Market Summary 22 Feb 2022

માર્કેટ સમરી

 

સતત પાંચમા સત્રમાં બેન્ચમાર્ક્સમાં ઘટાડો જોવા મળ્યો

જોકે નિફ્ટીએ દિવસના તળિયેથી 248 પોઈન્ટ્સ સુધારે બંધ આપ્યું

વોલેટિલિટી ઈન્ડેક્સ 16.42 ટકા ઉછળી 26.66ની આંઠ મહિનાની ટોચે

યુક્રેન કટોકટી પાછળ એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈ, યુરોપ ફ્લેટ

બ્રોડ માર્કેટમાં વેચવાલીનું દબાણ જળવાયું

યુરોપમાં નોંધપાત્ર હાજરી પાછળ ટાટા જૂથના શેર્સમાં સાર્વત્રિક વેચવાલી

 

ભારતીય બેન્ચમાર્ક્સે સતત પાંચમા દિવસે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. સોમવારે મોડી રાતે રશિયાએ યુક્રેનના બે પ્રાંતોને સ્વાયત્ત દેશ તરીકે માન્ય રાખવાની જાહેરાત કરતાં એશિયન બજારોમાં 3 ટકા સુધીના ઘટાડા પાછળ ભારતીય બજારમાં પણ ગેપ-ડાઉન ઓપનીંગ જોવા મળ્યું હતું. જોકે તેજીવાળાઓએ સામે પડીને ખરીદી દર્શાવતાં બજાર એક તબક્કે મોટાભાગનો ઘટાડો ભૂંસવામાં સફળ રહ્યું હતું. જોકે આખરે તે નેગેટિવ ઝોનમાં જ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 383 પોઈન્ટ્સ ઘટી 57300.6ના સ્તરે જ્યારે નિફ્ટી 114 પોઈન્ટ્સના ઘટાડે 17092ની સપાટી પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 16.42 ટકા ઉછળી 26.66ની છેલ્લા આંઠ મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 29 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 21 પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં.

બપોરના ભાગે યુરોપ બજારોમાં સાધારણ પોઝીટીવ ટ્રેડ છતાં ભારતીય બજાર બાઉન્સને ટકાવી શક્યું નહોતું. નિફ્ટી ઈન્ટ્રા-ડે 17149ની ટોચ દર્શાવી પરત ફર્યો હતો. જોકે તેણે ઈન્ટ્રા-ડે 16844ના તળિયા પર સપોર્ટ મેળવ્યો હતો. છેલ્લાં બે સપ્તાહમાં આ સ્તરે તેણે ત્રીજીવાર સપોર્ટ મેળવ્યો છે. આમ આ સ્તર એક મહત્વનો સપોર્ટ બની રહ્યું છે. જ્યારે 17100-17200ની રેંજ એક અવરોધ ઝોન છે. જો આગામી સત્રોમાં એક બાઉન્સ પાછળ તે આ સ્તર પસાર કરે છે તો 17500 સુધીનો સુધારો જોવા મળી શકે છે. એનાલિસ્ટ્સના મતે બજારમાં યુક્રેન ઘટના ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. રશિયાએ પણ યુએસ સામે નમતું નહિ જોખીને તેના બળવાખોરોને સપોર્ટ કરવાનો માર્ગ અપનાવ્યો છે. આમ હાલમાં મર્યાદિત યુધ્ધની નીતિ અપનાવી છે. જેને જોતાં બજારો ફરી સ્થિરતા પ્રાપ્ત કરતાં જોવા મળી શકે છે. છેલ્લાં બે સત્રોથી નીચા સ્તરેથી જોવા મળતો બાઉન્સ છતાં બજાર પોઝીટીવ બંધ આપી શકતું નથી તે એક ચિંતાનો વિષય છે. જોકે નિફ્ટી જ્યાં સુધી 17 હજાર પર બંધ છે ત્યાં સુધી બજાર આગામી સત્રોમાં પોઝીટીવ બને તેવી આશા પ્રવર્તી રહી છે. મંગળવારે નિફ્ટી સ્પોટ સામે ફેબ્રુઆરી ફ્યુચર્સ 31 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 17061ના સ્તરે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં આગામી સત્રોમાં શોર્ટ કવરિંગ પાછળ બજાર પ્રત્યાઘાતી સુધારો દર્શાવી શકે છે.

મંગળવારે સતત બીજા દિવસે બીજી અને ત્રીજી હરોળના શેર્સમા વ્યાપક વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3441 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 634 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 2724 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં ટ્રેડિંગ સૂચવતાં હતાં. આમ ચાર કાઉન્ટર્સમાં ઘટાડા સામે એકમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ 86 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે સામે 176 કાઉન્ટર્સમાં 52-સપ્તાહનું તળિયું નોંધાયું હતું. આશ્ચર્યની બાબત એ હતી કે એક પણ કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ જોવા મળ્યો નહોતો. જે મીડ અને સ્મોલ-કેપ્સમાં ટ્રેડર્સની નીરસતા સૂચવે છે. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ એક ટકાનો જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં રિઅલ્ટી અને મિડિયામાં 3-3 ટકાનો સૌથી ઊંચો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મેટલ, એફએમસીજી, પીએસયૂ બેંક, આઈટી વગેરમાં એક ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં નિપ્પોન, નાલ્કો, એપોલો હોસ્પિટલ, મેટ્રોપોલિસ, અબોટ ઈન્ડિયામાં 2.6 ટકાથી 4.1 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ડીએલએફ, ઝી એન્ટરટેઈનમેન્ટ, રેઈન ઈન્ડ, એમસીએક્સ ઈન્ડિયા, સ્ટાઈડ્સ ફાર્મા અને ટાટા સ્ટીલમાં 3-6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. એશિયન બજારોમાં હોંગ કોંગે 3 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવ્યો હતો. જ્યારે જાપાન, ચીન, કોરિયા, તાઈવાન અને સિંગાપુર એકથી બે ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં.

 

 

ગોલ્ડમાં 2000 ડોલર સુધીની તેજી જોઈ રહેલાં એનાલિસ્ટ્સ

ક્રિપ્ટોકરન્સિઝ જેવા હરિફ એસેટ ક્લાસની પડતી વચ્ચે ગોલ્ડ એકમાત્ર સેફહેવન

મંગળવારે કોમેક્સ વાયદો 1918 ડોલરની નવ મહિનાની ટોચ બનાવી પરત ફર્યું હતું

એમસીએક્સ એપ્રિલ ગોલ્ડ વાયદો રૂ. 50687 પર ટ્રેડ થયો હતો

 

 

રશિયા-યૂક્રેન વચ્ચે તંગદિલી વકરતાં ગોલ્ડના ભાવ મંગળવારે તેની નવ મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 1918 ડોલરની મે 2021 પછીની ટોચ પર ટ્રેડ થઈ સાધારણ પાછો પડી 1900 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે એનાલિસ્ટ્સનું માનવું છે કે વૈશ્વિક સ્તરે બીજા વિશ્વ યુધ્ધ પછીની સૌથી મોટી જીઓ-પોલિટીકલ ક્રાઈસિસને જોતાં ગોલ્ડમાં મોટા ઘટાડાની શક્યતાં નથી. ગોલ્ડ છેલ્લાં ત્રણેક સત્રોથી 1900 ડોલર આસપાસ કોન્સોલિડેટ થઈ રહ્યું છે. એકવાર તે 1920 ડોલરની સપાટી પાર કરશે તો 2000 ડોલર સુધીની તેજી દર્શાવશે.

વૈશ્વિક એનાલિસ્ટ્સના મતે 2022નું વર્ષ ગોલ્ડ માટે અસાધારણ બની રહેશે. કેમકે અન્ય તમામ હરિફ એસેટ ક્લાસિસ હાલમાં કરેક્શનમાંથી પસાર થઈ રહ્યાં છે. જેમાં ક્રિપ્ટોકરન્સિસ મુખ્ય છે. 2020માં કોવિડ બાદ ગોલ્ડની સાથે ઝડપી તેજી દર્શાવનાર ક્રિપ્ટોકરન્સિઝે 2021માં અસાધારણ દેખાવ દર્શાવ્યો હતો. જોકે છેલ્લાં એક ક્વાર્ટરમાં મોટાભાગની ક્રિપ્ટોકરન્સિઝ તેમના ટોચના ભાવેથી નોઁધપાત્ર કરેક્શન દર્શાવી રહી છે. તાજેતરમાં યૂક્રેન ઘટના બાદ તેમાં ઓર વેચવાલી જોવા મળી છે. છેલ્લાં છ ટ્રેડિંગ સત્રોથી બિટકોઈનમાં વેચવાલી જોવા મળે છે અને એનાલિસ્ટ્સના મતે તે ફરી 30 હજાર ડોલરના ભાવ સુધી ગગડી શકે છે. હાલમાં તે 36 હજાર ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. નવેમ્બરમાં તેણે 67 હજાર ડોલરની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. ઈક્વિટીઝમાંથી પણ કેટલોક વર્ગ બહાર નીકળી રહ્યો છે અને તે નાણા ગોલ્ડમાં ઘર કરે તેવી શક્યતાં છે. કેમકે વૈશ્વિક સ્તરે વકરી રહેલો ફુગાવો પણ ગોલ્ડની સેફહેવન અપીલનું સમર્થન કરે છે. યુએસ ફેડ માર્ચ મહિનામાં પ્રથમ રેટ વૃદ્ધિ જાહેર કરવાની છે. જે ગોલ્ડના હાલના ભાવમા ગણનામાં લેવાય ચૂક્યું છે. એનાલિસ્ટ્સ માને છે કે જો રેટ વૃદ્ધિમાં ફેડ થોડી પણ ઢીલી પડશે તો ગોલ્ડના ભાવમાં સુધારો વધુ ઝડપી બનશે.

અગાઉ ગોલ્ડે જુલાઈ 2020માં 2079 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યાંથી ગગડીને જૂન 2021માં તે 1660 ડોલર સુધી કરેક્ટ થયું હતું. યૂક્રેન સંકટ અને ફુગાવા પાછળ તે 1900 ડોલરને પાર કરી ગયું છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 50 હજારની સપાટી પર 14 મહિના બાદ ટક્યું છે. ડોલર સામે રૂપિયામાં નરમાઈ જોવા મળશે તો વિશ્વ બજારની સરખામણીમાં સ્થાનિક બજારમાં તે ઊંચું રિટર્ન આપશે. આ સ્થિતિમાં તેનો પ્રથમ ટાર્ગેટ રૂ. 52 હજાર અને એકાદ વર્ષમાં તે રૂ. 55 હજારની તેની સર્વોચ્ચ ટોચને પાર કરે તેવી શક્યતાં પણ જોવામાં આવી રહી છે.

એનાલિસ્ટ્સ માને છે કે રશિયા ગોલ્ડનું અગ્રણી ઉત્પાદક છે. યુએસના આર્થિક પ્રતિબંધોને કારણે જો રશિયામાંથી સપ્લાય અટકશે તો ગોલ્ડમાં તેજીને બળ મળશે. આમ ગોલ્ડ હાલમાં સૌથી સુરક્ષિત તથા આકર્ષક રોકાણ વિકલ્પ પૂરો પાડી રહ્યું છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડનો લોંગ ટર્મ ચાર્ટ પણ વધુ તેજી સૂચવે છે. તેમના મતે 1880ના નજીકના સપોર્ટને જાળવીને ગોલ્ડમાં લોંગ પોઝીશન જાળવી શકાય છે. ગોલ્ડમાં 1920 ડોલર બાદ 2000 ડોલર અને ત્યારબાદ નવી ટોચ જોવા મળી શકે છે.

 

 

IPO બાદ LIC ફરી ડિવિડન્ડ આપવાનું શરૂ કરે તેવી શક્યતાં

કંપનીએ છેલ્લાં ત્રણ નાણા વર્ષોમાં કોઈ ડિવિડન્ડ નથી ચૂકવ્યું

 

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન તેના આઈપીઓ બાદ ફરી ડિવિડન્ડ આપવાની શરૂઆત કરી શકે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નથી અને તેને કારણે તેને આઈપીઓ પહેલાં નેટ વર્થને ઊપર લઈ જવામાં નોંધપાત્ર સહાયતા મળી હોવાનું નિષ્ણાતો જણાવે છે.

અગ્રણી વીમા કંપનીએ નાણાકિય વર્ષ 2019-20 અને 2020-21માં કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નહોતું. આ બંને વર્ષોમાં તેણે અનુક્રમે રૂ. 2710 કરોડ અને રૂ. 2974 કરોડનો નફો રળ્યો હતો. અગાઉ નાણાકિય વર્ષ 2013-14થી 2018-19 દરમિયાન તેણે 98-99 ટકાનો ઊંચો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો દર્શાવ્યો હતો. 2018-19માં તેણે સરકારને રૂ. 2663 કરોડના ડિવિડન્ડની ચૂકવણી કરી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સરકારની નાણાકિય સ્થિતિ નબળી હતી ત્યારે એલઆઈસીએ ઊંચા ડિવિડન્ડની ચૂકવણી કરી હતી. જોકે એપ્રિલ 2020માં મહામારી બાદ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ એક જનરલ એડવાઈઝરીમાં વીમા કંપનીઓને મૂડી જાળવી રાખવા માટેની સલાહ આપી હતી. તેણે વીમા કંપનીઓને 2019-20માં ડિવિડન્ડ ચૂકવણીથી દૂર રહેવા જણાવ્યું હતું. જેને ગણનામાં લઈ એલઆઈસી સહિત ખાનગી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફે પણ ડિવિડન્ડ ચૂકવણીથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. જોકે આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ, મેક્સ લાઈફ અને બજાજ એલિઆન્ઝ લાઈફે અનુક્રમે 38.1 ટકા, 143.7 ટકા અને 28.3 ટકા લેખે ડિવિડન્ડ ચૂકવવાનું જાળવ્યું હતું. ઈરડાઈએ વીમા કંપનીઓની સોલ્વન્સી પોઝીશનને લક્ષ્યમાં લીધાં બાદ 25 ફેબ્રુઆરી 2021ના રોજ કેપિટલ કન્ઝર્વેશન સંબંધી સર્ક્યુલરને પરત ખેંચ્યો હતો.

 

LIC IPO અગાઉ RBI 5 અબજ ડોલરની લિક્વિડિટી ખેંચી લેશે

માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં એલઆઈસીના આઈપીઓ અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 8 માર્ચે 5 અબજ ડોલરની લિક્વિડીટીને શોષી લેશે. બેંક રેગ્યુલેટર બે વર્ષ માટેના ડોલર-રૂપી સેલ-બાય સ્વેપ ઓક્શન મારફતે આમ કરશે. જે સિસ્ટમમાંથી લિક્વિડીટિને પરત ખેંચી લેશે. આ સ્વેપ સાદા સેલ/બાય ફોરેન એક્સચેન્જ પ્રકારનો હશે. જેમાં સેન્ટ્રલ બેંક પાસેથી બેંક યુએસ ડોલર્સની ખરીદી કરશે અને સાથે-સાથે સ્વેપ પિરિયડ પૂરો થવા સમયે સમાન મૂલ્યના યુએસ ડોલર્સના વેચાણ માટે સહમતિ દર્શાવશે. આ એક્સરસાઈઝને કારણે રૂપિયાને મજબૂતી મળવાની શક્યતાં છે. સાથે ઓએમઓ પરચેઝ માટે જગ્યા ઊભી થશે. જેથી સરકારી બોરોઈંગ માટે સપોર્ટ મળશે.

એપ્રિલથી ડિસેમ્બર 2021માં ભારતીયોઓએ 14 અબજ ડોલર રેમિટ કર્યાં

રિઝર્વ બેંકની લિબરાઈઝ્ડ રેમિટન્સ સ્કિમ(એલઆરએસ) હેઠળ એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધીમાં ભારતીયોએ 13.8 અબજ ડોલરનું આઉટવર્ડ રેમિટન્સ દર્શાવ્યું છે. એટલેકે દેશના નાગરિકોએ આટલા નાણાનો વિવિધ કારણોસર બહારના દેશોમાં ખર્ચ કર્યો છે. જેમાં ટ્રાવેલ અને સ્ટડી મુખ્ય છે. નાણા વર્ષ 2020-21માં કુલ 12.7 અબજ ડોલર સામે ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં જ આનાથી વધુ રકમ બહાર જઈ ચૂકી છે. કેલેન્ડર 2021ના આખરી ક્વાર્ટરમાં જ 4.9 અબજ ડોલરનું આઉટવર્ડ રેમિટન્સ જોવા મળ્યું હતું. કોવિડ અગાઉ 2019-20માં 18.76 અબજ ડોલરનું આઉટવર્ડ રેમિટન્સ નોંધાયું હતું.

અર્થતંત્રના તમામ મુખ્ય સેક્ટર્સ ગ્રોથ દર્શાવે તેવી અપેક્ષાઃ બાર્ક્લેઝ

વૈશ્વિક બેંકરે તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રના ભાગરૂપ તમામ મહત્વના ક્ષેત્રો વૃદ્ધિ દર્શાવે તેવી અપેક્ષા છે. બાર્ક્લેઝ ઈન્ડિયા રિપોર્ટમાં તેણે નોંધ્યું છે કે આગામી ક્વાર્ટર્સમાં પણ કેટલુંક મોમેન્ટમ જળવાય રહેશે. તેના મતે ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં ગ્રામીણ વપરાશી ડેટામાં નબળાઈ જોવા છતાં કૃષિ ક્ષેત્રે સ્થિર વૃદ્ધિ દર જળવાય રહેવાની શક્યતા છે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર ક્વાર્ટરમાં માઈનીંગ, કન્સ્ટ્રક્શન અને મેન્યૂફેક્ચરિંગમાં ગ્રોથ થોડો નીચો જોવા મળ્યો હતો. જેનું એક કારણ સપ્લાય ચેઈનમાં અવરોધ પણ હતો. ખાસ કરીને ઓટો ક્ષેત્રને તે નડ્યું હતું. મેન્યૂફેક્ચરિંગમાં સપ્લાય શોર્ટેજ તથા ઊંચા બેઝની અસર જોવા મળી હતી. જોકે સર્વિસ ક્ષેત્રે ઉત્પાદન ઝડપી દરે વધ્યું હતું.

 

 

યૂક્રેન સંકટ પાછળ કોટનના ભાવમાં ખાંડીએ 3 હજારનો ઘટાડો

સ્પીનર્સની માગ સ્થિર જળવાતાં ભાવમાં વધુ ઘટાડાની શક્યતાં નથી

 

રશિયા-યૂક્રેન તંગદિલીની અસર કોટનના ભાવ પર જોવા મળી છે. સ્થાનિક બજારમાં કોટન ખાંડીમાં રૂ. 3000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં નબળા માલોના ભાવ રૂ. 2-3 હજાર સુધી જ્યારે સુપર ક્વોલિટી માલોના ભાવમાં રૂ. 1500 નરમાઈ જોવા મળી છે એમ વર્તુળો જણાવે છે. જોકે વર્તમાન સ્તરેથી કોટનના ભાવમાં વધુ ઘટાડાની શક્યતાં તેઓ નથી જોઈ રહ્યાં.

ગયા સપ્તાહે રૂ. 80 હજારની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયેલા કોટનના ભાવ હાલમાં રૂ. 77 હજાર પર ટ્રેડ થઈ રહી છે. બ્રોડ રેંજની વાત કરીએ તો ગયા સપ્તાહે રૂ. 76-80 હજારની રેંજ હવે રૂ. 73-77 હજાર જોવા મળી રહી છે. યુક્રેન સંકટને કારણે દેશમાં કોટનની આવકોમાં ઘટાડા વચ્ચે ભાવ દબાયાં છે. જોકે તેમાં વધુ ઘટાડાની શક્યતાં નથી. કેમકે સ્પીનર્સની માગ સ્થિર જળવાય છે. યાર્નના ભાવ પર પણ અસર પડી છે. જોકે તેઓ હેન્ડ-ટુ-માઉથ છે અને તેથી તેમની ખરીદી જળવાય રહેશે. હાલમાં દેશમાં દૈનિક એક લાખ ગાંસડી આસપાસ આવકો જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સિઝનનો 2.1 કરોડ ગાંસડીનો માલ આવી ચૂક્યો છે. જ્યારે વધુ 1.1 કરોડ ગાંસડી આસપાસ માલ આવવાનો બાકી છે. જિનર્સ, સરકારી એજન્સીઓ, નિકાસકારો પાસે લગભગ 45 લાખ ગાંસડી માલ અનસોલ્ડ પડ્યો છે. કપાસિયાના ભાવમાં નોંધપાત્ર ઘટાડાની અસર કોટન પર પડી છે. કપાસિયામાં મણે રૂ. 30-40 નીકળી ગયા છે. જ્યારે કપાસમાં રૂ. 100-150નો ઘટાડો નોંધાયો છે અને તે રૂ. 1500-2150ની સામે રૂ. 1400-2050 પર બોલાય રહ્યાં છે. ખેડૂતો હજુ પણ માલ પકડીને બેઠાં છે અને તેઓ ધીમે-ધીમે બજારમાં માલ લાવે તેવી શક્યતાં છે. માર્કેટમાં થોડી નાણાભીડ પણ અનુભવાઈ રહી હોવાથી ભાવ દબાયા હોવાનું વર્તુળો જણાવે છે. જોકે ક્વોલિટી માલોમાં રૂ. 75 હજારની નીચે ભાવ જવાની શક્યતાં નથી જોવાઈ રહી. કોટનના ભાવ વર્ષ અગાઉ રૂ. 43-44 હજાર પર જોવા મળતાં હતાં. જે હાલમાં 80 ટકા ઊપર જોવા મળી રહ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage