસી, એચયૂએલમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, નિફ્ટી બેંક 0.55 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા, બંધન બેંક, ફેડરલ બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી 0.7 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ફોનિક્સ મિલ્સમાં નરમાઈ જોવા મળતી હતી. એનએસઈ ડેરિવેટીવ્સ પ્લેટફોર્મ પર નજર નાખીએ તો બલરામપુર ચીની, ઓરોબિંદો ફાર્મા, જ્યુબિલિઅન્ટ ફૂડ, પર્સિસ્ટન્ટ, ભારત ફોર્જ, બાટા ઈન્ડિયા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એનટીપીસી, સિપ્લા, બિરલાસોફ્ટ, ઈન્ફોસિસ, પાવર ગ્રીડ કોર્પો, મેરિકો, બજાજ ઓટોમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, દાલમિયા ભારત, એબીબી ઈન્ડિયા, વોડાફોન, નાલ્કો, બર્ગર પેઈન્ટ્સ, જીએનએફસી, પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પીવીઆર આઈનોક્સ, આઈડીએફસીમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સીજી પાવર, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, વર્ધમાન ટેક્સટાઈલ, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, બલરામપુર ચીની, ઓરોબિંદો ફાર્મા, કેએસબી પંપ્સ, કેપીઆર મિલનો સમાવેશ થતો હતો.

નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં FDI ઈક્વિટી ફ્લોમાં 24 ટકા ઘટાડો
એપ્રિલ-સપ્ટેમ્બર, 2022માં 26.91 અબજ ડોલર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 20.4 અબજ ડોલરનો ઈનફ્લો

ફોરેન ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ(FDI) ઈન્વેસ્ટમેન્ટ ઈક્વિટી ઈનફ્લોમાં ચાલુ નાણા વર્ષના શરૂઆતી અર્ધ વાર્ષિક સમયગાળામાં 24 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે અને તે 20.4 અબજ ડોલર પર જોવા મળે છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 26.91 અબજ ડોલર પર જોવા મળતો હતો એમ સરકારી ડેટા સૂચવે છે. એફડીઆઈ ઈક્વિટી ઈનફ્લોમાં ઘટાડા પાછળ કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, ટેલિકોમ, ઓટો અને ફાર્મા સેક્ટર્સમાં નીચું રોકાણ જવાબદાર છે.
જાન્યુઆરીથી માર્ચ 2023 સુધીમાં ઈનફ્લો 40.55 ટકા ગગડી 9.28 અબજ ડોલર પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે એપ્રિલ-જૂન દરમિયાન તે 34 ટકા ઘટી 10.94 અબજ ડોલર પર રહ્યો હતો. વિદેશી રોકાણમાં એપ્રિલ, મે, જૂન , જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઘટાડો નોંધાયો હતો. જોકે, સપ્ટેમ્બરમાં તે વધી 4.08 અબજ ડોલર પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 2.97 અબજ ડોલર પર હતું એમ ઉદ્યોગ પ્રમોશન અને ઈન્ટરનલ ટ્રેડ વિભાગનો ડેટા સૂચવે છે. કુલ એફડીઆઈમાં ઈક્વિટી ઈનફ્લો, ફરીથી રોકાણ કરેલી અર્નિંગ્સ અને અન્ય મૂડીનો સમાવેશ થાય છે. જેમાં 15.5 ટકા ઘટાડો નોંધાયો હતો. એપ્રિલ-જૂન 2022માં 38.94 અબજ ડોલર સામે તે ચાલુ વર્ષે સમાનગાળામાં 32.94 અબજ ડોલર પર નોંધાઈ હતી. ચાલુ નાણાકિય વર્ષના શરૂઆતી છ મહિનામાં એફડીઆઈ ઈક્વિટી ઈનફ્લોમાં ઘટાડો દર્શાવનારા મુખ્ય રોકાણકાર દેશોમાં સિંગાપુર, મોરેશ્યસ, યુએસ, યૂકે અને યૂએઈનો સમાવેશ થાય છે.

ગૌતમ સિંઘાણિયાના છૂટાછેડા પાછળ રેમન્ડના માર્કેટ-કેપમાં 18 કરોડ ડોલરનું ધોવાણ
13 નવેમ્બરથી લઈ અત્યાર સુધીમાં રેમન્ડના શેરમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો

વિશ્વમાં સ્યૂટ ફેબ્રિકના સૌથી મોટા ઉત્પાદક રેમન્ડ લિ.ના શેરમાં સતત સાતમા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિલિયોનેર ગૌતમ સિંઘાનિયાના તેમની પત્ની નવાઝ મોદી સાથે છૂટાછેડાના અહેવાલની જાહેરાત પછી રેમન્ડના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેણે રેમન્ડના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં 18 કરોડથી વધુનો ઘટાડો આણ્યો છે. બુધવારે કંપનીનો શેર એનએસઈ ખાતે 3.74 ટકા ગગડી રૂ. 1677.20ની સપાટીએ બંધ રહ્યો હતો. જે 25 ઓક્ટોબર પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. બુધવારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 11,165 કરોડ પર જોવા મળતું હતું. શેરનો ભાવ રૂ. 1850ની સપાટીએથી ઘટતો જોવા મળ્યો છે.
રેમન્ડના બોર્ડમાં ડિરેક્ટર એવા નવાઝ મોદીએ છૂટાછેડાના ભાગરૂપે સિંઘાનિયાના 1.4 અબજ ડોલરની સંપત્તિનો 75 ટકા હિસ્સો માગ્યો હોવાનું વર્તુળોનું કહેવું છે. જેને કારણે રોકાણકારોમાં ચિંતા પ્રવર્તી રહી છે. રેમન્ડના પ્રવક્તા તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી. બ્રોકિંગ કંપની આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝના એનાલિસ્ટ નોંધે છે કે છૂટાછેડાને લઈને જોવા મળી રહેલી અનિશ્ચિતતા શેરના ભાવ પર અસર કરી રહી છે. આ ઘટનાની કંપની પર કેવી અસર પડશે તેની કોઈને ખબર નથી. ગૌતમ સિંઘાનિયાના પત્ની કંપનીના બોર્ડ મેમ્બર હોવાથી આ કોર્પોરેટ ગવર્નન્સ ઈસ્યુ બની ગયો છે. બ્રોકરેજે 20 નવેમ્બરે ‘હોલ્ડ’ની ભલામણ સાથે શેરને લઈ કવરેજ શરૂ કર્યું હતું. બ્લૂમબર્ગના ડેટા મુજબ કંપની સાત બ્રોકરેજ તરફથી ખરીદવાની ભલામણ ધરાવે છે. જ્યારે કોઈ સેલ રેટિંગ ધરાવતી નથી.

ભારતીય બોન્ડ્સમાં છ વર્ષનો સૌથી ઊંચો વિદેશી ઈનફ્લો નોંધાયો
2023માં અત્યાર સુધીમાં કોર્પોરેટ ડેટ સહિત ફિક્સ્ડ ઈન્કમમાં 6 અબજ ડોલરનું રોકાણ

કેલેન્ડર 2023માં ભારતીય બોન્ડ્સમાં વિદેશી ઈનફ્લો 2017 પછીની ટોચ પર જોવા મળે છે. જેપી મોર્ગને તેના વૈશ્વિક બોન્ડ ઈન્ડેક્સમાં ભારત સરકારની જામીનગીરીઓને સમાવવાની કરેલી જાહેરાત પાછળ સ્થાનિક બોન્ડ્સમાં રોકાણ વધ્યું હોવાનું માનવામાં આવે છે. આગામી જૂનથી જેપીમોર્ગનના ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારત સરકારના બોન્ડ્સનો સમાવેશ કરવામાં આવે તે અગાઉથી જ વિદેશી રોકાણકારોએ સ્થાનિક સિક્યૂરિટીઝમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે.
બ્લૂમબર્ગે તૈયાર કરેલા ડેટા મુજબ કોર્પોરેટ ડેટ સહિત ફિક્સ્ડ ઈન્કમ સાધનોમાં વિદેશી રોકાણકારો તરફથી ઈનફ્લો 6 અબજ ડોલર નજીક પહોંચ્યો છે. જેમાં નવેમ્બરમાં જ આ ઈનફ્લોનો ચોથા ભાગનો ફ્લો જોવા મળ્યો છે. માસિક ધોરણે ભારત સરકારના બોન્ડ્સમાં રોકાણ ઈનફ્લો એપ્રિલ 2020 પછીની સૌથી ઊંચી સપાટી દર્શાવવા તૈયાર છે.
ગયા સપ્ટેમ્બરમાં જેપીમોર્ગને તેના ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતને સમાવવાની જાહેરાત કરી હતી. જેણે સ્થાનિક બોન્ડ્સમાં રોકાણકારોને રોકાણ માટે પ્રેર્યાં હતાં. ઉપરાંત, કંપનીઓ તરફથી મજબૂત અર્નિંગ્સ અને અર્થતંત્રમાં પણ મજબૂત વૃદ્ધિ દરે વિદેશી રોકાણકારોના ઈનફ્લોને આકર્ષ્યો હતો. ચાલુ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં પણ 12 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. જે ઈમર્જિંગ એશિયન બજારોમાં સૌથી ઊંચું છે. જોકે, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેમણે ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી. જેમાં નવેમ્બરમાં ઘટાડો જોવા મળ્યો છે.

મ્યુચ્યુલ ફંડ્સે રોકાણ વિકલ્પ તરીકે FDને સતત બીજા વર્ષે પાછળ રાખી
દેશમાં 54 ટકા લોકો માટે મ્યુચ્યુલ ફંડ્સ રોકાણની પ્રથમ પસંદ, 53 ટકા સાથે ફિક્સ્ડ ડિપોઝીટ્સ બીજા ક્રમે

કેલેન્ડર 2023માં મ્યુચ્યુલ ફંડ્સ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે. તેણે પરંપરાગત ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન એવા બેંક્સની ફિક્સ ડિપોઝીટ્સને સતત બીજા વર્ષે પાછળ રાખી દીધી છે. દેશમાં પ્રાપ્ય વિવિધ રોકાણ વિકલ્પોમાંથી 54 ટકા માટે મ્યુચ્યુલ ફંડ્સ પ્રથમ પસંદગી છે. જ્યારપછી 53 ટકા સાથે ફિક્સ ડિપોઝીટ્સનો ક્રમ આવે છે એમ બેંકબાઝારનો સર્વે જણાવે છે. જોકે, અભ્યાસમાં સમાવિષ્ટ 77 ટકા લોકોએ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ નહિ એવા સેવિંગ્ઝ બેંક એકાઉન્ટ્સ પર પ્રથમ પસંદગી ગણાવી હતી.
અભ્યાસમાં 1675 લોકોને આવરી લેવાયા હતાં. જેમાં છ મહાનગરો અને 18થી વધુ ટિયર-2 શહેરોનો સમાવેશ થતો હતો. અભ્યાસમાં 22થી 45 વયની જૂથના વર્કિંગ પ્રોફેશ્નલ્સનો સમાવેશ થતો હતો. સર્વેમાં 76 ટકા મહિલાઓ સામે 79 ટકા પુરુષોએ સેવિંગ્ઝ બેંક એકાઉન્ટ પર પસંદગી ઉતારી હતી. જોકે, 2022ની સાથે સરખામણી કરીએ તો ચાલુ વર્ષે માત્ર 50 ટકા મહિલાઓએ મ્યુચ્યુલ ફંડ્સમાં રોકાણ કર્યું હતું. જે રેશિયો પુરુષોમાં 56 ટકા પર હતો. ત્રીજા ક્રમે પસંદગીના ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ એફડી-રિકરીંગ ડિપોઝીટ્સ પર 53 ટકા મહિલાઓએ પસંદગી દર્શાવી હતી. જે રેશિયો પુરુષોમાં 50 ટકા પર હતો. પુરુષો અને મહિલાઓમાં શેરબજારમાં રોકાણનો ગાળો વાર્ષિક ધોરણે સાધારણ વૃદ્ધિ દર્શાવતો હતો. 2022માં 7 ટકાની સરખામણીમાં 2023માં તે 8 ટકા પર જોવા મળતો હતો. ચાલુ વર્ષે 39 ટકા મહિલાઓએ શેર્સ ખરીદ્યાં હતાં. જે પ્રમાણ પુરુષોમાં 47 ટકા જેટલું હતું. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મહિલાઓએ પુરુષોની સામે જોખમી રોકાણ વિકલ્પો પર પસંદગી ઘટાડી હતી. જેમકે ક્રિપ્ટોકરન્સિ. મહિલાઓ અને પુરુષોમાં પીપીએફ(26 ટકા) અને રિઅલ એસ્ટેટ(19 ટકા), આ બે પ્રોડક્ટ્સમાં જ એક સરખી પસંદગી જોવા મળી હતી.
છેલ્લાં બે વર્ષોમાં જીઓપોલિટીકલ તણાવો અને ઊંચા ઈન્ફ્લેશનને કારણે વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દર પર અસર પડી છે. 2023માં સેવિંગ્ઝમાં ઘટાડો થયો છે અથવા તે સ્થિર જળવાય છે. ઉત્તર ભારતમાં 44 ટકા સેવિંગ્ઝ સાથે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારપછી પશ્ચિમ ભારતમાં 25 ટકા સાથે સેવિંગ્ઝ રેટ સૌથી ઊંચી સ્થિરતા જોવા મળી છે. દક્ષિણમાં બચતમાં 40 ટકા સાથે સૌથી નીચો ઘટાડો જોવા મળ્યો છે. મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં 42 ટકા સેવિંગ્ઝ રેશિયો સાતે સમાંતર ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ફ્લેશન ઉપરાંત અન્ય આર્થિક પરિબળોએ પણ સેવિંગ્ઝને સ્થિર રાખવામાં ભૂમિકા ભજવી છે. જેમાં ટોચના કારણોમાં આકસ્મિક ખર્ચ(61 ટકા), બાળકો અને જવાબજદારી(58 ટકા) અને જીવનશૈલીમાં સુધારો(45 ટકા)નો સમાવેશ થાય છે. બચત ઘટતાં રિટાર્મેન્ટ પ્લાનીંગ પર સૌથી ખરાબ અસર જોવા મળી હતી. નિવૃત્તિના આયોજન રૂપે થતાં ખર્ચમાં 2022માં 45 ટકા ખર્ચ ઘટીને 2023માં 38 ટકા પર જોવા મળ્યો હતો. આમાં સૌથી મોટું નુકસાન મહિલાઓને જોવા મળ્યું હતું. કેમકે તેમણે અન્ય બચતો માટે થઈ રિટાર્મેન્ટમાં રોકાણ અટકાવ્યું હતું. 2022માં 48.45 ટકા મહિલાઓની સરખામણીમાં 2023માં મત્ર 34.3 ટકા મહિલાઓએ જ રિટાર્મેન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ જાળવ્યું હતું. પુરુષો માટે આ આંકડા લગભગ સ્થિર હતો. ગયા વર્ષે 41.86 ટકા સામે ચાલુ વર્ષે 40.1 ટકા પુરુષોએ રિટાર્મેન્ટ પ્લાનીંગને મહત્વ આપવાનું ચાલુ રાખ્યું હતું.

રોકાણકારો માટે પ્રથમ પસંદગી
પ્રોડક્ટ પસંદગી(ટકામાં)
સેવિંગ્ઝ બેંક 77
મ્યુચ્યુલ ફંડ્સ 54
ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝીટ્સ 53
શેરબજાર 43
ઈન્શ્યોરન્સ 43
ગોલ્ડ 27
પીપીએફ 27
ક્રિપ્ટો 23

વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં બે વર્ષ પછી ઓક્ટોબરમાં વૃદ્ધિ પરત ફરી
જૂન 2021 પછી ઓક્ટોબર 2023માં વાર્ષિક ધોરણે 5 ટકા વૃદ્ધિ નોંધાઈ

વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં લગભગ અઢી વર્ષ પછી વૃદ્ધિ જોવા મળી છે. ઓક્ટોબર મહિનામાં માસિક ધોરણે ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટે પાંચ ટકા વૃદ્ધિ દર્શાવી હતી એમ કાઉન્ટરપોઈન્ટ રિસર્ચનો ડેટા જણાવે છે. ઈમર્જિંગ માર્કેટ્સમાં રિકવરીને કારણે વૈશ્વિક માર્કેટમાં ગ્રોથ પરત ફર્યો હતો.
ડેટા સૂચવે છે કે સતત 27-મહિના સુધી માસિક ધોરણે નેગેટિવ ગ્રોથ નોંધાયા પછી ઓક્ટોબર 2023માં વાર્ષિક પાંચ ટકા વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. જૂન 2021થી વૈશ્વિક સ્તરે સ્માર્ટફોન માર્કેટ નેગેટિવ વૃદ્ધિ દર દર્શાવી રહ્યું હતું. જે પાછળના કારણોમાં કોમ્પોનેન્ટની અછત, ઈન્વેન્ટરી બિલ્ડ-અપ અને રિપ્લેસમેન્ટ સાઈકલના લંબાણ જેવા કારણો જવાબદાર હતા એમ રિપોર્ટ નોંધે છે. જોકે, ઓક્ટોબરમાં મજબૂત ગ્રોથને જોતાં કેલેન્ડર 2023ના ચોથા ક્વાર્ટરમાં પણ વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાં છે. જે આગામી ક્વાર્ટર્સમાં માર્કેટને તબક્કાવાર રિકવરીના માર્ગે લાવી શકે છે. અગાઉ જૂન 2021માં જોવા મળેલી વૃદ્ધિ મહામારીને કારણે લાંબા સમયથી ભેગી થયેલી માગ પાછળ હતી. જોકે, ત્યારપછી ગ્રોથ મંદ પડ્યો હતો. હવે, મધ્ય-પૂર્વ અને આફ્રિકન બજારોમાં સતત રિકવરી તથા ચીનમાં હૂવેઈ પરત ફરતાં તેમજ ભારતમાં તહેવારોની સિઝનની ઊંચી માગને કારણે ગ્રોથ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનમાં હૂવેઈના વેચાણમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીના મેટ 60 સિરિઝ ફોન્સની ઊંચી ખરીદી પાછળ વાર્ષિક વેચાણમાં 37 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
સ્માર્ટફોનને લઈ ઊંચું સેચ્યુરેશન દર્શાવી રહેલાં વિકસિત બજારોમાં પણ ધીમી રિકવરી જોવા મળી રહી હોવાનું રિપોર્ટ સૂચવે છે. જોકે, એપલ તરફતી આઈફોન 15 સિરિઝનું લોન્ચિંગ આ માટેનું એક અન્ય પરિબળ હોવાનું તેઓ જણાવે છે.

સેમ ઓલ્ટમેન ઓપનAIના CEO તરીકે પરત ફર્યાં
કંપનીમાં નવા વચગાળાના બોર્ડની જાહેરાત કરવામાં આવી
ઓલ્ટમેનના મતે તેમના તથા ટીમ માટે કંપની શ્રેષ્ઠ હોવાથી બદલેલો નિર્ણય

ગયા સપ્તાહાંતે ઓપનAIના CEO તરીકેના પદેથી દૂર કરવામાં આવ્યાં પછી સેમ ઓલ્ટમેને બુધવારે ફરીથી કંપનીના સીઈઓ તરીકે જોડાશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમના તથા ટીમ માટે કંપની શ્રેષ્ઠ વિકલ્પ છે અને તેથી આમ કરી રહ્યાં છે. અગાઉ શનિવારે ઓપનAIના બોર્ડે તેમને સીઈઓ પદેથી દૂર કર્યાં પછી તેમણે કંપનીમાં પરત નહિ ફરે તેમ ટ્વિટ મારફતે જણાવ્યું હતું. સોમવારે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાદેલાએ સેમ ઓલ્ટમેન અને તેના ટીમના અન્ય સભ્યોને કંપનીમાં હાયર કર્યાંની જાણ પણ કરી હતી.
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ કંપની ઓપનAIએ બુધવારે જણાવ્યું હતું કે સેમ ઓલ્ટમેન કંપનીના સીઈઓ તરીકે પરત ફરશે. તેઓ કંપનીના નવા બોર્ડ સાથે પરત ફરશે. જેમાં બ્રેટ ટેલર ચેરમેન હશે. જે ઉપરાંત લેરી સમર્સ અને એડમ ડીએંજેલોનો સમાવેશ થતો હતો. ઓપનAIએ ટ્વિટર મારફતે જણાવ્યું હતું કે તેઓ સેમ ઓલ્ટમેન સાથે ઓપનAIના નવા બોર્ડ સાથે CEO તરીકે જોડાવા માટે સૈધ્ધાંતિક રીતે એગ્રીમેન્ટ પર પહોંચ્યાં છે. આ જાહેરાત પછી ઓલ્ટમેને પણ જણાવ્યું હતું કે તેમણે કંપનીમાં ફરીથી જોડાવાનો નિર્ણય લીધો છે. કેમકે તેમના તથા ટીમ માટે તે શ્રેષ્ઠ વિકલ્પ છે. હું ઓપનAIને ચાહું છું અને છેલ્લાં કેટલાંક દિવસોથી મેં જે પણ કર્યું છે તે ટીમ અને તેના મિશનને સાથે જાળવવાની સેવાના ભાગરૂપ છે. મેં રવિવારે સાંજે માઈક્રોસોફ્ટમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો તે વખતે મારા અને ટીમ માટે તે શ્રેષ્ઠ માર્ગ હતો. હવે નવા બોર્ડ અને સત્યાના સપોર્ટ સાથે હું ઓપનAIનમાં પરત ફરવા માટે અને માઈક્રોસોફ્ટ સાથે અમારી મજબૂત ભાગીદારી બાંધવા માટે તૈયાર છું. ગયા સપ્તાહાંતથી બુધવાર સુધીના પાંચ દિવસોમાં નાટ્યાત્મક ઘટના પછી ફરીથી સેમ ઓલ્ટમેન ઓપનAIના CEO તરીકે જોડાવા તૈયાર થવાથી કંપનીના કર્મચારીઓમાં જોવા મળતો અસંતોષ શમે તેવી શક્યતાં છે. ઓપનAIના બોર્ડના ઓલ્ટમેનને દૂર કરવાના નિર્ણય પછી સેંકડો કર્મચારીઓએ પણ રાજીનામા ધર્યાં હતાં.

ગોલ્ડે ફરી 2000 ડોલરની સપાટી પાર કરી
ક્રૂડ ઓઈલમાં ચાર ટકાનું ગાબડું પડ્યું

વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. મંગળવારે રાતથી ગોલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે અને તે લગભગ 24 કલાકથી 2000 હજાર ડોલર પર ટ્રેડ દર્શાવવામાં સફળ રહ્યું હતું. કોમેક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો 2003 ડોલર પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે ગોલ્ડ સ્પોટ પણ 2001 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. બંને વચ્ચેનો ગેપ છેલ્લાં ઘણા મહિનાઓમાં સૌથી નીચો જોવા મળી રહ્યો છે. જે સૂચવે છે કે ફિઝિકલ ગોલ્ડમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે.
એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 18ના સુધારે રૂ. 61243ની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. છેલ્લાં બે સત્રોથી તે રૂ. 61 હજાર પર ટક્યો છે. તેણે રૂ. 62500 નજીક સર્વોચ્ચ ટોચ દર્શાવી છે. જોકે, ઊંચા ભાવે હાજર બજારમાં ખરીદી પાંખી છે. બીજી બાજુ, ઈટીએફ્સમાં ફ્લો વધ્યો છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં સ્થિરતા પરત ફરી છે. તે મંગળવારે 103.15નું તળિયું બનાવી બુધવારે 103.50ની સપાટી આસપાસ પોઝીટીવ ટ્રેડ દર્શાવતો જોવા મળ્યો હતો. જોકે, બોન્ડ યિલ્ડ્સમાં નરમાઈ જળવાય હતી. યુએસ 10-વર્ષ માટેના ટ્રેઝરી યિલ્ડ 4.37 ટકા પર નેગેટિવ જોવા મળી રહ્યાં છે. છેલ્લાં ત્રણ સપ્તાહમાં તે 5.1 ટકાની તેની 20 વર્ષોની ટોચ પરથી 70 બેસીસ પોઈન્ટ્સ જેટલાં ગગડી ચૂક્યાં છે. ક્રૂડ ઓઈલના ભાવ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો બુધવારે 4.3 ટકા ગગડી 78.9 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એનાલિસ્ટ્સ ક્રૂડમાં 70-75 ડોલરની રેંજ સુધીનો ઘટાડાની અપેક્ષા રાખી રહ્યાં છે.

ફાઈનાન્સિયલ સેક્ટરે તમામ પ્રકારની ઉત્તેજનાથી દૂર રહેવું જોઈએઃ શક્તિકાંતા દાસ
બેંક્સને સમયાંતરે તેમના જોખમોનું મૂલ્યાંકન કરવાનું સૂચન
એનબીએફસીને બેંક ફંડિંગ પરની વધુ પડતી નિર્ભરતા ટાળવાનું સૂચન
માઈક્રોફાઈનાન્સ કંપનીઓને પ્રવર્તમાન રેટની ઊંચા વ્યાજ દરોથી દૂર રહેવાની સલાહ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે ક્રેડીટ ગ્રોથમાં તેજીને જોતાં ફાઈનાન્સિયલ સેક્ટરે તમામ પ્રકારની ઉત્તેજનાઓથી દૂર રહેવું જોઈએ. તેમણે ચાર બાબતોને લઈ ચિંતા રજૂ કરતી વખતે આમ જણાવ્યું હતું. વાર્ષિક ફિક્કી-આઈબીએ બેંકિંગ કોન્ફરન્સમાં બોલતાં આરબીઆઈ ગવર્નરે નોંધ્યું હતું કે નજીકના સમયગાળામાં ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ બેંક્સ અને એનબીએફસીને કેટલાંક સાવચેતીના પગલાં ભરવા માટે સતત સૂચનો કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ચાર બાબતોને લઈને નાણાકિય સેક્ટરને સાવચેત રહેવા જણાવ્યું હતું. જેમાં પ્રથમ તો તાજેતરના સમયગાળામાં ક્રેડિટ ગ્રોથમાં જોવા મળતી તેજીનો ઉલ્લેખ કરતાં નોંધ્યું હતું કે બેંક્સ અને એનબીએફસીએ સેક્ટરલ અને સબ-સેક્ટરલ લેવલે ક્રેડિટ ગ્રોથ જાળવી શકાય તેવો રહેવો જોઈએ અને ઉત્તેજનાથી દૂર રહેવું જોઈએ. બેંક્સે તેમના એસેટ લાયેબિલિટી મેનેજમેન્ટને મજબૂત બનાવવાનું રહેશે. કેટલાંક કિસ્સાઓમાં અમે જોયું છે કે તેઓ ઊંચો ખર્ચ ધરાવતી શોર્ટ-ટર્મ બલ્ક ડિપોઝીટ્સ પર નિર્ભર હોય છે. જ્યારે રિટેલ તથા કોર્પોરેટ સેગમેન્ટમાં લોન્સનો સમયગાળો લાંબો હોય છે. બીજી મહત્વની બાબત બેંક્સ અને એનબીએફસી વચ્ચે વધતું જોડાણ કન્ટેજિઅન રિસ્ક ઊભું કરે છે. બેંક્સે તેમના એનબીએફસી એક્સપોઝરનું સતત મૂલ્યાંકન કરતાં રહેવું જોઈએ. એનબીએફસીને તેમણે તેમના ફંડીંગ સ્રોતોને વ્યાપક બનાવવા અને બેંક ફંડિંગ પરની વધુ પડતી નિર્ભરતા ઘટાડવાનૂં સૂચન કર્યું હતું. તેમણે માઈક્રો ફાઈનાન્સ કંપનીઓને માર્કેટમાં પ્રવર્તમાન વ્યાજ દરો કરતાં ઊંચા રેટ્સ વસૂલવાથી દૂર રહેવા જણાવ્યું હતું. વ્યાજ દરો પર કોઈ નિયંત્રણ નથી તેમ છતાં કેટલીક એનબીએફસી અને માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ પ્રમાણમાં ઊંચા નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ વસૂલી રહ્યાં છે. જે માઈક્રોફાઈનાન્સ લેન્ડર્સ માટે યોગ્ય બાબત નથી. તેમને આપવામાં આવેલી ફ્લેક્સિબિલિટીના દૂરૂપયોગથી તેમણે દૂર રહેવું જોઈએ એમ દાસે ઉમેર્યું હતું. ચોથી બાબતમાં તેમણે અલ્ગોરિધમ આધારિત લેન્ડિંગ મોડેલ્સનો ઉલ્લેખ કર્યો હતો. ફિનટેક કંપનીઓએ આ મોડેલ્સનો સમયાંતરે પરીક્ષણ કરતાં રહેવું જોઈએ અને જોખમોનું આકલન કરવું જોઈએ.

કોર્પોરેટ હેડલાઈન્સ

ટાઈટનઃ તાતા જૂથ કંપની આગામી પાંચ વર્ષોમાં 3000થી વધુ કર્મચારીઓની નિમણૂંક કરશે. કંપની રૂ. એક લાખ કરોડના બિઝનેસ ટાર્ગેટને હાંસલ કરવાના ભાગરૂપે આમ કરશે. કંપની તેના કુલ કર્મચારીઓમાં એન્જીનીયર્સનું પ્રમાણ આગામી બે-ત્રણ વર્ષોમાં 50 ટકા જેટલું વધારશે. ઉપરાંત, તે સ્પેશ્યાલાઈઝ્ડ સ્કિલ્સ જેવીકે ડેટા એનાલિટિક્સ, સાયબર સિક્યૂરિટીઝી, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડિજીટલ માર્કેટિંગ ધરાવતાં પ્રોફેશ્નલ્સની પણ નિમણૂંક કરશે.
SBI: દેશમાં ટોચની લેન્ડર રૂ. 1.5 લાખ કરોડની કોર્પોરેટ લોન્સ આપે તેવી અપેક્ષા છે. હાલમાં બેંક કુલ રૂ. 4.5 લાખ કરોડનો કોર્પોરેટ લોન પોર્ટફોલિયો ધરાવે છે. જેમાં લાર્જ અને મીડ કોર્પોરેટ્સનો સમાવેશ થાય છે. જ્યારે વધુ રૂ. 1.5 લાખ કરોડની લોન્સ વિતરણ માટે રાહ જોઈ રહી છે એમ એસબીઆઈ ચેરમેન દિનેશ ખારાએ જણાવ્યું હતું. ખારાએ ઉમેર્યું હતું કે કોર્પોરેટ લેન્ડિંગ બુકમાં તેઓ કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ જોઈ રહ્યાં નથી.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ કંપનીએ અગ્રણી અર્બન મોબિલિટી કંપની ટીકે એલીવેટર સાથે લોંગ-ટર્મ સ્ટ્રેટેજીક જોડાણ કર્યું છે. જેનો હેતુ ટીકે એલીવેટરને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ફર્સ્ટ સ્ટ્રેટેજી સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહાયતાનો છે. જોકે, આ કરારની નાણાકિય વિગતો આપવામાં આવી નહોતી. સહયોગના ભાગરૂપે ઈન્ફોસિસ ટીકે એલીવેટર્સના ડેજિટલ લેન્ડસ્કેપને મજબૂતી પૂરી પાડશે. જેમાં કંપનીની પ્રોડક્ટનો ટોપાઝનો ઉપયોગ કરવામાં આવશે.
બજાજા ઓટોઃ ટુ-વ્હીલર્સ ઉત્પાદકે જણાવ્યું છે કે 2025 સુધીમાં તે સીએનજી ચલિત ટુ-વ્હીલર્સ લોંચ કરે તેવી શક્યતાં છે. કંપનીના સીઈઓ રાજીવ બજાજે જણાવ્યું હતું કે હાલમાં વિશ્વમાં ક્યાંય પણ સીએનજી ટુ-વ્હીલર્સ પ્રાપ્ય નથી. જેને સ્થાનિક સ્તરે વિકસાવવામાં આવશે. દેશમાં થ્રી-વ્હીલર્સ ઉદ્યોગનો 60 ટકા હિસ્સો સીએનજીમાં શિફ્ટ થયો છે.
HAL: જાહેર સાહસ હિંદુસ્તાન એરોનોટિક્સે 139 ટ્રેઈનીઝની પસંદગી કરી છે. તેણે મેનેજમેન્ટ અને ડિઝાઈન ટ્રેઈનીઝની 46મી બેંચનું ઈન્ડક્શન કર્યું છે. કંપનીએ કુલ 30 હજારથી વધુ અરજીઓ મેળવી હતી. જેમાંથી આ પસંદગી કરાઈ હતી.
ઝોમેટોઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે ઝોમેટો અને સ્વિગી પાસેથી જીએસટીની માગ કરી છે. તેમણે ઝોમેટો પાસેથી રૂ. 400 કરોડ અને સ્વીગિ પાસેથી રૂ. 350 કરોડની માગ કરી છે. સત્તામંડળે જુલાઈ 2017થી માર્ચ 2023ના સમયગાળા માટે જીએસટી માગ્યો છે. ડીજીજીઆઈના મતે ડિલિવરી એક સર્વિસ છે અને તેથી ઝોમેટો અને સ્વિગીએ તેમની સર્વિસ પર જીએસટી ચૂકવવાનો રહે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage