બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નવી ટોચ બનાવી નિફ્ટીએ ફ્લેટ બંધ દર્શાવ્યું
બીજા સત્ર દરમિયાન નિફ્ટી 22200 પર બંધ આપવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ઘટી 14.97ના સ્તરે બંધ
રિઅલ્ટી, ફાર્મા, મિડિયા, ઓટોમાં મજબૂતી
પીએસયૂ બેંક, આઈટી, મેટલ, એફએમજીસીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં અન્ડરટોન મજબૂત
વોડાફોન આઈડિયા, કેફિન ટેક, ઈન્ડુસ ટાવર્સ, એસ્ટ્રાલ, એનસીસી નવી ટોચે
પોલીપ્લેક્સ કોર્પ નવા તળિયે
ભારતીય શેરબજારે સપ્તાહની આખરમાં ફ્લેટ બંધ આપ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 22298ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે, ત્યારપછી તે ધીમે-ધીમે ઘસાયો હતો અને 22213ની સપાટીએ બંધ રહ્યો હતો. જે 5 પોઈન્ટ્સનો સાધારણ ઘટાડો સૂચવે છે. બેન્ચમાર્ક સેન્સેક્સ 15 પોઈન્ટ્સના ઘસારે 73143ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે 3936 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2005 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1833 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. એક્સચેન્જ ખાતે 355 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 9 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.51 ટકા ઘટી 14.97ના સ્તરે બંધ રહ્યો હતો.
યુએસ બજારમાં ગુરુવારે મજબૂતી વચ્ચે શુક્રવારે એશિયન બજારો પોઝીટીવ ઓપનીંગ દર્શાવતાં હતાં. જેની પાછળ ભારતીય બજાર પણ ગેપ-અપ ખૂલ્યું હતું. નિફ્ટી 22217ના અગાઉના બંધ સામે 22213ની સપાટીએ ખૂલી ઉપરમાં 22298ની સપાટીએ ટ્રેડ થયો હતો. તે સતત બીજા દિવસે 22200ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 9 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22222ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 53 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 44 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. જેનો અર્થ એવો થાય છે કે ઊંચા મથાળે માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ છે. જે નવી ખરીદીમાં સાવચેતી જાળવવા સૂચવે છે. લોંગ ટ્રેડર્સ 21850ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે. 21850 નીચે માર્કેટમાં ઝડપી ઘટાડો સંભવ છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટાઈટન કંપની, એચડીએફસી લાઈફ, એમએન્ડએમ, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, સિપ્લા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, લાર્સન, નેસ્લે, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બીપીસીએલ, એચસીએલ ટેક્નોલોજી, મારુતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ઓએનજીસી, એસબીઆઈ, ટીસીએસ, ભારતી એરટેલ, આઈટીસી, યૂપીએલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો રિઅલ્ટી, ફાર્મા, મિડિયા, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ પીએસયૂ બેંક, આઈટી, મેટલ, એફએમસીજીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી રિઅલ્ટી એક ટકા મજબૂતી સાથે 919ની સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ફિનિક્સ મિલ્સ 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 0.42 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. તે 19 હજારની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો. તેના ઘટકોમાં ઝાયડસ લાઈફ, લ્યુપિન, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટોએ સાધારણ વૃદ્ધિ સાથે સર્વોચ્ચ ટોચે બંધ આપ્યું હતું. જેના ઘટકોમાં સોના બીએલડબલ્યુ, બાલક્રિષ્ણા ઈન્ડ., મધરસન, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, એમઆરએફમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મિડિયા 1.4 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં ટીવી18 બ્રોડકાસ્ટ, ઝી એન્ટર., જાગરણ પ્રકાશન, સન ટીવી નેટવર્ક, નેટવર્ક 18 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બીજી બાજુ, નિફ્ટી પીએસયૂ બેંક 1.1 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક 3 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, આઈઓબી, બેંક ઓફ બરોડા, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, જેકે બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો વોડાફોન આઈડિયા 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, ઈન્ડુસ ટાવર્સ, એસ્ટ્રાલ લિમિટેડ, ભારત ઈલે., ગોદરેજ પ્રોપર્ટીઝ, ઝી એન્ટરટેઈનમેન્ટ, આઈઆરસીટીસી, ડેલ્ટા કોર્પ, બંધન બેંક, ગુજરાત ગેસ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, શ્રીરામ ફાઈનાન્સ, ઝાયડસ લાઈફ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈડીએફસી, કમિન્સ, પોલીકેબ, અંબુજા સિમેન્ટ્સ, જેકે સિમેન્ટ, સન ટીવી નેટવર્કમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બેંક ઓફ બરોડા, આઈઓસી, એચપીસીએલ, મેક્સ ફાઈ., ટ્રેન્ટ, મેરિકો, નાલ્કો, દિપક નાઈટ્રેટ, ગ્લેનમાર્ક, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયા સિમેન્ટ્સ, બીપીસીએલ, એચસીએલ ટેક્નોલોજી, મૂથૂત ફાઈનાન્સ, ડાબર ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ બંધ દર્શાવનારા કાઉન્ટર્સમાં વોડાફોન આઈડિયા, કેફિન ટેક, ઈન્ડુસ ટાવર્સ, એસ્ટ્રાલ, એનસીસી, ભારત ઈલે., એફડીસી, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ડિયન હોટેલ્સ, જસ્ટ ડાયલ, લેમન ટી, ગુજરાત પીપાવાવ, કમિન્સ ઈન્ડિયા, અંબુજા સિમેન્ટ્સ, એસબીઆઈ લાઈનો સમાવેશ થતો હતો. જ્યારે પોલીપ્લેક્સ કોર્પ નવા તળિયે પહોંચ્યો હતો.
RBIએ પેટીએમને લઈ વધુ પગલાઓ જાહેર કર્યાં
NPCIને થર્ડ-પાર્ટી એપ્લિકેશન બનવા માટેની વિનંતીની ચકાસણી માટે જણાવ્યું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI)ને પેટીએમની માલિક કંપની વન97 કોમ્યુનિકેશન લિ.ની યૂપીઆઈ ચેનલ માટે થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર(TPAP) બનવા માટેની અરજીની ચકાસણી માટે સૂચન કર્યું હતું. સેન્ટ્રલ બેંકે વધુમાં જણાવ્યું હતું કે જો એનપીસીઆઈ વન97 કોમ્યુનિકેશનનને ટીઆરએપીનો દરજ્જો આપે છે તો ‘@paytm’ હેન્ડલ્સ કોઈપણ પ્રકારના અવરોધને ટાળી પેટીએમ પેમેન્ટ્સ બેંકમાંથી નવી આઈડેન્ટીફાઈડ બેંક્સ પર માઈગ્રેટ થઈ શકશે. જ્યાં સુધી વર્તમાન યુઝર્સ નવા હેન્ડલ પર સંતોષકારક રીતે માઈગ્રેડ થઈ જાય ત્યારપછી જ જણાવાયેલા TPAP તરફથી નવા યુઝર્સને ઉમેરી શકાશે એમ આરબીઆઈએ જણાવ્યું હતું. સીમલેસ માઈગ્રેશન માટે એનપીસીઆઈ 4-5 બેંક્સને પેટીએમ સર્વિસ પ્રોવાઈડર(પીએસપી) બેંક્સ તરીકે સર્ટિફિસેશનની સુવિધા આપશે. આવી બેંકોએ હાઈ વોલ્યુમ યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સના પ્રોસેસિંગ માટેની ક્ષમતા સાબિત કરી હોવી જરૂરી છે. આ બાબત કોન્સન્ટ્રેશન રિસ્કને ઘટાડી લઘુત્તમ સ્તરે લઈ જવાના એનપીસીઆઈના નિયમોની દિશામાં હોવાનું આરબીઆઈએ ઉમેર્યું હતું. આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે પેટીએમ ક્યૂઆર કોડ્સ, ઓસીએલનો ઉપયોગ કરતાં મર્ચન્ટ્સ પણ એક અથવા વધુ પીએસબી બેંક્સ સાથે સેટલમેન્ટ એકાઉન્ટ્સ ઓપન કરાવી શકે છે.
જાન્યુઆરીમાં ભારતે ક્રૂડ ઓઈલની વિક્રમી આયાત દર્શાવી
ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરીમાં આયાતમાં 17 ટકા વૃદ્ધિ જોવા મળી
જાન્યુઆરીમાં ભારતે ક્રૂડ ઓઈલની વિક્રમી આયાત દર્શાવી હતી. ડિસેમ્બરમાં રેડ સીમાં શીપીંગ કટોકટી પાછળ ડિસેમ્બરમાં વિલંબિત આવકોને કારણે આમ બન્યું હતું એમ ટ્રેડ વર્તુળો જણાવે છે. ખાસ કરી અમેરિકાથી આવી રહેલાં કાર્ગોમાં વિલંબ થયો હતો. ભારતે જાન્યુઆરીમાં ત્રણ વર્ષોથી વધુ સમયના ગાળા પછી વેનેઝૂએલા ખાતેથી પ્રથમ ઓઈલ કાર્ગો મેળવ્યો હતો. યુએસ તરફથી સાઉથ અમેરિકન ઉત્પાદક પર પ્રતિબંધો હળવા કરવામાં આવતાં આમ બન્યું હતું. જાન્યુઆરીમાં દેશમાં કુલ 52.4 લાખ બેરલ્સ પ્રતિ દિવસની આયાત જોવા મળી હતી. જે ડિસેમ્બરની સરખામણીમાં 17 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે વાર્ષિક ધોરણે 3.5 ટકા જેટલી ઊંચી હતી એમ ડેટા જણાવે છે. અગાઉ જાન્યુઆરી, 2018માં ભારતે 52 લાખ બેરલ્સ પ્રતિ દિવસની આયાત દર્શાવી હતી. જાન્યુઆરીમાં રશિયન ક્રૂડની આયાતમાં બાઉન્સ જોવા મળ્યો હતો અને તે 14.7 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પર જોવા મળી હતી. જે માસિક 10.8 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. જોકે, દેશની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો 30 ટકા પરથી ઘટી 28 ટકા જોવા મળ્યો હતો. જ્યારે દક્ષિણ અમેરિકાનો હિસ્સો 6 ટકાથી વધી 8 ટકા જળવાયો હતો. ભારતીય રિફાઈનર્સે રેડ સીમાં તંગદિલીને કારણે મધ્ય-પૂર્વમાં નજીકના ખરીદારો પાસેથી ખરીદી વધારી હતી.
જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનું માર્કેટ-કેપ રૂ. 2 લાખ કરોડને પાર નીકળ્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૂ. 2989ની નવી ટોચ દર્શાવી
રિલાયન્સ જૂથના શેર્સમાં તેજીનો દોર અકબંધ જોવા મળી રહ્યો છે. શુક્રવારે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર લગભગ 10 ટકા જેટલો ઉછળ્યો હતો અને રૂ. 333.95ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 347.00ની ટોચ દર્શાવી હતી. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.12 લાખ કરોડ જોવા મળ્યું હતું. છેલ્લાં સપ્તાહમાં શેર 17 ટકા જેટલો ઉછળ્યો છે. જ્યારે મહિનામાં તેણે 35 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું છે. સતત આંઠમા સત્રમાં જીઓ ફાઈ.નો શેર પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. બીજી બાજુ, મુકેશ અંબાણી જૂથની ફ્લેગશિપ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર પણ રૂ. 2989ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો. તે અડધા ટકાનો સુધારો દર્શાવતો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 20 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી દેશની પ્રથમ કંપની છે. બીજા ક્રમે તાતા કન્સલ્ટન્સી રૂ. 14.78 લાખ કરોડ જ્યારે એચડીએફસી બેંક રૂ. 10.78 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવે છે.
Market Summary 23/02/2024
February 23, 2024