માર્કેટ સમરી
વિશ્વાસની કટોકટી પાછળ ઈન્ટ્રા-ડે સુધારો ધોવાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ગગડી 24.54ના સ્તરે
બ્રોડ માર્કેટમાં નોંધપાત્ર સત્રો બાદ બાઉન્સ જોવાયો
રિઅલ્ટી કાઉન્ટર્સમાં 6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો
વૈશ્વિક બજારોમાં ગભરાટ શમતાં પોઝીટીવ ટ્રેડ
ગુરુવારે ફેબ્રુઆરી એક્સપાયરીને જોતાં વધ-ઘટ જળવાશે
શેરબજારે આખરી એક કલાકમાં જોવા મળેલી વેચવાલી પાછળ ઈન્ટ્રા-ડે સુધારો ગુમાવ્યો હતો અને સતત છઠ્ઠા દિવસે નેગેટિવ બંધ આપ્યું હતું. જેણે તેજીવાળાઓને નિરાશ કર્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 69 પોઈન્ટ્સના ઘટાડે 57232ના સ્તરે જ્યારે નિફ્ટી 29 પોઈન્ટ્સ ગગડી 17063ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 8 ટકાના ઘટાડે 24.54ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 24 પોઝીટીવ જ્યારે 26 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
એશિયન બજારોમાં ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ વચ્ચે ભારતીય બજારમાં ગેપ-અપ ઓપનીંગ જોવા મળ્યું હતું. તેમજ મોટાભાગના દિવસ દરમિયાન બેન્ચમાર્ક્સ પોઝીટીવ ટ્રેડિંગ દર્શાવતાં જોવા મળ્યાં હતાં. જોકે કામકાજ બંધ થવાના કલાક અગાઉ માર્કેટમાં વેચવાલી નીકળી હતી અને બેન્ચાર્ક્સ રેડ ઝોનમાં સરી પડ્યાં હતાં. જે બાબત સ્પષ્ટપણે તેજીવાળાઓમાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે. માર્કેટમાં અનેક કાઉન્ટર્સ આકર્ષક વેલ્યૂએશન્સ પર ટ્રેડ થઈ રહ્યાં હોવા છતાં કોઈ આગળ આવીને ખરીદવા તૈયાર નથી તેમ બજાર વર્તુળો જણાવે છે. હાલમાં માર્કેટ ખેલાડીઓ બાજુમાં ઊભા રહીને ખેલ જોઈ રહ્યાં છે. રશિયા-યૂક્રેન વચ્ચે તંગદિલી હળવી થવા સંબંધી કોઈ પોઝીટીવ અહેવાલ પાછળ તેઓ બજારમાં ફરીથી પ્રવેશ કરે તેવી શક્યતાં એનાલિસ્ટ્સ વ્યક્ત કરે છે. નિફ્ટી છેલ્લા પાંચેક સત્રોથી 17000-17200ની ટ્રેડિંગ રેંજમાં બંધ આપી રહ્યો છે. તે જે બાજુ બ્રેકઆઉટ આપશે તે દિશામાં ગતિ દર્શાવશે એમ વર્તુળોનું માનવું છે. જોકે વૈશ્વિક બ્રોકરેજ હાઉસિસ તરફથી 2022 માટે નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો કરતાં જોવા મળે છે. મોટાભાગની વિદેશી બ્રોકિંગ કંપનીઓ નિફ્ટીના ટાર્ગેટને ઘટાડી ચૂકી છે. તેઓ ડિસેમ્બર સુધીમાં નિફ્ટી માટે 17500 આસપાસનો ટાર્ગેટ રજૂ કરી રહી છે. જે બેન્ચમાર્કના વર્તમાન સ્તરેથી ખૂબ નજીકનું લેવલ છે.
ટેકનિકલ એનાલિસ્ટ્સ જોકે બજારને લઈને આશાવાદી છે. તેમના મતે બેન્ચમાર્કે 16800નો સપોર્ટ જાળવી રાખ્યો છે અને તે કોન્સોલિડેશનમાંથી બહાર આવ્યા બાદ ફરીથી સુધારાતરફી બની રહેશે. કેલેન્ડરના મધ્યાહન સુધીમાં તે નવી ટોચ પણ દર્શાવી શકે છે. માર્કેટમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવાઈ ચૂક્યો છે અને તેથી આ સ્પેસમાં ધીમે-ધીમે ખરીદી પાછળ માર્કેટમાં સેન્ટિમેન્ટ પણ સુધરી શકે છે એ પ્રકારનો તર્ક તેઓ મૂકી રહ્યાં છે. બુધવારે લાર્જ-કેપ્સમાં કોન્સોલિડેશન વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં સારી ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3460 કાઉન્ટર્સમાં ટ્રેડિંગ થયું હતું. જેમાંથી 2190 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1175 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 76 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 56 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.64 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.16 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. આમ બ્રોડ માર્કેટે બેન્ચમાર્ક્સ સામે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સીજી કન્ઝ્યૂમર 7.3 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. જ્યારે ડીએલએફ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, ઓબેરોય રિઅલ્ટી, જીએસપીસી, જીએનએફસી, ડેલ્ટા કોર્પમાં 6 ટકા સુધી સુધારો નોંધાયો હતો. બીજી બાજુ ગુજરાત ગેસ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, હીરો મોટોકોર્પ 2-4 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં.
વૈશ્વિક બજારોમાં એશિયા-યુરોપમાં સુધારો જોવા મળતો હતો. એશિયન બજારોમાં ચીન એક ટકા આસપાસ સુધારો દર્શાવતું હતું. જ્યારે કોરિયા, તાઈવાન અને હોંગ કોંગ અડધા ટકા આસપાસના સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. યુરોપ ખાતે ફ્રાન્સનું બજાર એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યું હતું. ડાઉ જોન્સ ફ્યુચર્સ 180 પોઈન્ટ્સ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
વોડાફોનની ઈન્ડુસ ટાવરમાં 5 ટકા હિસ્સો વેચવાની વિચારણા
બ્રિટિશ ટેલિકોમ અગ્રણી વોડાફોન ઈન્ડુસ ટાવર્સમાં 5 ટકા હિસ્સો ભારતી એરટેલને વેચવા માટે ચર્ચા-વિચારણા કરી રહી હોવાનું ઉદ્યોગ વર્તુળો જણાવે છે. તેમના મતે આ હિસ્સાનું મૂલ્ય લગભગ રૂ. 3300 કરોડ આસપાસ થશે. હિસ્સા વેચાણમાંથી મળનારી રકમનો ઉપયોગ ભારતીય કંપની વોડાફોન ઈન્ડિયામાં રોકવામાં આવશે. ઈન્ડુસ ટાવરમાં હાલમાં વોડાફોન 28 ટકા હિસ્સો ધરાવે છે. અગાઉ ભારતી ઈન્ફ્રાટેલ નામે ઓળખાતી ઈન્ડુસ ટાવર્સ પેસિવ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. કંપની પાસે 1,81,748 ટેલિકોમ ટાવર્સ આવેલા છે. જે સાથે તે દેશમાં 22 ટેલિકોમ સર્કલ્સમાં હાજરી ધરાવતી અગ્રણી કંપનીઓમાંની એક બની રહે છે.
ડોલર સામે રૂપિયામાં 25 પૈસાનો ઉછાળો
યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં મજબૂતી જોવા મળી હતી. ગ્રીન બેક સામે રૂપિયો 74.64 ડોલરના સ્તરે ખૂલ્યાં બાદ વધુ સુધરીને 74.54 પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી પટકાઈને 74.73ના તળિયા પર ટ્રેડ થયા બાદ પાછો ફરી આખરે 74.59ના સ્તરે બંધ રહ્યો હતો. મંગળવારે રૂપિયામાં 29 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે બુધવારે લગભગ રિકવર થયો હતો. રશિયા સામે યુએસ, યુરોપ સહિતના દેશોએ પ્રતિબંધ લાગ્યાં હતાં. જેની રૂપિયા પર પોઝીટીવ અસર જોવા મળી હતી.
ગોલ્ડ-સિલ્વર, ક્રૂડમાં ઊંચા મથાળે જોવા મળતું દબાણ
રશિયા-યૂક્રેન વચ્ચે તંગદિલીને કારણે છેલ્લાં સપ્તાહ દરમિયાન મજબૂતી દર્શાવનાર ગોલ્ડ-સિલ્વર સહિત ક્રૂડ જેવી કોમોડિટીઝમાં ઊંચા સ્તરે થોડું દબાણ જોવા મળ્યું હતું. બુધવારે વૈશ્વિક બજારમાં સોનુ 10 ડોલરની નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. જેની અસરે સ્થાનિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો અડધા ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. એમસીએક્સ એપ્રિલ ગોલ્ડ વાયદો રૂ. 278ના ઘટાડે રૂ. 50050ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ તેણે રૂ. 50 હજારની સાયકોલોજિકલ સપાટી જાળવી રાખી હતી. સિલ્વરમાં પણ અડધા ટકા નરમાઈ જોવા મળી રહી હતી. માર્ચ સિલ્વર વાયદો રૂ. 346ના ઘટાડે રૂ. 63999 પર ટ્રેડ થતો હતો. જ્યારે ક્રૂડ વાયદો 1.1 ટકા ઘટાડા સાથે રૂ. 6841 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે તે રૂ. 7100ની સપાટી પાર કરી ગયો હતો અને સર્વોચ્ચ ઊંચાઈએ ટ્રેડ દર્શાવ્યો હતો.
ભારત 500 અબજ ડોલરની ગ્રીન એનર્જી નિકાસ કરી શકશેઃ મુકેશ અંબાણી
ટેક્નોલોજિકલ સંશોધનો ભારતને વૈશ્વિક સ્તરે ન્યૂ એનર્જી લીડર બનાવશે
ભારત જે રીતે શુધ્ધ બળતણ સ્રોતો તરફ પ્રયાણ કરી રહ્યો છે તેને જોતાં તે આગામી બે દાયકાઓમાં 500 અબજ ડોલરની શુધ્ધ ઊર્જાની નિકાસ કરી શકે તેમ છે એમ રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. તેમના મતે ટેક્નોલોજિકલ શોધો ભારતને વૈશ્વિક ન્યૂ એનર્જી લીડર બનાવશે.
ઓઈલ આધારિત કોન્ગ્લોમેરટ કંપનીના માલિક અંબાણીએ જણાવ્યું હતું કે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ માટે ભારત આજે વૈશ્વિક સ્તરે સૌથી વધુ આકર્ષક તકો ધરાવે છે. જોકે શુધ્ધ, એમિશન-મુક્ત એનર્જીમાં તબદિલી રાતોરાત સંભવ નથી અને તેથી કોલ અને આયાતી ઓઈલ પર ભારતની નિર્ભરતા હજુ 2-3 દાયકાઓ સુધી જળવાશે એમ તેમણે જણાવ્યું હતું. આ સાથે જ આપણી પાસે 2-3 દાયકાઓમાં આ નિર્ભરતાને દૂર કરવા માટેની યોજના પણ હોવી જોઈએ એમ અંબાણીએ ઉમેર્યું હતું. આમ ટૂંકાથી મધ્યમગાળામાં આપણે વિકાસ માટે લો-કાર્બન અને નો-કાર્બન સ્ટ્રેટેજિસને અનુસરવાની રહેશે. ટેક્નોલોજી આપણે નવી અને ક્લિન એનર્જીના ખર્ચને નીચો જાળવવામાં સહાયરૂપ થશે એમ એશિયા ઈકોનોમિક ડાયલોગમાં બોલતાં અંબાણીએ જણાવ્યું હતું. અંબાણીના મતે પર્યાવરણીય કટોકટીએ અસ્તિત્વ સામેનો ખતરો છે અને એનર્જી ટ્રાન્ઝિશન 21મી સદીમાં જીઓપોલિટીકલ ટ્રાન્ઝિશન નિર્ધારિત કરશે. લાકડાનું સ્થાન જ્યારે કોલે લીધું ત્યારે યુરોપે વિશ્વ આગેવાન તરીકે ભારત અને ચીનને પાછળ રાખી દીધા હતાં. આ જ રીતે ઓઈલના આગમન બાદ યુએસ અને પશ્ચિમ એશિયાએ મજબૂત દેખાવ દર્શાવ્યો હતો. ભારત જ્યારે ગ્રીન અને ક્લિન એનર્જીમાં આત્મનિર્ભર જ નહિ પરંતુ મોટો નિકાસકાર બનશે ત્યારે તે વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરશે.
F&0 સેગમેન્ટમાં નવા માર્જિન નિયમોથી બ્રોકરેજિસમાં ચિંતા
28 ફેબ્રુઆરીથી 50 ટકા કેશ માર્જિનને કારણે રિટેલ ટ્રેડર્સ ડેરિવેટીવ્સ સેગમેન્ટથી દૂર થશે
રિટેલ સેન્ટ્રીક બ્રોકરેજિસનું સેબીને લોટ સાઈઝને નાની કરવા માટેનું સૂચન
ડેરિવેટિવ્સ પ્લેટફોર્મ પર રિસ્કને ઓછું કરવાના ઈરાદે 28 ફેબ્રુઆરીથી અમલી બનનારા નવા માર્જિન નિયમોના પાલન માટે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડર્સ તૈયાર થઈ રહ્યાં છે. માર્કેટ રેગ્યુલેટર સેબી નિર્ધારિત નિયમો મુજબ વ્યક્તિગત ટ્રેડરે તેની ઈક્વિટી ડેરિવેટિવ ટ્રેડિંગ પોઝીશન માટે 50 ટકા માર્જિનની રકમ કેશમાં પૂરી પાડવાની રહેશે. અત્યાર સુધી કેશ સેગમેન્ટમાં તેની પાસે પડેલી ડિલિવરીઝ સામે એફએન્ડઓમાં લિમિટ આપવામાં આવતી હતી. જેમાં ક્લાયન્ટ કેશ માર્જિન વિના ટ્રેડિંગ હાથ ધરી શકતાં હતાં. જોકે હવેથી 50 ટકા માર્જિન મની કેશમાં હોવા જરૂરી હોવાથી જે ટ્રેડર્સ પાસે કેશ માર્જિનની સગવડ નહિ હોય તેઓ ફ્યુચર્સ કે ઓપ્શન્સમાં ટ્રેડિંગ હાથ ધરી શકશે નહિ. નવા નિયમો મુજબ બ્રોકરે ક્લાયન્ટના ફંડ્સને કેશ, એફએન્ડઓ, કરન્સી અને કોમોડિટીઝ એમ ચાર ભાગોમાં અલગ-અલગ રાખવાનું રહેશે.
ફેબ્રુઆરીની આખરમાં અમલી બનનારા નવા માર્જિન નિયમોથી માર્કેટમાં ઓવરઓલ વોલ્યુમમાં નોંધપાત્ર અસર જોવા મળે તેવી શક્યતાં વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. તેમના મતે રિટેલ ટ્રેડર્સ એફએન્ડઓ સેગમેન્ટમાંથી ઘણે અંશે દૂર થતો જોવા મળી શકે છે. કેમકે તેના માટે કેશ માર્જિનની સગવડ કરવાનું શક્ય નહિ બને. આમ ડેરિવેટિવ્સમાં માત્ર સંસ્થાકીય તથા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ તરફથી પાર્ટિસિપેશન જળવાશે. અગાઉ સેબી 1 ડિસેમ્બર 2021થી નવા માર્જિન નિયમો લાગુ પાડવાની હતી. જોકે તેણે નિર્ણય બદલ્યો હતો અને તેને 28 ફેબ્રુઆરી 2022 પર પરત ઠેલ્યો હતો. બ્રોકરેજ હાઉસિસને પણ ત્રણ મહિનાનો સમય મળતાં તેઓ નવા નિયમોના અમલ માટે તૈયાર થઈ ચૂક્યાં છે. એક અગ્રણી રિટેલ બ્રોકરેજ હાઉસના સિનિયર અધિકારીના મતે નવા માર્જિન નિયમોથી સિસ્ટમમાં જોખમનું પ્રમાણ ઘટશે તે બરોબર પરંતુ સાથે લિક્વિડિટી પર પણ અસર થશે. છેલ્લા પાંચ વર્ષોમાં એનએસઈ ખાતે ડેરિવિટિવ્સ સેગમેન્ટમાં જોવા મળેલા ઊંચી વોલ્યુમ વૃદ્ધિ આગામી સમયગાળામાં નહિ જોવા મળે. કેમકે રિટેલ અને એચએનઆઈ ટ્રેડર્સની પોઝીશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. રિટેલ સેન્ટ્રીક બ્રોકરેજ હાઉસિસના બિઝનેસમાં પણ ઘટાડો જોવા મળશે. તેઓ સેબીને રિટેલ સેગમેન્ટ માટે નાની લોટ સાઈઝ લોંચ કરવાનો અનુરોધ કરે છે. જેથી રિટેલ ટ્રેડર્સ કેશ માર્જિન ચૂકવીને ટ્રેડિંગ પોઝીશન લઈ શકે. હાલમાં એફએન્ડઓ સેગમેન્ટમાં લઘુત્તમ લોટ સાઈઝ રૂ. 5 લાખની રાખવામાં આવે છે. જોકે શેરના ભાવમાં વૃદ્ધિ જોવા મળે તો તે રૂ. 10-15 લાખ સુધી પણ પહોંચતી જોવા મળે છે. સમયાંતરે જોકે લોટ સાઈઝ રિવિઝન થતું હોય છે પરંતુ ધારોકે રૂ. 10 લાખની લોટ સાઈઝમાં ફ્યુચરની પોઝીશન લેવા માટે ટ્રેડરે 10 ટકા માર્જિન મની લેખે 50 ટકા રકમ ભરવાની થાય તો રૂ. 50 હજારની કેશ બ્રોકર પાસે રાખવાની રહે છે.
કેટલાંક બ્રોકરેજ હાઉસિસે ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં સક્રિય ટ્રેડર્સ પાસેથી વધારાના કેશ માર્જિન્સ ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે જેઓ માર્જિન આપવા નથી ઈચ્છતાં તેવા ટ્રેડર્સ તેમની પોઝીશનને નવી સિરિઝમાં રોલઓવર નહિ કરી શકે એમ બ્રોકિંગ વર્તુળો જણાવે છે. જો ક્લાયન્ટ્સના ખાતામાં માર્જિનની રકમ જરૂરિયાત કરતાં ઓછી જોવા મળશે તો બ્રોકર્સ પર પેનલ્ટી લાગુ પડશે. અત્યાર સુધી કોઈ એક ક્લાયન્ટ્સના જમા નાણાનો ઉપયોગ કરી અન્ય ક્લાયન્ટ પોઝીશન લઈ શકતાં હતાં. જોકે હવેથી આમ પણ નહિ થઈ શકે. માર્કેટ વર્તુળોના મતે નવા નિયમોને કારણે માર્કેટમાં વોલેટિલિટીમાં ઘટાડા સાથે અસાધારણ સ્થિતિમાં ટ્રેડર્સનો લોસ નીચો જોવા મળશે.
ડિસેમ્બરમાં એગ્રી એક્સપોર્ટ્સમાં 37 ટકાનો તીવ્ર ઉછાળો નોઁધાયો
નાણા વર્ષના પ્રથમ નવ મહિનામાં કુલ નિકાસ 24 ટકા વધી 17.47 અબજ ડોલર પર જોવા મળી
ડિસેમ્બર 2021માં 2.439 અબજ ડોલરની નિકાસ જોવા મળી
ઘઉંની નિકાસમાં 417 ટકા અને નોન-બાસમતી ચોખાની નિકાસમાં 46 ટકા વૃદ્ધિ નોંધાઈ
કૃષિ નિકાસ માટે ગયો ડિસેમ્બર ખૂબ જ સારો જોવા મળ્યો હતો. નાણાકિય વર્ષ 2021-22ની વાત કરીએ તો માસિક ધોરણે ડિસેમ્બરમાં સૌથી ઊંચી નિકાસ જોવા મળી હતી. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી(એપેડા) હેઠળ આવતી કૃષિ પેદાશોની વાત કરીએ તો ડિસેમ્બરમાં તેમની નિકાસ 2.44 અબજ ડોલર પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં મૂલ્ય સંદર્ભમાં 37 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. ડિસેમ્બર 2021માં કૃષિ પેદાશોની નિકાસ 1.777 અબજ ડોલર પર જોવા મળી હતી. રશિયા અને યૂક્રેન વચ્ચે તંગદિલીને જોતાં જો વૈશ્વિક કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિ નોંધાશે તો એપેડા ચાલુ નાણા વર્ષ માટે તેણે નિર્ધારિત કરેલા 23.7 અબજ ડોલરના ટાર્ગેટને હાંસલ કરે તેવી પૂરી શક્યતાં છે.
જો ડિસેમ્બર સુધીની નિકાસ પર નજર નાખીએ તો એપેડા-પ્રમોટેડ અગ્રણી કૃષિ અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સની નિકાસ 17.47 અબજ ડોલર પર જોવા મળતી હતી. રૂપિયા સંદર્ભમાં તે રૂ. 1.30 લાખ કરોડ જેટલી થતી હતી. ગયા વર્ષે સમાનગાળામાં 14.11 અબજ ડોલરની સરખામણીમાં નિકાસમાં 23.83 ટકા વૃદ્ધિ જોવા મળી હતી એમ એપેડાનો નિકાસ ડેટા સૂચવે છે. જો એપેડાને તેનો ટાર્ગેટ હાંસલ કરવો હોય તો જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં ડિસેમ્બર ક્વાર્ટરના સ્તરે શીપમેન્ટ જાળવી રાખવું જરૂરી છે એમ વર્તુળો જણાવે છે. એપેડા ચેરમેનના જણાવ્યા મુજબ નાણા વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં 74 ટકા નિકાસ ટાર્ગેટ હાંસલ થઈ ચૂક્યો છે. જે નોંધપાત્ર બાબત છે. ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિની ગતિ લગભગ સમાનદરે જળવાય રહેવાની શક્યતાં છે. જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન શીપમેન્ટમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો નહિતર ચાલુ વર્ષનો ટાર્ગેટ નાણાકિય વર્ષ પૂરું થતાં પહેલાં જ હાંસલ થઈ ચૂક્યો હોત. એપેડાએ ટોચના 50 આયાતકર્તા દેશો માટે 75 જેટલી પ્રોડક્ટ્સને લઈને પ્રોડક્ટ્સ મેટ્રીક્સ તૈયાર કર્યાં છે અને તે શીપમેન્ટ્સ માટે સાતત્યાસભર ગ્રોથ માટે સક્રિય પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. એપેડા ભારતને વૈશ્વિક સ્તરે એક ભરોસાપાત્ર ખાદ્ય પદાર્થો અને પૌષ્ટીક પદાર્થોના એક સુરક્ષા પુરવઠાકાર તરીકે સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.
સત્તાવાર ડેટા મુજબ નોન-બાસમતી ચોખાની નિકાસમાં 46 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 4.49 અબજ ડોલર પર જોવા મળી હતી. ઘઉની નિકાસ 417 ટકા ઉછળી 1.44 અબજ ડોલર પર જોવા મળી હતી. જોકે બાસમતી ચોખાની નિકાસ 19 ટકા ઘટી 2.38 અબજ ડોલર રહી હતી. આ ચાર કોમોડિટીઝ એપેડા હેઠળની કુલ 62 ટકા નિકાસ ધરાવે છે. એપેડા પ્રમોટેડ કોમોડિટીઝ દેશની કુલ 41.25 અબજ ડોલરની એગ્રી નિકાસમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. એપેડા નિકાસમાં બીજા ક્રમે મરીન પ્રોડક્ટ્સ જ્યારે 10 ટકા હિસ્સા સાથે મસાલા પાકો ત્રીજા ક્રમે આવે છે.