Market Summary 25/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક સ્તરે નરમાઈ પાછળ શેરબજારે બે મહિનાના તળિયે બંધ આપ્યું
નિફ્ટીએ 19300ની સપાટી ગુમાવી
સેન્સેક્સ ફરી 65 હજારની અંદર
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.25 ટકા ઉછળી 12.08 ટકાના સ્તરે
તમામ સેક્ટરલ સૂચકાંકોમાં નરમાઈ
પીએસયૂ બેંક સૂચકાંક 1.51 ટકા તૂટ્યો
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એફએસએલ, સન ટીવી નવી ટોચે
વેદાંતે નવું તળિયું બનાવ્યું

વિશ્વભરના શેરબજારોમાં નરમાઈ પાછળ ભારતીય બજારમાં સપ્તાહ નરમાઈ સાથે બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સે 65 હજારની જ્યારે નિફ્ટીએ 19300ની સપાટી ગુમાવી હતી. સેન્સેક્સ 366 પોઈન્ટ્સ ગગડી 64887ની સપાટીએ જ્યારે નિફ્ટી 121 પોઈન્ટ્સના ઘટાડે 19,266 પર બંધ જોવા મળ્યો હતો. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં લેવાલી અટકતાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3763 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2145 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1494 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 197 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં. 14 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.25 ટકા ઉછળી 12.08 ટકાના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19387ના બંધ ભાવ સામે 19300 નીચે 19297ની સપાટીએ ખૂલી એક તબક્કે 19340ની ઈન્ટ્રા-ડે પર ટ્રેડ થઈ ઘસાતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 19230નું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી સાધારણ બાઉન્સ થયો હતો. જોકે, 19300ની સપાટી જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો હતો. જેને જોતાં બેન્ચમાર્ક શોર્ટ-ટર્મમાં મંદીમાં સરી પડ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ નજીકમાં 19100 અને 18800ના ઘટાડા સુધીની શક્યતાં જોઈ રહ્યાં છે. શોર્ટ સેલર 19400ના સ્ટોપલોસ સાથે તેમની શોર્ટ પોઝીશન જાળવી શકે છે. આગામી સપ્તાહે એક્સપાયરી વીકને જોતાં લોંગ પોઝીશન રોલઓવર નહિ થાય તો બજાર પર વધુ દબાણની શક્યતા પણ છે. જો શુક્રવારે જેક્સન હોલમાં ફેડ ચેરમેન તરફથી કોઈ પોઝીટીવ નિવેદન પાછળ બજારો સુધરે છે અને નિફ્ટી 19500 પાર કરે છે તો જ તેજીનો દોર પરત ફરશે તેમ મનાય છે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય ઘટકોમાં બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ, ટાઈટન કંપની, એક્સિસ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ડો. રેડ્ડીઝ લેબ્સ, અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, આઈટીસી, એચસીએલ ટેકનોલોજી, એમએન્ડએમ, હિંદાલ્કો, એનટીપીસી, એસબીઆઈ, તાતા સ્ટીલ, એચડીએફસી બેંક, સન ફાર્મા, એપોલો હોસ્પિટલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો તમામ સૂચકાંકો નેગેટિવ બંધ જળવાયાં હતાં. જેમાં નિફ્ટી પીએસયૂ બેંક 1.51 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. જેમાં પંજાબ એન્ડ સિંધ બેંક, જેકે બેંક, પીએનબી, યુનિયન બેંક, કેનેરા બેંક, યૂકો બેંક, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી અને એસબીઆઈ નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ પણ 1.26 ટકા નરમાઈ દર્શાવતો હતો. જેના ઘટકોમાં જિંદાલ સ્ટીલ, વેલસ્પન કોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંત, નાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદાલ્કો, એનએમડીસી, તાતા સ્ટીલ, સેઈલ અને કોલ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી ફાર્મા પણ એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, બાયોકોન, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, સન ફાર્મા, આલ્કેમ લેબ, સિપ્લા, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મામાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી આઈટી 0.63 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં એમ્ફેસિસ 3 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત કોફોર્જ, એચસીએલ ટેક્નોલોજી, એલએન્ડટી ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ઈન્ફોસિસમાં પણ ઘટાડો જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો વોડાફોન આઈડિયા 9.43 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, સન ટીવી નેટવર્ક, ઈન્ડુસ ટાવર્સ, બજાજ ફિનસર્વ, એસ્કોર્ટ્સ કુબોટા, બિરલાસોફ્ટ, મધરસન સુમી, જેકે સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, જીએનએફસી નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, જીએમઆર એરપોર્ટ્સ, સિન્જિન ઈન્ટરનેશનલ, ઈન્ડિયામાર્ટ, એલએન્ડટી ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈ., અંબુજા સિમેન્ટ્સ, એમ્ફેસિસ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ટ્રેન્ટ, કોફોર્જ, ઈન્ડિયન હોટેલ્સ અને ઈન્ડિયા સિમેન્ટ્સમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં કેફીન ટેક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ફર્સ્ટસોર્સ, સેરા સેનિટરી, રતનઈન્ડિયા, સન ટીવી, માસ્ટેક, એપીએલ એપોલો, એસ્કોર્ટ્સ કુબોટા, સોલાર ઈન્ડ, બિરલાસોફ્ટ, જેબીએમ ઓટોનો સમાવેશ થતો હતો. જ્યારે વેદાંતે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.

JFS સેન્સેક્સમાંથી હવે 31 ઓગસ્ટ સુધી દૂર નહિ થાય
સતત બે સત્રોમાં સેલર સર્કિટ્સને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય
1 સપ્ટેમ્બરે ટ્રેડિંગ શરૂ થશે તે પહેલાં જીઓ ફાઈ. સર્વિસિઝને બીએસઈના તમામ સૂચકાંકમાંથી દૂર કરાશે

જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ(જેએફએસએલ)ના શેર્સને સેન્સેક્સ તથા બીએસઈના અન્ય સૂચકાંકોમાંથી દૂર કરવાની કામગીરીને 31 ઓગસ્ટ સુધી મુલત્વી રાખવામાં આવી છે. અહેવાલો મુજબ જીએફએસએલના શેર્સમાં વધુ બે સત્રો સુધી 5 ટકાની લોઅર સર્કિટ લિમિટ્સને કારણે વધુ બે સત્રો સુધી તેને બેન્ચમાર્કમાંથી દૂર કરવાનું અટકાવાયું છે.
હવે 1 સપ્ટેમ્બરે ટ્રેડિંગ શરૂ થશે તે અગાઉ જેએફએસએલના શેર્સને તમામ એસએન્ડપી બીએસઈ સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે. જેમાં સેન્સેક્સ, સેન્સેક્સ 50, બીએસઈ 100, બીએસઈ 500 અને અન્યોનો સમાવેશ થાય છે. બીએસઈ ઈન્ડાઈસિસે એક સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ જેએફએલએલના શેરે 24-25 ઓગસ્ટના રોજ સતત લોઅર સર્કિટ્સમાં બંધ રહેવાનું જાળવતાં એસએન્ડપી બીએસઈ સૂચકાંકોમાંથી જેએફએસએલને દૂર કરવાનું વધુ ત્રણ દિવસ માટે મુલત્વી રાખવામાં આવ્યું છે. જેએફએસએલને એસએન્ડપી બીએસઈ સૂચકાંકમાંથી હવે 1 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ દૂર કરવામાં આવશે. સર્ક્યુલરમાં વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જો જેએફએસએલન શેર આગામી બે સત્રોમાં લોઅર સર્કિટ લિમિટ નહિ દર્શાવે પરંતુ ત્રીજા સત્રમાં લોઅર સર્કિટ દર્શાવશે તો એસએન્ડપી બીએસઈ સૂચકાંકોમાંથી તેને દૂર કરવાની કામગીરી મુલત્વી રાખવામાં આવશે. 21 ઓગસ્ટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી અલગ પડેલી કંપનીનો શેર શેરબજાર પર લિસ્ટ થયો હતો. 25 ઓગસ્ટે કંપનીના શેરે શરૂઆતમાં લોઅર સર્કિટમાં બંધ દર્શાવ્યું હતું. જોકે પાછળથી તે રિકવર થયો હતો અને 0.49 ટકા સુધારા સાથે રૂ. 214.50 પર બંધ રહ્યો હતો.

પુનિત ગોએન્કાએ સેબીના ઓર્ડર સામે SATમાં અપીલ કરી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ 14 ઓગસ્ટે એક કન્ફર્મેટરી ઓર્ડરમાં જણાવ્યું હતું કે તે સુભાષ ચંદ્ર અને પુનિત ગોએન્કા પિતા-પુત્રની કહેવાતી ફંડ ડાયવર્ઝન અંગેની તપાસ આઁઠ મહિનામાં પૂરી કરશે. આ ઓર્ડરમાં સેબી ચેરમેન માધવી પૂરી બૂચે તેમને બંનેને ઝી એન્ટરટેઈનમેન્ટની મેનેજરિયલ પોઝીશન્સ અથવા ડિરેક્ટરશીપ પરથી દૂર રાખ્યાં હતાં. જૂથ કંપનીઓમાં ઝી એન્ટરટેઈનમેન્ટ, ઝી મિડિયા કોર્પોરેશન, ઝી સ્ટુડિયોઝ, ઝી આકાશ ન્યૂઝ તથા આ કંપનીઓના મર્જર અથવા ડિમર્જરમાંથી નવી બનનારી કંપનીઓનો સમાવેશ થાય છે એમ સેબીના આદેશમાં નોંધવામાં આવ્યું હતું. અગાઉ સેબી પ્રમોટર્સે જૂનમાં સેબીના વચગાળાના આદેશ સામે સેટમાં અરજી કરી હતી. જેમાં સેટે સેબીને બંને જણાને સાંભળવાની એક તક પૂરી પાડવા જણાવ્યું હતું. જ્યારપછી આદેશ બહાર પાડવા કહ્યું હતું. જેને ધ્યાનમાં રાખી સેબીએ બંનેને સુનાવણી પૂરી પાડી નિશ્ચિત સમયમર્યાદામાં કન્ફર્મેટરી આદેશ જારી કર્યો હતો.

RIL રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 8-10 ટકા હિસ્સો વેચે તેવી શક્યતાં
કંપની વિસ્તરણ માટે તથા શેરબજારમાં પ્રવેશ માટે આમ કરી શકે છે
હિસ્સા વેચાણ 12-15 મહિનાના સમયગાળામાં હાથ ધરવામાં આવશે
QIA તરફથી રૂ. 8.2 લાખ કરોડના વેલ્યૂએશને 1 ટકા હિસ્સા ખરીદીની જાહેરાત પછીનું ડેવલપમેન્ટ
2020માં રિલાયન્સ રિટેલ 10.1 ટકા હિસ્સો વેચી 6 અબજ ડોલરથી વધુ ઊભા કરી ચૂકી છે

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેની સબસિડિયરી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ(આરઆરવીએલ)ના વધુ 8-10 ટકા હિસ્સાનું વેચાણ કરે તેવી શક્યતાં જણાવાઈ રહી છે. કંપની આ હિસ્સાનું વેચાણ વિસ્તરણ, ડેટ ચૂકવણી અને શેરબજારમાં શેરના લિસ્ટીંગની તૈયાર માટે કરશે એમ રિપોર્ટ જણાવે છે.
આ હિસ્સા વેચાણ આગામી 12-15 મહિનાના સમયગાળામાં હાથ ધરવામાં આવશે એમ રિપોર્ટ સૂચવે છે અને તે રિલાયન્સ રિટેલ ઓપરેશન્સની હોલ્ડિંગ કંપની તરફથી પ્રસ્તાવિત આઈપીઓ માટે મહત્વનું રહેશે એમ અહેવાલ નોંધે છે. આ હિસ્સા વેચાણ યોજના કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી(QIA) તરફથી રિલાયન્સ રિટેલમાં રૂ. 8.2 લાખ કરોડના વેલ્યૂએશને 1 ટકા હિસ્સા ખરીદીની જાહેરાત પછી જોવા મળી છે. આ રોકાણ પ્રસ્તાવ કતારના સોવરિન વેલ્થ ફંડ તરફથી ભારતમાં સૌથી મોટો રોકાણ પ્રસ્તાવ બની રહેશે. હાલના તબક્કે આ હિસ્સા વેચાણ ખૂબ જ મહત્વનું બની રહેશે. કેમકે 8.25 લાખ કરોડના વેલ્યૂએશને આરઆરવીએલના આઈપીઓનું કદ ખૂબ જ મોટું હશે અને તેનું સંચાલન ખૂબ કઠિન બની રહેશે એમ વર્તુળો જણાવે છે. આમ કંપની વધુ 7-10 ટકા હિસ્સાનું વેચાણ કરવા વિચારી રહી છે. જેથી આઈપીઓ સાઈઝને સારી રીતે મેનેજ કરી શકાય એમ કંપનીના વર્તુળો ઉમેરે છે.
સેબીના નિયમો મુજબ કંપનીના ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટર્સ સહિત પબ્લિક શેરહોલ્ડિંગ ઓછામાં ઓછું 25 ટકા હોવું જોઈએ. હાલમાં આરઆરવીએલમાં 11 ટકા હિસ્સો વૈશ્વિક રોકાણકારો ધરાવે છે. જેમાં ક્યૂઆઈએ પણ સામેલ છે. ક્યૂઆઈએ તરફથી રૂ. 8278 કરોડમાં 0.99 ટકા હિસ્સો ખરીદવામાં આવશે. અગાઉ, 2020માં રિલાયન્સ રિટેલ 10.1 ટકા હિસ્સો વેચી 6 અબજ ડોલરથી વધુ ઊભા કરી ચૂકી છે. જેમાં કેટલાંક ફાઈનાન્સિયલ સ્પોન્સર્સ અને સોવરિન વેલ્થ ફંડ્સ જેવાકે કેકેઆર, જનરલ એટલાન્ટિક, ટીપીજી, સિલ્વર લેક, એલ કેટેર્ટોન, અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મુબાદલા એન્ડ પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ ઓફ સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં 89 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે કેટલોક હિસ્સો નાના રોકાણકારો ધરાવે છે. આરઆરવીએલ તેની સબસિડિયરીઝ અને એસોસિએટ્સ મારફતે ભારતમાં સૌથી મોટો રિટેલ બિઝનેસ ધરાવે છે. જે 26.7 કરોડનો કસ્ટમર બેઝ ધરાવે છે. જ્યારે 18500થી વધુ સ્ટોર્સનું ઈન્ટિગ્રેટેડ ઓમ્નીચેનલ નેટવર્ક ધરાવે છે. તેમજ ડિજિટલ પ્લેટફોર્મ્સ પણ ધરાવે છે. જે ગ્રોસરી, કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન અને લાઈફસ્ટાઈલ તેમજ દવાઓનું વેચાણ ધરાવે છે. આરઆરવીએલે 2022-23માં રૂ. 2.6 લાખ કરોડના ટર્નઓવર પર રૂ. 9181 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.

ઝેપ્ટો 2023માં પ્રથમ યુનિકોર્ન બની
દેશમાં 11-મહિના પછી પ્રથમ સ્ટાર્ટઅપ યુનિકોર્ન બન્યું

ક્વિક-કોમર્સ સ્ટાર્ટઅપ ઝેપ્ટો 2023માં એક અબજ ડોલરથી વધુનું વેલ્યૂએશન નોંધાવનાર પ્રથમ સ્ટાર્ટઅપ યુનિકોર્ન બની છે. કંપનીએ 1.4 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે 20 કરોડ ડોલર ઊભાં કર્યાં છે. ભારતમાં 11-મહિના પછી કોઈ સ્ટાર્ટઅપ યુનિકોર્ન બન્યું છે. ઝેપ્ટોએ સિરિઝ ઈ ફંડીંગ રાઉન્ડમાં યુએસ એસેટ મેનેજમેન્ટ કંપની સ્ટેપસ્ટોન ગ્રૂપ પાસેથી નાણા ઊભા કર્યાં છે. કંપનીએ અગાઉ મે 2022માં 90 કરોડ ડોલરના વેલ્યૂએશન પર નાણા ઊભા કર્યાં હતાં. અગાઉ સપ્ટેમ્બર 2022માં મોલબાયો ડાયગ્નોસ્ટીક્સે યુનિકોર્ન સ્ટાર્ટઅપનો દરજ્જો મેળવ્યો હતો.
2021માં ફંડીંગમાં તેજી વખતે ભારતમાં દર સપ્તાહે એક સ્ટાર્ટઅપ યુનિકોર્નમાં ફેરવાતું જોવા મળતું હતું. 2021માં 44 જેટલા સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બન્યાં હતાં. જ્યારે 2022માં આ સંખ્યા 23 પર જોવા મળતી હતી. જોકે, ત્યારપછી રોકાણકારોએ તેમના ખિસ્સા ટાઈટ કર્યાં હતાં અને નવા રોકાણમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઘણા સ્ટાર્ટઅપ્સ નવું ફંડિંગ ઊભું કરી શક્યાં નહોતાં. ઝેપ્ટોએ મેળવેલા 20 કરોડ ડોલરમાં 10.5 કરોડ ડોલર સ્ટેપસ્ટોન ગ્રૂપ પાસેથી આવ્યાં છે. જ્યારે 3 કરોડ ડોલર ગુડવોટર કેપિટલ પાસેથી આવ્યાં છે. આ બંને મુંબઈ સ્થિત નવા રોકાણકારો છે. ભારતમાં સ્ટેપસ્ટોનનું આ પ્રથમ સીધું રોકાણ છે. જ્યારે ગુડવોટર કેપિટલે ઓડિયો-સ્ટ્રીમીંગ સ્ટાર્ટઅપ પોકેટ એફએમ અને એડટેક કંપની ટીચમિન્ટ અને યેલોક્લાસમાં રોકાણ કર્યું છે.

RBI ગવર્નરે NBFCને વહીવટી ધારા-ધોરણો મજબૂત બનાવવા જણાવ્યું
શક્તિકાંતા દાસે મોટી નોન-બેંકિંગ ફાઈ. કંપનીઓના એમડી અને સીઈઓ સાથે મંત્રણા યોજી
બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે નોન-બેકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓના વડાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમને વહીવટી ધારા-ધોરણો મજબૂત બનાવવા જણાવ્યું હતું. આ એનબીએફસીમાં હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓનો સમાવેશ પણ થતો હતો. આરબીઆઈએ કંપનીઓને અશ્યોરન્સ મિકેનીઝમ્સ મજબૂત બનાવવા પણ કહ્યું હતું.
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગવર્નરે ટોચની એનબીએફસીના એમડી અને સીઈઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ટોચની હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓના વડાઓ પણ હાજર રહ્યાં હતાં. બેઠકમાં હાજર રહેલા પ્રતિનિધિઓની કંપનીઓ તમામ એનબીએફસીની કુલ એસેટ્સનો લગભગ 50 ટકા હિસ્સો ધરાવતી હતી. શશીકાંત દાસે એનબીએફસી તરફથી અનબેંક્સ અને અન્ડરસર્વ્ડ વિસ્તારોમાં પૂરી પાડવામાં આવતી ક્રેડિટ મારફતે સેક્ટરના મહત્વની ભૂમિકાને માન્યતા આપવા સાથે સારા સમયમાં કોઈપણ પ્રકારના સંતોષની લાગણીથી દૂર રહેવા સાવચેતી જાળવવા જણાવ્યું હતું. આરબીઆઈ ગવર્નરે એનબીએફસીને ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્ઝને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. જેમાં કોમ્પ્લાયન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને ઈન્ટરનલ ઓડિટ જેવી બાબતોનો સમાવેશ થતો હતો. ઉપરાંત એનબીએફસી માટે તેમના સ્રોતોના વૈવિધ્યીકરણને લઈને પણ ચર્ચા થઈ હતી. જેથી બેંકિંગ બોરોઈંગ પર વધતાં અવલંબનને ઘટાડી શકાય. ઉપરાંત રિટેલ સેગમેન્ટમાં અનસિક્યોર્ડ લોનમાં ઊંચી વૃદ્ધિ સાથે જોડાયેલા જોખમો તથા આઈટી સિસ્ટમ્સના અપગ્રેડેશનને અગત્યતા અને સાયબસ સિક્યૂરિટી લઈ ચર્ચા-વિચારણા થઈ હતી.

લોક-ઈન પિરિયડ પૂરો થતાં સોફ્ટબેંક ઝોમેટોના શેર્સ વેચે તેવી શક્યતાં
સોફ્ટબેંક પાસે ઝોમેટોનો હજુ પણ 3.35 ટકા હિસ્સો રહેલો છે

ફૂડ ડિલિવરી એગ્રીગેટર ઝોમેટોમાં રોકાણકાર સોફ્ટબેંક કંપનીમાં રોકાણને લઈને લોક-ઈન પિરિયડ પૂરો થતાં તેની પાસે રહેલા બાકીના શેર્સનું વેચાણ કરે તેવી શક્યતાં વર્તુળો જણાવે છે. નામ નહિ આપવાની શરતે વર્તુળોનું કહેવું છે કે 25 ઓગસ્ટે બ્લિન્કિટ ડીલ પૂરું થવા સાથે સોફ્ટબેંક માટે લોક-ઈન પિરિયડ પણ પૂરો થશે.
આ શેર્સ શેરબજાર પર બ્લોક ડિલ્સ મારફતે વેચાણ કરવામાં આવે તેવી શક્યતાં વર્તુળો વ્યક્ત કરે છે. જેના પરિણામે બ્લિન્કિટ ડિલ મારફતે મેળવવામાં આવેલા શેર્સ સોમવારે ટ્રેડિંગ માટે અનલોક થશે. જે 12-મહિના માટેના લોક-ઈન પિરિયડમાં હતાં. સોફ્ટબેંક પાસે ઝોમેટોના હજુ પણ 3.35 ટકા શેર્સ પડેલાં છે. જે તેણે બ્લિન્કિટ ડીલ વખતે કંપનીને તેના હોલ્ડિંગના વેચાણ વખતે ઈસ્યુ કર્યાં હતાં. ઝોમેટો અને સોફ્ટબેંક તરફથી જોકે આ મુદ્દે ઈમેઈલનો જવાબ આપવામાં આવ્યો નહોતો. બ્લિન્કિટ ડીલ વખતે સોફ્ટબેંકે મેળવેલા ઝોમેટો શેર્સનું મૂલ્ય પ્રતિ શેર રૂ. 70.76 પર જોવા મળ્યું હતું. ઝોમેટોનો શેર હાલમાં રૂ. 90ના ભાવ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આમ સોફ્ટબેંકને તેની ખરીદી પર લાભ મળી રહ્યો છે. વર્તુળોના જણાવ્યા મુજબ ઈન્વેસ્ટમેન્ટ બેંક્સ ઝોમેટો શેર્સની માગને જોતાં બુક બનાવી રહી છે. ત્રણ વેન્ચર કેપિટલ કંપનીઓ બ્લિન્કિટ ડિલના ભાગરૂપે લોક-ઈન પિરિયડ ધરાવતી હતી. જેમાં સોફ્ટબેંક ઉપરાંત સિક્વોઈયા અને ટાઈગરગ્લોબલનો સમાવેશ થતો હતો.

વેદાંતાની દરેક બિઝનેસ માટે અલગ કંપનીની વિચારણાઃ અનિલ અગ્રવાલ
અગ્રવાલના મતે રોકાણકારોને પ્યોર પ્લે પસંદ હોવાથી આમ કરવામાં આવશે

વેદાંત લિ. તેના દરેક બિઝનેસિસ માટે સ્વતંત્ર કંપની રચવાના વિકલ્પો ચકાસી રહી છે એમ ભારતમાં લિસ્ટેડ કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે રોકાણકારોને પ્યોર પ્લે પસંદ હોય છે એમ અગ્રવાલે કંપનીના રોકાણકારોને વિડિયો મેસેજમાં ગુરુવારે જણાવ્યું હતું.
વેદાંતા ઓઈલ અને ગેસ સહિત એલ્યુમિનિયમ અને પાવર ક્ષેત્રે હાજરી ધરાવે છે. ઉપરાંત તે સેમીકંડક્ટર અને ડિસપ્લે ગ્લાસ માટેની યોજના ધરાવે છે. અગ્રવાલના જણાવ્યા મુજબ તેમણે કંપનીના એડવાઈઝર્સ અને અધિકારીઓને આ તમામ પ્રોડક્ટ્સ અથવા કેટલીક પ્રોડક્ટ્સને સ્વતંત્ર રીતે અલગ કરી શકાય કે કેમ તે ચકાસવા માટે જણાવ્યું છે. સ્વતંત્ર મેનેજમેન્ટ અને લીડરશીપ બિઝનેસને તેના સર્વોચ્ચ સ્તરે લઈ જઈ શકે છે. કેમકે તેઓ ફોકસ્ડ હોય છે. તેઓ વેલ્યૂ ઊભી કરે છે અને એક પ્રોડક્ટમાં જ બીજી અન્ય પ્રોડક્ટ્સ ડેવલપ કરે છે એમ અગ્રવાલે જણાવ્યું હતું. તેમના દરેક બિઝનેસિસને અલગ કંપની તરીકે લિસ્ટ કરાવવાના વિકલ્પ અંગે સંકેત આપતાં અગ્રવાલે જણાવ્યું હતું કે વેદાંત લિમિટેડનો એક શેર ધરાવનાર રોકાણકારને અન્ય કંપનીઓના શેર્સ મળશે અને લોકોને અલગ બિઝનેસિસમાં રોકાણની તક મળશે. જેમાં કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ પણ થાય છે. વેદાંતાએ બીએસઈને એક ડિસ્ક્લોઝરમાં જણાવ્યું હતું કે હાલના તબક્કે આ માત્ર વિચાર છે અને રોકાણકારોના પ્રતિભાવને આધારે આ મુદ્દે આગળ વધવામાં આવશે.

L&T, HALની રોકેટ પ્રાઈવેટાઈઝેશન માટે બીડીંગની વિચારણા
લગભગ 20 કંપનીઓએ પ્રાઈવેટાઈઝેશન પર એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કર્યાં છે

ભારત સરકારની સ્મોલ સેટેલાઈટ લોંચ રોકેટના પ્રાઈવેટાઈઝેશનના પ્રયાસો માટે બીડ કરવાનું વિચારી રહેલી કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો અને હિંદુસ્તાન એરોનોટીક્સનો સમાવેશ થાય છે એમ વર્તુળો જણાવે છે. સરકાર ઝડપથી વૃદ્ધિ પામી રહેલા સ્પેસ માર્કેટમાં વધુ રોકાણ ઈચ્છી રહી છે.
સ્મોલ સેટેલાઈટ લોંચ વેહીકલ(SSLV)ને સરકારી સ્પેસ એજન્સી ઈસરોએ વિકસાવ્યું છે. એસએસએલવી 500 કિગ્રા સુધીના સેટેલાઈટ્સને ધરતીની નીચી ધરીમાં લોંચ કરવા માટે નીચો ખર્ચ ધરાવતાં સાધન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ કોમ્યુનિકેશન્સ અને ડેટા માટે સંખ્યાબંધ નાના સેટેલાઈટ્સ લોંચ કરવા માટે મહત્વની કામગીરી બજાવી રહ્યાં છે. આ ક્ષેત્રે સ્પેસએક્સ અને હરિફો સ્પર્ધા કરી રહ્યાં છે. લગભગ 20 જેટલી કંપનીઓએ સરકારના પ્રાઈવેટાઈઝેશન બીડીંગને લઈ તેમના તરફથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ સબમિટ કર્યાં છે એમ વર્તુળો ઉમેરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તરફથી પ્રથમવાર સ્પેસ ક્ષેત્રે પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવ્યું છે. જેમાં અન્ય સ્પેસ સંબંધી બિઝનેસમાં પણ ઈન્વેસ્ટમેન્ટને આવકારવામાં આવી રહ્યું છે. ભારત વૈશ્વિક સેટેલાઈટ લોંચ માર્કેટમાં તેના હિસ્સાને આગામી દાયકામાં પાંચગણો વધારવાનો ટાર્ગેટ ધરાવે છે. હવેનો તબક્કો બિંડીંગ પ્રક્રિયા શરૂ કરવાનો હશે એમ વર્તુળ જણાવે છે. લાર્સન કે હિંદુસ્તાન એરોનોટિક્સે આ અંગે કોઈ ટિપ્પણી નહોતી કરી. જોકે, હાલમાં બંને કંપનીઓ સરકાર સાથે ઈસરો માટે રોકેટ બનાવવાના તથા ડિલિવર કરવાના કોન્ટ્રેક્ટ ધરાવે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

રિવોલ્ટ મોટર્સઃ ઈલેક્ટ્રીક મોટરસાઈકલ ઉત્પાદક રિવોલ્ટ મોટર્સે ફેમ-2 સ્કીમના ઉલ્લંઘન બદલ સરકારમાં રૂ. 50 કરોડની પેનલ્ટી ડિપોઝીટ કરાવી છે. કેન્દ્ર સરકારના હેવી ઈન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ તરફથી આ પેનલ્ટી લાગુ પાડવામાં આવી હતી. રિવોલ્ટ તરફથી રૂ. 44.30 કરોડની સબસિડીનો દૂરૂપયોગ કરવામાં આવ્યો હતો એમ વિભાગે જણાવ્યું હતું.
લ્યુપિનઃ ફાર્મા કંપનીને 267 એમજી અને 801 એમજીની સ્ટ્રેન્થ્સમાં પિરફેનીડોન ટેબ્લેટ્સના માર્કેટિંગ માટેની યુએસએફડીએ તરફથી મંજૂરી આપવામાં આવી છે. કંપનીની આ પ્રોડક્ટ્સ લા રોશ ઈન્કની એસ્બ્રાઈટ ટેબલેટ્સ સમકક્ષ છે. જેનો ઉપયોગ આઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસની સારવારમાં કરવામાં આવે છે.
હિંદુસ્તાન ઝીંકઃ વેદાંત જૂથની કોમોડિટી ઉત્પાદકે બ્રાઉનફિલ્ડ વિસ્તરણ મારફતે ઉત્પાદન ક્ષમતામાં 50 ટકા વૃદ્ધિની યોજના તૈયાર કરી છે. કંપની તેની વર્તમાન વાર્ષિક ક્ષમતાને 10 લાખ ટન પરથી વધારી 15 લાખ ટન કરશે. કંપનીએ 2022-23માં 10 લાખ ટનની રિફાઈન્ડ મેટલ ક્ષમતા હાંસલ કરી હતી. જ્યારે જૂન ક્વાર્ટરમાં નવી ટેક્નોલોજીના ઉપયોગથી 2.57 લાખ ટન ઉત્પાદન નોંધાવ્યું હતું.
સુઝલોનઃ કંપનીએ ટેક ગ્રીન પાવર XI તરફથી 201.6 મેગાવોટ ક્ષમતાના વિન્ડ એનર્જિ પ્રોજેક્ટ માટે ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે વિન્ડ ટર્બાઈન્સ સપ્લાય કરવાના રહેશે. આ ઉપરાંત ઈરેક્શન અને કમિશ્નીંગ સાથે પ્રોજેક્ટ એક્ઝીક્યૂટ કરવાનો રહેશે.
સ્પાઈસજેટઃ દિલ્હી હાઈકોર્ટે સ્પાઈસજેટના ચેરમેન અને એમડી અજય સિંઘને કેએએલ એરવેઝના પ્રમોટર કલાનિધી મારનને 10 સપ્ટેમ્બર સુધીમાં રૂ. 100 કરોડ ચૂકવવા માટે જણાવ્યું છે. જો અજય સિંઘ કરવામાં નિષ્ફળ જશે તો કોર્ટે પેમેન્ટ સામે પ્રોપર્ટી જપ્ત કરવાની ચેતવણી પણ આપી છે.
જેએસડબલ્યુ ગ્રૂપઃ સ્ટીલ સેક્ટરનું અગ્રણી જૂથ તેના પોતાના ઈલેક્ટ્રીક વેહીકલ્સ બનાવવાના વિચાર પર કામ કરી રહ્યું છે. જૂથ ચેરમેન સજ્જન જિંદાલના જણાવ્યા મુજબ ઈવી એક ભવિષ્ય છે અને તેમાં જેએસડબલ્યુ ગ્રૂપે ફરજિયાત પ્રવેશ કરવાનો રહેશે. ઈવીમાં પ્રવેશ માટે હાલનો સમય શ્રેષ્ઠ છે એમ ઉમેર્યું હતું.
પીએફસીઃ જાહેર ક્ષેત્રનું એનબીએફસી સાહસ 1320 મેગાવોટના ડીવીસી પ્રોજેક્ટની સ્થાપના માટે રૂ. 4528 કરોડની લોન પૂરી પાડશે. આ માટે તેણે દામોદર વેલી કોર્પોરેશન સાથે કરાર સાઈન કર્યો છે. આ લોન પશ્ચિમ બંગાળના રઘુનાથપુર ફેઝ-2 પ્રોજેક્ટ માટે અપાશે. જે પીએફસી અને ડીવીસીનો સંયુક્ત પ્રયાસ છે.
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગઃ કંપનીએ એએનઝેડ બેંકિંગ ગ્રૂપ, બાર્ક્લેઝ બેંક અને એસબીઆઈને રૂ. 2232 કરોડનું આગોતરું પેમેન્ટ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage