Market Summary 24 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટમાં નવ મહિનાનો સૌથી મોટો કડાકો જોવાયો
વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય માર્કેટનું સતત અન્ડરપર્ફોર્મન્સ
નિફ્ટીમાં 50માંથી માત્ર 2 કાઉન્ટર્સ-સિપ્લા અને ઓએનજીસી- પોઝીટીવ બંધ જોવાયાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 21 ટકા ઉછળી 22.82ની સપાટીએ
મેટલ, રિઅલ્ટી, આઈટી, ઓટો, ફાર્મા, પીએસઈમાં ભારે વેચવાલી
બીએસઈ ખાતે પાંચ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો નોંધાયો

ભારતીય શેરબજાર રોકાણકારો માટે સોમવારે આકરો બની રહ્યો હતો. માર્કેટમાં નવ મહિનાનો સૌથી મોટો એકદિવસીય કડાડો બોલાઈ ગયો હતો. જેમાં સેન્સેક્સ 1546 પોઈન્ટ્સ ગગડી 57491.5ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 468 પોઈન્ટ્સના ઘટાડે 17149ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી પાછળ માર્કેટ-બ્રેડ્થ માત્ર 0.16ના 22 મહિનાના ટોચના સ્તરે જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 21 ટકા ઉછળી 22.82ની ત્રણ મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર બે જ કાઉન્ટર્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં.
ગયા સપ્તાહે સતત ચાર સત્રોમાં નરમાઈ દર્શાવ્યાં બાદ સોમવારે માર્કેટને રાહત મળે તેવી અપેક્ષા નિષ્ફળ રહી હતી. માર્કેટ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં બાદ સતત ઘસાતું રહ્યું હતું અને આખરે તળિયાથી સહેજ ઉપર બંધ આવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી એક તબક્કે 17 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો. જોકે આખરે તેણે 17050ના સપોર્ટને જાળવીને તેના પર બંધ દર્શાવ્યું હતું. એક મહત્વની ઘટનામાં નિફ્ટી જાન્યુઆરી સિરિઝ ફ્યુચર્સ કેશ નિફ્ટીની સરખામણીમાં 17102ના સ્તરે ડિસ્કાઉન્ટમાં બંધ દર્શાવી રહ્યો હતો. જે માર્કેટમાં વધુ નરમાઈનો સંકેત દર્શાવે છે. ફ્યુચર્સમાં કેશની સરખામણીમાં ભાગ્યે જ ડિસ્કાઉન્ટમાં બંધ જોવા મળતું હોય છે. આ ઘટના સૂચવે છે કે શોર્ટ સેલર્સને માર્કેટમાં તેમની પોઝીશનને લઈને કોઈ ચિંતા સતાવી રહી નથી. જોકે એનાલિસ્ટ્સના મતે માર્કેટ ટૂંકાગાળામાં ઓવરબોટ છે અને તેથી આગામી સત્રોમાં તે એક બાઉન્સ દર્શાવી શકે છે. નિફ્ટીમાં 17000નું સ્તર મહત્વનું બની રહેશે. કેમકે માર્કેટ ત્યાં સપોર્ટ લઈ પરત ફર્યું હતું. જો 17 હજારનું સ્તર તૂટશે તો નિફ્ટી 16600ની 200-ડીએમએના સ્તર સુધી ગગડી શકે છે.
સોમવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળતું હતું. કોરિયા અને હોંગ કોંગ માર્કેટ્સ 1.5 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે જાપાન,ચીન અને તાઈવાને પોઝીટીવ બંધ આપ્યું હતું. બપોરે યુરોપ બજારોમાં જર્મની 1.8 ટકા સુધીનો ઘટાડો દર્શાવતું હતું. કેમકે શુક્રવારે યુએસ બજારોમાં છેલ્લી ઘડીએ ભારે વેચવાલી જોવા મળી હતી અને ડાઉ જોન્સ અને નાસ્ડેક તેમના તાજેતરના તળિયા પર બંધ રહ્યાં હતાં. નાસ્ડેક તો પખવાડિયા અગાઉના 16 હજારના સ્તરેથી ગગડીને 14 હજારની નીચે ઉતરી ગયું હતું. ભારતીય બજાર પણ હાઈ બીટા માર્કેટ હોવાથી તથા નાસ્ડેકની જેમ તેણે 2020-2021માં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હોવાથી ચાલુ કેલેન્ડરમાં તે કોન્સોલિડેશનમાં જોવા મળે તેવી શક્યતાં બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. જે દરમિયાન તે બે બાજુની ઊંચી વોલેટિલિટી દર્શાવી શકે છે.
જાન્યુઆરીની જ વાત કરીએ તો 17300ના સ્તરેથી 18300 સુધીની એકધારી તેજી દર્શાવ્યાં બાદ સોમવારે નિફ્ટી 1.3 ટકાનો ઘટાડો સૂચવતો હતો. સપ્તાહ અગાઉ તે કેલેન્ડરના પ્રથમ મહિનામાં 5.2 ટકાનું વળતર દર્શાવી રહ્યો હતો. જે માત્ર પાંચ સત્રોમાં ભૂંસાઈ ગયું હતું અને હવે તે નેગેટિવ રિટર્ન સૂચવે છે. બજેટ જેવી ઘટનાને જોતાં બજારમાં ઝડપી બાઉન્સની શક્યતાં હવે નથી જોવાઈ રહી. સોમવારે બ્રોડ બેઝ મંદીમાં તમામ ક્ષેત્રો જોડાયાં હતાં. જોકે બેંકિંગે અન્યોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. મેટલ ઈન્ડેક્સ 5 ટકાથી વધુ ગગડ્યો હતો. જ્યારે રિઅલ્ટી 6 ટકા, આઈટી 3.42 ટકા, ઓટો 2.6 ટકા, ફાર્મા 1.85 ટકા, પીએસઈ 1.83 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બેંક નિફ્ટી 1.67 ટકા ઘટી બંધ રહ્યો હતો. નિફ્ટીમાં માત્ર બે કાઉન્ટર્સ સિપ્લા અને ઓએનજીસી પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં.



નવી ટેક પ્લેટફોર્મ્સ કંપનીઓના IPOsમાં રોકાણકારોની મૂડીનું તીવ્ર ધોવાણ
સોમવારે ઝોમેટો 20 ટકા ગગડ્યો, નાયકામાં લિસ્ટીંગ બાદ પ્રથમવાર 13 ટકાથી વધુનો ઘટાડો, પેટીએમ વધુ 5 ટકા ગગડ્યો
બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સમાં 8 ટકા તૂટ્યો
જોકે પેટીએમ, પીબી ફિનટેક, રેટગેઈન, ફિનો પેમેન્ટ બેંક સિવાય નાયકા અને ઝોમેટોમાં બજાર ભાવ હજુ પણ ઓફરભાવથી ઉપર

નવા સપ્તાહે શેરબજારમાં વેચવાલી દરમિયાન તાજેતરમાં પ્રવેશેલાં આઈપીઓના ભાવમાં પણ તીવ્ર ઘટાડો બોલાઈ ગયો હતો. જેમાં પેટીએમ જેવા નબળુ લિસ્ટીંગ ધરાવતાં અને ત્યારબાદ સતત ઘસાતાં રહેલા કાઉન્ટર્સ ઉપરાંત ઝોમેટો અને નાયકા જેવા મજબૂત લિસ્ટીંગ દર્શાવનારા શેર્સ પણ જોડાયાં હતાં. તાજેતરના લિસ્ટીંગ્સમાં ઘટાડાએ આઈપીઓમાં શેર્સ હોલ્ડ કરીને બેઠેલાં રોકાણકારોમાં ગભરાટ પેદા કર્યો હતો.
સોમવારે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનો શેર 19.62 ટકા ગગડીને રૂ. 91.35ના ભાવે બંધ રહ્યો હતો. તેણે રૂ. 90.95નું ઈન્ટ્રાડે તળિયું બનાવ્યું હતું. કંપનીનો શેર ગયા સપ્તાહે રૂ. 113.65ના બંધ ભાવ સામે રૂ. 22.30ના તીવ્ર ઘટાડે બંધ રહ્યો હતો. લિસ્ટીંગ બાદ રૂ. 169ની ટોચ દર્શાવનાર ઝોમેટોનો શેર પત્તાના મહેલની માફક તૂટી પડ્યો હતો. જોકે આમ છતાં રૂ. 76ના ઈસ્યુ પ્રાઈઝ સામે તે રૂ. 16નું પ્રિમીયમ સૂચવી રહ્યો છે. એનએસઈ ખાતે કાઉન્ટરમાં 16 કરોડથી વધુ શેર્સનું જંગી કામકાજ જોવા મળ્યું હતું. સોમવારે બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 71905 કરોડ જોવા મળ્યું હતું. જે એક સમયે લિસ્ટીંગ બાદ જોવા મળેલા રૂ. 1.4 લાખ કરોડના માર્કેટ-કેપમાં લગભગ 50 ટકાનો ઘટાડો સૂચવતું હતું. ઓનલાઈન ફેશન અને બ્યૂટી પ્રોડક્ટ્સ વેચાણકાર નાયકાનો શેર પણ 13.13 ટકાનો જંગી ઘટાડો સૂચવી રહ્યો હતો. કંપનીનો શેર સોમવારે નીચામાં રૂ. 1691ના ભાવે ટ્રેડ થયા બાદ રૂ. 1735.95 પર બંધ રહ્યો હતો. ગયા શુક્રવારે રૂ. 1998.30ના બંધ ભાવથી તે રૂ. 262.35નો ઘટાડો દર્શાવતો હતો. જોકે આમ છતાં રૂ. 1125ના ઓફરભાવ સામે તે નોંધપાત્ર પ્રિમીયમથી ટ્રેડ દર્શાવી રહ્યો છે. આમ રોકાણકારોને કોઈ નુકસાન ઉઠાવવાનું નથી બની રહ્યું. કંપનીનું માર્કેટ-કેપ પણ પેટીએમ અને ઝોમેટો કરતાં ઊંચું જોવા મળે છે. સોમવારના બંધ ભાવે તે રૂ. 82097 કરોડ પર રહ્યું હતું. ફિનટેક કંપની પેટીએમનો શેર સોમવારે 4.46 ટકા ગગડી રૂ. 917.45ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીના શેરે દિવસ દરમિયાન રૂ. 881.05નું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી તે સાધારણ બાઉન્સ થયો હતો. રૂ. 2150ના ઓફરભાવ સામે તે 55 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે તેનું માર્કેટ-કેપ પણ રૂ. 60 હજારની નીચે ઉતરી ગયું છે. કંપનીએ ભારતીય બજારમાંથી આઈપીઓ મારફતે રૂ. 18200ની વિક્રમી રકમ ઊભી કરી હતી. પોલિસી બઝારની માલિક પીબી ફિનટેકનો શેર પણ 10 ટકાથી વધુ ગગડી રૂ. 777.15ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 980ના ઓફરભાવ સામે રૂ. 200થી વધુના ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યો છે.
એક અન્ય ફિનટેક સાહસ ફિનો પેમેન્ટ બેંકનો શેર વધુ 3.16 ટકા ઘટાડા સાથે રૂ. 380.05 પર બંધ રહ્યો હતો. રૂ. 577ના ભાવે શેર ઓફર કરનાર કંપનીનો શેર તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યો છે. લિસ્ટીંગ બાદ તે સતત ગગડતો રહ્યો છે. નવી ટેક્નોલોજી કંપનીઓ ઉપરાંત શ્રીરામ પ્રોપર્ટીઝ જેવા રિઅલ એસ્ટેટ સાહસમાં પણ 12.70 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. કંપનીનો શેર રૂ. 118ના ઓફર પ્રાઈસ સામે 96.30ના ભાવે બંધ રહ્યો હતો. આમ રોકાણકારોને નુકસાન ઉઠાવવાનું થઈ રહ્યું છે. આ સિવાય મેટ્રો બ્રાન્ડ્સ, મેડપ્લસ જેવી કંપનીઓના શેર્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. જોકે તેઓ સાધારણ ઘટાડો સૂચવી રહ્યાં હતાં. આ સિવાય લેટન્ટ વ્યૂ એનાલિટિક્સ, ગો ફેશન, કેમપ્લાસ્ટ સન્માર, મેક્રોટેક ડેવલપર્સ, સોનો બીએલડબલ્યુ પ્રિસિશનમાં પણ ઘટાડો જોવા મળતો હતો.

IPOsમાં તીવ્ર મૂડી ધોવાણ

સ્ક્રિપ્સ સોમવારે ઘટાડો(ટકામાં)
ઝોમેટો 19.62
નાયકા 13.13
શ્રીરામ પ્રોપર્ટીઝ 12.70
પીબી ફિનટેક 10.08
રેટગેઈન ટ્રાવેલ 7.08
CMS ઇન્ફો 6.76
પેટીએમ 4.46
ફિનો પેમેન્ટ બેંક 3.10
સુપ્રિયા લાઈફસાયન્સિઝ 1.34
મેટ્રો બ્રાન્ડ્સ 1.00


ઈક્વિટી-ક્રિપ્ટોમાંથી રોકાણકારો સોના તરફ વળ્યાં, સેફહેવન રૂપી માગ વધી
એનાલિસ્ટ્સના મતે સોનું મધ્યમગાળામાં રૂ. 50 હજારની સપાટી દર્શાવી શકે

વૈશ્વિક સ્તરે રોકાણકારો ઈક્વિટીઝ અને ક્રિપ્ટોકરન્સિઝમાંથી એક્ઝિટ લઈ રહ્યાં છે અને ગોલ્ડ તરફ વળી રહ્યાં હોવાનું જણાય રહ્યું છે. યુએસ ફેડની બેઠક અગાઉ વૈશ્વિક બજારમા ગોલ્ડના ભાવ 1840 ડોલરના અવરોધ આસપાસ ટ્રેડ કરી રહ્યાં છે. જે પાર થશે તો તેના માટે 1900 ડોલરનું નવું ટાર્ગેટ જોવાઈ રહ્યું છે. જ્યારે સ્થાનિક બજારમાં ભાવ રૂ. 50 હજારની છેલ્લાં એક વર્ષથી વધુની ટોચ પર જોવા મળી શકે છે.
એનાલિસ્ટ્સના મતે યુએસ ફેડ દ્વારા રેટ વૃદ્ધિ માટેની ટાઈમલાઈન જાહેર કરવામાં આવે તેવી શક્યતાં છે. જેની પાછળ ડોલર ઈન્ડેક્સ મજબૂતી દર્શાવી રહ્યો છે. સાથે ટ્રેઝરી યિલ્ડ્સમાં પણ તેજી જોવા મળી રહી છે. કેમકે રોકાણકારો જોખમી એસેટ ક્લાસિસમાંથી બહાર આવી રહ્યાં છે અને ડોલર જેવા સેફ એસેટ ક્લાસમાં તેમના નાણા પાર્ક કરી રહ્યાં છે. બીજી બાજુ ઊંચા ઈન્ફ્લેશનને જોતાં તેમજ જીઓ-પોલિટીકલ રિસ્ક્સને જોતાં તેઓ ગોલ્ડમાં પણ કેટલીક ખરીદી કરી રહ્યાં છે. જેને લીધે છેલ્લાં સપ્તાહથી વૈશ્વિક ગોલ્ડ 1800 ડોલરની સપાટી પર જોવા મળી રહ્યું છે. સોમવારે સોનુ 8 ડોલરની મજબૂતી સાથે 1840 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. એનાલિસ્ટ્સના મતે જો સોનુ 1850 ડોલરની સપાટી કૂદાવશે તો 1875 અને 1880 સુધીનો સુધારો સંભવ છે. જો આ સ્તરો પાર થશે તો 1900 ડોલરનું લેવલ જોવા મળી શકે છે. જે વખતે સ્થાનિક બજારમાં સોનું રૂ. 50 હજારની છેલ્લાં સવા વર્ષની ટોચ નોંધાવી શકે છે. કેલેન્ડર 2021માં સોનુ 3 હજારથી 4 હજાર પોઈન્ટ્સની સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. તે રૂ. 48 હજાર પર ટકી શકવામાં સતત નિષ્ફળ રહ્યું હતું. જોકે છેલ્લાં સપ્તાહથી તે આ સપાટી પર સતત ટ્રેડ દર્શાવી રહ્યું છે. સોમવારે એમસીએક્સ ખાતે ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો રૂ. 241 અથવા 50 બેસીસ પોઈન્ટ્સના સુધારા સાથે રૂ. 48490ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તેને રૂ. 48700ના સ્તરે એક નાનો અવરોધ છે. જે પાર થશે તો રૂ. 49 હજારનું સ્તર ટૂંકમાં પાર કરી શકે છે. સોના સાથે ચાંદીમાં પણ મજબૂતીની સંભાવના છે. ગયા સપ્તાહે ચાંદીમાં રૂ. 3 હજારથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે સોમવારે તે રૂ. 226ના ઘટાડે રૂ. 64580ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી.


સ્વિગીએ 10.7 અબજ ડોલરના વેલ્યૂએશને 70 કરોડ ઊભા કર્યાં
કંપની ચોથી ડેકાકોર્ન સ્ટાર્ટઅપ બની
છ મહિનામાં જ કંપનીનું વેલ્યૂએશન 5.5 અબજ ડોલર પરથી બમણું થયું
સોમવારે જ્યારે ઝોમેટોના શેર્સમાં 20 ટકાનું ધોવાણ જોવા મળ્યું હતું ત્યારે કટ્ટરસ હરિફ સ્વિગીએ 10.7 અબજ ડોલરના મૂલ્ય સાથે 70 કરોડ ડોલર ઊભા કર્યાં હતાં. જે સાથે 10 અબજ ડોલરથી વધુનું મૂલ્ય ધરાવનાર તે ચોથી કંપની બની હતી. આવી કંપનીઓને ડેકાકોર્ન કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં ફિનટેક કંપની પેટીએમ, હોટલ એગ્રીગેટર ઓયો અને એડ-ટેક બાઈજુસ ડેકાકોર્ન કેટેગરીમાં પ્રવેશી ચૂક્યાં હતાં.
ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીના વેલ્યૂએશનમાં 6 મહિનામાં જ બમણી વૃદ્ધિ જોવા મળી હતી. જુલાઈ 2021માં તેણે 5.5 અબજ ડોલરના વેલ્યૂએશન પર સોફ્ટબેંક વિઝન ફંડ 2, પ્રોસૂસ, એક્સેલ અને વેલિંગ્ટન પાસેથી 1.25 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. જ્યારે તાજેતરના રાઉન્ડમાં તેણે ઈન્વેસ્કોની આગેવાની હેઠળના રાઉન્ડમાં નાણા ઊભા કર્યાં છે. જેમાં અન્ય રોકાણકારોમાં બેરોન કેપિટલ ગ્રૂપ, સુમેરુ વેન્ચર, આઈઆઈએફએલ એએમસી લેટ સ્ટેજ ટેક ફંડ, કોટક, એક્સિસ ગ્રોથ એવન્યૂઝ એઆઈએફ-1, સિક્સ્ટિન્થ સ્ટ્રીટ કેપિટલ, ઘીસાલ્લો, સ્માઈલ ગ્રૂપ અને સેગાન્તીં કેપિટલનો સમાવેશ થાય છે. રિલાયન્સ રિટેલે 25 કરોડ ડોલરમાં ડુંઝોમાં કરેલી હિસ્સા ખરીદીના કેટલાંક દિવસોમાં જ સ્વિગીએ ફંડ ઊભું કર્યું છે. સ્વિગી માટે નવા ફંડ બાદ તેના ગ્રોસરી ડિલિવરી બિઝનેસને વધુ મજબૂત કરવા માટેનું બળ પ્રાપ્ત થશે. જ્યારે તેની ફૂડ ડિલીવરી બિઝનેસને પણ મજબૂતી મળશે.



એક્સિસ બેંકનો નફો 224 ટકા ઉછળી રૂ. 3614 કરોડ રહ્યો
પ્રાઈવેટ સેક્ટરની ત્રીજા ક્રમની એક્સિસ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં 224 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 3614 કરોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 3046 કરોડ પર હતો. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 17 ટકા ઉછળી રૂ. 8653 કરોડ રહી હતી. એસેટ ક્વોલિટી બાબતે પણ બેંકનો દેખાવ ખૂબ સરસ જોવા મળ્યો હતો. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ 36 બેસીસ પોઈન્ટ્સના ઘટાડે 3.17 ટકા પર રહી હતી. જ્યારે નેટ એનપીએ 17 બેસીસ પોઈન્ટ્સ ગગડી 0.91 ટકા પર જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે નેટ લોન સ્લીપેજ રેશિયો 38 બેસીસ પોઈન્ટસ ગગડી 0.06 ટકા રહ્યો હતો. સ્પેસિફિક લોન-લોસ પ્રોવિઝન્સ ત્રિમાસિક ઘોરણે રૂ. 927 કરોડ પરથી ઘટી રૂ. 790 કરોડ પર જોવા મળ્યું હતું.
ડોલર સામે રૂપિયામાં 19 પૈસાનો ઘટાડો
ઈક્વિટી માર્કેટમાં ભારે વેચવાલીને પગલે સ્થાનિક ચલણમાં ઘસારાનો ટ્રેન્ડ જળવાયો છે. સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 19 પૈસા ગગડી 74.62ના સ્તરે બંધ રહ્યો હતો. રૂપિયો અગાઉના બંધ 74.44ની સામે 74.43ના સ્તરે ખૂલ્યાં બાદ સાધારણ સુધરી 74.42ના લો પર જોવા મળ્યો હતો. જોકે દિવસ જતાં ઈક્વિટીઝમાં ભારે વેચવાલીને કારણે રૂપિયો 74.69ના દિવસના તળિયા પર પટકાયો હતો. જ્યાંથી સહેજ સુધરી 74.62 પર બંધ દર્શાવ્યું હતું. આમ સપ્તાહ અગાઉના 73.77ની તાજેતરની ટોચ સામે તે 90 પૈસા જેટલો ગગડી ચૂક્યો છે. એનાલિસ્ટ્સ રૂપિયાને 75ની સપાટી આસપાસ સપોર્ટ મળે તેવી શક્યતાં જોઈ રહ્યાં છે.
ફેબ ઈન્ડિયાએ IPO માટે DRHP ફાઈલ કર્યું
દેશમાં પ્રથમ ઈએસજી આઈપીઓ માટે ફેબ ઈન્ડિયાએ સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની બજારમાંથી રૂ. 4000 કરોડ ઊભા કરવા ધારે છે. જેમાં રૂ. 500 કરોડ સુધીના ફ્રેશ ઈસ્યુનો સમાવેશ થાય છે. જ્યારે બાકીની ઓફર-ફોર-સેલ હશે. કંપનીના પ્રમોટર્સ ઉપરાંત બજાજ હોલ્ડિંગ્સ, કોટક ઈન્ડિયા એડવાન્ટેજ ફંડ-1, આઈએફઆઈએસ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝ કંપનીમાં રોકાણ ધરાવે છે. કંપની 50 હજારથી વધુ કળાકારો સાથે જોડાયેલી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage