બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ 18000નો સપોર્ટ જાળવ્યો, બેંક નિફ્ટીની આગેકૂચ જારી
મેટલ, ફાર્મા, આઈટી, એફએમસીજીમાં વેચવાલીનો દોર યથાવત
મીડ-કેપ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓમાં શેર્સમાં સાર્વત્રિક વેચવાલી
ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સપ્તાહના આખરી દિવસે ગેપ-અપ ઓપનીંગ બાદ વધુ સુધારો દર્શાવ્યાં બાદ બજાર ફરી એકવાર ઝડપથી ગગડ્યું હતું અને ગુરુવારના તળિયા નીચે ટ્રેડ થયું હતું. જોકે ત્યાં સપોર્ટ સાંપડ્યો હતો અને મોટાભાગનો ઘટાડો ભૂંસીને સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 63 પોઈન્ટ્સ ઘટી 18114.90 પર જ્યારે સેન્સેક્સ 102 પોઈન્ટ્સના ઘટાડે 60822ના સ્તરે બંધ રહ્યાં હતાં. બેંક નિફ્ટીએ સતત બીજા દિવસે આઉટપર્ફોર્મન્સ જાળવ્યું હતું અને તે 0.73 ટકા સુધારે 40323.65ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે 40587ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારની શરૂઆત સારી રહી હતી. નિફ્ટી 18178ના અગાઉના બંધ સામે 18314ની ટોચ દર્શાવી હતી. જોકે ત્યાંથી માર્કેટમાં ઘટાડો શરૂ થયો હતો અને તેણે 18034નું તળિયું દર્શાવ્યું હતું. જોકે બેંકિંગે સપોર્ટ પૂરો પાડતાં બેન્ચમાર્ક પરત ફર્યો હતો. નિફ્ટીમાં સૌથી વધુ વેઈટેજ ધરાવતાં બેંક નિફ્ટીમાં મજબૂતી છતાં નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવતાં માર્કેટ નિરીક્ષકોમાં આશ્ચર્ય જોવા મળતું હતું. માર્કેટનું આ વલણ તેમના માટે ચિંતાનું કારણ છે. એક તબક્કે નિફ્ટી એક પુલ બેક દર્શાવશે તો પણ તે ઊંચા સ્તરે ટકવામાં મુશ્કેલી અનુભવશે એમ તેઓ માને છે. કેમકે મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ ઝોનમાં સરી પડ્યાં છે. જેમાં મેટલ, ફાર્મા, એફએમસીજી મુખ્ય છે. શુક્રવારે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી ફાર્મા 1.6 ટકા, આઈટી 1.5 ટકા, એફએમસીજી 1.2 ટકા અને ઓટો ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં. માત્ર બેંકિંગ અને રિઅલ્ટીમાં સુધારો જોવા મળતો હતો. જેમાં રિઅલ્ટી ઈન્ડેક્સ 2.6 ટકા ઉછળ્યો હતો.
નિફ્ટી કાઉન્ટર્સમાં અગ્રણી મોર્ગેજ પ્લેયર એચડીએફસીનો શેર 2.1 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. જ્યારે બજાજ ઓટો, ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંક પણ એક ટકાથી સારો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ હિંદાલ્કોમાં 4.72 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. કોલ ઈન્ડિયા 3.6 ટકા, ટાટા મોટર્સ 3.4 ટકા અને આઈટીસી 3.31 ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. આઈટીસીનો શેર છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સત્રોમાં રૂ. 264ના સ્તરેથી ગગડી રૂ. 236 પર બંધ જોવા મળ્યો હતો. ઊંચો સુધારો દર્શાવનારા કેટલાંક ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ફેડરલ બેંક 7.6 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. શેર એક મહિનામાં 30 ટકાથી વધુ સુધરી રૂ. 100ની સપાટી પાર કરી ગયો છે. સારા પરિણામો પાછળ ટીવીએસ મોટરનો શેર 7.41 ટકા, ઓબેરોય રિઅલ્ટી 3.36 ટકા, ગોદરેજ પ્રોપર્ટી 3 ટકા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 8 ટકા ગગડ્યો હતો. એલઆઈસી હાઉસિંગ અને કેનફિન હોમ્સમાં અનુક્રમે 7 ટકા અને 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મેટલ્સમાં વેદાંતનો શેર 8 ટકા તૂટ્યો હતો. ઈન્ફોએજ અને બાયોકોનમાં અનુક્રમે 6.5 ટકા અને 6.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
2025 સુધીમાં પેસિવ ફંડ્સ AUM 8 ગણુ વધશે
ભારતમાં પેસિવ ફંડ્સનો વ્યાપ ઝડપી વૃદ્ધિ પામી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ફિનિટીએ પેસિવ રોકાણ અંગે તૈયાર કરેલા ‘પેસિવ ઇન્વેસ્ટિંગ રિપોર્ટ 2021’ મુજબ કેલેન્ડર 2025 સુધીમાં દેશમાં પેસિવ સ્કિમ્સનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ 8 ગણુ વધી રૂ. 25 લાખ કરોડ પર પહોંચશે. હાલમાં તે રૂ. 3 લાખ કરોડના સ્તરે જોવા મળે છે. ભારતમાં પેસિવ ફંડ માર્કેટમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં 1200 ટકાથી વધુની તેજી જોવા મળી છે. માર્ચ 2016માં પેસિવ ફંડ એયૂએમ રૂ. 22409 કરોડ પર હતું. જે માર્ચ 2021 સુધીના પાંચ વર્ષોમાં વધીને રૂ. 3.10 લાખ કરોડ પર પહોંચ્યું હતું. છેલ્લાં એક વર્ષમાં પેસિલ એસેટ્સમાં બમણી વૃદ્ધિ જોવા મળી છે. પેસિવ ફંડ્સમાં નીચો ખર્ચ જોતાં રોકાણકારો તે તરફ આકર્ષાઈ રહ્યાં છે.
ભારતી એરટેલનો રાઈટ્સ ઈશ્યૂ 1.43 ગણો છલકાયો
ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલનો રૂ. 21 હજાર કરોડનો રાઈટ્સ ઈશ્યૂ સંપૂર્ણપણે છલકાય ગયો હતો એમ એક્સચેન્જિસે પૂરા પાડેલો ડેટા સૂચવે છે. કંપનીની 39.2 કરોડ શેર્સની ઓફર સામે કુલ 56.2 કરોડ શેર્સ માટે અરજીઓ મળી હતી. આ અરજીઓ એસ્બા રૂટ મારફતે આવી હતી. ઉપરાંત રોકાણકારોને નેટબેંકિંગ અથવા યૂપીઆઈનો ઉપયોગ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી અપ્લાય કરવાનો વિકલ્પ પણ પ્રાપ્ય હતો. જોકે આ રૂટ હેઠળ આવેલી અરજીઓનો હજુ કયાસ મળ્યો નથી. ઈસ્યુ ગુરુવારે પૂરો થયો હતો. કંપનીએ રાઈટ્સ ઈશ્યૂ માટે રૂ. 535 પ્રતિ શેરનો ભાવ નક્કી કર્યો હતો. જે રૂ. 700 આસપાસના બજારભાવથી 23 ટકાનું ડિસ્કાઉન્ટ સૂચવતો હતો. કંપનીમાં 56 ટકા હિસ્સો ધરાવતાં પ્રમોટર મિત્તલ પરિવાર અને સિંગટેલે પણ રાઈટ્સ ઈસ્યૂમાં પાર્ટિસિપેટ કર્યું હતું. તેઓએ આ માટે રૂ. 11730 કરોડનું રોકાણ કરવાનું રહેશે. નવા શેર્સ પાર્ટલી-પેઈડ અપ શેર્સ તરીકે અલગથી લિસ્ટીંગ ધરાવશે અને 28 ઓક્ટોબરે લિસ્ટ થશે.
IRB ઈન્ફ્રાના શેરમાં ત્રણ દિવસોમાં 40 ટકાથી વધુ ઉછાળો
રોડ્સ અને હાઈવે કન્સ્ટ્રક્શન કંપની આઈઆરબી ઈન્ફ્રાના શેરમાં શુક્રવારે વધુ 20 ટકા ઉછાળા સાથે ત્રણ ટ્રેડિંગ સત્રોમાં 40 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે કંપનીનો શેર બીએસઈ ખાતે 20 ટકા સર્કિટમાં રૂ. 293.15ના ભાવે બંધ રહ્યો હતો. જે મે 2018 પછીની તેની સર્વોચ્ચ સપાટી હતી. કંપની 26 ઓક્ટોબરે ત્રિમાસિક પરિણામો સાથે ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી માટે વિચારણા કરવાની છે. જેની પાછળ શેરમાં ખરીદી જોવા મળી હોવાનું વર્તુળો જણાવે છે. કંપનીનો શેર રૂ. 97.40ના વાર્ષિક તળિયા સામે ત્રણ ગણાથી વધુ સુધારો દર્શાવી ચૂક્યો છે. શુક્રવારે કંપની રૂ. 10 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કરી ગઈ હતી.
સોનું-ચાંદી બીજા દિવસે ઉછળ્યાં
વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ સ્થાનિક સોનું-ચાંદી પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. એમસીએક્સ ખાતે ડિસેમ્બર ગોલ્ડ વાયદો 0.65 ટકા અથવા રૂ. 306ના સુધારે રૂ. 47710ની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ડિસેમ્બર સિલ્વર વાયદો રૂ. 598ના સુધારે રૂ. 65611ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીમાં ગોલ્ડ સામે છેલ્લાં કેટલાંક દિવસોમાં આઉટપર્ફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ક્રૂડ, નીકલ અને એલ્યુમિનિયમમાં એક ટકાથી વધુનો સુધારો જોવા મળતો હતો.
વોલેટિલિટીમાં વૃદ્ધિથી નામી કંપનીઓ તેમના IPOsને પાછા ઠેલી શકે
લગભગ 12 કંપનીઓ રૂ. 50 હજાર કરોડ એકત્ર કરવા માટે પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશવા તૈયાર
રૂ. 20 હજાર કરોડ ઊભા કરવા માટે છ કંપનીઓ ટૂંક સમયમાં બજારમાં પ્રવેશવા આતુર
સેબીની મંજૂરી મેળવી ચૂકેલા આઈપીઓમાં પેટીએમ રૂ. 16600 કરોડ સાથે અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ
માર્કેટમાં ચાલુ સપ્તાહે જોવા મળેલા કરેક્શન મોડે પ્રાઈમરી માર્કેટ પાર્ટિસિપન્ટ્સને ચિંતત બનાવ્યાં છે. લગભગ 12 કંપનીઓ રૂ. 50 હજાર કરોડ એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મેળવી ચૂકી છે અને તેઓ ચાલુ કેલેન્ડરમાં જ બજારમાં પ્રવેશવા માટે આતુર જોવા મળે છે. જોકે સેકન્ડરી માર્કેટમાં જોવા મળતી ઊંચી વોલેટિલિટી તેમને અગાઉની યોજનામાં ફેરફાર કરવા માટે ફરજ પાડી શકે છે. માર્કેટ મધ્યસ્થીઓના મતે બજારમાં ઘટાડો અલ્પજીવી નીવડશે તો આઈપીઓ પાઈપલાઈનમાં કોઈ વાંધો નહિ આવે પરંતુ જો કોઈ મોટો ઘટાડો આવશે તો રિટેલ પાર્ટિસિપેશન પર ચોક્કસ અસર પડશે અને ઊંચા વેલ્યુએશન સાથે બજારમાં પ્રવેશવા માગતી કંપનીઓ આવી સ્થિતિમાં પુનઃવિચાર કરે તેવું બની શકે છે.
સેબીએ જેમના ડીઆરએચપીને મંજૂરી આપી છે તેમાં ઈ-કોમર્સ, ફિનટેક, હેલ્થ ઈન્શ્યોરન્સ, એફએમસીજી સહિતના ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે. છેલ્લાં એક મહિનાથી આઈપીઓ માટે મંજૂરી લઈ બેઠેલી આવી કંપનીઓમાં પેટીએમ અગ્રણી છે. કંપની બજારમાં ઓફર-ફોર-સેલ અને ફ્રેશ ઈક્વિટી મારફતે કુલ રૂ. 16600 કરોડ ઊભા કરવા ધારે છે. જે ભારતીય બજારમાં અત્યાર સુધીનું સૌથી મોટું ભરણું બનશે. આ અગાઉ કોલ ઈન્ડિયાએ લગભગ 12 વર્ષ અગાઉ બજારમાંથી રૂ. 11000 કરોડ ઊભા કર્યાં હતા. જ્યારબાદ ફેબ્રુઆરી 2020માં એસબીઆઈ ક્રેડિટ કાર્ડે રૂ. 10300 કરોડ મેળવ્યાં હતાં. જયારે ત્રણ મહિના અગાઉ ઝોમેટોએ રૂ. 9200 કરોડનો આઈપીઓ કર્યો હતો. પેટીએમ ઉપરાંત રૂ. 7000 કરોડ ઊભા કરવાના ઈરાદે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ મૂડી બજારમાં પ્રવેશવા તૈયાર છે. કંપનીમાં જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલા હિસ્સો ધરાવે છે. ઓનલાઈન ઈન્શ્યોરન્સ સેલર પોલીસીબઝારની માલિક કંપની પીબી ફિનટેક રૂ. 6000 કરોડથી વધુનું ભરણું લઈ બજારમાં પ્રવેશવા માગે છે. કંપનીના આઈપીઓને બે દિવસ અગાઉ જ મંજૂરી મળી છે. આ સિવાય એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ(નાયકા) રૂ. 5000 કરોડ એકત્ર કરવાનો ઈરાદો ધરાવે છે. પ્રાઈમરી બજારમાં ઓફર માટે ઈચ્છુક કેટલાંક અન્ય નામોમાં અદાણી વિલ્મેર(રૂ. 4500 કરોડ), મોબીક્વિક(રૂ. 1900 કરોડ), પેન્ના સિમેન્ટ(રૂ. 1550 કરોડ), એએસડીએસ સોફ્ટવેર(રૂ. 1300 કરોડ) અને ફિનો પેમેન્ટ(રૂ. 1300 કરોડ)નો સમાવેશ થાય છે. આમાં ફિનો પેમેન્ટ્સ સહિતની કંપનીઓ છ કંપનીઓ ખૂબ જ ટૂંકાગાળામાં રૂ. 20 હજાર કરોડ એકત્ર કરવા માટે બજારમાં પ્રવેશવા આતુર છે.
માર્કેટ નિરીક્ષકોના મતે બેન્ચમાર્ક તેની ટોચથી હજુ માત્ર 3 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યો છે પરંતુ મીડ અને સ્મોલ-કેપ્સમાં અનેક કાઉન્ટર્સ તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યાં છે. સાથે બજારમાં વોલેટિલિટીમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે. ઈન્ડિયા વિક્સ તાજેતરમાં 18ની સપાટીને પાર કરી ગયો છે અને એક મહિનાની ટોચ પર જોવા મળી રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટીને રિટેલ માનસ પર નેગેટિવ અસર પડતી હોય છે. જેને કારણે તેઓ આઈપીઓથી દૂર રહેવાનું પસંદ કરે તેવું જોવા મળતું હોય છે. જોકે બીજી બાજુ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ માને છે કે નવા આઈપીઓની ક્વોલિટીને ધ્યાનમાં રાખતાં તેઓ આ પડકારને પહોંચી વળશે. આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર અજય સરાફના મતે સેકન્ડરી માર્કેટમાં વેલ્યૂએશન ઘણાં વધી ચૂક્યાં છે અને તેથી છેલ્લાં કેટલાંક સત્રોથી જોવા મળેલી વોલેટિલિટીની બજારની લિક્વિડીટી પર કે માર્કેટ મૂડ પર કોઈ મોટી અસર નહિ પડે. સાથે આઈપીઓના પ્રાઈસિંગમાં પણ પ્રમોટર્સે કોઈ ફેરફાર નહિ કરવો પડે. કેમકે ક્વોલિટી આઈપીઓ બજારમાં પ્રવેશવા જઈ રહ્યાં છે.
માર્કેટમાં પ્રવેશવા આતુર કંપનીઓ
કંપની અંદાજિત ભરણું(રૂ. કરોડમાં)
પેટીએમ 16600
સ્ટાર હેલ્થ 7000
પોલિસીબઝાર 6000
નાયકા 5000
અદાણી વિલ્મેર 4500
મોબિક્વિક 1900
પેન્ના સિમેન્ટ 1550
એસડીએસ સોફ્ટવેર 1300
ફિનો પેમેન્ટ 1300
એસજેએસ એન્ટર. 800
લેટેન્ટ વ્યૂ 600
Market Summary 22 October 2021
October 22, 2021