Market Summary 23/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

રોકાણકારો ‘રિસ્ક-ઓફ’ મોડમાં, સેન્સેક્સમાં 826 પોઈન્ટ્સનો ઘટાડો
યુએસ 10-યર યિલ્ડ્સ 5 ટકા કૂદાવી જતાં માર્કેટમાં પેનિક
એશિયન બજારો સહિત વૈશ્વિક બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો
નિફ્ટીના 50માંથી માત્ર બે જ કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકા સુધરી 10.90ના સ્તરે
મેટલ, પીએસઈ, એનર્જી, આઈટી, ઓટો સહિત નરમાઈ
બ્રોડ માર્કેટમાં સાત મહિનાની સૌથી ખરાબ બ્રેડ્થ
ઈપ્કા લેબ્સ, બીએસઈ, ક્રેડિટએક્સેસ નવી ટોચે
અતુલ, અદાણી વિલ્મેર, અદાણી ટોટલ નવા તળિયે

યુએસ ખાતે 10-વર્ષ માટેના બોન્ડ યિલ્ડ્સ 5 ટકાની 18-વર્ષોની નવી ટોચે પહોંચતાં શેરબજારોમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. એશિયન બજારો સહિત વૈશ્વિક બજારો સપ્તાહની શરૂમાં 2 ટકા જેટલાં તૂટ્યાં હતાં. સેન્સેક્સ 826 પોઈન્ટ્સ ગગડી 64572 અને નિફ્ટી 261 પોઈન્ટ્સ પટકાઈ 19283ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ ખૂબ જ ખરાબ જોવા મળી હતી અને તે માર્ચ 2023 પછીની સૌથી નેગેટીવ હતી. બીએસઈ ખાતે કુલ 3990 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 3196 કાઉન્ટર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 638 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. આમ, પાંચથી વધુમાં ઘટાડા સામે એકમાં સુધારો નોંધાયો હતો. 194 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ બનાવી હતી. જ્યારે 65 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી રેશિયો 0.8 ટકા સુધરી 10.90ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં નરમાઈને પગલે ભારતીય બજારે પણ સાધારણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જ્યારપછી તે સતત ઘસાતું રહ્યું હતું અને આખરી બે કલાકમાં વેચવાલીનું જોર વધતાં નાનું પેનિક જોવા મળ્યું હતું. જેમાં અનેક રિટેલ રોકાણકારોએ તેમની પોઝીશન છોડવાનું દબાણ ઊભું થયું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 19400નો સપોર્ટ તોડી 19258ના છેલ્લાં ત્રણ મહિનાના તળિયે ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 19 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 19263ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 20 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટની જેટલું જ હતું. આમ, બજારમાં કોઈ ખાસ લોંગ-શોર્ટ પોઝીશનમાં ફેરફાર થયો હોય તેમ જણાતું નથી. મંથલી એક્સપાયરીનું સપ્તાહ હોવાથી એક વાત નક્કી છે કે માર્કેટમાં વોલેટિલિટી ઊંચી જોવા મળશે. 19400નો સપોર્ટ તૂટતાં હવે 19000નો મહત્વનો સાયકોલોજિકલ સપોર્ટ છે. જે પણ તૂટશે તો બજારમાં 18500નું લેવલ જોવા મળી શકે છે. સપ્તાહના પ્રથમ સત્રમાં નિફ્ટીના 50માંથી બે જ કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જેમાં એમએન્ડએમ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. જ્યારે અનેક કાઉન્ટર્સ 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતાં હતાં. જેમાં એલટીઆઈમાઈન્ડટ્રી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદાલ્કો, અદાણી પોર્ટ્સ, યૂપીએલ, જેએસડબલ્યૂ સ્ટીલ, તાતા સ્ટીલ, ટીસીએસ, તાતા મોટર્સ, ઈન્ડ્સઈન્ડ બેંક, એચડીએફસી લાઈફ, ગ્રાસિમ, વિપ્રોનો સમાવેશ થતો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈ તો તમામ સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જેમાં નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.26 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. તેના ઘટકોમાં મોઈલ 8 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત નાલ્કો, એનએમડીસી, સેઈલ, એપીએલ એપલો, વેદાંત, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો અને જેએસડબલ્યુ સ્ટીલમાં તીવ્ર ઘટાડો નોઁધાયો હતો. નિફ્ટી પીએસયૂ બેંક્સ 4 ટકા ગગડ્યો હતો. જેના કાઉન્ટર્સમાં સેન્ટ્રલ બેંક 9 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 9 ટકા, આઈઓબી 8 ટકા, યૂકો બેંક 7 ટકા, યુનિયન બેંક 6 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2 ટકા તૂટ્યો હતો. જેમાં એલટીઆઈમાઈન્ડટ્રી 4 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત ટીસીએસ, એલએન્ડટી ટેક્નોલોજી, એમ્ફેસિસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, પર્સિસ્ટન્ટ, કોફોર્જ, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રામાં નોંધપાત્ર ઘટાડો જોવાયો હતો. નિફ્ટી રિઅલ્ટી 2.5 ટકા પટકાયો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 8 ટકા, સનટેક રિઅલ્ટી 7 ટકા, હેમિસ્ફિઈર 7 ટકા, ડીએલએફ 3.5 ટકા, સોભા 3 ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 1.7 ટકા અને ગોદરેજ પ્રોપર્ટીઝ 1 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી બેંક 1.31 ટકા તૂટી સતત પાંચમા સપ્તાહે નરમાઈ સાથે શરૂઆત દર્શાવી રહ્યો હતો. નિફ્ટીના ઘટકોમાં પીએનબી, બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, એસબીઆઈ, ફેડરલબેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંકમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સ તેની બે મહિનાના તળિયે પટકાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઈપ્કા લેબ્સ 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, યુનાઈટેડ બ્રૂઅરિઝ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ઓરોબિંદો ફાર્મા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, મૂથૂત ફાઈનાન્સ, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, લૌરસ લેબ્સમાં 10 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, હિંદ કોપર, ઈન્ડિયા સિમેન્ટ્સ, વોડાફોન આઈડિયા, આદિત્ય બિરલા ફેશન, ભેલ, આરબીએલ બેંક, તાતા કન્ઝ્યૂમર્સ, નાલ્કો, એબી કેપિટલ, બલરામપુર ચીની, મણ્ણાપુરમ ફિન, એમસીએક્સ ઈન્ડિયા, પીવીઆર આઈનોક્સનો સમાવેશ થાય છે. કેટલાંક કાઉન્ટર્સ જેણે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં ક્રેડિટેએક્સેસ ગ્રામીણ, બીએસઈ લિમિટેડ, ઈપ્કા લેબ્સ, બોમ્બે બર્માહ, ડિક્સોન ટેક્નોલોજી, સુઝલોન એનર્જીનો સમાવેશ થતો હતો. જ્યારે 52-સપ્તાહનું તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં ટીસીએનએસ ક્લોથીંગ, કેમ્પસ એક્ટિવ, અતુલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, અદાણી વિલ્મેર, અદાણી ટોટલ ગેસ, ટીસીઆઈ એક્સપ્રેસ, હિંદુજા ગ્લોબલ, નવીન ફ્લોરિનનો સમાવેશ થતો હતો.

મીડ-કેપ્સમાં મહિનામાં ટોચ પરથી 25 ટકા સુધીનો ઘટાડો
નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સ સોમવારે બે મહિનાના તળિયે પટકાયો
નવીન ફ્લોરિન, અદાણી પાવર, આઈઆરએફસીમાં ટોચથી ઝડપી ઘટાડો

શેરબજારમાં એપ્રિલથી લઈ સપ્ટેમ્બર સુધીમાં તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવનાર મીડ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં છેલ્લાં મહિનામાં વેચવાલીનું દબાણ જોવા મળે છે. જેની પાછળ અનેક કાઉન્ટર્સ તેમણે સપ્ટેમ્બરમાં દર્શાવેલી ટોચ પરથી 25 ટકા જેટલાં તૂટી ચૂક્યાં છે. સમાનગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી 4 ટકા જેટલો તૂટ્યો છે. જ્યારે નિફ્ટી મીડ-કેપ100 ઈન્ડેક્સ 7 ટકા જેટલો ગગડ્યો છે. આમ, તેણે લાર્જ-કેપ સૂચકાંક સામે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે
સપ્ટેમ્બર મહિનામાં સેંકડો મીડ-કેપ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે, ત્યારપછી તેઓ કોન્સોલિડેશનમાં જોવા મળ્યાં હતાં. જોકે, છેલ્લાં પખવાડિયામાં પ્રોફિટ બુકિંગ પાછળ તેઓ ઝડપથી ગગડ્યાં હતાં. જેમાં સોમવારે અનેક સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં 6-10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જે સાથે તેઓએ છેલ્લાં કેટલાંક સત્રોમાં તેમના ટોચના ભાવથી 25 ટકા સુધીનું મૂડી ધોવાણ નોંધાવ્યું હતું. જેમાં નવીન ફ્લોરિનનો શેર 25 ટકાથી વધુ ઘટાડા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત અદાણી પાવર(-23 ટકા), આઈઆરએફસી(-21 ટકા), ટીઆઈઆઈ ઈન્ડિયા(-20 ટકા), આરવીએનએલ(-20 ટકા), સિન્જિન ઈન્ડિયા(19 ટકા), આઈજીએલ(-19 ટકા) અને બાયોકોન(-19 ટકા)નો સમાવેશ થાય છે.

મહિનામાં અન્ડર્ફોર્મન્સ દર્શાવનાર કાઉન્ટર્સ
સ્ક્રિપ્સ 12 સપ્ટેમ્બર 2023 મહિનામાં ઘટાડો(ટકામાં)
નિફ્ટી -4%
નિફ્ટી મીડકેપ100 -7%
નવીન ફ્લોરિન -25%
અદાણી પાવર -23%
IRFC -21%
TIIઈન્ડિયા -20%
RVNL -20%
સિન્જિન ઈન્ડિયા -19%
IGL -19%
બાયોકોન -19%
સેઈલ -18%
તાતા કોન્યુનિકેશન -18%
BDL -17%
ભેલ -17%

બીજા ક્વાર્ટર માટે શરૂઆતી પરિણામોએ મજબૂત અર્નિંગ્સ ગ્રોથ નોંધાવ્યો
સપ્ટેમ્બર ક્વાર્ટરના પ્રથમ 12 દિવસમાં 219 કંપનીઓએ 29.8 ટકા નેટ પ્રોફિટ વૃદ્ધિ દર્શાવી
જ્યારે તેમની આવકમાં વાર્ષિક ધોરણે 18 ટકા વધારો જોવા મળ્યો

નાણાકિય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર માટેના પરિણામોનો શરૂઆતી ટ્રેન્ડ મજબૂત અર્નિંગ્સ ગ્રોથ સૂચવી રહ્યો છે. 11 સપ્ટેમ્બરથી શરૂ થયેલી સિઝનના પ્રથમ 12 સત્રોમાં પ્રગટ થયેલા પરિણામોમાં દ્વિઅંકી નેટ પ્રોફિટ ગ્રોથ જોવા મળ્યો છે. જેનું એક કારણ ગયા વર્ષે નીચો બેઝ હોવાનું પણ માનવામાં આવે છે. બેંકિંગ અને ફાઈનાન્સ કંપનીઓ તરફથી સારા પરિણામોએ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઈટી સર્વિસ કંપનીઓએ રજૂ કરેલાં નબળા પરિણામોને તેમણે ઘણે અઁશે સરભર કર્યાં છે.
ગયા સપ્તાહની આખર સુધીમાં 219 કંપનીઓ તેમના સપ્ટેમ્બર ક્વાર્ટર માટેના પરિણામો રજૂ કરી ચૂકી છે. જેમણે વાર્ષિક ધોરણે નેટ પ્રોફિટમાં 28.9 ટકાનો વાર્ષિક ગ્રોથ નોંધાવ્યો છે. જે છેલ્લાં છ ક્વાર્ટર્સમાં સૌથી ઊંચો છે. કંપનીઓની રેવન્યૂ વાર્ષિક ધોરણે 18 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જે છેલ્લાં ચાર ક્વાર્ટર્સમાં સૌથી ટોચ પર હતી. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીઓની આવકમાં વાર્ષિક 20.6 ટકાની જ્યારે નેટ પ્રોફિટમાં 7.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, અભ્યાસમાં આવરી લેવામાં આવેલી કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન વાર્ષિક ધોરણે 50 બેસીસ પોઈન્ટ્સ ઘટી 22.6 ટકા પર જોવા મળ્યું હતું.
બેંકિંગ સેક્ટરના પરિણામો પર નજર કરીએ તો તેમણે આવક અને નેટ પ્રોફિટમાં અનુક્રમે 49.3 ટકા અને 45.8 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. બેંકિંગ સેક્ટરે ઊંચો ક્રેડિટ ઓફટેક દર્શાવ્યો હતો. જ્યારે તેમની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જો બેંકિંગ કંપનીઓને બાદ કરીએ તો બાકીની કંપનીઓની આવકમાં 8.9 ટકા જ્યારે નેટ પ્રોફિટમાં 19.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આઈટી સેક્ટરનો દેખાવ જોકે નબળો રહ્યો હતો. પ્રોજેક્ટ એક્ઝીક્યૂશનમાં વિલંબને કારણે તેમની કામગીરી પર અસર પડી હતી. ઊંચા વ્યાજ દર અને જીઓપોલિટીકલ અનિશ્ચિતતાને કારણે કંપનીઓએ તેમના આઈટી ખર્ચમાં ઘટાડો કર્યો છે.આઈટી કંપનીઓની આવક 6.9 ટકા અને નેટ પ્રોફિટ 6.6 ટકા વધ્યો હતો. ઓછામાં ઓછા નવ ક્વાર્ટરમાં આઈટી કંપનીઓએ પ્રથમવાર એકઅંકી રેવન્યૂ ગ્રોથ નોંધાવ્યો હતો. તેમનો પ્રોફિટ ગ્રોથ ચાર ક્વાર્ટરના તળિયે જોવા મળતો હતો. ચાલુ સિઝનની શરૂઆતમાં બ્રોકરેજ હાઉસિસ મજબૂત અર્નિંગ્સ ગ્રોથની અપેક્ષા રાખી રહ્યાં હતાં. મોતીલાલ ઓસ્વાલે તેમની કવરેજ હેઠળની કંપનીઓમાં 40 ટકા અર્નિંગ્સ ગ્રોથનો અંદાજ બાંધ્યો હતો. સમગ્રતયા અર્નિંગ્સ ગ્રોથમાં ઊંચી વૃદ્ધિ બીએફએસઆઈ અને ઓટોમોબાઈલ્સ તરફથી ચલિત રહે તેવી અપેક્ષા હતી. તેઓ વાર્ષિક ધોરણે અનુક્રમે 26 ટકા અને 87 ટકા વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ છે. જ્યારે કન્ઝ્યૂમર અને સિમેન્ટ કંપનીઓ અનુક્રમે 15 ટકા અને 72 ટકાનો ગ્રોથ દર્શાવે તેવી ધારણા છે. આઈડીબીઆઈ કેપિટલના મતે છેલ્લાં 12 મહિનાઓમાં કોમોડિટીઝના ભાવમાં નબળાઈને કારણે કંપનીઓના ઓપરેટિંગ પ્રોફિટમાં તેમજ રેવન્યૂમાં સારો દેખાવ જોવા મળશે. હજુ અર્નિંગ્સ સિઝનની શરૂઆત થઈ છે અને આગામી પખવાડિયામાં અનેક કંપનીઓ તરફથી નોંધપાત્ર પ્રમાણમાં અર્નિંગ્સ રજૂ થવાના છે. જેને જોતાં બીજા ક્વાર્ટર માટે અર્નિંગ્સને લઈ વધુ સ્પષ્ટતાં ઊભી થશે એમ વર્તુળો જણાવે છે.

ફ્લિપકાર્ટ હોલસેલ યુનિટે રૂ. 4846 કરોડની ખોટ દર્શાવી
કંપનીની આવક 9.4 ટકા વધી રૂ. 55,824 કરોડ પર રહી જ્યારે ખોટમાં 42 ટકા વૃદ્ધિ નોંધાઈ

ભારતીય ઈ-કોમર્સ પ્લેયર ફ્લિપકાર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે નાણાવર્ષ 2022-23 માટે રૂ. 55824 કરોડની આવક દર્શાવી છે. જે અગાઉના વર્ષે જોવા મળતી રૂ. 50,993 કરોડની આવકની સરખામણીમાં 9.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જોકે, કંપનીની ખોટ વાર્ષિક ધોરણે 42 ટકા વધી રૂ. 4846 કરોડ પર રહી હતી. જે 2021-22માં રૂ. 3404 કરોડની સપાટીએ જોવા મળતી હતી.
યુએસ રિટેલ જાયન્ટ વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટનો કુલ ખર્ચ 11.5 ટકા વધી રૂ. 60,859 કરોડ પર રહ્યો હતો એમ કંપનીએ કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને કરેલા રેગ્યુલેટરી ફાઈલીંગ્સમાં જણાવ્યું છે. ઈ-કોમર્સ કંપની માટે ફ્લિપકાર્ટ ઈન્ડિયા તેની શરૂઆતથી જ મહત્વની પાંખ છે કેમકે તે કંપનીની આવકનો મોટો હિસ્સો ધરાવે છે. જોકે, તે કંપનીના મહત્વના વર્ટિકલ ફ્લિપકાર્ટ ઈન્ટરનેટથી અલગ છે. ફ્લિપકાર્ટ ઈન્ટરનેટ પેમેન્ટ ગેટવે, ટેક્નોલોજી, એડવર્ટાઈઝીંગ અને લોજીસ્ટીક્સ મેનેજમેન્ટ જેવી સર્વિસિઝ પૂરી પાડે છે. જેણે 2021-22માં રૂ. 10,659 કરોડની આવક નોંધાવી હતી. જ્યારે તેની ખોટ 51 ટકા વધી રૂ. 4,362 કરોડ પર રહી હતી. કંપનીએ હજુ 2022-23ના પરિણામો રજૂ કરવાના બાકી છે. વોલમાર્ટ, ફ્લિપકાર્ટ ઈન્ડિયા કંપનીમાં તેનો હિસ્સો વધારી રહી છે. શરૂઆતમાં વોલમાર્ટે ઈ-કોમર્સ કંપનીમાં 77 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જોકે, હાલમાં તેનું હોલ્ડિંગ વધી 80 ટકાનું લેવલ પાર કરી ગયું છે. કંપનીમાં શરૂઆતી રોકાણકારો એક્સેલ, ટાઈગર ગ્લોબલ અને અન્યોએ તેમનો શેર્સ હિસ્સો વોલમાર્ટને વેચ્યો હતો. તેમણે ફ્લિપકાર્ટના રોકાણમાંથી તગડી કમાણી દર્શાવી હતી.

વેલ્યૂએશન્સની ચિંતા છતાં MF સ્કિમ્સમાં મીડ- સ્મોલ કેપના હિસ્સામાં વૃદ્ધિ
ઈક્વિટી-લિંક્ડ સેવિંગ્ઝ સ્કિમમાં લાર્જ-કેપ્સનું એક્સપોઝર છ મહિનામાં 73 ટકા પરથી ઘટી 69 ટકા થયું
ફ્લેક્સિકેપ્સ અને મલ્ટિકેપ્સમાં પણ મીડ-કેપ્સનું એક્સપોઝર વધ્યું
એકબાજુ માર્કેટમાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સના વેલ્યૂએશન્સને લઈને ચિંતા જોવા મળી રહી છે ત્યારે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં ડાયવર્સિફાઈડ ઈક્વિટી સ્કિમ્સમાં બીજી અને ત્રીજી હરોળના શેર્સના એક્સપોઝરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. બીજી બાજુ, કેટલીક ઈક્વિટી ફંડ કેટેગરીમાં લાર્જ-કેપ્સના એક્સપોઝરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમકે, ઈક્વિટી-લિંક્ડ સેવિંગ્ઝ સ્કિમમાં લાર્જ-કેપ્સનું એક્સપોઝર એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2023 દરમિયાન 73 ટકા પરથી ઘટી 69 ટકા પર નોંધાયું છે.
પ્રાઈમ ડેટાબેઝના ડેટા મુજબ સમાનગાળામાં મીડકેપ અને સ્મોલકેપમાં સરેરાશ ફાળવણી 2-2 ટકા જેટલી વધી છે. આ પ્રકારનો ટ્રેન્ડ ફ્લેક્સિકેપ અને મલ્ટિકેપ ફંડ્સમાં પણ જોવા મળી રહ્યો છે. છેલ્લાં છ મહિનામાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ તેના હરિફ લાર્જ-કેપ્સની સરખામણીમાં નોંધપાત્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જેમાં મ્યુચ્યુલ ફંડ્સની ખરીદીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાય છે. એનએસઈનો બેન્ચમાર્ક નિફ્ટી50 એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 13 ટકાનું રિટર્ન દર્શાવતો હતો. જેની સરખામણીમાં નિફ્ટી મીડ-કેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં અનુક્રમે 35 ટકા અને 42 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ આ તેજી પાછળ એસેટ મેનેજર્સ તરફથી મીડકેપ અને સ્મોલકેપ ફાળવણીમાં વૃદ્ધિ જવાબદાર હોઈ શકે છે. તેમના કહેવા મુજબ ઈન્ડેક્સ લેવલે મીડ-કેપ અને સ્મોલ-કેપના વેલ્યૂએશન મોંઘા હોવાનું જણાય શકે છે પરંતુ સમગ્ર સેગમેન્ટ્સ પર નજર નાખીએ તો ઘણી તકો રહેલી છે. બરોડા બીએનપી પારિબા એમએફના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસરના જણાવ્યા મુજબ બીજી અને ત્રીજી હરોળમાં શેરની પસંદગી માટે અમારો મુખ્ય માપદંડ ભાવિ ગ્રોથની શક્યતાં અને શેરનું વેલ્યૂએશન હોય છે. માર્કેટ કેપિટલાઈઝેશન એ પછીનું પરિબળ છે. એકબાજુ મીડ-કેપ અને સ્મોલ-કેપનું એક્સપોઝર વધ્યું છે ત્યારે બીજી બાજુ કેટલાંક ફંડ મેનેજર્સે તેમની સ્કિમ્સમાં આ સેગમેન્ટનું એક્સપોઝર ઘટાડ્યું પણ છે. આ પાછળના કારણોમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ અને લાર્જ-કેપ્સમાં ઊંચી ફંડ ફાળવણી છે. એડલવેઈસ એમએફના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર ત્રિદીપ ભટ્ટાચાર્યના મતે મીડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સમાં તીવ્ર તેજી પછી સેફ્ટી માર્જિન માટે મીડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સથી એસેટ મેનેજર્સ થોડા દૂર થઈ રહ્યાં છે. હાલમાં લાર્જ-કેપ્સમાં વધુ સારું રિસ્ક-રિવોર્ડ બેલેન્સ જણાય રહ્યું છે એમ તેઓ ઉમેરે છે.

એપ્રિલથી સપ્ટેમ્બરમાં સ્મોલ-કેપના એક્સપોઝરમાં ફેરફાર(ટકામાં)

સ્કિમ્સ 31 માર્ચની આખરમાં 30 સપ્ટેમ્બરની આખરમાં
ELSS 10.4 11.7
ફ્લેક્સિકેપ 9.1 9.8
મલ્ટીકેપ 29.3 32.0
લાર્જકેપ 2.0 2.0

એપ્રિલથી સપ્ટેમ્બરમાં મીડ-કેપના એક્સપોઝરમાં ફેરફાર(ટકામાં)

સ્કિમ્સ 31 માર્ચની આખરમાં 30 સપ્ટેમ્બરની આખરમાં
ELSS 16.8 18.9
ફ્લેક્સિકેપ 16.2 17.2
મલ્ટીકેપ 24.6 25.4
લાર્જકેપ 8.5 9.1

BSEએ ઈક્વિટી ડેરિવેટીવ્ઝ પર ટ્રાન્ઝેક્શન ફીમાં વધારી
ફીમાં નવો ફેરફાર 1 નવેમ્બરથી માત્ર બીએસઈ સેન્સેક્સ ઓપ્શપ્સ પર લાગુ પડશે

બીએસઈએ ઈક્વિટી ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં વૃદ્ધિ કરી છે. જે એક નવેમ્બરથી લાગુ પડશે. આ અહેવાલ પાછળ બીએસઈના શેરમાં મજબૂતી જોવા મળી હતી. એક્સચેન્જે ફીમાં કરેલો ફેરફાર માત્ર એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ઓપ્શન્સ પર જ લાગુ પડશે. તેમાં પણ નજીકના એક્સપાયરી કોન્ટ્રેક્ટ્સ પર લાગુ પડશે. નવું ટ્રાન્ઝેક્શન ફી સ્ટ્રક્ચર ઈન્ક્રિમેન્ટલ બીલેબલ મંથલી ટર્નઓવર(પ્રિમિયમ વેલ્યૂ) પર આધારિત છે.
ડેરિવેટીવ્ઝ સેગમેન્ટમાં બીએસઈનો બજાર હિસ્સો છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં વધતો જોવા મળ્યો છે. માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ એક્સચેન્જ તરફથી ટ્રાન્ઝેક્શન ફીમાં વૃદ્ધિ ટ્રેડર્સ પર નેગેટિવ અસર ઉપજાવશે. ખાસ કરી રિટેલ ટ્રેડર્સ પર તેની વિશેષ અસર જોવા મળશે. મોટાભાગના રિટેલ ટ્રેડર્સ ઓપ્શન ખરીદાર હોવાથી ટ્રાન્ઝેક્સન ખર્ચમાં વૃદ્ધિ તેમના બ્રેકઈવન પોઈન્ટ પર અસર કરશે અને તેમના માટે સતત પ્રોફીટ રળવો કઠિન બની રહેશે એમ નિષ્ણાતોનું કહેવું છે. બીએસઈએ અનેકવાર નિષ્ફળ ગયા પછી તેના તાજા પ્રયાસમાં ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સફળતા મેળવી છે અને તેથી મેનેજમેન્ટ ફી વધારવાનો નિર્ણય લઈ શક્યું હોય તેમ જણાય છે.

કેટલાંક ક્વાર્ટર્સ સુધી 4-5 ઈન્ફ્લેશનને સ્વીકારવું પડશેઃ MPC મેમ્બર
આરબીઆઈની એમપીસી કમિટીના સભ્ય જયંત વર્માના મતે ગ્રોથના અંદાજ સામે નોંધપાત્ર ખતરો

ભારતીય અર્થતંત્રે વધુ કેટલાંક ક્વાર્ટર્સ માટે આરબીઆઈના ટાર્ગેટથી ઊંચા ઈન્ફ્લેશનનો સામનો કરવો પડી શકે છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)ના સભ્ય જયંત વર્માનું કહેવું છે. વર્મા આરબીઆઈની એમપીસી કમિટીના ત્રણ બહારના મેમ્બર્સમાંના એક છે.
વર્માએ જણાવ્યું હતું કે હું છેલ્લાં કેટલાંક સમયથી કહી રહ્યો છું કે ઈન્ફ્લેશનને ટાર્ગેટેડ રેંજના ઉપરી છેડાની નીચે લાવવાની તાતી જરૂરિયાત છે. જોકે, ઈન્ફ્લેશનને ટાર્ગેટની અંદર લાવવા માટે આપણે કેટલોક વધુ સમય રાહ જોવી પડશે. ઈન્ફ્લેશનમાં ઝડપી ઘટાડો આર્થિક વૃદ્ધિ પર સહન ના થઈ શકે તેવું દબાણ ઊભું કરી શકે છે એમ મધ્યસ્થ બેંકની 4-6 ઓક્ટોબર દરમિયાન મળેલી બેઠકની મિનિટ્સ રજૂ થયાં પછી વર્માએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આપણે કેટલાંક ક્વાર્ટર્સ માટે 4-5 ટકાની રેંજમાં ઈન્ફ્લેશનને સ્વીકારવા માટે તૈયાર રહેવું પડશે. સપ્ટેમ્બર માટે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ) ઈન્ફ્લેશન 2-6 ટકાની રેંજમાં પરત ફર્યાં પછી તેમના તરફથી આ પ્રકારની ટિપ્પણી જોવા મળી છે. સપ્ટેમ્બર માટે સીપીઆઈ 5.02ની ત્રણ મહિનાની નીચી સપાટી પર નોંધાયું હતું. આરબીઆઈના અંદાજ મુજબ તે આગામી 18-મહિના સુધી આ લેવલ આસપાસ જળવાય શકે છે. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર 2024ના સમયગાળામાં તે ટૂંકાગાળા માટે ચાર ટકાની નીચે પણ જોવા મળે તેવી શક્યતાં છે. જ્યારે 2024-25 માટે તે 4.3 ટકા પર જળવાશે.

રિટેલ ઈન્વેસ્ટર્સ સક્રિય બનતાં ડેટ મ્યુ. ફંડમાં રૂ. 73 હજાર કરોડ ઠાલવ્યાં
ગયા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરમાં રિટેલ તરફથી રૂ. 81491 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો

રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી ડેટ ફંડ્સમાં નોંધપાત્ર ઈનફ્લો જોવા મળી રહ્યો છે. જેને કારણે ગયા મહિને લગભગ રૂ. 1.01 લાખ કરોડના આઉટફ્લો પછી પણ ચાલુ નાણા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિના દરમિયાન ડેટ સ્કિમ્સમાં કુલ નેટ ઈનફ્લો રૂ. 72,556 કરોડ પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં ડેટ સ્કિમ્સમાં રૂ. 81,491 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો.
સપ્ટેમ્બરની આખરમાં ડેટ મ્યુચ્યુલ ફંડ્સનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 13.05 લાખ કરોડ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સપ્ટેમ્બર આખરમાં રૂ. 12.42 લાખ કરોડ પર જોવા મળતું હતું. સંસ્થાકિય રોકાણકારો તરફથી નોંધપાત્ર પ્રમાણમાં ફંડ બહાર કાઢ્યાં પછી પણ રિટેલ ઈન્વેસ્ટર્સના ઈનફ્લોને કારણે ડેટ ફંડ્સમાં પોઝીટીવ રિટર્ન જોવા મળ્યું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિ અને ઈક્વિટીઝના ઊંચા વેલ્યૂએશન્સને લઈ ચિંતા પાછળ ઘણા ઈન્વેસ્ટર્સ પર તેમના નાણા ડેટ ફંડ્સમાં પાર્ક કરવા માટે દબાણ ઊભું થયું છે. જીઓ-પોલિટીકલ જોખમો પણ વધવાથી તેઓ ઈક્વિટી સ્કિમ્સમાંથી નાણા કાઢી રહ્યાં છે. તાતા એસેટ મેનેજમેન્ટના એમડીના જણાવ્યા મુજબ ડેટ ફંડ્સમાં ઈનફ્લો ખૂબ જ વોલેટાઈલ રહ્યો હોવા છતાં ગયા વર્ષની સરખામણીમાં તે ઘણો સારો જોવા મળે છે. આ માટે આકર્ષક યિલ્ડ્સ પણ એક કારણ છે. વધુમાં, યિલ્ડ-ટુ-મેચ્યોરિટી પણ ડેટ મ્યુચ્યુલ ફંડની તરફેણ કરી રહ્યાં છે. ખાસ કરીને ટૂંકાગાળા માટેની સ્કિમ્સમાં તેણે ઘણો સારો ઈનફ્લો આકર્ષ્યો છે. અલ્ટ્રાશોર્ટ ટર્મ ફંડ્સમાં ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ઈનફ્લો રૂ. 9935 કરોડ પર રહ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેમાં રૂ. 418 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. લો ડ્યુરેશન ફંડ્સમાં રૂ. 16,124 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 19,099 કરોડ પર નોંધાયો હતો. શોર્ટ ટર્મ ફંડ્સમાં ઈનફ્લો એપ્રિલથી સપ્ટેમ્બરમાં રૂ. 3293 કરોડ પર નોંધાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2811 કરોડ પર જોવા મળતો હતો.
તાજેતરમાં ઈઝરાયેલ-હમાસ જંગ પાછળ ક્રૂડના ભાવમાં વૃદ્ધિ જેવા પરિબળો પાછળ ડેટ ફંડ્સમાં ઈનફ્લો વધી શકે છે. ઈન્વેસ્ટર્સ હાલમાં રિસ્ક-ઓફ મૂડમાં જોવા મળી રહ્યાં છે અને તેથી તેઓ લો રિસ્ક લો રિટર્નનો વ્યૂહ અપનાવે તેવી શક્યતાં છે.

ટોયોટાનું હાઈબ્રીડ કાર પરનો ટેક્સ ઘટાડવા માટે લોબીંગ
જાપાની ઓટો જાયન્ટનું ભારત સરકાર સમક્ષ બે ફ્યુઅલ્સની ચાલતી કાર્સ પરનો ટેક્સ 21 ટકા સુધી ઘટાડવાની માગ
દેશમાં EV પરનો ટેક્સ માત્ર પાંચ ટકા છે જ્યારે હાઈબ્રીડ મોડેલ પર 43 ટકાના ઊંચા ટેક્સની દલીલ

જાપાની ઓટો જાયન્ટ ટોયોટા મોટર ભારત સરકાર સમક્ષ હાઈબ્રીડ વેહીકલ્સ પરના ટેક્સના દરમાં પાંચમા ભાગનો ઘટાડો કરવા માટે લોબીંગ કરી રહી હોવાનું જાણવા મળે છે. કંપનીએ આ માટે સરકારને પાઠવેલા પત્ર મુજબ હાઈબ્રીડ મોડેલ્સ પર 21 ટકા સુધીના ઘટાડા માટેની માગણી કરી છે. ટોયોટાએ એવી દલીલ કરી છે કે હાઈબ્રીડ મોડેલ પેટ્રોલ કારની સરખામણીમાં ખૂબ જ ઓછું પ્રદૂષણ ધરાવે છે તેમ છતાં તેને લઈ સાનૂકૂળ પોલિસી ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી.
વિશ્વમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની ભારતમાં હાઈબ્રીડ કાર્સની વધતી માગને જોતાં તેની ક્ષમતામાં વિસ્તરણ કરવાનું આયોજન કરી રહી છે. જોકે, ભારત સરકાર ઈલેક્ટ્રીક વેહીકલ્સના વેચાણને વેગ આપવા પર વધુ ધ્યાન આપી રહી છે અને કંપનીઓને ઈવી તથા તે માટેની બેટરી બનાવવા માટે લાખો ડોલરની રાહતો પૂરી પાડી રહી છે. ભારતમાં ઈવી પર માત્ર પાંચ ટકા ટેક્સ લાગુ પડે છે. જ્યારે હાઈબ્રીડ કાર મોડેલ્સ પર 43 ટકા જેટલો ઊંચો ટેક્સ દર લાગુ પડે છે. જે પેટ્રોલ કાર્સ પરના 48 ટકા ટેક્સથી સહેજ જ નીચો છે. ટોયોટાની દલીલ મુજબ પેટ્રોલ કાર્સની સરખામણીમાં હાઈબ્રીડ્સ પરના ટેક્સમાં માત્ર પાંચ ટકાનો ટેક્સ ગેપ અપૂરતો છે. કંપનીએ આ માટે નીતિ આયોગની થીંક-ટેંકને એક પત્ર લખ્યો છે. સરકારી નીતિ ઘડવામાં આ થીંક-ટેંક મહત્વની ભૂમિકા ભજવે છે. ટોયોટોએ તેના પત્રમાં જણાવ્યું છે કે હાઈબ્રીડ્સ માટે ટેકસના દરમાં વધુમાં વધુ 11 ટકા જેટલો તફાવત રાખવો જોઈએ. જ્યારે ફ્લેક્સ-હાઈબ્રીડ્સ માટે 14 પોઈન્ટ્સનો તફાવત હોવો જોઈએ. આમ, હાઈબ્રીડ્સ પરનો ટેક્સ રેટ ઘટાડી 37 ટકા કરવા જ્યારે ફ્લેક્સ-હાઈબ્રીડ્સ પરનો ટેક્સ રેટ ઘટાડી 34 ટકા કરવા તેણે જણાવ્યું છે.

ભારતીય ઓઈલ આયાતમાં રશિયાનો હિસ્સો વધી 40 ટકાએ પહોંચ્યો
એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા ખાતેથી પ્રતિ દિવસ 17.6 લાખ બેરલ્સ પ્રતિ દિવસની આયાત દર્શાવી
મધ્ય-પૂર્વમાંથી નીચી આયાત પાછળ ઓપેક ખાતેથી આયાત 22-વર્ષોના તળિયે જોવાઈ

ભારતની કુલ ઓઈલ આયાતમાં રશિયાના હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. 2023-24ના પ્રથમ છ મહિના દરમિયાન મોસ્કોએ તેની સ્થિતિ મજબૂત બનાવતાં ભારતની કુલ ક્રૂડ આયાતમાં 40 ટકા હિસ્સો મેળવ્યો છે અને તે દેશમાં સૌથી મોટો ક્રૂડ સપ્લાયર બન્યો છે. સ્થાનિક રિફાઈનર્સે મધ્ય-પૂર્વ સ્થિત ખાડી દેશો પાસેથી ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કરતાં આમ જોવા મળ્યું છે.
રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધ પછી ભારત રશિયન ક્રૂડના સૌથી મોટા ખરીદાર તરીકે ઊભર્યું છે. પશ્ચિમી દેશોએ રશિયન ક્રૂડની ખરીદી બંધ કરતાં રશિયાએ ભારત જેવા મિત્ર દેશોને ડિસ્કાઉન્ટમાં ઓઈલ ઓફર કર્યું હતું. જ્યારપછી ભારત તરફથી રશિયન ઓઈલની ખરીદીમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. મધ્યપૂર્વીય દેશો તરફથી સાઉદી અરેબિયાની પાછળ સપ્લાયને વધુ ટાઈટ બનાવાતાં ભારતે અન્ય વિકલ્પો માટે વિચારવાની ફરજ પડી છે. ભારતે એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2023ના છ મહિનામાં પ્રતિ દિવસ 17.6 લાખ બેરલ્સ પ્રતિ દિવસની આયાત દર્શાવી છે. જે એક વર્ષ અગાઉ સમાનગાળામાં જોવા મળતાં 7.8 લાખ બેરલ પ્રતિ દિવસની આયાતની સરખામણીમાં બમણાથી પણ વધુ આયાત સૂચવે છે. જોકે, જુલાઈ અને ઓગસ્ટમાં રશિયા ખાતેથી ઓઈલની આયાતમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં સપ્ટેમ્બરમાં રિકવરી જોવા મળી હતી. ગયા મહિને રશિયન આયાત 15.4 લાખ ટન પ્રતિ બેરલ્સ પર જોવા મળી હતી. જે ઓગસ્ટની સરખામણીમાં 11.8 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જ્યારે વાર્ષિક ધોરણે 71.7 ટકાની વૃદ્ધિ સૂચવે છે. રશિયા એપ્રિલથી સપ્ટેમ્બરમાં ભારત ખાતે સૌથી મોટો ઓઈલ સપ્લાયર બની રહ્યો હતો. જ્યારપછીના ક્રમે ઈરાક અને સાઉદી અરેબિયાનો ક્રમ જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે ભારતમાં ઈરાક અને સાઉદી અરેબિયા ખાતેથી ઓઈલ આયાતમાં અનુક્રમે 12 ટકા અને 23 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ઈરાક ખાતેથી આયાત 9.28 બેરલ્સ પ્રતિ દિવસ જ્યારે સાઉદી ખાતેથી ઓઈલની આયાત 6,07,500 બેરલ્સ પ્રતિ દિવસ પર રહી હતી. એપ્રિલ-સપ્ટેમ્બરમાં મધ્ય-પૂર્વ ખાતેથી આયાત 28 ટકા ઘટી 19.7 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પર રહી હતી. દેશમાં કુલ આયાતમાં તેમનો હિસ્સો વર્ષ અગાઉ સમાનગાળામાં 60 ટકા સામે ઘટી 44 ટકા પર જોવા મળ્યો હતો. કોમનવેલ્થ ઓફ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ(CIS) ખાતેથી આયાત બમણી થઈ હતી. જેમાં અઝરબૈઝાન, કઝાકિસ્તાન અને રશિયાનો સમાવેશ થાય છે. પશ્ચિમ એશિયા ખાતેથી નીચી આયાતને કારણે ભારતની કુલ આયાતમાં ઓપેકનો હિસ્સો ગગડ્યો હતો અને તે 22-વર્ષોના તળિયા પર જોવા મળ્યો હતો. ઓપેક સભ્યોનો ઓઈલ આયાતમાં હિસ્સો એપ્રિલથી સપ્ટેમ્બરમાં ઘટી 46 ટકા પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 63 ટકા પર નોંધાયો હતો. ઓપેક દેશોમાં મુખ્યત્વે ખાડી દેશો, સબ-સહારન દેશોનો સમાવેશ થાય છે. જ્યારે રશિયા સહિત કેટલાંક દેશો ઓપેકના ભાગરૂપ નથી.

કોર્પોરેટ હેડલાઈન્સ

વેદાંતાઃ કંપનીના સીએફઓ સોનલ શ્રીવાસ્તવ કંપનીમાંથી રાજીનામુ આપે તેવી શક્યતાં છે. વર્તુળોના મતે તેમણે કંપનીને રાજીનામા અંગે જણાવી દીધું છે. તેઓ જૂનમાં જ કંપનીના સીએફઓ તરીકે જોડાયાં હતાં. તેમણે ગયા મહિને જ કંપની છોડવાનો નિર્ણય લીધો હોવાનું વર્તુળો ઉમેરે છે. વેદાતાંએ બે વર્ષોમાં 3 અબજ ડોલરનું બોન્ડ રિપેમેન્ટ્સ કરવાનું છે.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસિઝ કંપની આગામી નવેમ્બર મહિનાની શરૂઆતથી વેતન વૃદ્ધિ શરૂ કરશે. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સિઝ ઓફિસરે આ માહિતી આપી હતી. બે ક્વાર્ટરથી કંપનીએ વેતન વૃદ્ધિ મોકૂફ રાખી હતી. સામાન્યરીતે કંપની સિનિયર મેનેજમેન્ટથી નીચેના લેવલ માટે એપ્રિલમાં વાર્ષિક વૃદ્ધિ જાહેર કરે છે.
ઓએનજીસીઃ કંપનીએ પીટીસી ઈન્ડિયાના વિન્ડ પાવર યુનિટ્સ ખરીદવા માટેનું બીડ મેળવ્યું છે. મહારત્ન કંપનીએ રૂ. 925 કરોડમાં આ બીડ પ્રાપ્ત કર્યું છે. સ્ટોક એક્સચેન્જ ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું છે કે ભારતના ટોચના ઓઈલ એન્ડ ગેસ ઉત્પાદકે જણાવ્યું છે કે તે તેના કોર બિઝનેસ ઉપરાંત ડાયવર્સિફિકેશન જાળવ્યું છે. કંપની હાલમાં 189 મેગાવોટની રિન્યૂએબલની ક્ષમતા ધરાવે છે.
પેટીએમઃ ફિનટેક કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 32 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2519 કરોડની આવક દર્શાવી છે. કંપનીની ચોખ્ખી આવક રૂ. 292 કરોડ જોવા મળી છે. કંપનીની પેમેન્ટ રેવન્યૂ 28 ટકા વધી રૂ. 1425 કરોડ જ્યારે નેટ પેમેન્ટ માર્જિન 60 ટકા વધી રૂ. 707 કરોડ રહ્યાં હતાં. ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને અન્ય આવક 64 ટકા વધી રૂ. 571 કરોડ પર રહી હતી.
એલએન્ડટી ફાઇનાન્સઃ એનબીએફસી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 595 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 46 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપની બીજા ક્વાર્ટરમાં રૂ. 13,499 કરોડનું વિક્રમી રિટેલ ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 32 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીના કુલ લોન બુકમાં 88 ટકા હિસ્સો રિટેલનો છે. કંપનીની હોલસેલ બુકમાં 76 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage