Market Summary 22 July 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

પાંચેય સત્રોમાં તેજી સાથે કેલેન્ડરનું શ્રેષ્ઠ સપ્તાહ જોવાયું
સતત છ દિવસ સુધારાથી રોકાણકારોને મોટી રાહત
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.25 ટકા ઘટી 16.65ના સ્તરે
વૈશ્વિક બજારોમાં ચીનને બાદ કરતાં ટ્રેન્ડ પોઝીટીવ
બેંકિંગે એકલે હાથે બજારને સપોર્ટ પૂરો પાડ્યો
નિફ્ટી ઓટો અને એફએમસીજી નવી ઊંચાઈએ બંધ આપવામાં સફળ
આઈટી, ફાર્મા, એનર્જીમાં જોવા મળેલી નરમાઈ
લાર્જ-કેપ્સ પર ફોકસ વધતાં બ્રોડ માર્કેટમાં સુસ્તી

સપ્તાહના આખરી સત્રમાં તેજી સાથે કેલેન્ડર 2022નું શ્રેષ્ઠ સપ્તાહ સમાપ્ત થયું હતું. અગાઉ જાન્યુઆરીમાં આ રીતે સળંગ સુધારો જોવા મળ્યો હતો. જોકે પૂરા થયેલા સપ્તાહે રોકાણકારોને ખૂબજરૂરી રાહત પૂરી પાડી હતી. બીએસઈ સેન્સેક્સ 390 પોઈન્ટ્સ સુધારા સાથે 56072ની સપાટી પર જ્યારે નિફ્ટી 114 પોઈન્ટ્સ મજબૂતી સાથે 16719ની સપાટી પર બંધ રહ્યાં હતાં. ચાલુ સપ્તાહે સેન્સેક્સે 55 હજાર અને 56 હજારની સપાટી પાર કરી હતી. નિફ્ટીએ સાપ્તાહિક ધોરણે 600 પોઈન્ટ્સથી વધુનો સુધારો નોંધાવ્યો હતો. નિફ્ટીના 50 ઘટક સભ્યોમાંથી 33 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 17માં નરમાઈ જોવા મળતી હતી. માર્કેટ પાર્ટિસિપન્ટ્સનું ફોકસ લાર્જ-કેપ્સ પર વધતાં બ્રોડ માર્કેટમાં સપ્તાહના આખરી દિવસે થોડી સુસ્તી જોવા મળી હતી. જોકે તેમ છતાં બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.25 ટકા ગગડી 16.65ના ચાર મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજારોમાં જળવાયેલા પોઝીટીવ ટ્રેન્ડને કારણે સ્થાનિક બજારમાં તેજીવાળાઓનો આત્મવિશ્વાસ સતત વધતો જોવા મળ્યો હતો. જેની પાછળ બજાર લાંબી રેલી દર્શાવવામાં સફળ રહ્યું હતું. ગુરુવારની માફક શુક્રવારે પણ એક તબક્કે માર્કેટમાં ટોચના સ્તરેથી વેચવાલી જોવા મળી હતી અને તે નેગેટિવ બનવા તરફ જઈ રહ્યું હતું. જોકે ત્યારબાદ બેંકિંગ સેક્ટરમાં ભારે લેવાલી નીકળી હતી અને બજાર બંધ થવા સુધી સતત સુધારો દર્શાવતું રહ્યું હતું. શુક્રવારે બજારને બેંકિંગ તરફથી એકલે હાથે સપોર્ટ સાંપડ્યો હતો. બેંકિંગમાં તેજીની આગેવાની પ્રથમ હરોળના બેંકિંગ શેર્સ તરફથી જોવા મળી હતી. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 1.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુરુવારે 36 હજારનું સ્તર પાર કર્યાં બાદ ઈન્ડેક્સમાં શોર્ટ કવરિંગ પાછળ વધુ સુધારાની શક્યતાં પ્રબળ બની હતી. ઈન્ડેક્સને સપોર્ટ કરવામાં એચડીએફસી બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંક મુખ્ય હતાં. આ તમામ બેંક શેર્સ 1.5ટકાથી 2.5 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે બીજી અને ત્રીજી હરોળના બેંક શેર્સમાં ખરીદી ધીમી પડી હતી. ગુરુવારે 8 ટકાનો ઉછાળો દર્શાવનાર ઈન્ડસઈન્ડ બેંકનો શેર સાંકડી રેંજમાં અથડાતો જોવા મળ્યો હતો. સાથે એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર પણ નરમાઈ દર્શાવતો હતો. પીએસયૂ બેંક શેર્સમાં જેકે બેંક, કેનેરા બેંક અને ઈન્ડિયા બેંક તથા એસબીઆઈ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જોકે આઈઓબી, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંકમાં નરમાઈ જોવા મળી રહી હતી. બેંકિંગ સિવાય ઓટો, એફએમસીજી અને મેટલમાં સાધારણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 12690ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 12634.20ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સને મુખ્ય સપોર્ટ બોશ, ભારત ફોર્જ, આઈશર મોટર્સ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ તરફથી સાંપડ્યો હતો. ટીવીએસ મોટર્સ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ તેની વિક્રમી ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં એચયૂએલ 1.3 ટકા સુધારા સાથે મુખ્ય કન્ટ્રીબ્યુટર હતો. આ ઉપરાંત મેરિકો, યુનાઈટેડ બ્રુઅરિઝ, નેસ્લે, ડાબર ઈન્ડિયા અને ગોદરેજ કન્ઝ્યૂમર પણ સુધારા સાથે બંધ રહ્યા હતાં. જોકે પીએસઈ, આઈટી, એનર્જી અને ફાર્મા સેકટર્સમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ 0.8 ટકા ડાઉન બંધ રહ્યો હતો. ઓઈલ ઈન્ડિયા, ગેઈલ, એચપીસીએલ, એનટીપીસી અને પાવર ગ્રીડ કોર્પો. જેવા કાઉન્ટર્સમાં 2.6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આઈટી ઈન્ડેક્સ 0.62 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં રિઝલ્ટ અગાઉ ઈન્ફોસિસ 1.75 ટકા જેટલો ઘટાડો દર્શાવતો હતો. જ્યારે માઈન્ડટ્રી, વિપ્રો અને એલએન્ડટી ઈન્ફોટેક પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. ફાર્મા કાઉન્ટર્સમાં લ્યુપિન, આલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ અને બાયોકોન એક ટકાથી વધુ ઘટાડો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઘણા કાઉન્ટર્સ નોંધાપાત્ર સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જેમાં અતુલ 5.5 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ સારા પરિણામ પાછળ 5.4 ટકા ઉછળ્યો હતો. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ 4.8 ટકા, રેઈન ઈન્ડસ્ટ્રીઝ 4.3 ટકા, ગ્રાસિમ 3.9 ટકા, ઈન્ડિયા સિમેન્ટ 3.8 ટકા, એબી કેપિટલ 3.7 ટકા, દાલમિયા ભારત 3.7 ટકા અને રામ્કો સિમેન્ટ 3.4 ટકા સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ સિન્જિન ઈન્ટરનેશનલ 4.4 ટકા, ઈન્ડિયામાર્ટ 4.3 ટકા, એનબીસીસી 3 ટકા, એબીબી ઈન્ડિયા 2.8 ટકા, દિપક નાઈટ્રેટ 2.7 ટકા, મહાનગર ગેસ 2.6 ટકા અને હેવેલ્સ ઈન્ડિયા 2.4 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં છેલ્લાં ચાર સત્રોની સરખામણીમાં માર્કેટ-બ્રેડ્થ થોડી ઘસાઈ હતી. જોકે તે પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3469 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1781 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1541 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ જોવા મળતાં હતાં. પ્લેટફોર્મ પર 109 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોઁધાવ્યું હતું. 147 કાઉન્ટર્સ ફ્લેટ બંધ સૂચવી રહ્યાં હતાં.


નવ મહિનાની અવિરત વેચવાલી બાદ FPIની ચોખ્ખી ખરીદી નીકળી
ચાલુ સપ્તાહે સેકન્ડરી માર્કેટમાં રૂ. 4800 કરોડની ખરીદી સાથે જુલાઈમાં રૂ. 1099 કરોડની લેવાલી

વિદેશી રોકાણકારો(એફપીઆઈ) નવ મહિના પછી ભારતીય શેરબજારમાં ચોખ્ખાં લેવાલ બન્યાં છે. ચાલુ સપ્તાહે શરૂઆતી ચાર સત્રોમાં તેમણે રૂ. 4800 કરોડની ખરીદી સાથે જુલાઈમાં રૂ. 1099 કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાવ્યું છે. સપ્ટેમ્બર 2021 પછી તેમના તરફથી પ્રથમવાર માસિક ધોરણે પોઝીટીવ રોકાણ જોવા મળી રહ્યું છે. ચાલુ મહિનાને હજુ પુરું થવાને એક સપ્તાહ બાકી છે અને તે દરમિયાન તેઓ વધુ રોકાણ દર્શાવે તેવી સંભાવના છે. એફપીઆઈનું વેચાણ અટકતાં છેલ્લાં મહિનામાં બેન્ચમાર્ક્સમાં 8 ટકાથી વધુનો સુધારો નોંધાયો છે.
શુક્રવારે પૂરા થયેલાં સપ્તાહના તમામ પાંચ સત્રો દરમિયાન ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ તેમની બે મહિનાની ટોચ પર પહોંચ્યાં હતાં. જેનું મુખ્ય કારણ વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી વેચવાલી અટકી લેવાલી શરૂ થઈ હોવાનું મનાય છે. એફપીઆઈએ સપ્તાહના પ્રથમ ચાર સત્રોમાં રૂ. 4800 કરોડ આસપાસ રોકાણ નોંધાવ્યું હતું. જેમાં સોમવારે રૂ. 1787 કરોડ, મંગળવારે રૂ. 1061 કરોડ, બુધવારે રૂ. 229.20 કરોડ અને ગુરુવારે રૂ. 1641 કરોડનો સમાવેશ થાય છે. ગયા સપ્તાહે પણ તેમના તરફથી સાધારણ ખરીદી જોવા મળી હતી. જેને કારણે એક તબક્કે જુલાઈમાં જોવા મળતી રૂ. 8 હજાર કરોડની ચોખ્ખી વેચવાલીને સ્થાને ગુરુવારનું કામકાજ પત્યાં બાદ તેઓ ચોખ્ખા લેવાલ બન્યાં હતાં. છેલ્લાં બે મહિના દરમિયાન તેમણે ભારતીય બજારમાં રૂ. 90 હજાર કરોડનું વિક્રમી વેચાણ દર્શાવ્યું હતું. જેમાં મે મહિનામાં રૂ. 40 હજાર અને જૂનમાં રૂ. 50 હજારનું વેચાણ જોવા મળતું હતું. ઓક્ટોબર 2021થી તેઓ સ્થાનિક બજારમાં સતત વેચવાલ બની રહ્યાં હતાં. જૂન 2022 સુધીના નવ મહિનામાં તેમણે 35 અબજ ડોલર આસપાસનું વિક્રમી વેચાણ દર્શાવ્યું હતું. અગાઉ તેમના તરફથી ક્યારેય એકસાથે આટલુ જંગી વેચાણ જોવા મળ્યું નહોતું. વર્તુળોના મતે ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિનો દોર પૂરો થવામાં છે અને તેથી એફઆઈઆઈ તરફથી વેચવાલી પણ લગભગ પૂરી થઈ હોય તેમ જણાય છે. જોકે તેઓ ફરીથી મોટા પ્રમાણમાં ખરીદી દર્શાવે તેવી શક્યતાં હાલમાં નથી જ એમ તેઓ ઉમેરે છે.

ચાલુ કેલેન્ડરમાં FPIs તરફથી વેચવાલી
મહિનો કુલ વેચાણ(રૂ. કરોડમાં)
જાન્યુઆરી 33303
ફેબ્રુઆરી 35592
માર્ચ 41123
એપ્રિલ 17144
મે 39943
જૂન 50203
જુલાઈ* 1099
(* ચોખ્ખી ખરીદી દર્શાવે છે)

ચાલુ વર્ષે ઓટો કંપનીઓનું કેપેક્સ 3 અબજ ડોલરને પાર કરશે
આર્થિક રિકવરી પાછળ વિક્રમી સ્તરે જોવા મળી રહેલા વ્હીકલ ઉત્પાદન પાછળ ઓટોમોબાઈલ કંપનીઓ ચાલુ નાણાકિય વર્ષ 2022-23માં વિક્રમી કેપેક્સ(મૂડીખર્ચ) દર્શાવવા તૈયાર છે. એક્સિસ કેપિટલના અંદાજ મુજબ ઓટોમોટીવ માર્કેટ કેપેક્સ 3 અબજ ડોલરનો મૂડી ખર્ચ દર્શાવશે. રૂપિયાના સંદર્ભમાં તે રૂ. 27 હજાર કરોડ જેટલો થશે. જે કોવિડ અગાઉ 2019-20માં કંપનીઓએ દર્શાવેલા રૂ. 26800 કરોડના સ્તરને પાર કરી જશે. મેટલ સેક્ટર બાદ ઓટોમોબાઈલ સેક્ટર બીજો સૌથી ઊંચો વૃદ્ધિ દર દર્શાવી રહ્યું છે. 75 જેટલી મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું કુલ કેપેક્સ 13 ટકા જેટલું વધી રૂ. 1.6 લાખ કરોડ પર પહોંચશે. ઓટો કંપનીઓએ 2018-19 અને 2019-20 માટે કુલ રૂ. 50 હજાર કરોડની ફાળવણી કરી હતી. જે 2020-21 અને 2021-22 માટે 27 ટકા જેટલી ઘટી રૂ. 37841 કરોડ પર જોવા મળી હતી. જોકે ઓટો સેક્ટરના કેપેક્સમાં વૃદ્ધિ પાછળ મુખ્ય કારણ બે સ્થાનિક ઓટો કંપનીઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ તરફથી ઊંચી ફાળવણી છે.
ચીનનો સપ્લાય ઘટતાં સ્થાનિક સ્ટીલ પ્રોડક્ટ્સ પર પ્રિમીયમ
છેલ્લાં બે મહિના દરમિયાન ભાવમાં ઘટાડો અનુભવી રહેલા સ્થાનિક સ્ટીલ ભાવો આયાતી શીપમેન્ટ્સ પર પ્રિમીયમ અનુભવી રહ્યાં છે. સ્થાનિક હોટ-રોલ્ડ કોઈલ્સના ભાવ ચાઈનીઝ સપ્લાય પર પ્રિમીયમ સાથે પ્રતિ ટન 645 ડોલર(રૂ. 51600)ના ભાવે વેચાઈ રહ્યાં છે. જ્યારે ચીનનો માલ 614 ડોલર(રૂ. 49120) પર જોવા મળી રહ્યાં છે. ચીન ખાતે ઉત્પાદનમાં ઘટાડાને પગલે શીપમેન્ટ્સમાં વિલંબ થઈ રહ્યો છે અને તેથી સ્થાનિક પ્રોડક્ટ્સના ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડાને પગલે પણ આયાત મોંઘી બનતાં હાજર માલોના ભાવ ઊચકાયા હતા. સામાન્યરીતે સ્થાનિક સ્ટીલ પ્રોડક્ટ્સના ભાવ આયાતી માલોની પેરિટીમાં અથવા તો તેમનાથી ડિસ્કાઉન્ટમાં જોવા મળતાં હોય છે. જોકે ઉદ્યોગ વર્તુળોના મતે એકવાર રશિયાનો સસ્તો માલ ભારતીય બજારમાં પ્રવેશશે તો સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને મળી રહેલું પ્રિમિયમ જળવાય તેવું નથી જણાતો. હાલમાં રશિયાન સપ્લાય નાની ક્વોન્ટિટિમાં જોવા મળશે તેમ તેઓ જણાવે છે. જેથી સ્થાનિક ઉત્પાદકોને મોટો વાંધો નહિ આવે.


ઈન્વેસ્ટર્સને બોનસ શેર્સથી નવાજવા ભારતીય કોર્પોરેટ્સમાં ઉત્સાહ
2022માં અત્યાર સુધીમાં 73 કંપનીઓએ બોનસ શેર્સની કરેલી જાહેરાત
અગાઉ કેલેન્ડર 2010માં વિક્રમી 98 કંપનીઓએ બોનસ શેર્સ આપ્યાં હતાં

ચાલુ કેલેન્ડરમાં ભારતીય કોર્પોરેટ કંપનીઓ ઉદાર મને રોકાણકારોને બોનસ શેર્સથી નવાજી રહી છે. 2022ના પ્રથમ સાત મહિનામાં 73 જેટલી કંપનીઓ બોનસ શેર્સ ઈસ્યુ કરવાની જાહેરાત કરી ચૂકી છે. જ્યારે અન્ય પાંચ મહિનામાં નોંધપાત્ર કંપનીઓ બોનસ શેર્સ માટે વિચારણા કરે તેવી શક્યતાં જોવાઈ રહી છે. જે લિસ્ટેડ કોર્પોરેટ જગતમાં બોનસ શેર્સ ઈસ્યુ કરવાનો નવો વિક્રમ રચી શકે છે. અગાઉ કેલેન્ડર 2010માં 98 જેટલી કંપનીઓએ બોનસ શેર્સ ઈસ્યુ કર્યા હતાં. જે અત્યાર સુધીનો કોઈપણ કેલેન્ડર વર્ષનો વિક્રમ છે.
તાજેતરના વર્ષોમાં જોઈએ તો 2018માં શેરબજારમાં લિસ્ટેડ 78 કંપનીઓએ બોનસ શેર્સ આપ્યાં હતાં. જે 2010 પછી સૌથી વધુ બોનસ શેર્સ ઈસ્યુ હતા. જોકે ચાલુ વર્ષે 73 કંપનીઓ બોનસ માટે જાહેરાત કરી ચૂકી છે અને તેથી ચાલુ વર્ષે આંકડો 2018ને પાર કરી જશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે કોવિડ બાદ 2021-22ના વર્ષમાં કંપનીઓની કામગીરીમાં સુધારાને જોતાં કંપનીઓમાં બોનસ શેર્સને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગ્રણી બ્રોકિંગ કંપનીના રિસર્ચ હેડના મતે ગયા નાણાકિય વર્ષમાં વિક્રમી નફો જોવા મળ્યો હતો. જેનો વિશ્વાસ બોનસ ઈસ્યુઅન્સમાં જોવા મળી રહ્યો છે. કોર્પોરેટ ઈન્ડિયા માટે ગયુ વર્ષે નફાકારક્તાને લઈને બમ્પર જોવા મળ્યું હતું. ટેક્સ કન્સલ્ટન્ટ્સના મતે કહેવાતા બોનસ સ્ટ્રીપીંગ પર અંકુશ માટે ટેક્સ નિયમોમાં ફેરફારને કારણે પણ કંપનીઓમાં બોનસ શેર્સ ઈસ્યુ કરવાને લઈને ઉતાવળ જોવા મળી રહી હોય તેવું બને. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારે બજેટની જાહેરાત વખતે બોનસ સ્ટ્રીપીંગ બંધ થાય તે માટે ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 94(8)માં સુધારો કર્યો હતો. નવા નિયમો 1 એપ્રિલ 2023થી લાગુ પડશે.
બોનસ શેર્સ એ કંપની તરફથી રોકાણકારોને ફાળવવામાં આવતાં ફ્રી શેર્સ છે. કંપનીઓ તેમની પાસે પડેલા રિઝર્વ્સ અથવા તો પ્રોફિટ્સમાંથી આવા બોનસ શેર્સ ફાળવતી હોય છે. એટલેકે બોનસ શેર ઈસ્યુ કરવામાં બેલેન્સ શીટમાંથી કેશ દૂર જતી નથી. કંપની જ્યારે ડિવિડન્ડની ચૂકવણી કરે છે ત્યારે તેની પાસે પડેલી કેશ રોકાણકારો પાસે શિફ્ટ થતી હોય છે. બોનસ શેર્સને કારણે જે-તે કંપનીના કાઉન્ટરમાં લિક્વિડીટીમાં સુધારો જોવા મળે છે. લિક્વિડીટી વધવાને કારણે ઘણીવાર નવા રોકાણકારો પણ કંપનીના રોકાણ માટે આકર્ષાતા હોય છે. તેમજ બોનસ શેર્સ ઈસ્યુ કરવાના રેશિયો આધારે શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હોય છે. આમ શેરની સંખ્યા વધવાથી ભાવ ઘટતાં રિટેલ પાર્ટિસિપેશન વધે છે. જ્યારે પણ નાણાકિય રીતે મજબૂત સ્થિતિમાં હોય તેવી કંપની બોનસ શેર્સ ઈસ્યુ કરે છે ત્યારે રોકાણકારોનો તેવી કંપનીમાં વિશ્વાસ વધતો હોય છે. ચાલુ વર્ષે પ્રાઈવેટ કંપનીઓ સાથે જાહેર ક્ષેત્રની કંપનીઓએ પણ નોંધપાત્ર પ્રમાણમાં બોનસ શેર્સની જાહેરાત કરી છે. જેમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, રુરલ ઈલેક્ટ્રીફિકેશન કોર્પો. જેવા નામોનો સમાવેશ થાય છે. પ્રાઈવેટ કોર્પોરેટ્સમાં વરુણ બેવરેજીસ, એયૂ એસએફબી, અજંતા ફાર્મા, નઝારા ટેક્નોલોજિસ, ટોરેન્ટ ફાર્મા, જીએમએમ ફોડલર વગેરેનો સમાવેશ થાય છે.


2022માં બોનસ ઈસ્યુ કરી ચૂકેલી કંપનો
કંપની બોનસ ઈસ્યુ રેશિયો
IOC 1:2
વરુણ બેવરેજિસ 1:2
ટોરેન્ટ ફાર્મા 1:1
એયૂ એસએફબી 1:1
મિંડા ઈન્ડસ્ટ્રીઝ 1:1
REC 1:3
અજંતા ફાર્મા 1:2
રત્નમણિ મેટલ્સ 1:2
ઈઝી ટ્રિપ 1:1
જીએમએમ ફોડલર 2:1


કોર્પોરેટ હેડલાઈન્સ

એસઆરએફઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 3894 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2699 કરોડની સરખામણીમાં 44 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 671.5 કરોડના એબિટા સામે ચાલુ વર્ષે 48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 995 કરોડનો એબિટા દર્શાવ્યો હતો.
જેએસડબલ્યુ એનર્જીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 3026 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1727 કરોડની સરખામણીમાં 75 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2015 કરોડના નેટ પ્રોફિટ સામે ચાલુ વર્ષે 179 ટકા વૃદ્ધિ સાથે રૂ. 560 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો.
જીએસએફસીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 3018 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1851 કરોડની સરખામણીમાં 63 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 136 કરોડના નેટ પ્રોફિટ સામે ચાલુ વર્ષે 154 ટકા વૃદ્ધિ સાથે રૂ. 346 કરોડનો નફો દર્શાવ્યો હતો.
ક્રિસિલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 659 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 529 કરોડની સરખામણીમાં 25 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 101 કરોડના નેટ પ્રોફિટ સામે ચાલુ વર્ષે 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 137 કરોડનો નફો દર્શાવ્યો હતો.
એચડીએફસી બેંકઃ ઈન્ટીગ્રેટેડ એન્યૂઅલ રિપોર્ટ મુજબ દેશમાં સીએસઆર પાછળ ખર્ચ કરનારી બેંકોમાં એચડીએફસી ટોપ પર છે. તેણે 2021-22માં વાર્ષિક 16 ટકા વૃદ્ધિ સાથે સીએસઆર પાછળ રૂ. 736 કરોડ ખર્ચ્યાં હતાં. જેનો 9 કરોડથી વધુ લોકોને લાભ મળ્યો હતો.
કેન ફિન હોમ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 161 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 108 કરોડની સરખામણીમાં 50 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 181 કરોડ પરથી 38 ટકા વધી રૂ. 250 કરોડ રહી હતી.
સાયન્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1250 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1181 કરોડની આવકની સરખામણીમાં 6 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 154 કરોડના નેટ પ્રોફિટ સામે ચાલુ વર્ષે 25 ટકા ઘટાડા સાથે રૂ. 116 કરોડનો નફો દર્શાવ્યો હતો.
એનએલસી ઈન્ડિયાઃ કંપનીએ તમિલનાડુમાં નેયવેલી ખાતે માઈન-3ની સ્થાપના માટે અંદાજિત રૂ. 3755.71ના ખર્ચના ઈન્વેસ્ટમેન્ટ પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ઓરોબિંદો ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીના પ્રમોટર્સે 20.5 લાખ પ્લેજ્ડ શેર્સને છૂટાં કરાવ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage