Market Summary 25/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

તેજીવાળાના પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટે સુધારો ગુમાવ્યો
નિફ્ટી ઈન્ટ્રા-ડે ટોચ પરથી 200થી વધુ પોઈન્ટ્સ ગગડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ ફ્લેટ જોવા મળ્યો
વૈશ્વિક શેરબજારોમાં મજબૂતી નોંધાઈ
આઈટી, એફએમસીજી, રિઅલ્ટીમાં મજબૂતી
એનર્જી, ફાર્મા, પીએસઈ, ઓટોમાં નરમાઈ
જીએમઆર એરપોર્ટ્સ, મહિન્દ્રા હોલિડેઝ, એમ્ફેસિસ નવી ટોચે

ચંદ્રાયાન-3ની સફળતા પાછળ શેરબજારમાં ગુરુવારે ખૂલતામાં જોવા મળેલી મજબૂતી ટકી શકી નહોતી અને બેન્ચમાર્ક્સ ટોચ પરથી પાછા પડી નરમાઈ સાથે બંધ રહ્યા હતાં. બીએસઈ સેન્સેક્સ 180.96 પોઈન્ટ્સના ઘટાડે 65,252.34ની સપાટીએ જ્યારે નિફ્ટી 57.30 પોઈન્ટ્સ ઘટાડે 19,386.70ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પસંદગીની ખરીદી જળવાય હતી. જોકે, તેમ છતાં બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3780 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1827 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1789 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 264 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 23 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે બંધ રહ્યાં હતાં. 5 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 11.70ના સ્તરે ફ્લેટ જોવા મળ્યો હતો.
ગુરુવારે નિફ્ટી અગાઉના 19444ના બંધ સામે 19535.15ની સપાટીએ મજબૂત ખૂલી વધી 19,584.45ની ટોચ પર ટ્રેડ થઈ નીચામાં 19,369 પર પટકાયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં બીપીસીએલ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસિસ, બ્રિટાનિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ફાઈનાન્સ, એચયૂએલનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પો., જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ, લાર્સન, ડિવિઝ લેબ્સ, હિંદાલ્કો, એચસીએલ ટેક્નોલોજી, સિપ્લા, હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવ જોઈએ તો આઈટી, એફએમસીજી, રિઅલ્ટીમાં મજબૂતી જ્યારે એનર્જી, ફાર્મા, પીએસઈ, ઓટોમાં નરમાઈ જળવાય હતી. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં કોફોર્જ 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત જીએમઆર એરપોર્ટ્સ, એમ્ફેસિ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એસ્કોર્ટ્સ કુબોટા, કોરોમંડલ, મેક્સ ફાઈનાન્સિયલ, સન ટીવી નેટવર્ક, સિમેન્સ અને એમએન્ડએમ ફાઈ. નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, મણ્ણાપુરમ ફાઈ, પોલીકેબ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, જિંદાલ સ્ટીલ, ભેલ, રિલાયન્સ ઈન્ડ., હિંદુસ્તાન એરોનોટિક્સ, એબી કેપિટલ, આઈડીએફસી, હિંદ કોપર, ઓએનજીસી, લૌરસ લેબ્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં જીએમઆર એરપોર્ટ્સ, મહિન્દ્રા હોલિડેઝ, એમ્ફેસિસ, એપીએલ એપોલો, એમટાર ટેક, એસ્કોર્ટ્સ કુબોટા, મેક્સ ફાઈનાન્સિયલ, સન ટીવી નેટવર્ક, બિરલોસોફ્ટનો સમાવેશ થતો હતો.

JFSનો શેર ચોથા દિવસે સેલર સર્કિટમાં બંધ
પેસિવ ફંડ્સ તરફથી વેચવાલી પાછળ શેર રૂ. 2662.05ની ટોચ પરથી ગગડી રૂ 213.45ની સપાટીએ બંધ રહ્યો
કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.66 લાખ કરોડ પરથી ગગડી રૂ. 1,35,610 કરોડ પર નોઁધાયું
કંપનીને 29 ઓગસ્ટે બેન્ચમાર્ક્સમાંથી દૂર કરવામાં આવશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી છૂટી પડેલી એનબીએફસી જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરમાં સતત ચોથા સત્રમાં વેચવાલી ચાલુ રહી હતી અને ગુરુવારે તે વધુ એક 5 ટકાની સેલર સર્કિટ સાથે રૂ. 213.45ના સૌથી નીચા લેવલે બંધ રહ્યો હતો. જ્યારે તેનું માર્કેટ-કેપ રૂ. રૂ. 1,35,610 કરોડ પર નોઁધાયું હતું. જે સોમવારે લિસ્ટીંગ સમયે રૂ. 1.66 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીનો શેર પણ રૂ. 262.05ની સર્વોચ્ચ સપાટી સામે લગભગ રૂ. 50નો ઘટાડો દર્શાવી રહ્યો છે. શેરને 29 ઓગસ્ટે નિફ્ટી અને સેન્સેક્સમાંથી દૂર કરવામાં આવશે.
માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ જીઓ ફાઈ. સર્વિસિઝના શેરમાં પેસિવ ફંડ્સ તરફથી ભારે વેચવાલી જોવા મળી રહી છે. જેનું કારણ કંપનીને બેન્ચમાર્ક્સ નિફ્ટી અને સેન્સેક્સમાંથી દૂર કરવાનું કારણ જવાબદાર છે. છેલ્લાં ચાર સત્રોમાં જોઈએ તો ફંડ્સ તરફથી જેએફએસના કરોડો શેર્સનું વેચાણ થઈ ચૂક્યું છે. જોકે, હજુ પણ કેટલાંક શેર્સ વેચાવાના બાકી છે અને તેથી હજુ પણ કેટલાંક સત્રો દરમિયાન તે સેલર સર્કિટ્સમાં બંધ જોવા મળી શકે છે. શરૂઆત ત્રણ સત્રોની વાત કરીએ તો જેએફએસમાં 21 ઓગસ્ટે લિસ્ટીંગના દિવસે 7.83 કરોડ શેર્સનું ડિલિવરી વોલ્યુમ જોવા મળ્યું હતું. જે 22 ઓગસ્ટે માત્ર 78 લાખ પર હતું. બુધવારે કંપનીના શેરમાં ડિલિવરી વોલ્યુમ 47 લાખ પર નોંધાયું હતું. પ્રથમ ત્રણ સત્રોમાં 9.08 કરોડ શેર્સનું વેચાણ જોવા મળ્યું હતું. જો એમ ધારી લઈએ કે આ તમામ વેચાણ પેસિવ ફંડ્સ તરફથી હતું તો હજુ પણ તેમની પાસે કંપનીના 5.4 કરોડથી 5.9 કરોડ શેર્સનું વેચાણ બાકી છે એમ વર્તુળોનું કહેવું છે.
પેસિવ ફંડ્સ પાસે તેમની પાસે રહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર્સના ભાગરૂપે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સ આવ્યાં હતાં. જોકે, શેરબજારોએ લિસ્ટીંગ પૂર્વે જ કંપનીને બેન્ચમાર્ક્સમાંથી દૂર કરવાનું જાહેર કરતાં લિસ્ટીંગના દિવસથી જ પેસિવ ફંડ્સે વેચવાલી જાળવી હતી. તેમને મળેલા મેન્ડેટ મુજબ તેઓ નિફ્ટી કે સેન્સેક્સમાં ના હોય તેવા કાઉન્ટર્સમાં નાણા રોકી શકે નહિ. આમ તેઓએ ફરજિયાત જેએફએસના શેર્સ વેચવાના રહેશે.

ટોરેન્ટ ફાર્માએ દહેજ સુવિધા માટે US FDA પાસેથી EIR મેળવ્યું

ટોરેન્ટ ફાર્માએ તેની દહેજ સ્થિત ઉત્પાદન સુવિધા માટે યુએસ ડ્રગ રેગ્યુલેટર યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(યૂએસ એફડીએ) પાસેથી એસ્ટાબ્લિશમેન્ટ ઈન્સ્પેક્શન રિપોર્ટ(EIR) મેળવ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે યુએસ એફડીએ તરફથી ઈન્સ્પેક્શન સફળ રીતે પૂર્ણ થયું છે.
માર્ચ 2019ના ઈન્સ્પેક્શન પરિણામને આધારે દહેજ સુવિધાને યુએસ એફડીએ તરફથી ‘ઓફિશ્યલ એક્શન ઈન્ડિકેટેડ(OAI)’ હેઠળ મૂકવામાં આવી હતી. ડ્રગ રેગ્યુલેટરે 17 મે 2023થી 25 મે 2023 દરમિયાન સાઈટનું ફરીથી નિરીક્ષણ કર્યું હતું. જ્યારપછી બે નિરીક્ષણો સાથે ફોર્મ 483 ઈસ્યુ કર્યું હતું. અપડેટ કરવામાં આવ્યા મુજબ સાઈટનું વર્ગીકરણ VAI(વોલ્યુન્ટરી એક્શન ઈન્ડિકેટેડ) રખાયું છે. જે સૂચવે છે કે ટોરેન્ટ તેણે ફાઈલ કરેલી ANDA માટે મંજૂરી મેળવવાનું શરૂ કરશે. જે કંપનીના ભાવિને વધુ ઉજળું બનાવશે અને નવી પ્રોડક્ટ ઓફરિંગ્સ સાથે યુએસ માર્કેટમાં તેની વૃદ્ધિને વેગ આપશે. કંપનીની દહેજ સુવિધા એપીઆઈ અને ફોર્મ્યુલેશન્સનું ઉત્પાદન કરશે જે ટોરેન્ટ ફાર્માના ઈન્ટરનેશનલ માર્કેટ બિઝનેસ માટે હશે.

ડોલર સામે રૂપિયો 14 પૈસા સુધર્યો
ગુરુવારે યુએસ ડોલર સામે સ્થાનિક ચલણમાં મજબૂતી જોવા મળી હતી. ભારતીય રૂપિયો 14 પૈસા સુધરી ડોલર સામે 82.58ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમા ડોલરમાં નરમાઈ પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં મજબૂતી જોવા મળી હતી. ચાલુ સપ્તાહે ડોલર સામે રૂપિયો ઉત્તરોત્તર સુધારો દર્શાવતો રહ્યો છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારોના ફ્લો તથા ક્રૂડમાં નરમાઈએ પણ રૂપિયામાં સેન્ટિમેન્ટને સપોર્ટ કર્યો હતો. છેલ્લાં ત્રણ સત્રોમાં રૂપિયો 55 પેસા જેટલો સુધારો દર્શાવી ચૂક્યો છે. એક અહેવાલ મુજબ આરબીઆઈએ બેંક્સને ઓફશોર કરન્સી માર્કેટ્સમાં શોર્ટ-ટર્મ ટ્રેડિંગ માટે અટકાવતાં રૂપિયાને સપોર્ટ મળ્યો છે. ગુરુવારે રૂપિયો 82.55 પર મજબૂત ખૂલી વધુ સુધરી 82.36 પર ટ્રેડ થયો હતો. જ્યાંથી ગગડી 82.61 થઈ 82.58 પર બંધ રહ્યો હતો.

ખેડૂતોએ કઠોળ, કપાસથી દૂર થઈ મકાઈ પર પસંદગી ઉતારી
મધ્ય પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદમાં વિલંબ પાછળ મકાઈનું વાવેતર વધ્યું

દેશના ખેડૂતોએ ચાલુ ખરિફ સિઝનમાં મકાઈ પર પસંદગી ઉતારી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેડૂતોએ જાડાં ધાન્ય એવા મકાઈ પર પસંદગી ઉતારી છે. જેની પાછળ દેશમાં મકાઈનું વાવેતર 81.24 લાખ હેકટર પાર કરી ગયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 79.41 લાખ હેકટરમાં જોવા મળતું હતું. ચોમાસામાં વિલંબ અને ધીમી પ્રગતિ પાછળ ખેડૂતોએ કઠોળ અને કપાસ જેવા પાકો ઉપર મકાઈનું વાવેતર કરવું પડ્યું હતું.
મધ્ય પ્રદેશમાં મકાઈનું વાવેતર 17.41 લાખ હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં 15.99 લાખ હેકટરમાં જોવા મળતું હતું. સામાન્યરીતે મધ્યપ્રદેશમાં મકાઈનું વાવેતર 13.48 લાખ હેકટરમાં જોવા મળતું હોય છે. જેની સરખામણીમાં ચાલુ વર્ષે લગભગ ચાર લાખ હેકટર ઊંચું વાવેતર થયું છે. કૃષિ વર્તુળો મકાઈના ભાવ સારા હોવાના કારણે પણ ખેડૂતોએ મકાઈના વાવેતરને વધુ મહત્વ આપ્યું હોવાનું જણાવી રહ્યાં છે. કર્ણાટકમાં મકાઈનું વાવેતર ગયા વર્ષે 13.79 લાખ હેકટર સામે ચાલુ વર્ષે વધીને 14.53 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ મકાઈનું વાવેતર 8.74 લાખ હેકટર સામે સાધારણ વૃદ્ધિ સાથે 8.77 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો વાવેતર વિસ્તાર 7.49 લાખ હેકટર પરથી વધી 7.54 લાખ હેકટરમાં નોંધાયો છે. અન્ય રાજ્યોમાં ઝારખંડમાં 2.19 લાખ હેકટર(1.99 લાખ હેકટર), તેલંગાણા 2.05 લાખ હેકટર(2.01 લાખ હેકટર)નું વાવેતર નોંધાયું છે. બીજી બાજુ રાજસ્થાન અને ગુજરાતમાં મકાઈનું વાવેતર સાધારણ ઘટાડો સૂચવે છે. રાજસ્થાનમાં ગઈ સિઝનમાં 9.44 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ સિઝનમાં 9.42 લાખ હેકટરમાં જ્યારે ગુજરાતમાં 2.87 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 2.82 લાખ હેકટરમાં મકાઈનું વાવેતર થયું છે. આઈસીએઆર-ઈન્ડિયમ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેઈઝ રિસર્ચના જણાવ્યા મુજબ ચાલુ સિઝનમાં ચોમાસુ વિલંબિત રહેવાને કારણે ખેડૂતોએ પાછળથી ટૂંકા સમયગાલાના પાક પર પસંદગી ઉતારવી પડી છે. હાલમાં પાકની સ્થિતિ સારી છે અને તે લગભગ ગયા વર્ષ જેવી છે. નવી માર્કેટિંગ સિઝનમાં પાક ઊંચો જોવા મળે તેવી અપેક્ષા છે એમ તેઓ ઉમેરે છે. સરકાર તરફથી ત્રીજા આગોતરા અંદાજ મુજબ દેશમાં 2022-23માં મકાઈનું ઉત્પાદન 3.591 કરોડ ટનની વિક્રમી સપાટીએ જોવા મળશે.

ટોચના ડિસ્ટ્રેસ્ડ એસેટ ઈન્વેસ્ટર્સની SBIની બેડ લોન્સ ખરીદવાની વિચારણા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ. 96 હજાર કરોડ અથવા 12 અબજ ડોલરની 331 નોન-પર્ફોર્મિંગ એસેટ્સ ધરાવે છે

કેટલાંક વૈશ્વિક અને સ્થાનિક ડિસ્ટ્રેસ્ડ એસેટ ઈન્વેસ્ટર્સ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ચાલુ નાણાકિય વર્ષમાં વેચાણ માટે મૂકવામાં આવેલી બેડ લોન્સની ખરીદી માટે વિચારી રહ્યાં હોવાનું જાણકારોનું કહેવું છે. દેશના ટોચના લેન્ડરે ચાલુ મહિનાની શરૂમાં કુલ 331 નોન-પર્ફોર્મિંગ એસેટ્સની યાદી તૈયાર કરી હતી. જે પેટે તેમણે કુલ રૂ. 96000 કરોડ(11.6 અબજ ડોલર) લેવાના નીકળતાં હતાં એમ એસબીઆઈએ સંભવિત રોકાણકારોને મોકલેલી નોંધમાં જણાવ્યું છે.
એસબીઆઈની બેડ એસેટ્સ માટે રસ દર્શાવનાર રોકાણકારોમાં ન્યૂ યોર્ક સ્થિત સરબેરસ કેપિટલ મેનેજમેન્ટ એલપી, હોંગ કોંગ મુખ્યાલય ધરાવતી એસસી લોવી અને એવન્યૂ કેપિટલ ગ્રૂપ એલએસસી સમર્થિત એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીનો સમાવેશ થાય છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળોનું કહેવું છે. અન્ય સંભવિત ખરીદારોમાં ઉદય કોટક સમર્થિત ફિનિક્સ એઆરસી પ્રાઈવેટ, જેએમ ફાઈનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કં. અને રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કં.નો સમાવેશ થાય છે એમ તેઓ ઉમેરે છે. એસબીઆઈ, આર્સિલ અને જેએમ ફાઈનાન્સિયલે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે સરબેરસ, એસસી લોવી, રિલાયન્સ એઆરસી, ફિનિક્સે મેઈના કોઈ જવાબ પાઠવ્યા નહોતાં. ભારતીય લેન્ડર્સમાં બેડ લોનની ઓળખની પ્રેકટિસ વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને બેંક રેગ્યુલેટર આરબીઆઈ તરફથી બે વર્ષ અગાઉ ડિસ્ટ્રેસ્ડ એસેટ્સની પારદર્શક અને કાર્યદક્ષ ખરીદ-વેચાણ પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યાં પછી આ પ્રમાણ વધ્યું છે. 2018માં દેશના કેપિટલ માર્કેટ્સને વિકટ પરિસ્થિતિમાં મૂકનાર શેડો બેકિંગ કટોકટીમાંથી બહાર આવીને હાલમાં ભારતીય બેંકિંગ સેક્ટર મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ચાલુ નાણા વર્ષમાં એસબીઆઈની ચારેક ડઝન જેટલી ડિસ્ટ્રેસ્ડ એસેટ્સ ચર્ચામાં જોવા મળી રહી હોવાનુ વર્તુળોનું કહેવું છે. તેઓ ઉમેરે છે કે રોકાણકારો ઊંચું આઉટસ્ટેન્ડિંગ વેલ્યૂ ધરાવતી એસેટ્સ પર પસંદગી ઉતારતાં જોવા મળી રહ્યાં છે. એસબીઆઈએ ગયા નાણા વર્ષે 35 હજાર કરોડનું મૂલ્ય ધરાવતી 150 ડિસ્ટ્રેસ્ડ એસેટ્સ વેચાણ માટે મૂકી હતી એમ જાણકાર વર્તુળનું કહેવું છે.
એસબીઆઈની 2023-24ની યાદીમાં ઊંચું મૂલ્ય ધરાવતું ડેટ

જૂથ કુલ ડેટ(રૂ. કરોડમાં)
એરસેલ ગ્રૂપ 7000
VOVL લિમિટેડ 5100
જયપ્રકાશ એસોસિએટ્સ 4500
વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ 3400
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ 3000

LIC MFનો 2023-24માં રૂ. 27K કરોડ AUMનો ટાર્ગેટ
આઈડીબીઆઈ મ્યુચ્યુલ ફંડની 20 સ્કિમ્સના ટેકઓવર પછી કંપનીનું એયૂએમ હાલમાં રૂ. 24 હજાર કરોડ

ગયા નાણા વર્ષની આખરમાં રૂ. 17000 કરોડનું એસેટ અન્ડર મેનેજમેન્ટ દર્શાવનાર એલઆઈસી મ્યુચ્યુલ ફંડ ચાલુ નાણા વર્ષ દરમિયાન સરેરાશ રૂ. 27 હજાર કરોડના એયૂએમનો ટાર્ગેટ રાખી રહ્યું છે એમ કંપનીના સીઈઓએ જણાવ્યું છે. કંપનીએ તાજેતરમાં આઈડીબીઆઈ એમએફને ટેકઓવર કરી છે.
કંપનીના સીઈઓએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગયા મહિનાની આખરમાં તેમણે આઈડીબીઆઈ મ્યુચ્યુલ ફંડ્સની 20 સ્કિમ્સને ટેકઓવર કરી હતી. જે સાથે કંપનીનું એયૂએમ રૂ. 24 હજાર કરોડ પર પહોંચ્યું હતું. વધુમાં કંપની આગામી ત્રણ વર્ષોમાં રૂ. 50000 કરોડના એયૂએમનો ટાર્ગેટ હાંસલ કરવા માગે છે. વિસ્તરણ યોજનાના ભાગરૂપે એલઆઈસી મ્યુચ્યુલ ફંડ આગામી 2-3 વર્ષોમાં દેશના 100 શહેરોમાં 30 નવી શાખાઓ શરૂ કરવા માગે છે એમ કંપનીના સીઈઓ રામક્રિષ્ણને ઉમેર્યું હતું. મ્યુચ્યુલ ફંડ સેક્ટરમાં લોકપ્રિય સેક્ટર્સ અંગે બોલતાં તેમણે લિસ્ટેડ બેંકિંગ અને ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચરને પસંદગીના સેક્ટર ગણાવ્યાં હતાં. બેંકિંગ સેક્ટર એવરગ્રીન છે. જોકે, ખૂબ ટૂંકાગાળામાં તે થોડી નરમાઈ દર્શાવી રહ્યું છે પરંતુ મધ્યમથી લાંબાગાળે તે પોઝીટીવ ભાવિ દર્શાવે છે. કંપનીના પોર્ટફોલિયોમાં સરકારની 8-13 વર્ષની મેચ્યોરિટી ધરાવતી એસેટ્સનો સમાવેશ થાય છે. જોકે, હાલમાં એલઆઈસી મ્યુચ્યુલ ફંડ ગ્રીન અથવા મ્યુનિસિપાલિટી બોન્ડ્સમાં રોકાણ માટે તૈયાર નથી. જોકે ભવિષ્યમાં આ ક્ષેત્રે રોકાણ માટે તે ખૂલ્લું મન ધરાવે છે એમ જણાવે છે. હાલમાં મ્યુચ્યુલ ફંડ ક્ષેત્રે પેસિવ ફંડ્સનું આકર્ષણ વધી રહ્યું છે. જેનું મુખ્ય કારણ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ્સનું આ સેગમેન્ટમાં રોકાણ હોવાનું તેઓ જણાવે છે. ઉપરાંત રિટેલ રોકાણકારોનો સ્મોલ-કેપ ફંડ્સમાં રસ વધી રહ્યો છે. ઈન્ટરેસ્ટ રેટ અંગે તેઓ આગામી એક વર્ષમાં ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં છે. તેમના મતે વર્તમાન સમયગાળો ડ્યૂરેશન બોન્ડ્સમાં રોકાણ માટે યોગ્ય છે. કેમકે જ્યારે રેટમાં ઘટાડો કરવામાં આવશે ત્યારે બોન્ડમાં તેજી જોવા મળશે, જે રોકાણકારોને સારુ વળતર પૂરું પાડશે.

MFIએ માઈક્રોલેન્ડિંગમાં બેંક્સને પાછળ રાખી દીધી
2022-23માં માઈક્રો ફાઈનાન્સ કંપનીઓએ 40 ટકા હિસ્સો મેળવ્યો જેની સામે બેંક્સનો હિસ્સો 34 ટકા રહ્યો

છેલ્લાં ચાર વર્ષોમાં પ્રથવાર માઈક્રોલેન્ડિંગ(નાની લોન)માં માઈક્રો ફાઈનાન્સ કંપનીઓએ બેંક્સને પાછળ રાખી દીધી છે. નાણા વર્ષ 2022-23નો ડેટા જોઈએ તો માઈક્રો ફાઈનાન્સ કંપનીઓએ દેશના માઈક્રોલેન્ડિંગ માર્કેટમાં 40 ટકા હિસ્સો દર્શાવ્યો હતો. જે અગાઉના વર્ષના 35 ટકાની સામે 5 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો એમ અભ્યાસ સૂચવે છે.
મહામારી દરમિયાન એમએફએફના હિસ્સામાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. 2019-20માં માઈક્રોલેન્ડિંગમાં 32 ટકા હિસ્સા પરથી તેઓ 2020-21માં ઘટી 31 ટકા પર જોવા મળ્યાં હતાં. જોકે, પાછળથી આર્થિક રિકવરીની સાથે-સાથે તેમનો હિસ્સો વધી 2021-22માં 35 ટકા પર નોંધાયો હતો. જોકે, માર્ચ 2023ની આખરમાં કુલ માઈક્રોફાઈનાન્સ લોન્સમાં તેમનો હિસ્સો 40 ટકા પર જોવા મળતું હતું. જે વાર્ષિક ધોરણે 37 ટકા વૃદ્ધિ સૂચવે છે. જે બેંક્સની 34 ટકા વૃદ્ધિની સરખામણીમાં ઊંચો છે. બેંક્સનો વૃદ્ધિ દર અગાઉના વર્ષની સરખામણીમાં 6 ટકા ઘટાડો દર્શાવતો હતો એમ કેર રેટિંગ્સની નોઁધ જણાવે છે. લગભગ તમામ બેંક્સ તેમના પ્રાયોરિટી લેન્ડિંગ ટાર્ગેટ્સ હાંસલ કરવાના ભાગરૂપે એમએફઆઈ બુક ધરાવે છે. બેંક્સે 2022-23માં કુલ એયૂએમમાં 34 ટકા માઈક્રોલેન્ડિંગ નોંધાવ્યું હતું. જે 2019-20 અને 2021-22માં 40 ટકાની સરખામણીમાં નીચું હતું. 2020-21માં એમએફઆઈ લેન્ડિંગમાં તેમનો શેર 44 ટકાની ટોચ પર જોવા મળ્યો હતો. 2022-23માં પોઝીટીવ મેક્રોઈકોનોમિક માહોલ અને નવેસરથી માગ જોવા મળતાં માઈક્રોફાઈનાન્સ ઉદ્યોગે 37 ટકા વૃદ્ધિ દર દર્શાવ્યો હતો. જોકે, ઊંચી માગનો લાભ સ્ટેન્ડઅલોન માઈક્રોફાઈનાન્સ કંપનીઓને મળ્યો હતો અને તેમનું ધિરાણ કુલ ઉદ્યોગના 40 ટકા પર પહોંચ્યું હતું. જે બેંક્સના 34 ટકાની સરખામણીમાં 6 ટકા જેટલું ઊંચું હતું એમ કેર રેટિંગ્સ જણાવે છે. એજન્સીના રિપોર્ટ મુજબ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન પણ ગ્રોથ મોમેન્ટમ જળવાય રહેવાની અપેક્ષા છે. જોકે, ગયા વર્ષે 37 ટકા વૃદ્ધિ દર સામે ચાલુ વર્ષે 28 ટકા વૃદ્ધિ દરનો અંદાજ છે. જોકે, રિપોર્ટમાં ગ્રાહકોના વધતાં ડેટ, વધતી સરેરાશ ટિકિટ સાઈઝ તથા જોઈન્ટ લાયેબિલિટી ગ્રૂપ મોડેલ તરફથી વ્યક્તિગત લોન્સ મોડેલમાં વધતાં શિફ્ટ જેવા જોખમો પણ દર્શાવવામાં આવ્યાં છે. ઉપરાંત, માઈક્રો ફાઈનાન્સ કંપનીઓને હંમેશા રાજકીય, જીઓ-પોલિટીકલ તથા કુદરતી હોનારતો જેવી સમસ્યાઓને કારણે નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તેમ પણ જણાવાયું છે. આરબીઆઈ તરફથી લેન્ડિંગ પરની મર્યાદા દૂર કરવામાં આવતાં એમએફઆઈને રિસ્ક-બેઝ્ડ પ્રાઈસિંગ માટે ફરી અનૂકૂળતા ઊભી થઈ છે. જેમણે તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સને વેગ આપ્યો છે. આમ તેમની કુલ એસેટ્સ પર રિટર્ન વધ્યું છે.

જેક્સનહોલ ઈવેન્ટ અગાઉ ગોલ્ડ-સિલ્વરમાં નીકળેલી ખરીદી
કોમેક્સ ગોલ્ડ ગુરુવાર 1950 ડોલર પર ટ્રેડ થયું જ્યારે ચાંદી 24.42 ડોલર પર જોવા મળી
એમસીએક્સ ખાતે ચાંદીએ રૂ. 74 હજારનું લેવલ દર્શાવ્યું

યુએસ ખાતે જેક્સનહોલ ઈવેન્ટ અગાઉ વિવિધ એસેટ્સના ભાવમાં મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. બુધવારે યુએસ ટાઈમ મુજબ ડોલરમાં નરમાઈ પાછળ ગોલ્ડ-સિલ્વરમાં ઝડપી ખરીદી નીકળી હતી અને જોતજોતામાં ચાંદી ચાર ટકાથી વધુ મજબૂતી દર્શાવતી હતી. કોમેક્સ ખાતે ચાંદીએ 24 ડોલરને પાર કર્યું હતું. જ્યારે એમસીએક્સ ખાતે તેણે રૂ. 74 હજારની સપાટી નોંધાવી હતી. ડોલર ઈન્ડેક્સ 103.50ની સપાટી આસપાસ અથડાયેલો જોવા મળે છે.
માર્કેટ વર્તુળોના મતે જેક્સન હોલમાં ફેડ ચેરમેન જેરોમ પોવેલ રેટ વૃદ્ધિમાં પોઝની વાત કરે તેવી ઊંચી શક્યતાં જોવા મળી રહી છે. જેની પાછળ ગોલ્ડ અને સિલ્વરમાં ખરીદી જોવા મળી છે. જોકે, સપ્ટેમ્બર મિટિંગમાં તેઓ વધુ 25 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની શક્યતાં અગાઉ જણાવી ચૂક્યાં છે અને તેથી તેને બજાર ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જો, તેઓ 2023માં વધુ રેટ વૃદ્ધિનો ઈન્કાર કરશે તો ગોલ્ડ 1980 ડોલર સુધી ઉછળે તેવી શક્યતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. તેમના મતે રેટમાં પોઝ પાછળ ઈક્વિટી માર્કેટ્સ પણ મજબૂત પ્રતિક્રિયા દર્શાવી શકે છે. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી છતાં કિંમતી ધાતુઓમાં ખરીદી મજબૂત અન્ડરટોન સૂચવે છે. એમસીએક્સ ખાતે સપ્ટેમ્બર વાયદો ગુરુવારે રૂ. 73900ની ટોચ બનાવી રૂ. 73525 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ઓક્ટોબર ગોલ્ડ વાયદો રૂ. 84ના ઘટાડે રૂ. 58,735 પર ટ્રેડ થતો હતો.

પાવર કંપનીઓના શેર્સમાં મહિનામાં 27 ટકાનો ઉછાળો

પાવર સેક્ટરની કંપનીઓના શેર્સ છેલ્લાં ઘણા સત્રોથી તેજી દર્શાવી રહ્યાં છે. દેશમાં ઓગસ્ટ દરમિયાન વરસાદની ઊંચી ખાધ પાછળ જોવા મળેલી વિક્રમી વીજ માગ આ માટે જવાબદાર છે. ઉપરાંત કંપનીઓ તરફથી જૂન ક્વાર્ટર માટે રજૂ કરવામાં આવેલા મજબૂત પરિણામોએ પણ રોકાણકારોને આકર્ષ્યાં છે. સાથે સરકારી નીતિઓ પણ વીજ ઉત્પાદકો માટે લાભદાયી બની રહી છે. જેના પગલ રોકાણકારો પાવર સેક્ટર પ્રત્યે પોઝીટીવ જોવા મળી રહ્યાં છે.
ટોચની પાવર ઉત્પાદક કંપનીઓના શેર્સની મૂવમેન્ટનો અભ્યાસ કરીએ તો અદાણી પાવર છેલ્લા એક મહિનામાં 27 ટકાની વૃદ્ધિ સાથે ટોચ પર જોવા મળે છે. સમાનગાળામાં ટાટા પાવર અને NTPC અનુક્રમે 13.7 ટકા અને 9.7 ટકા વધ્યાં છે. ટાટા પાવર રૂ. 249.55 પર બંધ થતાં પહેલાં ગુરુવારે રૂ. 251ની 52-સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. મોટાભાગના રિસર્ચ હાઉસે ટાટા પાવરના સ્ટોકને અપગ્રેડ કર્યો છે અથવા તેની ટાર્ગેટ પ્રાઈઝમાં વધારો કર્યો છે.
પાવર શેર્સની છેલ્લાં મહિનાની વધ-ઘટ
કંપની શેરના ભાવમાં વૃદ્ધિ(ટકામાં)
અદાણી પાવર 26.5
તાત પાવર 13.7
NTPC 9.7
ટોરેન્ટ પાવર 8.6
નિફ્ટી -1.5

કોર્પોરેટ હેડલાઈન્સ

TCS: આઈટી સર્વિસિઝ કંપનીને ન્યૂ જર્સી કોર્ટે ભેદભાવ સંબંધી ફરિયાદમાં આંશિક રાહત આપી છે. આઈટી કંપનીના ભૂતપૂર્વ કર્મચારીએ આઈટી કંપની સામે નોન-સાઉથ એશિયન અને નોન-ઈન્ડિયન એપ્લિકેન્ટ્સ અને કર્મચારીઓ સામે વંશીય ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. જોકે, કોર્ટે ફરિયાદી તરફથી કરવામાં આવેલા ત્રણ દાવાઓમાંથી એકને ફગાવી દીધો હતો.
સુઝલોનઃ રિન્યૂએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર કંપનીએ ઈન્ટેગ્રમ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી 31.5 મેગાવોટ વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે ઓર્ડર મેળવ્યો છે. જોકે કંપનીએ પ્રોજેક્ટનું મૂલ્ય જાહેર નથી કર્યું. સુઝલોન આ પ્રોજેક્ટનો સપ્લાય, ઈન્સ્ટોલેશન, કમિશ્નીંગની કાર્યવાહી સંભાળશે. પ્લાન્ટ ચાલુ થયા પછી પણ કંપની તેનું મેન્ટેનન્સ કરશે.
ઈન્ફોસિસઃ ટોચની આઈટી સર્વિસ કંપનીએ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ટેનિસ સ્ટાર રાફેલ નાડાલને સાઈન કર્યો છે. જે નાડાલ માટે ડિજીટલ સર્વિસિઝ કંપની સાથે પ્રથમ જોડાણ છે. ભારતીય આઈટી કંપની માટે પણ વૈશ્વિક સ્પોર્ટ્સમેન સાથે આ પ્રકારનું પ્રથમ જોડાણ છે.
કોફોર્જઃ આઈટી કંપની કોફોર્જ ક્વાસરે એન્ટરપ્રાઈઝ એઆઈ કેપેબિલિટીઝ ડિઝાઈન કરવા માટે જેન એઆઈ પ્લેટફોર્મ લોંચ કર્યું છે. જે ઈન્ટિગ્રેશન માટે ઉપલબ્ધ 100થી વધુ એપીઆઈનો સેટ ધરાવે છે. આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે ગવર્ન્ડ ફ્રેમવર્ક પર કાર્ય કરે છે.
HCL: એચસીએલ જૂથ અને અપલિંકે એક્વાપ્રેન્યોર ઇનોવેશન ઇનિશિયેટિવના ભાગરૂપ ઝીરો વોટર વેસ્ટ સ્પર્ધા માટે અરજી મગાવી છે. તે એક્વાપ્રેન્યોર ઇનોવેશન ઇનિશિયેટિવની સ્પર્ધાઓમાંથી બીજી સ્પર્ધા છે. જેમાં વિજેતાઓને 17.5 લાખ સ્વીસફ્રાન્કનો પુરસ્કાર પ્રાપ્ત થશે.
એનએચપીસીઃ હાઈડ્રોપાવર ઉત્પાદક જાહેર સાહસે આંધ્ર પ્રદેશ પાવર જનરેશન કોર્પોરેશન સાથે એમઓયૂ સાઈન કર્યાં છે. જે હેઠળ કંપની રાજ્યમાં પંપ્ડ સ્ટોરેજ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સની સ્થાપના કરશે. જેમાં તે કરોડોનું રોકાણ હાથ ધરશે.
તાતા કોમ્યુનિકેશન્સઃ તાતા જૂથની કોમ્યુનિકેશન સર્વિસિંગ કંપનીએ તેની ક્લાઉડ-બેઝ્ડ વર્લ્ડવાઈડ 5જી રોમીંગ લેબોરેટરીના ઓપનીંગની જાહેરાત કરી છે. જે મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સને ગ્રાહકોને સર્વિસની શરૂઆત પહેલાં 5જી સ્ટેન્ડઅલોન નેટવર્કના ટેસ્ટીંગ માટેની છૂટ આપશે.
ઓરિઆના પાવરઃ કંપનીએ ભારત કૂકીંગ કોલ લિમિટેડ પાસેથી રૂ. 138 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ ઝારખંડના ધનબાધ ખાતે 20 મેગાવોટના એસી ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર ફોટોવોલ્ટેક પારવર પ્લાન્ટની સ્થાપના માટે આ ઓર્ડર મેળવ્યો છે. જેને 12-મહિનામાં પૂરો કરવાનો રહેશે.
રાઈટ્સઃ રેલ્વેની માલિકીની કંપની રેલ્વે બોર્ડે ફ્લોટ કરેલા ટેન્ડરમાં સૌથી નીચા બીડર તરીકે ઊભરી છે. જેમાં કંપનીએ ઈન્ડિયન રેલ્વેઝ માટે આઈઆરએસ ટી-12 2009 મુજબ રેઈલ્સનું ટેસ્ટીંગ અને ઈન્સ્પેક્શન સર્વિસ પૂરી પાડવાની રહેશે. આ ઓર્ડરનું અંદાજિત મૂલ્ય રૂ. 65.4 કરોડનું આંકવામાં આવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage