Market Summary 23 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


શોર્ટ કવરિંગ પાછળ બજારે શરૂઆતી ઘટાડો પચાવી સ્માર્ટ રિકવરી દર્શાવી

બેન્ચમાર્ક નિફ્ટી 17216.10ના બોટમ પરથી 338 પોઈન્ટ્સ ઉછળી 17554ની ટોચ પર જોવા મળ્યો

મેટલ, ફાર્મા, રિઅલ્ટી, એનર્જી, જાહેર સાહસો સહિતના ક્ષેત્રોમાં તળિયાના સ્તરે ખરીદી નીકળી

મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ બીએસઈ ખાતે ત્રણ શેર્સમાં ખરીદી સામે એક શેરમાં ઘટાડો નોંધાયો



સતત ચાર ટ્રેડિંગ સત્રો દરમિયાન ઘસારો દર્શાવતા રહેલા શેરબજારમાં મંગળવારે શોર્ટ કવરિંગ પાછળ બાઉન્સ જોવા મળ્યું હતું. જેની પાછળ બેન્ચમાર્ક્સ સહિત બ્રોડ માર્કેટમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી-50 86.80 પોઈન્ટ્સના સુધારે 17503.35ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 198.44 પોઈન્ટ્સના સુધારે 58664.33ની સપાટી પર બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ નીચા મથાળે વ્યાપક ખરીદી જોવા મળી હતી અને માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. નિફ્ટીના 50 ઘટકોમાંથી 40 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 10 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં રહ્યાં હતાં.

લગભગ બે સપ્તાહ બાદ ભારતીય બજારે વૈશ્વિક બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. સોમવારે યુએસ ખાતે બજારોમાં બંધ થતાં પૂર્વે વેચવાલી નીકળી હતી. જેની પાછળ એશિયાઈ બજારો નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. બપોરે યુરોપ બજારો પણ એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે એકમાત્ર ભારતીય બજાર ગ્રીન ઝોનમાં જોવા મળતું હતું. સવારે ખૂલતામાં તો નિફ્ટી 200 પોઈન્ટ્સ જ્યારે સેન્સેક્સ 700 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવી ઝડપથી પરત ફર્યાં હતાં. નિફ્ટીએ અગાઉના 17416ના બંધ સામે 200 પોઈન્ટસના ઘટાડે 17216નું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી ઉછળી ફ્લેટ બન્યાં બાદ બીજા હાફમાં વધુ સુધારે 17553.70ની ટોચ પર ટ્રેડ નોંધાવ્યો હતો. માર્કેટમાં બ્રોડ બેઝ બાઈંગ નીકળ્યું હતું અને એકમાત્ર ઓઈલએન્ડગેસને બાદ કરતાં તમામ સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જેમાં નિફ્ટી મેટલ 3.30 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. જ્યારે એનર્જી, ફાર્મા, રિઅલ્ટી, કોમોડિટીઝમાં પણ 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. મેટલ ક્ષેત્રે વેદાંતે 8 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો. જ્યારે એનએમડીસી 5 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 4 ટકા, કોલ ઈન્ડિયા 3.75 ટકા, સેઈલ 3.45 ટકા, જિંદાલ સ્ટીલ 3.4 ટકા અને નાલ્કો 3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. ફાર્મા કાઉન્ટર્સમાં ઓરોબિંદો ફાર્મા 3.72 ટકા, ટોરેન્ટ ફાર્મા 2.5 ટકા અને બાયોકોન 2.22 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એનર્જી સેગમેન્ટમાં અદાણી ગ્રીન એનર્જી 5 ટકા, ટાટા પાવર 4 ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન 4 ટકા અને એનટીપીસીમાં 2.6 ટકાનો સુધારો નોંધાયો હતો.

માર્કેટમાં બ્રોડ બેઝ ખરીદી પાછળ મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેમાં નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.76 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.91 ટકાના સુધારે બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ બેઝ ખરીદી પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ સોમવારથી ઊલટી જોવા મળી હતી. જેમાં ત્રણ શેર્સમાં લેવાલી સામે એક શેરમાં વેચવાલી નોંધાઈ હતી. એક્સચેન્જ ખાતે કુલ 3415 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2428 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. જ્યારે 825 કાઉન્ટર્સે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. એક્સચેન્જ ખાતે 445 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જેની સામે 156 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. 162 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 58 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું.



લેટન્ટ વ્યૂનું 169 ટકા પ્રિમીયમે લિસ્ટીંગ

માર્કેટમાં પેટીએમના લિસ્ટીંગ ફિઆસ્કોથી વિપરીત નાના કદના આઈપીઓ લેટન્ટ વ્યૂએ બમ્પર લિસ્ટીંગ દર્શાવ્યું હતું. કંપનીનો શેર રૂ. 197ના ઓફર ભાવ સામે 169 ટકા પ્રિમીયમ સાથે બીએસઈ ખાતે રૂ. 530ના સ્તરે લિસ્ટ થયો હતો. જ્યાંથી એક તબક્કે વધુ સુધરી રૂ. 548.75ની ટોચ પર ટ્રેડ થયાં બાદ કામકાજના અંતે ઓફરભાવ સામે 148 ટકા ઉપર રૂ. 488.60ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. કંપનીનો આઈપીઓ વિક્રમી 339 ગણો ભરાયો હતો અને તેથી પ્રિમીયમ લિસ્ટીંગની અપેક્ષા હતી.












પેટીએમની લિસ્ટીંગ નિષ્ફળતાને કારણે ટેક્નોલોજી કંપનીઓની આઈપીઓ પર ગ્રહણ લાગી શકે

લાખો રિટેલ રોકાણકારોએ પેટીએમના મેગા આઈપીઓમાં બે ટ્રેડિંગ સત્રોમાં જ 37 ટકા મૂડીધોવાણ દર્શાવ્યું

વૈશ્વિક સ્તરે ફિનટેક કંપનીઓના શેર્સ 03.-0.5 ગણા પ્રાઈસ-ટુ-સેલ્સ ગ્રોથ રેશિયો પર ટ્રેડ થાય છે ત્યારે પેટીએમે 26ના ખૂબ જ ઊંચા રેશિયો પર આઈપીઓ કર્યો

નજીકના સમયમાં બજારમાં પ્રવેશવાનું મન બનાવી ચૂકેલી કંપનીઓ આઈપીઓને લઈને નવેસરથી વિચારણા હાથ ધરવી પડશે



દેશમાં પ્રાઈમરી માર્કેટમાંથી કોર્પોરેટ્સને વિક્રમી ફંડ એકત્ર કરી આપનાર વર્ષની આખરમાં ટેક્નોલોજી કંપનીઓએ તેમની આઈપીઓ યોજના અંગે પુનર્વિચાર કરવાનો બની શકે છે. દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓના નિષ્ફળ લિસ્ટીંગને કારણે ખાસ કરીને ટેક્નોલોજી આધારિત કંપનીઓ નજીકના સમયમાં બજારમાં પ્રવેશવાનું મોકૂફ રાખી શકે છે. પેટીએમના શેરમાં જંગી નુકસાનને કારણે રિટેલ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસરને આ માટે કારણભૂત ગણવામાં આવે છે.

પેટીએમના આઈપીઓના લિસ્ટીંગના પ્રથમ બે સત્રોમાં રોકાણકારોએ તેમની ખરીદ કિંમતમાંથી 37 ટકાનું ધોવાણ નોઁધાવ્યું હતું. અલબત્ત, મંગળવારે તેમને એક રાહતમાં શેર 10 ટકા જેટલો સુધરીને રૂ. 1494.70ના ભાવે બંધ રહ્યો હતો. જોકે રૂ. 2150ના ઓફર ભાવ સામે તે રૂ. 666ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આમ હજુ પણ 30 ટકાથી વધુ ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યો હતો. અગ્રણી રિસર્ચ જૂથ મેક્વેરિએ પેટીએમનો શેર રૂ. 1200ની ભાવ સપાટી દર્શાવે તેવી આગાહી કરી છે. એડલવેઈસ ફાઈનાન્સિયલ સર્વિસિસ ખાતે ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગના એમડી ગોપાલ અગ્રવાલના જણાવ્યા મુજબ પેટીએમના નબળા આઈપીઓને કારણે રોકાણકારો સાવચેત બની ગયા છે અને હવે તેઓ પ્રાઈમરી માર્કેટમાં આંખ બંધ કરીને ભાગ લેવાનું ટાળશે. રોકાણકારો બજારમાં પ્રવેશી રહેલી કંપનીની વિકાસગાથા અને ભાવિ તકોને સારી રીતે સમજે તે મહત્વનું બની રહેશે એમ તેઓ ઉમેરે છે.

ભારતીય ઈક્વિટી બજારે ચાલુ કેલેન્ડરમાં અસાધારણ તેજી દર્શાવી છે. જેમાં આરબીઆઈ દ્વારા વિક્રમી તળિયા પર જાળવવામાં આવેલા ઈન્ટરેસ્ટ રેટ્સ તથા કોર્પોરેટ્સ અર્નિંગ્સમાં રિવાઈવલ જેવા મુખ્ય કારણો જવાબદાર છે. જેને કારણે ઈક્વિટી જેવા જોખમી એસેટ ક્લાસ ક્ષેત્રે લાખો નવા રોકાણકારો પ્રવેશ્યાં હતાં. જેની પાછળ બજારમાં રિટેલ પાર્ટિસિપન્ટ્સ તેની વિક્રમી સપાટી પર જોવા મળ્યું છે. જેણે લાંબા સમયથી બજારમાં પ્રવેશવા આતુર કોર્પોરેટ્સને અને તેમાં ખાસ કરીને ન્યૂ-જેન કંપનીઓને પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશવા આકર્ષ્યાં હતાં. ઝોમેટો, નાયકા અને પેટીએમ જેવા મેગા આઈપીઓ બાદ લગભગ અડધા ડઝન જેટલી ટેક્નોલોજી કંપનીઓ બજારમાં પ્રવેશવા આતુર છે. જેમાં સોફ્ટબેંક ગ્રૂપ પ્રેરિત ઓયો હોટેલ્સ, લોજિસ્ટીક્સ પ્રોવાઈડર દિલ્હીવેરી વગેરેનો સમાવેશ થાય છે. જોકે ડિજિટલ ક્રાંતિનો લાભ લઈ રહેલી આ કંપનીઓ બજારમાં નજીકના સમયમાં પ્રવેશવાની તેમની યોજનાને પાછી ઠેલે તેવી પૂરી શક્યતાં જોવામાં આવી રહી છે.
દેશમાં અગ્રણી અખબારે એક અહેવાલમાં નોંધ્યું છે કે મોબિક્વિક તેના આઈપીઓને કેટલાંક મહિના માટે પાછો ઠેલી શકે છે. કેમકે હાલમાં રોકાણકારોની માગ ઘટવા ઉપરાંત કંપનીના વેલ્યૂએશનમાં 30-40 ટકા ઘટાડો નોંધાયો છે. ભારતમાં ચાલુ વર્ષે આઈપીઓ મારફતે કંપનીઓએ કુલ 15 અબજ ડોલર આસપાસની રકમ ઊભી કરી છે. જે અત્યાર સુધીમાં કોઈપણ કેલેન્ડર દરમિયાન ઊઘરાવવામાં આવેલી સૌથી ઊંચી રકમ છે. આમાં કેટલાંક આઈપીઓએ ખૂબ ઊંચા વેલ્યૂએશન સાથે બજારમાં પ્રવેશ કર્યો હતો. જેમાં પેટીએમ એક માનવામાં આવે છે. કુલ આઈપીઓ કલેક્શનના 18 ટકા રકમ તો પેટીએમના આઈપીઓ મારફતે મેળવવામાં આવી હતી. કેલેન્ડર 2008માં રૂ. 10000 કરોડ એકત્ર કરવા માટે પ્રવેશેલા આરપાવરના આઈપીઓ બાદ પેટીએમ બીજું મોટું નબળુ લિસ્ટીંગ બની રહ્યું છે. પેટીએમનું વેલ્યૂએશન તેના નાણાકિય વર્ષ 2022-23ના પ્રાઈસ-ટુ-સેલ્સના 26 ગણા પર જોવા મળતું હતું. જે ખૂબ જ મોંઘું હતું. ખાસ કરીને જ્યારે કંપનીની નફાકારક્તાને લઈને હજુ પ્રશ્નાર્થ ઊભો છે ત્યારે રોકાણકારો માટે તે ગેરવાજબી હતું એમ મેક્વેરિ કેપિટલ સિક્યૂરિટીઝના અધિકારી જણાવે છે. વૈશ્વિક સ્તરે મોટાભાગના ફિનટેક પ્લેયર કંપનીઓના શેર્સ 03.-0.5 ગણા પ્રાઈસ-ટુ-સેલ્સ ગ્રોથ રેશિયો પર ટ્રેડ થાય છે ત્યારે પેટીએમે ખૂબ ઊંચી વેલ્યૂ પર આઈપીઓ કર્યો હતો.


મોબિક્વિક આઈપીઓને પાછો ઠેલે તેવી શક્યતાં

ફિનટેક કંપની પેટીએમના નબળા લિસ્ટીંગને પગલે એક અન્ય પેમેન્ટ કંપની મોબિક્વિક તેની આઈપીઓ યોજનાને કેટલાંક મહિનાઓ માટે મુલત્વી રાખે તેમ જાણવા મળે છે. કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે અમને જ્યારે જણાશે કે આઈપીઓ સફળ રહેશે ત્યારે અમે બજારમાં પ્રવેશ કરીશું. કંપની પાસે ચાલુ વર્ષે ઓક્ટોબરમાં ડીઆરએચપી મંજૂરી મળ્યાંથી લઈને એક વર્ષ સુધીમાં આઈપીઓ લાવવાનો સમયગાળો હોવાનું તેમણે ઉમેર્યું હતું. કંપનીના વેલ્યૂએશનમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું માધ્યમના અહેવાલો જણાવે છે. કંપની બજારમાં લગભગ રૂ. 1900 કરોડ ઊભા કરવા માટે પ્રવેશવાનું વિચારી રહી હતી. કંપનીમાં બજાજ ફાઈનાન્સ મુખ્ય રોકાણકર્તાં છે



ફ્યુચર રિટેલના કર્મચારીઓની રિલાયન્સને વેચાણનો માર્ગ મોકળો કરવા સુપ્રીમને વિનંતી

ફ્યુચર રિટેલ જૂથના કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટને એક અરજ કરતાં કંપનીના રિલાયન્સ રિટેલને વેચાણ માટેની મંજૂરી આપવા જણાવ્યું છે. તેમણે એમેઝોનડોટકોમ ઈન્કના વિરોધને કારણે કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ફ્યુચર રિટેલના 27 હજાર કર્મચારીઓની નોકરી સામે ઝળુંબી રહેલા જોખમને ટાંકીને આ વિનંતી કરી છે. એમેઝોને હાથ ધરેલી સફળ કાનૂની કાર્યવાહીને કારણે ફ્યુચર જૂથ તેની રિટેલ એસેટ્સને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેચવામાં નિષ્ફળ રહ્યું છે. એમેઝોને તેની ફરિયાદમાં ફ્યુચર જૂથે કેટલાંક અગાઉથી અસ્તિત્વ ધરાવતાં કોન્ટ્રેક્ટ્સનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેને આધારે સિંગાપુર આર્બિટ્રેડરે રિલાયન્સ-ફ્યુચર સોદાને અમાન્ય રાખ્યો હતો. જેના વિરોધમાં ફ્યુચર જૂથે દેશની કોર્ટમાં અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે આ કેસને લઈને સુનાવણી કરવાનું હતું ત્યારે ફ્યુચર જૂથના કર્મચારીઓએ કોર્ટને તેમના આજિવિકા ખતરામાં હોવાનું જણાવી એમેઝોનની વિરુધ્ધમાં ચુકાદો આપવાની વિનંતી કરી હતી. જો રિલાયન્સ સાથેનું ડીલ નિષ્ફળ જશે તો કંપની લિક્વિડેશનમાં જશે અને તેના કારણે 27 હજાર કર્મચારીઓની આજિવિકા રોળાશે. આ કર્મચારીઓના પરિવારે રસ્તા પર આવી જશે એમ એફઆરએલ એમ્પ્લોઈ વેલફેર એસોસિએશને એક ફાઈલીંગમાં જણાવ્યું હતું.

ટાટા જૂથ તમિલનાડુમાં રૂ. 3000 કરોડના ખર્ચે સોલાર સેલ પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા

દેશમાં અગ્રણી કોન્ગ્લોમેરટ ટાટા જૂથ તમિલનાડુ ખાતે રૂ. 3000 કરોડના ખર્ચે સોલાર સેલ પ્લાન્ટની સ્થાપના કરે તેવી શક્યતાં છે. જૂથની સોલાર પાંખ રાજ્યના તિરુનેલવેલી જિલ્લામાં રૂ. 3000 કરોડના ખર્ચે 4 ગીગાવોટની ઈન્ટિગ્રેટેડ સોલાર ફોટોવોલ્ટિક સેલ મેન્યૂફેક્ચરિંગ સુવિધા સ્થાપવાનું આયોજન કરી રહી છે. જે રાજ્યની તેની સોલાર પાવર ક્ષમતાને આગામી 10 વર્ષોમાં બમણી કરવાના લક્ષ્યાંકમાં સહાયરૂપ બની રહેશે. તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશ કોર્પોરેશન 2030 સુધીમાં 25 ગીગાવોટ રિન્યૂએબલ ક્ષમતાનો ટાર્ગેટ ધરાવે છે. જેમાં 20 ગીગાવોટ સોલાર પ્રોજેક્ટ, 3 ગીગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ અને 2 ગીગાવોટ ગેસ-બેઝ્ડ પાવર યુનિટ્સનો સમાવેશ થાય છે.

વોડાફોન આઈડિયા પણ ટેરિફમાં 20-25 ટકા વૃદ્ધિ કરશે

સોમવારે બીજા ક્રમના ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે તેના ટેરિફમાં 20 ટકા વૃદ્ધિની જાહેરાત કર્યાં બાદ વોડાફોન આઈડિયાએ પણ 25 નવેમ્બરથી અમલી બને તે રીતે 20-25 ટકા ટેરિફ વૃદ્ધિ કરશે એમ જણાવ્યું છે. કંપનીએ જણાવ્યા મુજબ તે પ્રિપેઈડ ટેરિફ્સમાં 20-25 ટકા જ્યારે ટોપ-અપ પ્લાન ટેરિફ્સમાં 19-21 ટકા વૃદ્ધિ કરશે. નવા ટેરિફ પ્લાન્સને કારણે કંપનીની એવરેજ રેવન્યૂ પ્રતિ યુઝરમાં સુધારાની શરૂઆત થશે તેમજ ટેલિકોમ ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળી રહેલો નાણાકિય તણાવ ઓછો થશે એમ કંપનીએ જણાવ્યું હતું. વોડાફોને કેટલાક મહિનાઓ અગાઉ એન્ટ્રી લેવલ પ્રિપેઈડ પ્લાન્સમાં અને કેટલાંક ચોક્કસ પોસ્ટપેઈડ અને ફેમિલી પેક્સમાં 25 ટકા વૃદ્ધિ કરી હતી. જ્યારે તાજી જાહેરાત તમામ સ્લેબ્સમાં લાગુ પડશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage