Market Summary 24 March 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
યુધ્ધના એક મહિનામાં નિફ્ટી ઘટકોએ 35 ટકાનું રિટર્ન દર્શાવ્યું
બેન્ચમાર્ક નિફ્ટીએ યૂક્રેન યુધ્ધ શરૂ થયાથી અત્યાર સુધીમાં 6 ટકા સુધારો દર્શાવ્યો
નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 30માં 5 ટકાથી વધુનો સુધારો નોંધાયો
રશિયા-યૂક્રેન યુધ્ધને શરૂ થયાના એક મહિનામાં શેરબજારમાં ટોચના લાર્જ-કેપ્સે સારુ પર્ફોર્મન્સ દર્શાવ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટીએ 24 ફેબ્રુઆરથી 24 માર્ચ સુધીના મહિનામાં 5.85 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે નિફ્ટીના 50 ઘટકોએ 35 ટકા સુધીનું તીવ્ર વળતર પૂરું પાડ્યું છે.
યુધ્ધ પાછળ છેલ્લાં એક મહિનામાં વૈશ્વિક બજારો પાછળ ભારતીય બજારમાં પણ બે બાજુની મોટી વધ-ઘટ જોવા મળી હતી. જોકે આમ છતાં સરવાળે માર્કેટ સુધારો દર્શાવી રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી યુધ્ધની શરૂઆતના દિવસે ઊંધા માથે પટકાઈને 16247.95ના સાત મહિનાના તળિયા પર પટકાયો હતો. જોકે ગુરુવારે તે 17197.95ના સ્તરે લગભગ 900થી વધુ પોઈન્ટ્સનો સુધારો સૂચવી રહ્યો હતો. આમ એક મહિનામાં તેણે વોલેટિલિટી સાથે રિટર્ન જાળવી રાખ્યું હતું. નિફ્ટીના 50 ઘટકોની વાત કરીએ તો 38 ઘટકોએ પોઝીટીવ રિટર્ન આપ્યું હતું. જ્યારે 12 ઘટકો નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં હતાં. પોઝીટીવ રિટર્ન દર્શાવનારા 38 કાઉન્ટર્સમાંથી 30 તો 5 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યાં છે. જ્યારે 20 કાઉન્ટર્સથી 10 ટકાથી વધુ સુધારો દર્શાવે છે. જ્યારે 11 કાઉન્ટર્સ 15 ટકાથી વધુ રિટર્ન સૂચવે છે. સૌથી વધુ રિટર્ન ઝી લિ.માં 35.3 ટકાનું જોવા મળે છે. ગુરુવારે પોઝીટીવ અહેવાલ પાછળ કંપનીનો શેર 17 ટકા જેટલો ઉછળ્યો હતો. નિફ્ટીમાં નોંધપાત્ર સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં મેટલ શેર્સ અગ્રણી છે. આ સિવાય કોલ ઈન્ડિયા જેવા જાહેર સાહસે પણ સારો દેખાવ કર્યો છે. જ્યારે એફએમસીજી ક્ષેત્રે આઈટીસીએ મહિનામાં 22 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. યૂપીએલનો શેર 26 ટકા રિટર્ન સાથે નિફ્ટી કાઉન્ટર્સમાં બીજા ક્રમે જોવા મળે છે. કોલ ઈન્ડિયા 25 ટકા રિટર્ન દર્શાવે છે અને તે રૂ. 200ની સપાટી નજીક જઈ વાર્ષિક ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. એક એન્ય પીએસયૂ સાહસ ગેઈલ ઈન્ડિયાનો શેર પણ 17 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. જ્યારે ફાર્મા અગ્રણી સિપ્લાનો શેર 15 ટકા રિટર્ન સૂચવે છે. તેણે મહિના દરમિયાન પ્રથમવાર રૂ. 1000ની સપાટી પાર કરી હતી અને રૂ. 80 હજાર કરોડનું માર્કેટ-કેપ પણ દર્શાવ્યું હતું.
બીજી બાજુ નિફ્ટીમાં નેગેટિવ રિટર્ન દર્શાવનારા કાઉન્ટર્સમાં એફએમસીજી, ઓટો અને બેંકિંગ ટોચ પર છે. બ્રિટાનિયાનો શેર યુધ્ધના મહિનામાં 10 ટકાનું ધોવાણ સૂચવે છે. જ્યારે હિંદુસ્તાન યુનિલીવર અને આઈશર મોટર પણ લગભગ 10-10 ટકા ઘટાડો દર્શાવે છે. મારુતિ 8 ટકા જ્યારે કોટક બેંક 5 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.

રશિયા-યૂક્રેન યુધ્ધ બાદ નિફ્ટી-50 ઘટકોનો દેખાવ
સ્ક્રિપ્સ 24 ફેબ્રુ.નો બંધ ભાવ(રૂ.) બજારભાવ(રૂ.) ફેરફાર(ટકામાં)

નિફ્ટી 16247.95 17197.95 5.85
ઝી લિ. 221.2 299.3 35.31
UPL 632.3 797.9 26.19
JSW સ્ટીલ 569.35 715 25.58
ટાટા સ્ટીલ 1074 1346.95 25.41
વેદાંત 329.1 410.5 24.73
કોલ ઈન્ડિયા 150 187.1 24.73
ITC 208.5 254.7 22.16
હિંદાલ્કો 517.65 619.9 19.75
ગેઈલ 125.47 147.2 17.32
ટેક મહિન્દ્રા 1333 1562.1 17.19
સિપ્લા 895.8 1029.9 14.97

તાતા જૂથની કંપનીઓ શેર્સ વેચી ડેટ ઘટાડશે
તાતા જૂથ કંપનીઓ તેમના શેર્સ અને બિઝનેસ પોર્ટફોલિયોના કેટલાંક હિસ્સાનું વેચાણ કરી ડેટને ઘટાડવા માટેના પ્રયાસો કરી રહ્યાં છે. આ કંપનીઓમાં ઈન્ડિયન હોટેલ્સ, તાતા મોટર્સ ફાઈનાન્સ અને તાતા ટેલિસર્વિસિસનો સમાવેશ થાય છે. આવા પ્રયાસના ભાગરૂપે જ ઈન્ડિયન હોટેલ્સે રૂ. 2000 કરોડનો ક્વિપ ઈસ્યુ લોંચ કર્યો હતો. જે મારફતે કંપની તેનું ડેટ 50 ટકા જેટલું ઘટાડશે. માર્ચ 2021માં કંપનીનું ડેટ રૂ. 5 હજાર કરોડ જેટલું હતું. તાતા મોટર્સ ફાઈનાન્સ એસબીઆઈની સાથે તેના રૂ. 14500 કરોડના વેહીકલ પોર્ટફોલિયોના વેચાણ માટે મંત્રણા ચલાવી રહી છે. જેના કારણે તેની પેરન્ટ કંપની તાતા મોટર્સનું કોન્સોલિડેટ ડેટ ઘટશે એમ બેંકર જણાવે છે.તાતા ટેલિસર્વિસિસે પણ તેના ડેટમાંથી રૂ. 2420 કરોડની ચૂકવણી કરી છે. માર્ચ 2020માં રૂ. 2.60 લાખ કરોડના કુલ દેવા સામે માર્ચ 2021માં તાતા જૂથની કંપનીઓનું ડેટ રૂ. 2.05 લાખ કરોડ પર હતું.

ગોલ્ડમાં મજબૂતી, ક્રૂડ મક્કમ
વૈશ્વિક ગોલ્ડના ભાવ ગુરુવારે 1949 ડોલરની ટોચ પર ટ્રેડ થયાં હતાં. યૂક્રેન પ્રમુખની નાટો સંમેલનમાં જોડાવાના અહેવાલે તણાવ વધુ ઘેરાય તેવી શક્યતાએ ક્રૂડ અને ગોલ્ડ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. બ્રેન્ટ ક્રૂડ વાયદો 124 ડોલરની તાજેતરની ટોચ પર ટ્રેડ થયા બાદ 121 ડોલર પર જોવા મળતો હતો. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 53ના સુધારે રૂ. 51820 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 71ના સુધારે રૂ. 68335 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં જોકે નીકલ સિવાય અન્યમાં નરમાઈ જોવા મળતી હતી. જ્યારે નેચરલ ગેસ સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો હતો.

વિક્રમ સોલર લિમિટેડએ IPO માટે ડીઆરએચપી ફાઇલ કર્યું
ભારતમાં સોલર ફોટો-વોલ્ટેઇક મોડ્યુલ્સની સૌથી મોટી કંપનીઓમાંની એક તથા એન્જિનીયરિંગ, પ્રોક્યુટરમેન્ટ અને કન્સ્ટ્રક્શન સેવાઓ તેમજ ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સ સેવાઓ પૂરી પાડતી ઈન્ટિગ્રેટેડ સોલર એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર વિક્રમ સોલર લિમિટેડે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશવા માટે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું છે. જેમાં રૂ. 1500 કરોડ સુધીના ફ્રેશ ઈસ્યૂનો જ્યારે પાંચ લાખ શેર્સના ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. કંપની યુએસ અને ચીનમાં ઓફિસ મારફતે વૈશ્વિક કામગીરીનું સંચાલન કરે છે.

માર્કેટ વોલેટિલિટી પાછળ ડઝન IPOના પ્લાન અટવાયાં
2022ના પ્રથમ કવાર્ટરમાં પ્રવેશવા તૈયાર કંપનીઓએ આઈપીઓને ત્રીજા કે ચોથા ક્વાર્ટર પર પાછા ઠેલ્યાં

નવા કેલેન્ડરની શરૂઆતથી માર્કેટમાં જોવા મળી રહેલી વોલેટિલિટી તથા સરકાર માટે મહત્વાકાંક્ષી એવા એલઆઈસીના મેગા આઈપીઓમાં વિલંબની પાછળ લગભગ એક ડઝન જેટલી કંપનીઓના આઈપીઓ અટવાય પડ્યાં છે. આ કંપનીઓએ હવે બજારની સ્થિતિ જોઈને જૂન કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માર્કેટમાં પ્રવેશે તેવી શક્યતા હોવાનું વર્તુળો જણાવે છે.
અગાઉ જે લોકોએ આઈપીઓ માટે સેબીની મંજૂરી લઈ લીધી હતી તેમણે હવે ફરીથી માર્ચ ક્વાર્ટરના નાણાકિય દેખાવને આધારે સેબી પાસે આખરી પ્રોસ્પેક્ટસ ફાઈલ કરવાનું રહેશે. જોકે માર્ચ ક્વાર્ટરના પરિણામો તૈયાર થશે. જ્યારબાદ તેનું ઓડિટીંગ થશે. જેમાં મે મહિનો લગભગ પૂરો થઈ જશે. આમ આ કંપનીઓ વહેલામાં વહેલા જૂન ક્વાર્ટરમાં અથવા તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જ બજારમાં પ્રવેશી શકશે. આમ 2022ની શરૂઆતમાં આઈપીઓ સાથે પ્રવેશવા તૈયાર કંપનીઓ માટે છથી નવ મહિનાનો વિલંબ થઈ ચૂક્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ લગભગ 52 કંપનીઓને આઈપીઓ માટે મંજૂરી આપી હતી અને તેઓ બજારમાંથી રૂ. 75000 કરોડ એકત્ર કરે તેવી શક્યતા હતી. જ્યારે અન્ય 46 કંપનીઓએ તેમના ડીઆરએચપી ફાઈલ કર્યાં છે અને હાલમાં તેઓ સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છે. જેમના આઈપીઓ અટવાય પડ્યાં છે તેવી કેટલીક કંપનીઓમાં ડેલ્હિવરી, એપીઆઈ હોલ્ડિંગ્સ, એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ, ગો એરલાઈન્સ, ફાઈવ-સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ, જેમિની એડિબલ્સ, પારાદિપ ફોસ્ફેટ્સ, રેન્બો ચિલ્ડ્રન્સ મેડીકેર તથા ઈન્ડિયાવન પેમેન્ટ્સ જેવા નામોનો સમાવેશ થાય છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage