માર્કેટ સમરી
બેન્ચમાર્ક નિફ્ટી 67 પોઈન્ટ્સ સુધરીને 12926ના સ્તરે બંધ આવ્યો હતો. જે તેનું બીજું શ્રેષ્ઠ બંધ લેવલ છે. અગાઉ તે 18 નવેમ્બરે 12938ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટીને 12970નો અવરોધ નડી રહ્યો છે. જોકે હજુ પણ અન્ડરટોન મજબૂત છે. 12700ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવવાની તેમજ નવી લોંગ પોઝીશન ઊભી કરવાની સલાહ એનાલિસ્ટ્સ આપી રહ્યાં છે.
ડાઉ જોન ફ્યુચરમાં મજબૂતી
બપોરે 154 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવતો ડાઉ જોન ફ્યુચર સાંજે 170 પોઈન્ટ્સનો સુધારો દર્શાવે છે. ફાઈઝરે યુએસએફડીએ પાસે તેની વેક્સિનની મંજૂરી માટે અરજી કરી છે. આમ બજારનો મૂડ અપબીટ છે અને તે ચાલુ સપ્તાહે જળવાય રહેવાની પૂરી શક્યતા છે.
એનર્જી અને આઈટી સેક્ટરે સપોર્ટ કર્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસીમાં લાંબા સમય બાદ જોવા મળેલા નોંધપાત્ર સુધારા પાછળ બજારને સપોર્ટ મળ્યો હતો. બેંકિંગ ક્ષેત્રે વિરામ લીધો હતો. આઈટી સેક્ટર પણ મજબૂત હતું. બીએસઈ ઓઈલ એન્ડ ગેસમાં 2.9 ટકાનો જ્યારે બીએસઈ આઈટીમાં પણ 2.9 ટકાનો સુધારો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડ. 1900-2100ની રેંજમાં કોન્સોલિડેશનમાં છે. જોકે માર્કેટમાં રોટેશન ચાલી રહ્યું છે અને તેથી જ્યારે એક સેક્ટર નરમ હોય છે ત્યારે બીજું સપોર્ટ કરવા માટે આવી જાય છે.
બીજી અને ત્રીજી હરોળમાં આક્રમક લેવાલી
લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં આક્રમક ખરીદી જોવા મળી રહી છે. સોમવારે લાર્જ-કેપ્સમાં કોન્સોલિડેશન વચ્ચે નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપમાં આક્રમક ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 240 પોઈન્ટ્સ અથવા 1.31 ટકા ઉછળી 19211ની સપાટી પર બંધ રહ્યો હતો. તેણે દિવસ દરમિયાન 11235ની બે વર્ષની ટોચ દર્શાવી હતી. નિફ્ટી સ્મોલ-કેપ 2.06 ટકા ઉછળી 6304ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે પણ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. જે સૂચવે છે કે ટ્રેડર્સ મીડ-કેપ્સમાં ફરી સક્રિય બન્યાં છે. એક્સચેન્જ ખાતે 3013 ટ્રેડેડ કંપનીઓમાંથી 1679માં સુધારો નોંધાયો હતો. જ્યારે 1149 કાઉન્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. 370 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જયારે 182 એ તેમની 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. બીએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સ અંતિમ નવ સત્રોથી સુધારો દર્શાવી રહ્યો છે.
કોલગેટ પામોલીવનો શેર વાર્ષિક ટોચ પર પહોંચ્યો
સોમવારે ડિફેન્સિવ કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી. જેમાં એફએમસીજી કંપની કોલગેટ પામોલીવનો શેર તેની 52-સપ્તાહની ટોચ પર જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે શેર અગાઉના બંધ ભાવની સરખામણીમાં 3 ટકા સુધરી રૂ. 1575 પર ટ્રેડ થયો હતો. કોવિડ લોકડાઉન બાદ અગ્રણી એફએમસીજી કાઉન્ટર્સની સરખામણીમાં કોલગેટનો શેર ખૂબ જ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. માર્ચ મહિનાના રૂ. 1065ના તળિયાથી તે 50 ટકા જેટલો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 42600 કરોડને પાર કરી ગયું છે.
સોનું-ચાંદી નરમ, ક્રૂડ મજબૂત
ઉઘડતાં સપ્તાહે કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી હતી. એમસીએક્સ ખાતે સિલ્વર ડિસેમ્બર વાયદો રૂ. 508 અથવા 0.82 ટકાના ઘટાડે રૂ. 61650 પર ટ્રેડ થતો હતો. જ્યારે ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 76 અથવા 0.2 ટકા ઘટી રૂ. 50136 પર ટ્રેડ થતો હતો. બંને ધાતુઓ કોવિડ વેક્સિનના અહેવાલ પાછળ નરમ અન્ડરટોન દર્શાવી રહી છે. ગોલ્ડમાં રૂ. 50000નો મહત્વનો સાયકોલોજિકલ સપોર્ટ છે. અંતિમ બે મહિનામાં ચારેકવાર આ સ્તરની નીચે જઈ સોનું પરત ફર્યું છે. જોકે હવે એનાલિસ્ટ્સ આ સ્તર તૂટે તો ઝડપી ઘટાડાની શક્યતા જોઈ રહ્યાં છે. બીજી બાજુ ક્રૂડમાં મજબૂતી ટકી છે. સોમવારે એમસીએક્સ નવેમ્બર ક્રૂડ 2.25 ટકાના સુધારે રૂ. 3200ની સપાટીને પાર કરી ગયું હતું.