Market Summary 24 August 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી


બેંકિંગના સપોર્ટે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી
ચીનનો શાંઘાઈ કંપોઝીટ 2 ટકા ગગડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.25 ટકા ગગડી 18.43ની સપાટીએ
નિફ્ટી રિઅલ્ટી 2 ટકા ઉછળ્યો
આઈટી, ફાર્મા અને ઓટોમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં નોંધપાત્ર ખરીદી નીકળી
અદાણી ટ્રાન્સમિશન નવી ટોચે, અદાણી પાવરમાં બીજા દિવસે સેલર
RBL બેંક 17 ટકા ઉછળ્યો


મજબૂત સ્થાનિક આર્થિક આઉટલૂક પાછળ વૈશ્વિક બજારોમાં વેચવાલી વચ્ચે ભારતીય બજારે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ વચ્ચે બેન્ચમાર્ક્સ સાધારણ સુધારો સૂચવી રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 54 પોઈન્ટ્સ સુધરી 59085ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 27 પોઈન્ટ્સ મજબૂતીએ 17605ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં સારી ખરીદીએ નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 29 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 21 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.25 ટકા ગગડી 18.43ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારો માટે બુધવાર સાર્વત્રિક મંદીનો બની રહ્યો હતો. જેમાં ચીનના શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સે 2 ટકા નરમાઈ સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવ્યો હતો. હોંગ કોંગ માર્કેટ પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતું હતું. અન્ય એશિયાઈ અને યુરોપિય બજારો પણ રેડ ઝોનમાં ટ્રેડ સૂચવતાં હતાં, ત્યારે ભારતીય બજારે મંગળવારની ચાલ જાળવી રાખી હતી. ગેપ-ડાઉન ઓપનીંગ બાદ વધુ ગગડી મધ્યાહને ઘટાડો ભૂંસીને પોઝીટીવ ટ્રેડ દર્શાવી ફરી એકવાર ડૂબકી મારી હતી. જોકે ત્યાંથી વધુ એકવાર ખરીદી પાછળ તે પરત ફર્યું હતું અને ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યું હતું. માર્કેટ નિરીક્ષકોના મતે ગુરુવારે ઓગસ્ટ એક્સપાયરીનો દિવસ હોવાથી બજારમાં વોલેટિલિટી જળવાય શકે છે. જોકે બે સત્રોમાં ઈન્ટ્રા-ડે કોન્સોલિડેશન બાદ પોઝીટીવ બંધ આપવા સાથે આગામી દિવસોમાં સુધારાતરફી ચાલ જળવાય રહે તેવું બને. નિફ્ટી તેની તાજેતરની 18000ની ટોચ નજીક જોવા મળી શકે છે. જોકે ત્યાં તેને મજબૂત અવરોધ નડી રહ્યો છે અને આ સપાટી પાર કરવામાં તેને મોટો સંઘર્ષ કરવાનો બની શકે છે. કેમકે હાલમાં વેલ્યૂએશન્સ ફરીવાર ઊંચા જોવા મળી રહ્યાં છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સના મતે છેલ્લાં બે મહિનામાં બજારમાં સુધારો ફંડામેન્ટલને જસ્ટીફાઈ નથી કરી રહ્યો અને તેથી માર્કેટમાં વર્તમાન સ્તરેથી વધુ સુધારાની જગા ઓછી છે. તેઓ પ્રોફિટ બુક કરવાની સલાહ આપી રહ્યાં છે. જોકે બેંકિંગ જેવા ક્ષેત્રને લઈને તેઓ બુલીશ છે.
બુધવારે માર્કેટને બેંકિંગ તરફથી જ મુખ્ય સપોર્ટ સાંપડ્યો હતો. બેંક નિફ્ટી 0.9 ટકા સુધારા સાથે 39 હજારની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. બેંકિંગ ક્ષેત્રે ટોચના સુધારો દર્શાવવામાં બંધન બેંક 5.6 ટકા સાથે મોખરે હતો. આ ઉપરાંત આઈડીએફસી ફર્સ્ટ બેંક 5.5 ટકા, ફેડરલ બેંક 4 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 3 ટકા, પીએનબી 1.5 ટકા અને આઈસીઆઈસીઆઈ બેંક 1 ટકા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. આરબીએલ બેંકનો શેર 17 ટકા ઉછળી રૂ. 122ની સપાટી પર બંધ રહ્યો હતો. બેંક શેરે એક દિવસમાં પ્રથમવાર આટલો મોટો ઉછાળો નોંધાવ્યો હતો. જોકે બે મહિનામાં 60 ટકાથી વધુ વેલ્યૂ ગુમાવી ચૂકેલો બેંક શેર ખૂબ સસ્તાં ભાવ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેને કારણે સ્માર્ટ ઈન્વેસ્ટર્સ તરફથી ભારે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સે 0.7 ટકા સુધારા સાથે બજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. મેટલ શેર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, જિંદાલ સ્ટીલ, વેદાંત, એનએમડીસી અને નાલ્કો જેવા શેર્સ એક ટકાથી 3.5 ટકાની રેંજમાં સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈમાં 0.4 ટકા મજબૂતી જોવા મળી હતી. જેમાં ઓઈલ ઈન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન, ઓએનજીસી, એનટીપીસી, આઈઆરસીટીસી અને એનએમડીસી મુખ્ય કાઉન્ટર્સ હતાં. નિફ્ટી રિઅલ્ટી અને નિફ્ટી મિડિયા, બંનેમાં 1.8 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. રિઅલ્ટી કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 6 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ફિનિક્સ મિલ્સ 3.25 ટકા, સોભા ડેવલપર્સ 2.6 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 1.8 ટકા, ઓબેરોય રિઅલ્ટી 1.5 ટકા અને ડીએલએફ 1 ટકા સુધારો દર્શાવતાં હતાં. જોકે આઈટી, ફાર્મા અને ઓટોમોબાઈલ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ફરી એકવાર દિવસના તળિયેથી બાઉન્સ થયો હતો. જોકે તેમ છતાં 0.34 ટકા ઘટાડો સૂચવતો હતો. આઈટી કાઉન્ટર્સમાં એમ્ફેસિસ, ટીસીએસ, ઈન્ફોસિસ અને વિપ્રો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. ફાર્મા ઈન્ડેક્સ પણ 0.3 ટકાનો સાધારણ ઘટાડો સૂચવતો હતો. જેના મુખ્ય ઘટકોમાં લ્યુપિન 2.6 ટકા નરમાઈ દર્શાવતો હતો. આ ઉપરાંત ડિવિઝ લેબ્સ, સન ફાર્મા, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ અને બાયોકોન પણ નરમ હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં અનેક કાઉન્ટર્સમાં 5 ટકાથી ઊંચો સુધારો નોંધાયો હતો. જેમાં કેન ફીન હોમ્સ 6.8 ટકા, એબીબી ઈન્ડિયા 6.8 ટકા, સન ટીવી નેટવર્ક 5.3 ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ 4.1 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 4.1 ટકા, વોડાફોન આઈડિયા 4 ટકા અને ઈન્ફો એજ 3.8 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. એપોલો હોસ્પિટલ પણ 3.4 ટકા મજબૂતી સૂચવી રહ્યો હતો. બીજી બાજુ બલરામપુર ચીની 2.3 ટકા, એચડીએફસી એએમસી 2 ટકા, ગુજરાત ગેસ 2 ટકા, એચપીસીએલ 2 ટકા અને ઈન્ટરગ્લોબ એવિએશન 1.7 ટકા ઘટાડો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં સતત બીજા દિવસે મજબૂત લેવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3546 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2112 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 1292 કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. 171 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સ એવા હતાં જેમણે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 16 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે એક કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ રહ્યું હતું. 142 કાઉન્ટર્સ અગાઉના બંધ ભાવે ફ્લેટ જોવા મળી રહ્યાં હતાં.અદાણી ગ્રીન 2021 ટકા ડેટ-ટુ-ઈક્વિટી સાથે એશિયામાં બીજા ક્રમની ઊંચી દેવાદાર
ચીનની દેતાંગ હુઆઈન ઈલેક્ટ્રીક પાવર કંપની 2452 ટકાના ડેટ-ટુ-ઈક્વિટી સાથે ટોપ પર

એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ભારતીય શેરબજાર પર લિસ્ટેડ સાત કંપનીઓમાંની એક અદાણી ગ્રીન એનર્જી લિ. સમગ્ર એશિયા ખંડમાં ડેટ-ટુ-ઈક્વિટી રેશિયોની બાબતમાં બીજા ક્રમે આવે છે. કંપની 2021 ટકાનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો ધરાવે છે. જે ચીનની દેતાંગ હુઆઈન ઈલેક્ટ્રીક પાવર કંપની પછી બીજા ક્રમે છે. ચીની કંપની 2452 ટકાનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો ધરાવે છે. બ્લૂમબર્ગે એશિયાની 892 લિસ્ટેડ કંપનીઓના કરેલા અભ્યાસમાં આ બાબત બહાર આવી છે. અદાણી જૂથ કંપનીઓમાં પણ અદાણી ગ્રીન એનર્જી સૌથી ઊંચું લેવરેજ ધરાવતી કંપની છે.
અભ્યાસમાં જણાવાયું છે કે ઉદ્યોગપતિના અતિ ઝડપી ઉદય અને મહત્વાકાંક્ષી ગ્રોથ પ્લાન્સ પર અધધધ કહી શકાય એવો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો મોટી ચિંતાનું કારણ છે. અદાણી જૂથ ઝડપી વૈવિધ્યીકરણ હાથ ધરી રહ્યું છે. તેણે પોર્ટ્સ અને કોમોડિટીઝના બિઝનેસિસમાંથી એરપોર્ટ્સ, ડેટા સેન્ટર્સ, સિમેન્ટ ઉપરાંત અન્ય બિઝનેસિસમાં પ્રવેશ કર્યો છે. જૂથ ગ્રીન એનર્જી ક્ષેત્રે 70 અબજ ડોલરનું રોકાણ કરવા ધારે છે. જે ડેટ ફંડિંગથી કરવામાં આવનાર છે. એકસાથે અનેક બિઝનેસિસમાં પ્રવેશને કારણે અદાણીની નેટ વર્થ 135 અબજ ડોલરને પાર કરી ગઈ છે. જે તેમને એશિયાના સૌથી અમીર બનાવવા સાથે વૈશ્વિક સ્તરે ટોચના 10 ધનવાનોમાં સ્થાન અપાવે છે. ગઈકાલે એક અન્ય એજન્સી ક્રેડિટ સાઈટ્સે પણ અદાણી જૂથના જંગી ડેટને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.બેંક્સની CASA ડિપોઝીટ્સમાં વૃદ્ધિમાં UPIનું મહત્વનું યોગદાન
UPI ટ્રાન્ઝેક્શન્સમાં વૃદ્ધિથી બેંક્સનો ફ્લોટ વધતાં લો-કોસ્ટ ડિપોઝીટ્સમાં જંગી વૃદ્ધિ
માર્ચ 2019ની આખરમાં 41.99 ટકાનો કાસા રેશિયો માર્ચ 2022માં 45.15 ટકા પર જોવા મળ્યો
યૂપીઆઈના ઉપયોગને કારણે બેંક્સને સસ્તી ડિપોઝીટ્સ સાથે ગવર્મેન્ટ તરફથી રિએમ્બર્સમેન્ટ પણ મળે છે
છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(UPI) ટ્રાન્ઝેક્શન્સમાં અસાધારણ વૃદ્ધિ બેંકિંગ સિસ્ટમમાં લો-કોસ્ટ ધરાવતી કરન્ટ એકાઉન્ટ, સેવિંગ્ઝ એકાઉન્ટ(કાસા) ડિપોઝીટ્સમાં ઊંચા વૃદ્ધિ દર પાછળનું એક મહત્વનું કારણ હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા સૂચવે છે. શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સનોનો કાસા ડિપોઝીટ્સ રેશિયો માર્ચ 2019ની આખરમાં 41.99 ટકા પરથી માર્ચ 2022ની આખરમાં વધી 45.15 ટકા પર જોવા મળ્યો હતો. જે દરમિયાન UPI ટ્રાન્ઝેક્શન્સનું મૂલ્ય 10 ગણુ ઉછળ્યું હતું. નાણા વર્ષ 2018-19માં રૂ. 8,76,703 કરોડની સામે 2021-22માં રૂ. 84,15,900 કરોડના યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યાં હતાં.
બેંકિંગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બેંકના ગ્રાહકો યૂપીઆઈ સાથે જોડાયેલાં બેંક એકાઉન્ટ્સમાં ઊંચું બેલેન્સ જાળવતાં હોય છે. જેથી મોબાઈલ એપ મારફતે રિટેલ ફંડ્સ ટ્રાન્સફર તેમજ મર્ચન્ટ પેમેન્ટ સિસ્ટમનો લાભ લઈ શકાય. આ બેલેન્સ બેંકિંગ સંસ્થાઓ માટે સસ્તાં ફંડ્સનો સોર્સ બની રહ્યું છે. બેંક્સ સેવિંગ્ઝ બેંક્સ ડિપોઝીટ્સ પર માત્ર 2.7-3 ટકાનું ઈન્ટરેસ્ટ રેટ ચૂકવે છે. તાજેતરમાં આરબીઆઈએ યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ વસૂલ કરવો કે નહિ તે સંબંધી રજૂ કરેલા ચર્ચા પત્રના સંદર્ભમાં નિષ્ણાતોનું કહેવું છે કે યૂપીઆઈ માટે તેમણે ટેક્નોલોજીમાં કરેલા ખર્ચનો નોંધપાત્ર હિસ્સો તો લો-કોસ્ટ કાસા અને સરકાર તરફથી રુપે ડેબિટ કાર્ડ અને યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સના ખર્ચ પેટે થતાં રિએમ્બર્સમેન્ટમાંથી નીકળી જાય છે. બેંકિંગ કંપનીઓ તેમના થઈ રહેલા આ લાભને યૂપીઆઈ ઈકોસિસ્ટમના ભાગરૂપ એવા અન્ય પાર્ટિસિપન્ટ્સ જેવાકે યૂપીઆઈ એપ પ્રોવાઈડર અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એનપીસીઆઈ)ને પસાર કરી શકે છે. એનપીસીઆઈ યૂપીઆઈની માલિક હોવા સાથે તેને ઓપરેટ પણ કરે છે. ટેક્નોલોજી કંપનીના ફાઉન્ડર જણાવે છે કે હજુ દેશમાં 10-12 ટકા પેમેન્ટ્સ પણ ડિજિટાઈઝ્ડ નથી થયાં. આમ હજુ ખૂબ લાંબી સફર બાકી છે. ત્યારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જિસ નહિ વસૂલવાને લઈને સરકારની નીતિ યોગ્ય છે. તેમના મતે યૂપીઆઈને એક સંપૂર્ણપણે નવા ફાઈનાન્સિયલ કે કમર્સિયલ મોડેલની જરૂર છે. જે સમયની સાથે ઊભરતું જોવા મળશે. આ મોડેલ ફ્લોટ આધારિત હોય શકે છે. કેમકે જેમ યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં વૃદ્ધિ જોવા મળશે એમ ખાતા ધારકો બેંકમાં વધુ નાણા જાળવી રાખશે. બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી જણાવે છે કે ઊંચા ફ્લોટને કારણે બેંક્સને કાસામાં ફાયદો થઈ રહ્યો છે. સાથે ઝીરો ખર્ચ પર ડિમાન્ડ ડિપોઝીટ્સ મળી રહી છે. સેવિંગ્ઝ પર તો 2.75 ટકાનું વ્યાજ ચૂકવવું પડે છે. જોકે મહત્વની બાબત એ છે કે લોકો લોંગ-ટર્મ સેવિંગ્ઝ કરતાં જ નથી. તેઓ રોકાણયોગ્ય સરપ્લસને સેવિંગ્ઝ એકાઉન્ટમાં જાળવી રાખે છે. જે નાણા આખરે કન્ઝ્મ્પ્શનમાં જાય છે.

જુલાઈ આખરમાં P-નોટ્સ મારફતે થતું રોકાણ 2-વર્ષના તળિયે
ભારતીય કેપિટલ માર્કેટમાં પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે થતું રોકાણ જુલાઈ આખરમાં ગગડીને રૂ. 75725 કરોડના બે વર્ષના તળિયા પર જોવા મળ્યું હતું. યુએસ ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિને કારણે પી-નોટ્સ મારફતે થતાં રોકાણમાં ઘટાડો નોંધાયો હતો. સતત ત્રીજા મહિના પી-નોટ્સ મારફતે થતાં ઈન્વેસ્ટમેન્ટ્સમાં ઘટાડો જોવા મળ્યો છે. સેબીના ડેટા મુજબ દેશમાં ઈક્વિટી, ડેટ અને હાઈબ્રીડ સિક્યૂરિટીઝમાં પી-નોટ ઈન્વેસ્ટમેન્ટ્સ જૂન આખરમાં જોવા મળતાં રૂ. 80092 કરોડની સરખામણીમાં વધુ રૂ. 5 હજાર કરોડના ઘટાડા સાથે રૂ. 75725 કરોડ પર રહ્યું હતું. જે ઓક્ટોબર 2020 પછીનું સૌથી નીચું રોકાણ છે. તે વખતે પી-નોટ્સ મારફતે જોવા મળતું રોકાણ ઘટી રૂ. 78686 કરોડ પર જોવા મળતું હતું.
ઈન્ફોસિસે બેંગલૂરુમાં 5 લાખ ચો.ફૂટ જગ્યા લીઝ પર લીધી
ટોચની આઈટી કંપની ઈન્ફોસિસે બેંગલૂરુ ખાતે તેની કામગીરીનું વિસ્તરણ કરવાના ભાગરૂપે 5 લાખ ચોરસ ફીટ જગ્યા ભાડાપેટે લીધી છે. જે તાજેતરમાં સિટીમાં જોવા મળેલું સૌથી મોટું ડીલ છે. આઈટી કંપનીએ 15-વર્ષ માટે આ જગ્યા લીઝ પેટે લીધી છે. જેમાં 5-વર્ષનો લોક-ઈન પિરિયડ રહેશે. આ જગ્યા 5000 કર્મચારીઓને સમાવી શકશે. આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટરથી નવી સુવિધા કામ કરતી થઈ જશે. ઈન્ફોસિસે જૂન ક્વાર્ટરમાં 21,171 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જૂન 2022ની આખરમાં કંપની કુલ 3,25,186 કર્મચારીઓ ધરાવતી હતી. કંપની બેંગલૂરું ઉપરાંત નાગપુર, કોઈમ્બુતુર, વિશાખાપટ્ટનમ અને નોઈડા ખાતે 1000 બેઠકો ધરાવતી ઓફિસ સ્થાપવાનું આયોજન ધરાવે છે.
ટાટા સન્સે એરએશિયા ઈન્ડિયાનો રૂ. 2600 કરોડનો લોસ માંડવાળ કરવો પડી શકે
ઓડિટરના રિપોર્ટ મુજબ કંપનીની નેટ વર્થ સંપૂર્ણપણે ધોવાઈ ચૂકી છે અને એસેટ્સ કરતાં જવાબદારીનું પ્રમાણ વધી ગયું છે

ટાટા સન્સે એરએશિયા ઈન્ડિયા માટેના રૂ. 2600 કરોડના એક્યૂમ્યૂલેટેડ લોસને માંડવાળ કરવાની શક્યતાં ઊભી થઈ છે. ટાટા જૂથની માલિકીની એર ઈન્ડિયાએ એરએશિયા ઈન્ડિયાને સંપૂર્ણપણે ખરીદી પોતાની સાથે મર્જ કરવાનો પ્રસ્તાવ મૂકેલો છે.
જોકે નુકસાનની માંડવાળી ટાટા સન્સ કે એર ઈન્ડિયા, બેમાંથી કોની બેલેન્સ શીટમાં ઉમેરવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહિ હોવાનું એક અગ્રણી માધ્યમનો અહેવાલ જણાવે છે. ઓડિટર્સના રિપોર્ટમાં એરએશિયા ઈન્ડિયાને લઈને ગંભીર ચિંતા ઊભી કરવામાં આવી છે. તેણે નોંધ્યું છે કે એરલાઈનની નેટ વર્થ સંપૂર્ણપણે ધોવાઈ ચૂકી છે અને તેની વર્તમાન એસેટ્સ કરતાં તેની જવાબદારીનું પ્રમાણ વધી ગયું છે. અગાઉથી જ નુકસાનનો સામનો કરી રહેલી એરએશિયા ઈન્ડિયા પર કોવિડ મહામારીને કારણે ગંભીર અસર જોવા મળી હતી. ચાલુ વર્ષની શરૂઆતમાં એર ઈન્ડિયાએ એરએશિયા ઈન્ડિયામાં સંપૂર્ણ ઈક્વિટી કેપિટલ ખરીદવાની ઓફર કરી હતી. એરએશિયા ઈન્ડિયામાં ટાટા સન્સ 83.67 ટકા હિસ્સો ધરાવે છે. એર ઈન્ડિયાએ આ માટે કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની મંજૂરી પણ માગી છે. એરએશિયા ઈન્ડિયાનો બાકીનો 16.33 ટકા હિસ્સો હાલમાં મલેશિયાના એરએશિયા ગ્રૂપની કંપની એરએશિયા ઈન્વેસ્ટમેન્ટ લિ. પાસે છે. ઓટોમોબાઈલથી લઈને સ્ટીલ સેક્ટરમાં હાજરી ધરાવતાં ટાટાએ 2.4 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતાં ઈક્વિટી અને ડેટ ડીલમાં એર ઈન્ડિયાની ખરીદી કરી હતી. ડીલમાં ત્રણ કંપનીઓનો સમાવેશ થતો હતો. ફૂલ-સર્વિસ કેરિયર એર ઈન્ડિયા, તેની લો-કોસ્ટ પાંખ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ-હેન્ડલીંગ અને કાર્ગો સર્વિસિઝ પૂરી પાડતી એઆઈ સેટ્સ સામેલ હતાં.


કોર્પોરેટ હેડલાઈન્સ

હિંદાલ્કોઃ આદિત્ય બિરલા જૂથની કંપની તથા દેશમાં સૌથી મોટી એલ્યુમિનિયમ ઉત્પાદકે તેના 70 ટકા કેશ ફ્લોનું રોકાણ ડાઉનસ્ટ્રીમ બિઝનેસિસમાં કરશે એમ જૂથ ચેરમેન કુમારમંગલમ બિરલાએ જણાવ્યું છે.
ડેક્કન સિમેન્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 21 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 37 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 224 કરોડ સામે 13 ટકા ઘટી રૂ. 194 કરોડ રહી હતી.
વિજયા ડાયગ્નોસ્ટીક્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 17.4 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 33 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 123 કરોડ સામે 15 ટકા ઘટી રૂ. 104 કરોડ રહી હતી.
ડ્રીમફોલ્ક્સ સર્વિસિસઃ બુધવારે મૂડીબજારમાં પ્રવેશેલા આઈપીઓને પોઝીટીવ પ્રતિસાદ સાંપડ્યો હતો અને પ્રથમ દિવસે લગભગ 2 ગણો છલકાયો હતો. જેમાં રિટેલ હિસ્સો પાંચ ગણાથી વધુ જ્યારે એચએનઆઈ હિસ્સો 0.4 ગણો છલકાયો હતો. કંપની રૂ. 308-326ની રેંજમાં શેર વેચાણ કરી રહી છે. તે ઓફર ફોર સેલ મારફતે રૂ. 562 કરોડ એકત્ર કરવા ધારે છે.
ઓએનજીસીઃ પીએસયૂ ઓઈલ એક્સપ્લોરેશન કંપનીએ સ્થાનિક માર્કેટમાં 0.2 એમએમએસસીએમડી સીબીએમ ગેસ વેચાણ માટે બ્રેન્ટ લિંક્ડ વર્તમાન 13.4 ડોલરના બેઝ પ્રાઈસ પર પ્રતિ એમએમબીટીયુ 7.1 ડોલરનું સૌથી ઊંચું પ્રિમીયમ મેળવીને ઈતિહાસ રચ્યો છે.
નાલ્કોઃ પીએસયૂ એલ્યુમિનિયમ કંપનીએ રૂ. 578.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે રૂ. 603 કરોડની અપેક્ષા કરતાં નીચો હતો. કંપનીની આવક જોકે રૂ. 3540 કરોડની અપેક્ષા સામે રૂ. 3783 કરોડ પર જોવા મળી હતી.
હૂડકોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 411.8 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 404.6 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1790 કરોડ સામે 2.3 ટકા ઘટી રૂ. 1749 કરોડ પર રહી હતી.
પાવર ફાઈનાન્સ કોર્પોરેશનઃ પીએસયૂ કંપનીએ મહારાષ્ટ્રમાં 1550 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે રૂ. 6750 કરોડની સહાય માટે એમઓયૂ સાઈન કર્યાં છે.
કેઆરબીએલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 164.5 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 140.8 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1016 કરોડ સામે 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1228 કરોડ રહી હતી.
ગોદરેજ એગ્રોવેટઃ કંપનીએ ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યો સાતે ઓઈલ પામના વાવેતરને વેગ આપવા માટે સમજૂતી કરાર સાઈન કર્યો છે.
સ્ટર્લિંગ એન્ડ વિલ્સનઃ કંપની એનટીપી સોલાર પીવી પ્લાન્ટ માટે સૌથી નીચા બીડર તરીકે ઊભરી છે.
આઈઆઈએફએલ ફાઈનાન્સઃ કંપનીએ અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની સબસિડિયરીને 53,76,457 ઈક્વિટી શેર્સના એલોટમેન્ટની મંજૂરી આપી છે.
એનએમડીસીઃ પીએસયૂ માઈન કંપનીના નગરનાલ સ્ટીલ પ્લાન્ટના ડિમર્જર માટે 25 ઓગસ્ટે મળનારી બેઠકમાં એમસીએ મંજૂરી આપે તેવી શક્યતાં જોવાઈ રહી છે.
યસ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંક રૂ. 8900 કરોડનું ફંડ એકત્ર કરવા માટે બોર્ડની મંજૂરી માગશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage