માર્કેટ સમરી
નિફ્ટી 13700 પર બંધ પણ રહ્યો
તેજીવાળાઓએ ત્રણ દિવસમાં નિફ્ટીને ફરી વિતેલા સપ્તાહની બંધ સપાટી પર લાવીને સોમવારનું નુકસાન સરભર કરી દીધું છે. ગુરુવારે નિફ્ટી એક ટકો અથવા 148 પોઈન્ટ્સ ઉછળી 13749ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેના સર્વોચ્ચ સ્તર નજીકનું જ બંધ છે. દિવસ દરમિયાન તે 13771 પર જોવા મળ્યો હતો. સેન્સેક્સ પણ 529 પોઈન્ટ્સ ઉછળ્યો હતો.
મિસિસ બેકટર્સ ફૂડમાં રિટેલ ઈન્વેસ્ટર્સને રૂ. 200 કરોડનો જેકપોટ
કેલેન્ડરના શ્રેષ્ઠ લિસ્ટીંગમાં કંપનીના શેરે ટોચના ભાવે 108 ટકા રિટર્ન દર્શાવ્યું
રૂ. 288ની ઓફર પ્રાઈસ સામે કંપનીનો શેર લિસ્ટીંગ દિવસે રૂ. 306ના ઉછાળે રૂ. 594ના સ્તરે બંધ આવ્યો
મિસિસ બેક્ટર્સ ફૂડનો આઈપીઓ નાના રોકાણકારો માટે મોટો જેકપોટ બન્યો હતો. ગુરુવારે લિસ્ટીંગ દિવસે કંપનીની રૂ. 288ની ઓફર ભાવ સામે રૂ. 600ની ટોચ પર બમ્પર પ્રિમીયમ દર્શાવનાર કંપનીના શેરમાં રિટેલ ઈન્વેસ્ટર્સે લગભગ રૂ. 200 કરોડ કમાયા હતાં. જેણે કંપનીને ચાલુ વર્ષના ટોચના ચાર આઈપીઓમાં સ્થાન અપાવ્યું હતું. અગાઉ હેપ્પીએસ્ટ માઈન્ડ ટેક્નોલોજિસ, રૂટ મોબાઈલ અને બર્ગર કિંગના આઈપીઓમાં રોકાણકારોને આવો જ લિસ્ટીંગ લાભ થયો હતો. સપ્ટેમ્બર આખરમાં હેપ્પીએસ્ટ માઈન્ડ પછથી તરત રૂટ મોબાઈલની જેમ આ વખતે બર્ગર કિંગ પછી તરત મિસિસ બેક્ટર્સ ફૂડે રોકાણકારોને ઊંચા વળતરથી નવાજ્યાં હતાં.
ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પ્રવેશેલા મિસિસ બેક્ટર્સ ફૂડના આઈપીઓમાં રિટેલ રોકાણકારોને કુલ ઓફરના 35 ટકા શેર્સ ફાળવવામાં આવ્યાં હતાં. એટલેકે 65,52,986 શેર્સની કુલ ફાળવણી થઈ હતી. રિટેલ હિસ્સાનું ભરણું 29 ગણું છલકાયું હતું. આમ 29 અરજીમાંથી એક અરજી પર શેર 50 શેર્સની ફાળવણી થઈ હતી. જે માટે રોકાણકારે રૂ. 14440નું ચૂકવણું કર્યું હતું. જોકે ગુરુવારે પ્રિલ-લિસ્ટીંગમાં જ 73 ટકા પ્રિમિયમે રૂ. 500નો ભાવ જોવા મળ્યો હતો. જ્યારે 10 વાગે લિસ્ટીંગ પર તે ઉછળીને રૂ. 600 જોવાયો હતો. જો તેને બેન્ચમાર્ક લઈએ તો રિટેલ રોકાણકારે પ્રતિ શેર રૂ. 312નું વળતર મેળવ્યું હતું અને તે રીતે 50 શેર્સની ફાળવણી પર તે રૂ. 15600 કમાયો હતો. એટલેકે એક સપ્તાહમાં તેણે રૂ. 14400ના રૂ. 30000 બનાવ્યાં હતા. રૂ. 600ના ભાવને સ્પર્શ્યાં બાદ થોડી વેચવાલી બાદ શેર સાધારણ ઘટી રૂ. 558 પર ટ્રેડ થયો હતો. જ્યાંથી ફરી વધી રૂ. 580 પર જ ટ્રેડ થયો હતો અને આખરે રૂ. 594ની સપાટીએ 106 ટકા વૃદ્ધિ સાથે બંધ જોવા મળ્યો હતો. લિસ્ટીંગ દિવસે બંધ ભાવે કંપનીએ રૂ. 3400 કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું.
જોકે હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ રિટેલ જેટલા નસીબદાર નહોતાં રહ્યાં. સામાન્યરીતે રૂ. એક કરોડથી વધુની અરજી કરતાં આવા મોટાભાગના રોકાણકારોને ખર્ચ માથે પડ્યો હતો. એટલેકે રૂ. 288ના ઓફરભાવ ઉપરાંત તેમને શેર દીઠ રૂ. 280નો ખર્ચ બેસતો હતો. સામે એચએનઆઈ હિસ્સામાં 15 ટકા(28,12,708 શેર્સ) જ ફાળવણી હતી અને માગ ઊંચી હોવાથી ભરણુ 621 ગણુ છલકાઈ ગયુ હતું. જેમાં શેર્સ લાગવાની શક્યતા અતિશય ધૂંધળી હતી. ઊંચી એચએનઆઈ માગને કારણે જ ભરણુ 199 ગણુ છલકાયું હતું. એટલેકે રૂ. 540 કરોડની ઓફર સામે રૂ. 1.07 લાખ કરોડની માગ જોવા મળી હતી. જે રોકાણકારો ગ્રે-માર્કેટમાં તેમનું ફોર્મ વેચી અને તેમને શેર્સની ફાળવણી થઈ હતી. તેમણે પણ મોટો અફસોસ કરવાનો થયો હતો. કેમકે સબ્જેક્ટ-ટુમાં શરૂઆતમાં ફોર્મના રૂ. 5500-6000ના ભાવે કામ થયાં હતાં. જ્યારે ઈસ્યુને અસાધારણ પ્રતિસાદ બાદ તે વધીને રૂ. 9000 થયા હતાં. જોકે લિસ્ટીંગ પર વાસ્તવિક લાભ રૂ. 15000નો થયો હતો.
ફાર્મા શેર્સ તેમની નવી ટોચ ભણી અગ્રેસર
ગુરુવારે અગ્રણી ફાર્મા કંપનીઓએ તેમની વાર્ષિક અથવા ઓલ-ટાઈમ હાઈ દર્શાવ્યાં હતાં. જેમાં સન ફાર્માનો શેર 3 ટકાથી વધુ ઉછળી રૂ. 595 પર ટ્રેડ થયો હતો અને ત્રણ વર્ષના ટોચના સ્તરે જોવા મળ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.42 લાખ કરોડ પર પહોંચ્યું હતું. સિપ્લાનો શેર પણ એક ટકાથી વધુ મજબૂતીએ રૂ. 835ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે માર્કેટ-કેપની રીતે રૂ. 67000 કરોડ જોવા મળ્યો હતો. કેડિલા હેલ્થકેરનો શેર 3 ટકાથી વધુ ઉછળી રૂ. 491 પર જોવા મળ્યો હતો અને તેણે રૂ. 50 હજાર કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. કંપનીની સિસ્ટર કંપની ઝાયડસ વેલનેસનો શેર પણ 5 ટકા વધી રૂ. 1999ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે અન્ય ફાર્મા કંપનીઓ સુવેન ફાર્મા અને એરિસ લાઈફસાયન્સનો શેર નવી ટોચ પર જોવા મળ્યાં હતાં. જેમાં સુવેન ફાર્માનો શેર 4 ટકાથી વધુ ઉછળી રૂ. 465 પર અને એરિસ લાઈફનો શેર રૂ. 605ની વાર્ષિક ટોચ પર જોવા મળ્યો હતો.
રિલાયન્સ પાર્ટલી પેઈડનો શેર 5.75 ટકા ઉછળ્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પાર્ટલી પેઈડ શેરમાં ગુરુવારે તીવ્ર ખરીદી જોવા મળી હતી અને કંપનીનો શેર 5.75 ટકા અથવા રૂ. 60.30ના ઉછાળે રૂ. 1109.85ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે રૂ. 1113ની ટોચ પર ટ્રેડ થયો હતો. બંઘ ભાવે તેનું માર્કટ-કેપ રૂ. 47 હજાર કરોડ નોંધાયું હતું. રિલાયન્સે જૂન મહિનામાં રૂ. 690ના ભાવે પાર્ટલી પેઈડ શેર્સ ઈસ્યુ કર્યાં હતાં. ગુરુવારે રિલાયન્સ ઈન્ડ.ના શેરમાં જોકે આવી મોટી મૂવમેન્ટ જોવા મળી નહોતી. કંપનીનો શેર 2.58 ટકા અથવા રૂ. 50.10ના સુધારે રૂ. 1994ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 12.64 લાખ કરોડ જોવા મળ્યું હતું.
વ્હર્લપુલ ઈન્ડિયાનો શેર 14 ટકા ઉછળ્યો
કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક કંપની વ્હર્લપુલ ઈન્ડિયાનો શેર ગુરુવારે 14 ટકા ઉછળી રૂ. 2578ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનો શેર રૂ. 32000ના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 2262ના બંધ સામે રૂ. 300થી વધુ ઉછળ્યો હતો અને આખરે રૂ. 265ના સુધારે બંધ રહ્યો હતો. છેલ્લા બે મહિનામાં કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક કંપનીઓના શેર્સમાં પૂરબહારમાં તેજી જોવા મળી રહી છે. જેમાં વ્હર્લપુલ પાછળથી જોડાયો છે.