બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓની પકડ મજબૂત બનતાં સેન્સેક્સમાં 639 પોઈન્ટ્સનો ઉછાળો
વૈશ્વિક બજારોમાં પોઝીટીવ સેન્ટિમેન્ટે સ્થાનિક બજારને સપોર્ટ પૂરો પાડ્યો
ઈન્ડિયા વીક્સમાં 10 ટકાથી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો
બીએસઈ ખાતે માર્કેટ-કેપ રૂ. 2.93 લાખ કરોડ વધી રૂ. 233.94 લાખ કરોડ પર પહોંચ્યું
મેટલ, આઈટી અને બેંકિંગ સેક્ટર્સના શેર્સમાં ઊંચી ખરીદી જોવા મળી
બીએસઈ ખાતે મજબૂત માર્કેટ બ્રેડ્થ પાછળ 3387માંથી 2184 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં
તેજીવાળાઓ પરત ફરતાં ગુરુવારે શેરબજારમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 639 પોઈન્ટ્સના સુધારે 52837ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 192 પોઈન્ટ્સ ઉછળી 15824 પર બંધ રહ્યો હતો. માર્કેટમાં બ્રોડ બેઝ લેવાલી પાછળ બીએસઈના માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. 2.93 લાખ કરોડની મોટી વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 233.94 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે રૂ. 234.46 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીથી રૂ. 50 હજાર કરોડ જ છેટે જોવા મળે છે. ઈન્ડિયન વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકાથી વધુના ઘટાડે છેલ્લાં બે વર્ષોથી વધુના તળિયાં પર જોવા મળ્યો હતો. જે માર્કેટમાં આગામી સમયગાળામાં ખૂબ ઓછી વધ-ઘટની સંભાવના દર્શાવે છે.
બુધવારે જાહેર રજા બાદ ભારતીય બજારે કામગીરીની શરૂઆત ગેપ-અપ ઓપનીંગ સાથે દર્શાવી હતી. યુએસ બજારમાં મજબૂત અર્નિંગ્સ પાછળ છેલ્લાં બે સત્રોથી નોંધપાત્ર સુધારાને કારણે એશિયન બજારોમાં તીવ્ર બાઉન્સ જોવા મળી રહ્યો હતો અને તેથી સ્થાનિક બજારમાં તેજીવાળાઓ આક્રમક મૂડમાં જણાતાં હતાં. તેમણે સમગ્ર દિવસ દરમિયાન તેમની પકડ જાળવી રાખી હતી અને મંદીવાળાઓ સામે સહેજ પણ મચક આપી નહોતી. જેને કારણે બેન્ચમાર્ક નિફ્ટી તેના 15834ના ઈન્ટ્રા-ડે ટોચની નજીક જ બંધ રહેવામાં સફળ રહ્યો હતો. એનએસઈના તમામ સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જેમાં 3 ટકા સાથે મેટલ ઈન્ડેક્સે સૌથી વધુ મજબૂતી નોંધાવી હતી. જ્યારબાદ નિફ્ટી આઈટી 1.8 ટકા અને નિફ્ટી એનર્જીમાં 1.5 ટકાનો સુધારો જોવા મળતો હતો. બેંકિંગ ક્ષેત્રે મધ્યમસરની ખરીદી પાછળ બેંક નિફ્ટી 0.76 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઈનાન્સ અને ભારતીય એરટેલ સુધરવામાં અગ્રણી હતાં. જ્યારે બીજી બાજુ હિંદુસ્તાન યુનીલીવર, એશિયન પેઈન્ટ્સ અને બજાજ ઓટો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ભારતી એરટેલે નવા પોસ્ટ પેઈડ પેકેજિસ જાહેર કરતાં શેરના ભાવમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ હતી.
માર્કેટમાં લાર્જ-કેપ્સ સાથે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં પણ ભારે ખરીદી જોવા મળી રહી હતી. જેની પાછળ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ બની રહી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3387માંથી 2184 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે માત્ર 1065 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. 460 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા તો સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેની સામે માત્ર 16 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. બીજી બાજુ 521 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.14 ટકાના સુધારે 27539ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.5 ટકા સુધારા સાથે 10455ના સ્તરે બંધ રહ્યો હતો. ગુરુવારને કારણે એનએસઈ ખાતે સાપ્તાહિક ડેરિવેટિવ્સ સિરિઝની એક્સપાયરી હોવાના કારણે કામકાજ ખૂબ ઊંચા જોવા મળ્યાં હતાં. જોકે માર્કેટમાં તીવ્ર સુધારા છતાં નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ મોટાભાગનો દિવસ ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થતો રહ્યો હતો. કામકાજને અંતે નિફ્ટી કેશ 15824 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચર્સ 15823 પર બંધ દર્શાવતો હતો. સામાન્યરીતે ફ્યુચર્સ હંમેશા પ્રિમીયમ સાથે ટ્રેડ થતો હોય છે.
ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોનું કાલે લિસ્ટીંગ
છેલ્લાં દોઢ વર્ષમાં પ્રાઈમરી માર્કેટમાં સૌથી મોટા ભરણા ઝોમેટોનું કાલે શેરબજાર પર લિસ્ટીંગ થશે.. રૂ. 76ના ઓફર ભાવે સામે ગ્રે માર્કેટમાં શેર રૂ. 26ના પ્રિમીયમે બોલાઈ રહ્યો હતો. એટલેકે લિસ્ટીંગ લગભગ 35 ટકા પ્રિમીયમ સાથે થવાની શક્યતા છે અને તે ત્રણ આંકડામાં જોવા મળી શકે છે. આઈપીઓમાં રિટેલ સેગમેન્ટમાં પાંચ અરજીમાંથી એક અરજીને શેર્સની ફાળવણી થઈ હતી. કંપનીના શેર માટે અરજી કરનારાઓને 22 જુલાઈ સુધીમાં શેર્સની ફાળવણી થઈ ચૂકી હતી
હિંદ યુનિલીવરે રૂ. 2061 કરોડનો નફો નોંધાવ્યો
એફએમસીજી અગ્રણી હિંદુસ્તાન યુનિલીવરે જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2061 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 1881 કરોડ પર હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 3.8 ટકા ઘટાડો દર્શાવતો હતો. ગયા માર્ચ ક્વાર્ટરમાં તે રૂ. 2143 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 12.83 ટકા વૃદ્ધિ સાથે રૂ. 11915 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10560 કરોડ પર હતી. ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં તે રૂ. 12132 કરોડ પર જોવા મળતી હતી. કંપનીએ એનાલિસ્ટ્સની અપેક્ષા મુજબનું રિઝલ્ટ રજૂ કર્યું હતું. જોકે કંપનીનો શેર 2.33 ટકાના ઘટાડે રૂ. 2378ની સપાટી પર બંધ રહ્યો હતો.
સ્માર્ટફોન માર્કેટમાં ત્રિમાસિક ધોરણે 13 ટકાનો ઘટાડો
દેશનું સ્માર્ટફોન બજાર કોવિડના બીજા વેવ પાછળ જૂન ક્વાર્ટરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. એપ્રલથી જૂન મહિના દરમિયાન દેશમાં સ્માર્ટફોનું શીપમેટ 13 ટકાના ઘટાડા સાથે 3.24 કરોડ યુનિટ્સ પર જોવા મળ્યું હતું. ક્વાર્ટર દરમિયાન બે મહિના માટે લોકડાઉન જોવા મળ્યું હતું અને તેથી માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં ઘટાડો સ્વાભાવિક હતો. જોકે જૂન 2020 ક્વાર્ટરની સરખામણીમાં શીપમેન્ટ્સમાં 87 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જૂન 2020 ક્વાર્ટરનો બેઝ ખૂબ નીચો હોવાથી ગ્રોથ ઊંચો જોવા મળ્યો હતો.
ગ્લેન્ડ ફાર્માનો ટોચની પાંચ ફાર્મા કંપનીઓમાં સમાવેશ
લિસ્ટીંગના આંઠ મહિનામાં જ ગ્લેન્ડ ફાર્માનો શેર ટોચના પાંચ માર્કેટ-કેપ ધરાવતાં ફાર્મા શેર્સમાં સ્થાન પામ્યો છે. ગુરુવારે જૂન ક્વાર્ટરના સારા પરિણામો પાછળ કંપનીનો શેર 9.27 ટકા ઉછળી રૂ. 4146.70ની સપાટી પર બંધ રહ્યો હતો. જે દરમિયાન તેનું માર્કેટ-કેપ રૂ. 68104 કરોડ જોવા મળતું હતું. ઈન્ટ્રા-ડે તેણે રૂ. 4168ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. કંપની નવેમ્બર 2020માં શેરબજાર પર લિસ્ટ થઈ હતી. રૂ. 1500ના ભાવે ઓફર કરવામાં આવેલો શેર રૂ. 2000ની આસપાસ લિસ્ટ થયો હતો. જ્યાંથી સતત સુધારો દર્શાવતો રહ્યો છે.
સ્પેશ્યાલિટી સ્ટીલ માટે રૂ. 6322 કરોડની PLI સ્કીમને મંજૂરી
વિશેષ સ્કીમ 5.25 લાખ રોજગારી સર્જન કરશે તથા આયાત પરની નિર્ભરતા ઘટાડશે
કેન્દ્રિય કેબિનેટે ગુરુવારે સ્પેશ્યાલિટી સ્ટીલ ઉત્પાદકો માટે રૂ. 6322 કરોડની પ્રોડક્ટ્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હતી. આ પગલાનો હેતુ સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને વેગ આપવાનો તથા ક્ષેત્ર તરફથી નિકાસને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે એમ ઈન્ફર્મેશન અને બ્રોડકાસ્ટીંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઈન્સેન્ટીવ્સની આ રકમ આગામી પાંચ વર્ષોમાં પૂરી પાડવામાં આવશે અને તે 5.25 લાખ જોબ્સનું સર્જન કરશે.
તેમણે જણાવ્યું હતું કે સ્કીમને કારણે મેન્યૂફેક્ચરિંગને વેગ મળશે અને આયાતમાં ઘટાડો કરવામાં સહાયતા મળી રહેશે. પીએલઆઈ સ્કીમમાં કોટેડ-પ્લેટેડ સ્ટીલ પ્રોડક્ટ્સ, હાઈ સ્ટ્રેન્થ-વિઅર રેસિસ્ટન્ટ સ્ટીલ, સ્પેશ્યાલિટી રેઈલ્સ, અલોય સ્ટીલ પ્રોડક્ટ્સ, સ્ટીલ વાયર્સ અને ઈલેક્ટ્રિકલ સ્ટીલનો સમાવેશ થાય છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સ્ટીલ પ્રોડક્ટ્સનો વિવિધ ઉપયોગ થાય છે. જેમાં વ્હાઈટ ગુડ્ઝ, ઓટોમોબાઈલ બોડી પાર્ટ્સ અને કોમ્પોનેન્ટ્સ, ઓઈલ એન્ડ ગેસ ટ્રાન્સપોર્ટેશન માટેના પાઈપ્સ, બોઈલર્સ, ડિફેન્સ એપ્લિકેશન માટે બેલેસ્ટીક એન્ડ આર્મર શીટ્સ, હાઈ સ્પીડ રેલ્વે લાઈન્સ, ટર્બાઈન કોમ્પોનેન્ટ્સ, પાવર ટ્રાન્સફોર્મર્સ અને ઈલેક્ટ્રીક વેહીકલ્સ માટે ઈલેટ્રીકલ સ્ટીલનો સમાવેશ થાય છે. આ સ્કીમ અમલમાં આવ્યાં બાદ દેશમાં હાઈ ગ્રેડ સ્પેશ્યાલિટી સ્ટીલનું ઉત્પાદન વધશે. આ ઉપરાંત તેના કારણે આ પ્રોડક્ટ્સની નિકાસમાં વૃદ્ધિ જોવા મળશે તથા હાઈ-એન્ડ સ્ટીલ માટે આયાત પરની નિર્ભરતાને લઘુત્તમ બનાવવામાં સહાયતા મળશે. આ સ્કીમને કારણે સેક્ટરમાં રૂ. 40 હજાર કરોડનું અંદાજિત રોકાણ આવે તેવી અપેક્ષા છે. જ્યારે ક્ષમતામાં 25 લાખ ટનની વૃદ્ધિ જોવા મળી શકે છે. સ્કીમ 2023-24થી 2027-28ના પાંચ વર્ષો સુધી ચાલુ રહેશે. હાલમાં દેશ સ્ટીલ ક્ષેત્રે નીચલી ગુણવત્તા ધરાવતી વેલ્યૂ ચેઈનમાં હાજરી ધરાવી છે. વેલ્યૂ એડેડ સ્ટીલ ગ્રેડ્સની જરૂરિયાત આયાતથી પૂરી કરવાની રહે છે. જેનું મુખ્ય કારણ સ્ટીલ ઉદ્યોગને ઊંચા લોજિસ્ટીકસ અને ઈન્ફા કોસ્ટ, ઊંચા વીજ ખર્ચ, મૂડી ખર્ચ અને કરવેરાને કારણે નડી રહેલી પ્રતિ ટન રૂ. 80-100 ડોલરની ડિસેબિલિટીઝ છે. જોકે આ સ્કીમનો લાભ મળતાં આ અક્ષમતા દૂર થશે અને ભારતીય ઉત્પાદકો સ્પર્ધાત્મક બની રહેશે.
Market Summary 22 July 2021
July 22, 2021