માર્કેટ સમરી
એનએસઈ ખાતે ટેકનિકલ ખામી વચ્ચે નિફ્ટી 15000ની નજીક પહોંચ્યો
બુધવારનો દિવસ ડેરિવેટિવ્સ ટ્રેડર્સ તેમજ કેશ સેગમેન્ટમાં ઈન્ટ્રા-ડે ટ્રેડર્સ માટે ચિંતા બની રહ્યો હતો. બે કલાકના ટ્રેડિંગ બાદ એનએસઈ પ્લેટફોર્મ બંધ થતાં તેમજ 3-30 સુધી તે ચાલુ નહિ થતાં ડે-ટ્રેડર્સની અકળામણ વધી હતી. જોકે 3-45થી 5 વાગ્યા સુધી સવા કલાક ટ્રેડિંગ ચાલ્યુ હતું. જે દરમિયાન બજારમાં તેજીની આંધી જોવા મળી હતી. સેન્સેક્સ 1000 પોઈન્ટ્સ ઉછળી 50000ને પાર કરી ગયો હતો. તો નિફ્ટી 274 પોઈન્ટ્સ ઉછળી 14982 પર બંધ રહ્યો હતો. આમ તેજીવાળાઓને મજા પડી ગઈ હતી. જોકે એક્સપાયરી પર કોલ-પુટ ટ્રેડ કરતાં ટ્રેડર્સ માટે દિવસ ખરાબ રહ્યો હતો. તેઓ પ્રિમીયમમાં વધ-ઘટનો લાભ નહોતા લઈ શક્યાં.
અલ્ટ્રા હાઈનેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સમાં 63 ટકાના દરે વૃદ્ધિ જોવાશે
દેશમાં અતિ સમૃદ્ધ ગણાતાં અલ્ટ્રા હાઈનેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સની સંખ્યામાં આગામી પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક 63 ટકાના દરે વૃદ્ધિ જોવા મળશે એમ નાઈટ ફ્રેંક વેલ્થ રિપોર્ટ 2021 જણાવે છે. જેઓ 3 કરોડ ડોલર કે તેથી વધુ સંપત્તિ ધરાવે છે તેમને અલ્ટ્રા હાઈનેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ ગણવામાં આવે છે. હાલમાં દેશમાં તેમની સંખ્યા 6884 પર છે. જે 2025 સુધી 11198 પર પહોંચશે એમ રિપોર્ટ જણાવે છે. જ્યારે દેશની બિલિયોનર ક્લબમાં 2025 સુધીમાં 43 ટકા વૃદ્ધિ થવાની શક્યતા છે. કેલેન્ડર 2020માં દેશમાં કુલ 113 અબજોપતિ હતાં. જે સંખ્યા 2025માં વધી 162 થશે. અલ્ટ્રા હાઈનેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સની સંખ્યામાં વૈશ્વિક સ્તરે 24 ટકા અને એશિયામાં 38 ટકાના દરે વૃદ્ધિ નોંધાશે. જે ભારતમાં 63 ટકાની સરખામણીમાં ઘણી ઓછી હશે. ભારતના એક ટકા ધનિકોની સંપત્તિ આગામી પાંચ વર્ષોમાં બમણી થવાની આગાહી પણ નાઈટ ફ્રેન્કના રિપોર્ટમાં કરવામાં આવી છે.
ટ્રેડિંગમાં અડચણ વચ્ચે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
એનએસઈ ખાતે ટેકનિકલ ખામીને કારણે સામાન્ય ટ્રેડિંગમાં અડચણ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3100 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1850 અગાઉના બંધ સામે પોઝીટીવ ટ્રેડિંગ દર્શાવતાં હતાં. જ્યારે 1079 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. 330 જેટલા કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં રહ્યાં હતાં. જ્યારે 247 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ પર ટ્રેડ થયા હતાં. એનએસઈ ખાતે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ એક ટકાનો જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.95 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.
ઈન્ડિયા વીઆઈએક્સ 6 ટકા તૂટ્યો
ટ્રેડર્સ માટે નિરાશાજનક બની રહેલો દિવસ બજાર માટે સારો પુરવાર થયો હતો. 3-45થી 5 વાગ્યા સુધી ચાલેલા ટ્રેડિંગ સત્રમાં બજારમાં તીવ્ર સુધાર પાછળ વોલેટિલિટીના માપદંડ એવા ઈન્ડિયા વીક્સમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 23.76 પર ટ્રેડ થયો હતો. સોમવારે ઈન્ડિયા વીક્સ 14 ટકાથી વધુ ઉછળ્યો હતો. બજારમા સુધારા સાથે વીક્સમાં ઘટાડો સૂચવે છે કે આગામી દિવસોમા બજાર વધુ સુધારા માટે તૈયાર છે. બુધવારે નિફ્ટી તેના 14950ના અવરોધ પર ટ્રેડ થતો હતો અને તેથી તે ફરી 15400 તરફની ગતિ દર્શાવે તેવી શક્યતા છે.
બીએસઈ ખાતે બ્રોકર્સના ઓટોસ્કવેર ઓફ પાછળ અગ્રણી જાતો કડડભૂસ
ટીસીએસ, ટાટા સ્ટીલ, ટાટા કન્ઝ્યૂમર, આઈઓસી જેવા કાઉન્ટર્સ 10 ટકા સુધી ગગડ્યાં, બીજી બાજુ ઘણા કાઉન્ટર્સ ઉપર તરફ ભાગ્યાં
એનએસઈ ખાતે ટેકનિકલ ખામી ઈન્ટ્રા-ડે ટ્રેડર્સને ભારે પડી, તેમણે નોંધપાત્ર નુકસાન સહન કરવાનું થયું
નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે ટેકનિકલ ખામી શેરબજાર ટ્રેડર્સને મોંઘી પડી હતી. વિશ્વ સ્તરે અગ્રણી ગણાતા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ ખાતે મોટાભાગનો સમય કામકાજ ઠપ્પ રહેતાં ટ્રેડર્સ માટે તેમની ઈન્ટ્રા-ડે પોઝીશન સ્કવેર ઓફ કરવા સંબંધી ચિંતાઓ તો ઊભી જ હતી. ત્યાં દિવસ દરમિયાન કાર્યરત એવા હરિફ પ્લેટફોર્મ બીએસઈ ખાતે બજાર બંધ થવાના રાબેતા સમય અગાઉ બ્રોકર્સ દ્વારા ઓટોમોટિક સ્કવેરઓફ રન કરવામાં આવતાં લાર્જ-કેપ્સ સહિત જાતેજાતમાં 10 ટકા સુધીની વધઘટ જોવા મળી હતી. જેમાં નામી કાઉન્ટર્સ સેકંડ્સ માટે નીચલી સર્કિટમાં સરી પડ્યાં હતાં. જ્યારે કેટલાક કાઉન્ટર્સ તેનાથી ઊંધી દિશામાં ઉછળી ગયા હતા.
બુધવારનો દિવસ રોકાણકારો માટે ભારે અકળામણવાળો રહ્યો હતો. કેમકે એનએસઈ સવારે 9-15થી 11-40 સુધી સાબેતા મુજબ કામકાજ કર્યાં બાદ ટેકનિકલ ખામીને કારણે બજાર બંધ થવાના સમય 3-30 સુધી કામકાજ શરૂ કરી શક્યું નહોતું. જોકે પાછળથી એનએસઈ અને બીએસઈ, બંને એક્સચેન્જે કામકાજ લંબાવવાનો નિર્ણય લીધો હતો અને 5 વાગ્યા સુધી કામકાજ ચાલ્યા હતાં. જોકે બપોરે એનએસઈ બંધ હતું અને તે ક્યારે કામકાજ ચાલુ કરશે તેની કોઈ સ્પષ્ટતા નહોતી ત્યારે બીએસઈ ખાતે ટ્રેડર્સ સાથે રમત રમાઈ ગઈ હતી. જેમાં બ્રોકર્સે ઓટોસ્કવેર ઓફ રન કરતાં શેરોની જાતે-જાતમાં બે બાજુની મોટી વધ-ઘટ જોવા મળી હતી. જેમાં કેટલાક જાણીતા નામોની વાત કરીએ તો ટીસીએસનો શેર લગભગ 10 ટકા નીચે ઉતરી ગયો હતો. કંપનીનો શેર રૂ. 2980 આસપાસના ભાવ પરથી ગગડી રૂ. 2701 પર જોવા મળ્યો હતો. આમ મોટાભાગના ઈન્ટ્રા-ડે ટ્રેડર્સની પોઝીશન મોટી નુકસાની સાથે સ્કવેર થઈ હતી. બીએસઈ આમ પણ કેશ સેગમેન્ટમાં પાંખા સોદાઓ ધરાવે છે. એમાં એનએસઈ બંધ રહેવાથી પ્રાઈસ ડિસ્કવરીની કામગીરી ઠપ્પ હતી. સામે પૂરતાં ખરીદારોના અભાવ વચ્ચે ઓટોસ્કવેર ઓફ થવાથી ભાવ કડડભૂસ થયાં હતાં. આવી જ ઘટના ટાટા કન્ઝ્યૂમર સાથે બની હતી. કંપનીનો શેર સવારે રૂ. 653ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે બપોરે બીએસઈ ખાતે ઓટો સ્કવેર ઓફ પાછળ તે રૂ. 564.45 પર બોલાયો હતો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનો શેર પણ 10 ટકા તૂટી રૂ. 87.95 પર પટકાયો હતો. ટાટા સ્ટીલનો શેર રૂ. 656.55ની 10 ટકાની નીચલી સર્કિટ લિમિટમાં ટ્રેડ થયો હતો. બીજી બાજુ ઈન્ટરગ્લોબ એવિએશનનો શેર 8 ટકા ઉછળ્યો હતો. અગ્રણી પીએસયૂ બેંક એસબીઆઈનો શેર પણ ઉછળ્યો હતો અને રૂ. 420 બોલાયો હતો. જ્યારે કોટક મહિન્દ્રાનો શેર 5 ટકા ઉછળ્યો હતો. માર્કેટ વર્તુળોના મતે આ સિવાય પણ અનેક જાતોમાં મોટી વધ-ઘટ જોવા મળી હતી અને ઈન્ટ્રા-ડે ટ્રેડર્સે નોંધપાત્ર નુકસાન ખમવાનું થયું હતું. સામાન્યરીતે ઓટોસ્કવેર ઓફ કરવાનું બનતું નથી પરંતુ એનએસઈ ખાતે કામકાજ બંધ હોવાથી બ્રોકર્સ વર્ગ પણ ઈન્ટ્રા-ડે પોઝીશનને લઈને ચિંતિંત હોય તે સ્વાભાવિક હતું અને તેથી તેને બજાર બંધ થાય તે અગાઉ ઓટોસ્કવેર ઓફ કરવાનું યોગ્ય જણાયુ હોય તેવું બન્યું હોય.
હોંગ કોંગમાં સ્ટોક ટ્રેડિંગ પર સ્ટેમ્પ ડ્યુટી વધતાં 3 ટકાનો ઘટાડો
હોંગ કોંગ એક્સચેન્જ ઓપરેટરનો શેર 2008 બાદ પ્રથમવાર 11 ટકા તૂટ્યો
એકબાજુ એનએસઈ ખાતે તાંત્રિકી ખામીને કારણે બજારમાં કામકાજ બંધ હતું ત્યારે માર્કેટ-કેપની રીતે વિશ્વમાં ટોચના ચાર માર્કેટમાં સમાવિષ્ટ હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જમાં બુધવારે 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો હોંગ કોંગ સરકારે સ્ટોક ટ્રેડિંગ પર સ્ટેમ્પ ડ્યુટીને 10 બેસીસ પોઈન્ટસથી વધારી 13 બેસીસ પોઈન્ટ્સ કરી હતી. જેને કારણે માર્કેટમાં મે 2020 બાદનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હોંગ કોંગ એક્સચેન્જ ઓપરેટર કંપનીનો શેર 11 ટકા જેટલો તૂટ્યો હતો અને તે 2008 બાદનો પ્રથમ તીવ્ર ઘટાડો હતો. સરકારે કોવિડને કારણે આવકમાં ઊભી થયેલી ખાધને સરભર કરવા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 3 બેસીસ પોઈન્ટ વૃદ્ધિ કરી હતી. હોંગ કોંગ પાછળ એશિયાઈ બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ભારતીય બજાર પર તેની અસર નહોતી થઈ. જોકે ટ્રેડર્સમાં અજંપો જોવા મળતો હતો.
આશ્ચર્યની બાબત એ છે કે હોંગ કોંગ સરકારે ચીન તરફથી મંજૂરી મેળવ્યા વિના આપમેળે આ પગલુ ઉઠાવ્યું હોવાનું જાણવા મળે છે. સામાન્યરીતે તે આ પ્રકારનું પગલું ભરતાં પહેલા ચીની સત્તાવાળાઓને વિશ્વાસમાં લેતી હોય છે. હોંગ કોંગનું બજાર જ્યારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારે સ્ટેમ્પ ડ્યુટીમાં વૃદ્ધિનું પગલું તેજીનો સંકેત નથી એમ વર્તુળો જણાવે છે. હોંગ કોંગ સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં વૃદ્ધિ કરી તે દિવસે જ શાંઘાઈ અને શેનઝેન સ્ટોક એક્સચેન્જિસ ખાતે એક વર્ષથી વધુ સમયનો સૌથી ઊંચો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. જો સરકાર રિટેલ ઈન્વેસ્ટર્સને તે બજારમાં મંદી લાવવાનો પ્રયાસ કરી રહી નથી એ પ્રકારે ખાતરી આપવામાં નિષ્ફળ જશે તો બજારમાં વધુ વેચવાલીની શક્યતા જોવાઈ રહી છે.
હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ ઓપરેટર એચકેઈએક્સનો શેર 11 ટકા ઘટી ઓક્ટોબર 2008 બાદનો સૌથી મોટો ઘટાડો દર્શાવતો હતો. કંપનીએ તેમજ હોંગ કોંગના સિક્યૂરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશને સરકારના પગલા અંગે કોઈ તત્કાળ પ્રતિભાવ નહોતો આપ્યો. જોકે માર્કેટ પ્લેયર્સના મતે સરકાર જંગી કોવિડ ખર્ચને જોતાં સ્ટેમ્પ ડ્યુટીમાં વૃદ્ધિ કરશે તે અપેક્ષિત હતું. ચાલુ નાણાકિય વર્ષ માટે હોંગ કોંગ સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાંથી 35 અબજ હોંગ કોંગ ડોલર(4.51 અબજ યુએસ ડોલર)ની આવકનો અંદાજ રાખ્યો હતો. એચકેઈએક્સે બુધવારે તેના 2020 માટેના ચોખ્ખા નફામાં 23 ટકા વૃદ્ધિની જાહેરાત કરી હતી. જે અંદાજ કરતાં થોડો ઊંચો જોવા મળ્યો હતો.