બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ
ભારતીય બજારે સતત ચોથા સત્ર દરમિયાન સુધારો જાળવ્યો હતો. જોકે શુક્રવારે ઊંચા સ્તરે વેચવાલી પાછળ બેન્ચમાર્ક નિફ્ટી ટોચ પરથી લગભગ 100 પોઈન્ટ્સ નીચે બંધ આવ્યો હતો. નિફ્ટીએ સવારના ભાગમાં 17947.65ની સર્વોચ્ચ ટોચ દર્શાવ્યાં બાદ 17819ની સપાટી દર્શાવી હતી. આખરે 17853.20ના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં નરમાઈની પણ સ્થાનિક બજાર પર અસર પડી હતી. એશિયન બજારો ઘટીને બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે યુરોપ બજારો પણ એક ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. બેન્ચમાર્કને બેંકિંગ, ઓટો, આઈટી અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જોકે મેટલમાં ઘટાડો આગળ વધ્યો હતો. એફએમસીજીમાં પણ નરમાઈ જોવા મળી હતી.
ભારતીએ રૂ. 4 લાખ કરોડનું એમ-કેપ પાર કર્યું
ટેલિકોમ કંપની ભારતીનો શેર શુક્રવારે 1.8 ટકા સુધારા સાથે રૂ. 739.20ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીએ રૂ. 4.05 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. રૂ. 4 લાખ કરોડથી વધુ માર્કેટ-કેપ દર્શાવતી તે ચોથી કંપની બની હતી. ઈન્ટ્રા-ડે દરમિયાન કંપનીનો શેર રૂ. 753ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. રૂ. 394ના 53-સપ્તાહના તળિયાથી તે 80 ટકાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યો છે. તાજેતરમાં તેણે એસબીઆઈ, કોટક બેંકને માર્કેટ-કેપમાં પાછળ રાખ્યાં છે.
સબસ્ક્રાઈબર્સમાં લોસ બાદ પણ વોડાફોનનો શેર 9 ટકા ઉછળ્યો
જુલાઈ મહિનામાં ગ્રાહક બેઝમાં 14.3 લાખના ઘટાડા છતાં વોડાફોનનો શેર શુક્રવારે 9 ટકા ઉછળ્યો હતો. કંપનીનો શેર 95 પૈસાના સુધારે રૂ. 11.50ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેની છેલ્લા સાત મહિનાની ટોચ છે. દોઢ મહિના અગાઉના તળિયાના સ્તરેથી શેર 250 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. સરકારે જાહેર કરેલા ટેલિકોમ પેકેજ પાછળ કંપની નવા રોકાણકારો મેળવે તેવી શક્યતા પાછળ શેરમાં સુધારો જોવા મળી રહ્યો છે.
આદિત્ય બિરલા સન લાઈફ એએમસી રૂ. 2768 કરોડ ઊભા કરશે
આદિત્ય બિરલા જૂથની એસેટ મેનેજમેન્ટ કંપની મૂડી બજારમાં આઈપીઓ મારફતે રૂ. 2768 કરોડ ઊભા કરશે. કંપનીનો આઈપીઓ 29 સપ્ટેમ્બરે ખૂલશે અને 1 ઓક્ટોબરે બંધ થશે. કંપની રૂ. 695-712ના પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. આઈપીઓમાં આદિત્ય બિરલા કેપિટલ તરફથી 28.51 લાખ શેર્સ જ્યારે સન લાઈફ એએમસી દ્વારા 3.88 કરોડ શેર્સની ઓફર-ફોર-સેલ રહેશે. રિટેલ ઈન્વેસ્ટર્સ માટે 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે ક્વિપ માટે 50 ટકા હિસ્સો રિઝર્વ રહેશે. ગ્રે-માર્કેટમાં કંપનીના શેરનું રૂ. 50નું પ્રિમીયમ જોવા મળતું હતું.
સેમીકંડક્ટરની તંગી 2022ની શરૂઆતથી હળવી થવાની શક્યતા
ઓટોમોબાઈલ કંપનીઓ તથા મોબાઈલ હેન્ડસેટ કંપનીઓને નડી રહેલી સેમીકંડક્ટરની અછત જાન્યુઆરી 2022થી હળવી થવાની શક્યતા છે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ચીપની તંગી ચાલુ રહેશે. જોકે હાલમાં ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર સેમીકંડક્ટર ઉત્પાદકો સાથે વાતચીત કરી રહ્યાં છે અને તેઓ બાર મહિના પછીની ડિલિવરી માટે કોન્ટ્રેક્ટ સાઈન કરી રહ્યાં છે એમ અગ્રણી ઓઈએમ કંપની પ્રિકોલના અધિકારી જણાવે છે. તેઓ ઉમેરે છે કે હાલમાં જાન્યુઆરી 2021થી શરૂ થયેલી સમસ્યા તેના ખરાબ સમયને પૂરી કરી ચૂકી છે. હજુ એક ક્વાર્ટર સુધી તકલીફ જોવા મળશે. જ્યારે જાન્યુઆરીથી સ્થિતિમાં રાહત જોવા મળશે. જ્યારે આગામી વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર બાદ તેમાં વધુ રાહત જોવાશે. પ્રિકોલ ઓટોમોબાઈલ કંપનીઓને સેમીકંડક્ટર-પાવર્ડ ઈલેક્ટ્રોનિક યુનિટ્સનો સપ્લાય કરે છે. જેમાં ટેલિમેટ્ક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર્સનો સમાવેશ થાય છે. કંપનીની 45 ટકા રેવન્યૂ આવા કોમ્પોનેન્ટ પર આધારિત છે.
તહેવારોમાં ઈ-કોમર્સનું વેચાણ 9 અબજ ડોલરને પાર કરે તેવી શક્યતા
2020માં મહામારીના વર્ષે જોવા મળેલા 8.3 અબજ ડોલરના વેચાણને પાર કરવાનો અંદાજ
વર્તમાન ફેસ્ટીવલ સિઝનમાં ઈ-કોમર્સ કંપનીઓ 9 અબજ ડોલરના આંકને પાર કરી નવો વિક્રમ નોઁધાવે તેવી શક્યતા જોવાઈ રહી છે. 2020માં મહામારીના વર્ષમાં તેમણે 8.3 અબજ ડોલરનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે મહામારી અગાઉ કેલેન્ડર 2019માં તેમણે 5 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું હતું. મહામારીને કારણે ઈ-કોમર્સને મોટો લાભ થયો હતો અને તેથી છેલ્લાં બે કેલેન્ડરમાં એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતના ઈ-કોમર્સ પ્લેયર્સના કામકાજમાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન થતાં વેચાણને ફેસ્ટીવલ સેલ કેટેગરીમાં ગણવામાં આવે છે.
રેડસિઅર્સ ઈ-કોમર્સ ફેસ્ટીવલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ગ્રોસ મર્કેન્ડાઈઝ વેલ્યૂ અથવા જીએમવી વાર્ષિક ધોરણે 30 ટકા વૃદ્ધિ દર્શાવે અને સિઝનના પ્રથમ સપ્તાહમાં 4.8 અબજ ડોલર પર રહે તેવી શક્યતા છે. જ્યારે સમગ્ર સિઝન દરમિયાન તે 9 અબજ ડોલરના આંકને પાર કરે તેવું જણાય રહ્યું છે. જે ગયા વર્ષ માટે કરવામાં આવેલી 7.4 અબજ ડોલરની આગાહી કરતાં 23 ટકા કરતાં વધુ છે. જોકે ગયા વર્ષે પણ 7.3 અબજ ડોલરના અંદાજ સામે આખરે 8.3 અબજ ડોલરનું વેચાણ જોવા મળ્યું હતું. જે 2019ના 5 અબજ ડોલરની સરખામણીમાં 65 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવતું હતું. 2018માં ફેસ્ટીવલ સિઝનમાં 4.1 અબજ ડોલરનું વેચાણ જોવા મળ્યું હતું.
2021માં કુલ ઓનલાઈન જીએમવી 49-52 અબજ ડોલરનો આંક દર્શાવે તેવી શક્યતા છે. જે ગયા વર્ષની સરખામણીમાં 37 ટકા વૃદ્ધિ સૂચવે છે. આ માટેના બે મુખ્ય કારણોમાં ઓનલાઈન શોપીંગમાં નવી કેટેગરીઝનો ઉમેરો મુખ્ય છે. આ ઉપરાંત બીજી શ્રેણીના શહેરો તથા નગરોમાંથી જોવા મળતી ઊંચી ઓનલાઈન ખરીદી પણ મહત્વની ભૂમિકા ભજવે છે. બીજી શ્રેણીના શહેરો કુલ ઓનલાઈન શોપર્સ બેઝમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. જે 2020માં 57 ટકા પર જોવા મળતો હતો. ઓનલાઈન સેલ્સમાં મોબાઈલ સૌથી મોટી કેટેગરી છે અને આ વખતે પણ તેનું પ્રભુત્વ જળવાય રહેશે. જ્યારે પછીના ક્રમે ઈલેક્ટ્રોનિક્સની માગ જોવા મળે તેવી શક્યતા છે. ગ્રાહકોને મળી રહેલા ઈઝી પે ઓપ્શન્સ તથા ઈએમઆઈની સુવિધાને પણ ઈ-કોમર્સની વૃદ્ધિનું ચાલક માનવામાં આવે છે. રેડસિઅરના સર્વે મુજબ સેલર્સ મહામારીને કારણે ગયા વર્ષે થયેલા નુકસાનને ચાલુ વર્ષે પરત મેળવવાની આશા રાખી રહ્યાં છે. લગભગ 80 ટકા સેલર્સ માને છે કે કોવિડને કારણે થયેલા નુકસાનમાંથી રિકવરીમાં ફેસ્ટીવલ સેલ્સ મહત્વનો ભાગ ભજવશે.
ચીનની સેન્ટ્રલ બેંકે ક્રિપ્ટોકરન્સીઝ ટ્રેડિંગને ગેરકાયદે ગણાવતાં ભાવમાં કડાકો
બિટકોઈન 45142 ડોલરની ટોચ પરથી પાંચ હજાર ડોલર ગગડી 40750 પર ટ્રેડ થયો
ઈથેરિયમ, ડોજેકોઈન, એક્સઆરપી, લિટેકોઈન સહિતની કરન્સિઝમાં 8 ટકા સુધીનું પતન
પિપલ્સ બેંક ઓફ ચાઈનાને વિદેશી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જિસને પણ ગેરકાયદે ગણાવ્યાં
ક્રિપ્ટોકરન્સિસ માર્કેટને એક મોટા આંચકામાં ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ દેશમાં તમામ ક્રિપ્ટોકરન્સિસ સંબંધી ટ્રાન્ઝેક્શન્સને ગેરકાયદે ગણાવ્યાં છે. શુક્રવારે બેંકની ક્રિપ્ટોકરન્સીઝ પરની તવાઈ પાછળ અગ્રણી ડિજિટલ કરન્સિઝના ભાવો ઊંધા માથે પટકાયાં હતાં. જેમાં ટોચની કરન્સી બિટકોઈનનો ભાવ 6 ટકા જેટલો તૂટ્યો હતો. જ્યારે અન્ય નાની ક્રિપ્ટોકરન્સિઝના ભાવ પણ 6-8 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. વૈશ્વિક સ્તરે ચીનના રોકાણકારોની જંગી પોઝીશન્સ જોતાં આગામી દિવસોમાં પણ ક્રિપ્ટોકરન્સિઝના ભાવ પર નેગેટિવ અસર જોવા મળે તેવી શક્યતાં છે.
અગ્રણી ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે પિપલ્સ બેંક ઓફ ચીન(પીઓબીસી)ની વેબસાઈટ પર જોઈન્ટ ગવર્મેન્ટ ગાઈડલાઈન્સમાં નોંધ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. બેંકના જણાવ્યા મુજબ દેશમાં ક્રિપ્ટોનું ટ્રેડિંગ, ઓર્ડર મેચીંગ, ટોકન ઈસ્યૂઅન્સ અને વર્ચ્યુઅલ કરન્સિઝ માટેના ડેરિવેટિવ્સ પર કડક પ્રતિબંધ મૂકાવો જોઈએ. તેણે ક્રિપ્ટોકરન્સિઝના ટ્રેડિંગ માટે દેશમાં સેવા પૂરી પાડી રહેલા વિદેશી એક્સચેન્જિસને પણ ગેરકાયદે હોવાનું જણાવ્યું હતું. યુરોપ સમય મુજબ લગભગ બપોરે વહેતાં થયેલા આ અહેવાલ બાદ ક્રિપ્ટો કરન્સિઝમાં પેનિક સાથે વેચવાલી જોવા મળી હતી. ચીની મધ્યસ્થ બેંકના નિવેદન મુજબ બિટકોઈન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સિઝ કોઈ દેશ દ્વારા જારી કરવામાં આવેલું ચલણ નથી અને તેથી તેને માર્કેટમાં સર્ક્યૂલેટ કરી શકાય નહિ. પીઓબીસીના અત્યાર સુધીના ક્રિપ્ટોકરન્સિઝ પરના સૌથી મજબૂત નિવેદનની સમગ્ર ક્રિપ્ટો એસેટ ક્લાસ પર અસર પડી હતી. જેમાં બિટકોઈન 5-6 ટકા જેટલી તૂટી હતી. જ્યારે બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સિ ઈથેરિયમમાં 8 ટકાનો ઘટાડો જોવા મળતો હતો. ડોજેકોઈનમાં 7 ટકા, લિટેકોઈનમાં 7 ટકા જ્યારે એક્સઆરપીમાં 6 ટકાનો ઘટાડો બોલાઈ ગયો હતો. છેલ્લાં ત્રણ મહિના દરમિયાન ક્રિપ્ટોકરન્સિઝના ભાવમાં એલેન મસ્ક જેવા રોકાણકારો અથવા તો સેન્ટ્રલ બેંક્સની ટિપ્પણીઓને કારણે ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. જેની પાછળ મે મહિનામાં 64888.99 ડોલરની સર્વોચ્ચ સપાટી દર્શાવ્યાં બાદ બિટકોઈન ફરી આ સ્તર નજીક જોવા મળ્યો નથી. નીચામાં તે 30 હજાર ડોલર સુધી ગગડી તાજેતરમાં 55 હજાર ડોલરને સ્પર્શી ફરી પરત ફર્યો છે.
પીબીઓસીના નિવેદનને ચીનમાં ક્રિપ્ટોકરન્સિઝ પર આગામી સમયગાળામાં સરકાર તરફથી મોટી તવાઈના એક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. દેશની ઈકોનોમિક પ્લાનીંગ એજન્સી પણ ચીન કાર્બન એમિશનના લક્ષ્યાંકો હાંસલ કરી શકે તે માટે અગાઉ દેશમાંથી ક્રિપ્ટો માઈનીંગ પર પ્રતિબંધની માગણી કરી ચૂકી છે. જેને લક્ષ્યમાં લઈ સરકારે ક્રિપ્ટો માઈનીંગ કરનારાઓ પર મોટી કાર્યવાહી કરી હતી.
વિવિધ ક્રિપ્ટોકરન્સીઝના હાલ બેહાલ
કરન્સિઝ ભાવ(ડોલર/સેન્ટમાં) શુક્રવારે ઘટાડો(ટકામાં)
બિટકોઈન 40750 5.5
ઈથેરિયમ 2817.07 8.0
લિટેકોઈન 146.74 7.0
ડોજેકોઈન 0.204341 7.0
બિટકોઈન કેશ 499.23 7.0
XRP 0.917274 6.0
Market Summary 24 September 2021
September 24, 2021