માર્કેટ સમરી
નિફ્ટી પોઝીટીવ બંધ રહેવામાં સફળ
ભારતીય બજાર ગુરુવારે પોઝીટીવ બંધ રહેવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી 110 પોઈન્ટ્સ સુધરી 14406 પર બંધ આવ્યો હતો. બેન્ચમાર્ક 14151નું તળિયું બનાવી પરત ફર્યો હતો અને ત્યાંથી લગભગ 275 પોઈન્ટ્સ જેટલો સુધર્યો હતો. આમ બુલ્સનો હાથ ઉપર જળવાયો હતો.
બેંકિંગનો મહત્વનો સપોર્ટ
બેંક નિફ્ટી 2.15 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો અને 31783ના સ્તરે બંધ આવ્યો હતો. ખાનગી ક્ષેત્રની બેંક્સમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક, એસબીઆઈમાં 2-5 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
વિપ્રોનો શેર વધુ 4 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો
આઈટી સર્વિસિસ કંપની વિપ્રોનો શેર વધુ 4 ટકા ઉછળી તેની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. બજારમાં આઈટી ઈન્ડેક્સ જ્યારે નેગેટિવ ટ્રેડિંગ દર્શાવતો હતો ત્યારે લાર્જ-કેપ્સ આઈટીમાં એકમાત્ર વિપ્રો નોંધપાત્ર સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 470.10ના બંધ સામે લગભગ 5 ટકા સુધારા સાથે રૂ. 494.50ની સપાટી પર ટ્રેડ થયો હતો. જે સ્તરે તેણે રૂ. 2.66 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. કંપનીનો શેર ગયા સપ્તાહે તેના માર્ચ મહિનાના ક્વાર્ટરલી પરિણામો બાદ ઝડપથી સુધારો દર્શાવી રહ્યો છે. વાર્ષિક ધોરણે રૂ. 174ના તળિયા સામે તે 165 ટકાથી વધુનો સુધારો નોંધાવી ચૂક્યો છે.
કેડિલા હેલ્થકેરનો શેર સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો
અમદાવાદ સ્થિત ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનો શેર તેની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 556ના બંધ સામે 3 ટકાથી વધુ મજબૂત ખૂલી રૂ. 573.35ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. જે સ્તરે કંપનીએ રૂ. 58000 કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. કંપની તરફથી કોવિડ વેક્સિનને લઈને ટૂંકમાં જ રજૂઆતના અહેવાલ પાછળ શેરમાં લેવાલી જોવા મળી રહી છે. જેની પાછળ અન્ય ફાર્મા કંપનીઓની સરખામણીમાં તે આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે.
માર્કેટ પોઝીટીવ રહ્યાં છતાં વીક્સમાં જોવા મળેલી વૃદ્ધિ
ભારતીય બજારમાં વોલેટિલિટી ઈન્ડેક્સ વીક્સમાં ગુરુવારે વૃદ્ધિ જોવા મળી હતી. એક દિવસની રજા બાદ બજાર ગેપ-ડાઉન ખૂલ્યું હતું. જેની પાછળ વીક્સમાં સુધારો સ્વાભાવિક હતો. જોકે નોંધપાત્ર બાબત એ હતી કે એક તબક્કે બજાર પોઝીટીવ ઝોનમાં પરત ફર્યું હતું અને સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યું હતું. તેમ છતાં ઈન્ડિયા વીક્સમાં 4 ટકા સુધારા સાથે તાજેતરની ટોચ પર ટ્રેડ થતો હતો. વીક્સે અંતિમ બે સપ્તાહની 23ની ટોચને પાર કરી 23.60ની ટોચ દર્શાવી હતી.
ડોલર સામે રૂપિયો 7 પૈસા સુધરી 74.95 પર બંધ રહ્યો
યુએસ ડોલર સામે રૂપિયો ગુરુવારે 7 પૈસા સુધરી 74.95 સ્તરે બંધ આવ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં નરમાઈ પાછળ રૂપિયો ગેપ-ડાઉન ઓપન થયો હતો. તે તાજેતરના 75.34ના તળિયા પર ખૂલ્યો હતો. જોકે પાછળથી ડોલરમાં પ્રોફિટ બુકિંગ પાછળ રૂપિયો સુધર્યો હતો અને 75ની સપાટી અંદર પરત ફર્યો હતો અને 74.95 પર બંધ રહ્યો હતો. જે 75.06ના બંધ બાદનું તાજેતરનું બીજુ નીચું બંધ છે. ભારતીય ચલણ ચાલુ કેલેન્ડરમાં સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે.
કોવિડની બીજી લહેર પાછળ છ મહિના બાદ વિદેશી સંસ્થાકિય રોકાણકારો વેચવાલ બન્યાં
એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય બજારમાંથી તેમણે રૂ. 7041 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું
દેશમાં કોરોનાના બીજા રાઉન્ડમાં જે રીતે દૈનિક ધોરણે કેસિસમાં વૃદ્ધિ થઈ રહી છે તેને કારણે સ્થાનિક શેરબજારમાંથી વિદેશી સંસ્થાકિય રોકાણકારો ચોખ્ખી વેચવાલી નોંધાવી રહ્યાં છે. ઓક્ટોબર 2020થી માર્ચ 2021 સુધીના છ મહિના દરમિયાન સતત બજારમાં જંગી રોકાણ ઠાલવતાં રહેલા વિદેશી રોકાણકારોએ એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 7041 કરોડનું વેચાણ નોંધાવ્યું છે એમ ડેટા સૂચવે છે. જેમાં ઈક્વિટીમાંથી તેમણે રૂ. 4800 કરોડથી વધુ આઉટફ્લો નોંધાવ્યો છે.
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ છેલ્લા કેટલાંક મહિનાઓ દરમિયાન ભારતીય બજારમાં ઐતિહાસિક ઈનફ્લો દર્શાવ્યો હતો. જેમાં બે મહિનાઓમાં તો તેમણે રૂ. 60 હજાર કરોડથી વધુનું વિક્રમી રોકાણ કર્યું હતું. જેમાં નવેમ્બર 2020માં તેમણે રૂ. 60358 કરોડ અને ડિસેમ્બર દરમિયાન તેમણે રૂ. 62016 કરોડનું રોકાણ દર્શાવ્યું હતું. જ્યારે અન્ય ચાર મહિનાઓમાં પણ તેમનો ઈનફ્લો નોંધપાત્ર ઊંચો હતો. જેમકે ઓક્ટોબર 2020માં તેમણે રૂ. 19541 કરોડ, જાન્યુઆરી 2021માં રૂ. 19473 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 25787 કરોડ અને માર્ચમાં રૂ. 10481 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે એપ્રિલમાં તેઓ ચોખ્ખા વેચવાલ બની રહ્યાં છે.
એનાલિસ્ટ્સના મતે ઓક્ટોબર બાદ દેશના આર્થિક ઈન્ડિકેટર્સમાં નોઁધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નાણા વર્ષ 2020-21 માટેના જીડીપીના અંદાજોમાં મોટાભાગની એજન્સીઝે સુધારો કર્યો હતો. તેમજ 2021-22 માટે ઊંચા જીડીપી ગ્રોથ રેટના અંદાજો રજૂ કર્યાં હતાં. અંતિમ છ મહિનામાં મોટાભાગના હાઈ ફ્રિકવન્સી ડેટા સુધારાતરફી જોવા મળ્યાં હતાં. જોકે છેલ્લા એક મહિનાથી દેશમાં વધી રહેલાં કોવિડના આંકડા જોતાં ફરી સ્થિતિ ચિંતાજનક બની છે અને એફપીઆઈ સાવચેત બની હોવાનું માર્કેટ વર્તુળો જણાવે છે. એપ્રિલ મહિના દરમિયાન ભારતીય બજારોના બેન્ચમાર્ક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 4 ટકા જ્યારે નિફ્ટી 3 ટકાનો ઘટાડો દર્શાવે છે.
અગ્રણી બ્રોકરેજ હાઉસ કોટક સિક્યૂરિટીઝના રિસર્ચ હેડ રશ્મિક ઓઝાના મતે દેશમાં નવેસરથી લોકડાઉન અને નિયંત્રણોના પગલે આર્થિક ગતિવિધિઓ પર અસર થશે. જો સ્થિતિ વણલશે તો 2021-22 માટે ફરી ડાઉનગ્રેડની શક્યતા ઊભી થશે. જોકે હાલમાં કશું પણ કહેવું વહેલાસરનું રહેશે. તેમના મતે નજીકના સમયમાં કેટલાક પડકારો રહેલાં છે. જેને કારણે ટૂંકાગાળામાં એફપીઆઈ ફ્લો મંદ જળવાશે. એકવાર સ્થિતિ સામાન્ય બનશે એટલે વિદેશી રોકાણકારોના પ્રવાહ ફરી શરૂ થશે. જીઓજીત ફાઈનાન્સિલય સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારના મતે લોકલાઈઝ લોકડાઉન્સને કારણે 2021-22 માટેના અંદાજિત જીડીપી ગ્રોથમાં એકાદ ટકા ઘટાડાનું જોખમ રહેલું છે. જે કારણે વિદેશી સંસ્થાકિય રોકાણકારો ચોખ્ખા વેચવાલ બન્યાં હોય તેવું જણાય છે.