શેરબજારોમાં અવિરત વેચવાલી પાછળ બાઉન્સનો અભાવ
નિફ્ટી ફરી 17 હજારની નીચે ઉતર્યો
એસટીટીમાં વૃદ્ધિ જેવા અહેવાલની પર પ્રતિકૂળ અસર
એશિયા-યૂરોપના બજારોમાં પણ નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ઉછળી 15.24ની સપાટીએ
મેટલ, પીએસયૂ બેંક્સ, એનર્જીમાં ભારે વેચવાલી
સાયન્ટ, સિમેન્સ નવી ટોચે
વોખાર્ટ, ઈઝ ટ્રીપ, વોડાફોન નવા તળિયે
અદાણી એન્ટરપ્રાઈઝમાં 3 ટકા ઘટાડો
શેરબજારોમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. જેની પાછળ માર્કેટ્સમાં બાઉન્સ ટકી રહ્યાં નથી. સપ્તાહની આખરમાં ભારતીય બજારોમાં બીજા દિવસે નરમાઈ જળવાય રહી હતી. સેન્સેક્સ 398 પોઈન્ટ્સ ગગડી 57,527ની સપાટીએ જ્યારે નિફ્ટી 132 પોઈન્ટ્સ ગગડી 16945ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ નરમ જળવાય હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 40 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 10 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3630 કાઉન્ટર્સમાંથી 2541 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 967 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 322 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 75 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.2 ટકા ઉછળી 15.24ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારે ફ્લેટ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 17077ના બંધ સામે 17076ની સપાટી પર ખૂલી ઉપરમાં 17109ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી સતત ગગડતો રહ્યો હતો અને 16917નું તળિયું બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 7 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 5 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનનું લિક્વિડેશન થયું હોય તેમ જણાય છે. જે સૂચવે છે નજીકના સમયગાળામાં કોઈ મોટા બાઉન્સની શક્યતાં ઓછી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ પણ નિફ્ટીમાં 16900ની નીચે 16600-16700નો ઝોન જોવા મળે તેવી શક્યતાં જોઈ રહ્યાં છે. બેન્ચમાર્કને 17200નો અવરોધ જોતાં તેના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન જાળવી શકાય છે.
સપ્તાહના આખરી સત્રમાં નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં સિપ્લા, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ફોસિસ, ડો. રેડ્ડીઝ લેબ્સ, અપોલો હોસ્પિટલ, ટેક મહિન્દ્રા અને ડિવિઝ લેબ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બજાજ ફિનસર્વ 4 ટકા સાથે તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત બજાજ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, તાતા સ્ટીલ, હિંદાલ્કો, અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, હીરો મોટોકોર્પ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઘટાડો નોઁધાયો હતો. તમામ સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જેમાં મેટલ, પીએસયૂ બેંક, એનર્જી અને પીએસઈ ટોચ પર હતાં. આઈટી શેર્સ શરૂમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. જોકે પાછળથી તેઓ પણ દબાણ અનુભવતાં જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઓરોબિંદો ફાર્મા 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, હિંદુસ્તાન એરોનોટિક્સ, સિપ્લા, ઈન્ડિયામાર્ટ, સીજી કન્ઝ્યૂમર, અતુલ, કોટક મહિન્દ્રા, એલએન્ડટી ટેક્નોલોજી, રામ્કો સિમેન્ટ્સ, ઓએફએસએસ, એસબીઆઈ કાર્ડ્સમાં સુધારો જોવા મળી રહ્યો હતો. બીજી બાજુ, એબી કેપિટલ 7 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત બંધન બેંક, એલઆઈસી હાઉસિંગ, જિંદાલ સ્ટીલ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, સેઈલ, બાયોકોન, આરબીએલ બેંક, તાતા પાવર, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આઈઈએક્સ, મણ્ણાપુરમ, બજાજ ફાઈનાન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સાયન્ટ, કેપીઆઈટી ટેક અને સિમેન્સ અગ્રણી હતાં. જ્યારે અનેક કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જેમાં વોખાર્ટ, ધાની સર્વિસિઝ, ઈઝી ટ્રીપ, એબીએસએલ એએમસી, તાન્લા પ્લેટફોર્મ્સ, અંબેર એન્ટરપ્રાઈઝિસ, વોડાફોન, બીએસઈ, એમ્ફેસિસ, ગ્રેફાઈટ ઈન્ડિયા, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, ક્લિન સાયન્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ વગેરેનો સમાવેશ થતો હતો.
વૈશ્વિક ગોલ્ડ ફરી 2000 ડોલરની સપાટી પાર કરી ગયું
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં તેજીનો ક્રમ જળવાયો છે. બે બાજુની ઊંચી વધ-ઘટ વચ્ચે શુક્રવારે સાંજે ગોલ્ડ ફરી 2000 ડોલરની સપાટી પાર કરી ગયું હતું અને આ લખાય છે ત્યારે 2004 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જેની પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે પણ ગોલ્ડના ભાવ રૂ. 180ની મજબૂતી સાતે રૂ. 59740 પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. આમ તે બે સત્ર અગાઉ જોવા મળેલા રૂ. 60400ની સર્વોચ્ચ સપાટીથી સહેજ છેટે ટ્રેડ થઈ રહ્યાં છે.
યુએસ ખાતે ટ્રેઝરી યિલ્ડમાં 5 ટકાથી વધુના ઘટાડે ગોલ્ડમાં તેજી જોવા મળી હતી. એનાલિસ્ટ્સના મતે ફેડ તરફથી બેંકિંગ સંકટ પાછળ રેટ વૃદ્ધિમાં વિરામની શક્યતાં ઊંચી છે અને તેથી રોકાણકારો ગોલ્ડ તરફ વળ્યાં છે. હાલમાં તેઓ કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. તે કારણે ઈક્વિટી માર્કેટ્સમાંથી પણ ફ્લો બહાર નીકળી રહ્યો છે. ગોલ્ડ સાથે સિલ્વરમાં પણ ભારે ખરીદી જોવા મળી છે અને કોમેક્સ ખાતે ચાંદી 23.4 ડોલર પર 2 ટકાથી વધુ મજબૂતી સાથે ટ્રેડ દર્શાવતી હતી. એમસીએક્સ ખાતે ચાંદી વાયદો રૂ. 950 ઉછળી રૂ. 71150ની સપાટી પાર કરી ગયો હતો. જે છેલ્લાં એક વર્ષની ટોચ છે. એનાલિસ્ટ્સ ચાંદીમાં રૂ. 75000નો ટાર્ગેટ જોઈ રહ્યાં છે. જે જુલાઈ 2020માં દર્શાવેલી ટોચનું સ્તર છે. જો આ સ્તર પાર થશે તો ચાંદી રૂ. 78000 અને રૂ. 80000 સુધીનો ઉછાળો દર્શાવી શકે છે એમ તેઓ ઉમેરે છે.
નાયકામાંથી પાંચ સિનિયર એક્ઝિક્યૂટીવ્સનું રાજીનામું
શેરબજારમાં દોઢેક વર્ષ અગાઉ ધમાકેદાર લિસ્ટીંગ દર્શાનવાર નાયકાના પાંચ સિનિયર અધિકારીઓએ તેમના રાજીનામા ધરી દીધાં છે. કંપની જ્યારે તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહી છે ત્યારે આમ બન્યું છે. શુક્રવારે આ અહેવાલ પાછળ નાયકાનો શેર અગાઉના બંધની સરખામણીમાં 0.33 ટકા ઘાટાડે રૂ. 137.65ની સપાટીએ બંધ રહ્યો હતો.
કંપનીના રાજીનામુ આપનાર અધિકારીઓમાં ચીફ કોમર્સિયલ ઓપરેશન્સ ઓફિસર મનોજ ગાંધી, ફેશન ડિવિઝનના ચીફ બિઝનેસ ઓફિસર ગોપાલ અસ્થાના અને હોલ સેલ બિઝનેસના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર વિકાસ ગુપ્તાનો સમાવેશ થતો હતો. નાયકાના ફેશન ડિવિઝન બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ શુચી પંડ્યા અને ફેશન યુનિટમાં ફાઈનાન્સ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ લલિત પ્રૃથીએ પણ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યા મુજબ આ કેટલાંક મીડ-લેવલ અધિકારીઓનું કંપનીને છોડવાનું કારણ સ્ટાન્ડર્ડ એન્યૂઅલ અપ્રાઈઝલ અને ટ્રાન્ઝિશન પ્રક્રિયાના ભાગરૂપ છે. જેમાં લોકો તેમના પર્ફોર્મન્સને કારણે અથવા તો વધુ સારી તકોની શોધમાં જોબ છોડતાં હોય છે. નાયકાને તાતા અને રિલાયન્સ જેવા મોટા હરિફો સાથે સીધી સ્પર્ધા કરવાની થઈ છે. દેશના 16 અબજ ડોલરના બ્યૂટી અને પર્સનલ કેર માર્કેટમાં બંને કંપનીઓ મોટો રસ ધરાવે છે. નાયકાની પેરન્ટ કંપની એફએસએન ઈ-કોમર્સનો શેર 2021માં શેરબજારમાં લિસ્ટીંગ વખતે 96 ટકા ઉછળ્યો હતો અને એક તબ્ તેનું માર્કેટ-કેપ રૂ. 1 લાખ કરોડથી વધુ જોવા મળ્યું હતું. જે હાલમાં રૂ. 39 હજાર કરોડ આસપાસ જોવા મળે છે. કંપનીનો શેર તેના ટોચના ભાવથી 68 જેટલું ધોવાણ દર્શાવી રહ્યો છે.
STTમાં વૃદ્ધિથી લઈ GST એપલેટની સ્થાપના સુધી નાણા બિલ 2023ની મુખ્ય બાબતો
શુક્રવારે લોકસભામાં પસાર કરવામાં આવેલા ફાઈનાન્સ બિલ 2023માં કુલ 64 સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં નેશનલ પેન્શન સ્કીમની સમીક્ષા માટે ફાઈનાન્સ સેક્રેટરીની આગેવાની હેઠળ કમિટીની સ્થાપના સહિત ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ(જીએસટી) એપલેટ ટ્રિબ્યુનલની સ્થાપનાનો સમાવેશ થાય છે. હવે આ ખરડો રાજ્યસભાની મંજૂરી માટે મોકલવામાં આવશે.
NPSની સમીક્ષા માટે કમિટિ
નાણા સચિવની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે. જે નેશનલ પેન્શન સિસ્ટમ(એનપીએસ)ની સમીક્ષા હાથ ધરશે. તે નાણાકિય શિસ્તની ખાતરી સાથે સરકારી કર્મચારીઓની જરૂરિયાતોને સંતોષવાનો પ્રયાસ કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામણે જાહેરાત વખતે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો, બંને તરફથી તેને સ્વીકારવામાં આવે તે રીતે તેને તૈયાર કરવામાં આવશે.
ડેટ MF પર લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સનો લાભ નહિ
જે મ્યુચ્યુલ ફંડ સ્કિમ 35 ટકા કે તેથી નીચી રકમ ઈક્વિટી શેર્સમાં રોકાણ ધરાવતી હશે તેના પર રોકાણકારના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગુ પડશે અને તેને શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ તરીકે ગણનામાં લેવામાં આવશે. તે બેંક એફડી માફક જ રહેશે. તે 1 એપ્રિલ પછી કરવામાં આવેલા રોકાણ પર લાગુ પડશે. 1 એપ્રિલથી ડેટ એમએફ ઈન્વેસ્ટમેન્ટ્સ પર ઈન્ડેક્સેશનનો લાભ પણ નહિ મળે.
એફએન્ડઓ ટ્રેડિંગ પર STTમાં 25 ટકા સુધી વૃદ્ધિ
સરકારે ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટ પર સિક્યૂરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ(એસટીટી)માં 25 ટકા સુધી વૃદ્ધિ કરી છે. જેમાં ઓપ્શન્સના વેચાણ પર 23.52 ટકા વૃદ્ધિ જ્યારે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સના વેચાણ પર 25 ટકા વૃદ્ધિ કરવામાં આવી છે.
ઓનલાઈન ગેમીંગ પર TDSને મોકૂફ રખાયો
ઓનલાઈન ગેમીંગ એપ્લિકેશન્સ પર અગાઉ 1 જુલાઈ 2023થી લાગુ પડનારા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ(ટીડીએસ) માટે તારીખને 1 એપ્રિલ સુધી મુલત્વી રાખવામાં આવી છે. હાલમાં ઓનલાઈન ગેમીંગ કંપનીઓએ તેમની ગ્રોસ રેવન્યૂ પર 18 ટકા જીએસટી ચૂકવવાનો રહે છે.
વિદેશમાં નિવાસ કરનારા પર રોયલ્ટી પર ટેક્સમાં વૃદ્ધિ
નોન-રેસિડેન્ટ કંપનીઓ તરફથી કરવામાં આવતી રોયલ્ટી અથવા ટેકનિકલ ફીની આવક પર ટેક્સને 10 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવ્યો છે. આના કારણે નોન-રેસિડેન્ટ્સને થનારા પેમેન્ટ્સ પર ઊંચો રેટ લાગુ પડશે. કોઈ ટેક્સ ટ્રિટી હશે તો જ રેટમાં ઘટાડાનો લાભ મળશે.
ગિફ્ટ સિટી સ્થિત ઓફશોર બેંકિંગ યુનિટ્સને ટેક્સ લાભ
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી(ગિફ્ટ સિટી) ખાતે સક્રિય ઓફશોર બેંકિંગ યુનિટ્સને તેમની આવક પર આગામી 10 વર્ષો માટે 100 ટકા ટેક્સ ડિડક્શનનો લાભ મળશે.
LRSમાં ફેરફાર
તમામ લિબરાઈઝ્ડ રેમિટન્સ સ્કિમ્સ(એલઆરએસ)ને તેઓ ભારતમાં હોય તો પણ ટેક્સ કલેક્શન એટ સોર્સ(ટીસીએસ) માટે અરજી કરવાની રહેશે. વધુમાં વિદેશી પ્રવાસ માટે તમામ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સને પણ એલઆરએસ હેઠળ ગણવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હવેથી આવા પેમેન્ટ્સ પર દેખરેખ રાખશે.
GST એપટેલ ટ્રિબ્યુનલ
દરેક રાજ્યોમાં જીએસટી એપલેટ ટ્રિબ્યુનલની શાખાઓ સ્થાપવામાં આવશે. જ્યારે દિલ્હી ખાતે પ્રિન્સિપલ બેચની સ્થાપના કરવામાં આવશે. જે ‘પ્લેસ ઓફ સપ્લાય’ સંબંધી અપીલની સુનાવણી કરશે. હાલમાં, ટેક્સદાતાએ તેમની અરજીઓને હાઈ કોર્ટ્સમાં ફાઈલ કરવાની રહે છે.
ડેટ મ્યુચ્યુલ ફંડ્સ પર હવેથી 20 ટકા ટેક્સ લાગુ પડશે
નવા સુધારા મુજબ ડેટ મ્યુચ્યુલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ્સ પર હવેથી શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ લાગુ પડશે
નાણા બિલમાં કરેલા સુધારા પાછળ એસેટ મેનેજમેન્ટ કંપનીઓના શેર્સ પર દબાણ
ડેટ મ્યુચ્યુલ ફંડ્સ પર બેંકની ફિક્સ ડિપોઝીટ્સ સામે મળી રહેલો ટેક્સ લાભ હવેથી દૂર થશે, કેમકે સરકારે કોઈપણ સમયગાળાના રોકાણ માટે ડેટ એમએફમાંથી થતાં લાભ પર રોકાણકારને સ્લેબ મુજબ ટેક્સ લાગુ પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
નાણાપ્રધાનના આ પગલાને કારણે એસેટ મેનેજમેન્ટ કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને તેઓ 5 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. શુક્રવારે સમગ્ર ટ્રેડિંગ સત્ર દરમિયાન તેમના પર દબાણ જળવાયું હતું. જેમાં એચડીએફસી એએમસીનો શેર લગભગ 4 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે યૂટીઆઈ એએમસી અને આદિત્ય બિરલા સન લાઈફ એએમસીનો શેર લગભગ 2 ટકા જેટલો ડાઉન હતો. નિપ્પોન એએમસીનો શેર એક ટકા ઘટાડે તેના વાર્ષિક તળિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નવા નાણા વર્ષથી ડેટ મ્યુચ્યુલ ફંડ્સમાં ત્રણ વર્ષથી વધુના ઈન્વેસ્ટમેન્ટ્સ પર લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ(એલટીસીજી) લાગુ પડે છે. આનો અર્થ એ થાય છે કે ઈન્ડેક્સેશન બેનિફિટ્સ સાથે તેમના પર મળતા લાભ પર 20 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે ત્રણ વર્ષોથી નીચા સમયગાળા માટેના રોકાણ પણ શોર્ટ-ટર્મ ગેઈન્સ ટેક્સ(એસટીસીજી) લાગુ પડે છે. જેમાં રોકાણકારે તેના સ્લેબ રેટ મુજબ ટેક્સ ચૂકવવાનો થાય છે. ફાઈનાન્સ બિલમાં પ્રસ્તાવિત સુધારાને લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. જેથી કોઈપણ સમયગાળા માટે ડેટ એમએફમાં રોકાણ પર એસટીસીજી લાગુ પડશે. આનો અર્થ એવો થાય છે કે ઈન્વેસ્ટર્સના સ્લેબ રેટ મુજબ તેના પર ટેક્સ વસૂલાશે અને તેને ઈન્ડેક્સેશન બેનિફિટ્સનો લાભ નહિ મળે. જે બેંક એફડીની માળખા મુજબનું છે. એક સુધારામાં ગોલ્ડ ઈટીએફ્સ પર લોંગ ટર્મ ટેક્સ ગેઈન ટેક્સને દૂર કરવાનો પ્રસ્તાવ પણ છે. તેમજ ઈન્ટરનેશનલ ફંડ્સ પરથી એલટીસીજીને દૂર કરવાનો પ્રસ્તાવ છે. જે હાલમાં ડેટ સ્કિમ્સ મુજબ જ ટેક્સ સ્ટ્રક્ચર ધરાવે છે. બેંક એફડી અને ડેટ ફંડ્સના રિટર્ન લગભગ સમાન હોય છે તેથી જ ડેટ એમએફને મળતો ટેક્સ એડવાન્ટેજ ઊંચા ટેક્સ સ્લેબમાં આવતાં રોકાણકાર માટે આકર્ષણનું કારણ બનતો હોય છે. સરકારના પગલાએ એમએફ ઉદ્યોગની ચિંતામાં વધારો કર્યો છે. હાલમાં દેશમાં ડેટ સ્કિમ્સ કુલ રૂ. 13 લાખ કરોડનું એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવે છે. જે એમએફ ઉદ્યોગના કુલ એયૂએમનું 32 ટકા જેટલું થવા જાય છે.
અદાણી ઘટના પછી LICની એક્સપોઝર મર્યાદા માટેની વિચારણા
લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એલઆઈસી) કોર્પોરેટ કંપનીઓમાં તેના ડેટ અને ઈક્વિટી એક્સપોઝર પર મર્યાદા લાગુ પાડવા માટે વિચારી રહી હોવાનું જાણકારોનું કહેવું છે. અદાણી જૂથ કંપનીઓમાં વીજા જાયન્ટના રોકાણને લઈને ભારે ટીકા-ટીપ્પણીને જોતાં કોઈ એક કંપનીમાં કોન્સન્ટ્રેશનને ઘટાડવાના હેતુથી તે આમ વિચારી રહી છે.
યુએસ સ્થિત શોર્ટસેલર હિંડેનબર્ગના અહેવાલ પછી અદાણી જૂથના વેલ્યૂએશનમાં 140 અબજ ડોલરથી વધુ ઘટાડો નોંધાયો હતો. જૂથ કંપનીઓમાં 4 અબજ ડોલરથી વધુના એક્સપોઝરને કારણે જાહેર વીમા સાહસ એલઆઈસીની પણ ભારે ટીકા કરવામાં આવી હતી. એલઆઈસી દેશમાં સૌથી મોટો સંસ્થાકિય રોકાણકાર છે. જે કુલ 539 અબજ ડોલરનું એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવે છે. કંપની વ્યક્તિગત કંપનીઓમાં તેના ડેટ અને ઈક્વિટી એક્સપોઝર પર મર્યાદા બાંધવાનું વિચારે છે એમ વર્તુળોનું કહેવું છે. ખાસ કરીને એક જ પ્રમોટર ધરાવતી કંપનીઓમાં તે ખાસ ધ્યાન રાખવા માગે છે. વર્તુળોના મતે એલઆઈસી ‘બાઉન્ડ્રી કન્ડિશન્સ’ માટે વિચારી રહી છે. જે કોઈપણ સ્ક્રિપ્સમાં તેના એક્સપોઝરને નિયંત્રણમાં રાખશે. નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે કે જ્યાં સુધી એલઆઈસીનું બોર્ડ આ યોજનાને મંજૂરી આપે નહિ ત્યાં સુધી તેને જાહેર કરી શકાય નહિ. આ અંગે એલઆઈસી તથા કેન્દ્રિય નાણા મંત્રાલય તરફથી તત્કાળ કોઈ પ્રતિભાવ પ્રાપ્ય બન્યો નહોતો. એકવાર એલઆઈસીનું બોર્ડ યોજનાને મંજૂરી આપશે એટલે વીમા કંપની કોઈપણ કંપનીમાં આઉટસ્ટેન્ડિંગ ઈક્વિટીના 10 ટકાથી વધુ રોકામ નહિ કરી શકે. જ્યારે ડેટમાં પણ તે આઉટસ્ટેન્ડિંગ ડેટના 10 ટકાથી વધુ રોકાણ નહિ કરી શકે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈએ પણ વીમા કંપનીઓને એક કોર્પોરેટની અથવા સમાન પ્રમોટર જૂથની કંપનીઓની ઈક્વિટી અને ડેટમાં તેમના ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સના 15 ટકાથી વધુ રોકાણ નહિ કરવા માટે જણાવ્યું છે. આમ કરવાનો હેતુ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસને મજબૂત બનાવવાનો છે. જોકે એક્સપોઝર પર કેટલી મર્યાદા લાગુ પાડવી તે અંગેનો નિર્ણય વીમા કંપનીની ઈન્વેસ્ટમેન્ટ કમિટી લેશે. ત્યારપછી તેને બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. એલઆઈસીએ અદાણી જૂથ કંપનીઓમાં લગભગ રૂ. 30 હજાર કરોડ આસપાસનું રોકાણ કર્યું હતું. જે એક તબક્કે નેગેટિવ જોવા મળ્યું હતું. કંપની અદાણી જૂથના ડેટમાં રૂ. 6182 કરોડનું એક્સપોઝર ધરાવે છે.
એપલ સપ્લાયર પેગાટ્રોનની ભારતમાં બીજી ફેક્ટરી સ્થાપવાની વિચારણા
કંપની પ્રથમ ફેક્ટરીની શરૂઆતના છ મહિનામાં ચેન્નાઈ નજીક બીજી ફેકટરી સ્થાપે તેવી શક્યતાં
ટેક જાયન્ટ એપલ ઈન્કનો તાઈવાનીઝ સપ્લાયર પેગાટ્રોન કોર્પ ભારતમાં બીજી ફેક્ટરી સ્થાપવા માટેની ચર્ચા-વિચારણા ચલાવી રહ્યો હોવાનું બે જાણકાર વર્તુળોનું કહેવું છે. એપલના ભાગીદારો ચીનની બહાર પ્રોડક્શન ડાયવર્સિફિકેશનના ભાગરૂપે તે આમ કરી રહ્યાં છે.
પેગાટ્રોને માત્ર છ મહિના અગાઉ જ 15 કરોડ ડોલરના ખર્ચે તેની પ્રથમ ફેક્ટરીનું ઉદઘાટન કર્યું હતું. હવે તે તમિલનાડુમાં ચેન્નાઈ નજીક બીજી ફેક્ટરી ઉમેરવા વિચારી રહ્યો છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. નવી ફેક્ટરી લેટેસ્ટ આઈફોન્સનું ઉત્પાદન કરશે. પેગાટ્રોને આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. એપલે પણ કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. એપલ ઈન્ક માટે ભારત વૃદ્ધિ માટેનું નવુ બજાર ગણાય છે. એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 સુધીના 11 મહિનામાં દેશમાંથી 9 અબજ ડોલરના મૂલ્યના સ્માર્ટફોન્સની નિકાસ થઈ હતી. જેમાં 50 ટકાથી વધુ હિસ્સો આઈફોન્સનો હતો એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનનું કહેવું હતું. ભારતમાં આઈફોનના ઉત્પાદનમાં હાલમાં વાર્ષિક ધોરણે પેગાટ્રોનનો હિસ્સો 10 ટકા જેટલો છે. એપલ અને તેના મુખ્ય સપ્લાયર્સ ચીન ખાતેથી પ્રોડક્શનને અન્યત્ર ખસેડી રહ્યાં છે. કેમકે તેઓ યુએસ-ચીન ટ્રેડ લડાઈને કારણે ભવિષ્યમાં બિઝનેસને કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવા તૈયાર નથી. તાજેતરમાં પેગાટ્રોને દક્ષિણપૂર્વ એશિયા અને ઉત્તર અમેરિકામાં તેની હાજરી વિસ્તારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વર્તુળોના મતે પેગાટ્રોનની બીજી ફેક્ટરી માટે ચેન્નાઈમાં મહિન્દ્રા વર્લ્ડ સિટી અંદર લીઝ પર ફેસિલિટી માટેની મંત્રણા ચાલુ છે. આ સુવિધા પણ સપ્ટેમ્બર 2022માં કંપનીએ શરૂ કરેલા પ્રથમ પ્લાન્ટ નજીક આવેલી હશે. પેગાટ્રોન બીજી ફેક્ટરીમાં કેટલું ઈન્વેસ્ટમેન્ટ કરશે તે અંગે જોકે કોઈ ચોક્કસ આંકડો પ્રાપ્ય બન્યો નથી. વર્તુળોના મતે નવી સુવિધા પ્રથમ સુવિધા કરતાં કદમાં ઘણી નાની હશે. ભારત આઈફોન્સ માટેનું બીજું સૌથી મોટું બજાર છે.
ડોલર સામે રૂપિયો 24 પૈસા ગગડ્યો
યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો શુક્રવારે 24 પૈસા ગગડી 82.44ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી અને સ્થાનિક શેરબજારમાં વેચવાલી પાછળ રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સ્થાનિક ચલણ 12 પૈસા નરમાઈ સાથે 82.32 પર ખૂલી વધુ ગગડ્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે તે 81.49ના તળિયા પર જોવા મળ્યો હતો. જ્યારે ઉપરમાં તેણે 82.20ની સપાટી નોંધાવી હતી. જોકે, બે બાજુની વધ-ઘટ વચ્ચે તે નરમાઈ સાથે બંધ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 102ની નીચે ઉતરી ગયા બાદ પરત ફર્યો હતો અને 102.70ની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો.
બ્રેન્ડ ક્રૂડ 4 ટકા તૂટ્યું
વૈશ્વિક સ્તરે બેંકિંગ કટોકટી પાછળ ક્રૂડના ભાવમાં નરમાઈ જળવાય છે. શુક્રવારે બ્રેન્ડ ક્રૂડ વાયદો 4 ટકા ઘટાડે 73 ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના ગભરાટ પાછળ ક્રૂડમાં વેચવાલી નીકળી છે અને કોમોડિટી દોઢ વર્ષના તળિયા પર ટ્રેડ થઈ રહી છે. ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ 4 ટકા ઘટાડા સાથે 67.4 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ દર્શાવતું હતું. લંડન ગેસ ઓઈલ એક ટકા ઘટાડો દર્શાવતું હતું. જ્યારે નેચરલ ગેસ 1.5 ટકા મજબૂતી સાથે 2.187 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. એગ્રી કોમોડિટીઝમાં જોકે ઘઉં 3 ટકા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં.
કોર્પોરેટ હેડલાઈન્સ
કેપીટીએલઃ કેપિટલ ગુડ્ઝ કંપની કલ્પતરુ પાવર ટ્રાન્સમિશને અને તેની આંતરરાષ્ટ્રીય સબસિડિયરીએ રૂ. 2477 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. જેમાં રૂ. 1181 કરોડ ભારતમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ માટેનો ઓર્ડર છે. જ્યારે રૂ. 1296 કરોડ વોટર બિઝનેસમાં ઈપીસી છે. વાર્ષિક ધોરણે કંપનીની ઓર્ડરબુક રૂ. 25,149 કરોડ પર પહોંચી છે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ કંપનીએ ફ્રેન્ચ કંપની મેક્ફી સાથે જોડાણ કર્યું છે. તેણે ઈલેક્ટ્રોલાઈઝર મેન્યૂફેક્ચરિંગ માટે ટેક્નોલોજી મેળવવા માટે આ જોડાણ કર્યું છે. જેનો ઉપયોગ હાઈડ્રોજન ઈકોસિસ્ટમ માટે થાય છે. કંપની ઈલેક્ટ્રોલાઈઝર મેન્યૂફેક્ચરિંગ સાથે તેની હાઈડ્રોજન ઈનિંગ્સની શરૂઆત કરશે.
એલઆઈસીઃ ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઈન્સ્ટીટ્યુશન્સ બ્યૂરોએ સરકારી જીવન વીમા કંપની એલઆઈસીના નવા ચેરમેન તરીકે સિધ્ધાર્થ મોહંતીની પસંદગી કરી છે. પીએસયૂ બેંક્સ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સના ટોચના પદાધિકારી નક્ક કરતી સંસ્થાએ ગુરુવારે આ નિર્ણય લીધો હતો.
એચએએલઃ પીએસયૂ કંપની માટે ફોલોઓન ઓફર બે ગણી છલકાઈ ગઈ હતી. જેને જોતાં સરકારે ગ્રીનશૂ ઓપ્શનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. સરકાર તરફથી 1.17 કરોડ શેર્સની ઓફર સામે 2.38 કરોડ શેર્સ માટે બીડીંગ મળ્યું હતું. એચએએલનો શેર શુક્રવારે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. હિસ્સા વેચાણથી સરકાર રૂ. 2900 કરોડ સુધીની રકમ મેળવશે.
ઝાયડસ લાઈફઃ ટોચની ફાર્મા કંપનીએ યુએસ એફડીએ તરફથી ડોક્સેપિન હાઈડ્રોક્લોરાઈડ કેપ્સ્યૂલ્સ યૂએસપી માટે ફાઈનલ મંજૂરી મેળવી લીધી છે.
ઈમામીઃ એફએમસીજી કંપનીના બોર્ડે રૂ. 450 પ્રતિ શેરના ભાવે શેર બાયબેકની મંજૂરી આપી છે. કંપની આ બાયબેક ઓપન માર્કેટ રૂટ મારફતે હાથ ધરશે. જેને કારણે કંપનીના શેરના ભાવ પર શુક્રવારે કોઈ ખાસ અસર જોવા મળી નહોતી.
જેકે ટાયરઃ કંપનીએ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશનને 24000 કમ્પલ્સરી કન્વર્ટિબલ ડિબેન્ચર્સનું એલોકેશન કર્યું છે.
કેઈસી ઈન્ટરનેશનલઃ એન્જિનીયરીંગ કંપનીએ રૂ. 1560 કરોડના મૂલ્યનો નવો ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર ભારતમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઈન્સ્ટોલેશન માટેનો છે.
આયોન એક્સચેન્જઃ કંપનીનું બોર્ડ આયોન એક્સચેન્જ પ્રોજેક્ટ્સ એન્ડ એન્જીનીયરીંગના પોતાની સાથે મર્જરના પ્રસ્તાવ પર વિચારણા માટે બેઠક યોજશે.