Market Summary 23/12/2022

કોવિડનો ભય વધતાં સતત ચોથા દિવસે માર્કેટ પટકાયું
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે 1000થી વધુ પોઈન્ટ્સ ગગડ્યો
નિફ્ટી 18000ની સપાટી ગુમાવી બે મહિનાના તળિયે
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.4 ટકા ઉછળી 16.16ની સપાટીએ
પીએસયૂ બેંક ઈન્ડેક્સ 6 ટકા તૂટ્યો
મેટલ, ઓટો, રિઅલ્ટી, એનર્જી ઈન્ડેક્સમાં 3-4 ટકાનો ઘટાડો
નિફ્ટીના 50માંથી માત્ર બે કાઉન્ટર્સ જ પોઝીટીવ જોવા મળ્યાં
નાયકા, વોડાફોન, બીએસઈએ વાર્ષિક તળિયું બનાવ્યું

શેરબજારમાં છ મહિના પછી ફરીવાર મંદીવાળા હાવી બન્યાં છે. કોવિડના વધતાં ગભરાટ પાછળ સતત ચોથા સત્રમાં ભારતીય બજાર ઘટાડા સાથે બંધ આવ્યું હતું. શુક્રવારે નિફ્ટીએ 18 હજારનું મહત્વનું સાયકોલોજિકલ સ્તર ગુમાવ્યું હતું. જાતે-જાતમાં વેચવાલી પાછળ સમગ્ર દિવસ દરમિયાન માર્કેટ ઘસાતું જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 981 પોઈન્ટ્સ નરમાઈએ 59845ની સપાટીએ જ્યારે નિફ્ટી 321 પોઈન્ટ્સ ગગડી 17807ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 73 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ છેલ્લાં અનેક મહિનાઓની સૌથી ખરાબ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 48 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ ખરાબ હતી અને માર્કેટ બ્રેડથ 2022ની સૌથી ખરાબ જળવાય હતી. બીએસઈ ખાતે 3655 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 3115 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 472 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.4 ટકા ઉછળી 16.16ની સપાટીએ બંધ રહ્યો હતો.

મધર માર્કેટ એવા યુએસ ખાતે ચાલુ સપ્તાહે સતત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ગુરુવારે રાતે પણ તેઓ એક ટકાથી વધુ ઘટાડે બંધ રહ્યાં હતાં. જેની પાછળ એશિયન બજારોમાં વેચવાલી ફરી વળી હતી. કોરિયા, તાઈવાન અને જાપાનના બજારો એક ટકાથી વધુ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે ચીનનું બજાર સાધારણ ઘટાડો સૂચવતું હતું. ચીન ખાતે કોવિડની સ્થિતિને લઈને ચિંતા જોવા મળી રહી છે. જેની પાછળ વૈશ્વિક બજારોના સેન્ટિમેન્ટ પર વિપરીત અસર ઊભી થઈ છે. શુક્રવારે ભારતીય બજારે 150 પોઈન્ટ્સથી વધુનું ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. દિવસ દરમિયાન તે પોઝીટીવ ઝોનમાં ટ્રેડ નોંધાવી શક્યું નહોતું. બંધ થવાની મિનિટ્સ અગાઉ તેણે 17779નું ઈન્ટ્રા-ડે તળિયું દર્શાવ્યું હતું. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17830નું સ્તર તોડતાં હવેનો સપોર્ટ 17200 પર જોવા મળે છે. આમ માર્કેટમાં ઘટાડો જળવાય રહેવાની શક્યતાં છે. ઉપરમાં નજીકનો અવરોધ 18200નો છે. જે પાર થશે તો ટ્રેન્ડ બદલાય શકે છે. હાલમાં તો શોર્ટ ટ્રેડર્સ 18200ના સ્ટોપલોસ સાથે શોર્ટ જાળવી શકે છે. શુક્રવારે નિફ્ટીના માત્ર બે જ કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. જેમાં ડિવિઝ લેબ્સ અને ટાઈટન કંપનીનો સમાવેશ થતો હતો. જ્યારે ટોચનો ઘટાડો દર્શાવવામાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, તાતા મોટર્સ, કોલ ઈન્ડિયા અને હીરો મોટોકોર્પનો સમાવેશ થતો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 6 ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં યુનિયન બેંક 11 ટકા ઘટાડા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત સેન્ટ્રલ બેંક, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પીએનબી, જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક પણ 6 ટાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 4.5 ટકાના તીવ્ર ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ 6 ટકા, હિંદાલ્કો 6 ટકા, વેદાંત 6 ટકા, સેઈલ 5 ટકા, તાતા સ્ટીલ 5 ટકા અને નાલ્કો 5 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 4 ટકા ગગડ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 9 ટકા તૂટ્યો હતો. તાતા પાવર 6 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 3 ટકા અને આઈઓસી 3 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો 2.5 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં અમર રાજા બેટરીઝ 7 ટકા, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 5 ટકા, તાતા મોટર્સ 4 ટકા, એક્સાઈડ ઈન્ડ. 4 ટકા ઘટાડો સૂચવતાં હતાં. બેંક નિફ્ટી 1.75 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. તેણે 42 હજારની સપાટી ગુમાવી હતી. ખાનગી બેંકિંગ શેર્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંકનો શેર 7 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ફેડરલ બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બંદન બેંક અને એક્સિસ બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી આઈટી, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાર્મા પણ એકથી બે ટકાની રેંજમાં ઘટાડો દર્શાવતાં હતાં.

એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પોઝીટીવ બંધ દર્શાવવામાં સિન્જીન ઈન્ટરનેશનલ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા અને ડિવિઝ લેબ્સ, ત્રણ જ કાઉન્ટર્સ જોવા મળતાં હતાં. બીજી બાજુ ઘટવામાં અગ્રણી કાઉન્ટર્સમાં ઈન્ડિયા સિમેન્ટ્સ ટોચ પર હતો. શેર 9 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, અંબુજા સિમેન્ટ્સ, પીએનબી, ડેલ્ટા કોર્પ, અદાણી પોર્ટ્સ, હિંદ કોપર, આઈડીએફસી, આરબીએલ બેંક, ભેલ, દિપક નાઈટ્રેટમાં 6 ટકાથી ઊંચી વેચવાલી જોવા મળી રહી હતી. એકમાત્ર અબોટ ઈન્ડિયાના શેરે સતત ત્રીજા દિવસે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 52-સપ્તાહનું તળિયું દર્શાવવામાં સેન્ચૂરી, ટીવી18 બ્રોડકાસ્ટ, પોલિપ્લેક્સ કોર્પ, આઈઈએક્સ, ટ્રાઈડન્ટ વગેરેનો સમાવેશ થતો હતો.

નિફ્ટી ટોચથી 6 ટકા તૂટ્યો, મીડ-કેપ્સમાં 27 ટકા સુધીનું ધોવાણ
બેન્ચમાર્ક ડિસેમ્બરની શરૂમાં 18812ની સર્વોચ્ચ ટોચ પરથી 1005 પોઈન્ટ્સ ગગડી શુક્રવારે 17807ની સપાટીએ બંધ રહ્યો
એનએસઈ-500 જૂથના 413 કાઉન્ટર્સે સમાનગાળામાં નેગેટિવ રિટર્ન દર્શાવ્યું, PSU બેંક્સનું આઉટપર્ફોર્મન્સ
કેલેન્ડરના આખરી મહિનામાં નિફ્ટીમાં 2.3 ટકા સામે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 8 ટકાથી વધુ તૂટ્યો

શેરબજારમાં જૂન મહિના બાદ ફરીવાર વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે, જેની પાછળ લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. બેન્ચમાર્ક નિફ્ટી તેણે નવેમ્બર આખરમાં દર્શાવેલી સર્વોચ્ચ ટોચ પરથી લગભગ પાંચ ટકા જેટલો તૂટી ચૂક્યો છે ત્યારે એનએસઈ-500માં સમાવિષ્ટ મીડ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં 27 ટકા સુધીનું મૂડી ધોવાણ નોંધાયું છે. આમ અગાઉથી જ અન્ડરપર્ફોર્મર જોવા મળતાં મીડ-સ્મોલ કેપ્સનો દેખાવ વધુ ખરાબ બન્યો છે.

ડિસેમ્બરની શરૂઆતના અગાઉના દિવસે ભારતીય બજારે તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારબાદ તે કોન્સોલિડેશનમાં જોવા મળ્યું હતું. વર્ષના આખરી મહિનાના પ્રથમ પખવાડિયામાં બેન્ચમાર્ક્સ જોકે પોઝીટીવ ઝોનમાં ટકી રહ્યાં હતાં. તેમણે કોઈ નોંધપાત્ર કરેક્શનની ખાતરી નહોતી આપી. જોકે 15 ડિસેમ્બરથી માર્કેટની રૂખ પલટાઈ હતી અને ધીમો ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. જેની પાછળ શુક્રવારે છેલ્લાં છેલ્લાં અનેક સપ્તાહોનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે માર્કેટમાં પેનિકની સ્થિતિ નથી ઊભી થઈ. તેમજ બેન્ચમાર્ક નિફ્ટી 18812ની સર્વોચ્ચ ટોચ સામે 1005 પોઈન્ટ્સ અથવા 5.35 ટકાનો સામાન્ય ઘટાડો દર્શાવી રહ્યો છે. જેની સામે એનએસઈ-500 જૂથના કેટલાંક શેર્સ સમાનગાળામાં 27 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવી રહ્યાં છે. આવા કાઉન્ટર્સમાં ઈઝમાઈટ્રિપ, ધાની, કોચીન શીપયાર્ડ, પ્રિઝમ જોહ્નસન, જીએમએમ ફોડલર વગેરેનો સમાવેશ થાય છે. ઈઝમાઈટ્રિપનો શેર નવેમ્બરના બંધ ભાવથી શુક્રવાર સુધીમાં 27 ટકા જેટલો ગગડી ચૂક્યો હતો. જ્યારે ધાનીમાં 26 ટકા અનો કોચીન શીપયાર્ડમાં 24 ટકા મૂડી ધોવાણ જોવા મળ્યું હતું. છેલ્લાં બે મહિનામાં અસાધારણ રિટર્ન દર્શાવનાર કોચીન શીપયાર્ડ અને મઝગાંવ ડોક, બંને કાઉન્ટર્સમાં ઊંચા મથાળે તીવ્ર વેચવાલી જોવા મળી હતી. અદાણી જૂથની કંપની અદાણી ટ્રાન્સમિશનનો શેર પણ નવેમ્બરની આખરમાં રૂ. 2909ની સપાટી પરથી 21 ટકા ગગડી શુક્રવારે રૂ. 2284ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી બાજુ નાના પીએસયૂ બેંક શેર્સ માર્કેટથી આઉટપર્ફોર્ન્સ દર્શાવવાનું જાળવ્યું હતું. જેમાં યૂકો બેંકનો શેર હજુ પણ નવેમ્બરના બંધ ભાવથી 49 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જ્યારે સેન્ટ્રલ બેંકનો શેર પણ 20 ટકા રિટર્ન સૂચવે છે. સરકારી કંપની ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સનો શેર નવેમ્બરના બંધ ભાવ સામે શુક્રવારે 67 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવતો હતો. જ્યારે જિંદાલ સ્ટીલ લિમિટેડનો શેર 20 ટકા મજબૂતી દર્શાવતો હતો.

ડિસેમ્બરમાં NSE-500 શેર્સના અન્ડરપર્ફોર્મર્સ
સ્ક્રિપ્સ નવેમ્બરનો બંધ ભાવ(રૂ.) શુક્રવારનો બંધ(રૂ.) ફેરફાર(ટકામાં)
ઈઝમાઈટ્રિપ 63 46 -27
ધાની 47 35 -26
કોચીન શીપ 667 505 -24
પ્રિઝમ જોહ્નસન 132 100 -24
GMM ફોડલર 1952 1496 -23
મઝગાંવ ડોક 909 702 -23
BCG 36 28 -22
અદાણી ટ્રાન્સમિશન 2909 2284 -21
એંજલ વન 1597 1261 -21
આસાહી ઈન્ડિયા 617 490 -21
રતન ઈન્ડિયા 50 40 -21
ફ્લોરોકેમ 3500 2790 -20

દેશમાં યુરિયાનું ઉત્પાદન વધતાં આયાતમાં ઘટાડો નોંધાયો
એપ્રિલથી નવેમ્બરમાં ઉત્પાદન 14.4 ટકા ઉછળી 1.872 કરોડ ટન પર રહ્યું
યુરિયાની આયાત 4.7 ટકા ઘટી શરૂઆતી આંઠ મહિનામાં 46.1 લાખ ટન પર રહી

યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા મેળવવાના પ્રયાસરૂપે દેશમાં ચાલુ નાણા વર્ષની શરૂઆતથી નવેમ્બર સુધીમાં મહત્વના ફર્ટિલાઈઝરનું ઉત્પાદન વધ્યું છે. જેને કારણે આયાતમાં ઘટાડા છતાં વધતી માગને પૂરી કરી શકાય છે. જોકે રાજ્યો સાથે વધુ સારુ કો-ઓર્ડિનેશન જાળવવાથી રવિ સિઝનમાં જોવા મળેલી ખાતરની અછતને ઓછી કરી શકાય છે એમ નિષ્ણાતો જણાવે છે.
દેશમાં વાર્ષિક 3.5 કરોડ ટનની યુરિયાની માગ સામે સ્થાનિક ઉત્પાદન છેલ્લાં ઘણા વર્ષોથી 2.5 કરોડ ટન પર સ્થિર જોવા મળતું હતું. જ્યારે ચોમાસા તથા અન્ય પરિબળોને આધારે દેશમાં 80 લાખથી એક કરોડ ટન સુધીની આયાત જોવા મળતી હતી. જોકે સત્તાવાર આંકડા અનુસાર ચાલુ નાણા વર્ષમાં એપ્રિલથી નવેમ્બર દરમિયાન યુરિયાની આયાત 4.7 ટકા ઘટી 46.1 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 48.4 લાખ ટન પર જોવા મળતી હતી. બીજી બાજુ દેશમાં યુરિયાનું ઉત્પાદન એપ્રિલથી નવેમ્બરના આંઠ મહિના દરમિયાન 14.4 ટકા જેટલું ઉછળી 1.872 કરોડ ટન પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.636 કરોડ ટન પર હતું. દેશમાં યુરિયાનું વેચાણ પણ 2.176 કરોડ ટન પરથી 6.7 ટકા વધી 2.32 કરોડ ટન પર જોવા મળ્યું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના ઉત્પાદન અને આયાતમાંથી ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ઉપલબ્ધતા વેચાણ કરતાં સહેજ ઊંચી છે. જે અન્ય કોઈ વૈકલ્પિક ગોઠવણના અભાવમાં આગામી ખરિફ સિઝન માટે પુરવઠાને લઈ સમસ્યા ઊભી કરી શકે છે. રવિ સિઝનમાં વેચાણમાં એકાએક ઉછાળો નોંધાયો છે. ઓક્ટોબરમાં સિઝનની શરૂમાં વેચાણ 20 લાખ ટન પર જોવા મળ્યું હતું. જોકે નવેમ્બરમાં તે ઉછળીને 39.3 લાખ ટન પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 31.3 લાખ ટન પર જોવા મળતું હતું. આ માટેનું એક કારણ યુરિયાની તંગી સંબંધી અહેવાલોને કારણે ખેડૂતો તરફથી જરુર કરતાં ઊંચી ખરીદી પણ જવાબદાર હોવાનું જાણવા મળે છે.

ઈક્વિટીઝમાં ભારે વેચવાલી વચ્ચે રૂપિયામાં સાધારણ નરમાઈ
શુક્રવારે શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે ડોલર સામે રૂપિયો પ્રમાણમાં મક્કમ જોવા મળ્યો હતો અને 10 પૈસા ઘટી 82.86ની સપાટી પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં પણ નરમાઈને કારણે રૂપિયાને સપોર્ટ સાંપડ્યો હતો અને તે મોટી વેચવાલીથી બચ્યો હતો. વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતીને કારણે રૂપિયા પર થોડી અસર પડી હતી અન્યથા તે સ્થિર જોવા મળ્યો હતો. શુક્રવારે સતત પાંચમા દિવસે ક્રૂડમાં સુધારો જળવાયો હતો. બ્રેન્ડ ક્રૂડ વાયદો 82 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. ડોલર 82.75-83ની રેંજમાં તેની ટોચ બનાવી ફરી નરમ પડે તેવી શક્યતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. રૂપિયો સુધરી 82-81.50નું સ્તર દર્શાવી શકે છે.

મહામારીના ભયે ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત
ચીન સહિતના દેશોમાં કોવિડ કેસિસની સંખ્યામાં વૃદ્ધિ પાછળ શેરબજારોમાં વેચવાલી ફરી વળી છે ત્યારે ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત જોવા મળી રહ્યો છે. કોમેક્સ ખાતે ગોલ્ડ 1800 ડોલરની નીચે ટકી શકતું નથી. છેલ્લાં સપ્તાહમાં અનેકવાર 1800 ડોલરની નીચે ઉતરી ગયા બાદ તે ઝડપથી પાછું ફર્યું છે. જે સૂચવે છે કે હાલમાં ગોલ્ડ કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહ્યું છે. જે નવા કેલેન્ડરમાં બ્રેકઆઉટ દર્શાવી શકે છે. હાલમાં ગોલ્ડને 1830 ડોલરનો અવરોધ નડી રહ્યો છે. જે પાર થશે તો 1850-1870 ડોલરની રેંજ જોવા મળી શકે તેમ ટેકનીકલ એનાલિસ્ટ્સ જણાવે છે. નવેમ્બરમાં 8 ટકાના ઝડપી સુધારા બાદ ડિસેમ્બરમાં ગોલ્ડ રેંજ બાઉન્ડ જળવાયું છે. ભારતીય બજારમાં ગોલ્ડ વાયદો તેની સર્વોચ્ચ ટોચથી 2 ટકા છેટે ટ્રેડ દર્શાવી રહ્યો છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

ઝાયડસ લાઈફઃ ફાર્માસ્યુટીકલ કંપનીની ઝાયડસ વર્લ્ડવાઈડ ડીએમસીસીએ યુએસ હેલ્થ રેગ્યુલેટર પાસેથી સેલેક્સિપેગ ટેબલેટ્સના તેના જેનેરિક વર્ઝનના માર્કેટિંગ માટેની મંજૂરી મેળવી છે.
ડિફેન્સ કંપનીઝઃ કેન્દ્રિય ડિફેન્સ મંત્રાલય ફ્યુચરિસ્ટીક ઈન્ફેન્ટ્રી કોમ્બેટ વેહીકલ્સ, લાઈટ ટેંક્સ એન્ડ માઉન્ટેડ ગન સિસ્ટમ, મલ્ટી-પરપઝ વેસેલ્સ અને ઓફશોર પેટ્રોલ વેસેલ્સ વગેરેની ખરીદી માટે જઈ રહ્યું છે.
રિલાયન્સ ઈન્ડઃ કંપનીની સબસિડિયરી રિલાયન્સ જીઓ ઈન્ફોમે જણાવ્યું છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને તેના રિટેલ આઉટલેટ્સ માટે રિલાયન્સ જીઓ સંચાલિત નેટવર્ક સર્વિસિઝ પર પસંદગી ઉતારી છે.
ડીએલએફઃ કંપની સંબંધી એક મેટરમાં કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)એ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાને પ્રથમ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટને આધારે નવેસરથી કેસ ખોલવા માટે જણાવ્યું છે. અગાઉ સીસીઆઈએ સપ્લિમેન્ટરી ઈન્વેસ્ટીગેશન રિપોર્ટને આધારે ડીએલએફ સામેના કેસને બંધ કરી દીધો હતો.
આઈએફસીઆઈઃ પીએસયૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટર્મ લેન્ડર આઈએફસીઆઈના શેરધારકોએ બોન્ડ્સ તથા અન્ય ઈન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે રૂ. 1000 કરોડ ઊભા કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ગુરુવારે યોજાયેલી કંપનીની એન્યૂઅલ જનરલ મિટિંગમાં આ અંગે ઠરાવ પસાર કરાયો હતો.
લ્યુપિનઃ ફાર્મા કંપનીની યુએસ સ્થિત સબસિડિયરીએ બ્લડપ્રેશરની સારવારમાં વપરાતી ક્વિનાપ્રિલ ટેબલેટ્સના ચાર લોટ્સને બજારમાંથી પરત ખેંચ્યાં છે. ટેબલેટ્સમાં નાઈટ્રોસેમાઈન ઈમ્પ્યોરિટીને કારણે આમ કરવામાં આવ્યું હોવાનું કંપનીએ જણાવ્યું છે.
ઈન્ડિયા સિમેન્ટ્સઃ કમ્પિટીશન ઓફ ઈન્ડિયાએ ઈન્ડિયા સિમેન્ટ્સની ચેન્નાઈ ઓફિસ ખાતે સર્ચ હાથ ધરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેણે સીસીઆઈ રેગ્યુલેશન્સનો કોઈ ભંગ કર્યો નથી. જોકે શુક્રવારે કંપનીનો શેર 10 ટકા તૂટ્યો હતો.
જેકે સિમેન્ટઃ કંપનીએ તેની સબસિડિયરી જેકે પેઈન્ટ્સ એન્ડ કોટિંગ્સ મારફતે એક્રો પેઈન્ટ્સમાં 60 ટકા હિસ્સાની રૂ. 153 કરોડમાં ખરીદી કરી છે. કંપની એક્રો પેઈન્ટ્સમાંનો બાકીનો 40 ટકા હિસ્સો આગામી 12-મહિનામાં ખરીદ કરશે એમ બંને કંપનીઓ વચ્ચે કરારમાં જણાવાયું છે.
આરવીએનએલઃ રેલ્વેની કંપનીએ સુરત મેટ્રો રેઈલ પ્રોજેક્ટ ફેઝ-1, ડીસી-2 માટે ભેસાણ ડેપો કમ વર્કશોપના બાંધકામ માટેનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.
પીએનસી ઈન્ફ્રાટેકઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની સબસિડિયરી હાથરસ હાઈવેઝ અને યમુના હાઈવેઝે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી ફાઈનાન્સિયલ ક્લોઝર મેળવી લીધું છે.
આઈઆરસીટીસીઃ ભારત સરકારે રેલ્વે કેટરીંગ અને ઓનલાઈન ટિકિટીંગ કંપનીના યોગ્યતા ધરાવતાં કર્મચારીઓને રૂ. 680 પ્રતિ શેરના ભાવે 40 લાખ શેર્સ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
મહિન્દ્રા લાઈફઃ મહિન્દ્રા જૂથની રિઅલ્ટી કંપનીએ મુંબઈ ખાતે 9.24 એકર લેન્ડ પાર્સલની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
રેલટેલઃ રેલ્વે કંપનીએ વેબેલ ટેક્નોલોજી પાસેથી સિસ્ટમ ઈન્ડિગ્રેટર તરીકેની કામગીરી માટેનો ઓર્ડર મેળવ્યો છે.
અજંતા ફાર્માઃ આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ મ્યુચ્યુલ ફંડે અજંતા ફાર્મામાં 10.86 લાખ શેર્સ જ્યારે નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડે ફાર્મા કંપનીમાં 7.15 લાખ શેર્સની ખરીદી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage