માર્કેટ સમરી
નિફ્ટી વધ-ઘટે પોઝીટીવ બંધ આપવામા સફળ
મંગળવારનો દિવસ બે બાજુની વધ-ઘટનો હતો. એક તબક્કે 500 પોઈન્ટ્સથી વધુનો સુધારો દર્શાવતો સેન્સેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 32 પોઈન્ટ્સના સાધારણ સુધારે 14700 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં કોન્સોલિડેશન વચ્ચ બ્રોડ માર્કેટમાં તેજી જોવા મળી હતી અને તે રાહતની બાબત હતી. વૈશ્વિક બજારો પણ તળિયાથી સુધરતાં ટેકો સાંપડ્યો હતો. જોકે ભારતીય બજાર બંધ થયા બાદ યુરોપિય બજારો ઘટ્યાં હતાં અને તેથી બુધવારે બજારનું ઓપનીંગ સાધારણ ગેપ-ડાઉન જોવા મળી શકે છે.
માર્કેટમાં ઊંચી વધ-ઘટ વચ્ચે મીડ-સ્મોલ કેપમાં મજબૂતી
મંગળવારે શેરબજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3043 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1676 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1205 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ સામે નરમાઈ સૂચવતાં હતાં. આમ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. 189 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ એક ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી મીડ-કેપ્સ પણ 0.98 ટકાના સુધારા સાથે બંધ રહ્યો હતો.
સોનું-ચાંદી બપોર બાદ નરમ પડ્યાં
વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ બુલિયનમાં મંગળવારે ઓપનીંગ સારુ રહ્યું હતું અને સોનું-ચાંદી તાજેતરની ટોચ પર ટ્રેડ થયાં હતાં. જોકે બપોર બાદ એમસીએક્સ ખાતે ફરી નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. જેમાં ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 81ના ઘટાડે રૂ. 46820 પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 288ના ઘટાડે રૂ. 70144 પર ટ્રેડ થતો હતો. સવારે સિલ્વરએ રૂ. 70700ની ટોચ દર્શાવી હતી. જ્યાંથી તે કરેક્ટ થયો હતો. વૈશ્વિક બજારમાં ચાંદી 28 ડોલરની સપાટી પાર કરી ગઈ હતી અને કોપરમાં તીવ્ર તેજી જોતાં એનાલિસ્ટ્સ ચાંદીમાં પણ ઝડપી સુધારાની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે. જોકે સોનું નરમ રહેતાં ચાંદીને જોઈએ તેવો સપોર્ટ સાંપડી રહ્યો નથી.
જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સનો શેર નવી ટોચ પર
ડોમિનોઝ પિત્ઝાની ભારતીય ફ્રેન્ચાઈઝર જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સનો શેર નવી ટોચ પર ટ્રેડ થયો છે. મંગળવારે કંપનીનો શેર રૂ. 3215ની નવી ટોચ પર જોવા મળ્યો હતો. તે રૂ. 3113ના અગાઉના બંધ સામે રૂ. 100થી વધુ સુધર્યો હતો અને રૂ. 42000ના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 1140ના તળિયાથી સુધરતો રહીને લગભગ ત્રણ ગણો સુધારો દર્સાવી રહ્યો છે.
બજારને બીજા દિવસે મેટલ્સે પૂરો પાડેલો સપોર્ટ
નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 3750ની સર્વોચ્ચ સપાટી પર બંધ
હિંદુસ્તાન કોપર 18 ટકા અને ટાટા સ્ટીલ 7 ટકા ઉછળ્યાં
શેરબજારમાં દિશાહિન માહોલ વચ્ચે મેટલ શેર્સમાં આગેકૂચ જળવાય હતી. સતત બીજા દિવસે મેટલ કાઉન્ટર્સે બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો અને નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 3750ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આમ અંતિમ બે દિવસમાં બજાર જ્યારે ઘટીને બંધ આવ્યું છે ત્યારે તેણે લગભગ 6 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. મંગળવારે મોટાભાગના મેટલ કાઉન્ટર્સ તેમની નવી ટોચ પર બંધ રહ્યાં હતાં.
નિફ્ટી મેટલ ઈન્ડેક્સે દિવસ દરમિયાન 3770ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. ગયા માર્ચ મહિનામાં 1481ના તળિયા પરથી તે 165 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. મેટલ ઈન્ડેક્સના મોટાભાગના કાઉન્ટર્સ તેમની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે કેટલાક કાઉન્ટર્સ અંતિમ કેટલાંક વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં જાહેર સાહસ પીએસયૂ કોપરનો શેર મંગળવારે પણ 20 ટકા ઉછળી મોટોભાગનો સમય રૂ. 118ની ઉપલી સર્કિટમાં બંધ જોવા મળ્યો હતો. જોકે કામકાજના આખરે તેની સર્કિટ લિમિટ ખૂલી હતી અને તે 18 ટકા સાથે રૂ. 116ના સ્તરે બંધ રહ્યો હતો. ખાનગી ક્ષેત્રે અગ્રણી સ્ટીલ ઉત્પાદક ટાટા સ્ટીલનો શેર 7 ટકા ઉછળ્યો હતો અને રૂ. 736ની છેલ્લા 12 વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. પીએસયૂ સ્ટીલ ઉત્પાદકનો શેર પણ 6 ટકા ઉછળી રૂ. 71ની સપાટી પર જોવા મળ્યો હતો. લગભગ મહિના અગાઉ રૂ. 66ના ભાવે કરવામાં આવેલા એફપીઓ પ્રાઈસને તે પાર કરી ગયો હતો. એલ્યુમિનિયમ અગ્રણી હિંદાલ્કોનો શેર રૂ. 338ની સપાટીની નવી ટોચ પર પહોંચ્યો હતો અને રૂ. 75 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. ગયા માર્ચ મહિનામાં રૂ. 85ના તળિયા પરથી તે ચાર ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. પીએસયૂ એલ્યુમિનિયમ ઉત્પાદક અને બે દિવસ બાદ રૂ. 57.5ના ભાવે બાય-બેક શરૂ કરવા જઈ રહેલી નાલ્કોનો શેર 5 ટકા ઉછળી રૂ. 55.25ના ભાવે બંધ રહ્યો હતો. આમ આઈટી કંપનીઓની જેમ હવે પીએસયૂ કંપનીઓના બાયબેકને કેટલી સફળતા મળશે જે જોવું રહ્યું. જો ભાવ વધુ રૂ. 2 જેટલો વધશે તો રિટેલ રોકાણકારો બાયબેક ઓફરને સબસ્ક્રાઈબ કરવાનું માંડી વાળે તેવું બનશે. કેમકે બજારમાં જ તે ભાવે તેમના શેર વેચાઈ જશે. પ્રાઈવેટ સ્ટીલ ઉત્પાદક જિંદાલ સ્ટીલનો શેર પણ રૂ. 337ની નવી ટોચ પર બંધ રહ્યો હતો.
મંગળવારે મેટલ શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
હિંદ કોપર 18
ટાટા સ્ટીલ 7.0
સેલ 6.0
હિંદાલ્કો 5.4
નાલ્કો 5.0
જિંદાલ સ્ટીલ 5.0
મોઈલ 3.3
એપીએલ એપોલો 3.0
એનએમડીસી 2.38
વેદાંત 2.11
જેએસડબલ્યુ સ્ટીલ 1.6
સપ્તાહની નરમાઈમાં એનએસઈ-500 કાઉન્ટર્સ 16 ટકા જેટલાં તૂટ્યાં
નિફ્ટી 15400ની ટોચ બનાવી ગગડ્યો તે દરમિયાન કેમિકલ, ફાર્મા, બેંકિંગ સહિતની કંપનીઓના શેર્સ ઊંચા સ્તરેથી નોંધપાત્ર ઘસાયાં
શેરબજારમાં અંતિમ સપ્તાહ કરેક્શનનું રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટીએ 15 ફેબ્રુઆરીએ 15400ની તેની ટોચ દર્શાવી ત્યારથી મંગળવાર સુધીમાં તે લગભગ 5 ટકા જેટલો ઘટ્યો છે. જ્યારે સમાનગાળામાં એનએસઈ-500 જૂથમાં સમાવિષ્ટ કેટલાક મીડ અને લાર્જ-કેપ કાઉન્ટર્સ 16 ટકા સુધીનું ધોવાણ નોંધાવી રહ્યાં છે. આમ બજારમાં સતત સુધારા બાદ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.
છેલ્લા છ સત્રોમાં એનએસઈ-500 જૂથના શેર્સના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે જૂથમાં સમાવિષ્ટ 58 ટકા કાઉન્ટર્સ ઘટાડો દર્શાવી રહ્યાં છે. એટલેકે 500માંથી 288 કાઉન્ટર્સ સપ્તાહ અગાઉના ભાવમાં 1-16 ટકા સુધીનું ધોવાણ દર્શાવી રહ્યાં છે. જેમાં લગભગ દરેક ક્ષેત્રના શેર્સનો સમાવેશ થાય છે. માત્ર મેટલ ક્ષેત્રની કંપનીઓના શેર્સ સુધારો દર્શાવી રહ્યાં છે. ઘટાડો દર્શાવવામાં જૂથમાં સમાવિષ્ટ લાર્જ-કેપ્સ અને મીડ-કેપ્સનો સમાવેશ થાય છે. 16 ટકા સાથે આઈઓએલ કેમિકલ્સનો શેર રૂ. 659ની સપાટી પરથી મંગળવારે રૂ. 553ના સ્તરે બંધ રહ્યો હતો. કેમિકલ્સ અને એપીઆઈ ઉત્પાદક સોલારા એપીઆઈનો શેર પણ 14.33 ટકા ઘટી રૂ. 1540 પરથી રૂ. 1319 પર પટકાયો હતો. મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી શિલ્પા મેડીકલનો શેર રૂ. 425 પરથી રૂ. 374 જ્યારે જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માનો શેર રૂ. 1235 પરથી રૂ. 1099 પર આવી ગયા હતા. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ડિલને મંજૂરી આપવાની એનસીએલટીને ના પાડતા ફ્યુચર રિટેલનો શેર ગણતરીમાં લીધેલાં સમયગાળામાં 11 ટકા જેટલો તૂટ્યો હતો. આ ઉપરાંત ફિનપાઈપ(-10.50 ટકા), સુઝલોન(-10 ટકા), ઈન્ડિયન હોટેલ્સ(-10 ટકા) અને જસ્ટ ડાયલ(-10) ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને એક્સિસ બેંક જેવા ફાઈનાન્સિયલ્સમાં પણ લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આમ બજારમાં જ્યાં પણ ઓવરબોટ પોઝીશન જોવા મળતી હતી ત્યાં વેચવાલી નીકળી હતી.
જોકે બીજી બાજુ એનએસઈ-500 જૂથના કેટલાંક ચુનંદા કાઉન્ટર્સે માત્ર સપ્તાહના સમગાળામાં 56 ટકા જેટલો તીવ્ર સુધારો નોંધાવ્યો હતો. પોઝીટીવ ટ્રેડ દર્શાવનાર 212 કાઉન્ટર્સમાંથી માત્ર ગણ્યા-ગાંઠ્યા કાઉન્ટર્સ તીવ્ર સુધારો દર્શાવી શક્યાં હતાં. જેમાં મેટલ કાઉન્ટર હિંદુસ્તાન કોપર ટોચ પર છે. કંપનીનો શેર રૂ. 75.40ના સ્તરેથી રૂ. 118 પર જોવા મળ્યો હતો. કોપરના ભાવમાં તીવ્ર વૃદ્ધિ પાછળ કંપનીનો શેર ભાગ્યો હતો. આ સિવાય આઈઓબી(44 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(42 ટકા), બેંક ઓફ મહારાષ્ટ્ર(35 ટકા) અને સેન્ટ્રલ બેંક(28 ટકા)એ પણ નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું હતું. સરકારે ખાનગીકરણ માટે તેમના નામ પસંદ કર્યાંની જાહેરાત કરતાં આ ચાર પીએસયૂ બેંકના શેર્સ ઊર્ધ્વગતિમાં ઉછળ્યાં હતાં. ગ્રીવ્ઝ કોટન(28 ટકા), જાગરણ(24 ટકા) અને સરકારી ટ્રેટિંગ કંપની એમએમટીસીનો શેર 24 ટકા જેટલો ઉછળ્યો હતો.
છેલ્લા સપ્તાહમાં એનએસઈ-500 જૂથના શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ 15 ફેબ્રુ.નો બંધ(રૂ) બજારભાવ(રૂ) ઘટાડો(%)
આઈઓએલ 659.40 553.00 -16.14
સોલારા 1539.70 1319.00 -14.33
શિલ્પા મેડીકલ 425.10 373.95 -12.03
જેબીકેમફાર્મા 1234.80 1098.85 -11.01
ફ્યુચર રિટેલ 77.90 69.50 -10.78
ફિનપાઈપ 674.25 603.75 -10.46
સુઝલોન 5.85 5.25 -10.26
ઈન્ડિયન હોટેલ 131.95 118.60 -10.12
જસ્ટ ડાયલ 686.90 619.50 -9.81
એલઆઈસી હાઉ. 476.05 429.65 -9.75
એક્સિસ બેંક 794.00 718.00 -9.57