Market Summary 24/01/2023

રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે શેરબજારમાં ફ્લેટ બંધ
એક્સપાયરી અગાઉના દિવસે બ્રેડ્થ નરમ
ઈન્ડિયા વિક્સ સાધારણ પોઝીટીવ જળવાયો
એશિયન બજારો મજબૂત, યુરોપમાં નરમાઈ
ઓટો, આઈટી, મિડિયામાં લેવાલી
પીએસયૂ બેંક્સ, ફાર્મા, મેટલમાં નરમાઈ
ઈન્ડુસ ટાવર્સ, નિપ્પોન નવા વાર્ષિક તળિયે

વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજાર સાંકડી રેંજમાં અટવાઈ ગયું છે. મંગળવારે પોઝીટીવ ઓપનીંગ બાદ બજાર ધીમે-ધીમે ઘસાતુ જોવા મળ્યું હતું અને આખરે ફ્લેટ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 37.08 પોઈન્ટસ સુધરી 60,978.75ની સપાટીએ જ્યારે નિફ્ટી 0.25 પોઈન્ટ્સ ગગડી 18,118.30ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 31 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 19 કાઉન્ટર્સે તેમના અગાઉના બંધ સામે પોઝીટીવ બંધ નોંધાવ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3650 કાઉન્ટર્સમાંથી 2043 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 1482 કાઉન્ટર્સ પોઝીટીવ જળવાયાં હતાં. 119 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 75 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.3 પોઈન્ટ્સના સાધારણ સુધારે બંધ જોવા મળ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે સતત બીજા દિવસે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 18118.55ના અગાઉના બંધ સામે 18,183.95ની સપાટી પર ઓપન થયો હતો. જ્યાંથી વધી 18,201.25ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યારબાદ તે સતત ઘસાતો જોવા મળ્યો હતો. માર્કેટ બંધ થવાના કલાક અગાઉ તેણે 18,078.65નું બોટમ દર્શાવ્યું હતું. જ્યાંથી સાધારણ સુધરી ફ્લેટ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ કોઈપણ પ્રિમીયમ વિના 18118.90ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે બજારમાં લોંગ લિક્વિડેશન જોવા મળ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 18200 પર ડિસ્ટ્રીબ્યુશન જોવા મળી રહ્યું છે. આમ માર્કેટમાં આ એક મહત્વનો અવરોધ બની રહ્યો છે. બુધવારે જાન્યુઆરી એક્સપાયરીનો દિવસ હોવાથી ઊંચી વધ-ઘટ શક્ય છે. બેન્ચમાર્ક માટે 18000નો સપોર્ટ મહત્વનો બની રહેશે. જે તૂટતાં તે બજેટ અગાઉ 17800નું સ્તર દર્શાવી શકે છે. સોમવારે માર્કેટમાં સુધારા બાદ એવું માનવામાં આવતું હતું કે માર્કેટમાં બજેટ અગાઉની તેજી શરૂ થઈ છે. જોકે તેમાં મંગળવારે ખાંચરો પડ્યો હતો. બજેટ પાસેથી વિશેષ અપેક્ષાના અભાવમાં કોઈ નોંધપાત્ર સુધારાની શક્યતાં નથી. જોકે બજેટમાં કોઈ ખાસ નેગેટિવ પણ જોવા મળે તેવી શક્યતાં નથી રખાતી અને તેથી બજેટ અગાઉ બજાર લગભગ ફ્લેટ જોવા મળી શકે છે. મંગળવારે નિફ્ટી કાઉન્ટર્સમાં નોંધપાત્ર દેખાવ કરનારાઓમાં ઓટો શેર્સ અગ્રણી હતાં. જેમાં તાતા મોટર્સ ટોચ પર હતો. આ ઉપરાંત મારુતિ સુઝુકી, બજાજ ઓટો, એચસીએલ ટેક્નોલોજી, બ્રિટાનિયા, એચડીએફસી બેંક, એચડીએફસી, એશિયન પેઈન્ટ્સ, આઈશર મોટર્સ વગેરેમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ એક્સિસ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, પાવર ગ્રીડ કોર્પોરેશન, ગ્રાસિમ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા, તાતા સ્ટીલ અને લાર્સનમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો નિફ્ટી ઓટો સવા ટકા મજબૂતી સાથે સુધરવામાં ટોચ પર હતો. ઓટો કંપની મારુતિ તરફથી સારા પરિણામો પાછળ મજબૂતી જોવા મળી હતી. તાતા મોટર્સ 3.4 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જ્યારે મારુતિ 3.35 ટકા સુધારો દર્શાવતો હતો. ઉપરાંત ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, બજાજ ઓટો, બોશ, આઈશર મોટર્સ અને ટીવીએસ મોટરમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જોકે ભારત ફોર્જ, એક્સાઈડ ઈન્ડ અને એમએન્ડએમમાં નરમાઈ જોવા મળી રહી હતી. નિફ્ટી આઈટી પણ 0.77 ટકા સુધારા સાથે બંધ જળવાયો હતો. જેમાં એલટીઆઈમાઈન્ડટ્રી 3.22 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એલએન્ડટી ટેક્નોલોજી, એમ્ફેસિસ, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મિડિયા અને નિફ્ટી કન્ઝ્મ્પ્શન પણ મજબૂતી દર્શાવતાં હતાં. જોકે પીએસયૂ બેંક, પીએસઈ, બેંક નિફ્ટી અને ફાર્મા સેક્ટરમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 1.4 ટકા ગગડ્યો હતો. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર 4 ટકા સાથે તૂટવામાં અગ્રણી હતો. આ ઉપરાંત આઈઓબી, યૂકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સેન્ટ્રલ બેંક, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકા તૂટ્યો હતો. જેમાં ડો. રેડ્ડીસ લેબ્સ 2 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ., બાયોકોનમાં પણ ઘટાડો દર્શાવતાં હતાં. પ્રાઈવેટ બેંકિંગ ક્ષેત્રે એક્સિસ બેંક સારા પરિણામો પાછળ 2.4 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ફેડરલ બેંક પણ નરમાઈ દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં પીવીઆર 3.6 ટકા સાથે સુધરવામાં અગ્રણી હતો. આ ઉપરાંત સીજી કન્ઝ્યૂમર, ડેલ્ટા કોર્પ, ટ્રેન્ટ, ઈન્ડિયામાર્ટ, કેન ફિન હોમ્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, પેટ્રોનેટ એલએનજી, એપોલો ટાયર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ તાતા કોમ્યુનિકેશન્સ 4.3 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત સિન્જિન ઈન્ટરનેશનલ, આરબીએલ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ટોરેન્ટ પાવર, બલરામપુર ચીની, સન ટીવી નેટવર્સ અને એલએન્ડટી ફાઈનાન્સમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. 360 વન ડબલ્યએએમે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે અનેક કાઉન્ટર્સે તેમના વાર્ષિક અથવા ઓલ-ટાઈમ લો બનાવ્યાં હતાં. જેમાં ગ્લેન્ડ ફાર્મા, ઈન્ડસ ટાવર્સ, લૌરસ લેબ્સ, થાયરોકેર ટેક., ગ્લેક્સોસ્થિલાઈન, નિપ્પોન, સારેગામા ઈન્ડિયા, બાલાજી એમાઈન્સ, વોડાફોન આઈડિયાનો સમાવેશ થાય છે.

ઘઉંના ભાવે નવી વિક્રમી સપાટી બનાવી
ઈન્દોર માર્કેટમાં ભાવ રૂ. 29375 પ્રતિ ટન પર પહોંચ્યો
દિલ્હી બજારમાં ભાવ રૂ. રૂ. 31,508ની નવી ટોચ પર જોવા મળ્યાં
એક વર્ષમાં ઘઉંના ભાવમાં 37 ટકાનો ઊછાળો
2022માં ઉત્પાદન સરકારના શરૂઆતી 10.959 કરોડ ટન પરથી ગગડી 10.684 કરોડ ટન જોવા મળ્યું

સરકાર તરફથી મુક્ત બજારમાં ઘઉંનો જથ્થો છૂટો કરવામાં વિલંબને કારણે કોમોડિટીના ભાવ નવી વિક્રમી ટોચ પર પહોંચ્યાં છે. ઓપન માર્કેટમાં ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર તેના ગોદામોમાંથી માલ છૂટો કરશે એમ સરકારી વર્તુળોએ અગાઉ જણાવ્યું હતું. ગઈ સિઝનમાં અપેક્ષા કરતાં નીચા પાકને કારણે સરકારી ખરીદી પર પણ ગંભીર અસર પડી હતી. જેને કારણે મે 2022માં સરકારે દેશમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાગુ પાડ્યો હતો.
ભારત વિશ્વમાં યુએસ પછી ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. સાથે તે વિશ્વમાં સૌથી મોટો વપરાશકાર પણ છે. માર્ચ 2022માં રવિ કાપણીની સિઝનમાં ઓચિંતી ગરમીને કારણે ઘઉંમાં યિલ્ડ પર મોટી અસર પડી હતી. જેને કારણે ઉત્પાદન નીચું રહ્યું હતું અને કેન્દ્રિય વિતરણ પ્રણાલી માટે એફસીઆઈ તરફથી સપોર્ટ ભાવે ઘઉંની ખરીદી વર્ષોના નીચા સ્તરે જોવા મળી હતી. ટ્રેડર્સના મતે દેશમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ વચ્ચે ઘઉંના વિક્રમી ભાવ સૂચવે છે કે ઉત્પાદનમાં ઘટાડો અપેક્ષા કરતાં ઘણો મોટો રહ્યો છે. સરકારી અંદાજ મુજબ રવિ માર્કેટિંગ સિઝન 2022માં ઉત્પાદન સરકારના શરૂઆતી 10.959 કરોડ ટન પરથી ગગડી 10.684 કરોડ ટન જોવા મળ્યું હતું. ઈન્દોર સ્થિત અગ્રણી વેપારીના જણાવ્યા મુજબ ખેડૂતોએ તેમનો પાક વેચી ચૂક્યાં છે. ટ્રેડર્સ પાસે કોઈ સ્ટોક નથી. જ્યારે માગ ખૂબ ઊંચી જોવા મળી રહી છે. હાલમાં માગ-સપ્લાય વચ્ચે ઊંચા ગેપને કારણે ભાવ વધી રહ્યાં છે. જ્યાં સુધી નવી સિઝનનો સપ્લાય શરૂ નહિ થાય ત્યાં સુધી ભાવમાં ઘટાડો ચાલુ રહેશે એમ તેઓ ઉમેરે છે. ઘઉંના પાકની ઓક્ટોબર-ડિસેમ્બરમાં વાવણી થાય છે અને માર્ચ-એપ્રિલમાં કાપણી જોવા મળે છે.
ઈન્દોર માર્કેટમાં બેન્ચમાર્ક ભાવ ઉછળીને રૂ. 29,375(361.09 ડોલર) પ્રતિ ટન પર પહોંચ્યાં હતાં. જે મહિનામાં 7 ટકાની જ્યારે 2022 સિઝનમાં 37 ટકા વૃદ્ધિ દર્શાવે છે. નવી દિલ્હી ખાતે ઘઉંના ભાવ સોમવારે 2 ટકા ઉછળી રૂ. 31,508 પર પહોંચ્યાં હતાં. જો સરકાર આગામી 15 દિવસોમાં જથ્થો છૂટો નહિ કરે તો ઘઉંના ભાવમાં વધુ 5-6 ટકા ઉછાળાની શક્યતાં હોવાનું ગ્લોબલ ટ્રેડિંગ કંપનીના ડિલરનું કહેવું છે. ઘઉંના ફ્લોર મિલર્સ જેવા બલ્ક કન્ઝ્યૂમર્સ પણ નીચા સપ્લાય અને ઊંચા ભાવોને કારણે સંઘર્ષ કરી રહ્યાં છે એમ દિલ્હી સ્થિત ટ્રેડર જણાવે છે.

સોનું રૂ. 59 હજારની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું
MCX વાયદાએ રૂ. 57125ની ઓલ-ટાઈમ હાઈ બનાવી
વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડે 1943 ડોલરની ટોચ દર્શાવી

સોનાના ભાવમાં અન્ડરટોન મજબૂત જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં ભાવ નવી ટોચ દર્શાવી રહ્યાં છે. ખાસ કરીને નવા સપ્તાહે બે સત્રોમાં ડોલર સામે રૂપિયામાં નરમાઈ પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી છે. મંગળવારે અમદાવાદ બુલિયન બજારમાં સોનું રૂ. 500ના સુધારે 10 ગ્રામના રૂ. 59 હજારની સપાટી પર ટ્રેડ થયું હતું. જ્યારે એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 57125ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયો 28 પૈસા નરમાઈ સાથે 81.70ની સપાટી પર બંધ રહ્યો હતો. સોમવારે પણ તેણે ગોલ્ડ સામે નરમાઈ દર્શાવી હતી. જોકે વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળતી હતી.
આગામી 1 ફેબ્રુઆરીએ યુએસ ફેડની બેઠક અગાઉ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ સેન્ટ્રલ બેંક તરફથી 25 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની શક્યતાં છે. ડિસેમ્બરમાં ફેડે 50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરી ત્યારે માનવામાં આવતું હતું કે ફેબ્રુઆરીમાં પણ તે 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવી શકે છે. જોકે પાછળથી બહાર આવેલા મેક્રો ડેટાને જોતાં ફેડ 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ જ દર્શાવે તેવી 80 ટકા શક્યતાં હોવાથી ગોલ્ડ મક્કમ જળવાયું છે. ચાલુ કેલેન્ડરની શરૂઆતથી અત્યાર સુધીમાં તે 5 ટકાથી વધુ સુધારો દર્શાવી ચૂક્યું છે. નજીકમાં 1950 ડોલરનો એક અવરોધ છે. જે પાર થશે તો ગોલ્ડ 1970 ડોલર સુધીનો ઝડપી સુધારો દર્શાવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ ઓવરબોટ ઝોનમાં પ્રવેશ્યું હોવા છતાં હજુ પ્રોફિટ બુકિંગના કોઈ સંકેતો જોવા મળી રહ્યાં નથી. આ સ્થિતિમાં શોર્ટ સેલમાં ઉતાવળ કરવી જોઈએ નહિ. ફેડ તરફથી રેટ વૃદ્ધિ ઘટવા છતાં ફુગાવાનો દર બેંકના કમ્ફર્ટ લેવલથી ઉપર જળવાઈ રહેવાની શક્યતાંને કારણે હાલમાં ગોલ્ડમાં મોટી વેચવાલીની શક્યતાં નથી જોવાઈ રહી. નવેમ્બર શરુઆતમાં 1620 ડોલર પર ટ્રેડ દર્શાવી રહેલું ગોલ્ડ પોણા ત્રણ મહિનામાં 330 ડોલરથી વધુ સુધારો દર્શાવી ચૂક્યું છે.

વિશ્વમાં સૌથી ઝડપી સેટલમેન્ટ સાઈકલમાં ભારતના બ્લ્યૂચિપ્સ પ્રવેશ કરશે
ચીન પછી ભારત T+1 સિસ્ટમ ધરાવનાર બીજો દેશ બનશે
ભારતીય શેરબજારમાં લિસ્ટેડ 200 જેટલા બ્લ્યૂચિપ શેર્સ ચાલુ સપ્તાહે વિશ્વમાં સૌથી ઝડપી સેટલમેન્ટ સાઈકલમાં પ્રવેશશે. ચીન પછી ભારત વિશ્વમાં બીજું બજાર છે જે T+1 સિસ્ટમમાં શિફ્ટ થઈ રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી લઈને તાતા કન્સલ્ટન્સી સુધીના તમામ અગ્રણી કાઉન્ટર્સ 27 જાન્યુઆરીથી T+1 સેટલમેન્ટ ધરાવતાં હશે. તેઓ દેશના શેરબજારનો 80 ટકા હિસ્સો ધરાવે છે.
છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી ચર્ચામાં રહેલા ફેરફારે માર્કેટ ઈન્ટરમિડિયરીઝને જરૂરી તૈયારી માટે પૂરતો સમય આપ્યો હતો એમ નેશનલ સિક્યૂરિટીઝ ડિપોઝીટરીના અધિકારી જણાવે છે. નવી પ્રણાલી હેઠળ અગાઉ બે દિવસના બદલે હવે ટ્રેડ-પ્લસ-વન-ડે સેટલમેન્ટ જોવા મળશે. વિદેશી રોકાણકારોએ ટાઈમ ઝોનને લઈને ફેરફારનું કારણ આપી આ ફેરફાર સામે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે આ પરિવર્તનનું સમર્થન કરી રહેલાઓનું માનવું છે કે ઝડપી સેટલમેન્ટને કારણે કાઉન્ટરપાર્ટી રિસ્ક અને ટ્રેડિંગ ખર્ચમાં ઘટાડો થશે. આ ફેરફારને કારણે કામકાજી કાર્યદક્ષતામાં વૃદ્ધિ થશે. સાથે ફંડ્સ અને સ્ટોક્સનું રોલીંગ પણ ઝડપી બનશે. યુએસ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને પણ વન-ટે સેટલમેન્ટ સાઈકલ માટે શેરબજાર ભાગીદારોનું મંતવ્ય મંગાવ્યું છે. જ્યારે યુરોપ ખાતે ઈન્ડસ્ટ્રી બોડી પણ આને લઈને ચર્ચા-વિચારણા ચલાવી રહી છે. યુએસ માર્કેટ રેગ્યુલેટરના ચેરમેનના જણાવ્યા મુજબ સેટલમેન્ટ સાઈકલને નાની કરવાને કારણે કાઉન્ટરપાર્ટીને ક્લિઅરીંગ હાઉસિસમાં રાખવી પડતી માર્જનની રકમમાં ઘટાડો જોવા મળશે.

એક અબજ ડોલરના ઓક્શન સાથે ભારત ગ્રીન બોન્ડ માર્કેટમાં પ્રવેશશે
ભારતના પ્રથમ સોવરિક ગ્રીન બોન્ડનું બુધવારે ઓક્શન યોજાશે. સરકારે તેમના સફળ પ્રવેશ માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. જાહેર ક્ષેત્રની ઈન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ સહિત ટોચના એસેટ મેનેજર્સ તથા વિદેશી રોકાણકારોને સરકાર તરફથી રૂ. 8 હજાર કરોડ(98.4 કરોડ ડોલર)નો બોન્ડ્સ ઈસ્યુ કરવામાં આવશે. ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રી રેગ્યુલેટરે ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી જરૂરી ઈન્ફ્રાસ્ટ્ર્કચર ઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપે તેમને બોન્ડ્સ ખરીદીની છૂટ આપી છે. બેંક્સ તેને ફરજિયાત સરકારી હોલ્ડિંગ્સના ભાગરૂપે ઉપયોગમાં લઈ શકે છે. જ્યારે ફોરેન ખરીદારો માટે કોઈ મર્યાદા નથી.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ખાતે ઈન્ડિયા ફાઈનાન્સિયલ માર્કેટ્સના હેડના જણાવ્યા મુજબ ભારતના પ્રથમ સોવરિન ગ્રીન ડેટ માટે સ્થાનિક તેમજ વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી મજબૂત માગની અપેક્ષા છે. અન્ય ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ પણ આમ જણાવી રહ્યાં છે. આ બોન્ડ્સ 5-વર્ષ તથા 10-વર્ષનો સમયગાળો ધરાવતાં હશે. પ્રથમ રાઉન્ડમાં ઓક્શન 25 જાન્યુઆરીએ હાથ ધરાશે. જ્યારે બીજા રાઉન્ડમાં 9 ફેબ્રુઆરીએ પણ આવી જ ઓફર કરાશે. એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ ભારતન ગ્રીન બોન્ડ ફ્રેમવર્કમાં બંધબેસતા હોય તેવા પ્રોજેક્ટ્સમાં કરવામાં આવશે. હાલમાં તેઓ ભારતના વ્યાપક ગ્રીન ફાઈનાન્સ ગોલ્સને ધ્યાનમાં રાખીને એક પ્રકારના ટ્રાયલ્સ સમાન હશે. વડાપ્રધાન મોદી દેશની હવામાન સંબંધી ઊંચી વિષમતાઓ સામે દેશને તૈયાર કરવા માટે રિન્યૂએબલ એનર્જી અને પ્રોજેક્ટ્સને લઈને મહત્વાકાંક્ષી યોજનાઓ ધરાવે છે. જેને માટે સસ્તાં ખર્ચે જરૂરી ફંડ પ્રાપ્ત કરવામાં ગ્રીન બોન્ડ્સ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એન્વાર્યમેન્ટલ પ્રોજેક્ટ્સ માટે ડિસ્કાઉન્ટેડ રેટ્સ એવા ગ્રીનિયમ્સમાં વૈશ્વિક સ્તરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં થાઈલેન્ડે કરેલા સસ્ટેનેબલ બોન્ડ ઈસ્યુમાં તેના સમકક્ષ થાઈ બોન્ડ્સની સરખામણીમાં 8 બેસીસ પોઈન્ટ્સનું નીચું પ્રાઈસિંગ જોવા મળ્યું હતું. ટ્રેડર્સના મતે ભારતમાં આરંભિક બોન્ડ્સનું યિલ્ડ 2-3 બેસીસ પોઈન્ટ્સનું નીચું ગ્રિનીયમ ધરાવતું હશે. આ માટેનું એક કારણ વૈશ્વિક બજાર તરફથી મોળો પ્રતિભાવ પણ છે. બોન્ડ્સને ‘ફૂલ્લી એક્સેસિબલ રૂટ’ મારફતે ઈસ્યુ કરવામાં આવશે. જે વિદેશીઓને અમર્યાદિત હોલ્ડિંગ્સની છૂટ આપશે. જોકે કેટલાંક વિદેશી ઈન્વેસ્ટર્સ કરન્સી રિસ્કને જોતાં દૂર રહેવાની શક્યતાં છે. ઈસ્યુમાંથી ઊભી થનારી રકમને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે સીએનજીના ઉપયોગ માટે પણ વપરાશમાં લઈ શકાશે. જે કેટલાંક ગ્રીન ઈન્વેસ્ટર્સને ઓછું અપીલીંગ લાગે તેવી શક્યતાં પણ એનાલિસ્ટ્સ વ્યક્ત કરે છે.

ડિસેમ્બરમાં પી-નોટ્સ ઈન્વેસ્ટમેન્ટ્સમાં સાધારણ ઘટાડો નોંધાયો
પાર્ટિસિપેટરી નોટ્સ(પી-નોટ્સ) મારફતે થતાં રોકાણમાં ડિસેમ્બર 2022માં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. નવેમ્બર 2022માં પી-નોટ્સ મારફતે રૂ. 99,315 કરોડનું રોકાણ નોંધાયું હતું. જે ડિસેમ્બરમાં રૂ. 96,292 કરોડ પર જોવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં ઊંચા વેલ્યૂએશન્સને જોતાં રોકાણ ઘટ્યું હોવાનું વર્તુળો માની રહ્યાં છે. જુલાઈ 2022થી પી-નોટ્સ મારફતે રોકાણમાં સતત વૃદ્ધિ જોવા મળી હતી. રજિસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી તેમના વિદેશી ઈન્વેસ્ટર્સને પાર્ટિસિપેટરી નોટ્સ ઈસ્યુ કરવામાં આવતી હોય છે. આવા ઈન્વેસ્ટર્સમાં ભારતીય શેરબજારમાં સીધું રજિસ્ટ્રેશન નહિ ઈચ્છતાં રોકાણકારોનો સમાવેશ થતો હોય છે. જોકે તેમણે ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે.

ભારતીય સ્ટાર્ટ-અપ્સમાં VC ઈન્વેસ્ટમેન્ટ્સમાં 38 ટકા ઘટાડો
કેલેન્ડર 2022માં ભારતીય સ્ટાર્ટ-અપ કંપનીઓમાં વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ્સમાં 38 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. 2021માં સ્ટાર્ટ-અપ્સમાં 33.8 અબજ ડોલરના 1715 ડીલ્સ સામે 2022માં 20.9 અબજ ડોલરના 1726 ડિલ્સ થયાં હતાં. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા અને માર્કેટ વોલેટિલિટીને કારણે ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી પર પ્રતિકૂળ અસર પડી હોવાનું માનવામાં આવે છે. ભારતમાં સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ યુએસ, યૂકે અને ચીન પછી ચોથા ક્રમે જોવા મળે છે. 2022માં ભારતે મૂલ્ય સંદર્ભમાં વૈશ્વિક વીસી ફંડિંગનો 5.1 ટકા હિસ્સો મેળવ્યો હતો. જ્યારે વોલ્યુમ સંદર્ભમાં ભારતનો હિસ્સો 6.3 ટકા જોવા મળ્યો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ

એક્સિસ બેંકઃ ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5853 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 5473 કરોડની અપેક્ષા સામે 9 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 10760 કરોડની અપેક્ષા સામે 7 ટકા વધુ રૂ. 11459 કરોડ પર રહી હતી. જોકે સારા પરિણામો પાછળ કાઉન્ટરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
કોન્કોરઃ પીએસયૂ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 426.4 કરોડનો એબિટા નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 373.8 કરોડ સામે 14.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1920 કરોડ સામે 4 ટકા વૃદ્ધિ સાથે ચાલુ વર્ષે રૂ. 1988.4 કરોડ પર જોવા મળી હતી.
જેકે બેંકઃ પીએસયૂ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 311.6 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 174 કરોડની સરખામણીમાં 79.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે રૂ. 993.3 કરોડ સામે 26 ટકા વધી રૂ. 1257.4 કરોડ પર રહી હતી.
જિંદાલ ડ્રીલીંગઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 138.2 કરોડની રેવન્યૂ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 115.8 કરોડ સામે 19.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા ગયા વર્ષે રૂ. 29 કરોડ સામે 55 ટકા વૃદ્ધિ સાથે ચાલુ વર્ષે રૂ. 44.9 કરોડ પર જોવા મળ્યો હતો.
ત્રિવેણી ટર્બાઈન્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 52.6 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 35.7 કરોડ સામે 47.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 225.2 કરોડ સામે 45 ટકા વૃદ્ધિ સાથે ચાલુ વર્ષે રૂ. 325.8 કરોડ પર જોવા મળી હતી.
ઝેનસાર ટેકઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 76.5 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 56.8 કરોડ સામે 35 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1234.6 કરોડ સામે 3 ટકા વૃદ્ધિ સાથે ચાલુ વર્ષે રૂ. 1197.6 કરોડ પર જોવા મળી હતી.
કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 128.6 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 101.2 કરોડ સામે 27.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1563.8 કરોડ સામે 14.1 ટકા વૃદ્ધિ સાથે ચાલુ વર્ષે રૂ. 1784.3 કરોડ પર જોવા મળી હતી.
શોપર્સ સ્ટોપઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 62.7 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 77.3 કરોડ સામે 19 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 958.1 કરોડ સામે 19 ટકા વૃદ્ધિ સાથે ચાલુ વર્ષે રૂ. 1137.1 કરોડ પર જોવા મળી હતી.
પૂનાવાલા ફાઈઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 182.1 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 96.4 કરોડની સરખામણીમાં 89 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે રૂ. 326.5 કરોડ સામે 42 ટકા વધી રૂ. 463.7 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage