Market Summary 25/09/23

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

તેજી-મંદીવાળાઓ વચ્ચે ખેંચતાણ પછી માર્કેટમાં ફ્લેટ શરૂઆત
તાઈવાન સિવાય એશિયન બજારોમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા સુધરી 10.90ના સ્તરે
રિઅલ્ટી, બેંકિંગ, એફએમસીજીમાં મજબૂતી
આઈટી, ફાર્મા, મેટલમાં નરમાઈ
એમસીએક્સ ઈન્ડિયા, સુંદરમ ફાઈ., ટ્રેન્ટ, પીએનબી નવી ટોચે
ગુજરાત ગેસ, ડેલ્ટા કોર્પ નવા તળિયે

ભારતીય શેરબજારમાં સાધારણ પોઝીટીવ બંધ સાથે ફ્લેટ શરૂઆત જોવા મળી હતી. એશિયન બજારોમાં તાઈવાન સિવાય નોઁધપાત્ર ઘટાડા છતાં સ્થાનિક બજાર બે બાજુની સાંકડી વધ-ઘટ પછી ફ્લેટ આપી શક્યું હતું. બીએસઈ સેન્સેક્સ 15 પોઈન્ટ્સ સુધારે 66024ની સપાટીએ જ્યારે નિફ્ટી એક પોઈન્ટથી નીચા સુધારે 19675ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ ન્યૂટ્રલ જળવાય હતી. બીએસઈ ખાતે 3945 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1905 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1871 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 195 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 36 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 15 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સે લોઅર સર્કિટ્સ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.2 ટકા સુધરી 10.90ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે બેન્ચમાર્ક નિફ્ટીએ સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, ત્યારપછી શરૂઆતી બે કલાક દરમિયાન તે નેગેટિવ ઝોનમાં ટ્રેડ થયો હતો. મધ્યાહને બજારમાં ખરીદી પરત ફરી હતી અને જોતજોતામાં નિફ્ટી ઈન્ટ્રા-ડે 19734.15ની ટોચ દર્શાવી ફરી કોન્સોલિડેટ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 30 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે 19705ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સપ્તાહે જોવા મળતાં 31 પોઈન્ટ્સના પ્રિમીયમ જેટલું જ છે. આમ માર્કેટમાં કોઈ લોંગ-શોર્ટ પોઝીશન્સમાં ખાસ ફેરફાર નથી જોવા મળ્યો એમ કહી શકાય. જો વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ પોઝીટીવ જળવાશે તો સપ્ટેમ્બર સિરિઝ એક્સપાયરી સપ્તાહમાં માર્કેટ થોડો બાઉન્સ દર્શાવી શકે છે. તેને માટે 19600નું લેવલ મહત્વનો સપોર્ટ બની રહેશે. તે તૂટશે તો બજાર 19400 સુધી ગગડી શકે છે. નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં બજાજ ફાઈનાન્સ, તાતા કન્ઝ્યૂમર, બજાજ ફિનસર્વ, એપોલો હોસ્પિટલ, કોલ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, ગ્રાસિમ, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈસીઆઈસીઆઈ બેંક, ડિવિઝ લેબ્સનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ, હિંદાલ્કો, એસબીઆઈ લાઈફ, હીરો મોટોકોર્પ, ઈન્ફોસિસ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એચડીએફસી લાઈફ, એમએન્ડએમ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેક્નોલોજી અને ટીસીએસમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો રિઅલ્ટી, બેંકિંગ, એફએમસીજીમાં મજબૂતી નીકળી હતી. જ્યારે આઈટી, ફાર્મા, મેટલમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.5 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 9 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, સોભા, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફિઅર, બ્રિગેટ એન્ટરપ્રાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, સનટેક રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફમાં 1 ટકાથી લઈ 5 ટકા સુધીનો ઉછાળો નોઁધાયો હતો. એકમાત્ર ફિનિક્સ મિલ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ પણ અડધો ટકો મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બજાજ ફાઈનાન્સ, શ્રીરામ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, પિરામલ એન્ટરપ્રાઈઝ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેકમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી આઈટીમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેના ઘટકોમાં ઈન્ફોસિસ 1.5 ટકા, વિપ્રો 1 ટકા અને એલટીઆઈમાઈન્ડટ્રી એક ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી મેટલ પણ નરમાઈ દર્શાવતો હતો. જેના ઘટકોમાં એપીએલ એપોલો, હિંદાલ્કો, મોઈલ, નાલ્કો, વેદાંત, હિંદુસ્તાન ઝીંકનો સમાવેશ થતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ જોઈએ તો એમસીએક્સ ઈન્ડિયા 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત બલરામપુર ચીની, રામ્કો સિમેન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, ટ્રેન્ટ, દાલમિયા ભારત, આઈઆરસીટીસી, ગોદરેજ કંપની, પીએનબી, એસ્કોર્ટ્સ કુબોટા, શ્રીરામ ફાઈનાન્સ, હિંદ કોપરમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ડેલ્ટા કોર્પ, બર્ગર પેઈન્ટ્સ, ગ્લેનમાર્ક, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, કેનેરા બેંક, હિંદાલ્કો, એસબીઆઈ લાઈફ, ઓરેકલ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, ઈન્ડિયામાર્ટ, ડો. રેડ્ડીઝ લેબ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એમસીએક્સ ઈન્ડિયા, સુંદરમ ફાઈ., ટ્રેન્ટ, પીએનબી, તાતા કન્ઝ્યૂમર, ઈન્ડિયન બેંક, બ્લ્યૂ સ્ટાર, કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકીનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ ગુજરાત ગેસ, ડેલ્ટા કોર્પે નવા તળિયા દર્શાવ્યાં હતાં.

FPIની અવિરત વેચવાલી પાછળ રૂપિયા પર જોવાતું દબાણ
સપ્તાહની શરૂઆતમાં સોમવારે ડોલર સામે રૂપિયો 20 પૈસા ગગડ્યો
સરકારી બોન્ડના વૈશ્વિક ઈન્ડેક્સમાં સમાવેશ પાછળ જોવા મળેલો સુધારો ધોવાયો

યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં સોમવારે 20 પૈસાનો ઘટાડો નોંધાયો હતો અને તે 83.14ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈક્વિટી બજારોમાં નરમાઈ વચ્ચે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી સતત આઉટફ્લોને કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે અને તે તેની ઐતિહાસિક નીચી સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં અગ્રણી ચલણો સામે ડોલરમાં મજબૂતી જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સ 105.6ની સપાટીએ મજબૂત ટ્રેડ દર્શાવી રહ્યો હતો.
માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરમાં બે અબજ ડોલરની વેચવાલી નોંધાવી છે. જેને કારણે રૂપિયો ચાલુ મહિને મોટાભાગના સમય દરમિયાન દબાણમાં જોવા મળ્યો છે. કેલેન્ડરના શરૂઆતી છ મહિનામાં ડોલર સામે મજબૂતી દર્શાવ્યાં પછી જુલાઈ મહિનાથી તે નરમ પડ્યો છે અને આગામી સમયગાળામાં તે નવી લો દર્શાવે તેવી શક્યતાં છે. સોમવારે રૂપિયો 83.04ની સપાટીએ ખૂલી ઘટી 83.15 પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. શુક્રવારે રૂપિયો 19 પૈસા સુધરી 82.94ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, શુક્રવારે રૂપિયામાં સુધારો જેપીમોર્ગન તરફથી ભારતીય સરકારી બોન્ડ્સને ગ્લોબલ ઈન્ડેક્સમાં સમાવવાની કરેલી જાહેરાત પાછળનો હતો. જૂન 2024થી ભારત સરકારના બોન્ડ્સ જેપીમોર્ગન ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં સમાવેશ પામશે.
બોક્સ
વૈશ્વિક ડોલરમાં મજબૂતી પાછળ યુએસ બોન્ડ યિલ્ડ્સ તેમની નવી ટોચે પહોંચ્યાં હતાં. જેની પાછળ ગોલ્ડમાં સાધારણ નરમાઈ જોવા મળતી હતી. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 3 ડોલર ઘટાડા સાથે 1943 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી 0.13 ટકા ઘટાડે 23.812 ડોલર પર ટ્રેડ દર્શાવતી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો 92 ડોલર આસપાસ ફ્લેટ જોવા મળતો હતો. જ્યારે બેઝ મેટલ્સમાં કોપર અડધો ટકો ઘટાડો દર્શાવતું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ સાધારણ નરમાઈ સાથે રૂ. 58905ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે સિલ્વર સાધારણ ગ્રીન ઝોનમાં રૂ. 73346 પર ટ્રેડિંગ દર્શાવતી હતી.

ઈ-ગેમર્સને રૂ. 12k કરોડની GST ચોરી માટે નોટિસ પાઠવાય તેવી શક્યતાં
સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ લગભગ 80 જેટલી કંપનીઓને ટૂંકમાં જ નોટિસ ફટકારાશે
નવા અંદાજ મુજબ કુલ કર ચોરી રૂ. 31000 કરોડથી વધુની જણાય છે

લગભગ 80 જેટલી ઈ-ગેમીંગ કંપનીઓને ગડ્ઝ એન્ડ સર્વિસિજ ટેક્સના ધોવાણ માટેની નોટિસ પાઠવવામાં આવે તેવી શક્યતાં છે. આ કંપનીઓને કુલ રૂ. 10 હજાર કરોડથી રૂ. 12 હજાર કરોડની વસૂલાત માટેની નોટિસ ફટકારી શકાય છે તેમ તેઓ ઉમેરે છે. ઓનલાઈન ગેમીંગ કંપનીઓ માટે 1 ઓક્ટોબરથી અમલમાં આવનારા નવા જીએસટે રેટ્સ સાથે આ પગલું જોવા મળી શકે છે.
સરકારે એક સુધારો હાથ ધરી ઈ-ગેમીંગ કંપનીઓ પર દરેક ગેમીંગ સત્રમાં મૂકવામાં આવેલા કુલ બેટ પર 28 ટકા જીએસટી રેટ લાગુ પાડ્યો છે. ઉપરોક્સ અધિકારી જણાવે છે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સની ઈન્વેસ્ટીગેશન પાંખ ભારત અને વિદેશમાં કાર્યરત ગેમર્સ પર નવા અંદાજોને આધારે નોટિસ ઈસ્યુ કરવાની પ્રક્રિયામાં છે. નવા અંદાજ મુજબ કુલ કર ચોરી રૂ. 31000 કરોડથી વધુની જણાય છે એમ અધિકારી જણાવે છે. આ ગેમીંગ કંપનીઓ તેમની ગ્રોસ ગેમીંગ રેવન્યૂ પર 28 ટકા ટેક્સ ચૂકવણીને ટાળી રહી છે. તેઓ રિઅલ-મની ગેમીંગ મારફતે બેટીંગ કરીને આમ કરી રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ રૂ. 22 હજાર કરોડની ટેક્સ માગણીને લઈને નોટિસ ઈસ્યુ થઈ રહી છે જ્યારે બાકીની પ્રોસેસમાં છે. આમાં બેંગલૂર સ્થિત ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પર ફટકારવામાં આવેલી રૂ. 21000 કરોડના ટેક્સ ચોરીનો પણ સમાવેશ થાય છે. ભારતમાં અપ્રત્યક્ષ કરવેરા ક્ષેત્રે આ સૌથી મોટા દાવો છે. જોકે, કર્ણાટક હાઈકોર્ટે આ નોટિસને ખારીજ કરી હતી. કોર્ટના આ નિર્ણયને રેવન્યૂ વિભાગે પડકાર્યો છે.
ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપરાંત ડીજીજીઆઈએ કેસિનો ઓપરેટર્સ પર પણ કરની ચૂકવણી નહિ કરવાના આક્ષેપસર સકંજો કસ્યો છે. ગયા સપ્તાહે જ ડેલ્ટા કોર્પોરેશનને રૂ. 11,139 કરોડની ટેક્સ નોટિસ આપવામાં આવી હતી. જેમાં ઈન્ટરેસ્ટ અને પેનલ્ટીનો સમાવેશ થતો હતો. જોકે, કંપનીએ તેને પ્રાપ્ય તમામ કાનૂની ઉપાયોની સહાયતા લેશે તેમ જણાવ્યું હતું.

ઓગસ્ટમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ નિકાસમાં 9 ટકા વૃદ્ધિ
દેશમાંથી રિફાઈન્ડ પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં ઓગસ્ટમાં માસિક ધોરણે 9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 58.3 લાખ ટન પર રહી હતી. ડિઝલ, એવિએશ ટર્બાઈન ફ્યુઅલ અને ફ્યુઅલ ઓઈલની નિકાસમાં વૃદ્ધિ પાછળ આમ નોંધાયું હતું. પેટ્રોલિયમ એન્ડ એનાલિસીસ સેલ(PPAC)ના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ નાણા વર્ષ 2023-24ની સૌથી ઊંચી રહી હતી. જ્યારે કેલેન્ડર 2023ની વાત કરીએ તો તે બીજી સૌથી મોટી જોવા મળી હતી. ડિઝલની નિકાસ માસિક ધોરણે 4.2 ટકા વધી 24.8 લાખ ટન રહી હી. જોકે, ઓગસ્ટમાં અન્ય ઓટો ફ્યુઅલ, પેટ્રોલની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો અને તે માસિક ધોરણે 6.7 ટકા ગગડી 11.7 લાખ ટન પર રહી હતી. વિમાનો માટેના ઈંધણ એવા એટીએફની નિકાસ 15 ટકા ઉછળી 9 લાખ ટન પર જોવા મળી હતી.

બર્મન પરિવારે રેલીગેર એન્ટર.માં 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર આપી

ડાબરમાં બહુમતી હિસ્સો ધરાવતાં બર્મન પરિવારે સોમવારે ફાઈનાન્સિયલ સર્વિસિઝ ગ્રૂપ રેલીગેર એન્ટરપ્રાઈઝિસમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 2116 કરોડની ઓપર ઓફર જાહેર કરી હોવાનું એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું. બર્મન પરિવાર રૂ. 235 પ્રતિ શેરના ભાવે 9 કરોડથી વધુ શેર્સ ખરીદવા માગે છે. ઓગસ્ટમાં તેમણે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે રૂ. 534 કરોડમાં રેલીગેરમાં 7.5 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જે સાથે જૂથની ત્રણ કંપનીઓનો રેલીગેર એન્ટર.માં હિસ્સો વધી 21 ટકા પર પહોંચ્યો હતો. બર્મન પરિવારે એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે તે રેલીગેરમાં વોટિંગ શેર કેપિટલના વિસ્તરણ માટે 26 ટકાની ઓપન ઓફર મૂકી રહ્યું છે. બીએસઈ ડેટા મુજબ બર્મન પરીવારની પુરાણ એસોસિએટ્સ, વીઆઈસી એન્ટરપ્રાઈઝિસ અને એમબી ફિનમાર્ટ કંપનીમાં હિસ્સો ધરાવે છે. તેમણે ઓગસ્ટમાં કંપનીમાં 2.45 કરોડ શેર્સ અથવા 7.5 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તે વખતે ડાબરના ચેરમેન મોહિત બર્મને જણાવ્યું હતું કે રેલીગેરમાં તો લોંગ ટર્મ ઈન્વેસ્ટર છે. તે કંપનીને યુનિક ફાઈનાન્સિયલ સર્વિસિઝ પ્લેટફોર્મ તરીકે જોઈ રહ્યાં છે.

મીડ-સાઈઝ પ્રાઈવેટ બેંક્સમાં MFના શેર હોલ્ડિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ
બેંકિંગ સેક્ટરના સારા દેખાવ પાછળ એક વર્ષમાં બેંકિંગ કંપનીઓમાં મની મેનેજર્સે હિસ્સો વધાર્યો

કેટલીક મીડ-સાઈઝ પ્રાઈવેટ સેક્ટર બેંક્સમાં મ્યુચ્યુલ ફંડ્સના શેરહિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લાં એક વર્ષમાં ઉત્તરોત્તર સારા પરિણામો પાછળ આ પસંદગીના કાઉન્ટર્સમાં ફંડ મેનેજર્સે ખરીદી કરી છે તે સ્પષ્ટ જણાય રહ્યું છે. આવી ચાર અગ્રણી બેંક્સમાં ફેડરલ બેંક, આરબીએલ બેંક, સાઉથ ઈન્ડિયન બેંક અને બંધન બેંકનો સમાવેશ થાય છે. જ્યારે એકમાત્ર આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં મ્યુચ્યુલ ફંડનો હિસ્સો ઘટેલો જોવા મળે છે. જોકે, તેઓ બેંકમાં નોંધપાત્ર હિસ્સો જાળવી રહ્યાં છે.
પ્રાઈવેટ બેંકમાં એમએફ હિસ્સામાં વૃદ્ધિનો અભ્યાસ કરીએ તો જણાય છે કે ફેડરલ બેંકમાં જૂન 2022ની આખરમાં મ્યુચ્યુલ ફંડ્સનો હિસ્સ 32.64 ટકા પર જોવા મળતો હતો. જે એક વર્ષ પછી જૂન 2023 ક્વાર્ટરમાં 34.91 ટકા પર નોંધાયો હતો. આરબીએલ બેંકની વાત કરીએ તો મ્યુચ્યુલ ફંડ્સનો હિસ્સો એપ્રિલ-જૂન 2023ના સમયગાળામાં વધીને 11.64 ટકા પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 6.71 ટકા પર જોવા મળતો હતો. આમ, એક વર્ષમાં સ્થાનિક ફંડ્સે પ્રાઈવેટ બેકમાં નોંધપાત્ર ખરીદી દર્શાવી હતી. એક અન્ય પ્રાઈવેટ બેંક બંધન બેંકના હિસ્સામાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. બેંકમાં મ્યુચ્યુલ ફંડનો હિસ્સો જૂન 2023ની આખરમાં 7.49 ટકા પર નોંધાયો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 6.73 ટકા પર જોવા મળતો હતો. સાઉથ ઈન્ડિયન બેંકમાં જૂન 2022ની આખરમાં મ્યુચ્યુલ ફંડ્સ પાસે કોઈ હિસ્સો જોવા મળતો નહોતો. જોકે, જૂન 2023ની આખરમાં તેઓ બેંકમાં 0.91 ટકા હિસ્સો દર્શાવતાં હતાં. આમ, સાઉથ ઈન્ડિયન બેંકમાં ફંડ્સે નવેસરથી પ્રવેશ કર્યો હતો. બીજી બાજુ, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં ફંડ્સનો હિસ્સો ગયા વર્ષે જૂન ક્વાર્ટરની આખરમાં 5.19 ટકા પરથી ગગડી ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરની આખરમાં 2.78 ટકા પર નોંધાયો હતો. આઈડીએફસી ફર્સ્ટ બેંક્સના શેરમાં સુધારા સાથે તેમના તરફથી વેચવાલી જોવા મળી હતી.
એનાલિસ્ટ્સના મતે પ્રાઈવેટ બેંક્સ તરફથી મજબૂત પરિણામો પાછળ ફંડ્સ રોકાણ માટે આકર્ષાયાં છે. ઊંચા ક્રેડિટ વૃદ્ધિ દરને કારણે બેંક્સના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ વધી રહ્યાં છે. સાથે તેમના પ્રોવિઝનીંગ પણ ઘટવાથી તેમની કામગીરી સારી જળવાઈ છે. જેમકે ફેડરલ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 854 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 600ની સપાટી સામે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. સાઉથ ઈન્ડિયન બેંકે પણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 115 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 202.3 કરોડનો નફો નોંધાવ્યો હતો. આઈડીએફસી ફર્સ્ટ બેંકે ગયા જૂન ક્વાર્ટરમાં રૂ. 765 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 61 ટકાનો ઘટાડો સૂચવે છે. આરબીએલની વાત કરીએ તો બેંકે ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 201 કરોડની સરખામણીમાં રૂ. 288 કરોડનો નફો નોંધાવ્યો હતો. એકમાત્ર બંધન બેંકે ગયા વર્ષે રૂ. 886 કરોડની સરખામણીમાં રૂ. 721 કરોડનો નફો દર્શાવ્યો હતો.

પ્રાઈવેટ બેંકિંગમાં MFનો હિસ્સો
પ્રાઈવેટ બેંક જૂન 2022માં હિસ્સો(ટકામાં) જૂન 2023માં હિસ્સો(ટકામાં)
ફેડરલ બેંક 32.64 34.91
RBL બેંક 6.71 11.64
બંધન બેંક 6.73 7.49
IDFC ફર્સ્ટ બેંક 5.19 2.78
સાઉથ ઈન્ડિયન બેંક 0.00 0.91

5 કરોડ ડોલરથી વધુના સ્ટાર્ટ-અપ્સ રોકાણમાં ભારત ચોથા સ્થાને
ભારતથી આગળના ક્રમમાં યુએસ, ચીન અને યુકેનો સમાવેશ
ભારતે 429 સ્કેલઅપ્સમાં કુલ 127 અબજ ડોલરના વીસી ઈન્વેસ્ટમેન્ટ નોંધાવ્યું
ભારતીય સ્ટાર્ટ-અપ્સના 50 ટકાથી વધુ ગ્રાહકો એશિયા બહારના

સ્ટાર્ટ-અપ્સમાં 5 કરોડ ડોલરથી વધુના ઈન્વેસ્ટમેન્ટ મેળવવાની બાબતમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે જોવા મળી રહ્યું છે. તે માત્ર યુએસ, ચીન અને યૂકેથી પાછળ જોવા મળે છે એમ પોલિસી એડવાઈડરી અને રિસર્ચ ફર્મ સ્ટાર્ટઅપસ જેનોમ જણાવે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારત એવી 429 સ્કેલ-અપ કંપનીઓ ધરાવે છે. જે કુલ 127 અબજ ડોલરનું રોકાણ ધરાવે છે. જ્યારે કુલ ટેક વેલ્યૂ ઈન્વેસ્ટમેન્ટ 446 અબજ ડોલર જેટલું થાય છે. ભારતે સ્કેલ-અપ ફર્મમાં યૂકેને કુલ વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અને કુલ ટેક વેલ્યૂ ઈન્વેસ્ટમેન્ટમાં પાછળ રાખી દીધું છે. નોંધપાત્ર બાબત એ છે કે ભારતીય સ્ટાર્ટ-અપનો નોંધપાત્ર હિસ્સો વૈશ્વિક ઓડિઅન્સને તેમની સેવા પૂરી પાડે છે. દેશમાં બનેલા સ્ટાર્ટ-અપ્સનો 50 ટકાથી વધુ ગ્રાહક વર્ગ એશિયા બહારનો છે. રિપોર્ટ એ બાબત પર પ્રકાશ પાડે છે કે કેટલાંક દેશોમાં સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક સ્તરે વિસ્તરણના બદલે શા માટે સ્થાનિક બજાર પર ભાર મૂકી રહ્યાં છે. તેણે નોંધ્યું છે કે યુએસ સિવાયના મોટા દેશોના સ્ટાર્ટઅપ્સ તેમના સ્થાનિક માર્કેટ્સ પર ફોકસ કરે છે ત્યારે વધુ અસરકારક રીતે વિસ્તરણ ધરાવે છે. સ્થાનિક બજારનું વિશાળ કદ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશના વિલંબને યોગ્ય ઠેરવે છે.
ભારતમાં બિઝનેસ ટુ કસ્ટમર(બીટુસી) સ્ટાર્ટ-અપ્સની બાબતમાં આ અભિગમ વિશેષ સાચો જણાય છે. દેશમાં ઘણા સફળ સ્ટાર્ટ-અપ્સે યુનિકોર્નનો દરજ્જો મેળવ્યો છે. તેમજ ભારત બહારના બજારોમાં પ્રવેશ્યાં વિના જ બિલિયન ડોલર એક્ઝિટ્સ મેળવી છે. રિપોર્ટમાં ‘લોકલ કનેક્ટેડનેસ ઈન્ડેક્સ’ની રજૂઆત કરવામાં આવી છે. જે સ્ટાર્ટઅપ્સના સ્થાનિક નેટવર્કનું કદ, ઘનતા(ડેન્સિટી) અને ક્વોલિટીનું માપ કાઢે છે. જે સ્ટાર્ટ-અપ્સ 6થી વધુનો લોકલ કનેક્ટેડનેસ ઈન્ડેક્સ સ્કોર ધરાવે છે. તે 5.1 ટકાનો સ્કેલ-અપ રેટ અનુભવે છે.

ઓગસ્ટમાં ડિમેટ એકાઉન્ટ્સ 26 ટકા વધી 12.7 કરોડે પહોંચ્યાં
ઓગસ્ટમાં નવા 31 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયાં
ઓગસ્ટમાં શેરબજારમાં એક્ટિવ ક્લાયન્ટ્સનો રેશિયો 3.27 ટકા પર પહોંચ્યો

સેકન્ડરી માર્કેટ્સમાં તેજી વચ્ચે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની ભરમાર પાછળ ઓગસ્ટમાં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યામાં વાર્ષિક 26 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 12.7 કરોડ પર પહોંચી હતી. જુલાઈની સરખામણીમાં પણ ઓગસ્ટમાં ડિમેટ એકાઉન્ટ ઓપનીંગ્સની કામગીરીમાં વૃદ્ધિ જોવા મળી હતી. ઉપરાંત 2022-23માં જોવા મળતાં સરેરાશ પ્રતિ માસ 21 લાખ ડિમેટ એકાઉન્ટ ઓપનીંગની સરખામણીમાં ઓગસ્ટમાં 31 લાખ ડિમેટ ઓપન થયાં હતાં એમ મોતીલાલ ઓસ્વાલ ફાઈ. સર્વિસિઝનો રિપોર્ટ જણાવે છે.
માસિક ધોરણે ઓગસ્ટમાં ડિમેટ એકાઉન્ટ્સમાં 4.1 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જુલાઈમાં 30 લાખ ડિમેટ ઓપન થયાં હતાં. દેશના બે ડિપોઝિટરીઝ એનએસડીએલ અને સીડીએસએલનો ડેટા સૂચવે છે કે ઓગસ્ટની આખરમાં કુલ 12.7 કરોડ ડિમેટ એકાઉન્ટ્સ જોવા મળતાં હતાં. જે આંક ગયા વર્ષે ઓગસ્ટની આખરમાં 10.1 કરોડ પર હતો. જુલાઈની આખરમાં 12.3 કરોડ ડિમેટ એકાઉન્ટ જોવા મળતાં હતાં. કુલ 12.7 કરોડમાંથી એનએસડીએલ સાથે 3.3 કરોડ જ્યારે સીડીએસએલ સાથે 9.35 કરોડ ડિમેટ એકાઉન્ટ્સ જોવા મળે છે એમ સેબી ડેટા સૂચવે છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે એપ્રિલ મહિનાથી બજારમાં જોવા મળતી તેજી પાછળ ડિમેટ ઓપનીંગમાં વૃદ્ધિ જોવા મળી હતી. એમાં પણ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં ભારે તેજીને કારણે રિટેલ વર્ગ બજાર તરફ વળ્યો હતો. રોકાણકારોમાં ઈન્વેસ્ટમેન્ટને લઈને જાગૃતિ વધવાને કારણે પણ શેરબજારમાં રોકાણ માટેની ઈચ્છાશક્તિ વધી રહી છે. એનએસઈ ખાતે છેલ્લાં બે મહિનાથી એક્ટિવ ક્લાયન્ટ્સની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓગસ્ટમાં માસિક ધોરણે એક્ટિવ ક્લાયન્ટ્સની સંખ્યા વધી 3.27 ટકા પર જોવા મળી હતી. જે જુલાઈમાં 2.5 ટકા પર હતી. કુલ એક્ટિવ ક્લાયન્ટ્સમાંથી 60.8 ટકા હિસ્સો તો ટોચના પાંચ બ્રોકર્સનો હતો. જેમાં ઝેરોધા, આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ અને આઈઆઈએફએલ સિક્યૂરિટીઝનો સમાવેશ થતો હતો.

NSEની ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગને લંબાવવાની વિચારણા
એક્સચેન્જ સાંજે 6થી 9 દરમિયાન બીજુ ટ્રેડિંગ સત્ર શરૂ કરે તેવી શક્યતાં
સાંજના સત્રમાં માત્ર નિફ્ટી ફ્યુચર્સ અને નિફ્ટી ઓપ્શન્સમાં જ ટ્રેડિંગ થઈ શકશે
પ્રોપરાયટરી ટ્રેડર્સ અને હેજ ફંડ્સના ગિફ્ટ નિફ્ટી તરફ વળવાની ચિંતાને જોતાં એનએસઈ માટે અનિવાર્ય પગલું
એનએસઈએ ટ્રેડિંગ સમયગાળામાં વૃદ્ધિના પ્રસ્તાવને સેબીમાં સુપ્રત કર્યો છે, રેગ્યુલેટર તરફથી મંજૂરીની રાહ જોવાઈ રહી છે

વિશ્વમાં ટોચના ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મમાંનું એક એવું નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ) ટૂંકમાં જ તેના ડેરિવેટીવ્સ પ્લેટફોર્મના સમયગાળાને લંબાવવાની જાહેરાત કરે તેવી શક્યતાં છે. વર્તુળોના જણાવ્યા મુજબ એનએસઈ ચાલુ કેલેન્ડરની શરૂઆતથી આમ કરવા માટે વિચારણા ચલાવી રહ્યું છે અને હવે આ સંબંધી વિચારણા આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે.
જાણકાર વર્તુળોના કહેવા મુજબ એનએસઈ રેગ્યુલટ ટ્રેડિંગ અવર્સ ઉપરાંત સાંજે બીજું સત્ર શરૂ કરવા માટે વિચારણા ચલાવી રહ્યું છે. હાલમાં સવારે 9-15થી બપોરે 3-30 સુધી રેગ્યુલર ટ્રેડિંગ થતું હોય છે. જ્યારે એનએસઈ હવે સાંજે 6થી 9 દરમિયાન બીજું ટ્રેડિંગ સત્ર શરુ કરે તેવી શક્યતાં છે. તેઓ ઉમેરે છે કે એનએસઈ આ સત્રને પાછળથી વધુ લંબાવી 11-30 સુધી કરી શકે છે. લાંબા ટ્રેડિંગ કલાકો સાથે એનએસઈ ભારતીય ટ્રેડર્સને વૈશ્વિક ઘટનાઓની ઝડપી પ્રતિક્રિયા આપવા માટેની સુવિધા પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. લાંબા ટ્રેડિંગ સત્રને કારણે એક્સચેન્જને ટ્રેડિંગ વોલ્યુમમાં પણ ઊંચો લાભ થવાની ધારણા છે. ગિફ્ટ સિટી ખાતે દિવસમાં 22 કલાક લાંબા સમયગાળાને કારણે પ્રોપરાયટરી ડેસ્ક્સ અને હેજ ફંડ્સ ગિફટ નિફ્ટી તરફ વળી રહ્યાં હોવાની ચિંતાને જોતાં એનએસઈ માટે સ્થાનિક બજારમાં ટ્રેડિંગ અવર્સ વધારવા જરૂરી બની જાય છે એમ વર્તુળો જણાવે છે. એનએસઈના ચીફ બિઝનેસ ઓફિસર શ્રીરામ ક્રિષ્ણને તાજેતરમાં જણાવ્યું હતું કે કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ સમયગાળાને લંબાવવામાં ખચકાટ જોવા મળી રહ્યો છે. જોકે, ઈક્વિટી ડેરિવેટીવ્સની વાત છે તો તેને લઈને સર્વસંમતિ પ્રવર્તી રહી છે.
એનએસઈએ ટ્રેડિંગ સમયગાળામાં વૃદ્ધિ માટેના પ્રસ્તાવને સેબીમાં રજૂ કરી દીધો છે અને હવે માત્ર રેગ્યુલેટર તરફથી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. એ બાબત નોંધવી રહી કે સેબીએ અગાઉથી જ એફએન્ડઓ ટ્રેડિંગને 11-55 સુધી ચાલુ રાખવા માટેના નિયમો ઘડ્યાં છે. જ્યારે કેશ સેગમેન્ટને 5 વાગ્યા સુધી ચાલુ રાખવાના નિયમો પણ તૈયાર છે. આમ, એનએસઈને એફએન્ડઓ ટ્રેડિંગ સમયગાળો લંબાવવા માટે માત્ર ઔપચારિક્તાની જ રાહ જોવાની છે એમ વર્તુળો માને છે. અગાઉ, ગિફ્ટ નિફ્ટીના લોંચિગ વખતે એનએસઈના સીઈઓ આશિષ ચૌહાણે પણ જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક પ્લેટફોર્મ ખાતે પણ ટ્રેડિંગ અવર્સને વધારવા માટે વિચારી રહ્યાં છે. એનએસઈના બિઝનેસ ઓફિસરના જણાવ્યા મુજબ શરૂઆતમાં સાંજનું સત્ર 6થી 9 સુધીનું રહેશે. જે માત્ર નિફ્ટી ફ્યુચર્સ અને નિફ્ટી ઓપ્શન્સ પૂરતું જ રહેશે. તેમાં સ્ટોક ફ્યુચર્સ કે સ્ટોક ઓપ્શન્સનો સમાવેશ થતો હશે નહિ. જોકે, પાછળથી તેમાં સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સને ધીરે-ધીરે સમાવવામાં આવશે. જોકે, એક્સપાયરી ડે અને સમયગાળો તમામ પ્રોડક્ટ્સ માટે સમાન જ રહેશે. પાછળથી સાંજનું સત્ર 6થી લઈને 11.55 સુધીનું કરવાની શક્યતાં પણ એનએસઈના અધિકારી વ્યક્ત કરે છે. તેમજ સાંજના સત્રમાં વધુ પ્રોડક્ટ્સનો સમાવેશ પણ કરવામાં આવી શકે છે.
કેટલાંક બ્રોકરેજ હાઉસ સહિસના માર્કેટ પાર્ટિસિપન્ટ્સ જોકે એનએસઈના આ નિર્ણય માટે કોઈ ખાસ ઉત્સાહિત નથી જોવા મળી રહ્યાં. તેમના મતે લાંબા ટ્રેડિંગ સમયગાળાને કારણે વોલ્યુમમાં વૃદ્ધિ જોવા મળે તેવું માનવું જરૂરી નથી. તેના કારણે ઊલટાનું ખર્ચમાં વૃદ્ધિ થશે અને કર્મચારીઓમાં અસંતોષ ઊભો થઈ શકે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

તાતા સ્ટીલઃ રેટિંગ એજન્સી મૂડીઝે તાતાસ્ટીલના ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગને Ba1 પરથી અપગ્રેડ કરી Baa3 કર્યું છે. જ્યારે તેના આઉટલૂકને ‘પોઝીટીવ’ પરથી ‘સ્ટેબલ’ કર્યું છે. મૂડીઝના જણાવ્યા મુજબ કંપનીનું રેટીંગ તેના ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઓપરેશન્સનું પ્રતિબિંબ છે. કંપની ભારતમાં ઈન્ટિગ્રેટેડ કામગીરી ધરાવે છે. જ્યારે યુરોપ ખાતેની નુકસાનકર્તાં કામગીરી બંધ થવાની અપેક્ષા છે.
સ્ટ્રાઈડ્સ ફાર્માઃ કંપનીએ તેના કોન્ટ્રેક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યૂફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશન બિઝનેસને તથા સોફ્ટ જીલેટીન બિઝનેસને ડિમર્જ કરવાનો નિર્ણય લીધો છે. કંપની તેના સીડીએમઓ બિઝનેસ અને સ્ટેરિસાઈન્સ અને સોફ્ટ જિલેટીન બિઝનેસને સ્ટેલિસ હેઠળ જોડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેને વનસોર્સ તરીકે ઓળખવામાં આવશે એમ ફાઈલીંગમાં નોંધ્યું છે. સ્ટ્રાઈડ્સ ફાર્માના શેરધારકને સ્ટ્રાઈડ્સના બે શેર્સ સામે વનસોર્સનો એક શેર મળશે.
એમક્યોર ફાર્માઃ કંપની 2024માં 40-50 કરોડ ડોલરના આઈપીઓનું આયોજન કરી રહી છે. આ માટે તેણે જેપી મોર્ગન, કોટક અને જેફરિઝની નિમણૂંક પણ કરી છે. બેઈન કેપિટલનું સમર્થન ધરાવતી એમક્યોર 3 અબજ ડોલરનું વેલ્યૂએશન ઈચ્છી રહી છે. અગાઉ કંપનીએ 2022માં લિસ્ટીંગનો પ્રયાસ કર્યો હતો. જોકે, યૂક્રેન યુધ્ધને કારણે બજારમાં મંદી પાછળ તેને પડતો મૂક્યો હતો.
સોભા લિમિટેડઃ બેંગલૂરૂ સ્થિત કંપનીના પ્રમોટર્સે હોટેલ બિઝનેસમાં ડાયવર્સિફાઈ કરવાનું નિર્ણય લીધો છે. તેઓ યુએસ માર્કેટમાં પ્રવેશે તેવી શક્યતાં પણ છે. હાલમાં કંપની દુબઈ ખાતે મોટો રિઅલ્ટી બિઝનેસ ધરાવે છે. જેનું મૂલ્ય રૂ. 38 હજાર કરોડ જેટલું થવા જાય છે. કંપનીનો ભારતીય બિઝનેસ એક અબજ ડોલરથી દોઢ અબજ ડોલરનો બિઝનેસ ધરાવે છે. જ્યારે યુએસ ખાતે તે 10 અબજ ડોલરના બિઝનેસની તક જોઈ રહ્યું છે.
કર્ણાટક બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંક માર્ચ 2024 સુધીમાં રૂ. 700 કરોડનું ફંડ ઊભું કરશે. તેણે નાણા વર્ષના શરૂઆતી છ મહિના દરમિયાન સંસ્થાકિય રોકાણકારો પાસેથી રૂ. 800 કરોડ મેળવ્યાં હતાં. કંપની પ્રેફરન્શિયલ ઉપરાંત રાઈટ્સ ઈસ્યુનો વિકલ્પ ઊભો રાખશે.ફંડનો ઉપયોગ લોગ-ટર્મ બિઝનેસ જરૂરિયાતોમાં કરાશે.
સ્વાન એનર્જીઃ કંપનીએ સિંગાપુર સ્થિત GCP INAB પ્રા. લિ. પાસેથી રૂ. 1435 કરોડ ઊભાં કર્યાં છે. કંપનીએ પ્રેફરન્શિયલ શેર્સ ઈસ્યુ કરી આ ફંડ મેળવ્યું છે. સ્વાન એનર્જી એડીએજી જૂથની રિલાયન્સ નાવલ એન્ડ એન્જિનીયરીંગની ખરીદી માટે આ ફંડ ઊભું કર્યું છે. કંપનીએ રૂ. 495ના પ્રિમીયમે સિંગાપુર સ્થિત રોકાણકારને શેર્સ ઈસ્યુ કર્યાં હતાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage