માર્કેટ સમરી
નિફ્ટી 129 પોઈન્ટ્સ સુધરી 13055ના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. અંતિમ 2 મહિનામાં બેન્ચમાર્કે 16 ટકાનો સુધારો દર્શાવ્યો છે. 24 સપ્ટેમ્બરે તે 10790ના તળિયેથી સુધરતો રહ્યો છે. મંગળવારે ભારતીય બજારે હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ ચાલુ રાખ્યું હતું.
ડાઉ ફ્યુચર 296 પોઈન્ટસ મજબૂત
ડાઉ ફ્યુચર 296 પોઈન્ટ્સ મજબૂતી સાથે 29843 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેણે ભારતીય બજારને સપોર્ટ પૂરો પાડ્ય હતો.
નિફ્ટીમાં 13200નું નવુ ટાર્ગેટ
વૈશ્વિક બજારોના સપોર્ટને કારણે 13000નું સ્તર પાર થયા બાદ હવે શોર્ટ કવરિંગ પાછળ નિફ્ટી 13200નું સ્તર ઝડપી દર્શાવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
બેંક નિફ્ટીએ માર્ચ મહિનાની ટોચ પાર કરી
બેંક નિફ્ટીએ માર્ચ મહિનાની 29700ની તેની ટોચને પાર કરી હતી. બેન્ચમાર્ક 2.46 ટકા અથવા 713 પોઈન્ટ્સ ઉછળી 29737 પર બંધ રહ્યો હતો.
એચડીએફસી બેંક અને કોટક બેંકે નવી ટોચ દર્શાવી
દેશની બે ટોચની પ્રાઈવેટ સેક્ટર બેંક એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં સતત આગેકૂચ જોવા મળી રહી છે. એચડીએફસી બેંકનો શેર મંગળવારે 3.5 ટકા ઉછળી રૂ. 1445 પર જોવા મળ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ લગભગ રૂ. 8 લાખ કરોડ નજીક પહોંચી ગયું હતું. માર્કેટ-કેપમાં બીજા ક્રમે આવતી કોટક મહિન્દ્રા બેંકનો શેર 2 ટકા ઉછળી રૂ. 1948 પર જોવા મળ્યો હતો. જે ભાવે બેંકનું માર્કેટ-કેપ રૂ. 3.84 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જો બંને બેંક શેર્સમાં સુધારો જળવાશે તો એચડીએફસી બેંક રૂ. 8 લાખ કરોડનું માર્કેટ-કેપ જ્યારે કોટક બેંક રૂ. 4 લાખ કરોડનું માર્કેટ-કેપ નજીકના સમયમાં દર્શાવે તેવું જણાય છે.
બીએસઈ ખાતે 365 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં
એકબાજુ નિફ્ટી નવા સીમાચિહ્નો હાંસલ કરતો જાય છે ત્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ સતત ખરીદી ચાલુ છે. મંગળવારે બીએસઈ ખાતે 365 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. એટલેકે એક્સચેન્જ ખાતે ટ્રેડેડ 300 કંપનીઓમાંથી 12 ટકાથી વધુ કંપનીઓ 5 ટકા, 10 ટકા કે 20 ટકાના એક દિવસીય સુધારા પર બંધ દર્શાવતી હતી. આમાંથી 178 કંપનીઓએ 52-સપ્તાહની ટોચ અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
એનબીએફસી કંપનીઓમાં સતત બીજા દિવસે જળવાયેલો સુધારો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંતરિક વર્કિંગ ગ્રૂપે એનબીએફસીને બેંક લાયસન્સ આપવા માટે મૂકેલા પ્રસ્તાવની અસરે મંગળવારે પણ ઘણી એનબીએફસી કંપનીઓના શેર્સમાં સુધારો જળવાયો હતો. જેમાં સોમવારે 20 ટકાનું બંધ દર્શાવનાર ઈક્વિટાસ હોલ્ડિંગ્સનો શેર વધુ 7 ટકા ઉછળ્યો હતો. ઉપરાંત શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ 6 ટકા, એમએન્ડએમ ફાઈનાન્સ 5 ટકા, શ્રીરામસિટી ફાઈ. 4 ટકા જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે.
વેક્સિનના અહેવાલ પાછળ સોનું ચાર મહિનાના તળિયે પટકાયું
કોવિડમાં રાહત મળવાની શક્યતા પાછળ ગોલ્ડ રૂ. 49000ની સપાટી નીચે ટ્રેડ થયું, અગાઉ 20 જુલાઈએ આ સ્તર જોવા મળ્યું હતું
ચાંદી પણ રૂ. 60 હજારના સ્તર નીચે મહિનાના તળિયા પર જોવા મળી
એમસીએક્સ ખાતે સોનું તેની ઓગસ્ટ ટોચથી 13 ટકા કરેક્ટ થયું, ચાંદીમાં 23 ટકાનું કરેક્શન
કોવિડ સામે સમગ્ર વિશ્વને રાહત આપી રહેલાં વેક્સિન અંગેના અહેવાલો કિંમતી ધાતુઓમાં વેચવાલીનું કારણ બન્યાં છે. વિતેલા સપ્તાહે સુસ્ત રહ્યાં બાદ ચાલુ સપ્તાહે શરૂઆતી બે દિવસમાં સોનું-ચાંદી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં છે. મંગળવારે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સોનું 1.5 ટકાથી વધુના ઘટાડે 48700ના સ્તર પર પટકાયું હતું. જે તેની ચાર મહિનાની નીચી સપાટી હતી. અગાઉ 20 જુલાઈએ સોનું આ સ્તર પર ટ્રેડ દર્શાવતું હતું. એમસીએક્સ ચાંદી પણ 1.8 ટકાથી વધુ ગગડી રૂ. 59400ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. સોમવારે રૂ. 1600થી વધુના ઘટાડા બાદ મંગળવારે પણ તે રૂ. 1150નો ઘટાડો દર્શાવી રહી હતી. વૈશ્વિક કોમેક્સ ખાતે સોનું 27 ડોલર અથવા 1.5 ટકાના ઘટાડે રૂ. 1809 ડોલર પર ટ્રેડ થયું હતું. જ્યારે સિલ્વર 1.8 ટકા અથવા 42 સેન્ટ્સ તૂટી 23.21 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવતી હતી.