બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં એકાંતરે દિવસે તેજી-મંદીના ખેલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા વધી 24.74 પર
મેટલ, ફાર્મા અને એનર્જીમાં ખરીદી
ઓટોમોબાઈલ અને બેંકિંગમાં વેચવાલી
એશિયન બજારોમાં સાર્વત્રિક સુધારો
બ્રોડ માર્કેટમાં પણ લેવાલીનો અભાવ
ભારતીય શેરબજારમાં એકાંતરે દિવસે તેજી-મંદીના ખેલ જોવા મળી રહ્યાં છે. ચાલુ સપ્તાહે સોમવારે નરમાઈ બાદ મંગળવારે સુધારો અને બુધવારે ફરી ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સ 304.5 પોઈન્ટ્સના ઘટાડે 57685ના સ્તરે જ્યારે નિફ્ટી 70 પોઈન્ટ્સ ઘટી 17246 પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા વધી 24.74ના સ્તરે જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 28 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 22 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં.
એશિયન બજારોમાં સાર્વત્રિક તેજી વચ્ચે ભારતીય બજારે ઊંધી ચાલ દર્શાવી હતી. એશિયા ખાતે જાપાનનો નિક્કાઈ 3 ટકા ઉછળ્યો હતો. જ્યારે હોંગ કોંગ, ચીન, કોરિયા, તાઈવાન સહિતના બજારો 2 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે બપોરે યુરોપ બજારોમાં નરમાઈ જોવા મળતી હતી. મંગળવારે યુએસ ખાતે નાસ્ડેક પણ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારતીય બજારે કામકાજની શરૂઆત પોઝીટીવ દર્શાવી હતી. જોકે ખૂલતામાં ટોચ બનાવી તે દિવસ દરમિયાન સતત ઘસાતું રહ્યું હતું. જોકે નિફ્ટીએ 17200નું સ્તર જાળવ્યું હતું. માર્કેટ નિરીક્ષકોના મતે છેલ્લાં બે સપ્તાહમાં તળિયાના સ્તરેથી નોંધપાત્ર સુધારા બાદ માર્કેટ કેટલોક સમય કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. જ્યારબાદ તે સુધારાતરફી બનશે. નિફ્ટી માટે 17300-17400ની રેંજને પાર કરવી જરૂરી છે. જે પાર થતાં તે 17700-18000ની રેંજમાં જઈ શકે છે. જોકે એનાલિસ્ટ્સ માત્ર લાર્જ-કેપ્સમાં જ પોઝીશન જાળવવા જણાવે છે. તેઓ મીડ અને સ્મોલ-કેપ્સથી દૂર રહેવાની સલાહ આપે છે. લાર્જ-કેપ્સના વેલ્યૂએશન્સ પણ ઘણા વાજબી જણાય છે. લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ વર્તમાન ભાવે નિફ્ટી-50 શેર્સમાં ખરીદી કરી શકે છે.
ભારતીય બજારને બુધવારે મુખ્ય સપોર્ટ મેટલ, ફાર્મા અને એનર્જી તરફથી સાંપડ્યો હતો. જ્યારે બેંકિંગ અને ઓટોમાં નરમાઈ જોવા મળી હતી. સ્ટીલ કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સના ભાવ વધારતાં સ્ટીલ શેર્સ ઉછળ્યાં હતાં અને કેટલાંક શેર્સ તેમની નવી ટોચ પર જોવા મળ્યાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સમાં હિંદાલ્કો સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ સિવાય ટાટા સ્ટીલ પણ મજબૂત રહ્યો હતો. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર રૂ. 500ની સપાટી કૂદાવી ગયો હતો. ફાર્મા ક્ષેત્રે ડો. રેડ્ડીઝ લેબ અને ડિવિઝ લેબ. 2.4 ટકા જેટલો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંકિંગ ક્ષેત્રે કોટક બેંક 2 ટકાથી વધુ ઘટાડો સૂચવતી હતી. જ્યારે એનબીએફસી ક્ષેત્રે એચડીએફસી પણ 2.4 ટકા તૂટ્યો હતો. આ સિવાય સિપ્લા, મારુતિ, બજાજ ઓટોમાં પણ નરમાઈ જોવા મળી હતી.
બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3525 કાઉન્ટર્સમાંથી 1417 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે તેની સામે 1986 નેગેટિવ જોવા મળતાં હતાં. આમ સતત ત્રીજા દિવસે માર્કેટ-બ્રેડ્થ નરમ જળવાય હતી. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ પોઝીટીવ જોવા મળી રહ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ નેગેટિવ ટ્રેડ દર્શાવતો હતો. નિફ્ટી ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એલએન્ડટી ફાઈનાન્સ 16 ટકા સાથે તીવ્ર સુધારો દર્શાવતો હતો. જ્યારે સિટી યુનિયન બેંક(5 ટકા), ટાટા કોમ(4 ટકા), સેઈલ(4 ટકા), જિંદાલ સ્ટીલ(3.6 ટકા) સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ચંબલ ફર્ટિલાઈઝર 4.52 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. આ ઉપરાંત અતુલ, જીએનએફસી, ઈન્ફો એજ, મૂથૂત ફાઈનાન્સ, જેકે સિમેન્ટ, જીએમઆર ઈન્ફ્રા., બર્જર પેઈન્ટ્સ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
સોના-ચાંદી, ક્રૂડ સહિત બેઝ મેટલ્સમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવમાં સાત ડોલરનો સુધારો જોવા મળ્યો હતો. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ ઈન્ટ્રા-ડે ધોરણે 15 ડોલરની મજબૂતીએ 1935 ડોલરની ટોચ દર્શાવી 1926 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 208ના સુધારે રૂ. 51587ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી પણ રૂ. 266ની મજબૂતી સાથે રૂ. 67960ના સ્તરે ટ્રેડ દર્શાવતી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો 4 ડોલર મજબૂતી વચ્ચે 119 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ ખાતે તે 2.8 ટકા ઉછળી રૂ. 8600ની સપાટી કૂદાવી ગયો હતો. બેઝ મેટલ્સમાં નીકલ 4 ટકા મજબૂતી દર્શાવતી હતી. જ્યારે નેચરલ ગેસ વાયદો 3 ટકા મજબૂતી સાથે રૂ. 400ની સપાટી કૂદાવી રૂ. 404ની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઝીંક, એલ્યુમિનિયમ પણ 2 ટકાથી વધુની મજબૂતી દર્શાવતાં હતાં.
અદાણી વિલ્મેરનો શેર નવી ટોચ પર પહોંચ્યો
દેશની અગ્રણી એડિબલ ઓઈલ કંપની અદાણી વિલ્મેરનો શેર સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. બુધવારે તેણે રૂ. 419.30ની ટોચ દર્શાવી હતી. જ્યારે કામકાજની આખરમાં તે 1.06 ટકા સુધારા સાથે રૂ. 397.25ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 50 હજાર કરોડનું સ્તર કૂદાવી ગયું હતું અને રૂ. 51629 કરોડ પર જોવા મળ્યું હતું. કંપની સ્ટેપલ્સ પર ફોકસ કરી રહી છે અને તે પ્રાદેશિક રાઈસ બ્રાન્ડ્સ તેમજ પ્રોસેસિંગ યુનિટ્સ ખરીદવા માટે વિચારી રહી છે.
ડોલર સામે રૂપિયો 14 પૈસા ઘસાયો
યુએસ ડોલર સામે સતત ત્રીજા દિવસે નરમાઈ દર્શાવતાં સ્થાનિક ચલણે 14 પૈસા ઘસારો નોંધાવ્યો હતો. મંગળવારે 76.18ની સપાટીએ બંધ રહેલો રૂપિયો ડોલર સામે 76.08ના સ્તરે મજબૂત ઓપનીંગ બાદ ગગડ્યો હતો અને 76.32ના સ્તરે બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવમાં અવિરત મજબૂતી પાછળ રૂપિયો ફરી નરમાઈ સૂચવી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 117 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 0.14 ટકા મજબૂતીએ 98.63 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઈક્વિટી સ્કિમ્સમાં રોકાણકારોની સંખ્યા 30 ટકા ઉછળી 8.4 કરોડ પર પહોંચી
ફેબ્રુઆરી 2022ની આખરમાં ઈક્વિટી એમએફ સ્કિમ્સમાં વર્ષે રૂ. 1.49 લાખ કરોડનો ફ્લો નોંધાયો
ડેટ સ્કિમ્સમાં જોકે ફોલિયોની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો નોંધાયો
સ્થાનિક મ્યુચ્યુલ ફંડ ઈન્ડસ્ટ્રીએ ઈક્વિટી અને પેસિવ ઈન્વેસ્ટમેન્ટ કેટેગરીમાં ઈન્વેસ્ટર્સ ફોલિઓસમાં તીવ્ર ઉછાળો નોંધાવ્યો છે. ફેબ્રુઆરી 2022માં પૂરા થતાં એક વર્ષ દરમિયાન ઈક્વિટી સ્કિમ્સ ફોલિઓમાં 30 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. જે સાથે કુલ ઈક્વિટી-ઓરિએન્ટેડ સ્કીમ ફોલિઓની સંખ્યા 8.4 કરોડ પર પહોંચી હતી. જે ફેબ્રુઆરી 2021ની આખરમાં 6.5 કરોડ પર હતી.
એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)ના ડેટા મુજબ છેલ્લાં એક વર્ષ દરમિયાન ઈક્વિટી સ્કિમ્સમાં રોકાણકારોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. જેના મુખ્ય કારણોમાં કેટલીક નવી ફંડ ઓફર્સ(એનએફઓ) તથા રોકાણકારોનું સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(એસઆઈપી) મારફતે બજારમાં સતત વધતું પાર્ટિસિપેશન છે. ફેબ્રુઆરી 2021થી અત્યાર સુધીમાં ઈક્વિટી ફંડ્સમાં રૂ. 1.49 લાખ કરોડનો ચોખ્ખો ઈનફ્લો જોવા મળ્યો છે. જુલાઈથી ડિસેમ્બર 2021 સુધીના દરેક મહિનામાં રૂ. 20 હજાર કરોડથી વધુનો માસિક ઈનફ્લો નોંધાયો હતો. છેલ્લાં એક વર્ષ દરમિયાન ઈક્વિટી અને હાઈબ્રીડ સ્કિમ્સમાં સમગ્રતયા ફોલિયોમાં વૃદ્ધિ નોંધાઈ છે. તેમાં સિપ્સ મારફતે જળવાયેલું રોકાણ એક પરિબળ છે. સાથે છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન પેસિવ સ્કિમ્સ તરફ રોકાણકારોનું વધતું આકર્ષણ પણ આ માટે જવાબદાર છે. ઈક્વિટી સ્કિમ્સમાં સતત વૃદ્ધિને કારણે એસઆઈપીમાં સતત વૃદ્ધિ થતી રહી છે. છેલ્લા 12 મહિનામાં એસઆઈપી મારફતે રૂ. 1.3 લાખ કરોડનો ઈનફ્લો જોવા મળ્યો છે.
કેટલીક અન્ય સ્કિમ્સ જેવીકે ઈન્ડેક્સ ફંડ્સ, ગોલ્ડ ઈટીએફ્સ અને ઓવરસિઝ ફંડ ઓફ ફંડ્સમાં તો ફોલિઓસની સંખ્યામાં તો બમણાથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. કેમકે મોટી સંખ્યામાં નવા રોકાણકારોએ પેસિવ રૂટ મારફતે મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. જોકે બીજી બાજુ ડેટ સ્કિમ્સથી રોકાણકારો દૂર થયાં છે. છેલ્લાં એક વર્ષમાં ઈક્વિટીઝમાં ઊંચા રિટર્નને કારણે ડેટ સ્કિમ્સમાં ફોલિઓસની સંખ્યામાં 10 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જે સૂચવે છે કે રોકાણકારો પ્રમાણમાં સુરક્ષિત એવી ડેટ સ્કિમ્સમાંથી જોખમી એવી ઈક્વિટી સ્કિમ્સમાં તબદિલ થયા છે. છેલ્લા એક વર્ષમાં મોટાભાગના ડેટ ફંડ્સે 3-5 ટકાનું સરેરાશ રિટર્ન આપ્યું છે. એનાલિસ્ટ્સ જોકે એવું માની રહ્યાં છે કે આગામી સમયગાળામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેટમાં વૃદ્ધિ કરે તેવી શક્યતાંને જોતાં એમએફ ઈન્ડસ્ટ્રીના સિનિયર વર્તુળ માને છે કે ડેટ ફંડ્સમાં ટૂંકા ગાળા માટે રિટર્ન્સમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. જેની પાછળ રોકાણકારો તેની તરફ વળી શકે છે. ફેબ્રુઆરી 2022ની આખરમાં એમએફ ઈન્ડસ્ટ્રીની કુલ ફોલિયો સંખ્યા 12.61 કરોડ પર નોંધાઈ હતી. જે એક વર્ષ અગાઉ 9.61 કરોડ પર હતી.
FPIsએ બેંકિંગ-ફાઈનાન્સ સેક્ટરમાંથી રૂ. 79 હજાર કરોડ પરત ખેંચ્યાં
એફઆઈઆઈની 2021-22માં અત્યાર સુધીમાં રૂ. 1.49 લાખ કરોડમાંથી 60 ટકા હિસ્સો નાણાકિય ક્ષેત્રનો
બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ સેક્ટર્સમાંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ) સતત દૂર થઈ રહ્યાં છે. એપ્રિલ 2021થી શરુ થયેલા અને પૂરા થવા જઈ રહેલા નાણાકિય વર્ષ દરમિયાન તેમણે ફાઈનાન્સિયલ સેક્ટર અને બેંકિંગ સેક્ટરમાંથી રૂ. 79000 કરોડની અત્યાર સુધીની સૌથી ઊંચી વેચવાલી દર્શાવી છે. ભારતીય કેપિટલ માર્કેટમાં તે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સૌથી ઊંચો આઉટફ્લો છે.
ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સે રજૂ કરેલા તાજા આંકડા મુજબ એક એપ્રિલ 2021થી 15 માર્ચ 2022 સુધીમાં સાડા અગિયાર મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ફાઈનાન્સિયલસર્વિસિઝ સેક્ટરમાંથી રૂ. 79028 કરોડનું વેચાણ દર્શાવ્યું છે. આમાંથી રૂ. 49718 કરોડનો આઉટફ્લો બેંકિંગ સેક્ટરમાંથી જ્યારે રૂ. 29310 કરોડનો આઉટફ્લો ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટરમાંથી જોવા મળ્યો છે. આમાંથી રૂ. 20 હજાર કરોડ તો છેલ્લા 10 ટ્રેડિંગ સત્રોમાં જ બહાર કાઢવામાં આવ્યાં છે. એક ઈક્વિટી સ્ટ્રેટેજિસ્ટના જણાવ્યા મુજબ બેંકિંગ અને ફાઈનાન્સિયલ ક્ષેત્રમાંથી જંગી આઉટફ્લોનું કારણ એફપીઆઈની ભારતીય એસેટ્સમાં પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન અને આ ક્ષેત્રે શેર્સના ઊંચા વેલ્યૂએશન્સનું છે. ઐતિહાસિક રીતે જોઈએતો વિદેશી રોકાણકારોએ બેંકિંગ સેક્ટર્સમાં તેમનું એક્સપોઝર ખૂબ ઊંચું રાખ્યું છે. ખાસ કરીને એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક જેવી બેંક્સમાં તેમનું હોલ્ડિંગ ખૂબ ઊંચું રહ્યું છે. એફપીઆઈ છેલ્લાં કેટલાક સમયગાળાથી ભારત સહિત તમામ ઈમર્જિંગ માર્કેટ્સમાંથી એક્ઝિટ લઈ રહી છે. બેંકિંગ સેક્ટરના પોર્ટફોલિયો વેઈટેજને જોતાં તે ઊંચો આઉટફ્લો દર્શાવે તે સ્વાભાવિક છે. 15 માર્ચના રોજ ફાઈનાન્સિયલ સેક્ટર શેર્સમાં એફપીઆઈની એસેટ્સ રૂ. 13.02 લાખ કરોડ પર હતી. જે તમામ 35 સેક્ટર્સમાં તેમની કુલ એસેટ્સના 29.25 ટકા જેટલી હતી.
એફપીઆઈ છેલ્લાં ઓકટોબરથી સતત ભારતીય બજારમાં વેચવાલ બની રહ્યાં છે. વૈશ્વિક બજારોમાં રેટ વૃદ્ધિ, ભારતીય શેર્સના ઊંચા વેલ્યૂએશન્સ, બે વર્ષોમાં બજારમાં તીવ્ર તેજી બાદ પ્રોફિટ બુકિંગ તથા રશિયા-યૂક્રેન વચ્ચે વોર જેવી જીઓ-પોલિટીકલ કટોકટી જેવા વિવિધ કારણોસર વિદેશી રોકાણકારો વેચવાલી દર્શાવી રહ્યાં છે. તેમણે 15 માર્ચ સુધીમાં કુલ રૂ. 1.49 લાખ કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. જેમાંથી 60 ટકા જેટલું બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ સેક્ટરમાં હતું.