માર્કેટ સમરી
નિફ્ટીમાં નીચેથી જોવા મળેલું સારુ બાઉન્સ
સોમવારે એક્સપાયરી સપ્તાહની શરૂઆત વોલેટિલિટી ભરી રહી હતી. એક તબક્કે એક ટકા ઘટાડો દર્શાવતાં બેન્ચમાર્ક્સ પાછળથી લગભગ ફ્લેટ બંધ આવ્યાં હતાં. નિફ્ટી તેના 14598ના તળિયાથી નોંધપાત્ર સુધારે 14736 પર બંધ રહ્યો હતો. જોકે જ્યાં સુધી બેન્ચમાર્ક 14900ના સ્તર પર બંધ ના આપે ત્યાં સુધી લોંગ પોઝીશનમાંથી એક્ઝિટ લેવી હિતાવહ છે. બજારને એકથી વધુ ચિંતાઓ સતાવી રહી છે અને તેથી ઊંચી લેવરેજ પોઝીશન રાખવાનું જોખમ ટાળવું જોઈએ.
નિફ્ટી બાઉન્સ થયો પરંતુ બેંક નિફ્ટી નોંધપાત્ર ઘટાડે બંધ આવ્યો
બેન્ચમાર્ક નિફ્ટી દિવસના તળિયાથી પરત ફર્યો હતો પરંતુ બેંક નિફ્ટી દિવસ દરમિયાન ઘટતો રહ્યો હતો અને આખરે 1.7 ટકા ડાઉન બંધ આવ્યો હતો. આમ બેંક નિફ્ટીમાં સ્પષ્ટપણે નરમાઈ જોવા મળી રહી છે. જ્યાં સુધી તે 35000 ઉપર બંધ ના આપે ત્યાં સુધી લોંગ લેવામાં ઉતાવળ કરવી જોઈએ નહિ.
આઈટીનો મહત્વનો સપોર્ટ
નિફ્ટી આઈટી 1.85 ટકા સુધારા સાથે દિવસની ટોચ નજીક જ બંધ રહ્યો હતો. આમ બેંકિંગે નિરાશા આપી હતી તો આઈટીએ આશા આપી હતી. આઈટીને કારણે જ નિફ્ટી બાઉન્સ થવામાં સફળ રહ્યો હતો. આઈટી કાઉન્ટર્સમાં ટીસીએસ 2.6 ટકા, ટેક મહિન્દ્રા 2.5 ટકા, ઈન્ફોસિસ 2 ટકા, એચસીએલ ટેક. 2 ટકા અને ઈન્ફો એજ 1.7 ટકા સુધરી બંધ આવ્યાં હતાં.
અતુલનો શેર રૂ. 7000ની સપાટી કૂદાવી ગયો
સ્પેશ્યાલિટી કેમિકલ કંપની અતુલ લિ.નો શેર રૂ. 7000ની સપાટી કૂદાવી રૂ. 7030 પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 6713ના અગાઉના બંધ ભાવ સામે 4.5 ટકા જેટલો ઉછળ્યો હતો. નોંધપાત્ર સુધી કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ તેણે બ્રેકઆઉટ દર્શાવ્યું હતું અને નવી ટોચ દર્શાવી હતી. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 20 હજાર કરોડને પાર કરી ગયું હતું. માર્ચ 2020ના રૂ. 3300ના સ્તરેથી કંપનીનો શેર 100 ટકાથી વધુ વળતર દર્શાવી રહ્યો છે.
હેસ્ટરબાયોનો શેર 20 ટકા ઉછળ્યો
એનિમલ હેલ્થકેર ક્ષેત્રે સક્રિય હેસ્ટરબાયોનો શેર સોમવારે નરમ બજારમાં પણ 20 ટકા ઉછળ્યો હતો અને પ્રથમવાર રૂ. 2000ની સપાટી પાર કરી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1785ના બંધ સામે રૂ. 360ના તીવ્ર ઉછાળે રૂ. 2142 પર ટ્રેડ થયો હતો અને દિવસ દરમિયાન આ સપાટી આસપાસ અથડાયેલો રહ્યો હતો. કંપનીનો શેર વર્ષના તળિયાથી 120 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો છે.
નરમ બજારમાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
સોમવારે લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં મધ્યમસરની લેવાલી જોવા મળી હતી. જેને કારણે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. એક્સચેન્જ ખાતે 3209માંથી 1505 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1485 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં ચાલી રહ્યાં હતાં. 278 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. એનએસઈ ખાતે નિફ્ટી મીડ-કેપ્સ 0.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં અદાણી જૂથના શેર્સનું યોગદાન મહત્વનું હતું.
ચાંદીમાં રૂ. 1700નો કડાકો, ગોલ્ડ પણ તૂટ્યું
વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડા પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે પણ ધાતુના ભાવમાં તીવ્ર ઘટાડો આવ્યો હતો. સિલ્વર મે વાયદો 2.55 ટકા અથવા રૂ. 1712ના ઘટાડે રૂ. 65848 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે ખૂલતામાં તેણે રૂ. 67000ની ટોચ દર્શાવી હતી. ગોલ્ડમાં પણ 0.8 ટકા અથવા રૂ. 341નો ઘટાડો જોવા મળ્યો હતો અને ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 44680 પર ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સમાં કોપર, લેડ અને એલ્યુમિનિયમમાં નરમાઈ જોવા મળતી હતી. જ્યારે ક્રૂડ પણ સાધારણ ઘટાડો દર્શાવતું હતું.
અદાણી જૂથનું માર્કેટ-કેપ 91 અબજ ડોલરને આંબી ગયું
સોમવારે જૂથની ત્રણ કંપનીઓએ નવી ટોચ દર્શાવતાં જૂથની વેલ્થમાં લગભગ રૂ. 36 હજાર કરોડનો ઉમેરો થયો
અદાણી ગ્રીન એનર્જિ રૂ. 1.96 લાખ કરોડ સાથે સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી જૂથ કંપની
અદાણી ટોટલ, અદાણી ગ્રીન, એદાણી એન્ટરપ્રાઈઝના શેર્સ નવી ટોચ પર
અદાણી જૂથના શેર્સે નરમ બજારમાં નવી ટોચ દર્શાવી હતી અને જૂથ કંપનીઓનું કુલ માર્કેટ-કેપ રૂ. 6.66 લાખ કરોડ અથવા 91 અબજ ડોલરને પાર કરી ગયું હતું. આમ ભારતીય શેરબજારમાં 100 અબજ ડોલરથી વધુની માર્કેટ-વેલ્થ ધરાવતું તે ચોથું કોર્પોરેટ જૂથ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં ટાટા જૂથ, મુકેશ અંબાણીનું રિલાયન્સ જૂથ અને એચડીએફસી જૂથ 100 અબજ ડોલરથી વધુનું માર્કેટ-કેપ ધરાવે છે. જોકે એચડીએફસીના લિસ્ટેડ શેર્સમાં મોટાભાગનો હિસ્સો વિદેશી સંસ્થાકિય રોકાણકારો પાસે છે. જ્યારે અદાણી જૂથ કંપનીઓમાં પ્રમોટર્સનો હિસ્સો એકાદ કંપનીને બાદ કરતાં 75 ટકા જેટલો છે અને તેથી તેઓ પણ 70 અબજ ડોલરની આસપાસ માર્કેટ વેલ્થ ધરાવે છે. ભારતીય શેરબજાર પર વ્યક્તિગત ધોરણે સંપત્તિ ધરાવવામાં મુકેશ અંબાણી બાદ બીજા ક્રમે ગૌતમ અદાણી પરિવાર આવે છે.
સોમવારે અદાણી જૂથની ગ્રીન એનર્જિ કંપની અદાણી ગ્રીનનો શેર રૂ. 1252.20ની સર્વોચ્ચ સપાટી પર 5 ટકાની સર્કિટમાં બંધ રહ્યો હતો. કંપનીના શેરમાં ખૂલતામાં જ સર્કિટ લાગી હતી. કંપનીએ સ્કાયપાવર ગ્લોબલ પાસેથી 50 મેગાવોટ સોલાર એસેટ ખરીદવાના અહેવાલે કંપનીના શેરમાં નવી ટોચ જોવા મળી હતી અને તેનું માર્કેટ-કેપ રૂ. 1.96 લાખ કરોડ પર રહ્યું હતુ. જે એમ-કેપની રીતે જૂથની સૌથી મોટી કંપની છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર પણ 12 ટકા ઉછળી રૂ. 1003ની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. જેનું માર્કેટ-કેપ રૂ. 1.09 લાખ કરોડ પર પહોંચ્યું હતું. જૂથ કંપની અદાણી પોર્ટ્સનો શેર પણ 6 ટકા ઉછળી રૂ. 726 કરોડ પર પહોંચ્યો હતો અને તેનું માર્કેટ-કેપ રૂ. 1.47 લાખ કરોડ રહ્યું હતું. આમ જૂથની ત્રણ કંપનીઓના માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડ પર જોવા મળી રહ્યાં છે. જૂથ કંપની અદાણી ટોટલનો શેર 15 ટકા ઉછળી રૂ. 852ની ટોચ પર ટ્રેડ થયો હતો અને તેનું માર્કેટ-કેપ રૂ. 92 હજાર કરોડ પર જોવા મળતું હતું. આ જ રીતે અદાણી ટ્રાન્સમિશનનો શેર 3 ટકા સુધરી રૂ. 792 પર બંધ રહ્યો હતો. જૂથની પાવર કંપની અદાણી પાવરનો શેર 5 ટકાની સર્કિટમાં રૂ. 96.80ના ભાવે બંધ રહ્યો હતો અને રૂ. 37 હજાર કરોડના એમ-કેપ પર પહોંચ્યો હતો. છેલ્લા એક મહિનામાં ભાવમાં લગભગ બમણી વૃદ્ધિ છતાં હજુ શેર જુલાઈ 2009ના રૂ. 100ના ઈસ્યુ ભાવથી થોડો નીચે જોવા મળી રહ્યો છે. જોકે મંગળવારે 5 ટકાની વધુ એક અપર સર્કિટને ગણનામાં લઈએ તો તે રૂ. 100નું સ્તર દર્શાવી શકે છે. છેલ્લા કેટલાક સત્રોથી અદાણી પાવરનો શેર સતત 5 ટકાની સર્કિટમાં બંધ જોવા મળી રહ્યો છે. એ વાત ઉલ્લેખનીય છે કે અદાણી જૂથે અંતિમ એક વર્ષમાં વિશ્વના અગ્રણી કોર્પોરેટ જૂથમાં સૌથી વધુ ઝડપે સંપત્તિ સર્જન કર્યું છે. તેમણે એસએન્ડપી-500માં સમાવિષ્ટ અગ્રણી કંપનીઓને પણ દેખાવની બાબતમાં પાછળ રાખી દીધી છે.
અદાણી જૂથ કંપનીઓનું એમ-કેપ
કંપની માર્કેટ-કેપ(રૂ. લાખ કરોડમાં)
અદાણી ગ્રીન 1.96
અદાણી પોર્ટ 1.46
અદાણી એન્ટરપ્રાઈઝ 1.09
અદાણી ટોટલ ગેસ 0.92
અદાણી ટાન્સમિશન 0.88
અદાણી પાવર 0.37