Market Summary 23/01/2023

શેરબજારમાં બજેટ પૂર્વેની તેજીનો આરંભ
નિફ્ટી 18100ની પર બંધ રહેવામાં સફળ
ઈન્ડિયા વિક્સ 1.3 ટકા ગગડી 13.61ની સપાટીએ
આઈટી, ઓટો, બેંકિંગ, પીએસઈમાં મજબૂતી
મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ
એન્જિનીયર્સ ઈન્ડિયા, આઈડીએફસી નવી ઊંચાઈએ
આલોક ઈન્ડ., વોડાફોન વાર્ષિક તળિયે

વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય શેરબજારમાં પણ મજબૂતી જોવા મળી હતી. જેની પાછળ સેન્સેક્સ એક તબક્કે 61 હજારની સપાટી પાર કરી ગયો હતો. જોકે તે આ સપાટી પર બંધ રહેવામાં નિષ્ફળ રહ્યો હતો. સેન્સેક્સ 319.90 પોઈન્ટ્સ સુધરી 60941.67ની સપાટીએ જ્યારે નિફ્ટી 90.90 પોઈન્ટ્સના સુધારે 18,118.55ની સપાટી પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં નોઁધપાત્ર ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 34 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતા હતાં. જ્યારે 16 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં સુસ્તી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3831 કાઉન્ટર્સમાંથી 1977 ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે 1666 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. 141 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 206 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.3 ટકા ગગડી 13.61ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે નવા સપ્તાહે માર્કેટે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટીએ ગયા સપ્તાહના 18027.65ના બંધ સામે 18118.45ની સપાટી પર ખૂલી વધુ સુધરી 18162.60ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. જોકે આ સ્તરે તે ટકી શક્યો નહોતો અને દિવસ દરમિયાન રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી 0.5 ટકા સુધારે બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 32 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18150.80ની સપાટીએ બંધ જળવાયો હતો. જે લગભગ અગાઉના દિવસ જેટલું જ હતું. આમ માર્કેટમાં કોઈ મોટી લોંગ કે શોર્ટ પોઝીશન ઊભી થઈ હોય તેમ જણાતું નથી. માર્કેટ વર્તુળોના મતે બજેટ અગાઉ હવે ગણતરીના સત્રો બાકી રહ્યાં છે અને તેને કારણે બજેટ પૂર્વેની તેજીની શરૂઆત થઈ હોય તેવી શક્યતાં છે. જોકે ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી નિફ્ટી 18200-18250ની રેંજને પાર ના કરે ત્યાં સુધી નોંધપાત્ર સુધારાની શક્યતાં નથી. જ્યારે નીચે 17900નો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય. સોમવારે નિફ્ટીને સપોર્ટ કરવામાં હિંદુસ્તાન યુનીલિવર ટોચ પર હતો. શેર લગભગ 2 ટકા સુધરી બંધ આવ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર 4 ટકા ગગડ્યો હતો. જેનું કારણ પેરન્ટ કંપનીને રોયલ્ટીના રેટમાં કરવામાં આવેલી વૃદ્ધિ હતું. નિફ્ટીને સપોર્ટ કરનારા અન્ય કાઉન્ટર્સમાં સન ફાર્મા, ટેક મહિન્દ્રા, આઈશર મોટર્સ, યૂપીએલ, ટીસીએસ, ઈન્ફોસિસ, બજાજ ઓટો, એસબીઆઈ, કોલ ઈન્ડિયા અને તાતા મોટર્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ ગ્રાસિમ, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, લાર્સન, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, ઓટો, બેંકિંગ અને પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.88 ટકા ઉછળી 30 હજારનું સ્તર પાર કરી ગયો હતો. જેમાં કોફોર્જ 6.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એલએન્ડટી ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, એમ્ફેસિસ, એચસીએલ ટેક વગેરે મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો 0.83 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં અશોક લેલેન્ડ 2.3 ટકા સુધારા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ભારત ફોર્જ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, તાતા મોટર્સ, ટીવીએસ મોટર્સ અને એમએન્ડએમનો સમાવેશ થતો હતો. નિફ્ટી ફાર્મા 0.9 ટકા મજબૂતી સૂચવતો હતો. જેમાં સન ફાર્મા ઉપરાંત બાયોકોન, લ્યુપનિ, ઝાયડસ લાઈફ, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા અને સિપ્લા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.83 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં હિંદુસ્તાન યુનિલીવર મુખ્ય કન્ટ્રીબ્યુટર હતો. બેંક નિફ્ટી 0.74 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં 4.55 ટકા સાથે બંધન બેંક સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એસબીઆઈ, ફેડરલ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંક પણ મજબૂતી દર્શાવતાં હતાં. જોકે પીએનબી અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 0.6 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઊંચા ઈન્ટરેસ્ટ રેટ પાછળ હાઉસિંગ વેચાણ પર અસરને કારણે સેન્ટિમેન્ટ ખરડાયું હતું. નોંધપાત્ર ઘટાડો દર્શાવનાર રિઅલ્ટી કાઉન્ટર્સમાં સોભા 3.22 ટકા સાથે ટોચ પર હતો. આ સિવાય ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, હેમિસ્ફિઅર, પ્રેસ્ટીજ એસ્ટેટ અને ઓબેરોય રિઅલ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલે અન્ડપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને 0.4 ટકા ગગડ્યો હતો. જેમાં હિંદુસ્તાન ઝીંક, એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને વેદાંત ઘટવામાં મુખ્ય હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટોરેન્ટ પાવર 6 ટકા ઉછળી સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત કોફોર્જ, પર્સિસ્ટન્ટ, કેન ફિન હોમ્સ, બંધન બેંક, ઈન્ટિલેક્ટ ડિઝાઈન, હેવેલ્સ ઈન્ડિયા, એયૂ સ્મોલ ફાઈનાન્સ, બિરલાસોફ્ટ, ગેઈલ અને મણ્ણાપુરમ ફાઈનાન્સ, એલએન્ડટી ટેક્નોલોજીમાં પણ નોઁધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ શ્રી સિમેન્ટમાં 5.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, અતુલ, દાલમિયાન ભારત, ઈન્ડિયા સિમેન્ટ્સ અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ પણ તૂટ્યાં હતાં.

NSEને રૂ. 624 કરોડના ચૂકવણાના સેબીના આદેશને બાજુ પર રાખતી SAT
જોકે ટ્રિબ્યુનલે એનએસઈને ડ્યુ ડિલિજન્સમાં નિષ્ફળતા બદલ રૂ. 100 કરોડની પેનલ્ટી ચૂકવવા જણાવ્યું
એનએસઈના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણન પરના પાંચ વર્ષના પ્રતિબંધને હળવો કર્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જને તથા પ્લેટફોર્મના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણનને મોટી રાહતમાં સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ(સેટ)એ માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી ડિસ્ગોર્જમેન્ટ કેસ હેઠળ કરવામાં આવેલા રૂ. 624 કરોડના ચૂકવણાના આદેશને બાજુ પર રાખ્યો છે. ટ્રિબ્યુનલે એનએસઈને ડ્યુ ડિલિજન્સ જાળવવામાં નિષ્ફળતા બદલ રૂ. 100 કરોડનો દંડ ચૂકવવા આદેશ કર્યો છે. કાનૂની પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ એનએસઈ સામેની તપાસમાં આરોપોને આંશિકપણે બાજુ પર રાખવામાં આવ્યાં છે.
વધુમાં સેટે રામક્રિષ્ણન અને એનએસઈના ભૂતપૂર્વ સીઈઓ રવિ નારાયણ સામેના ડિસ્ગોર્જમેન્ટ ઓર્ડર્સને પણ બાજુ પર રાખ્યાં છે. બંનેને રાહત આપતાં ટ્રિબ્યુનલે તેમની પર પાંચ વર્ષના પ્રતિબંધમાંથી અત્યાર સુધી પસાર થઈ ચૂકેલા પિરિયડનો ઘટાડો પણ કર્યો છે. જોકે સેબીના ઓર્ડરમાં તેમની સામેના આરોપોને જાળવી રાખ્યાં છે. ટ્રિબ્યુનલે આ બાબતે ઈન્ટરવિનર અપીલ્સને રદ કરી હતી અને એનએસઈ સામેની તપાસને આંશિકપણે બાજુ પર રાખી હતી. સુનાવણી દરમિયાન સેટે ઓપીજી સિક્યુરિટીઝ સામેની તમામ તપાસને ગ્રાહ્ય રાખી હતી અને આ મુદ્દે ગેરરિતીની રકમની પુનઃગણતરી કરવા માટે સેબીને મેટર પરત કરી હતી. માર્કેટ રેગ્યુલેટરને પુનઃગણતરી માટે ચાર મહિનાનો સમયગાળો પરત કરવામાં આવ્યો હતો. આ મુદ્દે સેબીનું પ્રતિનિધિત્વ ધ લો પોઈન્ટે કર્યું હતું. એપ્રિલ 2019માં એનએસઈ સામેના કિસ્સામાં માર્કેટ વોચડોગે એનએસઈને વાર્ષિક 12 ટકા વ્યાજ સાથે રૂ. 624 કરોડ ચૂકવવા માટે જણાવ્યું હતું. સેબીએ સ્ટોક એક્સચેન્જ અને ક્લિઅરીંગ કોર્પોરેશનના રેગ્યુલેશન્સના ભંગ બદલ એપ્રિલ 2014થી આ ગણતરી હાથ ધરી હતી. કેટલાંક ક્લાયન્ટ્સને પસંદગીપૂર્વકની એક્સેસના મુદ્દે એનએસઈ સામે કો-લોકેશન મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી.

નવી સિઝનમાં જીરુંનું ઉત્પાદન 4.14 લાખ ટન રહેવાનો અંદાજ
ગઈ સિઝનમાં જીરુંનું ઉત્પાદન 20 ટકા ગગડી 3.88 લાખ ટન પર રહ્યું હતું
મરચાંનું ઉત્પાદન 23 ટકા વૃદ્ધિ સાથે 1.6 કરોડ ટન રહેવાનો અંદાજ
મરીના ઉત્પાદનમાં પણ વૃદ્ધિનો અંદાજ

દેશમાં ચાલુ સિઝનમાં મરચાંનું ઉત્પાદન 23 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે. ઈન્ટરનેશનલ સ્પાઈસ કોંગ્રેસ 2023માં રજૂ કરવામાં આવેલા અંદાજો મુજબ જીરું અને મરી જેવા મસાલા પાકોના ઉત્પાદનમાં પણ ચાલુ વર્ષે વૃદ્ધિ જોવા મળશે. આમ ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ની સિઝનમાં મસાલાઓનું ઉત્પાદન ઊંચું જળવાશે.
ઓલ ઈન્ડિયા સ્પાઈસિસ એક્સપોર્ટર્સ ફોરમ આયોજિત કોંગ્રેસ મુજબ આગામી જીરાના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જળવાય શકે છે. જ્યારે મરચામાં ગયા વર્ષની માફક ભાવ ઊંચા મળે તેવી શક્યતાં નથી. મરીને બાદ કરતાં વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલો ઉત્પાદન ટ્રેન્ડ ભારતમાં પણ પ્રતિબિંબિત થઈ રહ્યો છે. વૈશ્વિક મરીનું ઉત્પાદન ગયા વર્ષે 5.21 લાખ ટનની સરખામણાં ચાલુ વર્ષે 5.39 લાખ ટન થવાની શક્યતાં છે. ઊંચી ઈન્વેન્ટરીને જોતાં મરીના ભાવ પર દબાણ જોવા મળે તેવું માનવામાં આવે છે. જ્યારે ઊંચા કેરી ઓવર સ્ટોક્સ પાછળ હળદરના ભાવમાં સ્થિરતા જળવાય રહેવાની સંભાવના છે. વૈશ્વિક સ્તરે જીરાનું ઉત્પાદન 5 લાખ ટનની નીચે જળવાય રહે તેવી શક્યતાં છે. ભારતમાં પણ તે મહામારી અગાઉના સ્તરની નીચે જ જળવાયેલું રહેશે. જોકે ચીન ખાતે મરચાના પાકમાં 10 ટકા ઘટાડાને પગલે ભારતમાં મરચાના ભાવને લાભ થઈ શકે છે. ચાલુ સિઝનમાં પાકની સ્થિતિને જિવાતથી ખતરો નથી. ખેતરોના સર્વે પરથી દેશમાં પ્રતિ એકરે 1-1.5 ટન મરચાંના ઉત્પાદનની શક્યતાં છે. જેને જોતાં કુલ પાક 1.6 કરોડ ટન રહેવાનો અંદાજ મૂકાય રહ્યો છે. જે ગઈ સિઝનમાં 1.2 કરોડ ટન પર હતો. જીરાની વાત કરીએ તો ગઈ સિઝન કરતાં વધુ ઉત્પાદનની શક્યતાં છતાં ભાવમાં મજબૂતી જળવાય રહેવાનો અંદાજ છે. ગઈ સિઝનમાં જીરાનું ઉત્પાદન 20 ટકા ગગડી 3.88 લાખ ટન પર રહ્યું હતું. જે નવી સિઝનમાં 4.14 લાખ ટન પર રહેવાનો અંદાજ છે. જેને પગલે જીરાનું વૈશ્વિક ઉત્પાદન પણ 4.08 લાખ ટન પરથી વધી 4.35 લાખ ટન પર જોવા મળશે. જોકે ભારતમાં ચોખ્ખો સપ્લાય 7 ટકા નીચો રહેવાની શક્યતાં જોવામાં આવે છે. હળદરનું ઉત્પાદન ગયા વર્ષના 13.29 લાખ ટનની સરખામણીમાં 13.14 લાખ ટન રહેવાની શક્યતાં છે. ભારે વરસાદને કારણે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાના કારણે ઉત્પાદન નીચું જોવાશે. જોકે ગઈ સિઝનનો 1.7 લાખ ટનનો ઊંચો કેરીઓવર સ્ટોક જોતાં ભાવમાં મજબૂતીની શક્યતાં નથી જોવાઈ રહી.

ડિસેમ્બર ક્વાર્ટરના શરૂઆતી પરિણામોમાં આવક-નફા વૃદ્ધિમાં ઘટાડો જોવાયો
કોર્પોરેટ કંપનીઓનો રેવન્યૂ ગ્રોથ સાત ક્વાર્ટર્સના જ્યારે નેટ પ્રોફિટ ગ્રોથ નવ ક્વાર્ટર્સના તળિયે

ડિસેમ્બર ક્વાર્ટર માટે શરૂઆતી પરિણામોનો અભ્યાસ કરતાં જણાય છે કે કંપનીઓની કામગીરી નબળી પડી છે. કોર્પોરેટ પરિણામો સૂચવે છે કે વાર્ષિક ધોરણે રેવન્યૂ ગ્રોથ ધીમો પડ્યો છે. જ્યારે ત્રિમાસિક ધોરણે ઓપરેટિંગ માર્જિનમાં સ્થિરતા જોવા મળી રહી છે.
જાન્યુઆરીના શરૂઆતી ત્રણ સપ્તાહોમાં 240 જેટલી કંપનીઓ ત્રીજા ક્વાર્ટર માટે પરિણામો રજૂ કરી ચૂકી છે. જેમનો અભ્યાસ કરતાં જણાય છે કે તેમની આવકમાં વાર્ષિક ઘોરણે 18 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જે સાત ક્વાર્ટરમાં જોવા મળેલો સૌથી નીચો ગ્રોથ રેટ છે. જ્યારે નેટ પ્રોફિટમાં 0.8 ટકાના દરે વૃદ્ધિ જોવા મળે છે. જે નવ ક્વાર્ટરમાં સૌથી નીચો વૃદ્ધિ દર સૂચવે છે. ઊંચા ઈન્ટરેસ્ટ ખર્ચ અને ઘસારા ખર્ચને કારણે નેટ પ્રોફિટ વૃદ્ધિ ખૂબ નીચી જોવા મળી છે. કંપનીઓના ઓપરેટિંગ માર્જિનમાં ત્રિમાસિક ધોરણે 10 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જોવા મળી છે અને તે 20.7 ટકા પર રહ્યાં છે. કોમોડિટીઝના ભાવમાં ઘટાડાને કારણે આમ બન્યું છે. જોકે વર્ષ અગાઉ જોવા મળતાં 24.7 ટકાના ઓપરેટિંગ માર્જિનની સરખામણીમાં તે નીચું જોવા મળી રહ્યું છે. ત્રીજા ક્વાર્ટર માટેની પરિણામ સિઝનની શરૂઆતમાં એનાલિસ્ટ્સની ધારણા હતી કે ડિસેમ્બર ક્વાર્ટરનો દેખાવ બેંકિંગ કંપનીઓ પાછળ સારો જોવા મળશે. જ્યારે મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ ત્રિમાસિક ધોરણે ઓપરેટિંગ પ્રોફેટિબિલિટીમાં સુધારો દર્શાવશે. જેમાં સિમેન્ટ અને મેટલ કંપનીઓના પરિણામો સારા રહેવાની સંભાવના હતી. ગણતરીમાં લીધેલી 240 કંપનીઓની વાત કરીએ તો બેંકિંગ અને ફાઈનાન્સ કંપનીઓએ પ્રોફિટ ગ્રોથને સપોર્ટ કર્યો હતો. જ્યારે દેશમાં રેવન્યૂ અને માર્કેટ-કેપની બાબતમાં ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામો તેને નીચે તરફ દોરી ગયા હતાં.
જો બેંક્સ અને ફાઈનાન્સિયલ કંપનીઓને બાદ કરે તો અભ્યાસમાં આવરી લીધેલી કંપનીઓનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 7.3 ટકાનો ઘટાડો સૂચવે છે. જ્યારે રેવન્યૂ ગ્રોથમાં વાર્ષિક 16.3 ટકાનો ઘટાડો જોવા મળે છે. અભ્યાસમાં લીધેલી કંપનીઓની કુલ આવકમાં બેંકિંગ અને ફાઈનાન્સ કંપનીઓ 19.2 ટકા યોગદાન ધરાવે છે. જ્યારે નેટ પ્રોફિટમાં તેમનું યોગદાન 32 ટકા જેટલું છે. જો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને અભ્યાસમાં લીધેલી કંપનીઓમાં બાકાત રાખીએ તો પ્રોફિટમાં 5.5 ટકાની વૃદ્ધિ જ્યારે આવકમાં 18 ટકા વૃદ્ધિ જોવા મળે છે. ગયા શુક્રવારે આરઆઈએલે તેના પરિણામો રજૂ કર્યાં હતાં. જેમાં નેટ પ્રોફિટમાં વાર્ષિક 13.3 ટકા ઘટાડો દર્શાવ્યો હતો. કંપનીનો નફો રૂ. 17806 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં તેના પ્રોફિટમાં રૂ. 2836 કરોડનો નવ-ટાઈમ પ્રોફિટ દર્શાવ્યો હતો.જે તેની શેર ઓઈલ એસેટના વેચાણમાંથી આવ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 15.3 ટકા ઉછળી રૂ. 2.21 લાખ કરોડ પર રહી હતી. અભ્યાસમાં લીધેલી કંપનીઓની કુલ આવકમાં રિલાયન્સનો હિસ્સો 32.9 ટકા જેટલો ઊંચો જોવા મળે છે. જ્યારે નેટ પ્રોફિટમા તેનો હિસ્સો 20.7 ટકા બેસે છે. બેંકિંગ, ફાઈનાન્સ, ઓઈલ એન્ડ ગેસ અને આઈટી સેક્ટરની કંપનીઓ કુલ મળીને આવકમાં 76.3 ટકા જ્યારે નેટ પ્રોફિટમાં 86.3 ટકાનો હિસ્સો ધરાવે છે.

દેશમાંથી 9 અબજ ડોલરની મોબાઈલ નિકાસની શક્યતાં
ડિસેમ્બરમાં એપલ 1 અબજ ડોલરના મોબાઈલ ફોન નિકાસ કરનાર પ્રથમ કંપની બની
એપ્રિલથી ડિસે. 2022 સુધીમાં ઈલેક્ટ્રોનિક્સ ગુડ્ઝની નિકાસ 16.67 અબજ ડોલરે પહોંચી

યુએસ જાયન્ટ એપલ દેશમાંથી એક મહિનામાં એક અબજ ડોલરના મૂલ્યની નિકાસ કરનાર પ્રથમ કંપની બની છે. ડિસેમ્બરમાં તેણે એક અબજ ડોલર(રૂ. 8100 કરોડ)ના મૂલ્યના મોબાઈલ નિકાસ કર્યા હતાં. ડિસેમ્બરમાં સમગ્ર ઉદ્યોગ તરફથી રૂ. 10000 કરોડની વિક્રમી મોબાઈલ નિકાસ જોવા મળી હતી.
દેશમાંથી એપલ અને સેમસંગ મોબાઈલ નિકાસકર્તા અગ્રણી પ્લેયર્સ છે. જોકે એપલે સેમસંગને મોબાઈલ નિકાસમાં નોંધપાત્ર માર્જિનથી પાછળ રાખી દીધી છે. દેશમાં એપલ માટે ત્રણ કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર્સ ફોન ઉત્પાદન અને નિકાસ કરે છે. તેઓ આઈફોન 12, 13 અ 14પ્લસ મોડેલ્સની નિકાસ કરે છે. કેટલાંક નાના નિકાસકારો પણ ભારતમાંથી આઈફોન્સની નિકાસ કરે છે એમ સરકારી વર્તુળો જણાવે છે. એપલના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર્સ ફોક્સકોન હોન હાઈ અને પેગાટ્રોન તમિલનાડુમાં તેમની ફેકટરી ધરાવે છે. જ્યારે વિસ્ટ્રોન કર્ણાટકમાં ફેક્ટરી ધરાવે છે. આ ત્રણેય કંપનીઓ સરકારના સ્માર્ટફોન પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ(પીએલઆઈ) ભાગ લઈ રહી છે. તેમણે સરકારને સમયાંતરે ઉત્પાદન, નિકાસ, ઈન્વેસ્ટમેન્ટ્સ અને જોબ્સ સંબંધી ડેટા પૂરો પાડવાનો રહે છે. સરકારના અંદાજ મુજબ ચાલુ નાણા વર્ષ 2022-23માં દેશમાંથી લગભગ 9 અબજ ડોલરની મોબાઈલ નિકાસ જોવા મળશે. જે ગયા વર્ષે જોવા મળેલી 5.8 અબજ ડોલરની નિકાસ કરતાં ઊંચી રહેશે. ઉત્પાદકો તરફથી ઉત્પાદનમાં અને નિકાસમાં વૃદ્ધિ પાછળ આમ શક્ય બનશે. અધિકારીઓના જણાવ્યા મુજબ મહિને એક અબજ ડોલરની નિકાસ એપલને સરકારની મહત્વાકાંક્ષી પીએલઆઈ સ્કીમની આગેવાન બનાવે છે. સરકારે પાછળથી આ નિકાસ 13 સેક્ટર્સમાં લંબાવી હતી. જો સેમસંગના યુનિટે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કર્યું હોત તો નિકાસ આના કરતાં પણ ઊંચી જોવા મળે તેમ અધિકારી જણાવે છે. દક્ષિણ કોરિયાઈ કંપનીએ તેના યુનિટને રેગ્યુલર મેઈન્ટેનન્સ માટે 10-15 દિવસ માટે બંધ રાખ્યું હતું. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોધાયો હતો અને નિકાસ પર અસર પડી હતી.
મોબાઈલની નિકાસમાં વૃદ્ધિ પાછળ દેશમાંથી ઈલેક્ટ્રોનિક્સની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિની શક્યતાં છે. વાણિજ્ય વિભાગના મતે એપ્રિલથી ડિસેમ્બર 2022ના પ્રથમ નવ મહિનામાં ઈલેક્ટ્રોનિક્સની નિકાસ 51.56 ટકા વધી 16.67 અબજ ડોલર પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 10.99 અબજ ડોલર પર હતી. એપ્રિલથી નવેમ્બર દરમિયાન જ 6 અબજ ડોલરથી વધુના મૂલ્યના મોબાઈલની નિકાસ થઈ છે.

ડોલર સામે રૂપિયો 21 પૈસા ગગડ્યો
બે સપ્તાહથી સતત સુધારા બાદ ડોલર સામે રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 80.92ની સપાટીએ મજબૂત ખૂલ્યાં બાદ દિવસ દરમિયાન 81.47 સુધી ગગડ્યો હતો અને આખરે 81.38ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે રૂપિયો ડોલર સામે 19 પૈસા મજબૂતી સાથે 81.17ની સપાટી પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને કારણે રૂપિયામાં ઘટાડો અટક્યો હતો એમ ડિલર્સનું માનવું હતું. ઈક્વિટી માર્કેટમાં પણ મજબૂતીને કારણે રૂપિયાને સપોર્ટ મળ્યો હતો. જોકે છેલ્લાં બે સપ્તાહથી સુધારા પાછળ તે સાધારણ ઓવરબોટ બન્યો હતો. જેને કારણે તે નરમાઈ દર્શાવતો હતો.

ટોચના 30 શહેરો સિવાયના વિસ્તારોમાંથી MF એસેટ્સના હિસ્સામાં 11 ટકા વૃદ્ધિ
દેશમાં ટોચના 30 શહેરો સિવાયના પ્રદેશોમાંથી મ્યુચ્યુલ ફંડ્સ હેઠળની એસેટ્સમાં 11 ટકા વૃદ્ધિ જોવા મળી છે. માર્ચ ક્વાર્ટરની આખરમાં આ વિસ્તારોની કુલ એસેટ્સ રૂ. 6.24 લાખ કરોડ પરથી વધી રૂ. 6.96 લાખ કરોડ રહી હતી. નાના શહેરોમાંથી સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન મારફતે વધી રહેલા રોકાણને પગલે આમ બન્યું છે. ફંડ હાઉસિસ પણ બી30 સિવાયના માર્કેટમાં રોકાણકારોના બેઝમાં વૃદ્ધિનો અનુભવ કરી રહ્યાં છે. કોવિડ બાદ શેરબજારોમાં સીધા રોકાણ સાથે મ્યુચ્યુલ ફંડ મારફતે રોકાણમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

અલ્ટ્રાટેક સિમેન્ટઃ ટોચના સિમેન્ટ ઉત્પાદકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1060 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 1110 કરોડના અંદાજની સરખામણીમાં નીચો હતો. કંપનીની આવક રૂ. 15210 કરોડના અંદાજની સામે રૂ. 15520 કરોડ પર રહી હતી. અપેક્ષાથી વિપરીત પરિણામો પાછળ સોમવારે કંપનીનો શેર 3.5 ટકાથી વધુ તૂટ્યો હતો.
નેલ્કોઃ તાતા જૂથ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 5.2 કરોડના પ્રોફિટ સામે 4 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 72 કરોડ સામે 3 ટકા વૃદ્ધિ સાથએ રૂ. 74.2 કરોડ પર રહી હતી.
જેએસડબલ્યુ સ્ટીલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 474 કરોડનો નેટ પ્રોફિટ નોઁધાવ્યો છે. જે રૂ. 990 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. કંપનીનો એબિટા રૂ. 4495 કરોડના અંદાજ સામે 1.2 ટકા સુધરી રૂ. 4547 કરોડ પર જોવા મળ્યો હતો.
એસબીઆઈ લાઈફઃ લાઈફ ઈન્શ્યોરર્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 304.13 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 364.1 કરોડની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. કંપનીનું એપીઈ ગયા વર્ષે રૂ. 4570 કરોડની સરખામણીમાં 18.8 ટકા ઉછળી રૂ. 5430 કરોડ પર રહ્યું હતું.
કરુર વૈશ્ય બેંકઃ પ્રાઈવેટ બેંકે ડિસેમ્બર ક્વાર્ટમાં રૂ. 289.29 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 185.48 કરોડની સરખામણીમાં 55.97 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની ઓપરેટિંગ આવક ગયા વર્ષે રૂ. 1404.51 કરોડની સરખામણીમાં રૂ. 1695.22 કરોડ રહી હતી. ગયા ડિસેમ્બર આખરમાં બેંક 792 શાખાઓ ધરાવતી હતી.
આઈઈએક્સઃ એનર્જી એક્સચેન્જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 77.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 80.4 કરોડની સરખામણીમાં 4 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 117.5 કરોડની સરખામણીમાં 14.7 ટકા ઘટાડે ચાલુ વર્ષે રૂ. 100.3 કરોડ પર જોવા મળી હતી.
પેટ્રોનેટઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1180.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 750 કરોડના અંદાજથી ઊંચો છે. કંપનીનો એબિટા રૂ. 1001 કરોડના અંદાજ સામે રૂ. 1675.4 કરોડ પર રહ્યો હતો.
આઈડીએફસી ફર્સ્ટ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 604.61 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 281.06 કરોડ પર હતો. કંપનીની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 3.18 ટકા પરથી ઘટીને 2.96 ટકા પર જોવા મળી હતી.
સારેગામાઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 52.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 43.4 કરોડની સરખામણીમાં 21 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 150.3 કરોડ સામે ચાલુ વર્ષે 23.4 ટકા વધી રૂ. 185.5 કરોડ પર રહી હતી.
એલટીઆઈએમઃ આઈટી કંપની એલટીઆઈમાઈન્ડટ્રીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1001 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 1070 કરોડના અંદાજ કરતાં ઊંચો છે. જોકે કંપનીના માર્જિન 15.8 ટકાની અપેક્ષા સામે 13.9 ટકા પર જોવા મળ્યાં હતાં.
જેએસડબલ્યુ એનર્જીઃ એનર્જી કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 186.72 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 320.8 કરોડની સરખામણીમાં 40 ટકાથી વધુ ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 1905 કરોડની સરખામણીમાં 15 ટકા વધી ચાલુ વર્ષે રૂ. 2248 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage