બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં સાત સપ્તાહની સતત તેજી પર વિરામ
બેન્ચમાર્ક સાપ્તાહિક ધોરણે નેગેટિવ બંધ રહ્યો
જોકે નિફ્ટીએ 21300ની સપાટી પરત મેળવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.5 ટકા ગગડી 13.70ના સ્તરે બંધ
આઈટી, મેટલ, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી
બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં નરમાઈ
પિરામલ ફાર્મા, જેબી કેમ, ગેઈલ, કેસ્ટ્રોલ નવી ટોચે
બ્રોડ માર્કેટમાં મજબૂત ખરીદી
ભારતીય બજારમાં સતત સાત સપ્તાહથી જોવા મળતી તેજી પર વિરામ મૂકાયો હતો. શુક્રવારે બજાર મજબૂતી સાથે બંધ રહ્યું હતું પરંતુ સાપ્તાહિક ધોરણે સાધારણ ઘટાડો સૂચવતું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ શુક્રવારે 242 પોઈન્ટ્સના સુધારે 71707ની સપાટીએ જ્યારે નિફ્ટી 94 પોઈન્ટ્સના વધારે 21349ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી વચ્ચે બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3883 કાઉન્ટર્સમાં ટ્રેડિંગ વચ્ચે 2436 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1313 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 241 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક કે સર્વોચ્ચ બંધ આપ્યું હતું. જ્યારે 14 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.5 ટકા નરમાઈ સાથે 13.70ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે એશિયન બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, ત્યારપછી સમગ્ર સત્ર દરમિયાન તે બે બાજુની તીવ્ર વધ-ઘટ સૂચવી રહ્યો હતો. જોકે, તેણે ઈન્ટ્રા-ડે કરેક્શન જાળવી બંધ પોઝીટીવ દર્શાવ્યું હતું. ઈન્ટ્રા-ડે નિફ્ટીએ 21391ની ટોચ દર્શાવી હતી. જ્યારે બંધ 21300 પર જાળવ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 36 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21385 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 121 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 85 પોઈન્ટ્સનો તીવ્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ એવો થાય છે કે બજારમાં લોંગ પોઝીશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જે સાવચેતીનો સંકેત છે. જોકે, વોલેટિલિટી ઈન્ડેક્સમાં સ્થિરતાને જોતાં આગામી સત્રોમાં કોઈ ખાસ વધ-ઘટની શક્યતાં નથી અને તેથી સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળી શકે છે. ટ્રેડર્સ 21 હજારના સ્ટોપલોસ સાથે લોંગ જાળવી શકે છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ આપનારા ઘટકમાં વિપ્રો ટોચ પર હતો. તે 7 ટકા ઉછળા સાથે વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત એચસીએલ ટેક્નોલોજી, હિંદાલ્કો, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, ડિવિઝ લેબ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, તાતા કન્ઝ્યૂમર, ડો. રેડ્ડીઝ લેબ્સમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ગ્રાસિમ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, બીપીસીએલ, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, મેટલ, ઓટો, રિઅલ્ટીમાં ખરીદી પાછળ મજબૂતી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.3 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટી નજીક સરક્યો હતો. જેના ઘટકોમાં આજે વિપ્રોએ સરપ્રાઈઝ આપી હતી અને શેર 7 ટકા ઉછળી વાર્ષિક ટોચ પર બેઠો હતો. જોકે, મોટાભાગના રોકાણકારો વિપ્રોથી વિમુખ બન્યાં હતાં. જેનું મુખ્ય કારણ તેનું બે વર્ષોનું અન્ડરપર્ફોર્મન્સ હતું. અન્ય આઈટી કાઉન્ટર્સમાં પર્સિસ્ટન્ટ, એમ્ફેસિસ, એચસીએલ ટેક્નોલોજી, કોફોર્જ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેક્નોલોજી અને ટીસીએસમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 1.7 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, સેઈલ, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, મોઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંત નોંધપાત્ર મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 2.6 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ફિનિક્સ મિલ્સ, સોભા, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટીમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.4 ટકા સુધર્યો હતો. જેના ઘટકોમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, એમઆરએફ, અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, સોના બીએલડબલ્યુ, મધરસન સુમીમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, સન ફાર્મા, લ્યુપિન, બાયોકોન મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, નિફ્ટી બેંક પોણો ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં બંધન બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ, પીએનબી, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડામાં નરમાઈ જોવા મળતી હતી. પીએસયૂ બેંક્સમાં પણ ઘટાડો નોંધાયો હતો. જેની પાછળ નિફ્ટી પીએસયૂ બેંક 0.7 ટકા નીચો બંધ દર્શાવતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ગેઈલ 8 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત, વિપ્રો, સન ટીવી નેટવર્ક, લૌરસ લેબ્સ, ચંબલ ફર્ટિલાઈઝર, નાલ્કો, દિપક નાઈટ્રેટ, હિંદુસ્તાન કોપર, મણ્ણાપુરમ ફાઈ., પિરામલ એન્ટર, પર્સિસ્ટન્ટ, આઈઈએક્સ, ક્યુમિન્સ, એમ્ફેસિસ, સેઈલ, ડીએલએફ, સિન્જિન ઈન્ટરનેશનલ, જિંદાલ સ્ટીલમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, પોલિકેબ 5 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત ઓરોબિંદો ફાર્મા, પીવીઆર આઈનોક્સ, દાલમિયા ભારત, ગ્રાસિમ, સિટી યુનિયન બેંક, એચપીસીએલ, એમસીએક્સ ઈન્ડિયા, બંધન બેંક, જેકે સિમેન્ટ, કેનેરા બેંક, આરઈસી, ભેલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં પિરામલ ફાર્મા, જેબી કેમ, ગેઈલ, કેસ્ટ્રોલ, વિપ્રો, એનએલસી ઈન્ડિયા, એચએફસીએલ, સુવેન ફાર્મા, ગુજરાત ફ્લોરો, સન ટીવી નેટવર્ક, લૌરસ લેબ્સ, હિંદ કોપરનો સમાવેશ થતો હતો.
ડોલર ઈન્ડેક્સ છ મહિનાના તળિયે પટકાયો, સોનું-ચાંદી ઉછળ્યાં
અગાઉ 28 જુલાઈનું લો તોડી ડોલર ઈન્ડેક્સ 101.50ની સપાટીએ ટ્રેડ થયો
કોમેક્સ સ્પોટ ગોલ્ડ 14 ડોલર ઉછળી 2059 ડોલર પર જોવા મળ્યું
કોમેક્સ સિલ્વર ફરી 25 ડોલર નજીક પહોંચી
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં વેચવાલીનું દબાણ જળવાયું છે. જીઓ-પોલિટીકલ જોખમો વધવા છતાં ડોલરમાં નરમાઈ સૂચવે છે કે તે આગળ વધુ ઘટાડો દર્શાવી શકે છે. શુક્રવારે ડોલર ઈન્ડેક્સ 101.50ની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. જે 28 જુલાઈ, 2023 પછીની તેની નવી લો હતી. અગાઉ તેણે 14 જુલાઈએ 99.57ની નીચી સપાટી દર્શાવી હતી. જે હવે તેના માટે નજીકનો સપોર્ટ બની શકે છે. જો આ સપાટી તૂટશે તો ડોલરમાં વધુ નરમાઈની શક્યતાં છે. ડોલરમાં નરમાઈ પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી હતી. કોમેક્સ સ્પોટ ગોલ્ડ 14 ડોલર ઉછળી 2059 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે કોમેક્સ ગોલ્ડ વાયદો 20 ડોલર ઉછળી 2071 ડોલર પર બોલાતો હતો. છેલ્લાં બે સત્રોથી ડોલરમાં નરમાઈ પાછળ ગોલ્ડમાં તેજી જોવા મળી રહી છે. જે આગામી સપ્તાહે જળવાય રહેવાની શક્યતાં એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. તેમના મતે રેડ સીમાં હૂથી ત્રાસવાદીઓ અને યુએસના નેતૃત્વમાં જોવા મળી રહેલા ઘર્ષણને જોતાં સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. જેને કારણે ફુગાવાનું દબાણ ફરી વધી શકે છે.
એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 560ની મજબૂતી સાથે રૂ. 63070ની સપાટીએ ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 400ના સુધારે રૂ. 75900 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો વૈશ્વિક બજારમાં ગોલ્ડ 2100 ડોલરની સપાટી પાર કરશે તો સ્થાનિકમાં રૂ. 64000 હજારની સપાટી ફરી જોવા મળી શકે છે. જ્યારે ચાંદીમાં રૂ. 78 હજાર સુધીની તેજી સંભવ છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ડ ક્રૂડ ઓઈલ વાયદો બે સત્રો દરમિયાન 80 ડોલર પર ટ્રેડ થયાં પછી ફરી તેની નીચે જાય તેવી શક્યતાં છે. શુક્રવારે તે પોઝીટીવ ટેરિટરીમાં 80 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. વૈશ્વિક ડોલરમાં નરમાઈ પાછળ રૂપિયામાં આગામી સપ્તાહે મજબૂતી જોવા મળી શકે છે. જે ભારતીય અર્થતંત્ર માટે પોઝીટીવ પરિબળ બની રહેશે. અગાઉ રૂપિયો 83.45ની તેની સર્વોચ્ચ લો બનાવી પરત ફર્યો છે. જે નવા સપ્તાહે 83ની અંદર બંધ આપે તેવી શક્યતાં છે.
યુએસ ડોલરમાં નરમાઈ વચ્ચે ટ્રેઝરી યિલ્ડ પણ વધુ ઘટાડો સૂચવતાં હતાં. 10-વર્ષ માટેના બેન્ચમાર્ક યિલ્ડ શુક્રવારે 0.9 ટકા ગગડી 3.85 ટકા પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. ડોલર ઈન્ડેક્સ 100નું લેવલ તોડશે તો યિલ્ડ 3.5 ટકા સુધીનું પેનિક દર્શાવી શકે છે. જેનો અર્થ એવો થશે કે ફેડ રિઝર્વ માર્ચ મહિનામાં રેટ ઘટાડો કરવા મજબૂર બની શકે છે.
ડોલર સામે રૂપિયો 12 પૈસા સુધરી 83.15ની સપાટીએ બંધ
વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ વચ્ચે રૂપિયો શુક્રવારે 12 પૈસા મજબૂતી દર્શાવતો હતો. ઈક્વિટી માર્કેટમાં પોઝીટીવ અન્ડરટોનને કારણે પણ રૂપિયા પર પોઝીટીવ અસર જોવા મળી હતી. જેને કારણે રૂપિયો 12 પૈસા સુધરી 83.15ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્થાનિક ચલણે 83.25ની સપાટીએ ખૂલી નબળી કામગીરી દર્શાવી હતી. જ્યારે દિવસ દરમિયાન તે 83.11થી 83.27ની રેંજમાં અથડાતો રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ છેલ્લાં ત્રણ સત્રોમાં 104 પરથી તૂટી 101.50 પર જોવા મળતાં ઈમર્જિંગ માર્કેટ ચલણો સહિત અન્ય એસેટ ક્લાસિસમાં મજબૂતી જોવા મળી છે. નજીકના સમયગાળામાં રૂપિયો 82.90-83ની રેંજ દર્શાવે તેવી શક્યતાં છે.
માર્કેટમાં કડાકા પછી પણ PSU કાઉન્ટર્સનું આકર્ષણ યથાવત
બુધવારે બજારમાં વેચવાલીના બે સત્રમાં પીએસયૂ કાઉન્ટર્સમાં 20 ટકા સુધીની વૃદ્ધિ
ગેસ ઈન્ફ્રા કંપની ગેઈલનો શેર શુક્રવારે સર્વોચ્ચ સપાટી સાથે રૂ. 1 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કરી ગયો
બુધવારે શેરબજારમાં જોવા મળેલા ઊંચા પ્રોફિટ બુકિંગ પછી પણ રોકાણકારોમાં જાહેર સાહસોનું આકર્ષણ અકબંધ જોવા મળે છે. સપ્તાહના આખરી બે સત્રોમાં બેન્ચમાર્કમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે પીએસયૂ કાઉન્ટર્સમાં ખરીદી જળવાય હતી અને તેમણે ઊંચું રિટર્ન દર્શાવવા સાથે અન્ય સેક્ટર્સની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. લાર્જ-કેપ પીએસયૂ કાઉન્ટર્સથી લઈ સ્મોલ-કેપ પીએસયૂ કાઉન્ટર્સમાં સાર્વત્રિક પોઝીટીવ અન્ડરટોન જોવા મળ્યો હતો અને તેમણે બે સત્રોમાં 20 ટકા સુધીનું રિટર્ન દર્શાવ્યું હતું. જેમાં બાલમેર લોરી ટોચ પર જોવા મળતો હતો.
લાર્જ-કેપ પીએસયૂની વાત કરીએ તો આખરી બે સત્રોમાં ગેઈલનો શેર 10 ટકા ઉછળ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર રૂ. 151.35ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જે સાથે તેનું માર્કેટ-કેપ પણ રૂ. 1 લાખ કરોડનું સીમાચિહ્ન પાર કરી ગયું હતું. શુક્રવારે તે 7.6 ટકાનો ઉછાળો સૂચવતો હતો. જ્યારે બંધ ભાવે માર્કેટ-કેપ રૂ. 99,600 કરોડ થતું હતું. સ્ટીલ ઉત્પાદક સેઈલનો શેર બે સત્રોમાં 8.5 ટકા ઉછળી રૂ. 112.50ની વર્ષની ટોચે બંધ રહ્યો હતો. આ ઉપરાંત મજબૂત સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં એનએચપીસી(6.8 ટકા), એનએમડીસી(6.3 ટકા), આઈઆરસીટીસી(5.4 ટકા), બીઈએલ(4.4 ટકા), એલઆઈસી(4.4 ટકા), ભેલ(3.7 ટકા), ઓઈલ ઈન્ડિયા(3.4 ટકા)નો સમાવેશ થતો હતો.
માર્કેટ એનાલિસ્ટ્સ હજુ પણ પીએસયૂ શેર્સનું આકર્ષણ જળવાય રહે તેમ જણાવે છે. તેમના મતે આગામી ચૂંટણી સુધી પીએસયૂ શેર્સમાં વધ-ઘટે તેજી જોવા મળશે. જેનું મુખ્ય કારણ કેન્દ્રમાં એનડીએ સરકાર જળવાય રહેવાની મજબૂત શક્યતાં છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં પીએસયૂ કંપનીઓની કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. કંપનીઓ ઊંચા મૂડી ખર્ચ કરીને નવી ક્ષમતા ઊભી કરી રહી છે. જે તેમના બિઝનેસને લઈ તેમનો વિશ્વાસ દર્શાવે છે. ઉપરાંત, સરકાર તરફથી કંપનીઓમાં બહુમતી હિસ્સો જાળવી રાખવામાં આવ્યો છે. જે કંપનીઓમાં સરકારનો વધતો રસ સૂચવે છે એમ તેઓનું માનવું છે.
છેલ્લાં બે સત્રમાં પીએસયૂ શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ 20 ડિસે.નો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
ગેઈલ 137.75 151.35 9.87
સેઈલ 103.70 112.50 8.49
NHPC 60.35 64.45 6.79
NMDC 183.40 194.85 6.24
IRCTC 815.15 858.60 5.33
BEL 167.25 174.55 4.36
LIC 761.25 792.20 4.07
ભેલ 172.00 178.30 3.66
OIL 360.60 372.95 3.42
IOC 120.05 123.60 2.96
કોલ ઈન્ડિયા 352.15 362.50 2.94
2024માં ભારતની ડેટા સેન્ટર ક્ષમતા એક GWને પાર કરશે
કુશમેન એન્ડ વેકફિલ્ડના રિપોર્ટ મુજબ નોઈડા મહત્વના હબ તરીકે ઊભરશે
5જી રોલઆઉટને જોતાં નવા ઓપરેટર્સ ભારતમાં તેમની કેપ્ટિવ ક્ષમતા વિસ્તારી રહ્યાં છે
મુંબઈ ભારતના ડેટા સેન્ટર કેપિટલ તરીકે જળવાયેલું રહેવાની અપેક્ષા છે અને નોઈડા સ્થાપિત કોલોકેશન કેપેસિટી(આઈટી લોડ)ના સંદર્ભમાં ચાવીરૂપ પ્રાદેશિક કેન્દ્ર તરીકે ઊભરે તેવી શક્યતાં હોવાનું કુશમેન એન્ડ વેકફિલ્ડનો ડેટા સેન્ટર્સ અંગેનો રિપોર્ટ જણાવે છે.
હાલમાં દેશમાં મુંબઈ સૌથી મોટું સ્થાનિક ડેટા સેન્ટર છે. તે દેશભરનો 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. બીજી બાજુ દિલ્હી એનસીઆરમાં નોઈડા ખાતે કેટલીક ગ્રીનફિલ્ડ સુવિધાઓ 2024માં કામ કરતી થાય તેવી અપેક્ષા છે. જે બેંગલૂરુને પાછળ રાખી દેશે અને ચેન્નાઈના લેવલ નજીક પહોંચશે. હાલમાં ચેન્નાઈ મુંબઈ પછી ડેટા સેન્ટરમાં બાબતમાં બીજા ક્રમે સ્થાપિત આઈટી લોડ ક્ષમતા ધરાવે છે એમ રિપોર્ટનું કહેવું છે.
ચાલુ વર્ષે શરૂઆતમાં એપીએસી પ્રદેશમાં મુંબઈ ત્રીજા ક્રમે આવતું હતું એમ કૂશમેન એન્ડ વેકફિલ્ડનો 2023 ગ્લોબલ ડેટા સેન્ટર માર્કેટ કમ્પેરિઝન રિપોર્ટ સૂચવે છે. ડેટા સેન્ટર આઉટલૂક રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2023માં ટોચના તમામ સાત શહેરોમાં કુલ આઈટી લોડ ક્ષમતા 884 મેગાવોટ હતી. જે 2022ની આખરમાં જોવા મળતાં 656 મેગાવોટમાં વાર્ષિક 35 ટકા વૃદ્ધિ સૂચવે છે. રિપોર્ટમાં નોંધ્યા મુજબ 2023ની આખર સુધીમાં લગભગ 230 મેગાવોટ ઈન્ક્રિમેન્ટલ કોલોકેશન કેપેસિટી ઉમેરાવાની શક્યતાં છે. રિપોર્ટ મુજબ 2024માં પણ ગ્રોથ સ્ટોરી જળવાશે અને દેશભરમાં આઈટી લોડ 1 ગીગાવોટનું સીમાચિહ્ન પાર કરી જશે. જે 2020થી અત્યાર સુધીમાં 2.5 ગણો ઉછાળો હશે. 2024માં કોલોકેશન ક્ષમતા ઉમેરો 265 મેગાવોટ પર 2023 કરતાં પણ ઊંચો જોળા મળશે. જે સાથે 2024ની આખર સુધીમાં દેશમાં કુલ સ્થાપિત આઈટી લોડ ક્ષમતા 1.15 ગીગાવોટ હશે. મુંબઈ અને ચેન્નાઈ નવા ક્ષમતા ઉમેરાની આગેવાની જાળવી રાખશે. જ્યારે નોઈડા મહત્વના પ્રાદેશિક હબ તરીકે ઊભરશે એમ રિપોર્ટ નોંધે છે.
રિપોર્ટ મુજબ મુંબઈ દેશમાં કુલ આઈટી લોડનો 52 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારપછીના ક્રમે ચેન્નાઈ 16 ટકા, દિલ્હી એનસીઆર(11 ટકા), બેંગલૂરૂ(9 ટકા), પૂણે(7 ટકા), હૈદરાબાદ(4 ટકા) અને કોલકોતા(1 ટકા) લોડ ધરાવે છે. 2024માં દિલ્હી એનસીઆરનો હિસ્સો કુલ આઈટી લોડમાં વધી 14 ટકા પર પહોંચશે. જ્યારે કોલકોતાનો હિસ્સો 3 ટકા પર પહોંચશે. 2023માં ડિજિટલ એજ અને બ્લેકસ્ટોક સમર્થિત લ્યુમિના ક્લાઉડ ઈન્ફ્રાએ મુંબઈ ખાતે તેમના પ્રથમ ડેટા સેન્ટર્સ પર કામકાજ ચાલુ કર્યું હતું. લ્યુમિના ક્લાઉડ ઈન્ફ્રા, ડિજિટલ એજ અને કોટક ડેટા સેટર ફંડે ચાલુ વર્ષે ડેટા સેન્ટરમાં 47 કરોડ ડોલરનું રોકાણ કર્યું હોવાનું રિપોર્ટ ઉમેરે છે.
જ્વેલરી રિટેલ ટ્રેડ 10-12 ટકા વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ
ઓર્ગેનાઈઝ્ડ રિટેલર્સ ઉદ્યોગની સરખામણીમાં ચઢિયાતો દેખાવ દર્શાવશે
સ્થાનિક જ્વેલરી રિટેલ ઉદ્યોગ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન મૂલ્ય સંદર્ભમાં 10-12 ટકા વૃદ્ધિ દર હાંસલ કરે તેવો અંદાજ છે. સોનાના ઊંચા ભાવોને જોતાં ઉદ્યોગ ક્ષેત્રે વૃદ્ધિ દર ઊંચો જોવા મળશે એમ રેટિંગ એજન્સી ઈકરાનો રિપોર્ટ સૂચવે છે. નાણા વર્ષ 2022-23માં જ્વેલરી ઉદ્યોગે 15 ટકાથી ઊંચો વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. કેમકે ગોલ્ડના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી.
રિપોર્ટ જણાવે છે કે ગોલ્ડના ભાવ ઊંચા જળવાયા હોવા છતાં વર્તમાન તહેવારોની સિઝનમાં જ્વેલરીની માગ ઊંચી જળવાય હતી. રિસર્ચ ફર્મના જણાવ્યા મુજબ ઓર્ગેનાઈઝ્ડ જ્વેલરી રિટેલર્સ સમગ્ર ઉદ્યોગની સરખામણીમાં ઊંચો દેખાવ દર્શાવે તેવી અપેક્ષા છે. જેની પાછળ તેમના તરફથી વિસ્તરણ તથા વેપારના વધી રહેલા ઔપચારિકીકરણનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2022થી એપ્રિલ 2023 સુધીમાં વોલેટાઈલ રહ્યાં પછી ચાલુ નાણા વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન ગોલ્ડના ભાવ રૂ. 5600-5700ની રેંજમાં ટ્રેડ થતાં રહ્યાં હતાં. જે અગાઉના છ મહિનાની સરખામણીમાં લગભગ 14 ટકા જેટલા ઊંચા હતા. રેટિંગ કંપનીના જણાવ્યા મુજબ સોનાના ઊઁચા ભાવોએ મોટાભાગના જ્વેલરી રિટેલર્સની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે ગયા વર્ષના ઊંચા બેઝ પાછળ વોલ્યુમ ગ્રોથ મંદ રહ્યો હતો. તેમજ ફુગાવો પણ ઊંચો હોવાના કારણે જ્વેલરી ખરીદી પર અસર પડી હતી. ઈકરાના રિપોર્ટમાં નોંધ્યું છે કે નાણા વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં જ્વેલરી ઉદ્યોગનો વૃદ્ધિ દર 6-8 ટકાની રેંજમાં જોવા મળશે.
અદાણી ગ્રીન એનર્જી ડેટ મારફતે 2 અબજ ડોલર ઊભા કરશે
કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટ, ઓફશોર બેંક લોન્સ જેવા ઈન્સ્ટ્રુમેન્ટ્સ માટે વિચારી રહી છે
બિલિયોનર ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળની રિન્યૂએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી આગામી વર્ષે ડેટ મારફતે નવેસરથી 2 અબજ ડોલરનું ફંડ ઊભું કરવા વિચારી રહી છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. તાજેતરમાં જૂથને લઈને રોકાણકારમાં નવેસરથી જોવા મળી રહેલા વિશ્વાસને જોતાં કંપની ડોલર તેમજ રૂપી ડિનોમિનેટેડ બોન્ડ્સ તથા અન્ય ઈન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે આ નાણા ઊભાં કરશે.
અમદાવાદ મુખ્યાલય ધરાવતી અદાણી ગ્રીન એનર્જી તેના મહત્વાકાંક્ષી વિસ્તરણ માટે આ નાણા ઊભા કરશે. જે માટે તે ભિન્ન ઈન્સ્ટુમેન્ટ્સના વિકલ્પો ચકાસી લહી છે. જેમાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ, ઓફશોર બેંક લોન્સ જેવા ઈન્સ્ટ્રુમેન્ટ્સનો સમાવેશ થાય છે. કંપની વૈશ્વિક ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ સાથે આ અંગે મંત્રણા પણ કરી રહી છે. ફંડ રેઈઝીંગની શરૂઆત જોકે, 2024ની શરૂઆતથી ચાલુ થશે એમ તેઓ જણાવે છે. અદાણી જૂથના પ્રતિનિધિએ જોકે આ અંકે તત્કાળ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. જાણકારોના મતે હાલમાં હાલમાં કેટલું ભંડોળ ઊભું કરવું તેને લઈને પણ વિચારણા ચાલી રહી છે. જે અંગે આગામી સમયગાળમાં જાણકારી પ્રાપ્ય બનશે. કંપની 2030 સુધીમાં 45 ગીગાવોટ્સની ક્લિન એનર્જી ક્ષમતાનો ટાર્ગેટ ધરાવે છે. તે આગામી 26 ડિસેમ્બરે મળનારી બોર્ડ મિટિંગમાં આ અંગે વિચારણા હાથ ધરશે. અગાઉ એક મિડિયા રિપોર્ટમાં કંપની એક અબજ ડોલરની ઈક્વિટી ઉમેરે તેમ જણાવાયું હતું. જે કંપનીને તેના ક્રેડિટ મેટ્રિક્સમાં કોઈપણ ખરાબી વિના ડેટ ઊભું કરવાની મોકળાશ કરી આપશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઝોમેટોઃ ફૂડ ડિલિવરી કંપનીએ 2 અબજ ડોલરમાં શીપરોકેટની ખરીદીના અહેવાલોનો ઈન્કાર કર્યો છે. અગાઉ ટોચના માધ્યમે જણાવ્યું હતું કે ઝોમેટોએ અન્ય ડિલિવરી પ્લેટફોર્મ શીપરોકેટને બે અબજ ડોલરમાં ખરીદવાની ઓફર કરી છે. રેગ્યુલેટરી ફાઈલીંગમાં કંપનીએ આ અહેવાલોને ખોટાં ગણાવ્યાં હતાં. ઝોમેટોએ 2021માં શીપરોકેટમાં હિસ્સો ખરીદ્યો હતો.
ભારત ઈલેક્ટ્રોનિક્સઃ સરકારી સાહસે બે કંપનીઓ પાસેથી રૂ. 2673 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. તેને ગોઆ શીપયાર્ડ અને ગાર્ડન રિન શીપબિલ્ડર્સ એન્ડ એન્જિનીઅર્સ તરફથી આ ઓર્ડર્સ મળ્યાં છે. આમાં નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસેલ્સ માટે 14 પ્રકારના સેન્સર્સના સપ્લાયનો સમાવેશ થાય છે. કંપનીએ 15 ડિસેમ્બરે રૂ. 86.15 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં હતાં.
લ્યુપિનઃ ફાર્મા કંપનીએ સનોફી પાસેથી એસેટ્સ ખરીદીને વૈશ્વિક પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું છે. આ ડિલમાં યુરોપ અને કેનેડામાં સ્થાપિત પ્રોડક્ટ્સની ખરીદીનો સમાવેશ થાય છે. લ્યુપિનની માલિકીની લ્યુપિન એટલાન્ટિસ હોલ્ડિંગ્સે ફ્રેન્ક ફાર્મા કંપની સનોફી સાથે એસેટ પર્ચેઝ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. કંપનીએ જર્મનીમાં આરાને અને કેનેડા તથા નેધરલેન્ડ્સમાં નાલક્રમો બ્રાન્ડની ખરીદી કરી છે.
બાયોકોનઃ ફાર્મા કંપનીની પાંખ બાયોકોન બાયોલોજિક્સે જાપાનમાં બ્લોકબસ્ટર ડ્રગ હુમીરાના બાયોસિમિલર વર્ઝન એડાલિમુમેબના વિતરણ, વેચાણ અને પ્રમોશન માટે સેન્ડોઝ સાથે ભાગીદારી કરી છે. એડાલિમુમેબ એ રૂમેટોઈડ આર્થરાઈટિસ માટે ઉપયોગમાં લેવાય છે. ડિસ્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ હેઠળ સેન્ડોઝને જાપાનમાં એડાલિમુમેબ બીએસના વેચાણ માટેના એક્સક્લુઝીવ અધિકાર પ્રાપ્ય બનશે.