Market Summary 23/06/2023

રેટને લઈને હોકિશ વલણ પાછળ શેરબજારોમાં સાર્વત્રિક નરમાઈનું માહોલ
નિફ્ટીએ 18700ની સપાટી પણ ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.77 ટકા ગગડી 11.23ના સ્તરે
ફાર્મા સિવાય તમામ સેક્ટરલ સૂચકાંકો નરમ
મેટલ, એનર્જી, ઓટો, આઈટીમાં નોંધપાત્ર નરમાઈ
ઓરોબિંદો ફાર્મા, ક્રેડિટએક્સેસ, ટ્રેન્ટ નવી ટોચે
સિટી યુનિયન, અદાણી ટોટલ નવા તળિયે

વૈશ્વિક અગ્રણી સેન્ટ્રલ બેંકર્સ તરફથી તાજેતરમાં નવેસરથી જોવા મળી રહેલા હોકિશ વલણ પાછળ શેરબજાર માટે પૂરું થયેલું સપ્તાહ નરમાઈનું બની રહ્યું હતું. સપ્તાહની શરૂઆતમાં નવી ટોચ દર્શાવનારા બેન્ચમાર્ક્સ સપ્તાહના આખરી ત્રણ સત્રોમાં રેડ ઝોનમાં જોવા મળ્યાં હતાં. શુક્રવારે પણ બે બાજુની વધ-ઘટ પછી બજારો નરમ જળવાયાં હતાં. સેન્સેક્સ 260 પોઈન્ટ્સ ગગડી 62979.37ની સપાટીએ જ્યારે નિફ્ટી 106 પોઈન્ટ્સ ઘટાડે 18,666ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રોડ બેઝ વેચવાલી પાછળ બ્રેડ્થ છેલ્લાં ઘણા સપ્તાહોમાં ખરાબ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3610 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2373 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1107 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. 113 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.77 ટકા ગગડી 11.23ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજાર નેગેટિવ ઓપનીંગ પછી સમગ્ર સત્ર દરમિયાન નેગેટિવ ઝોનમાં જ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18771ના બંધ સામે 18742ની સપાટીએ ખૂલી ઉપરમાં 18756 જ્યારે નીચામાં 18647 પર ટ્રેડ થયો હતો. સાંકડી રેંજમાં ટ્રેડિંગ પછી તેણે દિવસના તળિયા નજીક બંધ આપ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 35 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 18701ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 64 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 29 પોઈન્ટ્સનો તીવ્ર ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જે વધુ ઘટાડાના સંકેત તરીકે લઈ શકાય. આગામી સપ્તાહ એક્સપાયરીનું જોતાં બજારમાં મોટી વધ-ઘટ જોવા મળી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 18600નો સપોર્ટ મહત્વનો છે. જે તૂટશે તો બજાર 18400 સુધી ગગડી શકે છે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ગણ્યા-ગાંઠ્યા કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક મુખ્ય હતો. કાઉન્ટર 3 ટકા મજબૂતી સાથે રૂ. 1300ની સપાટી પાર કરી ગયું હતું. આ ઉપરાંત ડો. રેડ્ડીઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, એનટીપીસી, એચડીએફસી, બજાજ ઓટો, એચસીએલ ટેકનોલોજી પણ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ 7 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત નોંધપાત્ર ઘટાડો દર્શાવનાર અન્ય કાઉન્ટર્સમાં અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, હિંદાલ્કો, ડિવિઝ લેબ્સ, ગ્રાસિમ, એચડીએફસી લાઈફ, હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, એસબીઆઈ, પાવર ગ્રીડ કોર્પોરેશન, તાતા સ્ટીલ, ઓએનજીસી, ઈન્ફોસિસનો સમાવેશ થતો હતો. સેક્ટર સૂચકાંકોમાં ફાર્મા ઈન્ડેક્સ સિવાય અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જેમાં નિફ્ટી મેટલ 2.5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. અદાણી એન્ટરપ્રાઇઝ, એપીએલ એપોલો, નાલ્કો, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, વેલસ્પન કોર્પ, વેદાંત અને તાતા સ્ટીલમાં નોઁધપાત્ર ઘટાડા પાછળ આમ જોવાયું હતું. નિફ્ટી ઓટો પણ 1 ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, મધરસન, ટીવીએસ મોટર, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, બોશ, સોના બીએલડબલ્યુ, ભારત ફોર્જમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઓરોબિંદો ફાર્મા 4 ટકાથી વધુ મજબૂતી સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એબી કેપિટલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, યુનાઈટેડ સ્પિરિટ્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, સીજી કન્ઝ્યૂમર, ગ્લેનમાર્ક, બર્ગર પેઈન્ટ્સમાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, 7 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પિરામલ એન્ટરપ્રાઈઝિસ, અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, એલએન્ડટી ટેક્નોલોજી, આરતી ઈન્ડસ્ટ્રીઝ, વોલ્ટાસ, બલરામપુર ચીની, ઈન્ડિયા સિમેન્ટ્સ, બીપીસીએલ, એસીસી, એમસીએક્સ ઈન્ડિયા, જ્યુબિલિઅન્ટ ફૂડ, સિટી યુનિયન બેંક અને ડો. લાલ પેથલેબ્સમાં પણ નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ઓરોબિંદો ફાર્મા, ક્રેડિટએક્સેસ, ટ્રેન્ટ, પીબી ફિનટેક, ઈન્ટરગ્લોબ એવિએશન, બ્લ્યૂ સ્ટાર, લાર્સન, સુપ્રીમ ઈન્ડનો સમાવેશ થતો હતો. જ્યારે સિટી યુનિયન, અદાણી ટોટલ નવું તળિયું દર્શાવી રહ્યાં હતાં.

ગોલ્ડે છ-મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો દર્શાવ્યો
કોમેક્સ ગોલ્ડ જાન્યુઆરી પછી પ્રથમવાર પાંચ સત્રોમાં 46 ડોલર જેટલું ગગડ્યું
બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.5 ટકા ગગડી 73 ડોલરે જોવા મળ્યો

ગોલ્ડ માટે ચાલુ સપ્તાહ સૌથી પ્રતિકૂળ પુરવાર થયું છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં તેણે સાપ્તાહિક ધોરણે સૌથી મોટો ઘટાડો દર્શાવ્યો છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડના ભાવ શુક્રવારે સવારે ગગડી 1921 ડોલર પર ટ્રેડ થયા હતાં. જ્યારે સ્પોટ ગોલ્ડના ભાવ 1912 ડોલર પર જોવા મળ્યાં હતાં. સાપ્તાહિક ધોરણે તે 46 ડોલર અથવા 2.5 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જે છેલ્લાં છ મહિનામાં સૌથી મોટો છે. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો જોકે સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 230ના ઘટાડે રૂ. 68078 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ગુરુવારે બેંક ઓફ ઈંગ્લેન્ડે નેગેટિવ સરપ્રાઈઝ આપતાં ઈન્ટરેસ્ટ રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી તેને 5 ટકા કર્યો હતો. જે 2008માં જોવા મળતાં 4.5 ટકાની ટોચને પાર કરી ગયો હતો. બ્રિટિશ બેંકે છેલ્લાં પોણા બે વર્ષોમાં રેટને 10 બેસીસ પોઈન્ટ્સ પરથી વધારી 5 ટકા કર્યો છે. બેંકના મતે બ્રિટનમાં ઈન્ફ્લેશનને ઘટવામાં અપેક્ષા કરતાં લાંબો સમય લાગી શકે છે અને તેથી જ રેટ વૃદ્ધિ જરૂરી છે. જેની પાછળ ગોલ્ડના ભાવ 1930 ડોલરના મહત્વના સપોર્ટ નીચે ઉતરી ગયા હતાં. જે શુક્રવારે સવારે વધુ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. માર્કેટના મતે આગામી જુલાઈમાં ફેડ પણ રેટમાં વૃદ્ધિ કરે તેવી 70 ટકા શક્યતાં છે અને તેની પાછળ ગોલ્ડ સહિતના એસેટ ક્લાસિસમાં સેન્ટીમેન્ટ ખરડાયું છે. બીઓઈની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)એ 7-2ના મત ગુણોત્તરથી રેટને વધારી 5 ટકા કર્યો હતો. ફેબ્રુઆરી 2023 પછી તેની આ સૌથી મોટી રેટ વૃદ્ધિ છે. મે મહિનામાં પોલિસીમેકર્સની મિટિંગ વખતે ઊંચા ઈન્ફ્લેશન અને વેતન વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમપીસીએ નોંધ્યું હતું કે તાજેતરમાં રજૂ થયેલો ડેટા ઈન્ફ્લેશનમાં મજબૂતી સૂચવી રહ્યો છે. તેમજ તે નજીકના સમયમાં ઘટે તેવી શક્યતાં નથી જણાતી. ગયા સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલબેંકે પણ બેઝ રેટમાં 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી હતી.

યુએસ સત્તાવાળાઓ તરફથી તપાસની ચિંતાએ અદાણી જૂથના શેર્સ ગબડ્યાં
શુક્રવારે જૂથની કંપનીઓના માર્કેટ-કેપમાં લગભગ રૂ. 55 હજાર કરોડનું ધોવાણ નોંધાયું

અદાણી જૂથે હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી યુએસ સ્થિત રોકાણકારો સમક્ષ કરેલી રજૂઆતની યુએસ સત્તાવાળાઓ તરફથી તપાસ કરવામાં આવી રહી હોવાની ચિંતા પાછળ શુક્રવારે અદાણી જૂથના શેર્સ ઊંધા માથે પટકાયાં હતાં. જેમણે કુલ મળીને રૂ. 55000 કરોડનું માર્કેટ-કેપ ગુમાવ્યું હતું. જ્યારે તમામ જૂથ કંપનીઓનું માર્કેટ-કેપ ફરી રૂ. 10 લાખ કરોડની સપાટી નીચે ઉતરી ગયું હતું.
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ ન્યૂ યોર્ક ખાતે બ્રૂકલીન સ્થિત યુએસ એટર્નીની ઓફિસે ભારતીય કોંગ્લોમેરટમાં ઊંચું હોલ્ડિંગ્સ ધરાવતાં સંસ્થાકિય રોકાણકારોને તપાસ મોકલી હોવાનું આ તપાસ સાથે નજીકથી જોડાયેલા એક વર્તુળે જણાવ્યું હતું. આ માહિતી માટેની વિનંતીમાં અદાણી જૂથે તે રોકાણકારોને શું જણાવ્યું છે તે અંગે પૂછવામાં આવ્યું છે. હજુ આ તપાસ જાહેર નહિ થઈ હોવાથી વ્યક્તિએ નામ નહિ આપવાની શરતે આ વિગતો આપી હતી. યુએસ માર્કેટ રેગ્યુલેટર સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પણ આ પ્રકારની તપાસ હાથ ધરી રહ્યું હોવાનું બે અન્ય વર્તુળોએ બ્લૂમવર્ગને જણાવ્યું હતું. આ અહેવાલ પાછળ અદાણી જૂથની 10 લિસ્ટેડ કંપનીઓના માર્કેટ-કેપમાં રૂ. 54686 કરોડનો ઘટાડો નોઁધાયો હતો અને ગુરુવારે રૂ. 10,27,886 કરોડ સામે તે ગગડીને રૂ. 9,73,200 કરોડ પર જોવા મળ્યું હતું.
સવારે ખૂલતામાં અદાણી જૂથના શેર્સ નોંધપાત્ર નરમાઈ દર્શાવતાં હતાં. જોકે, પાછળથી તેમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. જોકે તેઓ અગાઉના બંધની સરખામણીમાં નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ, અદાણી ગ્રીન ઊંચો ઘટાડો દર્શાવતાં હતાં.
જાણકારોના જણાવ્યા મુજબ યુએસ પ્રોસેક્યુટર્સ તરફથી માહિતી મંગાવવાનો અર્થ ક્રિમિનલ અથવા સિવિલ પ્રોસિડિંગ્સ ફાઈલ કરવું એવો નથી નથો. લો એન્ફોર્સમેન્ટ એજન્સિઝ ઘણીવાર તપાસ શરૂ કરતી હોય છે. જેને આધારે ક્યારેય એક્શન લેવાયા ના હોય તેવું પણ જોવા મળે છે. અમદાવાદ સ્થિત અદાણી જૂથના પ્રવક્તાએ જોકે રોકાણકારોને આ પ્રકારની પૂછપરછ થઈ રહી હોવા અંગે કોઈપણ જાણ હોવાનો ઈન્કાર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે અમારા વિવિધ રોકાણકાર જૂથોને અમે કરેલા ડિસ્ક્લોઝર્સમાં સંપૂર્ણ વિશ્વાસ છે. જૂથ તરફથી યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના આક્ષેપોને શરૂઆતથી જ પાયાવિહોણા ગણાવવામાં આવ્યાં છે.

શુક્રવારે અદાણી જૂથ કંપનીઓનો દેખાવ
સ્ક્રિપ્સ બજારભાવ(રૂ.) અગાઉનો બંધ(રૂ.) ઘટાડો(ટકામાં)

અદાણી એન્ટરપ્રાઈઝ 2233.1 2395.9 -6.79
અદાણી પાવર 242.4 256.8 -5.61
અદાણી પોર્ટ 714.45 745.5 -4.16
અદાણી ટોટલ 634.05 655.1 -3.21
અદાણી ટ્રાન્સ 753.5 804.5 -6.34
અદાણી ગ્રીન 959.5 974.2 -1.50
ACC 1773.8 1831.5 -3.15
અંબુજા સિમેન્ટ 426.2 445 -4.19

PFS ચેરમેન મિશ્રા શેરધારકોના હિતમાં કામ નથી કરી રહ્યાઃ સેબી
2022માં કંપનીમાંછી છ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સે ચેરમેનથી કંટાળી રાજીનામાં આપ્યાં

માર્કેટ રેગ્યુલેટર સેબીએ પીટીસી ઈન્ડિયાના વડા અને તેની સબસિડિયરી પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સિયલ સર્વિસિઝ(PFS)ના ચેરમેન રાજીવ કુમાર મિશ્રાને કારણદર્શક નોટિસ મોકલી હતી. જેનું મુખ્ય કારણ કંપનીના બોર્ડની કામગીરીને અસરકારક રીતે ચાલવા દેવામાં તેમજ તેમની ફરજ નિભાવવાની જવાબદારીમાં જોવા મળતી નિષ્ફળતા હતી.
સેબીએ પીએફએસ ખાતે કેટલાંક નિર્ણયો લેવામાં બોર્ડને બાયપાસ કરવાના અને લોન્સ માટેની શરતોમાં ફેરફાર સહિતના કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દાઓને લઈ નોટિસ ઈસ્યુ કરી હતી. સેબીએ મિશ્રા અને પીએફએસના એમડી અને સીઈઓ પવન સિંઘને 8 મેના રોજ શો-કોઝ નોટિસ પાઠવી હતી. સેબીની તપાસમાં ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને સ્વતંત્ર અને જવાબદારીપૂર્વક કામગીરી નીભાવવામાં મિશ્રા તરફથી સતત અડચણો ઊભી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યાં છતાં પીટીસીના ચેરમેન અને એમડી તરીકે મિશ્રાની નિમણૂંક 28 જૂને શેરધારકો પાસે મંજૂરી માટે આવશે. પીટીસીની એનબીએફસી એવી પીએફએસ 19 જાન્યુઆરી, 2022ના રોજ કંપનીના ત્રણ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરફથી રાજીનામું આપવામાં આવ્યું ત્યારથી સ્કેનર હેઠળ છે. આ ડિરેક્ટર્સે કોર્પોરેટ ગવર્નન્સ અને કોમ્પ્લાયન્સના મુદ્દે રાજીનામાં આપ્યાં હતાં. ત્યારપછી અન્ય ડિરેક્ટર્સે પણ રાજીનામાં આપ્યાં હતાં. સેબીએ તેની નોટિસમાં નોંધ્યું છે કે પીએફએસ અને પીટી ખાતેથી ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરફથી સતત રાજીનામા બોર્ડ મિટિંગ્સમાં ચેરમેનની વર્તણૂંક અંગે ઘણું બધુ કહી જાય છે. તેમના ધ્યાન પર લાવવા છતાં તેઓ બોર્ડના નિર્ણયોનું પાલન નહિ કરવા બદલ મેનેજમેન્ટને કોઈ સવાસ કરી રહ્યાં નથી. કેલેન્ડર 2022માં મિશ્રા અને સિઁઘના મેનેજમેન્ટ દરમિયાન પીએફએસના બોર્ડ પરથી છ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરફથી રાજીનામું આપવામાં આવ્યું હતું.
પીટીસીની સ્થાપના 1999માં સરકારે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપના ભાગરૂપે કરી હતી. જેમાં આંશિક હિસ્સો રાજ્ય સરકારની પાવર કંપનીઓ એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, પીએફસી અને એનએચપીસી ધરાવે છે. આ દરેક કંપનીઓ પીટીસીમાં 4.05 ટકા હિસ્સો ધરાવે છે. એલઆઈસી 5.96 ટકા અને દામોદર વેલી કોર્પોરેશન 3.38 ટકા હિસ્સો ધરાવે છે.

TCS ખાતે જોબ્સ માટે લાંચ લેતાં 4 અધિકારીઓને પાણીચું અપાયું
કંપનીના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રૂપના અધિકારીઓ સ્ટાફિંગ કંપનીઓ પાસેથી લાંચ લઈ નિમણૂંક કરતાં હતા

તાતા જૂથની ટોચની આઈટી સર્વિસ કંપની ટીસીએસે કંપનીમાં જોબ્સ અપાવવા સામે નાણાના કૌભાંડમાં તેના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રૂપ(RMG)ના ચાર અધિકારીઓને છૂટાં કર્યાં છે. તેમજ ત્રણ સ્ટાફિંગ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
દેશની સૌથી મોટી આઈટી સર્વિસિઝ કંપની ટીસીએસ ખાતે બ્રાઈબ્સ-ફોર-જોબ્સ કૌભાંડ બહાર આવતાં તેણે ક્ષોભમાં મૂકાવું પડ્યું છે. એક મિડિયા રિપોર્ટ મુજબ આઈટી કંપનીના ચાર સિનિયર અધિકારીઓ સ્ટાફિંગ કંપનીઓ પાસેથી તેમના ઉમેદવારોને જોબ્સ અપાવવા બદલ લાંચ રહી રહ્યાં હતાં. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ ઘટના છેલ્લાં કેટલાંક વર્ષોથી થઈ રહી હતી. તાતા જૂથ કંપનીએ આ કૌભાંડ બહાર આવ્યાં પછી કડક પગલાં ભર્યાં હતાં. કંપનીએ તેના આરએમજીના ચાર અધિકારીઓને નોકરીમાંથી છૂટા કરવા સાથે ત્રણ સ્ટાફિંગ કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
કંપનીમાંથી એક વ્હીસલબ્લોઅરે સીઈઓ અને સીઓઓને આરએમજીના ગ્લોબલ હેડ ઈએસ ચક્રવર્તી તરફથી સ્ટાફિંગ કંપનીઓ પાસેથી તેમના ઉમેદવારોની નિમણૂંક બદલ લાંચ લેવામાં આવતી હોવાનું લેખિતમાં જણાવાયાં પછી કૌભાંડ બહાર આવ્યું હતું. આ પછી આઈટી અગ્રણીએ આક્ષેપોની તપાસ માટે ત્રણ-સભ્યોની કમિટી બનાવી હતી. જેમાં ચીફ ઈન્ફોર્મેન્શન સિક્યૂરિટી ઓફિસર અજિત મેનનનો સમાવેસ થતો હતો. તપાસ પછી ટીસીએસે તેના રિક્રૂટમેન્ટ હેડને રજા પર મોકલી દીધાં હતાં અને આરએમજી ખાતેથી ચાર અધિકારીઓને પાણીચું આપ્યું હતું. ચક્રવર્થીના ઓફિસમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત ડિવિઝનમાંથી અન્ય એક અધિકારી અરુણ જીકેને પણ દૂર કરાયો હતો. કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષોમાં કંપનીએ ત્રણ લાખ લોકોને નોકરી પર રાખ્યાં હતાં. જેમાં કોન્ટ્રેક્ટર્સનો સમાવેશ પણ થાય છે. વર્તુળોના જણાવ્યા મુજબ કૌભાંડમાં સંડોવાયેલા લોકોએ ગેરરિતી આચરીને કમિશન્સ પેટે ઓછામાં ઓછી રૂ. 100 કરોડની કમાણી કરી હોય શકે છે.

રિલાયન્સ જીઓની 1.6 અબજ ડોલર ઊભા કરવા માટેની મંત્રણા
કંપની નોકિયા પાસેથી ઈક્વિપમેન્ટ ખરીદવા માટે આ લોનનો ઉપયોગ કરશે

ટોચની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ લિમિટેડ 1.6 અબજ ડોલરની લોન મેળવવા માટે મંત્રણા યોજી રહી હોવાનું વર્તુળો જણાવે છે. કંપની આ લોનનો ઉપયોદ નોકિય ઓવાયજે પાસેથી ઈક્વિપમેન્ટ ખરીદીમાં કરવા માગે છે એમ તેમનું કહેવું છે.
આ માટે મુકેશઅંબાણીનું ટેલિકોમ સાહસ સિટીગ્રૂપ ઈન્ક, એચએસબીસી હોલ્ડિંગ્સ અને જેપીમોર્ગન ચેસ એન્ડ કંપની સાથે મંત્રણા કરી રહ્યું છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. આ લોન 15-વર્ષોનો મેચ્યોરિટી પિરિયડ ધરાવતી હશે અને તે સિક્યોર્ડ ઓવરનાઈડ ફાઈનાન્સિંગ રેટ આધારે પ્રાઈસિંગ ધરાવતી હશે એમ તેઓ ઉમેરે છે. હજુ ડીલને આખરી તબક્કામાં નથી પહોંચ્યું. બેંક્સ તરફથી રકમ અને શરતોમાં હજુ પણ ફેરફાર સંભવ છે. ફિનલેન્ડની એક્સપોર્ટ ક્રેડિટ એજન્સી ફિન્નવેરા મોટાભાગની આવરી લેતી ગેરંટી પૂરી પાડશે એમ પણ તેઓ ઉમેરે છે. ગયા ઓક્ટોબરમાં નોકિયાએ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે તેણે જીઓને ભારતમાં તેના 5જી રોલઆઉટ માટે ઈક્વિપમેન્ટ સપ્લાય કરવા માટે એગ્રીમેન્ટ કર્યો છે. અંબાણી જૂથની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશમાં 5જી સર્વિસની શરૂઆત કરનાર પ્રથમ કંપની હતી. તેણે સરકાર પાસેથી સૌથી ઊંચી રકમના એરવેવ્ઝની ખરીદી કરી હતી. લોન મુદ્દે જેપીમોર્ગન, સિટીબેંક અને એચએસબીસીએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. નોકિયાના પ્રવક્તાએ પણ લોનને લઈ કોઈ ટિપ્પણી નહોતી કરી.

અદાણી કોનેક્સે સૌથી મોટા ડેટા સેન્ટર માટે 21.3 લાખ ડોલર મેળવ્યાં

અદાણી કોનેક્સે ચેન્નાઈ અને નોઇડામાં બની રહેલા ૬૭ મેગાવોટ ડેટા સેન્ટરની નાણા જરૂરિયાત પૂરી કરવા માટે 21.3 કરોડ ડોલરની સુવિધા મેળવી છે. આ ડેટા સેન્ટર અદાણી એન્ટરપ્રાઇઝ અને એજકોનેક્ષ (ECX) વચ્ચે 50-50 ટકાનું સંયુકત સાહસ છે. તેણે આંતરરાષ્ટ્રીય બેંક્સ પાસેથી આ સિનિયર ડેટ ફેસિવિટી મેળવી છે. કંપની 2030 સુધીમાં 1 ગીગાવોટના ડેટા સેન્ટરની ક્ષમતા સાથે ડિજિટલ ઈન્ડિયાને માટે જરૂરી ઈન્ફ્રા ઊભું કરશે. અદાણી કોનેક્સ 67 મેગાવોટની કુલ ક્ષમતાવાળા બે ડેટા સેન્ટર્સને ધિરાણ કરશે જેમાં ચેન્નઇ-1 કેમ્પસના પ્રથમ તબક્કાના 17 મેગાવોટ અને 50 મેગાવોટના નોઈડા કેમ્પસનો સમાવેશ થાય છે. વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા ડેટા સેન્ટર બજારો પૈકીનું ભારત એક છે અને CRISILના અંદાજ મુજબ ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા નાણાકીય વર્ષ-22માં 840 મેગાવોટથી નાણાકીય વર્ષ-2025 સુધીમાં બમણી થઈને 1700-1800 મેગાવોટ થવાની ઉજળી ધારણા છે. ભરોસાપાત્ર આઇ.ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે અદાણીકોનેક્ષ 1 ગીગાવોટનું ગ્રીન ડેટા સેન્ટર પ્લેટફોર્મ બનાવવાના મિશન સાથે મૂડી રોકાણ કરી રહ્યું છે, જે સમગ્ર દેશમાં હાઈપરસ્કેલથી હાઈપરલોકલ ડેટા સેન્ટરમાં રોકાણ દ્વારા સક્ષમ છે. કંપનીને ફાઈનાન્સિયલ ક્લોઝર માટે આઇએનજી બેંક એન.વી., મિઝૂહો બેક લિ., એમયુએફજી બેંક લિ, નેટીક્ષીસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સુમિટોમો મિટસૂઇ બેંકીંગ કોર્પોરેશને પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

બાઈજુસમાં કોર્પોરેટ બાબતોના વિભાગની તપાસના અહેવાલ
જોકે એડટેક કંપની તરફથી આ પ્રકારની કોઈપણ તપાસનો ઈન્કાર
કંપની માટે વધી રહેલી મુશ્કેલીઃ રોકાણકારોને મનાવવાનો પ્રયાસ
કેપીએમજીએ ઓડિટરનું પદ છોડતાં કંપનીએ બીડીઓની નિમણૂંક કરી

એડટેક કંપની બાઈજુસની સામે એક પછી એક સંકટ આવી રહ્યાં છે. દેશની સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી યુનિકોર્નની કેન્દ્રિય કોર્પોરેટ બાબતોનો મંત્રાલય તરફથી તપાસના અહેવાલો છે. જેને કંપની તરફથી રદિયો આપવામાં આવ્યો છે. કંપનીના પ્રવક્તાના જણાવ્યા મુજબ તેમણે કોર્પોરેટ અફેર્સ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ કોમ્યુનિકેશન મેળવ્યું નથી અને તેમને આ પ્રકારના ઈન્સ્પેક્શનની જાણ નથી.
જોકે, એકથી વધુ માધ્યમોમાં સરકાર તરફથી કંપનીની તપાસ માટે જણાવાયું હોવાના અહેવાલો પ્રગટ થયાં હતાં. કંપનીમાં કોર્પોરેટ ગવર્નન્સને લઈને ચિંતાને પગલે આ તપાસ કરવામાં આવી રહી હોવાનું અહેવાલોમાં નોંધ્યું હતું. કંપનીના ઓડિટર તરીકે ડેલોઈટ હાસ્કિન્સ એન્ડ સેલ્સે એક્ઝીટ લેતાં બાઈજુસે તત્કાળ અસરથી 22 જૂને બીડીઓ(એમએસકેએ એન્ડ એસોસિએટ્સ)ની નિમણૂંક કરી હતી. કંપનીના રોકાણકારો તરફથી વેલ્યૂએશનમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જે કંપની માટે મોટી ચિંતાનું કારણ બન્યું છે. ડેલોઈટે ગુરુવારે તત્કાળ અસરથી ઓડિટરની કામગીરી છોડી હતી. જે માટે તેણે કંપની તરફથી નાણાકિય સ્ટેટમેન્ટ્સ આપવામાં લાંબા વિલંબને જવાબદાર ઠેરવ્યો હતો. દરમિયાનમાં કંપનીના બોર્ડ પરથી રોકાણકારોના પ્રતિનિધિઓએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલ છે. જોકે, કંપની તરફથી આનો ઈન્કાર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય વર્તુળો જણાવે છે કે કંપની આ રોકાણકાર પ્રતિનિધિઓને બોર્ડમાં રહેવા મનાવી રહી છે. બાઈજુસનું વેલ્યૂએશન એક વર્ષમાં 22 અબજ ડોલરથી ગગડી 8.4 અબજ ડોલર પર આવી ગયું છે. કંપનીના લેન્ડર્સ સાથે વિવાદે પણ આમાં ભૂમિકા ભજવી છે. લેન્ડર્સ કંપની તરફથી 50 કરોડ ડોલરને છૂપાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે.

ચોખા ઉત્પાદકોનો નફો ચાર વર્ષોમાં 73 ટકા વધ્યો
દેશમાં ચોખા પકવનારા ખેડૂતોનો નફો છેલ્લાં ચાર વર્ષોમાં 73 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો હોવાનું માર્કેટ રિસર્ચ ફર્મનું કહેવું છે. તેમના મતે તેમનું વળતર ચાર વર્ષોમાં સરેરાશ રૂ. 15000 પ્રતિ એકર પરથી વધી રૂ. 26000 જોવા મળ્યું છે. સર્વેમાં ડાંગર પકવતાં રાજ્યો જેવાકે પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નફામાં વૃદ્ધિના બે મુખ્ય કારણોમાં ઊંચી ઊત્પાદક્તા અને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીનો સમાવેશ થાય છે. 2020-21માં સરકારની ચોખાની ખરીદી 6.025 કરોડ ટન પર વિક્રમી જોવા મળી હતી. જે દેશમાં કુલ ઉત્પાદનનો 50 ટકા જેટલો હિસ્સો ધરાવતી હતી. સાથે એમએસપીમાં પણ ચાર વર્ષોમાં 16 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.

મેમાં વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં 5.1 ટકા ઘટાડો નોંધાયો
વૈશ્વિક સ્તરે સ્ટીલ ઉત્પાદનમાં મે મહિનામાં 5.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ચીન ખાતે ઉત્પાદનમાં ઘટાડો મુખ્ય કારણ હતું. વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના ડેટા મુજબ 63 દેશોમાં મે મહિના દરમિયાન 16.16 કરોડ ટનનું ઉત્પાદન જોવા મળ્યું હતું. જે મે 2022માં 16.99 કરોડ ટન પર હતું. વિશ્વમાં ટોચના સ્ટીલ ઉત્પાદક ચીનનું ઉત્પાદન 7.3 ટકા ઘટી 9.01 કરોડ ટન પર રહ્યું હતું. જ્યારે ભારતનું ઉત્પાદન વાર્ષિક 3.2 ટકા વધી 1.12 કરોડ ટને જોવા મળ્યું હતું. જાન્યુઆરીથી મે સુધીમાં ભારતનું ઉત્પાદન 5.7 ટકા વધી 5.64 કરોડ ટન પર નોંધાયું હતું. જાપાન અને યુએસ ખાતે પણ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ

એચડીએફસીઃ દેશમાં સૌથી મોટી મોર્ગેજ ફાઈનાન્સરે તેના લોન પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ એવી ગાઝિયાબાદ સ્થિત બે ફાઈવ-સ્ટાર હોટેલ્સના વેચાણનો નિર્ણય લીધો છે. રેડિસન બ્લ્યૂના નામે ચાલતી આ હોટેલ્સ પ્રૂડન્ટ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને વેચશે. પ્રૂડન્ટ એઆરસીએ રૂ. 311 કરોડની ઓફર કરી છે. જોકે તે રૂ. 507 કરોડની લોન રકમના 61 ટકા જેટલી થાય છે. કંપનીએ અન્ય બીડર્સ પાસેથી પણ ઓફર મંગાવી છે. જે 5 ટકા ઊંચી હોવી જોઈશે.
તાતા પાવરઃ તાતા જૂથની કંપની તેની વિદેશ સ્થિત કેટલીક એસેટ્સનું વેચાણ કરશે. જે મારફતે તે રૂ. 3700 કરોડ ઊભાં કરશે. આવી એસેટ્સમાં ઈન્ડોનેશિયા સ્થિત બે કોલ માઈન્સનો સમાવેશ થાય છે. જ્યારે ઝામ્બિયામાં આવેલી બે હાઈડ્રો પાવર એસેટ્સનો સમાવેશ થાય છે. જે રૂ. 2500 કરોડ મેળવી આપશે. આ ઉપરાંત કંપની આગામી બે વર્ષોમાં સ્ટ્રેટેજીક એન્જિનીયરીંગ ડિવિઝન્સની એસેટ્સ વેચશે. જેમાંથી રૂ. 1200 કરોડ ઊભા કરશે.
આરપાવરઃ એડીએજી જૂથની રિલાયન્સ પાવરની સબસિડિયરી વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવરના લેન્ડર્સે કંપનીની ડેટ રેઝોલ્યુશન પ્રક્રિયા માટે એસબીઆઈ કેપ્સની એડવાઈઝર તરીકે નિમણૂંક કરી છે. ત્રણ કંપનીઓએ વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર માટે તેમનો રસ દર્શાવ્યો હોવા છતાં આમ કરવામાં આવ્યું છે. કંપનીના ડેટના વન-ટાઈમ સેટલમેન્ટ માટે બીડ્સ મંગાવવામાં આવશે.
ઓએનજીસીઃ સરકારી અપસ્ટ્રીમ હાઈડ્રોકાર્બન કંપનીએ એક મહત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. જેમાં સબસી પાઈપલાઈન સાથે પન્ના પ્રોસેસ પ્લેટફોર્મનું સફળ લિંકેજ કર્યું છે. આ પ્લેટફોર્મને સબસી પાઈપલાઈન સાથે જોડીને ઓએનજીસીએ પ્રતિ દિવસ અંદાજે 43000 ડોલરનો ખર્ચ બચાવ્યો છે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ કંપની અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને ભારતીય નેવીની કાલાવરી ક્લાસ સબમરિન્સ માટે બે એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપુલ્ઝન સિસ્ટમ મોડ્યૂલ્સના રિફિટમેન્ટ માટે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે. એલએન્ડટી ડિફેન્સ ઉદ્યોગ માટે મહત્વનો ઈન્ડસ્ટ્રી પાર્ટનર બની રહ્યો છે. તેણે સ્થાનિક સ્તરે એપીઆઈ સિસ્ટમ બનાવી છે.
પીએનબી હાઉસિંગઃ પીએસયૂ બેંક પીએનબીની સબસિડીયરી પીએનબી હાઉસિંગ ફાઈનાન્સના બોર્ડે કંપનીને બિઝનેસ વિસ્તરણ માટે રૂ. 5000 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે. કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરી આ નાણા ઊભા કરશે. કંપનીની રિટેલ બુકમાં ચાલુ વર્ષે 18 ટકા વૃદ્ધિની અપેક્ષા છે.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ અગ્રણીએ આર્મ લર્નર્સને ફ્યુચર-રેડી સ્કિલ્સ સાથે તેના ઈન્ફોસિસ સ્પ્રિંગબોર્ડ વર્ચ્યુલ લર્નિંગ પ્લેટફોર્મ પર ફ્રી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સર્ટિફેકિશેન લોંચ કર્યું છે.
ઈરોઝ ઈન્ટરનેશનલઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈરોઝ ઈન્ટરનેશનલ મિડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ અર્જન લુલા અને સીઈઓ પ્રદિપ કુમાર દ્વિવેદીને કોઈપણ કંપનીના બોર્ડમાં હોદ્દો લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમના તરફથી ઈરોઝમાં નાણાકિય ગેરરિતીઓ તેમજ ફંડને અન્યત્ર વાળવાના અને ઉચાપત કરવાના આરોપો પાછળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના સિક્યૂરિટીઝ માર્કેટ પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage