Market Summary 25/05/2023

વૈશ્વિક સ્તરે નરમાઈને અવગણી સ્થાનિક શેરબજારની અલગ ચાલ
આખરી દોઢ કલાકમાં ખરીદી પાછળ બજાર ગ્રીન ઝોનમાં બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.5 ટકા ઘટી 12.52ના સ્તરે
એફએમસીજી ઈન્ડેક્સે ઓલ-ટાઈમ હાઈ બનાવી
પીએસયૂ બેંક્સ, એનર્જી ઈન્ડેક્સમાં નરમાઈ
એસ્ટર ડીએમ, સિએટ, આઈડીએફસી નવી ટોચે
વૈશ્વિક સ્તરે શેરબજારોમાં નરમાઈથી અલગ ભારતીય બજારે ગુરુવારે મોટાભાગના સમય રેડ ઝોનમાં ટ્રેડ થયાં બાદ આખરી તબક્કામાં નીકળેલી લેવાલી પાછળ ગ્રીન બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 99 પોઈન્ટ્સ સુધારે 61873ની સપાટીએ અને નિફ્ટી 36 પોઈન્ટ્સ સુધરી 18321 પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સાધારણ ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3611 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1802 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ જોવા મળતાં હતાં. જ્યારે 1687 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 140 કાઉન્ટર્સે વાર્ષિક અથવા ઓલ-ટાઈમ ટોચ દર્શાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.5 ટકા ઘટાડે 12.52ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ નેગેટીવ ઓપનીંગ સાથે શરૂઆત કરી હતી. અગાઉના 18285ના બંધ સામે બેન્ચમાર્ક 18269 પર ખૂલી મોટાભાગનો સમય નેગેટિવ ઝોનમાં ટ્રેડ થયો હતો. તેણે 18202નું દિવસનું તળિયું દર્શાવ્યું હતું. જોકે કામકાજ બંધ થવાના દોઢેક કલાક અગાઉ ઓચિંતી ખરીદી પાછળ બેન્ચમાર્ક 18338ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. આમ ફરી તે 18300 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે જૂન સિરિઝ ફ્યુચર 109 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18430 પર બંધ રહ્યો હતો. આમ નોંધપાત્ર લોંગ પોઝીશન રોલઓવર થઈ હોય તેમ જણાય છે. જે સૂચવે છે કે આગામી સત્રોમાં માર્કેટ કોન્સોલિડેશન સાથે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 18060ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવાનું સૂચન કરે છે. જોકે, 18400-18600ની રેંજમાં ડિસ્ટ્રીબ્યુશન જોતાં ઊંચા મથાળે વેચવાલીનું સૂચન કરે છે. તેમના મતે વૈશ્વિક બજારોમાં નરમાઈ જોતાં ભારતીય બજારમાં બે બાજુની વધ-ઘટ ચાલુ રહેશે. ગુરુવારે નિફ્ટીને ટેકો પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં બજાજ ઓટો, ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈટીસી, ડિવિઝ લેબ્સ, તાતા કન્ઝ્યૂમર, આઈશર મોટર્સ, એચડીએફસી લાઈફ અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, વિપ્રો, તાતા મોટર્સ, યૂપીએલ, એચડીએફસી, સન ફાર્મા, એચયૂએલ, ઈન્ડસઈન્ડ બેંક, હિંદાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોલ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી રહી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મોટાભાગના સૂચકાંકો સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સે તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી અને તે 49825ની ઓલ-ટાઈમ હાઈ બનાવી 49657 પર બંધ રહ્યો હતો. ઈન્ડેક્સના ઘટકોમાં જ્યુબિલિઅન્ટ ફૂડ, આઈઠીસી, યુનાઈટેડ બ્રૂઅરીઝ, તાતા કન્ઝ્યૂમર્સ અને બ્રિટાનિયાનું યોગદાન મુખ્ય હતું. ઓટો, આઈટી, ફાર્મા, મેટલ સૂચકાંકો સાધારણ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. બીજી બાજુ નિફ્ટી પીએસયૂ બેંક્સ અને એનર્જી સૂચકાંકોમાં નરમાઈ જોવા મળી રહી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ક્યુમિન્સ ઈન્ડિયા 3.44 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડસ ટાવર્સ, આઈડીએફસી, જ્યુબિલિઅન્ટ ફૂડ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, વ્હર્લપુલ, બજાજ ઓટો, ભારતી એરટેલમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ અશોક લેલેન્ડ ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત તાતા કેમિકલ્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, દિપક નાઈટ્રેટ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, સિટી યુનિયન બેંક, ચંબલ ફર્ટિલાઈઝર્સ, આરતી ઈન્ડસ્ટ્રીઝ અને ઝી એન્ટરટેઈનમેન્ટમાં પણ નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એસ્ટર ડીએમ હેલ્થ, કેપીઆઈટી ટેક, સિએટ, આઈડીએફસી, બજાજ ઓટો, આઈટીસી, સીજી પાવર, એન્જિનીયર્સ ઈન્ડિયા, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, ઈન્ડિયન હોટેલ્સનો સમાવેશ થતો હતો. જોકે, ટોચના કાઉન્ટર્સમાં કોઈએ વાર્ષિક તળિયું દર્શાવ્યું નહોતું.

ગો ફર્સ્ટ મહિના પહેલાં કામગીરી શરૂ નહિ કરી શકે

કેશની તંગીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ ઓછામાં ઓછા એક મહિના અગાઉ તેની કામગીરીને ફરી શરૂ કરી શકે તેવી શક્યતાં નથી. કેમકે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ ગુરુવારે એરલાઈન કંપનીને રિવાઈવલ પ્લાન રજૂ કરવા માટે 30-દિવસનો સમય આપ્યો છે. જેમાં વિમાનો, પાયલોટ્સ અને મેઈન્ટેનન્સ પ્લાન્સનો સમાવેશ થાય છે. ડીજીસીએએ 8 મેના રોજ ઈસ્યુ કરેલી શો કોઝ નોટિસનો એરલાઈને જવાબ આપ્યાં પછી રેગ્યુલેટરે આ આદેશ કર્યો હતો.
ડીજીસીએ અધિકારીએ જણાવ્યું હતું કે ગો ફર્સ્ટે એક સર્વગ્રાહી રિસ્ટ્રક્ચરિંગ પ્લાન તૈયાર કરવા માટે તથા તેને ડીજીસીએ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવા મોરેટોરિયમ પિરિયડના ઉપયોગની છૂટ માટે વિનંતી કરી હતી. એકવાર ગો ફર્સ્ટ તેનો રિવાઈવલ પ્લાન રજૂ કરશે ત્યારપછી ડીજીસીએ તેની સમીક્ષા કરશે એમ અધિકારીએ ઉમેર્યું હતું. ગો ફર્સ્ટે 3 મેથી તેની ઉડાનો બંધ કરી હતી. તેણે 2 મેના રોજ સ્વૈચ્છિક પણે નાદારી માટે અરજી કરી હતી. જેને એનસીએલટીએ માન્ય ઠેરવી હતી. કંપની લગભગ રૂ. 11000 કરોડનો ઋણ બોજ ધરાવે છે.

ડેટ સીલીંગને લઈ ગજગ્રાહ વચ્ચે યુએસના ટ્રિપલ એ રેટિંગમાં ઘટાડાની શક્યતાં
ફિટ રેટિંગ્સેના જણાવ્યા મુજબ તે ડેટ સીલીંગ મુદ્દે રાજકીય ઘર્ષણને જોતાં ક્રેડિટ રેટીંગ ડાઉનગ્રેડ કરી શકે છે
અર્થશાસ્ત્રીઓના મતે જો યુએસ નાદાર બનશે તો આર્થિક મંદી સાથે મોટાપાયે જોબ લોસિસ અને બોરોઈંગ કોસ્ટમાં ઊછાળો જોવા મળશે
ફિચ રેટિંગ્સે જણાવ્યું છે કે યુએસ ખાતે ડેટ-સીલીંગ કટોકટીના ઉકેલને અટકાવી રહેલાં રાજકીય ઘર્ષણને જોતાં તે યુએસના AAA ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કરી શકે છે. રેટિંગ એજન્સીએ દેશને ડેટ લિમિટની સમસ્યામાંથી બહાર લાવવાને બદલે રાજકીય પક્ષો વચ્ચે વધી રહેલા ગજગ્રાહને જોતાં આમ કહેવું પડ્યું છે. યુએસ માટે ડેટ સિલીંગ મર્યાદા નજીક આવી રહી છે અને હજુ સુધી આ મુદ્દે કોઈ સમાધાનની શક્યતાં ઊભી થઈ નથી. 1 જૂનથી યુએસ સરકાર માટે તેની જવાબદારીઓની ચૂકવણી કઠિન બની શકે તેમ છે. તેણે હાલમાં યુએસને ક્લાસિફિકેશન સિસ્ટમ હેઠળ ‘રેટિંગ વોચ નેગેટિવ’માં મૂક્યું છે.
યુએસ રેટિંગમાં ઘટાડાના અહેવાલ પાછળ પરંપરાગત રીતે હેવન કરન્સી ગણાતાં યેનમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, પાછળથી સુધારો ધોવાયો હતો. બેન્ચમાર્ક ટ્રેઝરી યિલ્ડ્સ પણ એશિયન ટ્રેડિંગ દરમિયાન ઘટાડો દર્શાવતાં હતાં. યુએસ ખાતે બે પક્ષો વચ્ચે વધી રહેલાં ગજગ્રાહને લઈ માર્કેટ્સમાં ચિંતા વધી રહી છે. જ્યારે પણ ડિફોલ્ટ થવાનું ઊંચું જોખમ હોય ત્યારે બિલ્સ પર પ્રિમીયમ વધતાં હોય છે. જે હાલમાં બની રહ્યું છે. સાથે એસએન્ડપી 500 ઈન્ડેક્સ બે સત્રોથી નરમાઈ દર્શાવી રહ્યો છે. ફિચની જાહેરાત વ્હાઈટ હાઉસ અને રિપબ્લિકન્સ વચ્ચે મંત્રણા ચલાવી રહેલાઓના ગાલ પર એક પ્રકારના તમાચા બરાબર છે એમ વર્તુળો જણાવે છે. રેટિંગ એજન્સીની જાહેરાત એક ચેતવણી સમાન છે અને તે બંને વાર્તાકારોને સમસ્યાના ઉકેલ માટેની તત્કાળ જરૂરિયાત હોવાનું સૂચવી રહી છે એમ તેઓ ઉમેરે છે. કેમકે તેમના તરફથી નિશ્ચિયતા રેટિંગ એજન્સિઝને નર્વસ બનાવી રહી છે. માર્કેટ્સ પણ ખૂબ જ નર્વસ છે એમ જણાય છે. યુએસ સ્થિત અર્થશાસ્ત્રીઓના મતે જો દેશ ડિફોલ્ટ થશે તો આર્થિક મંદી જોવા મળશે. જેની સાથે રોજગારીમાં મોટાપાયે નુકસાન જોવાશે તથા બોરોઈંગ ખર્ચમાં ઉછાળો નોઁધાશે. અગાઉ, 2011માં પણ સમાન પ્રકારની ઘટના વખતે એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે યુએસને ટ્રીપલ એ રેટિંગમાંથી ડાઉનગ્રેડ કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. જેની પાછળ સમગ્ર વિશ્વમાં રિસ્ક એસેટ્સ એવી ઈક્વિટીઝમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે ટ્રેઝરીઝમાં તેજી જોવા મળી હતી.

વિપ્રો ચેરમેન રિશાદ પ્રેમજીના વેતનમાં 50 ટકા ઘટાડો
કંપનીનો નફો ઘટતાં ચેરમેને વેરિએબલ પે પણ જવા દેવાનું બન્યું
કંપનીના સીઈઓ અને સીએફઓએ પણ વેતનમાં કાપ અપનાવ્યો

વિપ્રોના ચેરમેન રિશાદ પ્રેમજીના નાણા વર્ષ 2022-23ના વેતનમાં લગભગ 50 ટકા ઘટાડો જોવા મળ્યો છે. ગયા નાણા વર્ષ માટે કમિશન(વેરિએબલ પે)ને જવા દીધા પછી તેમના વેતનમાં પણ કાપ મૂકાયો છે. 2022-23 માટે પ્રેમજીનું કુલ વળતર 9,51,353 ડોલર પર રહ્યું હતું. જે 2021-22માં 18,19,022 ડોલર પર હતું એમ વિપ્રે યુએસ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ ફાઈલીંગમાં જણાવ્યું છે.
કંપનીના જણાવ્યા મુજબ રિશાદ પ્રેમજી વિપ્રોના વાર્ષિક ધોરણે ઈન્ક્રિમેન્ટલ કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ્સમાં 0.35 ટકાના કમિશનનો અધિકાર ધરાવે છે. જોકે, 2022-23 માટે કંપનીનો ઈન્ક્રિમેન્ટલ કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ્સ નેગેટિવ હોવાથી કંપનીએ વર્ષ માટે રિશાદ પ્રેમજીને કોઈ કમિશન નહિ ચૂકવવાનો નિર્ણય લીધો હતો. પ્રેમજે 8,61,620 ડોલરનું વેતન અને અન્ય આવકમાં 15,390 કરોડની અન્ય આવક તથા 74,343 ડોલર લોંગ-ટર્મ કોમ્પન્શેશન મેળવ્યું હતું. તેમનો સેલરી અને એલાઉન્સિસ 2021-22 માટે 23 ટકા ઘટાડે 11,19,362 ડોલર પર જોવા મળ્યાં હતાં. પ્રેમજીએ તેમના વળતરમાં ઘટાડો કરવાનો બન્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ 2019-20માં પણ તેમના વેતનમાં 31 ટકાનો કાપ મૂકાયો હતો. 2022-23માં કંપનીએ રૂ. 3074 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 0.4 ટકા ડાઉન હતો. કંપનીના સિનિયમ મેનેજમેન્ટે પણ વેતનમાં ઘટાડો સ્વીકાર્યો હતો. વિપ્રોના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર જતીન દલાલે 2022-23માં કુલ 10,84,693 કરોડ ડોલરનું વળતર મેળવ્યું હતુ. જે 2021-22માં જોવા મળતાં 15,91,142 ડોલર સામે 32 ટકા ઘટાડો સૂચવે છે. વિપ્રોના થિએરી ડેલાપોર્ટે ભારતમાં સૌથી ઊંચું વેતન ધરાવતાં સીઈઓ બની રહ્યાં હતાં. તેમણે 2021-22માં 1,05,19,174 ડોલર સામે 5 ટકા ઘટાડે 1,00,26,942 ડોલરનું વેતન મેળવ્યું હતું.

કેન્દ્ર સરકાર 51K કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરી શકે તેવી શક્યતાં
ડિસઈન્વેસ્ટમેન્ટ માટે આઈડીબીઆઈ બેંક અને કોન્કોરનું પ્રાઈવેટાઈઝેશન મહત્વનું બની રહેશે

કેન્દ્ર સરકાર કોઈ જાહેર સાહસમાં નવેસરથી હિસ્સો વેચાણ ના કરે તો પણ તેણે ચાલુ નાણા વર્ષ માટે નિર્ધારિત કરેલા રૂ. 51000 કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરે તેવી શક્યતાં જોવાઈ રહી છે. જોકે, આ માટે આઈડીબીઆઈ બેંક અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(કોન્કોર)ના પ્રાઈવેટાઈઝેશનની યોજના સફળ રીતે પાર પડવી અનિવાર્ય છે.
સરકાર આઈડીબીઆઈ બેંકમાં તેના અને એલઆઈસી પાસે રહેલા હિસ્સામાંથી 60.72 ટકાને વેચવાની પ્રક્રિયામાં છે. બેંકના વર્તમાન માર્કેટ-કેપને જોતાં આ હિસ્સા વેચાણથી સરકારને રૂ. 35,765 કરોડની રકમ મળી શકે તેમ છે. સરકાર આઈડીબીઆઈ બેંકમાં 45.48 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે એલઆઈસી પાસે 49.24 ટકા હિસ્સો રહેલો છે. સરકાર તેની પાસેનો 30.48 ટકા અને એલઆઈસીનો 30.24 ટકા હિસ્સો વેચવાનું વિચારે છે. બેંકમાં બહુમતી હિસ્સાની ખરીદી માટે એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કરવાની મુદત જાન્યુઆરીમાં પૂરી થઈ હતી. જ્યારપછી સંભવત બીડર્સ હાલમાં બેંકનું ડ્યુ ડિલિજન્સ કરી રહ્યાં છે. એક રિપોર્ટ મુજબ આરબીઆઈએ આઈડીબીઆઈમાં હિસ્સા ખરીદીમાં રસ દર્શાવનાર સંભવિત પાંચ બીડર્સનું મૂલ્યાંકન શરૂ કર્યું છે. બે નાના ડિસઈન્વેસ્ટમેન્ટ્સમાં બીઈએમએલ અને શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. જે સરકારને રૂ. 4300 કરોડ આસપાસની રકમ આપશે. આ બંને કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે. હાલમાં રૂ. 1414.35ના પ્રતિ શેર બજારભાવે બીઈએમએલના 26 ટકા હિસ્સા વેચાણમાંથી સરકાર રૂ. 1532 કરોડ ઊભા કરી શકશે. જ્યારે શીપીંગ કોર્પોરેશમાંથી વર્તમાનભાવે તેને રૂ. 2837 આસપાસની રકમ મળી શકે તેમ છે. આમ ત્રણ ડિસઈન્વેસ્ટમેન્ટ્સ મળી સરકાર રૂ. 40134 કરોડ સુધી મેળવી શકે તેમ છે જે જોતાં સરકારે કોન્કોરના વિલંબિત ડિસઈન્વેસ્ટમેન્ટની ઝડપ વધારવી પડી શકે છે. જોકે, હજુ સુધી તેણે કંપનીમાં રસ ધરાવતી પાર્ટીઓ તરફથી એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ્સ પણ નથી મંગાવ્યાં.

નોટબંધી પછી ડેબિટ કાર્ડ-બેઝ્ડ ATM ઉપાડમાં 235 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો
નવેમ્બર 2016માં ડિમોનેટાઈઝેશનથી લઈ અત્યાર સુધીમાં ભારતીય અર્થતંત્રમાં કેશ સર્ક્યુલેશન બમણું થયું

ડેબિટ કાર્ડના ઉપયોગ મારફતે ATMથી માસિક ઉપાડમાં નાણાબંધી પછી તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. નવેમ્બર 2016માં સરકારે ડિમોનેટાઈઝેશન જાહેર કર્યાંથી લઈ અત્યાર સુધીમાં ડેબિટ કાર્ડ મારફતે એટીએમમાંથી નાણા ઉપાડવાના પ્રમાણમાં 235 ટકા વૃદ્ધિ નોંધાઈ છે એમ એક નવા રિપોર્ટમાં જણાવ્યું હતું. ડિસેમ્બર 2016માં રૂ. 84,934 કરોડના ઉપાડની સરખામણીમાં માર્ચ 2023માં રૂ. 2.85 લાખ કરોડનો ઉપાડ જોવા મળ્યો હતો. એપ્રિલ 2020 અને મે 2021માં જોવા મળેલા ઉપાડની સરખામણીમાં માર્ચમાં ઉપાડનું પ્રમાણ અનુક્રમે 121.33 ટકા અને 40.88 ટકા ઊંચું હતું એમ રિપોર્ટ નોંધે છે.
સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સે “ઈન્ડિયા કેશ વાઈબ્રન્સી રિપોર્ટ 2023” નામે રજૂ કરેલાં રિપોર્ટના તારણોમાં નોટબંધી પછી નજીકના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં કેશ સર્ક્યુલેશનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, પાછળથી તેમાં વૃદ્ધિ જોવા મળી હતી અને અત્યાર સુધીમાં તે બમણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. ઓક્ટોબર 2016માં દેશમાં રૂ. 17.78 લાખ કરોડનું કેશ સર્ક્યુલેશન જોવા મળતું હતું. જે ડિસેમ્બર 2016માં ગગડીને રૂ. 9.43 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જોકે, માર્ચ મહિનાની આખરમાં તે રૂ. 33.8 લાખ કરોડ પર હતું. તે દર વર્ષે વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. માર્ચ 2022ની આખરમાં રૂ. 32.09 લાખ કરોડની સરખામણીમાં તે વાર્ષિક 5.33 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. જ્યારે ત્રણ-વર્ષના બેસીસ પર જોઈએ તો એપ્રિલ 2022માં રૂ. 25.23 લાખ કરોડની સરખામણીમાં કેશ સર્ક્યુલેશનમાં 33.98 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી એમ રિપોર્ટ જણાવે છે. વધુમાં કેશ સર્ક્યુલેશન-ટુ-જીડીપી રેશિયો 2017-18થી 2022-23 દરમિયાન 14.39 ટકા પર ઊંચો જોવા મળ્યો હતો. જ્યારે છેલ્લાં ત્રણ-વર્ષોની સરેરાશ 11.8 ટકા પર છે. રિપોર્ટ ભારતીય અર્થતંત્રમાં કેશનું મહત્વ દર્શાવે છે. રિપોર્ટ સૂચવે છે કે દેશમાં ફાઈનાન્સિયલ ઈન્ક્લૂઝનને વ્યાપક બનાવવા માટે અને સમાજમાં દરેકને નીચો ખર્ચ ધરાવતી પેમેન્ટ સિસ્ટમ પૂરી પાડવી ખૂબ જરૂરી છે. 2022-23માં એટીએમ્સ ખાતે કેશ જમા કરવામાં માસિક ધોરણે સરેરાશ 10.1 ટકા અને ઈ-કોમર્સ કંપનીઝઓ તરફથી પ્રતિ પોઈન્ટ કેશ કલેક્શનમાં 1.3 ગણી મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી એમ રિપોર્ટ જણાવે છે. રિપોર્ટ એ પણ દર્શાવે છે કે સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ તરફથી સમગ્ર ભારતમાં એટીએમ કેશ ભરણામાં 2022-23માં 16.6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.

CMS ઈન્ડિયા કેશ વાઈબ્રન્સી રિપોર્ટની મુખ્ય બાબતો
• દેશમાં ATM કેશ પુરવણીમાં 2022-23માં વાર્ષિક 16.6 ટકા વૃદ્ધિ
• માર્ચ 2023માં ATM કેશ ઉપાડ નોટબંધીના 76 મહિનાઓમાં 235 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2.84 લાખ કરોડે પહોંચ્યો
• મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશે મળીને 2022-23માં કુલ ATM પુરવણીમાં 43.1 ટકા વૃદ્ધિ દર્શાવી.
• કર્ણાટકે ATM પુરવણીમાં રૂ. 1.73 લાખ કરોડ સાથે વાર્ષિક 18.1 ટકા સાથે સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાવી. 2021-22માં રાજ્યમાં રૂ. 1.46 લાખ કરોડની કેશ ATMમાં ભરવામાં આવી હતી.

LICના અદાણી હિસ્સાની વેલ્યૂમાં 54 ટકા ઉછાળો
હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ જાહેર થયાં પછી અદાણી જૂથ શેર્સમાં જોવા મળેલી વેચવાલી વખતે બનેલા તળિયાથી એલઆઈસીના અદાણી જૂથના શેર્સના હોલ્ડિંગનું મૂલ્ય બુધવાર સુધીમાં 54 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. લગભગ બે મહિના અગાઉ રૂ. 28,988 કરોડના તળિયા પર પહોંચેલું અદાણી હોલ્ડિંગનું વેલ્યૂએશન વધી રૂ. 44,664 કરોડ પર જોવા મળ્યું હતું. અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના શેર્સમાં નોંધપાત્ર સુધારાને કારણે એલઆઈસી હોલ્ડિંગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ હતી. અદાણી એન્ટરપ્રાઈઝિસમાં એલઆઈસી 4.3 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે અદાણી પોર્ટ્સમાં તે 9.1 ટકાનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. અદાણી એન્ટરપ્રાઈઝના હિસ્સાનું મૂલ્ય રૂ. 12 હજાર કરોડ જ્યારે અદાણી પોર્ટ્સમાં હિસ્સાનું મૂલ્ય રૂ. 14,144 કરોડ પર જોવા મળતું હતું.
ગોલ્ડ-સિલ્વર સહિત કોમોડિટીઝમાં સાર્વત્રિક નરમાઈ
યુએસ ડેટ સિલીંગના ઉકેલના અભાવે વૈશ્વિક બજારમાં ગોલ્ડ-સિલ્વર સહિત કોમોડિટીઝમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. કોમેક્સ ખાતે ગોલ્ડના ભાવ 1950 ડોલરના તાજેતરના સપોર્ટને તોડી 1943 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. ચાંદીના ભાવ પણ 23 ડોલરની સપાટી તોડી 22.92 ડોલરની સપાટી પર જોવા મળ્યાં હતાં. જેની પાછળ એમસીએક્સ ખાતે સિલ્વર વાયદો વધુ રૂ. 700ના ઘટાડે રૂ. 70390 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ રૂ. 310ની નરમાઈ સાથે રૂ. 59550 પર ટ્રેડ થતું હતું. બ્રેન્ટ ક્રૂડ 1 ટકાથી વધુ નરમાઈ સાથે 77.50 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. જ્યારે નેચરલ ગેસ, સુગર સહિતની કોમોડિટીઝ નરમાઈ દર્શાવતી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 166.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 495 કરોડના નફાની સરખામણીમાં 66.4 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1594.6 કરોડની સરખામણીમાં 28.4 ટકા ઘટાડે રૂ. 1141 કરોડ રહી હતી.
સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સઃ કંપનીએ 2022-23માં 20 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1915 કરોડની આવક નોઁધાવી છે. જ્યારે તેનો એબિટા 36 ટકા વધી રૂ. 552 કરોડ રહ્યો છે. કંપનીના એબિટા માર્જિન 3.1 ટકા વધી 28.6 ટકા પર રહ્યાં હતાં. જ્યારે તેનો નેટ પ્રોફિટ 33 ટકા વધી રૂ. 297 કરોડ જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં મેનેજ્ડ એટીએમની સંખ્યા 17500 થઈ હતી.
સાંન્સેરાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 35.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 37.3 કરોડના નફાની સરખામણીમાં 6 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 574.3 કરોડની સરખામણીમાં 7.3 ટકા વધી રૂ. 616.5 કરોડ રહી હતી.
પીબી ફિનટેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 8.9 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 219.6 કરોડની ખોટ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 540.29 કરોડની સરખામણીમાં 6.1 ટકા વધી રૂ. 869.1 કરોડ રહી હતી.
ગુજરાત આલ્કલીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 71 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 221 કરોડના નફાની સરખામણીમાં 67.8 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1141.5 કરોડની સરખામણીમાં 0.3 ટકા ઘટી રૂ. 1138 કરોડ રહી હતી.
પ્રૂડન્ટ કોર્પોરેટઃ પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરીએ માર્ચ ક્વાર્ટરમાં 81.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 41.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. માર્ચ 2022 ક્વાર્ટરમાં તે રૂ. 22.7 કરોડ હતો. કંપનીની આવક માર્ચ 2022 ક્વાર્ટરમાં રૂ. 129.5 કરોડ પરથી 36.6 ટકા વધી માર્ચ 2023 ક્વાર્ટરમાં રૂ. 177 કરોડ રહી હતી. નાણા વર્ષ 2022-23 માટે કંપનીની આવક 35.6 ટકા વધી રૂ. 611.3 કરોડ જ્યારે નેટ પ્રોફિટ 45.2 ટકા વધી રૂ. 116.7 કરોડ રહ્યો હતો.
લિંકન ફાર્માસ્યુટિકલ્સઃ ફાર્મા કંપનીએ 2022-23માં રૂ. 533 કરોડની સર્વોચ્ચ આવક અને રૂ. 111.65 કરોડનો વિક્રમી એબિટા દર્શાવ્યો છે. કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક 5.11 ટકા વધી રૂ. 69.36 કરોડ પર રહ્યો હતો. કંપનીની ઈપીએસ રૂ. 36.40 પર જોવા મળી હતી. તેણે શેર દીઠ રૂ. 1.5ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
ઇન્ફિબીમઃ કંપનીએ 2022-23માં 56 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2000 કરોડની આવક દર્શાવી છે. જ્યારે નેટ પ્રોફિટ 63 ટકા વધી રૂ. 136 કરોડ જોવા મળ્યો છે. કંપનીનો એબિટા 24 ટકા વધી રૂ. 180 કરોડ નોંધાયો છે. માર્ચ ક્વાર્ટરમાં તેણે 8200 નવા વેપારીઓ ઉમેર્યાં છે. જે સાથે કુલ વેપારીઓની સંખ્યા 92 લાખે પહોંચી છે.
ઈકરાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 38.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 33.4 કરોડના નફાની સરખામણીમાં 14.9 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 93.7 કરોડની સરખામણીમાં 16.4 ટકા વધી રૂ. 109 કરોડ પર રહી હતી.
બન્નારી અમ્માન સુગર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 49.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 24.3 કરોડના નફાની સરખામણીમાં 110 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 462 કરોડની સરખામણીમાં 42 ટકા વધી રૂ. 656 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage