નીચા મથાળે ખરીદી પાછળ શેરબજારમાં સપ્તાહની પોઝીટીવ શરૂઆત
એપ્રિલ સિરિઝ એક્સપાયરી વીકને કારણે ઊંચી વધ-ઘટ સંભવ
સેન્સેક્સે 60 હજારની સપાટી ફરી હાંસલ કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 11.66ના સ્તરે પોઝીટીવ જોવાયો
બેંકિંગ, આઈટી, એફએમસીજી, મેટલમાં મજબૂતી
ફાર્મા અને ઓટોમાં નરમાઈ
રેઈલ વિકાસ, એજિસ લોજિસ્ટીક્સ, એનસીસીન નવી ટોચે
પીવીઆર, નાયકામાં નવું તળિયું
સોમવારે નવા સપ્તાહની શરૂઆત શેરબજારમાં પોઝીટીવ નોંધ સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારમાં શરૂઆતી બે કલાકમાં સ્થિરતા પછી એકધારી લેવાલી જોવા મળી હતી અને બેન્ચમાર્ક્સ જોતજોતામાં દિવસની ટોચ પર પહોંચી તેની નજીક બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 401 પોઈન્ટ્સ મજબૂતી સાથે 60056ની સપાટીએ જ્યારે નિફ્ટી 119 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17743ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટી-50ના 50 કાઉન્ટર્સમાંથી 35 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સ નરમ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3755 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1860 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 1742 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 109 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક અથવા સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું. જ્યારે 49 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.26 ટકાના સાધારણ સુધારે 11.66ના સ્તરે પોઝીટીવ જોવા મળ્યો હતો.
ગયા સપ્તાહાંતે યુએસ બજાર સાધારણ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જોકે, એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળતો હતો. જેમાં ચીન અને હોંગ કોંગના બજારો નરમાઈ દર્શાવતાં હતાં. તેન વચ્ચે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીની શરૂઆત ગેપ-અપ સાથે પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક અગાઉના 17624ના બંધ સામે 17708ની સપાટી પર ખૂલી શરૂઆતી તબક્કામાં સાંકડી રેંજમાં અથડાયેલો રહ્યો હતો. લગભગ 12 વાગ્યા આસપાસ તેણે 17613ની ઈન્ટ્રા-ડે લો સપાટી દર્શાવી હતી. જોકે, ત્યારબાદ બેંકિંગ કાઉન્ટર્સમાં ભારે ખરીદી નીકળી હતી અને જોતજોતામાં નિફ્ટી 17755ની ટોચ પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 26 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17769ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 27 પોઈન્ટ્સના પ્રિમીયમ સમાન જ છે. આમ, માર્કેટમાં કોઈ ખાસ લોંગ પોઝીશન ઉમેરો નથી જોવા મળ્યો. જે બજારમાં રેંજ બાઉન્ડ ટ્રેન્ડનો સંકેત છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે લોંગ ટ્રેડર્સ 17600ના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવી શકે છે. જ્યારે શોર્ટ ટ્રેડર્સ 17000ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે. બજારમાં વેલ્યૂએશન્સને લઈને ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ સહમત નથી અને તેઓ સાવચેતી દાખવવાની સલાહ આપે છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના કાઉન્ટર્સમાં એચડીએફસી લાઈફ મુખ્ય હતો. આ ઉપરાંત તાતા કન્ઝ્યૂમર, વિપ્રો, ટાઈટન કંપની, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ, ગ્રાસિમ, અદાણી પોર્ટ્સ અને જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સિપ્લા, ઈન્ડસઈન્ડ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ, મારુતિ સુઝુકી, સન ફાર્મા, યૂપીએલ, ભારતી એરટેલ, આઈશર મોટર્સમાં ઘટાડો જોવા મળતો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો બેંકિંગ, આઈટી, એફએમસીજી, મેટલમાં મજબૂતી જોવા મળી હતી. બેંક નિફ્ટી 1.25 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 3.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, એક્સિસ બેંક, પીએનબી, ફેડરલ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રામાં સુધારો જોવા મળતો હતો. જોકે, ઈન્ડસઈન્ડ બેંકમાં પરિણામો પાછળ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આઈટી ઈન્ડેક્સ 0.7 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં વિપ્રો 2.7 ટકા સાથે સૌથી વધુ સુધર્યો હતો. આ ઉપરાંત, કોફોર્જ, એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટીસીએસ, એમ્ફેસિસમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એકમાત્ર ઈન્ફોસિસ સાધારણ નેગેટિવ બંધ દર્શાવતો હતો. નિફ્ટી પીએસયૂ બેંક 2.6 ટકા ઉછળ્યો હતો. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર સારા પરિણામો પાછળ 8 ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત પંજાબ એન્ડ સિંધ બેંક, યૂકો બેંક, ઈન્ડિયન બેંક, આઈઓબી, જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંકમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. એફએમસીજીમાં આઈટીસીએ રૂ. 510ની સર્વોચ્ચ ટોચ બનાવી હતી અને દિવસ દરમિયાન સાંકડી રેંજમાં અથડાયેલો રહ્યો હતો. જોકે, ફાર્મા અને ઓટોમાં નરમાઈ નોંધાઈ હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.7 ટકા સાથે નોંધપાત્ર નરમાઈ સૂચવતો હતો. જેમાં બાયોકોન, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા અને ઝાયડસ લાઈફ ઘટવામાં ટોચ પર હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર પરિણામની પ્રતિક્રિયારૂપે 0.4 ટકા સુધારા સાથે રૂ. 2358 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તે રૂ. 2380ની ટોચ પર ખૂલ્યો હતો. જોકે, ત્યાં ટકી શક્યો નહોતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં એચડીએફસી લાઈફ, તાતા કન્ઝ્યૂમર્સ, પર્સિસ્ટન્ટ, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસ, એલએન્ડટી ફાઈનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બિરલા સોફ્ટ, સિટી યુનિયન બેંક, વિપ્રોમાં નોંધાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ઈપ્કા લેબ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, લૌરસ લેબ્સ, વોડાફોન આઈડિયા, મૂથુત ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળી હતી. સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં રેઈલ વિકાસ, એજિસ લોજિસ્ટીક્સ, એનસીસીનો સમાવેશ થતો હતો. જ્યારે પીવીઆર, નાયકામાં નવું તળિયું જોવા મળ્યું હતું.
ક્રેડિટ સ્વિસે એસેટ્સમાં 68 અબજ ડોલરનું નુકસાન નોંધાવ્યું
સ્વિસ બેંક ક્રેડિટ સ્વીસે સોમવારે તેના માર્ચ ક્વાર્ટર પરિણામની જાહેરાત કરી હતી. જે મુજબ બેંકે પ્રથમ ક્વાર્ટરમાં 68 અબજ ડોલરનો નેટ એસેટ આઉટ્લો નોંધાવ્યો હતો. તેણે એમ પણ નોંધ્યું હતું કે આઉટફ્લો હજુ પણ ચાલુ છે. બેંકની હરિફ યૂબીએસ જ્યારે તેને ટેકઓવર કરવા જઈ રહી છે ત્યારે પરિણામ નેગેટિવ જોવા મળી રહ્યું છે. ઝૂરિક સ્થિત બેંકે પ્રથમ ક્વાર્ટરના પરિણામમાં જણાવ્યું હતું કે તેણે કેશ ડિપોઝીટ્સમાં નોંધપાત્ર ઉપાડ અનુભવ્યો હતો. તેમજ પાકી રહેલી ડિપોઝીટ્સમાં રિન્યૂઅલ પણ નહોતું જોયું. આમ બેંકની ડિપોઝીટ્સમાં 67 અબજ સ્વીસ ફ્રાન્ક્સનું ગાબડું પડ્યું હતું. યૂબીએસ ટૂંક સમયમાં જ ક્રેડિટ સ્વીસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરશે.
બેંક્સની NPA 5.9 ટકાના છ-વર્ષના તળિયે
દેશમાં બેંકિંગ કંપનીઓની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 5.9 ટકાના છ-વર્ષના તળિયા પર પહોંચી હોવાનું કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ કોર્પોરેટ સેક્ટર તેમની બેલેન્સ શીટમાં ડિલેવરેજિંગ ચાલુ રાખી રહ્યું છે. પ્રાઈવેટ નોન-ફાઈનાન્સિયલ સેક્ટરેનું કોર ડેટ જૂન 2022માં ઘટીને 87.8 ટકા પર જોવા મળ્યું હતું. જે માર્ચ 2016ની આખરમાં 97.4 ટકા પર હતું. રેટિંગ એજન્સી ઈકરાના મતે મોટાભાગની બેંકિંગ કંપનીઓ રિસ્ટ્રક્ચર્ડ બુકમાંથી આવી રહેલા વધારાના સ્ટ્રેસ સાથે કામ પાર પાડવા માટે સારી સ્થિતિમાં જોવા મળે છે. એજન્સીના મતે આગામી સમયગાળામાં પણ ગ્રોસ એનપીએ અને નેટ એનપીએમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ જ રહેશે.
MF એસેટ્સમાં કોર્પોરેટ્સનો હિસ્સો 15 વર્ષોના તળિયે પહોંચ્યો
2009-10 પછી પ્રથમવાર મ્યુચ્યુલ ફંડ એસેટ્સમાં કંપનીઓનો હિસ્સો 40 ટકા નીચે ઉતરી ગયો
15-વર્ષ પહેલાં કોર્પોરેટ્સ એમએફ એસેટ્સમાં 51 ટકાનો ઊંચો હિસ્સો ધરાવતાં હતાં
દેશમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગના કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ)માં કોર્પોરેટ્સનો હિસ્સો 15-વર્ષના તળિયે પહોંચ્યો છે. નાણા વર્ષ 2009-10માં એમએફ એયૂએમમાં તેમનો હિસ્સો 51 ટકાની ટોચ પર જોવા મળતો હતો. જે 2022-23માં ઘટી 40 ટકા નીચે ઉતરી ગયો હતો.
સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા મુજબ ડિસેમ્બર 2022ની આખરમાં એમએફ એસેટ્સમાં કોર્પોરેટ્સનો હિસ્સો 39.7 ટકા પર જોવા મળતો હતો. જે માર્ચ 2022માં 41.2 ટકા પર નોંધાયો હતો. ગયા વર્ષે કોર્પોરેટ એયૂએમમાં ઘટાડા પાછળ બે મુખ્ય કારણ રહેલાં છે. બજારમાં વધારાની લિક્વિડીટી સુકાઈ જવાથી તેમજ ઈન્ટરેસ્ટ રેટ્સમાં સતત વૃદ્ધિને કારણે કોર્પોરેટ્સ તરફથી તેમની મ્યુચ્યુલ ફંડ એસેટ્સને લિક્વિડેટ કરવામાં આવી હતી. બીજી બાજુ રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી સતત ઈનફ્લો વધવાને કારણે તેમનું એસેટ અન્ડર મેનેજમેન્ટ વધતું રહ્યું હતું. હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ તરફથી પણ રોકાણમાં સતત વૃદ્ધિ જોવા મળી હતી. ડેટા સૂચવે છે કે કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટમાં એચએનઆઈનો હિસ્સો માર્ચ 2022માં 32.7 ટકા પરથી વધી ડિસેમ્બર 2022માં 33.7 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે રિટેલ ઈન્વેસ્ટરનો હિસ્સો પણ સમાનગાળામાં 24.6 ટકા પરથી વધી 25.4 ટકા પર નોંધાયો હતો. કોર્પોરેટ્સ તરફથી મોટો ઈનફ્લો મેળવતાં ડેટ એમએફમાં સતત આઉટફ્લો જળવાયો હતો. જેના પરિણામે, ડેટ એમએફ એયૂએમમાં 2022-23માં 9 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 11.8 લાખ કરોડ પર જળવાયું હતું. કોર્પોરેટ્સ 2010ના દાયકામાં દેશના એમએફ ઉદ્યોગમાં બહુમતી રોકાણ ધરાવતાં હતાં. જોકે, પાછળથી રિટેલ તરફથી ઈનફ્લો વધવાને કારણે તેમનો હિસ્સો સતત ઘટતો રહ્યો હતો.
MF એસેટ્સમાં રિટેલ હિસ્સો
વર્ષ કોર્પોરેટ્સ એચએનઆઈ તથા રિટેલ હિસ્સો
2009-10 51.0 45.2
2012-13 46.2 50.6
2018-19 40.1 58.1
2021-22 41.2 57.3
2022-23* 39.7 59.1
(* ડિસેમ્બર ક્વાર્ટર સુધી)
કોટનના પાકને લઈને જોવા મળી રહેલાં મોટા વિરોધાભાસ
સરકાર રચિત CCPCના અંદાજ મુજબ ચાલુ સિઝનમાં 3.37 કરોડ ગાંસડી કોટન ઉત્પાદન
જ્યારે કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના મતે ઉત્પાદન 3.03 કરોડ ગાંસડ પર 14-વર્ષોના તળિયે
દેશમાં વર્તમાન સિઝન 2022-23માં કોટનના ઉત્પાદનના અંદાજને લઈને મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગના તમામ ભાગીદારોના સમાવેશ થકી રચેલી કોટન પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પ્શન(સીસીપીસી) કમિટીના મતે દેશમાં ચાલુ સિઝનમાં કોટનનું ઉત્પાદન 337.23 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. એક ગાંસડીમાં 170 કિગ્રા રૂનો સમાવેશ થતો હોય છે.
યુનિયન ટેક્સટાઈલ્સ કમિશ્નરની આગેવાની હેઠળની સીસીપીસીએ ગયા ગુરુવારે 3.37 કરોડ ગાંસડીનો અંદાજ રજૂ કર્યો હતો. જે ગયા નવેમ્બર 2022માં મેળલી બેઠકમાં અંદાજવામાં આવેલા 3.42 કરોડ ગાંસડની સરખામણીમાં નીચો હતો. અંદાજમાં ઘટાડા પાછળનું કારણ અન્ય સંસ્થાઓ તરફથી તેમના અગાઉના અંદાજમાં કરવામાં આવેલો ઘટાડો કારણભૂત હોય શકે છે. કોટન એઓસિએશન ઓફ ઈન્ડિયા(સીએઆઈ)એ ચાલુ સિઝનમાં દેશમાં 3.03 કરોડ ગાંસડી કોટન પાકનો તાજો અંદાજ મૂક્યો છે. તેના મતે દેશમાં વર્તમાન સિઝનમાં કોટનનું ઉત્પાદન 14-વર્ષના તળિયા પર જોવા મળશે. એક બહુરાષ્ટ્રીય કંપનીના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ વિવિધ સંસ્થાઓ તરફથી ભિન્ન ઉત્પાદન અંદાજો રજૂ કરવામાં આવી રહ્યાં છે. જોકે, સીસીપીસીનો અંદાજ વાસ્તવિક્તાની નજીકનો જણાય છે. કોટનના પાકને લઈને ઘણી બધી મૂંઝવણ જોવા મળી રહી છે. એક કોટન ટ્રેડરના મતે જો ગઈ સિઝનમાં વાવેતર અને યિલ્ડને ગણતરીમાં લઈએ તો સંસ્થાઓ તરફથી રજૂ કરવામાં આવે રહેલા અંદાજો બંધબેસતાં નથી.
સામાન્યરીતે પરંપરાગત રીતે કોટન પાકનો અંદાજ ગંજ બજારોમાં ઠલવાતી કોટનની આવકોને આધારે મૂકવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે ખેડૂતોએ નોંધપાત્ર પ્રમાણમાં કપાસ તેમની પાસે પકડી રાખ્યો છે. અગાઉ તેમણે આ કક્ષાએ પાક પકડી રાખ્યાંનું જોવામાં આવ્યું નથી. આ માટેનું કારણ ગઈ સિઝનમાં તેમણે જોયેલાં વિક્રમી ભાવ એક મુખ્ય કારણ હતાં. ગઈ સિઝનના આખરી બે મહિનામાં ખેડૂતોને કપાસના એક મણના રૂ. 3000 સુધી ઉપજ્યાં હતાં. જ્યારે ચાલુ સિઝનમાં તેમણે મોટાભાગે રૂ. 1500-1800ની રેંજમાં ભાવ મળ્યાં છે. જે પણ સરકાર નિર્ધારિત એમએસપી કરતાં તો ઊંચા જ છે. જોકે, ઓફ સિઝનમેં ઊંચા ભાવની આશામાં ખેડૂતો માલનો સંગ્રહ કરતાં હોય છે. જે આ વખતે પણ બન્યું છે. સામાન્યરીતે. માર્ચ મહિના પછી કોટનની આવકમાં ઘટાડો જોવા મળતો હોય છે. જોકે, ચાલુ વર્ષે ઊલટું જોવા મળી રહ્યું છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયની પાંખ એગમાર્કનેટના ડેટા મુજબ 1 માર્ચથી 21 એપ્રિલ સુધીમાં દેશમાં કોટનની આવક 33.72 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 22.45 લાખ ટન પર હતી. આમ, ઊંચા ભાવની અપેક્ષામાં માલ પકડીને બેઠેલાં ખેડૂતો ધીમે-ઘીમે તેમનો માલ બજારમાં ઠાલવવા લાગ્યાં હોવાનો પુરાવો મળી રહ્યો છે. જે સૂચવે છે કે અગાઉની આવકોને આધારે ઉત્પાદનનો અંદાજ નીચો આંકનારાઓએ પાછળથી અંદાજમાં વૃદ્ધિ કરવાની બની શકે છે.
APSEZ 13 કરોડ ડોલર સુધી બોન્ડ બાયબેક કરશે
કંપનીની પછીના ચાર ક્વાર્ટર્સમાં પણ સમાન રકમના બાયબેક માટે વિચારણા
અદાણી જૂથની મહત્વની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝે બોન્ડ બાયબેક શરૂ કરતાં જૂથના બોન્ડ પ્રાઈસિસમાં સુધારો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ તેના જુલાઈ 2024 બોન્ડ્સનું 13 કરોડ ડોલર સુધીનું બાયબેક કરવાનું વિચારી રહી છે. તેમજ પછીના ચાર ક્વાર્ટર્સમાં પણ તે સમાન રકમની ખરીદી માટે વિચારી રહી છે એમ સ્ટોક એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવાયું છે. કંપની તેની લિક્વિડીટીની સ્થિતિ મજબૂત છે તેવું દર્શાવવાનો પ્રયાસ કરી છે. બ્લૂમબર્ગ તરફથી ટ્રેક કરવામાં આવતી અદાણી ગ્રૂપ કંપનીના 15 ડોલર-ડિનોમિનેટેડ નોટ્સમાંથી 10માં હોંગ કોંગ બજારમાં સોમવારે સુધારો જોવા મળ્યો હતો. જેમાં અદાણી પોર્ટ્સના જુલાઈ 2024ના 3.375 ટકા સિનિયર ડેટમાં 0.69 ટકાનો સૌથી ઊંચો સુધારો નોંધાયો હતો. જે મહિનામાં સૌથી મજબૂત સુધારો હતો. બોન્ડ બાયબેક જૂથ તરફથી રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવા માટે એક વધુ પ્રયાસ તરીકે જોવામાં આવે છે. જાન્યુઆરી આખરમાં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ પછી અદાણી જૂથ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને માર્કેટ-કેપમાં પખવાડિયામાં 150 અબજ ડોલર જેટલું ધોવાણ જોવા મળ્યું હતું. બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સના જણાવ્યા મુજબ અદાણી પોર્ટ્સની ડેટ રિપેમેન્ટ માટેની સુઆયોજિત ઝડપ તેને ચાલુ નાણા વર્ષમાં રૂ. 4000-4500 કરોડના સુધારેલા મૂડી ખર્ચના ટાર્ગેટને જાળવી રાખવામાં સક્ષમ બનાવશે. અદાણી પોર્ટ્સ 2024માં મોટી મેચ્યોરિટીઝ અગાઉ તેના મૂડી ખર્ચને અડધો કરવા સાથે 5000 કરોડ આસપાસનું ડેટ પરત ચૂકવવાનું વિચારી રહી છે એમ બીઆઈના એક એનાલિસ્ટે રિપોર્ટમાં નોંધ્યું છે.
2022-23માં IT કંપનીઓના હાયરિંગમાં 78 ટકા સુધીનો ઘટાડો નોંધાયો
ટીસીએસ, ઈન્ફોસિસ અને એચસીએલ ટેક જેવી ટોચની કંપનીઓ પર ગંભીર અસર
આઈટી કંપનીઓ તરફથી માર્ચ ક્વાર્ટરના પરિણામો અપેક્ષિત નથી જોવા મળ્યાં. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ટોચના આઈટી જાયન્ટ્સની મુશ્કેલીનું એક કારણ તેમના તરફથી હોયરિંગમાં જોવા મળતો તીવ્ર ઘટાડો પણ છે. માર્ચમાં પૂરા થયેલા નાણા વર્ષ 2022-23માં આઈટી કંપનીઓના હાયરિંગમાં વાર્ષિક ધોરણે 78 ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
જો ટોચની આઈટી કંપની ટીસીએસની વાત કરીએ તો 2021-22માં 1,03,000 કર્મચારીઓની નિમણૂંક સામે 2022-23માં કંપનીએ માત્ર 22,600 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે કંપનીની નિમણૂંકમાં 78 ટકાનો ઘટાડો દર્શાવે છે. આવો જ ટ્રેન્ડ અન્ય કંપનીઓ ખાતે પણ જોવા મળ્યો હતો. જેમાં ઈન્ફોસિસે પણ 2022-23માં માત્ર 29,219 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે 2021-22માં તેણે હાયર કરેલાં 54,396 કર્મચારીઓની સરખામણીમાં લગભગ 50 ટકા ઘટાડો સૂચવે છે. એચસીએલ ટેક્નોલોજીના આંકડા પર નજર નાખીએ તો 2022-23માં તેણે 17,067 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે અગાઉના વર્ષે 39,900 પર હતી. આમ ગયા નાણા વર્ષમાં કંપનીની હાયરિંગમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. કંપનીનું મેનેજમેન્ટ તથા ઈન્ડસ્ટ્રી વર્તુળો 2023-24માં પણ હાયરિંગ મંદ જળવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યાં છે. એચસીએલ ટેક્નોલોજીના ચીફ પીપલ ઓફિસરના જણાવ્યા મુજબ આગામી કેટલાંક ક્વાર્ટર્સમાં હાયરિંગ મધ્યમકક્ષાનું જોવા મળશે. છેલ્લાં બે ક્વાર્ટર્સમાં કરેલા ચોખ્ખા ઉમેરાને જોતાં 2023-24માં હાયરિંગ પ્લાનમાં ઘટાડો સંભવ છે. ઈન્ફોસિસના ચીફ ફાઈનાન્સિયસ ઓફિસર પણ સમાન મત અભિવ્યક્ત કરે છે. તેમના મતે, ફ્રેશર્સની ઉપબલ્ધિની વાત છે તો અમારી પાસે આગામી કેટલાંક ક્વાર્ટર્સ સુધી પૂરતી મોકળાશ છે. 2023-24 માટે તેઓ કોઈ ચોક્કસ આંકડો નથી આપી રહ્યાં. એક ટેલેન્ટ સોલ્યશન્સ પ્રોવાઈડર કંપનીના રિપોર્ટ મુજબ 2023-24માં હાયરિંગમાં 20-25 ટકાનો ઘટાડો જોવા મળશે. વિકસિત બજારોમાં જોવા મળી રહેલી મેક્રો-ઈકોનોમિક કટોકટી જોતાં માગ થોડી નરમ જળવાય તેવી શક્યતાં છે. જેને કારણે 2023-24ના પ્રથમ છ મહિનામાં હાયરિંગ પર અસર પડી શકે છે એમ રિપોર્ટ ઉમેરે છે. આઈટી સર્વિસિઝની માગમાં ઘટાડાને પગલે માત્ર હાયરિંગમાં જ ઘટાડો જોવા મળ્યો છે તેવું નથી પરંતુ આઈટી કંપનીઓએ અગાઉ નિમેલા ફ્રેશર્સને ઓનબોર્ડ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે એમ રિપોર્ટ ઉમેરે છે. ચોથા ક્વાર્ટર માટે અત્યાર સુધીમાં ટોચની ત્રણ કંપનીઓ તેમના પરિણામોની જાહેરાત કરી ચૂકી છે. જેમાંથી ટીસીએસ અને ઈન્ફોસિસે નેગેટિવ સરપ્રાઈઝ દર્શાવી હતી. જ્યારે એચસીએલ ટેક્નોલોજીએ પોઝીટીવ સરપ્રાઈઝ દર્શાવતાં આઈટી શેર્સને સપોર્ટ સાંપડ્યો હતો. અગ્રણી કંપની વિપ્રો તરફથી બાયબેકના પ્રસ્તાવે પણ સોમવારે આઈટી શેર્સને સપોર્ટ પૂરો પાડ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
ફ્યુચર રિટેલઃ નાદાર રિટેલ કંપની માટે શરૂ થયેલી રેઝોલ્યુશન પ્રક્રિયામાં માટે 24 એપ્રિલે તૈયાર થયેલી આખરી યાદીમાં 48 અરજદારો માન્ય ઠર્યાં છે. જેમાં જેસી ફ્લાવર્સ, રિલાયન્સ રિટેલ, ડબલ્યુએચ સ્મિથ જેવા નામોનો સમાવેશ થાય છે. હવે પ્રક્રિયા બીજા તબક્કામાં પ્રવેશ કરશે. અગાઉ એમેઝોન સાથે સંઘર્ષને કારણે રિલા. રિટેલ કંપનીની ખરીદી કરી શક્યું નહોતું.
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર લેન્ડરે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2043 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1400 કરોડની સરખામણીમાં 46 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 27 ટકા વધી રૂ. 10021 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7860 કરોડ પર હતી. જોકે, બેંકની ગ્રોસ એનપીએ રૂ. 5517 કરોડ પરથી વધી રૂ. 5826 કરોડ પર રહી હતી. ટકાવારીના સંદર્ભમાં તે 1.98 ટકા પર રહી હતી. જે 1.94 ટકાના અંદાજથી ઊંચી જોવા મળી હતી.
બેંક ઓફ મહારાષ્ટ્રઃ પીએસયૂ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 840 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 355 કરોડની સરખામણીમાં 136 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3426 કરોડની સરખામણીમાં 31 ટકા વધી રૂ. 4495 કરોડ પર રહી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 4129 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી હતી. સમગ્ર 2022-23 માટે બેંકે રૂ. 2602 કરોડનો નફો નોંધાવ્યો હતો.
યસ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર લેન્ડરે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 202.4 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં 45 ટકા ઘટાડો દર્શાવે છે. બેંક તરફથી ઊંચા પ્રોવિઝનીંગને કારણે નફા પર અસર પડી હતી. 2022-23 માટે બેંકનો નફો વાર્ષિક ધોરણે 33 ટકા ઘટી રૂ. 717 કરોડ પર રહ્યો હતો. માર્ચ ક્વાર્ટર માટે બેંકે રૂ. 618 કરોડનું પ્રોવિઝન કર્યું હતું. જે ગયા વર્ષે રૂ. 271 કરોડ પર હતું. 2022-23 માટે પ્રોવિઝન 50 ટકા વધી રૂ. 2220 કરોડ પર જોવા મળ્યું હતું.
વિપ્રોઃ આઈટી કંપનીએ બાયબે પ્રસ્તાવ પર આગામી 26-27 એપ્રિલના રોજ વિચારણા કરવાની જાહેરાત કરી છે. કંપની આ જ દિવસે માર્ચ ક્વાર્ટર માટેના પરિણામો પણ રજૂ કરશે. અગાઉ ડિસેમ્બર 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન કંપનીએ બાયબેક કર્યું હતું. ઓગસ્ટ 2019માં પણ કંપનીએ રૂ. 10,500 કરોડના બાયબેક પ્રોગ્રામને લોંચ કર્યો હતો.
મહારાષ્ટ્ર સીમલેસઃ કંપનીએ પીએસયૂ જાયન્ટ ઓએનજીસી પાસેથી સીમલેસ ટ્યુબિંગ પાઈપ્સ એન્ડ એસેસરીઝના સપ્લાય માટે રૂ. 262 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
વેદાંત ગ્રૂપઃ વેદાંત લિ.ની પેરન્ટ કંપની વેદાંત રિસોર્સિસે તેના ડેટમાં એક અબજ ડોલરનો ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરી 2022થી તેણે અત્યાર સુધીમાં ડેટમાં 3 અબજ ડોલરનો ઘટાડો નોંધાવ્યો છે. તેણે ત્રણ વર્ષોમાં ડેટમાં 4 અબજ ડોલરના ઘટાડાની યોજના બનાવી છે.
જીઆઈપીસીએલઃ ગુજરાત સરકારની પીએસયૂ કંપનીના બોર્ડે 500 મેગાવોટના સુરત લિગ્નાઈટ પાવર પ્લાન્ટ માટે આયાતી કોલની ખરીદી માટે મંજૂરી આપી છે.
તેજસ નેટવર્કઃ કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 11.47 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 49.6 કરોડ પર જોવા મળતી હતી. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 126 કરોડ પરથી વધી રૂ. 299 કરોડ પર રહી હતી.