Market Summary 22/12/2022

કોવિડના ડર પાછળ શેરબજારમાં બાઉન્સનો અભાવ
વૈશ્વિક બજારોમાં સુધારાને અવગણતું સ્થાનિક બજાર
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા ગગડી 15.18ની સપાટીએ
તમામ સેક્ટરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં રહ્યાં
સૂલા વિનેયાર્ડ્સ 7 ટકા ડિસ્કાઉન્ટમાં બંધ રહ્યો
જ્યોતિ લેબ્સ, અબોટ ઈન્ડિયાએ નવી ટોચ દર્શાવી
ટાટા ટેલિ, ક્વેસ કોર્પ, શીલા ફોમ નવા તળિયે

વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય બજારમાં સતત નરમાઈ જોવા મળી રહી છે. છેલ્લાં સાત સત્રોમાંથી છ દરમિયાન સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે. ગુરુવારે બીએસઈ સેન્સેક્સ 241 પોઈન્ટ્સના ઘટાડે 60826ની સપાટીએ જ્યારે નિફ્ટી 72 પોઈન્ટ્સ ગગડી 18127ની સપાટીએ બંધ રહ્યું હતું. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલીને કારણે બ્રેડ્થ નેગેટિવ રહી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 39 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 11 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ નરમાઈ જળવાય હતી. બીએસઈ ખાતે 3652 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2858 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 707 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ગગડી 15.18ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે સતત બીજા દિવસે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં બાદ વેચવાલી જાળવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18199ના બંધ સામે 18289ની સપાટીએ 90 પોઈન્ટ્સ ઉપર ખૂલ્યાં બાદ ઈન્ટ્રા-ડે 18319ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી ઊંધા માથે પટકાઈ 18069 પર મહિનાથી પણ વધુનું તળિયું દર્શાવી બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 32 પોઈન્ટ્સ પ્રિમીયમે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં નવી લોંગ પોઝીશનનો ઉમેરો નહોતો જોવા મળ્યો. બીજી બાજુ શોર્ટ કવરિંગ પાછળ પ્રિમીયમ જળવાયું હતું. નિફ્ટીને સપોર્ટ આપવામાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ લાઈફ, ઈન્ફોસિસ, ગ્રાસિમ, કોટક મહિન્દ્રા જેવા કાઉન્ટર્સ અગ્રણી હતાં. જોકે તેઓ પૂરો એક ટકાનો સુધારો પણ નહોતા દર્શાવી શક્યાં. બીજી બાજુ યૂપીએલ 3.4 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. બીજી બાજુ એનએન્ડએમ 2.5 ટકા, બજાજ ફિનસર્વ 2.4 ટકા, આઈશર મોટર્સ 2 ટકા અને તાતા મોટર્સ પણ 2 ટકા ગગડ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોનો દેખાવ જોઈએ તો એક પણ સેક્ટરલ ઈન્ડાઇસિસ ગ્રીન જોવા નહોતો મળ્યો. નિફ્ટી પીએસયૂ બેંક, નિફ્ટી ઓટો, નિફ્ટી મેટલ, નિફ્ટી રિઅલ્ટી એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી બેંક અડધા ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. પીએસયૂ બેંક્સમાં નાની બેંક્સમાં બીજા દિવસે ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં યુનિયન બેંક 6 ટકા, પંજાબ એન્ડ સિઁધ બેંક 5 ટકા, જેકે બેંક 4 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 4 ટકા, સેન્ટ્રલ બેંક 3.7 ટકા અને બેંક ઓફ મહારાષ્ટ્ર 3.7 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. જોકે યૂકો બેંક અને પીએનબી પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મેટલ્સમાં સેઈલ 3.3 ટકા ઘટાડા સાથે સૌથી વધુ નરમાઈ દર્શાવતો હતો. જ્યારે મોઈલ, નાલ્કો, એનએમડીસી, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ પણ 2 ટાથી વધુ ઘટાડો સૂચવતાં હતાં. પ્રાઈવેટ બેંકિંગ કાઉન્ટર્સમાં બંધન બેંકનો શેર 5 ટકા આસપાસ ગગડ્યો હતો. જ્યારે આઈડીએફસી ફર્સ્ટ બેંક 4 ટકા, ફેડરલ બેંક 2.3 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. રિઅલ્ટી કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 4 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટીઝ, ફિનિસ મિલ્સ, સનટેક રિઅલ્ટી, હેમિસ્ફીઅર, સોભા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ઓબેરોય રિઅલ્ટી એક ટકાથી વધુ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં જ્યુબિલિઅન્ટ ફૂડ 2.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આરઈસી, લ્યુપિન, એમ્ફેસિસ, અબોટ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, જેકે સિમેન્ટ, આલ્કેમ લેબો., સીજી કન્ઝ્યૂમર પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે બીજી બાજુ ગુજરાત ગેસ, જીએસપીસી, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, મણ્ણાપુરમ ફાઈ., ઈન્ડિયા સિમેન્ટ્સ, એસ્કોર્ટ્સ કુબોટા, ભેલ, તાતા કેમિલ્સ નરમાઈ દર્શાવતાં હતાં.

ટોરેન્ટ જૂથ રૂ. 8640 કરોડમાં રિલાયન્સ કેપિટલની ખરીદીમાં સફળ
આર-કેપની ખરીદી સાથે જૂથનો ફાઈનાન્સિયલ સર્વિસિઝ ક્ષેત્રે પ્રવેશ
હિંદુજાની રૂ. 8150 કરોડની ઓફર સામે ટોરેન્ટે રૂ. 490 કરોડની ઊંચી ઓફર મૂકી
કોસ્મિઆ-પિરામલ અને ઓકટ્રીએ હરાજીમાં ભાગ નહોતો લીધો

અગ્રણી ઔદ્યોગિક જૂથ ટોરેન્ટ બુધવારે યોજાયેલા રિલાયન્સ કેપિટલના ઓક્શનમાં કંપનીને ખરીદીમાં સફળ રહ્યું હતું. આર-કેપ ખરીદવા તેણે લેન્ડર્સ સમક્ષ રૂ. 8640 કરોડની સૌથી ઊંચી ઓફર મૂકી હતી. ટોરેન્ટ જૂથની પ્રમોટર કંપનીઓએ આ ઓફર મૂકી હતી. બેંકિંગ વર્તુળોના જણાવ્યા મુજબ હિંદુજા ગ્રૂપે પણ ઓક્શનમાં ભાગ લીધો હતો. જોકે તેમણે ટોરેન્ટની ઓફર કરતાં નીચી ઓફર કરી હતી. કોસ્મિઆ-પિરામલ અને ઓકટ્રીએ હરાજીમાં ભાગ નહોતો લીધો.
રિલાયન્સ કેપિટલની ખરીદી ટોરેન્ટ જૂથને ફાઈનાન્સિયલ સર્વિસિઝ ક્ષેત્રે પ્રવેશમાં સહાયરૂપ બનશે. કેમકે કંપની રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સમાં 100 ટકા હિસ્સો ખરીદશે. જ્યારે રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્શ્યોરન્સમાં તે 51 ટકા હિસ્સા સહિત અન્ય એસેટ્સ મેળવશે. ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ એ ટોરેન્ટ જૂથની ફ્લેગશિપ કંપની છે અને દેશની અગ્રણી ફાર્મા કંપની છે. ટોરેન્ટની ઓફર રિલાયન્સ કેપિટલની લિક્વિડેશન વેલ્યૂ કરતાં નીચી હતી પરંતુ કોસ્મિઆ-પિરામલની રૂ. 5231 કરોડની બાઈન્ડિંગ ઓફર કરતાં ઊંચી હતી. લેન્ડર્સ હવે ટોરેન્ટ જૂથને કંપનીનું કેવી રીતે હસ્તાંતરણ કરવું તે નક્કી કરવા માટે મળશે. રિલાયન્સ કેપિટલને ગયા વર્ષે નવેમ્બરમાં ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્ટ્રપ્સી કોડ 2016 હેઠળ ડેટ રેઝોલ્યુશનમાં મોકલવામાં આવી હતી. કંપની રૂ. 24 હજાર કરોડની ડેટ ચૂકવણીમાં નિષ્ફળ રહેતાં આમ કરવામાં આવ્યું હતું. આર-કેપના વેચાણ માટે ઓક્શન યોજવાનો નિર્ણય લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન અને એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન(ઈપીએફઓ) વતી લેવામાં આવ્યો હતો. તેઓ કંપનીની કમિટિ ઓફ ક્રેડિટર્સમાં 35 ટકા હિસ્સો ધરાવે છે. બંને લેન્ડર્સે લિક્વિડેશનની વિરોધ્ધમાં મતદાન કર્યું હતું અને એસેટ્સના વેચાણ માટે ઈલેક્ટ્રોનિક ઓક્શનનો માર્ગ અપનાવવા માટે આગ્રહ કર્યો હતો. જે બુધવારે હાથ ધરવામાં આવ્યું હતું. રિલાયન્સ કેપિટલના ક્રેડિટર્સે બિડીંગ માટે બે ઓપ્શન્સ ઓફર કર્યાં હતાં. જેમાં પ્રથમ ઓપ્શનમાં કંપનીઓએ સમગ્ર રિલાયન્સ કેપિટલ માટે બીડ કરવાનું રહેતું હતું. જેમાં તેની સબસિડિયરીનો પણ સમાવેશ થતો હતો. જ્યારે બીજા ઓપ્શનમાં બીડર્સ રિલાયન્સ કેપિટલના વ્યક્તિગત બિઝનેસિસ માટે અલગ બીડિંગ કરી શકે તેમ હતાં. શરૂઆતી રાઉડમાં રિલાયન્સ કેપિટલે કંપની લેવલે ચાર બિડીંગ મેળવ્યાં હતાં. જેમાં સૌથી ઊંચું બીડ પિરામલ ગ્રૂપ અને કોસ્મિઆ ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સના કોન્સોર્ટિયમ તરફથી આવ્યું હતું. ડફ એન્ડ ફેલ્પ્સ એડવાઈઝર્સ અને આરબીએસએએ તૈયાર કરેલા વેલ્યૂએશન રિપોર્ટ્સમાં આર-કેપની લિક્વિડેશન વેલ્યૂ અનુક્રમે રૂ. 12500 કરોડ અને રૂ. 13200 કરોડ મૂકવામાં આવી હતી. આમ કંપનીએ મેળવેલા બીડ્સ કરતાં તેની લિક્વિડેશન વેલ્યૂ ઘણી ઊંચી હતી. ડફ એન્ડ ફેલ્પ્સના મતે રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સની લિક્વિડેશન વેલ્યૂ રૂ. 7000 કરોડ હતી. જ્યારે રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈનશ્યોરન્સની વેલ્યૂ રૂ. 4000 કરોડ હતી. રૂ. 21 હજાર કરોડના ટોરેન્ટ જૂથની આગેવાની 56-વર્ષીય સમીર મહેતા સંભાળી રહ્યાં છે. તેમની આગેવાનીમાં કંપનીએ ઘણા વ્યૂહાત્મક પગલાઓ હાથ ધર્યાં છે. જેમાં પાવર અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન જેવા નવા બિઝનેસમાં તેઓ પ્રવેશ્યાં છે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં ટોરેન્ટ જૂથ રૂ. 10000 કરોડના ઈન્વેસ્ટમેન્ટ સાથે દેશના 16 વિસ્તારોમાં નેટવર્ક ઊભું કરી રહ્યું છે.
હાલમાં આર-કેપ પાસે શું રહેલું છે?
• રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ
• સ્ટોકબ્રોકિંગ કંપની રિલાયન્સ સિક્યુરિટીઝ
• રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન પની
• રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સ
• રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્શ્યોરન્સમાં 51 ટકા હિસ્સો
• ઈન્ડિયન કોમોડિટી એક્સચેન્જમાં 20 ટકા હિસ્સો

રિલાયન્સ રિટેલ મેટ્રો કેશ એન્ડ કેરીને રૂ. 2850 કરોડમાં ખરીદશે
મેટ્રો ઈન્ડિયા દેશમાં 21 શહેરોમાં 31 લાર્જ ફોર્મેટ સ્ટોર્સ અને 3500 કર્મચારીઓ ધરાવે છે

રિલાયન્સ રિટેલે મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયાની રૂ. 2850 કરોડમાં ખરીદી માટે એગ્રીમેન્ટ સસાઈન કર્યાં છે. આ ખરીદી સંપૂર્ણપણે કેશમાં કરવામાં આવશે. આ એક્વિઝીશન મારફતે રિલાયન્સ રિટેલ મેટ્રો ઈન્ડિયા સ્ટોર્સના વિશાળ નેટવર્કને પ્રાપ્ત કરશે. મેટ્રો ઈન્ડિયા દેશમાં 21 શહેરોમાં 31 લાર્જ ફોર્મેટ સ્ટોર્સ ધરાવે છે. જે રજીસ્ટર્ડ કિરાણા સ્ટોર્સનો ઊંચા બેઝ સાથે અન્ય ઈન્સ્ટીટ્યુશ્નલ કસ્ટમર્સ, સપ્લાયર નેટવર્ક પણ ધરાવે છે એમ રિલાયન્સ રિટેલે જણાવ્યું છે. આ ટ્રાન્ઝેક્શન કેટલાંક રેગ્યુલેટરી અને અન્ય કસ્ટમરી ક્લોઝીંગ કંડીશન્સ આધારિત રહેશે. તેમજ માર્ચ 2023 સુધીમાં તે પૂરું થવાની અપેક્ષા રાખવામાં આવે છે.
રિલાયન્સે જણાવ્યું છે કે આ ખરીદીની સાથે દેશમાં તેની ફિઝીકલ સ્ટોર ફૂટપ્રિન્ટ મજબૂત બનશે. તેમજ કંપની દેશમાં તેના સપ્લાય ચેઈન નેટવર્ક્સ, ટેક્નોલોજી પ્લેટફોર્મ્સ અને સોર્સિંગ કેપેબિલિટીઝને એકત્રિત કરી ગ્રાહકોને તથા નાના વેપારીઓને વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકશે. બંને કંપનીઓની સંયુક્ત રિલેશનશીપ રિટેલ ઈકોસિસ્ટમના તમામ ભાગીદારો માટે ઊંચી વેલ્યૂ ઊભી કરશે એમ રિલાયન્સ રિટેલે નોંધ્યું છે. મેટ્રોએ 2003માં ભારતમાં તેની કામગીરીની શરૂઆત કરી હતી અને દેશમાં કેશ-એન્ડ-કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનાર તે પ્રથમ કંપની હતી. હાલમાં તે 21 શહેરોમાં હાજરી ધરાવે છે. જ્યારે 3500થી વધુ કર્મચારીઓ ધરાવે છે. મલ્ટી-ચેનલ બીટુબી કેશ એન્ડ કેરી હોલસેલર્સ દેશમાં 30 લાખથી વધુ બીટુબી કસ્ટમર્સ ધરાવે છે. જેમાંથી 10 લાખથી વધુ ગ્રાહકો તેના સ્ટોર નેટવર્ક અને ઈબીટુબી એપ મારફતે વારંવાર ખરીદી કરતાં રહે છે. નાણા વર્ષ 2021-22માં(સપ્ટેમ્બર 2022માં પૂરાં થતાં નાણાકિય વર્ષમાં) મેટ્રો ઈન્ડિયાએ રૂ. 7700 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જે ભારતમાં તેના માર્કેટ પ્રવેશ બાદનો શ્રેષ્ઠ દેખાવ હતો એમ રિલાયન્સ રિટેલે જણાવ્યું છે. રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઈશા અંબાણીના જણાવ્યા મુજબ મેટ્રો ઈન્ડિયાની ખરીદી અમારી નાના વેપારીઓ સાથે સક્રિય જોડાણ મારફતે સંયુક્ત સમૃદ્ધિ ઊભી કરવાની નવી કોમર્સ સ્ટ્રેટેજી સાથે જોડાયેલી છે. ભારતીય બીટુબી માર્કેટમાં મેટ્રો ઈન્ડિયા એ પ્રથમ અને ચાવીરૂપ ખેલાડી છે. જેણે મજબૂત મલ્ટી-ચેનલ પ્લેટફોર્મ સાથે મજબૂત કસ્ટમર એક્સપિરિયન્સ ઊભો કર્યો છે.

 

FPIની 2022માં ભારતીય બજારમાં વિક્રમી રૂ. 1.22 લાખ કરોડની વેચવાલી
ત્રણ કેલેન્ડર્સ બાદ તેઓ ચોખ્ખા વેચવાલ બન્યાં
વૈશ્વિક સ્તરે વધતાં ઈન્ટરેસ્ટ રેટ્સ, આર્થિક મંદીના ડર પાછળ વેચવાલી

વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ) તરફથી કેલેન્ડર 2022માં ભારતીય શેરબજારમાં રૂ. 1.22 લાખ કરોડની વિક્રમી વેચવાલી જોવા મળી હતી. ભારતીય બજારમાં તેમના તરફથી રોકાણની શરૂઆતથી અત્યાર સુધીમાં કેલેન્ડર દરમિયાન તેમણે રૂ. 1 લાખ કરોડથી ઊંચું વેચાણ પ્રથમવાર દર્શાવ્યું છે. તેઓ કેલેન્ડર 2018 બાદ પ્રથમવાર સ્થાનિક બજારમાં નેટ સેલર બની રહ્યાં છે. જો ઓગસ્ટ અને નવેમ્બરમાં તેમણે અનુક્રમે રૂ. 51 હજાર અને રૂ. 36 હજારનો નેટ ઈનફ્લોના દર્શાવ્યો હોત તો તેમનું કુલ વેચાણ રૂ. 2 લાખ કરોડની સપાટી પાર કરી ગયું હોત.
કેલેન્ડર 2020 અને 2021માં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ભારતીય બજારમાં ઊંચો ઈનફ્લો ઠાલવ્યો હતો. જોકે ઓક્ટોબર 2021થી તેઓ નેટ સેલર્સ બન્યાં હતાં અને જૂન 2022 સુધી તેઓ સતત વેચવાલી દર્શાવતાં રહ્યાં હતાં. ફેડ સહિતની અગ્રણી સેન્ટ્રલ બેંક્સ તરફથી ક્વોન્ટેટિટિવ ઈઝીંગ પરત ખેંચવા સાથે ઈન્ટરેસ્ટ રેટ્સમાં પણ શ્રેણીબધ્ધ વૃદ્ધિ પાછળ પ્રથમવાર સતત નવ મહિના સુધી એફપીઆઈ ચોખ્ખા વેચવાલ જોવા મળ્યાં હતાં. યુએસ ખાતે સીપીઆઈ ઈન્ફ્લેશન 40 વર્ષોની ટોચ પર પહોંચી જતાં ફેડે આક્રમક રેટ વૃદ્ધિ જાળવી હતી. જેને કારણે ડોલર મજબૂત થયો હતો અને બોન્ડ્સ યિલ્ડ્સ ઊંચા ગયા હતાં. આમ નોઁધપાત્ર ફ્લો ઈક્વિટીમાંથી ડેટમાં શિફ્ટ થયો હતો. ડોલરમાં મજબૂતીને કારણે પણ વિદેશી રોકાણકારો માટે ભારતીય બજારનું આકર્ષણ ઘટ્યું હતું. કેલેન્ડરમાં રૂપિયો ડોલર સામે 10 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે. 2022ની શરૂઆતમાં 1.5 ટકા પર જોવા મળી રહેલા યુએસ બોન્ડ યિલ્ડ 3.7 ટકા પર ટ્રેડ થઈ રહ્યાં છે. વર્ષ દરમિયાન તે 4 ટકા ઉપર પાંચ વર્ષોથી વધુની ટોચ પર જોવા મળ્યાં હતાં. રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે ક્રૂડ સહિતની કોમોડિટીઝના ભાવમાં મજબૂતી પાછળ એનર્જી કોસ્ટ ઉપરાંત સાર્વત્રિક ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ જોવા મળી હતી.
જોકે ભારતીય બજારમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સની ઊંચી વેચવાલી છતાં અત્યાર સુધીમાં સ્થાનિક બેન્ચમાર્ક્સ 4.8 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. ઘરેલુ રિટેલ ઈન્વેસ્ટર્સ અને સ્થાનિક સંસ્થાઓની સતત ખરીદી જળવાઈ રહેવાને કારણે એફઆઈઆઈની વેચવાલીને બજાર આસાનીથી પચાવી શક્યું છે એમ વર્તુળો જણાવે છે. જેને કારણે વૈશ્વિક હરિફોની સરખામણીમાં ભારતીય બજારે સતત ત્રીજા કેલેન્ડરમાં આઉટપર્ફોર્મન્સ જાળવ્યું છે.

 

2023માં ઈક્વિટી રોકાણકારોએ ઘણુ પેઈન જોવાનુ બનશેઃ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ
શેરબજારમાં રિકવરી આસાન નહિ હોય એમ જણાવતાં જેપી મોર્ગન અને મોર્ગન સ્ટેનલી
નવા કેલેન્ડરના પ્રથમ છ મહિનામાં બેન્ચમાર્ક્સ 2022ના તળિયા તરફ ગતિ જાળવશે

વૈશ્વિક નાણાકિય કટોકટી બાદના સૌથી ખરાબ વર્ષને વિદાય આપવા જઈ રહેલા ઈન્વેસ્ટર્સ માટે નવુ કેલેન્ડર 2023 પણ વસમું બની રહેવાની આગાહી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ તથા બ્રોકરેજ હાઉસિસ કરી રહ્યાં છે. તેમના મતે રોકાણકારોએ આગામી વર્ષે વધુ પેઈન માટે તૈયાર રહેવું પડશે. કેમકે શેરબજારો તેમના 2022ના તળિયા તરફ ગતિ દર્શાવે તેવી શક્યતાં છે.
મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સાચ ગ્રૂપના સ્ટ્રેટેજિસ્ટ્સે એક તીખાં મેસેજમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરે નબળા આર્થિક વૃદ્ધિ દર તથા ઊંચા ફુગાવા પાછળ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કોર્પોરેટ અર્નિંગ્સ નબળા જોવા મળશે. જેની પાછળ બજારો નવેસરથી ઘટાડો દર્શાવી શકે છે. તેમના મતે સેન્ટ્રલ બેંકર્સ પણ હોકિશ જળવાયેલા રહેશે. એકવાર ફેડરલ રિઝર્વ રેટ વૃદ્ધિ અટકાવશે એટલે બીજા અર્ધવાર્ષિક ગાળામાં બજારોમાં રિકવરી જોવા મળશે. જોકે આ એક પ્રકારનો સાધારણ સુધારો હશે. જેની પાછળ બજારો 2022ની આખરની સરખામણીમાં સહેજ ઊંચા જોવા મળી શકે છે. જેપી મોર્ગન ચેઝના એનાલિસ્ટ જણાવે છે કે 2022માં જોવા મળી રહેલાં જોખમો હજુ દૂર નથી થયાં. જે ભાવિને લઈને થોડી નર્વસનેસ ઊભી કરે છે. યુએસ, યુરોપ સ્થિત સ્ટ્રેટેજિસ્ટનો સર્વે પણ 2023માં માર્કેટમાં કોઈ નોંધપાત્ર સુધારાની શક્યતાં નથી દર્શાવી રહ્યો. મોનેટરી ટાઈટનીંગ ઉપરાંત યુક્રેન વોર જેવા પડકારો જ્યાંના ત્યાં જ છે. યુરોપ ખાતે એનર્જી કટોકટીમાંથી પણ કોઈ રાહત નથી મળી. યુએસ ખાતે ઓક્ટોબર અને નવેમ્બરમાં ફુગાવામાં અપેક્ષાથી સાધારણ ઘટાડો નોંધાયો હતો. જોકે તેને કારણે સેન્ટ્રલ બેંકર્સે રેટ વૃદ્ધિ અટકાવી નથી. ગયા સપ્તાહે ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બેંક, બંને તરફથી ટોન હોકિશ જળવાયો હતો. આમ તેમના વલણમાં નજીકમાં કોઈ ફેરફારની શક્યતાં નથી. યુએસ શેરબજારમાં સતત બે વર્ષો દરમિયાન ઘટાડો જોવા મળ્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે અને તેથી 2023માં તેઓ નેગેટિવ રિટર્નની શક્યતાં નથી જોઈ રહ્યાં, પરંતુ સાધારણ પોઝીટીવ રિટર્નની અપેક્ષા રાખે છે. 1929માં ગ્રેટ ડિપ્રેશનથી લઈ અત્યાર સુધીમાં યુએસ શેરબજારે માત્ર બે વાર જ સતત બે વર્ષ દરમિયાન નેગેટિવ રિટર્ન દર્શાવ્યું છે. એક વર્લ્ડ વોર-2 વખતે જ્યારે બીજું 1970ની ઓઈલ કટોકટી દરમિયાન.

પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સિઝ હવેની ફાઈનાન્સિયલ કટોકટી નોંતરશેઃ RBI ગવર્નર

પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સિઝ પર જો પ્રતિબંધ મૂકવામાં નહિ આવે તો તેઓ હવેની વૈશ્વિક ફાઈનાન્સિયલ કટોકટીનું કારણ બનશે એમ આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમારા મતે ક્રિપ્ટોઝ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કેમકે જો તમે આમ નહિ કરો અને તેને રેગ્યુલેટ કરવાના નામે તેને આગળ વધવા દેશો તો હવે પછીની નાણાકિટ કટોકટી પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સિઝ તરફથી જોવા મળશે.
ખાનગી સંચાલન ધરાવતી વર્ચ્યુલ કરન્સિઝને લઈને દાસે જણાવ્યું હતું કે આરબીઆઈ મજબૂતપણે માને છે કે ક્રિપ્ટોકરન્સિઝ પાસે કોઈપણ પ્રકારનું અન્ડરલાઈંગ નથી અને તે મેક્રોઈકોનોમિક અને ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી સામે મોટુ જોખમ ધરાવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સિઝ જેવું નામ આપી માત્રને માત્ર સટ્ટાકિય પ્રવૃત્તિ ચલાવવાની આ ફેશનેબલ રીત છે. છેલ્લાં એક વર્ષમાં એફટીએક્સ એક્સચેન્જના પતન સહિત ક્રિપ્ટોકરન્સિ સેકટરમાં જોવા મળેલી ઘટનાઓને જોતાં આરબીઆઈને તેના વલણને યોગ્ય ઠરાવવા માટે વધુ કોઈ પ્રમાણની જરૂર રહેતી નથી. સમયે બતાવી દીધું છે કે ક્રિપ્ટોકરન્સિનું સાચું મૂલ્ય શું છે.

રિલાયન્સ ઈન્ફ્રાટેલની ખરીદી માટે જીઓએ SBI એસ્ક્રોમાં રૂ. 3720 કરોડ જમાં કર્યાં
રિલાયન્સ જીઓની સબસિડિયરી કંપની રિલાયન્સ પ્રોજેક્ટ્સ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિઝે રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સબસિડિયરી રિલાયન્સ ઈન્ફ્રાટેલની મોબાઈલ ટાવર અને ફાઈબર એસેટ્સની ખરીદી માટે એસબીઆઈ એસ્ક્રો એકાઉન્ટમાં રૂ. 3720 કરોડ જમા કરાવ્યાં છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ નવેમ્બરમાં રિલાયન્સ જીઓના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. વર્તુળોના જણાવ્યા મુજબ જીઓએ એસબીઆઈ એસ્ક્રો એકાઉન્ટમાં રૂ. 3720 કરોડ જમા કરાવ્યાં બાદ રિલાયન્સ ઈન્ફ્રાટેલની ખરીદી પૂર્ણ થઈ છે. રિલાયન્સ કોમ્યુનિકેશનની કમિટિ ઓફ ક્રેડિટર્સે 4 માર્ચ 2020ના રોજ જીઓના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. જોકે તેમની વચ્ચે વિવાદને કારણે ટ્રાન્ઝેક્શન શક્ય બન્યું નહોતું. જેને જોતાં જીઓએ નવેમ્બરમાં એનસીએલટીને એક એસ્ક્રો એકાઉન્ટ મારફતે એસેટ્સની ખરીદી માટે છૂટ આપવા જણાવ્યું હતું. રિલાયન્સ ઈન્ફ્રાટેલ દેશમાં 1.78 લાખ રૂટ કિલોમીટર્સની ફાઈબર એસેટ્સ તથા 43540 મોબાઈલ ટાવર્સ ધરાવે છે.

ચીનથી સ્ટેનલેસ સ્ટીલ ટ્યૂબની આયાત પર એન્ટી-ડમ્પીંગ ડ્યુટી લાગુ
નાણામંત્રાલયે ચીનથી આયાત થતી સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ ટ્યુબ્સ અને પાઈપ્સ પર ડેફિનેટિવ એન્ટી-ડમ્પીંગ ડ્યટી લાગુ પાડી છે. જે પાંચ વર્ષ માટે માન્ય રહેશે. સરકારે પ્રોડ્યૂસર પર આધારિત એવી આ ડ્યુટી પ્રતિ ટન 114 ડોલરથી લઈ 3801 ડોલરની રેંજમાં લાગુ પાડી છે. સપ્ટેમ્બરમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝે ચીનથી આયાત થતી સ્ટેનલેસ સ્ટીલ સીમસેલ ટ્યુબ્સ અને પાઈપ્સ પર એન્ટી-ડમ્પીંગ ડ્યુટી લાગુ પાડવા માટે કરેલી ભલામણને આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. સ્થાનિક ઉત્પાદકોએ ચીનથી આયાત થતા માલ પર એન્ટી-ડમ્પીંગ માટે તપાસ હાથ ધરવા જણાવ્યું હતું. જેને આધારે ડીજીએફટીએ આમ કર્યું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

તાતા મોટર્સઃ પેસેન્જર વેહીકલ્સ ઉત્પાદકે જણાવ્યું છે કે પૂરા થવા જઈ રહેલા કેલેન્ડર 2022માં તેમનું પીવી સેલ્સ 5 લાખ યુનિટ્સનો આઁક પાર કરી જશે. કંપનીએ ડિસેમ્બર 2021 અને મે 2022માં માસિક વેચાણની બાબતમાં બીજો ક્રમ દર્શાવ્યો હતો. કંપની આગામી પાંચ વર્ષોમાં 10 નવા ઈવી લોંચ કરશે.
તાતા કોમ્યુનિકેશન્સઃ કંપની ન્યૂ યોર્ક સ્થિત એન્ડ-ટુ-એન્ડ લાઈવ વિડિયો પ્રોડક્શન કંપની સ્વિચ એન્ટરપ્રાઈઝિસની ઓલ-કેશ ડિલમાં રૂ. 486 કરોડના ખરીદી કરશે. આ ડિલ બાદ તાતા કોમ્યુનિકેશન્સ સ્વિચના કસ્ટમર્સને સપોર્ટ પૂરો પાડશે. તાતા કોમ્યુનિકેશન્સ 190 દેશોમાં તેની પહોંચ ધરાવે છે.
એસબીઆઈઃ દેશમાં સૌથી મોટો લેન્ડર હવે રશિયા સાથે રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટની સુવિધા પૂરી પાડશે. આરબીઆઈએ રશિયન બેંક ઝેનિટ પીજેએસસીને એસબીઆઈ સાથે સ્પેશ્યલ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવા માટેની મંજૂરી આપતાં બેંક આમ કરશે. અત્યાર સુધીમાં આરબીઆઈએ કુલ નવ ભારતીય બેંક્સને 17 સ્પેશ્યલ વોસ્ત્રો રૂપી એકાઉન્ટ્સ ખોલવા માટેની મંજૂરી આપી છે. જેમાં પીએસયૂ બેંક્સ ઉપરાંત એચડીએફસી અને યસ બેંક જેવા પ્રાઈવેટ બેંકર્સનો સમાવેશ પણ થાય છે.
આઈડીએફસી ફર્સ્ટ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર લેન્ડર વાયા ફિનસર્વના રૂ. 1000 કરોડના સમગ્ર માઈક્રોફાઈનાન્સ લોન પોર્ટફોલિયોની ખરીદી માટેનું ડીલ સાઈન કરવા જઈ રહી છે. આ પોર્ટફોલિયોની ખરીદી બેંકની પ્રાયોરિટી સેક્ટર લોન જરૂરિયાતને પૂરી કરવા માટી કરવામાં આવી રહી છે. વાયા ફિનસર્વ 2018થી ઈક્વિટી ફંડીંગ માટે ઈન્વેસ્ટર શોધી રહી હતી.
મારુતિ સુઝુકીઃ ટોચની કાર ઉત્પાદકે વૈશ્વિક બજારોમાં વર્ષે 20000 યુનિટ્સ કાર્સ નિકાસ માટે કામરાઝાર પોર્ટ સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યાં છે. આ પોર્ટનો ઉપયોગ આફ્રિકા, મધ્ય-પૂર્વ, લેટિન અમેરિકા, આસિયાન, ઓસેનિયા અને સાર્ક દેશોમાં મારુતિની કાર્સના નિકાસ માટે કરવામાં આવશે. મુંબઈ, મુંદ્રા અને પીપાવાવ પછી કામરાઝાર દેશમાં ચોથા ક્રમનું પોર્ટ છે.
જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા ગ્રીડ ટ્રસ્ટ અને જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સે રૂ. 5000 કરોડના મૂલ્યના આઈડેન્ટિફાઈડ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સની ખરીદી માટે બીડ કરવા હાથ મિલાવ્યાં છે.
બંધન બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે રૂ. 8897 કરોડના આઉટસ્ટેન્ડિંગ પોર્ટફોલિયો સાથે રૂ. 801 કરોડના રિટન-ઓફ(માંડવાળ) કરવા માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની તરફથી બાઈન્ડિંગ બીડ મેળવ્યું છે.
ડીલીંકઃ જાણીતા રોકાણકાર આશિષ કચોલિયાએ કંપનીના 2.13 લાખ શેર્સનું વેચાણ કર્યું છે. જે કુલ ઈક્વિટીના 0.6 ટકા જેટલો હિસ્સો છે.
કલ્પતરુ પાવરઃ એનસીએલટીએ ઈન્ફ્રા કંપની જેએમસી પ્રોજેક્ટ્સના કલ્પતરૂ પાવરમાં મર્જરને મંજૂરી આપી છે.
ડાબરઃ એફએમસીજી કંપનીના પ્રમોટર બર્મન પરિવારે કંપનીના એક ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. બ્લોક ડીલ મારફતે થયેલા સોદાનો મુખ્ય હેતુ ફંડ ઊભું કરવાનો હતો. બર્મન પરિવારના અંગત વેન્ચર્સને ફાઈનાન્સ માટે આ હિસ્સો તેમણે વેચ્યો હતો.
સલાસાર ટેકઃ કંપનીએ જણાવ્યું છે કે તેણે પશ્ચિમાંચલ વિદ્યુત વિતરણ નિગમ તરફથી રૂ. 750 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage