માર્કેટ સમરી
નિફ્ટી 13400 પર બંધ રહેવામાં સફળ
શરૂઆતી વધ-ઘટ બાદ નિફ્ટી તેજીવાળાઓની પકડમાં રહ્યો હતો અને 13492ની દિવસની ટોચ બનાવીને 13466 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં ક્યાંય કોઈ મોટી વધ-ઘટના અભાવે સ્થાનિક બજારને રાહત આપી હતી. સેન્સેક્સ પણ 453 પોઈન્ટ્સ સુધરી 46007 પર બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 13130નું સોમવારનું તળિયું એક સપોર્ટ છે. એ સિવાય 34-ડીએમએનું 13045નું સ્તર નજીકનો સપોર્ટ છે.
ડોલર ઈન્ડેક્સ પાછળ બજારમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી શકે
ડોલર ઈન્ડેક્સમાં અંતિમ બે ટ્રેડિંગ સત્રોથી જોવા મળી રહેલી મજબૂતી પાછળ એફઆઈઆઈની વેચવાલીને જોતાં આગામી સત્રોમાં ઊંચી વધ-ઘટ જોવા મળી શકે છે.
ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ આઈટી, ફાર્મામાં સુધારો જળવાશે
- સોમવારે ઉછળીને 91 પાર કરી ગયેલો ડોલેક્સ મંગળવારે નીચે આવ્યો હતો જોકે હજુ પણ તે સુધારાતરફી છે
- વિતેલા સપ્તાહે 2.5 વર્ષનું તળિયું બનાવીને બાઉન્સ થયેલો ડોલર ઈન્ડેક્સ શેરબજારમાં એફઆઈઆઈની વેચવાલીનું કારણ બન્યો છે સાથે તેને કારણે આઈટી અને ફાર્મા જેવા નિકાસકર્તા ક્ષેત્રોને લાભ મળતો જોવાઈ રહ્યો છે. એનાલિસ્ટ્સના મતે જો ડોલર ઈન્ડેક્સ સુધારો જાળવી રાખશે તો આઈટી શેર્સ વધુ મજબૂતી દર્શાવશે. ફાર્મા ક્ષેત્ર પણ તેને અનુસરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
મંગળવારે માર્કેટને સૌથી વધુ સપોર્ટ આઈટી ક્ષેત્ર તરફથી મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3.4 ટકા ઉછળી 23611ની તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. અગ્રણી આઈટી કાઉન્ટર્સ જેવાકે ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, એલએન્ડટી ઈન્ફોટેક વગેરેએ 4-5 ટકા સુધારા સાથે તેમની સર્વોચ્ચ ઊંચાઈ પણ દર્શાવી હતી. બીજી બાજુ નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પણ 2.22 ટકા સુધરી 12551 પર બંધ રહ્યો હતો. આ બંનેના સપોર્ટને લીધે નિફ્ટી તેની 34-ડીએમએનો સપોર્ટ લઈને પરત ફર્યો હતો એમ એનાલિસ્ટ જણાવે છે. ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને કારણે છેલ્લા એક મહિનાથી એફઆઈઆઈ દૈનિક ધોરણે રૂ. અઢીથી ત્રણ હજાર કરોડનું રોકાણ ઠાલવતી રહી હતી. જોકે ડોલર ઈન્ડેક્સમાં બાઉન્સ પાછળ તેણે ટ્રેન્ડ રિવર્સલ દર્શાવ્યું હતું અને સોમવારે તેણે લાંબાગાળા બાદ રૂ. 300 કરોડથી વધુનું વેચાણ નોંધાવ્યું હતું. ડોલર ઈન્ડેક્સ 90 પર ટ્રેડ થઈ રહ્યો છે ત્યાં સુધી એફઆઈઆઈનો ફ્લો નહિવત જોવા મળી શકે છે. અગાઉ 2004થી 2007 દરમિયાન ડોલરમાં નરમાઈ વચ્ચે એફઆઈઆઈએ ઈમર્જિંગ બજારોમાં જંગી રોકાણ ઠાલવ્યું હતું. જોકે ડોલર ઈન્ડેક્સમાં સુધારો થતાં તેમણે વેચવાલી દર્શાવી હતી અથવા તેમનો ફ્લો ધીમો પડ્યો હતો. એપ્રિલમાં 102ના સ્તરેથી ડોલર ઈન્ડેક્સ ઘસાતો રહી 90ની નીચે ઉતરી ગયો હતો. જે એપ્રિલ 2018 બાદનું તેનું તળિયું હતું. યુએસ ખાતે સ્ટીમ્યુલસ તથા ફેડે બોન્ડ બાઈંગ જાળવી રાખવાનું જણાવ્યા બાદ ડોલર ટૂંકાગાળા માટે બોટમ આઉટ થયો હોય તેવું એનાલિસ્ટ્સ માને છે. જેની પાછળ ફંડ્સ ઈમર્જિંગ ઈક્વિટીઝમાં વેચવાલી બની શકે છે.
અગ્રણી આઈટી કંપનીઓની આગેકૂચ જારી
મંગળવારે આઈટી કંપનીઓએ માર્કેટને સપોર્ટ કર્યો હતો. અગ્રણી આઈટી કંપનીઓના શેર્સે તેમની નવી ટોચ પણ દર્શાવી હતી. જેમાં ઈન્ફોસિસનો શેર 4 ટકા ઉછળી રૂ. 1224ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 5.20 લાખ કરોડને પાર કરી ગયું હતું. એચસીએલ ટેક્નોલોજીએ પણ 5 ટકાથી વધુના ઉછાળે રૂ. 916ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી અને રૂ. 2.48 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. લાર્સન એન્ડ ટૂબ્રો ઈન્ફોટેકનો શેર 6 ટકા ઉછળી રૂ. 3615 પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 62 હજાર પર જોવા મળતું હતું. માર્ચ મહિનાના રૂ. 1208ના તળિયા સામે કંપનીનો શેર ત્રણ ગણો થઈ ચૂક્યો છે. મીડ-કેપ કંપની પર્સિસ્ટન્ટનો શેર પણ 6 ટકાના સુધારે રૂ. 1394ની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપની રૂ. 10 હજારના માર્કેટ-કેપને પાર કરી ગઈ હતી.
અદાણી ગેસ, અદાણી એન્ટરપ્રાઈઝમાં 7 ટકાનો ઉછાળો
ઊંચી વધ-ઘટ દર્શાવતાં ટ્રેડિંગ દિવસે અદાણી જૂથની બે લિસ્ટેડ કંપનીઓ અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 7 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં અદાણી ગેસનો શેર 7.5 ટકાના ઉછાળે રૂ. 361 પર ટ્રેડ થયો હતો. નવેમ્બરમાં રૂ. 382ની સર્વોચ્ચ ભાવ સપાટી દર્શાવી કંપનીનો શેર નાના કરેક્શન બાદ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યો હતો. જેમાંથી મંગળવારે તે બહાર આવ્યો હોય તેમ જણાતું હતું. અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 6 ટકા ઉછળી રૂ. 461ના સ્તરે ટ્રેડ થયો હતો. કંપનીએ તાજેતરમાં રૂ. 473ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારબાદ તે કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યો છે.