Market Summary 23/05/2023

બ્લોગ કન્ટેન્ટ

વૈશ્વિક સ્તરે મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સ્થાનિક બજારમાં સ્થિરતા જળવાય
જોકે નિફ્ટી 18400 પર ટકવામાં નિષ્ફળ
મેટલમાં બીજા દિવસે ભારે લેવાલી
ઓટો, ફાર્મા, બેંકિંગમાં અન્ડરટોન મજબૂત
આઈટીમાં ઊંચા મથાળે વેચવાલી
અદાણી જૂથ શેર્સની આગેકૂચ જારી
એક્સાઈડ ઈન્ડ, સિએટ, આઈઓસી નવી ટોચે
આવાસ ફાઈનાન્સિઅર, આદિત્ય બિરલા ફેશન નવા તળિયે

વૈશ્વિક શેરબજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારમાં સુધારો જળવાયો હતો. જોકે, ઊપરના મથાળે દબાણ પાછળ માર્કેટ સુધારો ગુમાવી સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 18 પોઈન્ટ્સના સુધારે 61982ની સપાટીએ જ્યારે નિફ્ટી 34 પોઈન્ટ્સ સુધારે 18348 પર બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખાસ ખરીદીનો અભાવ જોવા મળતો હતો. જોકે, બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3624 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1775 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1733 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. 128 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 42 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. 16 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.24 ટકાના સાધારણ સુધારે 12.60ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે સપ્તાહના બીજા સત્રમાં ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે થઈ હતી. બેન્ચમાર્ક નિફ્ટી 18314ના અગાઉના બંધ સામે 18363ની સપાટીએ ખૂલી ઉપરમાં 19420ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે સત્રના આખરી કલાકમાં પ્રોફિટ બુકીંગ પાછળ સમગ્ર સુધારો ધોવાયો હતો અને બેન્ચમાર્ક્સ પોઝીટીવ-ટુ-ફ્લેટ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 10 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18358 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 11 પોઈન્ટ્સના પ્રિમીયમ સમાન હતો. આમ, માર્કેટમાં નવી લોંગ કે શોર્ટ પોઝીશનમાં ખાસ ઉમેરાની શક્યતાં નથી. ગુરુવારે માર્કેટમાં એક્સપાયરીનો દિવસ જોતાં બે બાજુની વધ-ઘટ સંભવ છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 18330ની સપાટી પાર કરી જતાં તેનો નવો ટાર્ગેટ 18500નો છે. જે આગામી સપ્તાહે જોવા મળી શકે છે. વૈશ્વિક બજારોમાં પણ સેન્ટીમેન્ટ પોઝીટીવ બની શકે છે. જેની સાથે ભારતીય માર્કેટ મજબૂતી દર્શાવે તેવી શક્યતાં છે. નિફ્ટીને સપોર્ટ કરવામાં અદાણી એન્ટરપ્રાઈઝ બીજા દિવસે ટોચ પર રહ્યો હતો. આ ઉપરાંત અન્ય કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ, યૂપીએલ, બીપીસીએલ, એસબીઆઈ લાઈફ, એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક અને આઈટીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ટેક મહિન્દ્રા, ગ્રાસીમ, એપોલો હોસ્પિટલ, એચસીએલ ટેક્નોલોજી, ટાઈટન ટેક્નોલોજી, કોટક મહિન્દ્રા, લાર્સન અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં વેચવાલી જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલમાં બીજા દિવસે ભારે લેવાલી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી મેટલ 2.6 ટકા ઉછળ્યો હતો. ઈન્ડેક્સના મુખ્ય ઘટકમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, એપીએલ એપોલો, મોઈલ, રત્નમણિ મેટલ, સેઈલ, હિંદાલ્કો, એનએમડીસી, તાતા સ્ટીલ, વેદાંત અને કોલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. ઓટો, ફાર્મા, બેંકિંગમાં અન્ડરટોન મજબૂત જોવા મળ્યો હતો. જ્યારે આઈટીમાં ઊંચા મથાળે વેચવાલી નોંધાઈ હતી. આઈટી કંપનીઓમાં એલએન્ડટીમાઈન્ડટ્રી 2.6 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પર્સિસ્ટન્ટ, કોફોર્જ, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, એચસીએલ ટેક્નોલોજીમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝ 13 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડેલ્ટા કોર્પ, એમસીએક્સ ઈન્ડિયા, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, બંધન બેંક, ડિવિઝ લેબ્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઈનાન્સ, આરબીએલ બેંક, એપોલો ટાયર્સ, સીજી કન્ઝ્યૂમરનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એલટીઆઈમાઈન્ડટ્રી, ભારત ઈલેક્ટ્રીક, ડીએલએફ, પર્સિસ્ટન્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, હિંદુસ્તાન એરોનોટીક્સ, બલરામપુર ચીનીમાં પણ નરમાઈ જોવા મળી હતી. વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એક્સાઈડ ઈન્ડ, સિએટ, આઈઓસી નવી ટોચે ટ્રેડ થયાં હતાં. જ્યારે આવાસ ફાઈનાન્સિઅર, આદિત્ય બિરલા ફેશન નવા તળિયે જોવા મળ્યાં હતાં.

અદાણી પોર્ટ્સ હિંડેનબર્ગ રિપોર્ટથી થયેલા નુકસાનને સરભર કર્યું
મંગળવારે સતત બીજા દિવસે અદાણી જૂથ શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ 13 ટકાથી વધુ ઉછળ્યો હતો. જે સાથે છેલ્લાં ત્રણ સત્રોમાં તેણે 46 ટકાની મજબૂતી દર્શાવી છે. જોકે, સૌથી મહત્વની બાબત એ હતી કે જાન્યુઆરીની આખરમાં હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી જૂથની પોર્ટ કંપની અદાણી પોર્ટ્સનો શેર તેને થયેલા નુકસાનમાંથી સંપૂર્ણપણે બહાર આવી ગયો હતો. અદાણી પોર્ટ્સનો શેર ઈન્ટ્રા-ડે રૂ. 785.65ની ટોચ બનાવી રૂ. 734.05ની સપાટીએ બંધ રહ્યો હતો. રોકાણકારોએ ઘટાડે અદાણી પોર્ટ્સના શેર્સમાં હિસ્સો વધાર્યો હોવાથી શેરમાં મજબૂતી જોવા મળી છે. જૂથની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી તે એકમાત્ર શેર છે જે હિંડેનબર્ગ રિપોર્ટ અગાઉ જોવા મળતી સપાટી પર પરત ફર્યો છે. મંગળવારે અન્ય અદાણી જૂથ કંપનીઓમાં અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલના શેર્સ 5-5 ટકાની અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવરના શેર્સ પણ 5-5 ટકામાં બંધ રહ્યાં હતાં. અંબુજા સિમેન્ટ્સ અને એસીસીના શેર્સ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં.

RBIએ રૂ. 2000ની નોટ પરત ખેંચતાં બેંકોના નફાને વેગ મળવાની શક્યતાં
મધ્યસ્થ બેંકનું પગલાને કારણે બેંક્સની ડિપોઝીટ્સમાં રૂ. 2 લાખ કરોડ સુધીની વૃદ્ધિની સંભાવના

ભારતીય બેંકિંગ કંપનીઓ માટે નફાકારક્તાના મુખ્ય માપદંડ એવા ધારણ માર્જિન્સમાં તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી રૂ. 2000ની નોટને પરત ખેંચવાનો નિર્ણય લાભદાયી બની રહે તેવી સંભાવના છે. વર્તુળોના જણાવ્યા મુજબ આરબીઆઈના નિર્ણયને કારણે ડિપોઝીટ્સ માટે તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહેલી બેંકિંગ કંપનીઓની ડિપોઝીટ્સમાં સરળતાથી વૃદ્ધિ જોવા મળશે. જેની પાછળ તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ પર પોઝીટીવ અસર પડશે.
આરબીઆઈએ દેશમાં સૌથી મોટી રકમના ચલણ એવા રૂ. 2000ની નોટ્સને પરત કરવાના લીધેલા નિર્ણયને પગલે બેંક્સની ડિપોઝીટ્સમાં વૃદ્ધિ જોવા મળશે. જે તેમના ફંડ પાછળના ખર્ચને નીચો બનાવશે એમ ટોચની એસેટ મેનેજમેન્ટ કંપનીના અધિકારી જણાવે છે. તેમની ગણતરી મુજબ મધ્યસ્થ બેંકનો નિર્ણય બેંકિંગ કંપનીઓની ડિપોઝીટ્સમાં લગભગ રૂ. 2 લાખ કરોડ સુધીની વૃદ્ધિનું કારણ બની શકે છે. એટલેકે આરબીઆઈએ નિર્ધારિત કરેલી 30 સપ્ટેમ્બરની ડેડલાઈન સુધીમાં આટલી રકમ બેંકોનો ખાતાઓમાં જમા કરાવવામાં આવે તેવી શક્યતાં છે એમ એસેટ મેનેજર ઉમેરે છે. જોકે, આરબીઆઈના નિર્ણયના બીજા દિવસે બેંક્સમાં રૂ. 2000ની નોટ્સને ડિપોઝીટ કરાવવાને લઈને કોઈ મોટો ધસારો જોવા મળ્યો નહોતો.
ગયા નાણા વર્ષ દરમિયાન લોનની ઊંચી માગ સામે ડિપોઝીટ્સમાં નીચી વૃદ્ધિને કારણે બેકિંગ કંપનીઓના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં ઊંચી વૃદ્ધિ જોવા નહોતી મળી. જ્યારે આગામી 31 માર્ચ સુધીમાં આ માર્જિન સાંકડા બને તેવી શક્યતાં મૂકાઈ રહી છે. કેમકે ડિપોઝીટ્સ સામે લોનની માગ હજુ પણ ઊંચી જળવાય છે અને તેથી બેંકિંગ કંપનીઓ વચ્ચે ડિપોઝીટ્સ માટે સ્પર્ધા તીવ્ર બનતાં તેમણે ઊંચા રેટ્સ આપવાના બની રહ્યાં છે. મે મહિનામાં ભારતીય બેંક્સ પાસે રૂ. 18.4 લઆખ કરોડની ડિપોઝીટ્સ જમા હોવાનું આરબીઆઈનો ડેટા સૂચવે છે. જોકે, જેમ ડેડલાઈન નજીક આવશે એમ હાઈ-વેલ્યૂ કરન્સી નોટ્સને ડિપોઝીટ કરાવવા માટે જેમ-જેમ ધસારો જોવાશે તેમ એક અર્થશાસ્ત્રીનું કહેવું છે. જેને કારણે બીજા ક્વાર્ટરમાં બેંક ડિપોઝીટ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાશે. જેની અસર તેમના ત્રીજા અને ચોથા ક્વાર્ટરના પરિણામો પર જોવા મળી શકે છે. સામાન્યરીતે જેઓ રૂ. 2000ની નોટ્સને જમા કરાવશે. તેઓ તેને કેટલોક સમય બેંક્સમાં પાર્ક રાખશે અને પછી તેને ટુકડે-ટુકડે ઉપાડ કરે તેમ માનવામાં આવે છે. જેને કારણે બેંક્સનો કેટલોક સમય નાણા ઉપયોગમાં લેવાની તક મળશે. જોકે, કેટલીક રકમ લોંગ-ટર્મ ડિપોઝીટ્સમાં પણ તબદિલ થશે. જેનો લાભ બેંક્સ લાંબો સમય સુધી લઈ શકશે. એક ટોચની પ્રાઈવેટ બેંકના અધિકારીના મતે સેવિંગ્ઝ એકાઉન્ટ્સમાં સસ્તી ડિપોઝીટ્સ પાછળ બેંક્સના માર્જિન્સમાં સુધારો થશે અને તેમની ફંડ કોસ્ટ પર પોઝીટીવ અસર પડશે. જોકે, બેંક્સ માટે આ જહોજલાલી અલ્પજીવી નીવડશે એમ તેઓ માને છે. તેમના મતે નજીકના સમયમાં શોર્ટ-ટર્મ ડિપોઝીટ્સ પરના રેટ્સ નરમ પડે તેવી શક્યતાં છે.

રાજીવ જૈનની GQGએ અદાણીમાં હિસ્સો 10 ટકા વધારી 3.5 અબજ ડોલર કર્યો
યુએસ સ્થિત ઈન્વેસ્ટરનો જૂથમાં વધુ હિસ્સો ખરીદવાનો વિચાર

યુએસ સ્થિત વરિષ્ઠ રોકાણકાર રાજીવ જૈનની GQG પાર્ટનર્સે ગૌતમ અદાણીના અદાણી જૂથમાં હિસ્સાને વધારી 10 ટકા કર્યો છે. તેમજ તે અદાણી જૂથના ભાવિ ફંડ રેઈઝીંગમાં પણ ભાગ લેશે એમ જણાવ્યું છે. તેઓ અદાણી જૂથને ભારતમાં પ્રાપ્ય શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ તરીકે ગણાવી રહ્યાં છે.
જૈને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષોમાં અમને અદાણી જૂથમાં વેલ્યૂએશનને ધ્યાનમાં રાખી ટોચના રોકાણકારોમાંના એક બનવું ગમશે. અદાણી જૂથની કોઈપણ નવી ઓફરિંગ્સમાં અમને ચોક્કસ પાર્ટનર્સ બનવું ગમશે એમ જીક્યૂજીના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર જૈને ઉમેર્યું હતું. હાલમાં અદાણી જૂથમાં જીક્યૂજીનું કુલ રોકાણ 3.5 અબજ ડોલર જેટલું છે. જોકે, તેમણે જૂથની કઈ કંપનીમાં રોકાણ કર્યું હતું તે જણાવ્યું નહોતું તથા તે સીધી જ ખરીદી હતી કે કેમ તે અંગે કોઈ ઉલ્લેખ નહોતો કર્યો. માર્ચ મહિનામાં જીક્યૂજીએ અદાણી જૂથ કંપનીઓમાં 2 અબજ ડોલરનું કુલ રોકાણ કર્યું હતું. તેણે ફેમિલી ટ્રસ્ટ પાસેથી જૂથની ચાર કંપનીઓમાં શેર્સ ખરીદ્યાં હતાં. એ શરૂઆતી રોકાણને કારણે જંગી માર્કેટ-કેપ ધોવાણ જોઈ ચૂકેલા અદાણી કંપનીઓના શેર્સને રાહત મળી હતી. યુએસ સ્થિત હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પાછળ અદાણી જૂથના શેર્સમાં જાન્યુઆરી આખરથી ફેબ્રુઆરી મધ્ય સુધીમાં 150 અબજ ડોલરથી વધુનું ધોવાણ જોવા મળ્યું હતું. ફ્લોરિડા સ્થિત ભારતીય મૂળના રોકાણકાર જણાવે છે કે તેઓને શોર્ટ સેલર્સના આક્ષેપોને લઈ કોઈ ચિંતા નથી. અદાણી જૂથ પણ અનેકવાર હિંડેનબર્ગના આક્ષેપોને નકારી ચૂક્યું છે. 30-વર્ષોના ઈન્વેસ્ટમેન્ટ કેરિયરમાં મેં હજુ સુધી કોઈ સંપૂર્ણ કઈ શકાય તેવી કંપની જોઈ નથી એમ જૈને વર્ષની શરૂમાં જણાવ્યું હતું. અદાણી જૂથમાં તેમણે કરેલા કોન્ટ્રેરિયન ઈન્વેસ્ટમેન્ટને યોગ્ય ઠેરવતાં જૈને જણાવ્યું હતું કે જૂથના કોલ માઈનીંગ અને એરપોર્ટ્સ એસેટ્સ ભારતના ડેવલપમેન્ટ ગોલ્સ સાથે બંધબેસે છે. હાલમાં તો શેરબજારમાં મોમેન્ટમ જૈનની તરફેણ કરી રહ્યું હોય તેમ જણાય છે. સુપ્રીમકોર્ટ રચિત એક્સપર્ટ પેનલના રિપોર્ટે અદાણી જૂથને શેર સંબંધી ગેરરિતીઓમાં ક્લિનચીટ આપતાં જૂથ કંપનીઓના શેર્સમાં બે સત્રોથી ઊંચી તેજી જોવા મળી રહી છે. ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટે કોંગ્લોમેરટના શેરના ભાવમાં કોઈ ગેરરિતીઓના પુરાવા નોંધ્યાં નહોતા. મંગળવારે અદાણી જૂથનો શેર 19 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે મંગળવારે તેમાં વધુ 13 ટકાનો ઉછાળો નોંધાયો હતો.આમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં તે 46 ટકા જેટલો ઉછળી ચૂક્યો હતો. જૂથના અન્ય લિસ્ટેડ સાહસોના શેર્સમાં પણ બીજા દિવસે સુધારો આગળ વધ્યો હતો અને તેઓ અપર સર્કિટ્સમાં પણ બંધ રહ્યાં હતાં.

દેશના ટોચના રિઅલ્ટી બેરોન્સની વેલ્થમાં ઘટાડો નોઁધાયો
2022-23માં મંગલ પ્રભાત લોધે 20 ટકા સાથે સંપત્તિમાં સૌથી વધુ ધોવાણ દર્શાવ્યું

દેશના ટોચના 10 સંપત્તિવાન રિઅલ એસ્ટેટ સાહસિકોએ ગયા નાણા વર્ષ દરમિયાન તેમની સંપત્તિમાં તીવ્ર ઘટાડો નોઁધાવ્યો હતો એમ રિઅલ એસ્ટેટ પરનો એક રિપોર્ટ જણાવે છે. આ 10 રિઅલ્ટી બેરોન્સમાં મંગલ પ્રભાત લોધા અને મેક્રોટેક ડેવલપર્સના પરિવારે 20 ટકા સાથે સૌથી વધુ ધોવાણ નોંધાવ્યું હતું. ટોચના 10માં એક નવા પ્રવેશક પણ હતાં. ગયા વર્ષે સંપત્તિમાં ધોવાણ જોનારાઓમાં ડીએલએફના રાજીવ સિંઘનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એમ્બેસી ઓફિસ પાર્ક્સના જિતેન્દ્ર વિરવાણી, એમ3એમ ઈન્ડિયાના બસંત બંસલ અને પરિવાર તથા બાગમને ડેવલપર્સના રાજા બાગમનેનો સમાવેશ થાય છે. સિંઘે યાદીમાં બીજીવાર ટોચની પોઝીશન જાળવી રાખી હતી. જોકે વાર્ષિક ધોરણે તેમની વેલ્થ 4 ટકા ઘટી રૂ. 59030 કરોડ પર રહી હતી. જ્યારે લોધા એન્ડ ફેમિલીએ રૂ. 42,270 કરોડ સાથે બીજા ક્રમે વેલ્થ નોંધાવી હતી. મેંડા એન્ડ ફેમિલીનો યાદીમાં પ્રવેશ થયો હતો અને રૂ. 37000 કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે રહ્યાં હતાં. ટોચના 10માં માત્ર ત્રણ રિઅલ્ટ બેરોન્સની સંપત્તિમાં વૃદ્ધિ જોવા મળી હતી.

ઝોમેટોએ દિપિન્દર ગોયલના ઈસોપ્સ પેટે રૂ. 143 કરોડનો ખર્ચ ઉઠાવ્યો
2022-23ના બીજા છ મહિનામાં ઝોમેટોના કો-ફાઉન્ડર પાસે રહેલા ઈસોપ્સ પેટે કંપનીએ કુલ ઈસોપ્સ ખર્ચનો 67.5 ટકા ખર્ચ ભોગવ્યો
કંપનીએ 2022-23માં ઈસોપ્સ પાટે રૂ. 510 કરોડનો ખર્ચ કર્યો

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો એકબાજુ રોકાણકારોને નજીકના સમયગાળામાં જ નફાકારક્તાનો સધીયારો આપી રહી છે ત્યારે કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ દિપિન્દર ગોયલને આપવામાં આવેલા એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શન્સ(ઈસોપ્સ)ના ખર્ચ પેટે 2022-23ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં કંપનીએ રૂ. 143 કરોડનો ખર્ચ ભોગવ્યો હતો એમ એક્સચેન્જમાં ફાઈલ કરાયેલા પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ સૂચવે છે.
કંપનીએ ટોચના ત્રણ મેનેજરીયલ વ્યક્તિઓને આપેલા ઈસોપ્સનો કુલ ખર્ચ રૂ. 156 કરોડ જોવા મળે છે. જેમાં ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર અક્ષાંત ગોયલ અને કંપની સેક્રેટરી સંધ્યા સેઠિયાનો સમાવેશ થાય છે. જે બંનેના ઈસોપ્સનો વ્યક્તિગત ખર્ચ અનુક્રમે રૂ. 13.5 કરોડ અને રૂ. 10 લાખ થવા જાય છે. કંપનીની ફાઈલીંગમાં એમ પણ જણાય છે કે દિપિંન્દર હોયલના શેર-બેઝ્ડ પેમેન્ટ્સ એકાઉન્ટનો ખર્ચ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 212 કરોડના કંપનીના કુલ ઈ-સોપ્સ ખર્ચનો 67.5 ટકા થવા જાય છે. આ જ રીતે કેએમપી(મુખ્ય મેનેજરિયર વ્યક્તિઓ) ઈસોપ ચાર્જિસનો કુલ 74 ટકા ધરાવે છે. જેનો અર્થ એ થાય છે કે બાકીના કર્મચારીઓ કુલ રૂ. 55 કરોડના ખર્ચનો 26 ટકા હિસ્સો જ ધરાવે છે. ઝોમેટોએ ગયા સપ્તાહે શેરધારકોને એક પત્રમાં જણાવ્યું હતું કે 2022-23માં તેણે ઈસોપ્સ પેટે રૂ. 510 કરોડનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો. જે 2021-22માં રૂ. 880 કરોડ પર હતો. ગયા વર્ષે દિપિન્દર ગોયલે કર્મચારીઓને એક આંતરિક નોંધમાં જણાવ્યું હતું કે તે 2021-22માં તેના રૂ. 700 કરોડની રકમને ઈસોપ્સને ઝોમેટો ફ્યુચર ફાઉન્ડેશન માટે આપી દેશે. આ નાણાનો ઉપયોગ ડિલિવરી પાર્ટનર્સના બાળકોના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાશે.

જીઓમાર્ટ બીટુબીના કોન્સોલિડેશન પાછળ રિલાયન્સ રિટેલે છટણી શરૂ કરી
મેટ્રો કેશ એન્ડ કેરી સાથેના ઈન્ટીગ્રેશનના ભાગરૂપે કંપનીએ કેટલાંક વેરહાઉસિસને બંધ કર્યાં

રિલાયન્સ રિટેલે જીઓમાર્ટ બિઝનેસ-ટુ-બિઝનેસ વર્ટિકલના મેટ્રો કેશ એન્ડ કેરીના ભારતીય ઓપરેશન્સ સાથે કોન્સોલિડેશનની શરૂઆત કરી દીધી છે. કંપનીએ તાજેતરમાં જર્મન કંપની પાસેથી મેટ્રો કેશ એન્ડ કેરીની ખરીદી કરી હતી. જ્યારબાદ ઓવરલેપીંગને દૂર કરવા માટે તેણે કેટલાંક વેરહાઉસિસને બંધ કર્યાં છે એમ જાણકાર વર્તુળનું કહેવું છે. એકથી વધુ સ્રોતના જણાવ્યા મુજબ કંપનીએ તેના રિટેલ વર્ટિકલમાં કેટલાંક કર્મચારીઓને છૂટાં પણ કર્યાં છે. જ્યારે કેટલાંકને પર્ફોર્મન્સમાં ઈમ્પ્રૂપમેન્ટ પ્રોસેસ પર લઈ જવાયાં છે.
વર્તુળોના જણાવ્યા મુજબ આ એપ્રાઈઝલ કે એક્ઝિટ્સ માત્ર બીટુબી સેગમેન્ટ પૂરતી જ નથી અને તે સમગ્ર રિટેલ બિઝનેસ માટે હોઈ શકે છે. આ કર્મચારીઓ રિટેલ સેગમેન્ટમાં કંપનીના 4 લાખ કર્મચારીઓના વર્કફોર્સનો નાનો હિસ્સો ધરાવે છે. જેમને નોકરીમાંથી છૂટાં કરવામાં આવ્યાં છે તેમાંના મોટાભાગના સેલ્સ ટીમના ભાગરૂપ છે. વર્તુળો ઉમેરે છે કે રિલાયન્સ રિટેલનો ગોલ નાના વેપારીઓને સર્વ કરવાનો અને મેટ્રો કેશ એન્ડ કેરીની ખરીદી પછી જીઓમાર્ટ બીટુબી બિઝનેસને એક છત નીચે જોડવાનો છે. આ પગલાને કારણે ઓવરલેપીંગ ટાળી શકાશે અને બંને કંપનીઓને એક જ કિરાણા સ્ટોર્સને સર્વિસમાંથી દૂર રાખી શકાશે એમ વર્તુળ જણાવે છે. રિલાયન્સ રિટેલે રૂ. 2850 કરોડમાં મેટ્રો કેશ એન્ડ કેરીના ભારતીય ઓપરેશન્સની ખરીદી કરી હતી.

સરકારના અંદાજ કરતાં ઘઉંની ખરીદી 20 ટકા નીચી રહેશે
નીચી ખરીદી ભાવને અંકુશમાં રાખવા માટે સરકારના હાથ બાંધી શકે

વિશ્વમાં બીજા ક્રમનો ઘઉં ઉત્પાદક દેશ એવો ભારત સતત બીજા વર્ષે સરકારી અંદાજની સરખામણીમાં નીચી ઘઉં ખરીદીનો સામનો કરી રહ્યો છે. સરકાર તરફથી કરવામાં આવેલી ઘઉંની ખરીદીના ટ્રેન્ડ પરથી જણાય છે કે ચાલુ સિઝનમાં તે શરૂઆતી ટાર્ગેટની સામે 20 ટકા જેટલી ઓછી ખરીદી દર્શાવશે એમ સરકારી અધિકારીઓ અને ટ્રેડર્સનું કહેવું છે. સરકાર તરફથી નીચી ખરીદી તેને કોમોડિટીના ઊંચા ભાવ વખતે બજારમાં દરમિયાનગીરી કરવા માટે પૂરતી મોકળાશ ના આપે તેવું બની શકે એમ તેઓ ઉમેરે છે. ગયા વર્ષે ઘઉંના ભાવ વિક્રમી સપાટી પર પહોંચતાં સરકારે ઓપન માર્કેટમાં ઘઉઁનો જથ્થો છૂટો કરી ભાવને અંકુશમાં રાખ્યાં હતાં.
વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ ચાલુ સિઝનમાં ઘઉંની ખરીદી 2.7 કરોડ ટન આસપાસ સમાપ્ત થવાની શક્યતાં છે. જે ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર ઊંચી છે. જોકે સરકારે નિર્ધારિત કરેલા અંદાજથી 20 ટકા જેટલી નીચી રહી જશે. કેલેન્ડર 2022માં સરકારની ઘઉંની ખરીદીમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને તે 1.88 કરોડ પર લાંબા સમયના તળિયા પર જોવા મળી હતી. જેની પાછળ સરકારે દેશમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. છેલ્લાં એક દાયકામાં સરકારી એજન્સીઝે સરેરાશ 3.15 કરોડ ટન ઘઉંની ખરીદી કરી છે. ચાલુ સિઝનમાં સરકારે શરૂઆતમાં 3.415 કરોડ ટન ઘઉં ખરીદીનો અંદાજ બાંધ્યો હતો. કેમકે વર્તમાન સિઝનમાં ઘઉંનું ઉત્પાદન 1.122 કરોડ ટનના વિક્રમી સ્તરે અંદાજવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં જોકે 2.61 કરોડ ટનની ખરીદી જ થઈ છે.. છેલ્લાં કેટલાંક સત્રોથી ખરીદી ધીમી પડી છે. જોકે સરકારી સંસ્થાઓ 30 જૂન સુધી તેમની ખરીદ વિન્ડો ખૂલ્લી રાખશે એમ અધિકારી ઉમેરે છે. મધ્ય ભારતમાં ઘઉંના ભાવમાં 5 ટકા વૃદ્ધિ જોવા મળી છે અને તે સરકારી ખરીદ ભાવ રૂ. 2125 પ્રતિ ક્વિન્ટલ સામે રૂ. 2325 પર ટ્રેડ થઈ રહ્યાં છે. કેટલાંક ખેડૂતો ઊંચા ભાવની અપેક્ષાએ તેમનો માલ સંગ્રહીને બેઠાં છે જેને કારણે પણ સરકારી ખરીદી પર અસર પડી છે.

એએલડી ઓટોમોટિવનું લીઝપ્લાનનું સફળતાપૂર્વક હસ્તાંતરણ
ટીડીઆર કેપિટલની આગેવાની હેઠળના કન્સોર્ટિયમમાં સમાવિષ્ટ એએલડી ઓટોમોટીવે વિશ્વની અગ્રણી ફ્લીટ મેનેજમેન્ટ અને મોબિલિટી કંપનીઓમાંની એક લીઝપ્લાનનું સંપૂર્ણપણે સફળતાપૂર્વર હસ્તાંતરણ પૂર્ણ કર્યું છે. આ ખરીદી એક પરિવર્તનકારી પગલું છે જે સંયુક્ત જૂથને વિશ્વભરમાં સંચાલિત 33 લાખ વાહનોના કુલ ફ્લીટ સાથે અગ્રણી વૈશ્વિક સસ્ટેનેબલ મોબિલિટી કંપની તરીકે સ્થાપિત કરશે. એએલડી ઓટોમોટિવ અને લીઝપ્લાન નેટ ઝીરો તરફ દોરાશે અને ઉદ્યોગના ડિજિટલ પરિવર્તનને વધુ આકાર આપશે. સંયુક્ત એકમ તેની સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા અને સતત વૃદ્ધિ પ્રદાન કરવા માટે સ્કેલ અને પૂરક ક્ષમતાઓનો લાભ લેશે.

ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડ-સિલ્વરમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડ અને સિલ્વરમાં ઘટાડો આગળ વધ્યો છે. મંગળવારે ડોલર ઈન્ડેક્સ 103.42ની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. જે છેલ્લાં કેટલાંક સપ્તાહોની ટોચ હતી. જ્યારે કોમેક્સ ગોલ્ડ 0.9 ટકા નરમાઈ સાથે 1960 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. ઈન્ટ્રા-ડે 1955 ડોલરની નીચી સપાટીએ ટ્રેડ થયું હતું. ચાંદી 2.5 ટકાના ઘટાડે 23.275 ડોલર પર ટ્રેડ થઈ રહી હતી. એમસીએક્સ ખાતે ચાંદી વાયદો વધુ 2 ટકા ગગડી રૂ. 71,261 પર ટ્રેડ થતો જોવા મળતો હતો. જ્યારે ગોલ્ડ વાયદો 0.7 ટકા અથવા રૂ. 415ના ઘટાડે રૂ. 59826 પર ટ્રેડ દર્શાવતો હતો. કોપર, ઝીંક સહિતની બેઝ મેટલ્સમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. જ્યારે ક્રૂડ મજબૂત જોવા મળતું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

બીપીસીએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6477.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 3981 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો છે. કંપનીના માર્જિન ડિસેમ્બર ક્વાર્ટરમાં 3.5 ટકા સામે માર્ચ ક્વાર્ટરમાં વધીને 9.4 ટકા પર જોવા મળ્યાં હતાં. બીપીસીએલનો શેર મંગળવારે 1.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 366.60ની સપાટીએ બંધ રહ્યો હતો.
ફ્યુઝન માઈક્રોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 114.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 13.1 કરોડની સરખામણીમાં 750 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 170.6 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 61 ટકા વધી રૂ. 276.5 કરોડ રહી હતી.
એસજેવીએનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ 17.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 7 કરોડની સરખામણીમાં 150 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 323.1 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 56 ટકા વધી રૂ. 503.8 કરોડ રહી હતી.
ઈઆઈએચઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ 84.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 14.8 કરોડની સરખામણીમાં 500 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 301 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 110 ટકા વધી રૂ. 637.1 કરોડ રહી હતી.
એનએસીએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ 33.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 20.4 કરોડની સરખામણીમાં 64.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 470.9 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 27.1 ટકા વધી રૂ. 598.7 કરોડ રહી હતી.
વા ટેક વાબાગઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 229 કરોડનો કોન્સોલિડેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક 136 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો એબિટા 43 ટકા વધી રૂ. 355 કરોડ પર રહ્યો છે. જ્યારે કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ રૂ. 2961 કરોડ પર રહી છે. કંપનીનું ઓર્ડર ઈનટેક રૂ. 6844 કરોડ પર હતું. કંપની 1600થી વધુ વોટર પ્રોફેશ્નલ્સ ધરાવે છે.
ઈન્ડિયાબુલ્સ હાઉસિઁગઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 262.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 306.8 કરોડની સરખામણીમાં 14.4 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 646.2 કરોડ સામે 13.5 ટકા વધી રૂ. 733.6 કરોડ પર રહી હતી.
કેમલીન ફાઈનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 9.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 389.2 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 426.7 કરોડ રહી હતી.
ધનલક્ષ્મી બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 38.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 23 કરોડની સરખામણીમાં 63.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 96.4 કરોડ સામે 19.5 ટકા વધી રૂ. 115.2 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage